સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અંધારી કોટડીમાંથી સ્વિટ્‌ઝર્લૅન્ડની સફરે

અંધારી કોટડીમાંથી સ્વિટ્‌ઝર્લૅન્ડની સફરે

મારો અનુભવ

અંધારી કોટડીમાંથી સ્વિટ્‌ઝર્લૅન્ડની સફરે

લોથાર વાલ્થરના જણાવ્યા પ્રમાણે

હું પૂર્વ જર્મની જેલમાં ત્રણ વર્ષ હતો. મને અંધારી કોટડીમાં પૂરવામાં આવ્યો હતો. હું દિવસો ગણતો કે ક્યારે એમાંથી છૂટીને મને ઘરે જવા મળે!

પછી જેલમાંથી છૂટીને હું ઘરે ગયો તો, મારો છ વર્ષનો દીકરો યોહાનસ મારી સાથે એવો વર્તાવ કરવા લાગ્યો જાણે હું સાવ અજાણ્યો હતો. તેણે છેલ્લા ત્રણ વર્ષથી મને જોયો જ ન હતો!

મારો જન્મ, ૧૯૨૮માં જર્મનીના કેમનીટ્‌ઝ શહેરમાં થયો હતો. મારા બચપણમાં એકદમ શાંતિ હતી, માબાપ સાથેની એ ખુશીની પળો મને હજુ યાદ છે. પણ મારા દીકરાના બચપણમાં એવી શાંતિ ન હતી. મારા પપ્પા બધાની આગળ કહેતા કે, ‘તે ધર્મથી નારાજ છે.’ તે કહેતા કે પહેલા વિશ્વયુદ્ધમાં બંને પક્ષના ખ્રિસ્તી સૈનિકો નાતાલના દિવસે એકબીજાને સામ-સામે શુભેચ્છા પાઠવતા. એના બીજા જ દિવસે તેઓ પૂરા ઝનૂનથી એકબીજાને મારી નાખતા હતા. એ કારણથી તે માનતા કે ‘ધર્મને નામે ધતિંગ થઈ રહ્યા છે.’

મને સત્ય મળ્યું

હું સત્તર વર્ષનો હતો ત્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું. એ સમયે જર્મનીના નિયમ પ્રમાણે બધા જ યુવાનોને લશ્કરમાં જોડાવું પડતું. પણ મને ખબર નથી કે હું એમાંથી કઈ રીતે બચી ગયો. ખરું કહું તો દુનિયામાં જે થઈ રહ્યું હતું એનાથી હું ખૂબ જ નારાજ હતો. મને મનમાં આવા સવાલો થતા કે ‘લડાઈઓ અને ખૂનખરાબી કેમ છે? મારે કોનો ભરોસો કરવો જોઈએ? ખરી સુખ-શાંતિ કોણ લાવશે?’ અમે પૂર્વ જર્મનીમાં રહેતા હતા. ત્યાં સોવિયેત રશિયાનું રાજ ચાલતું હતું. તેઓ કહેતા કે ‘સામ્યવાદી સરકાર ઇનસાફ લાવશે, બધાને એક સરખા કરશે. પછી બધે જ સુખ-શાંતિ ફેલાઈ જશે.’ લોકો લડાઈઓથી થાકી ગયા હોવાથી તેઓ પણ એવા સપનાઓ જોવા લાગ્યા. પણ એ તો તેઓનો ભ્રમ હતો. જલદી જ તેઓએ કડવી હકીકતનો સામનો કર્યો. આ વખતે ધર્મએ નહિ પણ રાજકારણે તેઓને દગો દીધો.

હું મારા પ્રશ્નોના જવાબ શોધતો હતો ત્યારે, મારી માસીએ મને બાઇબલ સમજાવતું એક પુસ્તક આપ્યું. તે પોતે યહોવાહની એક સાક્ષી હતી અને તેના વિશ્વાસ વિષે ઘણી વાર મારી સાથે વાત કરતી. એ પુસ્તક વાંચ્યા પછી, મને જીવનમાં પહેલી વાર માત્થી ૨૪મો અધ્યાય વાંચવાનું મન થયું. એ પુસ્તકમાં સહેલી રીતે સમજાવવામાં આવ્યું હતું કે, આપણે આ જગતના ‘અંતના સમયમાં’ જીવી રહ્યા છીએ. એ કારણથી આજે બધે જ તકલીફો છે. એ વાંચીને મારા પર ઊંડી અસર થઈ!—માત્થી ૨૪:૩; પ્રકટીકરણ ૧૨:૯.

થોડા સમય પછી, મારી માસીએ મને બીજા પુસ્તકો આપ્યા. એ હું વાંચતો ગયો તેમ મારું હૈયું નાચી ઊઠ્યું. હું પારખી શક્યો કે આ જ ઈશ્વરનું સત્ય છે, જેની હું શોધ કરતો હતો. એમાંથી હું શીખ્યો કે ૧૯૧૪માં ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં, યહોવાહ પરમેશ્વરના રાજ્યના રાજા બન્યા હતા. તેથી તે બહુ જ જલદી શેતાન અને દુષ્ટ લોકોનો નાશ કરશે. તેમ જ જેઓ યહોવાહના માર્ગે ચાલે છે તેઓ કાયમ માટે સુખ-શાંતિથી પૃથ્વી પર જીવશે! એટલું જ નહિ, હું એ પણ શીખ્યો કે ઈસુએ આપણા માટે પોતાની કુરબાની આપી, જેથી આપણા માટે જીવનનો માર્ગ ખૂલી જાય! પછી મેં યાકૂબ ૪:૮ના શબ્દો વાંચ્યા: “તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.” એ શબ્દો વાંચીને મારું હૈયું ઊભરાઈ આવ્યું. તેથી મેં પછી દિલ ખોલીને યહોવાહને પ્રાર્થના કરી: ‘હે ઈશ્વર, મને ક્ષમા કર. હું તને ઓળખતો ન હતો.’ આમ મારા દિલમાં યહોવાહ માટે ફૂલની જેમ પ્રેમ ખીલ્યો.

હું નવા ધર્મ વિષે જે શીખ્યો એ મારા કુટુંબને ખુશીથી જણાવવા લાગ્યો. તેમ છતાં મારા માબાપ અને બહેન એ માનવા તૈયાર ન હતા. તોપણ ઈશ્વરના સત્ય માટે મારો રસ ઠંડો થયો ન હતો. કેમનીટ્‌ઝ શહેરના બાજુના ગામમાં યહોવાહના સાક્ષીઓનું એક ગ્રૂપ હતું. ત્યાં હું તેઓની સભામાં જવાનો હતો. હું સભામાં જવા ઘરેથી નીકળ્યો તો, મારી નવાઈમાં મારા માબાપ અને મારી બહેન પણ સાથે આવવા લાગ્યા. આમ, અમે ૧૯૪૫ના શિયાળામાં પહેલી વાર સાક્ષીઓની સભામાં ગયા! એના થોડા સમય પછી, અમારા ગામમાં, એટલે હારથોમાં સાક્ષીઓનું નવું ગ્રૂપ શરૂ કરવામાં આવ્યું. ત્યાં મારા માબાપ અને મારી બહેન પણ બાઇબલની દર સભામાં જવા લાગ્યા.

“હું હજી બાળક છું”

હું દરેક સભાઓમાં જવા લાગ્યો તેમ હીરા જેવું સત્ય બાઇબલમાંથી શીખતો ગયો. તેમ જ ભાઈ-બહેનોની મધુર સંગતથી મને ખૂબ જ ઉત્તેજન મળ્યું. તેથી મે ૨૫, ૧૯૪૬ના રોજ મેં બાપ્તિસ્મા લીધું. એના થોડા વખત પછી, મારા માબાપ અને બહેને પણ બાપ્તિસ્મા લીધું. ત્યારે મારી ખુશીનો કોઈ પાર ન હતો. અમુક વર્ષો પછી મારી મમ્મી ૧૯૬૫માં અને પપ્પા ૧૯૮૬માં ગુજરી ગયા. તેઓ બંને મરણ સુધી યહોવાહની સેવામાં ઉત્સાહી હતા. મારી બહેન આજે પણ કેમનીટ્‌ઝ મંડળમાં સેવા આપી રહી છે.

મેં બાપ્તિસ્મા લીધું એના છ મહિના પછી હું મિશનરીની જેમ પૂરો સમય પ્રચાર કરવા લાગ્યો. ત્યારથી મેં યહોવાહના માર્ગમાં લાંબી મુસાફરી શરૂ કરી. એમાં મારે સુખ દુખમાં યહોવાહનો શુભસંદેશો બધાને જણાવવાનો હતો. (૨ તીમોથી ૪:૨) એ સમયે મેં અને બીજા એક ભાઈએ સાંભળ્યું હતું કે પૂર્વ જર્મનીના અમુક ભાગોમાં યહોવાહનો પ્રચાર કરવા માટે ભાઈ-બહેનોની ઘણી જ જરૂર છે. એ સાંભળીને અમે અમારું નામ લખાવ્યું કે અમે જવા તૈયાર છીએ. તેમ છતાં, મને ખબર હતી કે આ રીતે સેવા આપવા માટે હું તૈયાર નથી. કેમ કે હું ફક્ત ૧૮ વર્ષનો જ હતો. એટલું જ નહિ, પણ એ ઉંમરે મારી પાસે શું અનુભવ હોય શકે? એ સમયે હું પણ યિર્મેયાહની જેમ અનુભવતો હતો: “મને તો બોલતાં આવડતું નથી; કારણ કે હું હજી બાળક છું.” (યિર્મેયાહ ૧:૬) તેમ છતાં, જવાબદાર ભાઈઓએ અમને બ્રાન્ડનબર્ગ રાજ્યના નાના ગામમાં, એટલે બૅલ્ટીઝીકમાં પ્રચાર કરવા મોકલ્યા!

બૅલ્ટીઝીકમાં પ્રચાર કરવો કંઈ સહેલું ન હતું. કેમ કે ત્યાંના લોકો મોટા ભાગે કૅથલિક કાં તો પ્રોટેસ્ટંટ ધર્મના હતા. તેમ છતાં ત્યાં પ્રચાર કરવો અમારા માટે સારો અનુભવ હતો. સમય જતા, વેપારમાં આગળ પડતી અમુક સ્ત્રીઓ અમારી સાથે બાઇબલમાંથી શીખવા લાગી અને પછી તેઓ પણ યહોવાહની સાક્ષીઓ બની. ત્યાંના બધા જ લોકો ખૂબ ધર્મચુસ્ત હતા. તેથી અમારા પ્રચાર કાર્યથી એ નાના ગામમાં હાહાકાર મચી ગયો હતો. એ કારણથી કૅથલિક અને પ્રોટેસ્ટંટ પંથના પાદરીઓએ અમારા પ્રચાર કાર્ય વિષે જૂઠાણું ફેલાવીને આગમાં ઘી હોમ્યું. તોપણ અમને યહોવાહ પર પૂરી શ્રદ્ધા હતી કે તે અમને માર્ગદર્શન અને રક્ષણ આપશે. અમે એવા વિશ્વાસથી પ્રચાર કાર્ય ચાલુ રાખ્યું અને ઘણા લોકોને સત્ય શીખવા મદદ કરી શક્યા.

સતાવણીના વાદળો ઘેરાવા લાગ્યા

વર્ષ ૧૯૪૮માં ઘણા આશીર્વાદો આવ્યા, અને એની સાથે સાથે મુશ્કેલીઓ પણ આવી. ચાલો હું તમને પહેલા આશીર્વાદો વિષે જણાવું. મને હવે જર્મનીના થરિંજીયા રાજ્યના રૂડોલષ્ટાટ શહેરમાં જઈને પ્રચાર કરવાનું કહેવામાં આવ્યું. ત્યાંના ભાઈ-બહેનોની સંગત અને તેઓ સાથે પ્રચાર કરવાની મને બહુ જ મજા આવી. એ જ વર્ષમાં બીજો આશીર્વાદ એ હતો કે, જુલાઈ ૧૯૪૮માં, ઍરીકા ઊમાન સાથે મારા લગ્‍ન થયા. હું ઍરીકાને ઘણાં વર્ષોથી ઓળખતો હતો. ખરું કહું તો, હું બાઇબલ વિષે શીખવા કેમનીટ્‌ઝ મંડળમાં જતો હતો ત્યારથી તેને ઓળખતો હતો. તે યહોવાહના રાજ્ય વિષે પ્રચાર કરવા બહુ જ ઉત્સાહી હતી. હું યહોવાહનો સાક્ષી બન્યો પછી અમે બંનેએ હારથો મંડળમાં સાથે પાયોનિયરીંગ શરૂ કર્યું. પરંતુ સમય જતા તેને બહુ સારું રહેતું ન હતું. તેમ જ બીજા કારણો પણ હતા જેના લીધે તેણે પછી પાયોનિયરીંગ બંધ કર્યું.

પહેલાં જણાવ્યા પ્રમાણે એ બે મોટા આશીર્વાદો હતા. પણ પૂર્વ જર્મનીમાં રહેતા યહોવાહના સાક્ષીઓ માટે ૧૯૪૮માં આકરો સમય હતો. કેમ કે કેમનીટ્‌ઝ શહેરના અધિકારીઓને યહોવાહના સાક્ષીઓનું પ્રચાર કાર્ય બંધ કરવું હતું. તેથી, તેઓએ મારું રાશન કાર્ડ લઈ લીધું. તેઓને લાગ્યું કે એમ કરવાથી હું પ્રચાર કામ બંધ કરીને ફૂલ ટાઈમ નોકરી કરવા લાગીશ. મંડળના વડીલોને ખબર પડી ત્યારે તેઓ મદદ આપવા દોડી આવ્યા. કઈ રીતે? તેઓએ મારો કેસ હાથમાં લીધો, જેથી તેઓ જર્મન સરકારને અરજ કરી શકે કે, યહોવાહના સાક્ષીઓને પણ કાયદેસર બીજા ધર્મોની જેમ પ્રચાર કરવાનો હક્ક મળવો જોઈએ. તેમ છતાં જૂન ૨૩, ૧૯૫૦માં સરકારે એ મંજૂર ન કર્યું. એના બદલે તેઓએ મને દંડ ભરવા અથવા ૩૦ દિવસની જેલની સજા ભોગવવા કહ્યું. તેથી અમે અપીલ કરી. પણ ઉચ્ચ અદાલતે અમારી અપીલ માન્ય ન કરી, અને મને જેલ થઈ.

એના પરથી દેખાઈ આવ્યું કે સતાવણીના વાદળો ઘેરાઈ રહ્યાં છે. એના થોડા દિવસો પછી, સપ્ટેમ્બર, ૧૯૫૦માં સાક્ષીઓના દુશ્મનોએ ટીવી-રેડિયો અને છાપામાં સાક્ષીઓ વિષે ખોટી અફવા ફેલાવી કે પશ્ચિમ દેશોમાંથી જર્મનીમાં જાસૂસો આવ્યા છે. તેઓએ કહ્યું કે ધર્મનો પ્રચાર કરવાનો વેશ લઈને જાસૂસી કરી રહ્યા છે. તેથી સામ્યવાદી સરકારે ૧૯૫૦માં સાક્ષીઓનું પ્રચાર કામ બંધ કરાવ્યું. જે દિવસે પ્રચાર બંધ કરવાનો હુકમ આવ્યો એ જ દિવસે મારા દીકરા યોહાનસનો જન્મ થયો હતો. ત્યારે હું જેલમાં હતો. એ અફવાને કારણે પોલીસ ઘરમાં તલાશી લેવા આવી હતી. દાઈએ તેઓને પછી આવવા કહ્યું તોપણ તેઓ બળજબરીથી ઘરમાં ઘુસી આવ્યા અને તલાશી લીધી. પણ તેઓને ખાલી હાથે પાછા જવું પડ્યું. તેથી તેઓએ મંડળમાં જાસૂસો મોકલ્યા. એ કારણથી મંડળના બધા જ વડીલોને ઑક્ટોબર, ૧૯૫૩માં ગિરફતાર કરવામાં આવ્યા. તેઓમાં હું પણ હતો.

અંધારી કોટડીમાં

પછી અમને નિર્દોષ હોવા છતાં ગુનેગાર ઠરાવવામાં આવ્યા. અમારામાંથી બધાને ત્રણ અથવા છ વર્ષની જેલ થઈ. એ સજા ભોગવવા અમને ઝવીકાઉ શહેરમાં આવેલ ઓસ્ટેરષ્ટાઇન જેલમાં લઈ જવામાં આવ્યા. એ જેલ ભોંયરાંમાં હોવાથી બહુ જ ગંધાતી હતી. એમાં ઘણા સાક્ષીઓને પૂરવામાં આવ્યા હતા. તેઓ સાથે રહેવાની મને બહુ જ મજા આવી. કેમ કે વર્ષોથી યહોવાહની સેવા કરતા અમુક ભાઈઓ પણ એ જેલમાં હતા. તેઓ સાથે વાતચીત કરવાથી અમને ઘણું ઉત્તેજન મળ્યું. બીજું કે યહોવાહના રાજ્યનો પ્રચાર કરવાથી સરકારે અમને જેલ તો કરી હતી. તોપણ અમને જેલમાં ચોકીબુરજ મળતું! કઈ રીતે?

જેલમાં સજા ભોગવતા અમુક ભાઈઓ કોલસાની ખાણમાં કામ કરતા હતા. એ ખાણોમાં બીજા સાક્ષીઓ પણ કામ કરતા, જેઓની હજી ધરપકડ થઈ ન હતી. તેઓ કામ પર આવતા ત્યારે સંતાડીને અમારા માટે મૅગેઝિનો લાવતા. આ રીતે અમને બધાને જેલમાં યહોવાહને વફાદાર રહેવા ઉત્તેજન મળતું. આ અનુભવથી હું જોઈ શક્યો કે યહોવાહે જેલમાં પણ અમારો હાથ છોડ્યો ન હતો. એનાથી મને ખૂબ જ ઉત્તેજન મળ્યું.

પછી અમને ૧૯૫૪માં ઝવીકાઉથી ટોરઘાઉ જેલમાં લઈ જવામાં આવ્યા. એ જેલમાં ખૂબ જ ક્રૂર વર્તાવ કરવામાં આવતો. એ માટે ટોરઘાઉ જેલ બહુ જ પ્રખ્યાત હતી. એ જેલમાં ખોટી સજા ભોગવતા સાક્ષીઓએ અમને પ્રેમથી આવકાર આપ્યો. કેમ? કેમ કે અમે એ જેલમાં ગયા ત્યાં સુધી તેઓને કોઈ નવું ચોકીબુરજ મળ્યું ન હતું. તેમ છતાં, વિશ્વાસમાં અડગ રહેવા તેઓ યાદ કરતા કે, પોતે જેલમાં આવ્યા એ પહેલાં મૅગેઝિનોમાંથી શું શીખ્યા હતા. પરંતુ તેઓ નવા મૅગેઝિનોના ભૂખ્યા હતા! ઝવીકાઉ જેલમાં અમે ચોકીબુરજમાંથી ઘણું શીખ્યા હતા. હવે અમારી જવાબદારી હતી કે અમે જે શીખ્યા, એ ટોરઘાઉ જેલમાં સાક્ષીઓને જણાવીએ. પણ તેઓને જણાવવું કેવી રીતે? જોકે દરરોજ કેદીઓને કસરત કરવા માટે લઈ જવામાં આવતા, પણ વાતચીત કરવાની કડક મનાઈ હતી. આવા સંજોગોમાં શું કરવું એના વિષે ભાઈઓએ અમને ઝવીકાઉ જેલમાં ઘણા સૂચનો આપ્યા હતા. તેમ જ યહોવાહ અમને માર્ગદર્શન આપી રહ્યા હતા. આ અનુભવમાંથી હું શીખ્યો કે, આઝાદ હોઈએ ત્યારે આપણે દરેકે બરાબર બાઇબલનો અભ્યાસ કરવો જ જોઈએ. બીજું કે જે શીખીએ એના પર ઊંડો વિચાર કરવો જોઈએ.

મહત્ત્વનો નિર્ણય લેવાનો સમય

યહોવાહની મદદથી અમે વિશ્વાસમાં અડગ રહી શક્યા. સરકારે અણધારી રીતે ૧૯૫૬ના અંતમાં ઘણા સાક્ષીઓની સજા માફ કરી અને જેલના દરવાજાઓ ખુલી ગયા. ત્યારે અમને એટલી તો ખુશી થઈ હતી, કે શબ્દોમાં જણાવી શકતો નથી! હું જેલમાંથી છૂટ્યો ત્યાં સુધી ઍરીકા એકલા હાથે અમારા યોહાનસનું ભરણ-પોષણ કરતી હતી. તે છ વર્ષનો થઈ ગયો હતો. તેઓ સાથે ફરીથી રહેવા હું જાણે રાહ જોઈ શકતો ન હતો. હું તેને મળ્યો ત્યારે, જાણે હું સાવ અજાણ્યો હોય એવો તે મારી સાથે વર્તાવ કરવા લાગ્યો. એના થોડા સમય પછી તે મને પપ્પા કહેવા લાગ્યો.

તેમ છતાં, પૂર્વ જર્મનીમાં સાક્ષીઓ સતાવણીનાં વાદળોથી ઘેરાયેલા હતા. કેમ કે તેઓએ લડાઈમાં ભાગ લેવાની ના પાડી હતી. બીજું કે તેઓ યહોવાહનો પ્રચાર કરતા હતા. સરકારને એ જરાય પસંદ ન હતું. તેથી તેઓનું જીવન કાયમ ભયમાં રહેતું. એવા સંજોગોમાં રહેવાનો ડર લાગતો, ચિંતાઓ થતી અને થાકી પણ જવાતું. એ કારણથી મેં અને ઍરીકાએ પ્રાર્થનાપૂર્વક વિચાર્યું કે અમને બીજે ક્યાંક જવાની જરૂર છે, જેથી અમે શાંતિથી જીવી શકીએ અને યહોવાહની સેવામાં મંડ્યા રહીએ.

વર્ષ ૧૯૫૭માં અમને પશ્ચિમ જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં રહેવા જવાની તક મળી. ત્યાં પ્રચાર કરવાની અને ખ્રિસ્તી ભાઈ-બહેનો સાથે રોક-ટોક વગર મળવાની છૂટ હતી. નવા દેશમાં સેટલ થવા માટે ભાઇ-બહેનોએ ખૂબ જ સાથ આપ્યો હતો. અમે ત્યાંના હીડેલફિનજર મંડળમાં સાત વર્ષ સેવા આપી હતી. એ સમયે યોહાનસ સ્કૂલે જતો અને સત્યમાં પણ સારી પ્રગતિ કરતો હતો. વર્ષ ૧૯૬૨માં વિસ્બાડન શહેરમાં વડીલો માટે સ્કૂલ રાખવામાં આવી હતી. એ સ્કૂલમાં હું પણ ગયો હતો. એ સ્કૂલમાં મને ઉત્તેજન આપવામાં આવ્યું કે જર્મન ભાષા જાણતા હોવાથી, હું મારા કુટુંબ સાથે અમુક જર્મનભાષી વિસ્તારોમાં બાઇબલ શીખવવા જાઉં. એમાં જર્મની અને સ્વિટ્‌ઝર્લૅન્ડના અમુક ભાગો પણ આવી જતા હતા.

સ્વિટ્‌ઝર્લૅન્ડમાં રહેવા ગયા

તેથી અમે ૧૯૬૩માં સ્વિટ્‌ઝર્લૅન્ડ રહેવા ગયા. અમને કહેવામાં આવ્યું હતું કે બ્રુન્‍ન ગામમાં નાનું મંડળ છે. એ ગામની આસપાસનું વાતાવરણ બહુ જ સુંદર છે. એ જોઈને અમને તો એમ જ લાગ્યું કે પૃથ્વી પર સ્વર્ગ આવી ગયું છે! પરંતુ અમે ત્યાંના લોકોને પ્રચાર કરવા જઈએ એ પહેલાં તેઓની પહાડી જર્મન ભાષા અને તેઓની રીતભાત શીખવાની જરૂર હતી. તેમ છતાં, ત્યાંના લોકોને બાઇબલનું સત્ય શીખવવામાં અમને બહુ જ મજા આવતી. અમે ત્યાં ૧૪ વર્ષ હતા. ત્યાં સુધીમાં અમારો યોહાનસ પણ મોટો થઈ ગયો.

વર્ષ ૧૯૭૭માં અમને સ્વિટ્‌ઝર્લૅન્ડ બેથેલમાંથી પત્ર મળ્યો. બેથેલમાં સેવા આપતા ભાઈઓ અમને પૂછતા હતા કે ‘તમે બેથેલમાં સેવા આપવા આવશો?’ એ સમયે હું લગભગ પચાસ વર્ષનો હતો. પરંતુ આવું તો અમે કદી સપનામાં પણ ધાર્યું ન હતું! તેથી અમે વિચારીને ‘હા’ પડી. યહોવાહ તરફથી અમારા પર આ મહાન આશીર્વાદ હતો! બેથેલમાં સેવા આપવાથી અમને ખૂબ જ શીખવાનું મળ્યું અને એ સેવાનો ઘણો આનંદ માણ્યો. એ અનુભવ અમે કદી ભૂલીશું નહિ. તેમ જ થુન શહેરમાં રહેતા ભાઈ-બહેનો સાથે પ્રચારમાં કામ કરવાની પણ બહુ મજા આવતી. એ જ રીતે કુદરતી સૌંદર્ય જોઈને પણ અમે યહોવાહના ખૂબ ગુણગાન ગાતા.—ગીતશાસ્ત્ર ૯:૧.

નવી સોંપણી

અમને ૧૯૮૬ની વસંતઋતુમાં બીજી સોંપણી મળી. એ હતી પૂર્વ સ્વિટ્‌ઝર્લૅન્ડના, બક મંડળ સાથે ખાસ પાયોનિયર તરીકે પૂરો સમય પ્રચાર કરવાની. ત્યાં ઘણા એવા વિસ્તારો હતા જ્યાં પ્રચાર કરવામાં આવ્યો ન હતો. ફરી અમને એ વિસ્તારના લોકોની રીતભાત શીખવાની જરૂર હતી. તેમ છતાં, અમે યહોવાહની સેવા કરવા તૈયાર હતા. એ કારણથી અમને પુષ્કળ આશીર્વાદો મળ્યા. અમુક વાર હું જુદા જુદા મંડળોની સરકીટ નિરીક્ષક તરીકે મુલાકાત લઈને તેઓને ઉત્તેજન આપતો. આ રીતે અમે બક મંડળમાં અઢાર વર્ષ સેવા આપી અને અમને પુષ્કળ આશીર્વાદો મળ્યા. એ કારણથી મંડળમાં વધારો થયો, અને સભા માટે નવો કિંગ્ડમ હૉલ પણ બાંધ્યો. એ હૉલ અમે આજે પાંચ વર્ષથી સભાઓ માટે વાપરીએ છીએ.

અમે મોટા ભાગનું જીવન યહોવાહની સેવામાં વાપર્યું છે. તેથી ઘણા આશીર્વાદો મળ્યા છે. એ હદ સુધી કે અમને કશાની ખોટ પડી નથી. તેમ જ અમારા દીકરાનું અને તેના દીકરા-દીકરીનું કુટુંબ પણ યહોવાહની સેવા કરે છે. એ જોઈને અમને ખૂબ જ સંતોષ મળે છે.

હું અમારા જીવન પર નજર નાખું છું ત્યારે, પૂરી ખાતરીથી કહી શકું છું કે, અમે યોગ્ય અને અયોગ્ય સમયે પણ અમારાથી થઈ શકે તેમ યહોવાહની સેવા કરી છે. યહોવાહની સેવા કરવાથી હું સામ્યવાદીની જેલમાં ગયો અને ત્યાંથી સુંદર સ્વિટ્‌ઝર્લૅન્ડ દેશમાં પણ ગયો. હા, મને અને મારા કુટુંબને અમારી સેવાથી જરાય અફસોસ થતો નથી.

[બોક્સ on page 28]

નાઝી અને સામ્યવાદીએ જેલ કરી છતાં વિશ્વાસમાં અડગ રહ્યા

બીજા વિશ્વયુદ્ધમાં, સામ્યવાદી સરકારે પૂર્વ જર્મનીમાં રહેતા યહોવાહના સાક્ષીઓ સાથે ક્રૂર વર્તાવ કર્યો હતો. અહેવાલ બતાવે છે કે યહોવાહના સાક્ષીઓ લડાઈમાં ભાગ લેતા ન હોવાથી અને ઈશ્વરના રાજ્ય વિષે પ્રચાર કરતા હોવાથી, પાંચ હજારથી ઉપર સાક્ષીઓને જુલમી છાવણીમાં મોકલવામાં આવ્યા હતા.—યશાયાહ ૨:૪.

ઘણા સાક્ષીઓને બે સરકારોના રાજમાં જેલ થઈ હતી. નાઝીના રાજમાં લગભગ ૩૨૫ સાક્ષીઓને યાતના શિબિરોમાં મોકલવામાં આવ્યા હતા. પછી ૧૯૫૦માં, પૂર્વ જર્મનીમાં સાત્સી નામની નવી સરકાર આવી. તેઓએ પણ ઉપર જણાવેલા કારણોસર સાક્ષીઓ પર જુલમ કર્યો હતો. ઘણી વાર નાઝી અને પછી સાત્સી સરકારે એક જ જેલ વાપરી હતી.

વર્ષ ૧૯૫૦-૬૧માં સાઠથી વધારે સાક્ષીઓ એટલે સ્ત્રી-પુરુષો જેલમાં મરણ પામ્યા હતા. કેમ કે તેઓ પર ક્રૂર વર્તાવ કરવામાં આવ્યો, ભૂખે મારવામાં આવ્યા, ઘણા બીમારી અને ઘડપણને લીધે મરણ પામ્યા. બાર સાક્ષીઓને આજીવન કેદ થઈ હતી. પછી સમય જતાં એમાંથી ૧૫ વર્ષની જેલ કરવામાં આવી.

પૂર્વ જર્મનીના બર્લિનમાં પહેલા સાત્સી સરકારની હેડઑફિસ હતી. એમાં આજે પ્રદર્શન રાખવામાં આવ્યું છે કે યહોવાહના સાક્ષીઓ પર કઈ રીતે ૪૦ વર્ષ સુધી જુલમ ગુજારવામાં આવ્યો હતો. એમાં ઘણા સાક્ષીઓના ફોટા અને તેઓના અનુભવો પણ જોવા મળે છે. સાક્ષીઓને એ જુલમ સહન કરવા ક્યાંથી મદદ મળી અને તેઓ કેવી રીતે વિશ્વાસમાં અડગ રહ્યા એ પણ એમાં જણાવ્યું છે.

[ચિત્ર on page 24, 25]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

પૂર્વ જર્મની

રૂડોલષ્ટાટ

બેલઝિગ

ટોરઘાઉ

કેમનીટ્‌ઝ

ઝવીકાઉ

[પાન ૨૫ પર ચિત્ર]

ઝવીકાઉનો ઓસ્ટેરષ્ટાઇન મહેલ

[ક્રેડીટ લાઈન]

Fotosammlung des Stadtarchiv Zwickau, Deutschland

[પાન ૨૬ પર ચિત્ર]

મારી પત્ની ઍરીકા સાથે