સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આફતના સમયે ભલું કરવું

આફતના સમયે ભલું કરવું

આફતના સમયે ભલું કરવું

પ્રેષિત પાઊલે અરજ કરી: “આપણે બધાંઓનું, અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારૂં કરીએ.” (ગલાતી ૬:૧૦) આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓ આ સિદ્ધાંતને પોતાના જીવનમાં લાગુ પાડે છે. એટલે જ તેઓ સર્વ માટે અને ખાસ કરીને પોતાના ખ્રિસ્તી ભાઈબહેનો માટે હંમેશાં ભલાઈના કામ કરે છે. મુશ્કેલી કે આફતના સમયે એ ઘણી વાર જોવા મળ્યું છે. ચાલો આપણે એ વિષે ત્રણ દેશોના દાખલા જોઈએ.

ડિસેમ્બર ૨૦૦૨માં ગુઆમ ટાપુ પર એકાએક ભારે વંટોળિયો આવી ચડ્યો હતો. એ વખતે કલાકના ૩૦૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હતો. એનાથી ઘણાં ઘરોમાં તિરાડો પડી ગઈ અને કેટલાય ઘરો પડી ભાંગ્યા. આ આફતનો ભોગ બનેલા પરિવારોને મદદ કરવા માટે ત્યાંના ભાઈબહેનોએ તરત ગોઠવણ કરી. ગુઆમ બ્રાંચે નુકસાન પામેલા ઘરોને ફરીથી બનાવવા માટે અમુક કાચી સામગ્રી અને કામદારો મોકલ્યા. હવાઈ બ્રાંચે પણ તેઓને ટેકો આપ્યો. આ આફત આવી પડી એના અમુક અઠવાડિયામાં જ હવાઈમાંથી ભાઈબહેનો બાંધકામમાં મદદ કરવા આવી પહોંચ્યા. કેટલાક સ્થાનિક ભાઈબહેનોએ પણ નોકરી પરથી રજાઓ લઈને તેઓને મદદ કરી. આમ, તેઓમાં એકબીજાને સહકાર આપવાનું વલણ જોઈને સમાજના સર્વ લોકોનું ધ્યાન ખેંચાયું હતું.

મ્યાનમારની મધ્યમાં આવેલા માંડલે શહેરમાં, એક કિંગ્ડમ હૉલની નજીક અચાનક આગ ફાટી નીકળી. એની નજીકમાં જ એક બહેન તેમના પરિવાર સાથે રહેતા હતા. પરંતુ, એ બહેન સત્યમાં ઠંડા પડી ગયા હતા. આગની જ્વાળા બહેનના ઘર બાજુ આવતી હોવાથી તે મદદ માટે કિંગ્ડમ હૉલમાં દોડી ગયા. એ વખતે હૉલમાં સમારકામ ચાલતું હોવાથી ઘણા ભાઈઓ ત્યાં હતા. આ બહેનને જોઈને ભાઈઓને થોડી નવાઈ લાગી. કેમ કે તેઓ જાણતા ન હતા કે બહેન એ જ વિસ્તારમાં રહે છે. હકીકત જાણીને ભાઈઓ તરત આ બહેનને મદદ કરવા દોડી ગયા. તેઓએ તેમના પરિવારનો સામાન સલામત જગ્યાએ મૂકવામાં મદદ કરી. જોકે, આ બહેનના પતિ સાક્ષી ન હતા. તેમને આગ વિષે જેવી ખબર પડી કે તરત તે હાંફળાં-ફાંફળાં થતા ઘરે આવ્યા. ઘરે આવીને તેમને શું જોવા મળ્યું? ભાઈઓ તેમના પરિવારની કાળજી રાખી રહ્યાં હતા! એ જોઈને તે બહુ પ્રભાવિત થયા. કેમ કે આવી પરિસ્થિતિનો લાભ ઉઠાવીને અમુક લુટારાઓ વસ્તુઓ ચોરી જતા હોય છે. પરંતુ, ભાઈઓની મદદ અને પ્રેમ જોઈને આ બહેન અને તેમનો દીકરો ફરીથી મંડળમાં આવવા લાગ્યા. અને તેઓ હવે નિયમિત રીતે સભાઓમાં આવે છે.

મોઝામ્બિકમાં ગયા વર્ષે પૂરતો વરસાદ પડ્યો ન હોવાથી દુકાળ પડ્યો હતો. તેથી, યહોવાહના સાક્ષીઓની સ્થાનિક બ્રાંચ ઑફિસે જરૂર હોય ત્યાં તરત જ ખોરાક પૂરો પાડ્યો. ખોરાકનું કિંગ્ડમ હૉલમાંથી વિતરણ કરવામાં આવ્યું હતું. ઘણી વાર સભા પછી ખોરાક વહેંચી આપવામાં આવતો. બાળકોને એકલે હાથે ઉછેરતી એક બહેને કહ્યું: “હું સભામાં આવી ત્યારે બહુ જ ઉદાસ હતી. કેમ કે હું જાણતી ન હતી કે જઈને મારા બાળકોને શું ખવડાવીશ.” પરંતુ, ભાઈઓએ પ્રેમાળ મદદ આપી હોવાથી બહેનને ખૂબ ઉત્તેજન મળ્યું. તેણે કહ્યું: “એનાથી જાણે મને નવું જીવન મળ્યું હોય એમ લાગ્યું.”

સાક્ષીઓ લોકોને બાઇબલમાંથી દિલાસો અને આશા પણ આપે છે. આમ, તેઓ ઈશ્વરનું જ્ઞાન મેળવવા લોકોને મદદ કરીને બધાનું સારું કરે છે. તેઓ શાણા રાજા સુલેમાનની જેમ માને છે: “જે કોઇ [ઈશ્વરનું] સાંભળશે તે સહીસલામત રહેશે, અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.”—નીતિવચનો ૧:૩૩.

[પાન ૩૧ પર ચિત્ર]

૧, ૨. મોઝામ્બિકમાં જરૂરિયાતવાળા લોકોને ખોરાક વહેંચી આપ્યો

૩, ૪. ગુઆમમાં ભારે વંટોળિયાથી ઘણાં ઘરો ભાંગી પડ્યા

[ક્રેડીટ લાઈન્સ]

ડાબી બાજુ બાળક: Andrea Booher/FEMA News Photo; સ્ત્રી, ઉપર: AP Photo/Pacific Daily News, Masako Watanabe