સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“આવીને અમને સહાય કર”

“આવીને અમને સહાય કર”

રાજ્ય પ્રચારકોનો અહેવાલ

“આવીને અમને સહાય કર”

દક્ષિણ અમેરિકામાં બોલિવિયા નામે એક દેશ છે. અહીં બધા સ્પૅનિશ ભાષા બોલે છે. પણ ત્યાં સાંતા ક્રૂઝ નામે એક શહેર છે જેની ૩૦૦ કિલોમીટરની આસપાસ રહેતા લોકો જર્મન ભાષા બોલે છે. વળી, આ લોકોનો ધર્મ પ્રોટેસ્ટંટ છે. તેઓ યહોવાહના સત્ય વિષે કંઈ જાણતા ન હતા. તો પછી, તેઓને કોણ શીખવવાના હતા? આ ખાસ કામ માટે બીજા દેશોના ભાઈ-બહેનોને પૂછવામાં આવ્યું ત્યારે, જુલાઈ ૨૦૦૦માં જર્મની, સ્વિટ્‌ઝર્લૅન્ડ અને ઑસ્ટ્રિયાથી જર્મન જાણતા ઘણા ભાઈબહેનો એ શહેરમાં ગયા.

એમાં આશરે ૧૪૦ ભાઈ-બહેનો હતા. અમુક જણ થોડાંક અઠવાડિયાં માટે, તો બીજાઓ એક વર્ષ કે લાંબો સમય ત્યાં પ્રચાર કરવા રહ્યા. આમ તેઓનો સ્વભાવ પહેલી સદીના મિશનરીઓ જેવો હતો. કેવી રીતે? પ્રચાર કાર્ય માટે પહેલી સદીમાં ઘણા લોકો બીજા દેશમાં ગયા. એ સમયે મિશનરીઓને અરજ કરવામાં આવી હતી ‘કે મકદોનિયા આવીને અમને સહાય કરો.’ એ સાંભળીને તેઓ તરત મદદ કરવા દોડી ગયા. એ જ રીતે, આ ભાઈબહેનો પણ બોલિવિયા દોડી ગયા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૯, ૧૦.

આ દેશમાં પ્રચાર કાર્ય કેવું હતું? એ દેશમાં રહેતા એક વડીલે કહ્યું: “અમે કાર કે બીજા વાહનોમાં ૪૩ પ્રોટેસ્ટંટ ગામોમાં ગયા, જે સાંતા ક્રૂઝથી નજીક છે. ત્યાં પહોંચતા અમને આઠેક કલાક થયા. દૂર દૂરના ગામડાંમાં જતા ત્યારે સાંતા ક્રૂઝથી ત્યાં પહોંચતા ચાર દિવસ લાગતા. એ સમયે દિવસ આથમી જાય ત્યારે અમે તંબુઓમાં સૂઈ જતા. પણ આ બધું કરીને અમને બહુ જ સંતોષ થયો. અમને ખબર હતી કે તેઓએ પહેલી વાર યહોવાહનો સંદેશો સાંભળ્યો હતો.”

પ્રોટેસ્ટંટ લોકોને યહોવાહનો સંદેશો સાંભળીને કેવું લાગ્યું? શરૂઆતમાં, તેઓને એ સંદેશો ન ગમ્યો. પણ સાક્ષીઓ વારંવાર ત્યાં ગયા ત્યારે અમુક લોકોએ સાંભળ્યું અને દિલમાં ઉતાર્યું. દાખલા તરીકે, એક ખેડૂતે કહ્યું કે તે છેલ્લા એક વર્ષથી સજાગ બનો! વાંચે છે. પછી તેણે કહ્યું: “હું જાણું છું કે અહીં ઘણા લોકોને યહોવાહનો સંદેશો નથી ગમતો. પણ મારે માટે તો જે તમે કહો છો એ સત્ય છે.” બીજા ગામમાં એક માણસે કહ્યું: “મારા અમુક પાડોશીઓ કહે છે કે તમે જૂઠા પ્રબોધક છો. બીજાઓ કહે છે કે તમે સત્ય જણાવો છે. તેથી, મારી ઇચ્છા છે કે તમે જે કહો છો એ સાંભળીશ અને એના પછી હું નિર્ણય લઈશ.”

ભાઈ-બહેનોના પ્રચારથી બોલિવિયામાં શું અસર થઈ? ત્યાં હમણાં જર્મન ભાષામાં એક મંડળ છે. આ મંડળમાં ૩૫ પ્રકાશકો છે. એમાંથી ૧૪ પ્રકાશકો પહેલા પ્રોટેસ્ટંટ હતા. મંડળમાં ૧૪ ભાઈ-બહેનો પાયોનિયરીંગ કરે છે. વળી, બીજા નવ પ્રોટેસ્ટંટ પણ મંડળમાં આવે છે. આ બધું જોઈને થોડા સમય પહેલાં બાપ્તિસ્મા પામેલા એક વૃદ્ધ ભાઈએ કહ્યું: “અમે ઘણા આભારી છીએ, કેમ કે અમે જોઈ શકીએ છીએ કે યહોવાહની શક્તિ અમારા મંડળ પર છે. યહોવાહે જર્મન ભાષા બોલતા અનુભવી ભાઈ-બહેનોને અમને મદદ કરવા માટે અહીં મોકલી દીધા.” આ ભાઈની ૧૭ વર્ષની એક દીકરી પણ સાક્ષી છે. તેણે કહ્યું: “જ્યારે આ ભાઈ-બહેનો અહીં આવ્યા, ત્યારે તેઓ સત્યની વાતો કરતા થાકતા જ નહિ. એટલે, અમારા પર પણ એની અસર થઈ. વળી, તેઓ પોતાના સમય અને પૈસાથી પાયોનિયરીંગ કરે છે. આ જોઈને મને પણ પાયોનિયરીંગ કરવાની ઇચ્છા થાય છે.”

ખરેખર, આ ભાઈ-બહેનો બોલિવિયા પ્રચાર કરવા ગયા, એનાથી તેઓને ઘણા આશીર્વાદ મળ્યા.