સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરનું નામ રોશન કરનારાને ધન્ય છે!

ઈશ્વરનું નામ રોશન કરનારાને ધન્ય છે!

ઈશ્વરનું નામ રોશન કરનારાને ધન્ય છે!

‘હે પ્રભુ, તેઓ આવીને તારી આગળ પ્રણામ કરશે; અને તેઓ તારા નામનો મહિમા ગાશે.’—ગીતશાસ્ત્ર ૮૬:૯.

૧. મનુષ્યો કઈ રીતે પરમેશ્વરની સ્તુતિ કરી શકે છે, જે બધી ચીજ-વસ્તુઓ નથી કરી શકતી?

 ધરતી કે આસમાન હોય, કે પછી પાણી હોય, સર્વની રચના યહોવાહ પરમેશ્વરે કરી છે. સર્વ પોતાની રીતે તેમનાં ગીતો ગાય છે. પરંતુ, આપણે મનુષ્યો સમજી-વિચારી શકીએ છીએ, ઈશ્વરની ભક્તિ કરી શકીએ છીએ. તેથી, એક કવિએ ઠીક જ કહ્યું છે: “હે પૃથ્વીના સર્વ લોકો તમે પ્રભુની સમક્ષ આનંદથી ગીત ગાઓ. તેમના ગૌરવી નામની સ્તુતિ કરો! મહિમાવંતી સ્તુતિ તેમને અર્પણ કરો.”—ગીતશાસ્ત્ર ૬૬:૧, ૨, IBSI.

૨. આજે કોણ ઈશ્વરની ભક્તિ કરી રહ્યા છે અને શા માટે?

આજે મોટા ભાગના લોકો સાચા ઈશ્વરને જાણવા કે તેમની ભક્તિ કરવા માગતા નથી. તેમ છતાં, આજે ૨૩૫ દેશોમાં ૬૦ લાખ કરતાં વધારે યહોવાહના સાક્ષીઓ છે. તેઓએ યહોવાહના આભ અને ધરતીની ‘વાણી સાંભળી’ છે અને એના પરથી તેમના “અદૃશ્ય ગુણો” જોયા છે. (રૂમી ૧:૨૦; ગીતશાસ્ત્ર ૧૯:૨, ૩) પવિત્ર શાસ્ત્ર બાઇબલનું જ્ઞાન લઈને પણ તેઓએ યહોવાહને સારી રીતે ઓળખ્યા છે અને તેમની ભક્તિ કરી રહ્યા છે. ગીતશાસ્ત્ર ૮૬:૯, ૧૦માં એક ઈશ્વરભક્તે ભવિષ્યવાણી કરી હતી: ‘હે પ્રભુ યહોવાહ, જે સર્વ પ્રજાઓને તેં ઉત્પન્‍ન કરી છે, તેઓ આવીને તારી આગળ પ્રણામ કરશે; અને તેઓ તારા નામનો મહિમા ગાશે. કેમકે તું મોટો છે ને આશ્ચર્યકારક કૃત્યો કરે છે; તું એકલો જ દેવ છે.’

૩. કઈ રીતે આજે એક ‘મોટી સભા રાતદહાડો ઈશ્વરની સેવા કરે છે’?

એ જ રીતે, પ્રકટીકરણ ૭:૯, ૧૫ મનુષ્યોના એક મોટા સમુદાયને ‘ઈશ્વરના મંદિરમાં રાતદહાડો સેવા કરતા’ બતાવે છે. જોકે, એવું નથી કે યહોવાહ મારી-મચકોડીને લોકો પાસેથી રાત-દિવસ ભક્તિ માંગે છે. ના, પણ યહોવાહના ભક્તો આખી દુનિયામાં કીડીઓની જેમ ફેલાયેલા છે. એટલે અમુક દેશોમાં રાત હોય ત્યારે, બીજા દેશોમાં દિવસ હોવાથી યહોવાહના ભક્તો તેમની ભક્તિમાં મંડ્યા જ હોય છે. આ રીતે તેઓ રાત-દહાડો યહોવાહની સેવા કરે છે. જલદી જ એમ બનશે કે “સર્વ” લોકો યહોવાહની સ્તુતિ કરશે. (ગીતશાસ્ત્ર ૧૫૦:૬) ત્યાં સુધી આપણે દરેક કઈ રીતે યહોવાહનું નામ રોશન કરતા રહી શકીએ? એમ કરવામાં આપણને કઈ મુશ્કેલીઓ આવી શકે? યહોવાહની ભક્તિ કરનારા માટે કયા આશીર્વાદ રાહ જુએ છે? એના જવાબ માટે ચાલો આપણે બાઇબલમાંથી એક દાખલો લઈએ. એ ગાદ નામના ઈસ્રાએલના એક કુળનો દાખલો છે.

અગાઉ પણ સહેલું ન હતું

૪. ગાદના કુળને કઈ મુસીબતનો સામનો કરવાનો હતો?

ઈસ્રાએલી લોકો વચનના દેશની અંદર ગયા એ પહેલાં, ગાદ કુળના લોકોએ એક વિનંતી કરી. તેઓની વિનંતી એ હતી કે તેઓને યરદન નદીની પૂર્વે રહેવા દેવામાં આવે, જ્યાં ઢોરને માટે પુષ્કળ ઘાસચારો હતો. (ગણના ૩૨:૧-૫) જોકે ત્યાં રહેવું સહેલું ન હતું. યરદનની પશ્ચિમે રહેનારા કુળોને યરદનની ખીણનું રક્ષણ હતું, જે હુમલો કરનારા દુશ્મનો માટે નડતર હતું. (યહોશુઆ ૩:૧૩-૧૭) જ્યારે કે યરદનની પૂર્વ તરફના દેશો વિષે જ્યોર્જ આદમ સ્મીથનું પવિત્ર દેશનો ઐતિહાસિક નકશો નામનું (અંગ્રેજી) પુસ્તક કહે છે: “અરબસ્તાનના દેશની એ ધરતી બધી બાજુથી સપાટ હતી, કોઈ જ નડતર ન હતું. એટલા માટે એ કોઈ પણ લુટારાઓ માટે ખુલ્લા દરવાજા જેવી હતી. તેથી, દર વર્ષે ઘાસચારા માટે ત્યાં લૂટ થતી હતી.”

૫. દુશ્મનો હુમલો કરે ત્યારે યાકૂબે ગાદના લોકોને શું કરવાનું ઉત્તેજન આપ્યું?

ગાદનું કુળ કઈ રીતે ટકી રહી શકશે? સદીઓ પહેલાં, યાકૂબે મરણ-પથારી પર કહ્યું હતું: “ગાદ પર હુમલાખોરો હુમલો કરશે, અને તે તેમનો પીછો પકડી સામો હુમલો કરશે.” (ઉત્પત્તિ ૪૯:૧૯, સંપૂર્ણ બાઇબલ) આમ જોવા જઈએ તો, આ શબ્દો નિરાશ કરી શકે. પરંતુ, એ શબ્દો તો આજ્ઞા કરતા હતા કે ગાદના કુળે લડાઈ કરવી પડશે. સાથે સાથે યાકૂબે ખાતરી આપી કે જો તેઓ લડશે, તો દુશ્મનોની સખત હાર થશે. આમ, ગાદનું કુળ પોતાનો વિસ્તાર વધારતું જશે.

આજે યહોવાહની ભક્તિમાં મુશ્કેલીઓ

૬, ૭. આજે આપણે બધા કઈ રીતે ગાદના કુળ જેવી જ હાલતમાં છીએ?

ગાદના કુળની જેમ, આજે ખ્રિસ્તીઓ પણ શેતાનની દુનિયાનાં દબાણો અને તકલીફો સહે છે. એમાંથી છૂટવા માટે કોઈ ચમત્કારથી રક્ષણ મળતું નથી. (અયૂબ ૧:૧૦-૧૨) ઘણાને સ્કૂલમાં દબાણો આવે છે. તો ઘણાને નોકરી-ધંધાની ચિંતા કોરી ખાય છે. જ્યારે કે, ઘણાને બાળકો મોટા કરવા દિવસ-રાત મુશ્કેલીઓ સહેવી પડે છે. આ બધાની સાથે સાથે દરેકને પોતાની તકલીફો તો હોય છે જ. અમુકને જાણે “દેહમાં કાંટો” હોય એમ, કોઈ ને કોઈ બીમારી હોય છે. (૨ કોરીંથી ૧૨:૭-૧૦) તો વળી અમુકને પોતે નકામા છે, એવી લાગણી કચડી નાખતી હોય છે. જ્યારે કે ઘણા ભાઈ-બહેનોને ઘડપણના “માઠા દિવસો” યહોવાહની સેવામાં ધીમા પાડી દે છે.—સભાશિક્ષક ૧૨:૧.

પ્રેષિત પાઊલે એ પણ જણાવ્યું કે ‘આપણે આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરોની સામે’ પણ લડવાનું છે. (એફેસી ૬:૧૨) આપણને ડગલેને પગલે શેતાન અને તેના ચેલાઓ “આ જગતના ધોરણ પ્રમાણે” જીવવાનું દબાણ કરે છે. એ સાવ અસંસ્કારી અને ગંદું જીવન છે. (૧ કોરીંથી ૨:૧૨; એફેસી ૨:૨, ૩) લોતની જેમ, આપણો પણ જીવ બળતો હોય કે ‘લોકો હજુ કેટલી ગંદકીમાં આળોટશે, તેઓને કોઈ લાજ-શરમ છે કે નહિ?’ (૨ પીતર ૨:૭) એટલું જ નહિ, શેતાન આપણા પર સીધો ઘા પણ કરે છે. “જેઓ દેવની આજ્ઞા પાળે છે, અને ઈસુની સાક્ષીને વળગી રહે છે,” એવા અભિષિક્ત ભાઈ-બહેનો સાથે પણ શેતાન લડી રહ્યો છે. (પ્રકટીકરણ ૧૨:૧૭) તેમ જ, ઈસુના “બીજાં ઘેટાં” પર પણ સતાવણી લાવીને કે પ્રચાર કામ બંધ કરાવીને શેતાન હુમલો કરે છે.—યોહાન ૧૦:૧૬.

શું તમે લડશો કે હાર માની લેશો?

૮. આપણે શેતાનના હુમલા સામે શું કરવું જોઈએ અને શા માટે?

શેતાનના બધા હુમલા સામે આપણે શું કરીશું? ગાદના કુળની જેમ જ, આપણે યહોવાહના માર્ગમાં અડગ રહીએ અને શેતાનની સામે લડીએ. જોકે, દુઃખની વાત છે કે જ્યારે દબાણ આવે ત્યારે અમુક હાર માની લે છે અને યહોવાહની ભક્તિને બાજુએ મૂકી દે છે. (માત્થી ૧૩:૨૦-૨૨) એક ભાઈએ પોતાના મંડળમાં મિટિંગની હાજરી ઓછી હોવાનું કારણ આ આપ્યું: “ભાઈઓ બસ થાકી ગયા છે. તેઓ બહુ જ થાકી ગયા છે.” ખરું કે આજે આપણે થાકી જઈએ એમાં નવાઈ નથી. એટલે કેટલાક એમ વિચારવા લાગી શકે કે યહોવાહની ભક્તિ એક બીજું વધારાનું દબાણ છે. પરંતુ, શું એ ખરું છે?

૯. ઈસુની ઝૂંસરી પોતા પર લેવાથી કઈ રીતે તાજગી મળી શકે?

ઈસુ પૃથ્વી પર હતા ત્યારના લોકો પણ એ સમયનાં દબાણો નીચે કચડાઈ ગયેલા હતા. તેથી, ઈસુએ કહ્યું: “ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ.” શું ઈસુએ કહ્યું કે ‘યહોવાહની ભક્તિમાં ધીમા પડો, અરે સાવ બંધ કરી દો, એટલે તમને જરા સારું લાગશે’? ના, ઈસુએ તો કહ્યું: “મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો; કેમકે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો.” ઝૂંસરી લાકડા કે કોઈ ધાતુની બનેલી હોય છે. એની મદદથી માનવ કે કોઈ પ્રાણી ભારે બોજો ઊંચકી શકે છે. પણ આપણે જ પોતે દબાણો નીચે દબાયેલા હોઈએ, તો કઈ રીતે ઝૂંસરી ઊંચકી શકીએ? એ તો ખરું, પણ મૂળ ગ્રીક ભાષાના આ શબ્દોનો અર્થ એ પણ થાય કે “મારી સાથે મારી ઝૂંસરી ઉપાડો.” હવે જરા વિચારો: આપણે એકલા નથી, આપણી સાથે ઈસુ આપણો બોજ ઉપાડવા માંગે છે!—માત્થી ૯:૩૬; ૧૧:૨૮, ૨૯; ૨ કોરીંથી ૪:૭.

૧૦. આપણે યહોવાહની ભક્તિ કરતા રહીશું તો શું થશે?

૧૦ ઈસુના શિષ્યો બનીને આપણે શેતાનની સામે લડીએ છીએ. યાકૂબ ૪:૭ જણાવે છે કે “શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.” ખરું કે એ કંઈ રમત વાત નથી. યહોવાહની ભક્તિ કરવી કઠિન હશે. (લુક ૧૩:૨૪) પરંતુ, બાઇબલ વચન આપે છે: “જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે તેઓ હર્ષનાદ સહિત લણશે.” (ગીતશાસ્ત્ર ૧૨૬:૫) ખરેખર, આપણા ઈશ્વરની કૃપા પોતાના ભક્તો પર છે અને “જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે.”—હેબ્રી ૧૧:૬.

પ્રચારમાં યહોવાહનું નામ રોશન કરવું

૧૧. શેતાનના હુમલા સામે પ્રચાર કાર્ય કઈ રીતે રક્ષણ આપે છે?

૧૧ ઈસુએ આજ્ઞા આપી: “એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો.” પ્રચાર કરીને આપણે ઈશ્વરનાં ગીતો ગાઈ શકીએ છીએ. (માત્થી ૨૮:૧૯; હેબ્રી ૧૩:૧૫) શેતાનના હુમલા સામે રક્ષણ મેળવવું હોય તો, આપણે ‘સર્વ હથિયારો’ પહેરવા જ જોઈએ. એ હથિયારોમાં “શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી જોડાં” પણ છે. (એફેસી ૬:૧૧-૧૫) યહોવાહ વિષે લોકોને જણાવીને આપણે પોતાના વિશ્વાસનાં મૂળ ઊંડાં ઉતારીએ છીએ. (૨ કોરીંથી ૪:૧૩) એનાથી આપણું મન સારા વિચારોથી ભરેલું રહે છે. (ફિલિપી ૪:૮) પ્રચારમાં જઈએ ત્યારે આપણા વહાલા ભાઈ-બહેનો અને મિત્રોની સંગતનો આનંદ પણ માણી શકીએ છીએ.

૧૨, ૧૩. નિયમિત પ્રચાર કાર્ય કરવાથી કુટુંબને કેવા આશીર્વાદ મળી શકે છે?

૧૨ પ્રચાર કરવાની મઝા કુટુંબ તરીકે પણ લઈ શકાય છે. ખરું કે બાળકોને બીજા મોજશોખ પણ હોય શકે. પરંતુ, કુટુંબ તરીકે પ્રચારમાં જઈને, માબાપ બાળકોને ઘણું શીખવી શકે છે. બીજા લોકોને મદદ કરીને બાળકોને પણ મઝા આવી શકે. પણ પ્રચારમાં બાળકો કંટાળી ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે બાળકો સરસ રીતે પ્રચાર કરે, ત્યારે તેઓને પણ ખૂબ મઝા આવે છે, ખરું કે નહિ? માબાપ બાળકને જોઈતું ઉત્તેજન આપીને પ્રચારની મઝા માણવા મદદ કરી શકે.—ઉત્પત્તિ ૩૩:૧૩, ૧૪.

૧૩ શું એ ખરું નથી કે જે કુટુંબ સાથે મળીને યહોવાહની ભક્તિ કરે છે, એ સંપીલું હોય છે? આપણી એક બહેનનો અનુભવ લો. તેમના પતિ યહોવાહના સાક્ષી ન હતા અને બહેનને પાંચ બાળકો સાથે મૂકીને ચાલ્યા ગયા. તેથી, આપણી બહેને પાંચ બાળકોને પૂરું પાડવા નોકરી કરવી પડી. શું બહેને એમ વિચાર્યું કે ‘આવા સંજોગોમાં હું કઈ રીતે યહોવાહની સેવા કરી શકું?’ તે પોતે જણાવે છે: “હું બાઇબલ અને આપણું સાહિત્ય ધ્યાનથી વાંચતી. જે વાંચતી એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરતી. હું કાયમ મારાં બાળકોને મિટિંગોમાં અને પ્રચારમાં લઈ જતી. મને એના આશીર્વાદ મળ્યા. હવે મારાં પાંચેય બાળકો બાપ્તિસ્મા પામ્યાં છે.” બાળકોને “પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં” મોટા કરવા, પ્રચાર કાર્ય તમને પણ ઘણી મદદ કરી શકે છે.—એફેસી ૬:૪.

૧૪. (ક) કઈ રીતે આપણા યુવાનો સ્કૂલમાં યહોવાહનું નામ રોશન કરે છે? (ખ) ‘સુવાર્તા વિષે શરમ’ ન લાગે એ માટે યુવાનો પોતે શું કરી શકે?

૧૪ યુવાનો, જો કાયદો મંજૂરી આપતો હોય, તો શું તમે સ્કૂલમાં યહોવાહ વિષે જણાવો છો? કે પછી બીકને કારણે ચૂપ રહો છો? (નીતિવચનો ૨૯:૨૫) એક ૧૩ વર્ષની યહોવાહની સાક્ષી પોર્ટો રિકોમાં રહે છે. તે લખે છે: “સ્કૂલમાં યહોવાહ વિષે જણાવતા મને જરાય શરમ આવતી નથી, કેમ કે એ સત્ય છે. ક્લાસમાં હું કાયમ મારો હાથ ઊંચો કરું છું, જેથી હું બાઇબલમાંથી જે શીખું છું એ જણાવી શકું. જો મારી પાસે ટાઈમ હોય, તો હું સ્કૂલની લાઇબ્રેરીમાં જઈને યુવાન લોકો પૂછે છે પુસ્તક * વાંચું છું.” શું તેને મહેનતનાં ફળ મળ્યા છે? ચોક્કસ! તે જણાવે છે: “અમુક વાર મારા ક્લાસના છોકરા-છોકરીઓ મને પ્રશ્નો પૂછે છે. અરે, અમુકે તો પુસ્તક પણ માંગ્યું છે.” જો તમે જરા ગભરાતા હોવ, તો તમારે પોતે બાઇબલમાંથી “દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે,” એ પારખી લેવાની જરૂર છે. (રૂમી ૧૨:૨) એક વાર તમને પોતાને ખાતરી થઈ જાય કે આ જ સત્ય છે, પછી તમને કદીયે ‘સુવાર્તા વિષે શરમ’ લાગશે નહિ.—રૂમી ૧:૧૬.

વધારે સેવા કરવાની રીતો

૧૫, ૧૬. અમુક ભાઈ-બહેનોએ વધારે સેવા આપવા શું કર્યું છે અને તેઓને કેવા આશીર્વાદો મળ્યા છે?

૧૫ પ્રેષિત પાઊલે લખ્યું હતું કે તેમને માટે ‘મહાન કાર્ય કરવાનો’ જાણે દરવાજો ખૂલ્યો હતો. (૧ કોરીંથી ૧૬:૯) શું તમારા સંજોગો એવા છે કે તમે યહોવાહની સેવામાં વધારે કરી શકો? જેમ કે રેગ્યુલર કે સહાયક પાયોનિયર સેવા. એમાં તમારે દર મહિને ૭૦ કે ૫૦ કલાક સેવા આપવાની હોય છે. પાયોનિયરોની પૂરા દિલની આ સેવાની બધા જ ભાઈ-બહેનો ખૂબ કદર કરે છે. જોકે, તેઓ વધારે સમય પ્રચાર કરે છે એનો અર્થ એવો નથી કે તેઓ બીજા કરતાં ચડિયાતા છે. ના, પણ ઈસુએ આવું વલણ રાખવા ઉત્તેજન આપ્યું: “અમે નકામા ચાકરો છીએ; કેમકે જે કરવાની અમારી ફરજ હતી તેજ અમે કર્યું છે.”—લુક ૧૭:૧૦.

૧૬ આપણા પાયોનિયરો ખરેખર સાદું જીવન જીવે છે અને કડક શિસ્ત પાળે છે. જોકે, તેઓને આશીર્વાદો પણ ઘણા મળે છે. ટેમિકા નામની એક યુવાન પાયોનિયર કહે છે: “બાઇબલમાંથી લોકોને સત્ય જણાવવું, એ જ એક મોટો આશીર્વાદ છે. પાયોનિયરો બાઇબલનો ઘણો જ ઉપયોગ કરે છે. હવે હું પ્રચારમાં જાઉં છું ત્યારે, દરેક વ્યક્તિ માટે યોગ્ય શાસ્ત્રવચન બતાવી શકું છું.” (૨ તીમોથી ૨:૧૫) બીજી એક પાયોનિયર મીકા કહે છે: “સત્યની વ્યક્તિના જીવન પર કેવી અસર થાય છે, એ જોવું પણ એક આશીર્વાદ છે.” એ જ રીતે, મેથ્યુ નામનો એક યુવાન કહે છે, કે “કોઈને યહોવાહના સેવક બનતા જોવાનો જે આનંદ છે, એ બીજા કશાથી મળતો નથી.”

૧૭. કઈ રીતે એક બહેનને પાયોનિયર સેવા કરવા મદદ મળી?

૧૭ શું તમે પાયોનિયર બનવા ચાહો છો? તમને કદાચ પાયોનિયર બનવું છે પણ મદદની જરૂર હોય શકે. કેનયેટ્ટ નામની યુવાન બહેને કબૂલ કર્યું, કે “પાયોનિયર સેવા વિષે નિરાશ કરતી ટીકાઓ મેં સાંભળી હતી. મને શંકા હતી કે હું પાયોનિયર સેવા કરી શકીશ કે કેમ. મને તો લોકો સાથે શાસ્ત્રમાંથી ચર્ચા કરતા પણ આવડતું ન હતું.” તેમ છતાં, વડીલોએ તેને મદદ કરવા એક અનુભવી પાયોનિયર બહેનને જણાવ્યું. કેનયેટ્ટ હવે કહે છે: “એ બહેન સાથે મને બહુ મઝા આવી. એટલે મારે પણ પાયોનિયર જ બનવું હતું.” ખરેખર, તમે પણ ઉત્તેજન અને મદદથી પાયોનિયર બનવા તૈયાર હશો.

૧૮. મિશનરિ સેવામાં કેવા આશીર્વાદો મળી શકે છે?

૧૮ પાયોનિયર સેવાથી બીજા આશીર્વાદો પણ મળી શકે છે. દાખલા તરીકે, પરણેલા યુગલોને મિશનરિઓ તરીકે તાલીમ લઈને દેશ-પરદેશમાં પ્રચાર કરવા જવાની તક રહેલી છે. મિશનરિઓએ જેવો દેશ તેવો વેશ લેવા, કદાચ નવી ભાષા કે નવી રીતભાત શીખવી પડે. અરે, અલગ ખોરાકથી પણ ટેવાવું પડે. પણ મિશનરિ સેવાના આશીર્વાદો જોતા, એ બધી તકલીફો જાણે ભૂલી જવાય. મૅક્સિકોમાંના મિલ્ડ્રીડ નામના એક અનુભવી મિશનરિ બહેન કહે છે: “મિશનરિ બનવાના મારા નિર્ણયનો મને કદીયે અફસોસ થયો નથી. હું નાની છોકરી હતી, ત્યારથી એ મારું સપનું હતું.” તેમને કેવા આશીર્વાદો મળ્યા છે? “મિશનરિ બન્યા પહેલાં, કોઈને બાઇબલના શિક્ષણમાં રસ ન હતો. અહીં તો બાઇબલ શીખનારી ચાર વ્યક્તિઓ એક સાથે પ્રચારમાં જવા તૈયાર થઈ હતી!”

૧૯, ૨૦. કઈ રીતે બેથેલ સેવા, બાંધકામની સેવા અને સેવકાઈ તાલીમ શાળાથી ઘણાને આશીર્વાદો મળ્યા છે?

૧૯ યહોવાહના સાક્ષીઓની જુદા જુદા દેશોની બ્રાંચ ઑફિસ કે બેથેલમાં સેવા આપવી, એ પણ મોટો આશીર્વાદ છે. સ્વેન નામનો યુવાન જર્મનીના બેથેલમાં સેવા આપે છે. તે કહે છે: “મને ખબર છે કે હું જે કરું છું, એ બહુ જ મહત્ત્વનું છે. હું નોકરી કરીને પણ મારી આવડતનો ઉપયોગ કરી શક્યો હોત. જોકે, એ એવી બૅન્કમાં પૈસા મૂકવા જેવું થાત, જેનું દેવાળું ફૂંકાવાની તૈયારીમાં જ છે.” ખરું કે બેથેલમાં સેવા આપવાનો પગાર મળતો નથી. પરંતુ, સ્વેન કહે છે: “દરરોજ જ્યારે હું ઘરે જાઉં ત્યારે મને સંતોષ થાય છે કે મેં આજે બધું જ યહોવાહ માટે કર્યું છે. એના જેટલો સંતોષ દુનિયાની કોઈ દોલત આપી ન શકે.”

૨૦ અમુક ભાઈ-બહેનોએ દેશ-વિદેશમાં આપણી બ્રાંચનું બાંધકામ કરીને, યહોવાહના આશીર્વાદોનો અનુભવ કર્યો છે. એવી આઠ જુદી જુદી જગ્યાએ સેવા આપનાર, પતિ-પત્ની લખે છે: “આપણા ભાઈ-બહેનો અજોડ છે. તેઓને ‘આવજો’ કહેવું પડે ત્યારે જાણે કાળજું કપાઈ જાય છે. ખરેખર, ભૂલાય નહિ એવો આ અનુભવ છે!” તેમ જ, કુંવારા ભાઈઓ માટેની સેવકાઈ તાલીમ શાળા પણ છે. એ સ્કૂલમાં ગ્રેજ્યુએટ થયેલા એક ભાઈ જણાવે છે: “આ સ્કૂલ માટે આભાર માનવાના શબ્દો ખૂટી પડે છે. આવી રીતે શીખવવા કોણ આટલી મહેનત કરશે?”

૨૧. આપણે બધા જ યહોવાહની ભક્તિમાં કઈ મુશ્કેલી અનુભવીએ છીએ?

૨૧ ખરેખર, આપણા માટે વધારે સેવા કરવાના ઘણા દરવાજા ખુલ્લા છે. ખરું કે આપણે બધા જ કંઈ બેથેલમાં કે બીજા દેશોમાં સેવા આપવા જઈ શકતા નથી. ઈસુ ખ્રિસ્તે પોતે કહ્યું હતું કે આપણે આપણા સંજોગો પ્રમાણે “ફળ” આપીશું. (માત્થી ૧૩:૨૩) તો પછી, યહોવાહના ભક્ત તરીકે આપણે આપણા સંજોગો પ્રમાણે પૂરા દિલથી તેમની ભક્તિ કરીએ. આપણે એમ કરીએ ત્યારે, આપણે દિલથી યહોવાહનું નામ મોટું મનાવીએ છીએ. યહોવાહ એનાથી ખૂબ રાજી થાય છે. એક ઘરડા ઘરમાં રહેતી આપણી બહેન એથેલનો વિચાર કરો. તે ત્યાંના બીજા વૃદ્ધ લોકોને સંજોગ પ્રમાણે યહોવાહ વિષે વાતો કરે છે અને ટેલિફોનથી પણ પ્રચાર કરે છે. ભલે ઉંમરને કારણે તે બહુ નથી કરી શકતા, પણ તેમનાથી થાય એટલું પૂરા દિલથી કરે છે.—માત્થી ૨૨:૩૭.

૨૨. (ક) અમુક કઈ રીતોથી આપણે યહોવાહને મહિમા આપી શકીએ? (ખ) કયા આશીર્વાદો આપણી રાહ જુએ છે?

૨૨ જોકે, પ્રચાર કાર્ય યહોવાહનો જયજયકાર કરવાની એક રીત છે. આપણી વાણી અને વર્તનથી પણ લોકો યહોવાહને મહિમા આપી શકે. તેમ જ, ભલેને આપણે નોકરી પર, સ્કૂલે કે ઘરે હોઈએ, આપણા પહેરવા-ઓળવાની રીત પણ યહોવાહનું નામ મોટું મનાવી શકે છે. (નીતિવચનો ૨૭:૧૧) આપણને એ પણ વચન છે કે “વિશ્વાસુ માણસ આશીર્વાદથી ભરપૂર થશે.” (નીતિવચનો ૨૮:૨૦) તેથી, આપણે યહોવાહની સેવા કરવામાં પાછા ન પડીએ તો, તે જરૂર આપણા પર આશીર્વાદો વરસાવશે. (૨ કોરીંથી ૯:૬) જો આપણે પૂરા દિલથી યહોવાહનું નામ રોશન કરતા રહીશું, તો આપણે પણ એ જોવા જીવતા હોઈશું, જ્યારે ‘સર્વ યાહની સ્તુતિ કરશે!’—ગીતશાસ્ત્ર ૧૫૦:૬.

[ફુટનોટ્‌સ]

^ પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે જવાબો જે સફળ થાય છે પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

આપણે શું શીખ્યા?

• કઈ રીતે યહોવાહના ભક્તો “રાતદહાડો” તેમની સેવા કરે છે?

• ગાદના કુળે કઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને આપણે એમાંથી શું શીખી શકીએ?

• કઈ રીતે પ્રચાર કાર્ય શેતાનના હુમલાથી આપણું રક્ષણ કરે છે?

• અમુક કઈ રીતે વધારે સેવા કરી રહ્યા છે અને તેઓએ કેવા આશીર્વાદોનો અનુભવ કર્યો છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્ર]

ગાદના કુળના લોકોએ દુશ્મનોનો સામનો કર્યો. એમ જ, આપણે પણ શેતાનની સામા થઈએ

[પાન ૧૭ પર ચિત્ર]

પ્રચાર કાર્યમાં એકબીજાની સંગતનો આનંદ માણી શકીએ

[પાન ૧૮ પર ચિત્ર]

પાયોનિયર કામ વધારે સેવાના બારણા ખોલી શકે. જેમ કે,

૧. દેશ-પરદેશમાં બાંધકામ

૨. બેથેલ સેવા

૩. મિશનરિ સેવા