સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારા દુઃખોથી હિંમત ન હારો

તમારા દુઃખોથી હિંમત ન હારો

તમારા દુઃખોથી હિંમત ન હારો

આ ‘છેલ્લા દિવસોમાં’ દુઃખો અને મુશ્કેલીઓ એકદમ સામાન્ય બાબત થઈ ગઈ છે. (૨ તીમોથી ૩:૧) અમુક મુશ્કેલીઓ થોડા સમય માટે આવે છે ને જતી રહે છે. જ્યારે અમુક મુશ્કેલીઓ કે દુઃખ મહિનાઓ કે વર્ષો સુધી રહે છે. પરિણામે, ઘણા લોકો દાઊદની જેમ અનુભવે છે. દાઊદે યહોવાહને પ્રાર્થના કરી હતી: “મારા મનનું દુઃખ વધી ગયું છે; તું મને મારાં સંકટમાંથી કાઢ.”—ગીતશાસ્ત્ર ૨૫:૧૭.

શું તમે મુશ્કેલીઓમાં આવી ગયા છો? જો એમ હોય તો, તમે બાઇબલમાં આપેલા દાખલામાંથી મદદ અને ઉત્તેજન મેળવી શકો. ચાલો આપણે યહોવાહના વફાદાર સેવકો, યુસફ અને દાઊદનો દાખલો જોઈએ. તેઓએ સફળતાથી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તેઓ પર મુશ્કેલીઓ આવી પડી ત્યારે તેઓએ કેવું વલણ રાખ્યું એના પર ધ્યાન આપવાથી આપણે પણ કંઈક શીખી શકીએ છીએ. વધુમાં, આપણા પર મુશ્કેલીઓ આવે ત્યારે એનો સામનો કરવા પણ મદદ મળશે.

યુસફ અને દાઊદે મુશ્કેલીઓનો સામનો કર્યો

યુસફ ૧૭ વર્ષનો થયો ત્યારે, તેને કુટુંબમાં ઘણી મુશ્કેલીઓ હતી. તેના મોટા ભાઈઓએ જોયું કે તેમના પિતા યાકૂબ “સર્વ ભાઈઓ કરતાં [યુસફ] પર વિશેષ પ્રીતિ કરે છે.” પરિણામે, ‘તેઓ તેનો દ્વેષ કરતા, ને તેની સાથે મીઠાશથી વાત કરતા ન હતા.’ (ઉત્પત્તિ ૩૭:૪) આપણે વિચારી શકીએ કે એને લીધે યુસફને કેટલું દુઃખ થતું હશે. આખરે, યુસફના ભાઈઓ તેને એટલો બધો ધિક્કારવા લાગ્યા કે તેને દાસ તરીકે વેચી દીધો.—ઉત્પત્તિ ૩૭:૨૬-૩૩.

યુસફ મિસરમાં દાસ હતો ત્યારે, તેના માલિકની પત્નીએ તેની સાથે વ્યભિચાર કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ, યુસફ ત્યાંથી નાસી છૂટ્યો ત્યારે માલિકની પત્નીને બહુ ગુસ્સો આવ્યો. તેથી, તેણે યુસફ પર બળાત્કારનો જૂઠો આરોપ મૂક્યો. છેવટે, તેને ‘કેદખાનામાં નાખવામાં આવ્યો’ જ્યાં “તેના પગોએ સાંકળો બાંધી અને તેના ગળે લોખંડનો પટ્ટો બાંધ્યો.” (ઉત્પત્તિ ૩૯:૭-૨૦; ગીતશાસ્ત્ર ૧૦૫:૧૭, ૧૮, IBSI) કેવી કઠિન પરીક્ષા! તેના પોતાના ભાઈઓ અને બીજાઓના અન્યાયને લીધે યુસફને લગભગ ૧૩ વર્ષ દાસ કે કેદી તરીકે રહેવું પડ્યું.—ઉત્પત્તિ ૩૭:૨; ૪૧:૪૬.

પ્રાચીન ઈસ્રાએલમાં યુવાન દાઊદે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. કેટલાય વર્ષો સુધી તે આમથી તેમ નાસતો ફર્યો હતો. કેમ કે, રાજા શાઊલ એક જંગલી પ્રાણીની જેમ તેની પાછળ પડ્યો હતો. તેનું જીવન સતત ભયમાં હતું. એક વખત, દાઊદ ખાવાનું લેવા માટે અહીમેલેખ યાજક પાસે ગયો. (૧ શમૂએલ ૨૧:૧-૭) પછી, શાઊલ રાજાને ખબર પડે છે કે અહીમેલેખે દાઊદને મદદ કરી હતી. તેથી, શાઊલે અહીમેલેખને, તેમ જ સર્વ યાજકો અને તેઓના પરિવારના સર્વ લોકોને મારી નાખ્યા. (૧ શમૂએલ ૨૨:૧૨-૧૯) આ વાતની દાઊદને ખબર પડી ત્યારે તેને કેટલું દુઃખ થયું હશે એની તો આપણે કલ્પના પણ કરી શકતા નથી!

યુસફ અને દાઊદે વર્ષો સુધી જે મુશ્કેલીઓનો સામનો કર્યો એનો વિચાર કરો. તેઓએ કઈ રીતે સહન કર્યું એના પર વિચાર કરવાથી આપણે પણ કંઈક શીખી શકીએ છીએ. આપણે શા માટે તેઓનું અનુકરણ કરવું જોઈએ? ચાલો આપણે ત્રણ રીતો જોઈએ.

ગુસ્સો અને કડવાશ મનમાં ભરી ન રાખો

સૌથી પહેલાં તો, આ વફાદાર સેવકોએ મનમાં ગુસ્સો ભરી રાખ્યો ન હતો. તેમ જ, તેમના હૃદયમાં કોઈ કડવાશ પણ રાખી ન હતી. યુસફના ભાઈઓએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. પરંતુ, યુસફ જેલમાં હતો ત્યારે તેણે એવો કોઈ પ્લાન કર્યો નહીં કે વિચાર્યું પણ નહીં કે પોતે કઈ રીતે પોતાના ભાઈઓ સામે બદલો લેશે. પણ આપણે કઈ રીતે જાણી શકીએ કે યુસફના વિચારો સારા હતા? જ્યારે યુસફના ભાઈઓ મિસરમાં અનાજ ખરીદવા આવ્યા ત્યારે, તે ફરીથી પોતાના ભાઈઓને મળે છે. એ સમયે યુસફે કેવું વલણ બતાવ્યું એનો વિચાર કરો. બાઇબલનો અહેવાલ કહે છે: ‘યોસફ ઓરડાની બહાર ચાલ્યો ગયો કેમ કે તેનું હૈયું ભરાઈ આવ્યું હતું. પછી યોસફે તેના ચાકરોને આજ્ઞા કરી કે તેઓના કોથળામાં અનાજ ભરે. વળી ખાનગીમાં સૂચના આપી તે દરેકના ચૂકવેલા નાણાં કોથળાના મુખમાં પાછા મૂકે! તેણે તેઓને મુસાફરી માટે સીધું-સામાન પણ આપ્યાં.’ પછી મિસરમાં પોતાના પિતાને લાવવા માટે ભાઈઓને મોકલ્યાં ત્યારે, યુસફે તેઓને ઉત્તેજન આપ્યું: “જોજો, માર્ગે લડી પડતા નહિ.” યુસફના શબ્દો અને કાર્યોથી સાબિત થાય છે કે તેણે પોતાના જીવનમાં કોઈ કડવાશ કે ગુસ્સો ભરી રાખ્યા ન હતા.—ઉત્પત્તિ ૪૨:૨૪, ૨૫, IBSI; ૪૫:૨૪.

એવી જ રીતે, દાઊદે પણ શાઊલ રાજા માટે વિચાર્યા કરીને ગુસ્સો ભરી રાખ્યો ન હતો. શાઊલને મારી નાખવા માટે દાઊદને બે વાર મોકો મળ્યો હતો. પરંતુ, દાઊદના માણસોએ એમ કરવા ચાહ્યું ત્યારે તેણે કહ્યું: “મારો હાથ તેની વિરૂદ્ધ લંબાવીને મારા મુરબ્બી એટલે યહોવાહના અભિષિક્ત પ્રત્યે હું એવું કામ કરૂં, એવું યહોવાહ ન થવા દો, કેમકે તે યહોવાહનો અભિષિક્ત છે.” દાઊદે બાબતોને યહોવાહના હાથમાં છોડી દીધી અને પોતાના માણસોને કહ્યું: “જીવતા યહોવાહના સમ, કે યહોવાહ તેને મારશે; અથવા તો તેના મોતનો દિવસ આવી પહોંચશે; અથવા તો તે યુદ્ધમાં ઊતરી પડશે, ને નાશ પામશે.” શાઊલ રાજા અને તેના પુત્ર યોનાથાનના મૃત્યુ સમયે દાઊદે શોકનું ગીત રચ્યું. હા, યુસફની જેમ દાઊદે પણ મનમાં કોઈ કડવાશ કે ગુસ્સો ભરી રાખ્યા ન હતા.—૧ શમૂએલ ૨૪:૩-૬; ૨૬:૭-૧૩; ૨ શમૂએલ ૧:૧૭-૨૭.

કોઈએ આપણી સાથે અન્યાય કર્યો હોય અથવા આપણને દુઃખ પહોંચાડ્યું હોય તો, શું આપણે મનમાં કડવાશ ભરી રાખીએ છીએ? જોકે એમ બનવું એકદમ સહેલું છે. પરંતુ, આપણે એવી લાગણીને પોતાના પર સવાર થવા દેવી જોઈએ નહિ. એનાથી આપણને જ નુકસાન થશે. (એફેસી ૪:૨૬, ૨૭) જોકે, બીજાઓએ શું કરવું જોઈએ એનો નિર્ણય આપણે કરી શકતા નથી. પરંતુ, આપણે શું કરવું જોઈએ એનો નિર્ણય કરવો ચોક્કસ આપણા હાથમાં છે. આપણે યહોવાહ પર ભરોસો રાખવો જોઈએ કે તે યોગ્ય સમયે બાબતોને થાળે પાડશે. એમ કરવાથી આપણે સહેલાઈથી મનમાંથી કડવાશ અને ગુસ્સો દૂર કરી શકીશું.—રૂમી ૧૨:૧૭-૧૯.

પરિસ્થિતિનો સૌથી સારો ઉપયોગ કરો

બીજું કે, સંજોગો આપણા જીવન પર રાજ કરવા ન લાગે એનું ધ્યાન રાખવું જોઈએ. આપણે જે નથી કરી શકતા એ વિષે વધારે પડતી ચિંતા કરવા લાગીશું તો, આપણું ધ્યાન ભટકી શકે છે. એ કારણે, આપણા સંજોગો આપણા પર રાજ કરવા લાગી શકે. આવું યુસફને પણ થઈ શક્યું હોત. પરંતુ, તેણે પોતાની પરિસ્થિતિનો સૌથી સારો ઉપયોગ કરવાનું પસંદ કર્યું. યુસફે દાસ તરીકે કામ કર્યું ત્યારે પણ ‘તેના માલિકની દૃષ્ટિમાં તે કૃપા પામ્યો. ટૂંક સમયમાં તેને પોટીફારના ઘરના કારભારી તરીકે અને તેના વેપાર ધંધાના ઉપરી તરીકે નીમવામાં આવ્યો.” યુસફ કેદખાનામાં હતો ત્યારે પણ તેણે એવું જ વલણ બતાવ્યું હતું. તેથી, યહોવાહના આશીર્વાદ અને યુસફની મહેનતથી, “થોડા જ સમયમાં દરોગાએ આખી જેલનો કારભાર યોસેફના હાથમાં સોંપી દીધો. બીજા બધા જ કેદીઓ તેના તાબામાં હતા.”—ઉત્પત્તિ ૩૯:૪, ૨૧-૨૩, IBSI.

દાઊદ પણ જ્યારે નાસતો ફરતો હતો ત્યારે, પોતાના સંજોગોનો સૌથી સારો ઉપયોગ કર્યો. દાઊદ પારાનના અરણ્યમાં હતો ત્યારે, તેણે અને તેના માણસોએ નાબાલના ઘેટાંઓનું લુટારાઓથી રક્ષણ કર્યું હતું. નાબાલના એક ઘેટાપાળકે કહ્યું કે, “તેઓ રાત અને દિવસ અમારી અને ઘેટાંની આસપાસ રક્ષણની દીવાલ સમાન હતા.” (૧ શમૂએલ ૨૫:૧૬, IBSI) પછીથી દાઊદ સિકલાગમાં રહેતા હતા ત્યારે, દક્ષિણમાં ઇસ્રાએલના દુશ્મન શહેરો પર અચાનક ધાડ પાડતા. આમ તેમણે યહુદાની સીમાને સલામત રાખી.—૧ શમૂએલ ૨૭:૮; ૧ કાળવૃત્તાંત ૧૨:૨૦-૨૨.

શું આપણે આપણા સંજોગોનો સૌથી સારો ઉપયોગ કરવા મહેનત કરવી પડે છે? જોકે એમ કરવું આપણને લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ લાગી શકે. પરંતુ મહેનત કરવાથી આપણે ચોક્કસ સફળ થઈશું. પ્રેષિત પાઊલે પોતાના જીવનનો વિચાર કરતા લખ્યું: ‘મારી પાસે જે હોય તેથી સંતોષી રહેવાને હું શીખ્યો છું. મારે શાની જરૂર છે તે હું જાણું છે. જો કે હું ભરપૂર હોઉં કે ભૂખ્યો હોઉં; મારી પાસે વધુ હોય કે ઓછું હોય, તો પણ સર્વ જગ્યાએ અને સર્વ સમયે હું સંતોષી રહી શકું છું.’ પાઊલ આવું વલણ કઈ રીતે બતાવી શક્યા? કેમ કે, તેમને યહોવાહ પર પૂરો ભરોસો હતો. તેથી તેમણે આગળ કહ્યું: “ખ્રિસ્ત મને સામર્થ્ય આપે છે અને તેથી હું સઘળું કરી શકું છું.”—ફિલિપી ૪:૧૧-૧૩, પ્રેમસંદેશ.

યહોવાહની રાહ જુઓ

ત્રીજું, આપણા સંજોગોને બદલવા માટે આપણે બાઇબલના શિક્ષણની વિરુદ્ધ ન જવું જોઈએ. એના બદલે યહોવાહ પર પૂરો ભરોસો રાખવો જોઈએ. યાકૂબે લખ્યું: “તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ, અને કશામાં અપૂર્ણ રહો નહિ, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરૂં કરવા દો.” (યાકૂબ ૧:૪) ધીરજથી આપણે મુશ્કેલીઓને અંત સુધી સહન કરી શકીશું. એ કારણે આપણે આપણી મુશ્કેલીઓનો અંત લાવવા ઉતાવળે પગલાં ભરવા જોઈએ નહીં. પછી ગમે તેવી આકરી કસોટીમાં પણ આપણો વિશ્વાસ દૃઢ થશે. અને આપણો વિશ્વાસ કેટલો મજબૂત છે એ ખબર પડશે. યુસફ અને દાઊદે પણ આવી ધીરજ બતાવી હતી. યહોવાહ નારાજ થાય એવો કોઈ ઉકેલ લાવવા તેઓએ પ્રયત્ન કર્યો ન હતો. એના બદલે તેઓએ પોતાની પરિસ્થિતિનો સૌથી સારો ઉપયોગ કર્યો. તેઓએ યહોવાહ પર ભરોસો રાખ્યો. એનો તેઓને કેવો સારો આશીર્વાદ મળ્યો! યહોવાહે આ બંને સેવકોનો ઉપયોગ પોતાના લોકોને છોડાવવા અને માર્ગદર્શન આપવા માટે કર્યો.—ઉત્પત્તિ ૪૧:૩૯-૪૧; ૪૫:૫; ૨ શમૂએલ ૫:૪, ૫.

આપણા પર ઘણી મુશ્કેલીઓ આવે ત્યારે, આપણે એનો સામનો કરવા બાઇબલ શિક્ષણની વિરુદ્ધમાં જવા લલચાઈ શકીએ. દાખલા તરીકે, લગ્‍ન કરવા માટે કોઈ યોગ્ય વ્યક્તિ હજુ સુધી ન મળી હોવાથી શું તમે નિરાશ થઈ ગયા છો? નિરાશ થયા હોય તોપણ, “કેવળ પ્રભુમાં” લગ્‍ન કરવાની યહોવાહની આજ્ઞાને ક્યારેય અવગણશો નહિ. (૧ કોરીંથી ૭:૩૯) તમે લગ્‍ન કર્યું હોય તો, શું તમારા લગ્‍ન જીવનમાં મુશ્કેલીઓ છે? જો હોય તો, આ દુનિયાની પાછળ જઈને સેપરેશન અને છૂટાછેડા ક્યારેય ન લો. પરંતુ, તમારા જીવનસાથી સાથે ભેગા મળીને સમસ્યાને હલ કરો. (માલાખી ૨:૧૬; એફેસી ૫:૨૧-૩૩) પૈસાની તાણ હોવાથી શું તમને પરિવારની કાળજી રાખવી મુશ્કેલ લાગે છે? જો એમ હોય તો, કાળું-ધોળું કરીને પૈસા કમાવા કરતાં યહોવાહ પર ભરોસો રાખો. (ગીતશાસ્ત્ર ૩૭:૨૫; હેબ્રી ૧૩:૧૮) ચોક્કસ, આપણે સર્વએ આપણા સંજોગોનો સૌથી સારો ઉપયોગ કરવા અને યહોવાહ આપણને આશીર્વાદ આપે એ માટે ખૂબ મહેનત કરવાની જરૂર છે. એમ કરવા માટે ચાલો આપણે યહોવાહ પર પૂરો ભરોસો રાખીએ અને તેમની વાટ જોઈએ.—મીખાહ ૭:૭.

યહોવાહ તમને જરૂર મદદ કરશે

યુસફ અને દાઊદે કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કર્યો એના પર મનન કરવું જોઈએ. બાઇબલના આવા દાખલાઓ પર મનન કરવાથી આપણા પર સારી અસર પડી શકે છે. જોકે તેઓનો અહેવાલ બાઇબલના ફક્ત થોડાં પાન પર જ આપવામાં આવ્યો છે, પણ તેઓએ ઘણાં વર્ષો સુધી મુશ્કેલીઓ સહન કરી હતી. તમે પોતાને પૂછી શકો: ‘ઈશ્વરના આ સેવકો કઈ રીતે પોતાના સંજોગોનો સ્વીકાર કરવાનું શીખ્યા? તેઓ કઈ રીતે પોતાનો આનંદ જાળવી રાખી શક્યા? તેઓએ કયા ગુણો કેળવ્યા હતા?

હમણાંના યહોવાહના ધીરજવાન સેવકોનો વિચાર કરીને પણ આપણને ઘણો ફાયદો થઈ શકે છે. (૧ પીતર ૫:૯) દર વર્ષે ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિનોમાં ઘણા અનુભવો આવે છે. શું તમે આ વિશ્વાસુ સેવકોના અનુભવો વાંચીને એના પર મનન કરો છો? એ ઉપરાંત, મંડળમાં પણ એવા ઘણા હશે જેઓ મુશ્કેલીઓનો સામનો કરીને પણ વફાદાર રહ્યાં છે. શું તમે તેઓ સાથે નિયમિત વાતચીત કરો છો અને સભાઓમાં તેઓ પાસેથી કંઈક શીખો છો?—હેબ્રી ૧૦:૨૪, ૨૫.

તમે મુશ્કેલીઓનો સામનો કરો ત્યારે ખાતરી રાખો કે યહોવાહ તમારી કાળજી રાખે છે અને તમને જરૂર મદદ કરશે. (૧ પીતર ૫:૬-૧૦) તમારા સંજોગો જીવન પર રાજ ન કરવા લાગે એ માટે ખૂબ મહેનત કરો. યુસફ, દાઊદ અને બીજાઓના દાખલાને અનુસરો. તેમ જ, ક્યારેય ગુસ્સાને ભરી ન રાખો, તમારા સંજોગોનો સારો ઉપયોગ કરો અને ઉકેલ માટે યહોવાહ પર ભરોસો રાખો. પ્રાર્થના અને ઈશ્વરનું જ્ઞાન મેળવવા દ્વારા તેમની નજીક જાઓ. આમ કરવાથી તમે જોઈ શકશો કે મુશ્કેલીઓના સમયમાં પણ તમે સુખી અને આનંદિત છો.—ગીતશાસ્ત્ર ૩૪:૮.

[પાન ૨૧ પર ચિત્ર]

યુસફે પોતાના સંજોગોનો સારો ઉપયોગ કરવા મહેનત કરી

[પાન ૨૩ પર ચિત્ર]

દાઊદે પોતાની મુશ્કેલીઓમાંથી હલ મેળવવા યહોવાહ પર ભરોસો રાખ્યો