સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારે કયો ધર્મ પાળવો જોઈએ?

તમારે કયો ધર્મ પાળવો જોઈએ?

તમારે કયો ધર્મ પાળવો જોઈએ?

ઘણા માને છે કે ‘ઈશ્વર તો એક છે. પરંતુ તેમની પાસે જવાના માર્ગો જુદા જુદા છે.’ તેઓનું કહેવું છે કે ‘ધર્મમાં તો માનવું જ જોઈએ, પરંતુ એ તો સૌ સૌની પસંદગી છે.’

આપણે જો એના વિષે બહુ વિચાર ન કરીએ તો એની સાથે સહમત થઈશું. કેમ કે હકીકતમાં તો એક જ ઈશ્વર છે. (યશાયાહ ૪૪:૬; યોહાન ૧૭:૩; ૧ કોરીંથી ૮:૫, ૬) તેમ છતાં, જુદા જુદા ધર્મની માન્યતા પ્રત્યે આપણે આંખ આડા કાન કરી શકતા નથી. અરે, કોઈ એક ધર્મ જે ખરા ઈશ્વરને ભજવાનો દાવો કરે છે, તેઓના પંથો પણ ઘણી વાર એક બીજાથી જુદું જ માનતા હોય છે. તેઓની માન્યતામાં, તેઓના શિક્ષણમાં અને નિયમોમાં પણ ઘણો ફરક હોય છે. ઘણી વાર એવું બને છે કે એક જ ધર્મના પંથો કંઈક જુદું જ માનતા હોવાથી તેઓને બીજાના વિચારો ગળે ઉતારવા મહા મુશ્કેલ લાગે છે.

હવે ઈસુએ શું કહ્યું એને ધ્યાન આપો: ‘ઈશ્વર આત્મા છે અને જેઓ તેમનું ભજન કરે તેમણે તેમનું ભજન ખરા દિલથી અને સચ્ચાઈથી કરવું જોઈએ.’ (યોહાન ૪:૨૪, પ્રેમસંદેશ) તેથી સવાલ થાય છે કે, ઈશ્વરને આપણે સચ્ચાઈથી ભજતા હોઈએ તો, તેમની કેવી રીતે ભક્તિ થવી જોઈએ? એક જ ધર્મમાં શું અનેક પંથો કે જુદી જુદી માન્યતા હોવી જોઈએ?

પહેલી સદીમાં સાચા ખ્રિસ્તીઓ અને આજે

પહેલી સદીના ખ્રિસ્તીઓમાં પણ કોઈક વાર મતભેદો થતા હતા. દાખલા તરીકે, કોરીંથ મંડળ વિષે પ્રેષિત પાઊલે કહ્યું: “મારા ભાઈઓ, તમારા સંબંધી ખ્લોએના ઘરનાં માણસો તરફથી મને ખબર મળી છે કે તમારામાં મતભેદ પડ્યા છે. એટલે મારા કહેવાની મતલબ એ છે, કે તમારામાંનો કોઈ કહે છે, કે હું તો પાઊલનો; કોઈ કહે છે, કે હું તો આપોલસનો; કોઈ કહે છે, કે હું તો કેફાસનો; અને કોઈ કહે છે, કે હું તો ખ્રિસ્તનો છું.”—૧ કોરીંથી ૧:૧૧, ૧૨.

શું પાઊલની નજરમાં આ નાની વાત હતી? શું પોતાના ઉદ્ધાર માટે બધા જ મન ફાવે એમ કરતા હતા? જરાય નહિ! તેઓને આગ્રહ કરતા પાઊલે લખ્યું: “હવે, ભાઈઓ, હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરીને કહું છું કે તમે સર્વે એક સરખી વાત કરો, અને તમારામાં પક્ષ પડવા ન દેતાં એક જ મનના તથા એક જ મતના થઈને પૂર્ણ ઐક્ય રાખો.”—૧ કોરીંથી ૧:૧૦.

જો બધા મન ફાવે એમ કરે તો ધર્મમાં એક માન્યતા રહે જ નહિ. તો પછી ધર્મમાં એક માન્યતા રહે એ માટે શું કરવું જોઈએ? એમ કરવા માટે બધાએ જાતે ધર્મનો અભ્યાસ કરવો પડે, જેથી દરેક પુરાવા સહિત એક નિર્ણય પર આવી શકે. એમ કરવા માટે આપણે દરેકે સાચા દિલથી બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ. તેમ જ એનું શિક્ષણ પોતાના જીવનમાં ઉતારવું જોઈએ. ત્યારે આપણે પણ પાઊલની જેમ એકતા અનુભવીશું. શું એવી એકતા આજે ક્યાંય છે? આગલા લેખમાં આપણે જોયું તેમ, ઈશ્વરે હંમેશાં પોતે પસંદ કરેલા ભક્તોના સમૂહ સાથે વ્યવહાર રાખ્યો હતો. એ કયો સમૂહ હતો? અને આજે આપણે એ સમૂહને કઈ રીતે ઓળખી શકીએ?

સારી સંગતથી આવતા આશીર્વાદ

દાઊદ રાજાએ ગીતશાસ્ત્ર પૂછ્યું: “હે યહોવાહ, તારા મંડપમાં કોણ નિવાસ કરશે? તારા પવિત્ર પર્વતમાં કોણ વસશે?” એ ખરેખર વિચારવા જેવા પ્રશ્ન છે. પછી તેમણે પોતે જ એનો જવાબ આપતા કહ્યું: “જે સાધુશીલતા પાળે છે, અને ન્યાયથી વર્તે છે, અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે.” (ગીતશાસ્ત્ર ૧૫:૧, ૨) હા, બાઇબલમાંથી યહોવાહ ઈશ્વર વિષે સત્ય શીખ્યા પછી તમે પણ તેમને પસંદ પડતો ધર્મ ઓળખી શકશો. તમે પણ ઈશ્વરને “ખરા દિલથી અને સચ્ચાઈથી” ભજી શકશો.

આજે એક ધર્મ બાઇબલના શિક્ષણમાં પૂરા દિલથી માને છે અને એ પ્રમાણે વર્તે છે. તેઓ કોણ છે? તેઓ યહોવાહના સાક્ષીઓ છે. યહોવાહના સાક્ષીઓ સંપમાં રહે છે. તેઓ સાક્ષીઓ બન્યા એ પહેલાં અનેક ધર્મો પાળતા, અને ઘણા તો નાસ્તિક પણ હતા. ઘણાને ધર્મમાં કોઈ જાતનો રસ ન હતો. એવા લોકોમાંથી આજે ઘણા પોતાનો ધર્મ, ફિલસૂફીઓ અને સમાજ છોડીને ખરા ઈશ્વરને ભજવાનો આનંદ માણી રહ્યા છે. જોકે દુનિયામાં બીજે ક્યાંય એવું જોવા મળતું નથી, પણ તેઓ ખરો સંપ અનુભવી રહ્યા છે.

તેઓમાં બાઇબલના શિક્ષણને કારણે એવો સંપ છે! એ ખરું છે કે યહોવાહના સાક્ષીઓ કોઈને કહી ન શકે કે તેઓએ શું કરવું જોઈએ. તેમ છતાં બાઇબલ વિષે તેઓ જે શીખ્યા એની તેઓના જીવન પર ઊંડી અસર થઈ છે. તેથી તેઓ એનો ઉપકાર માને છે. એ કારણથી તેઓને હોંશ થાય છે કે પોતે જે શીખ્યા, એ બીજાઓને પણ જણાવે. જેથી તેઓ પણ ઈશ્વરનું સત્ય શીખીને “ખરા દિલથી અને સચ્ચાઈથી” તેમની ભક્તિ કરી શકે. આ રીતે, બીજા ઘણા લોકો ઈશ્વરની કૃપા અને આશીર્વાદો માટે લાયક થઈ શકે.

જગતમાં આજે ઘણી એવી બાબતો છે જે આપણને ખોટા માર્ગમાં ફસાવી શકે છે. એવું ન થાય એ માટે સારી સંગત શોધવી આપણા માટે બહુ જ મહત્ત્વનું છે. બાઇબલ જણાવે છે: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે.” તેમ જ “દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.” (નીતિવચનો ૧૩:૨૦; ૧ કોરીંથી ૧૫:૩૩) ઈશ્વરના ભક્તો સાથે સંગત રાખવાથી પોતાનું રક્ષણ થઈ શકે છે. એ યાદ અપાવવા બાઇબલ આમ જણાવે છે: “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. જેમ કેટલાએક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દહાડો પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.” (હેબ્રી ૧૦:૨૪, ૨૫) આપણને ઈશ્વરના સાચા ભક્તો સાથે સંગત રાખવા મળે એ કેવો આશીર્વાદ કહેવાય! એમાં બધાનો એક જ ધ્યેય હોય છે. તેઓનો ધ્યેય છે કે બસ ઈશ્વરની જ સેવા કરવી અને બીજાને એમ કરવા ઉત્તેજન આપવું.

એની સાથે ઑટમાર સહમત થાય છે. તે જર્મનીમાં મોટો થયો છે. તેનું કુટુંબ કૅથલિક ધર્મ પાળે છે. પરંતુ ઑટમારે નાનપણમાં જ કૅથલિક ચર્ચમાં જવાનું છોડી દીધું હતું. તે કહે છે: “હું ચર્ચમાં જઈને ઘરે પાછો આવતો ત્યારે મને દિલમાં ખાલી ખાલી લાગતું.” તેમ છતાં તેને ઈશ્વરમાં શ્રદ્ધા તો હતી જ. સમય જતાં તે યહોવાહના સાક્ષીઓને મળ્યો. તેણે તેઓ સાથે બાઇબલમાંથી અમુક સમય સુધી ચર્ચા કરી. પછી તેને ખાતરી થઈ કે તેઓ જ ઈશ્વરના સાચા સેવકો છે. તે જોઈ શક્યો કે તેણે તેઓ સાથે સંગત રાખવી જ જોઈએ. તે હવે કહે છે: “આજે ઈશ્વરની સંસ્થા આખી દુનિયામાં તેમનું શિક્ષણ આપી રહી છે. તેઓ સાથે એ કાર્યમાં ભાગ લેવાથી મને સાચે જ મનની શાંતિ મળે છે. હું ધીરે ધીરે હજી વધારે બાઇબલ વિષે શીખી રહ્યો છું. એમ કરવાથી મને પોતાને ઘણો લાભ થયો છે.”

તમે પણ ઈશ્વરનું સત્ય શીખો

બધા મન ફાવે એમ કરવાને બદલે, જો સંપીને કામ કરે તો તેઓ ઘણું જ સિદ્ધ કરી શકે છે. દાખલા તરીકે, ઈસુએ સ્વર્ગમાં જતા પહેલાં શિષ્યોને આમ કહ્યું: “એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ; અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.” (માત્થી ૨૮:૧૯, ૨૦) જો બધા જ મન ફાવે તેમ કાર્યમાં ભાગ લે તો, આ સોંપણી કઈ રીતે વ્યવસ્થિત પૂરી થઈ શકે? ઈશ્વરનું આ કાર્ય પૂરું કરવા શું એક સંસ્થાની જરૂર નથી? જો કોઈ પોતાની રીતે જ આ કામ સિદ્ધ કરવા માંગતું હોય તો, શું એનાથી ઈશ્વર રાજી થશે?

ગયા વર્ષે યહોવાહના સાક્ષીઓએ ૨૩૫ દેશોમાં ૯,૧૯,૩૩,૨૮૦ બાઇબલ સમજાવતા નાના-મોટા પુસ્તકો, બ્રોશરો અને ૬૯,૭૬,૦૩,૨૪૭ મૅગેઝિનોનું વિતરણ કર્યું હતું. આથી બધા જ પોતાની ભાષામાં ઈશ્વરનો સંદેશો વાંચી શકે. એ પુરાવો આપે છે કે, તેઓ સંપીને ઈશ્વરનું કામ કરી રહ્યા છે. નહિ તો શું આ કાર્ય સંસ્થા વગર પોતાની મેળે થઈ શકત?

વળી, યહોવાહના સાક્ષીઓએ ગયા વર્ષે લગભગ ૫૭,૨૬,૫૦૯ લોકોને તેઓના ઘરે દર અઠવાડિયે બાઇબલમાંથી ઈશ્વરનું જ્ઞાન શીખવ્યું, અને એ પણ કોઈ પૈસા લીધા વગર. એનાથી ઘણા લોકો શીખી શક્યા કે ઈશ્વરની કૃપા પામવા માટે શું કરવાની જરૂર છે. આ રીતે બાઇબલમાંથી શીખવવાથી લાખો લોકોને ફાયદો થયો છે. હવે તેઓ નિર્ણય લઈ શકે છે કે પોતે ઈશ્વરને કઈ રીતે ભજશે. આવો, તમે પણ તેઓની જેમ બાઇબલમાંથી શીખો કે ઈશ્વરની કૃપા પામવા શું કરવું જોઈએ, જેથી તમે પણ તેઓની જેમ નિર્ણય લઈ શકો.—એફેસી ૪:૧૩; ફિલિપી ૧:૯; ૧ તીમોથી ૬:૨૦; ૨ પીતર ૩:૧૮.

તમે ઈશ્વરની કૃપા પામવા ચાહતા હોવ તો ધર્મમાં જોડાવવું જરૂરી છે. પરંતુ એનો એવો અર્થ નથી કે આંખો મીંચીને કોઈ પણ ધર્મ કે પંથ સાથે જોડાઈ જવું જોઈએ. તેમ જ લોકો બાઇબલ વિષે શું કહે છે અથવા માને છે એના પરથી પણ નિર્ણય લેવો ન જોઈએ. પણ નિર્ણય લેતા પહેલાં એનું ખરું જ્ઞાન લેવું જોઈએ. (નીતિવચનો ૧૬:૨૫) ઈશ્વરની નજરે ખરો ધર્મ કેવો હોવો જોઈએ એ પ્રથમ શીખો. પછી એ તમારી માન્યતા સાથે સરખાવો. એમ કર્યા પછી તમે પોતે પસંદ કરો.—પુનર્નિયમ ૩૦:૧૯.

[પાન ૭ પર ચિત્ર]

જગતમાં લોકોમાં ઘણા ભાગલા પડ્યા છે, પણ યહોવાહના સાક્ષીઓમાં સંપ છે