સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બધાનું ભલું કરતા રહો

બધાનું ભલું કરતા રહો

નું ભલું કરતા રહો

“જોતમે ચાહતા હો કે કોઇ તમારું બૂરું ન કરે, તો તમે પણ કોઇનું બૂરું ન કરો.” ચીનના ઉપદેશક અને તત્ત્વજ્ઞાની કન્ફ્યુશિયસે આવો જાણીતો ઉપદેશ આપ્યો હતો. આજે ૨,૫૦૦ વર્ષ પછી પણ ઘણા લોકો માને છે કે બીજાઓને દુઃખ ન પહોંચાડે એ વ્યક્તિ સૌથી સારી છે.

કન્ફ્યુશિયસના આ ઉપદેશમાં સત્ય છે. પણ બીજા એક શાસ્ત્ર, બાઇબલનો વિચાર કરો. એ આપણા વહેવાર વિષે એનાથી પણ વિશેષ કરવાનું કહે છે. બાઇબલના એક લેખક, યાકૂબે લખ્યું: “જે ભલું કરી જાણે છે, પણ કરતો નથી, તેને પાપ લાગે છે.” (યાકૂબ ૪:૧૭) બાઇબલ અહીં ઉપદેશ આપે છે કે તમે કોઈનું ભલું કરી શકતા હો તો, જરૂર કરો. ઈસુએ પણ ફક્ત એમ કહ્યું ન હતું કે બીજાઓને દુઃખ ન પહોંચાડો. પણ તેમણે અરજ કરી: “જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.”—માત્થી ૭:૧૨.

પરમેશ્વરે માણસજાતનું સરજન કર્યું ત્યારે તેમની ઇચ્છા હતી કે બધા મનુષ્યો હળીમળીને રહે, એકબીજાનું ભલું કરે. તેમણે જે રીતે મનુષ્યોને બનાવ્યા, એના પરથી દેખાઈ આવે છે કે બીજાઓનું ભલું કરવામાં તેમણે કેવો સરસ દાખલો બેસાડ્યો છે: “દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્‍ન કર્યું, દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્‍ન કર્યું; તેણે તેઓને નરનારી ઉત્પન્‍ન કર્યાં.” (ઉત્પત્તિ ૧:૨૭) હા, પરમેશ્વરે દરેક મનુષ્યને અંતઃકરણ પણ આપ્યું છે. જો એને યોગ્ય રીતે કેળવવામાં આવે તો, એ આપણને બીજાઓ સાથે વ્યવહાર કરવા મદદ કરશે, જેની આપણે બીજાઓ પાસેથી આશા રાખીએ છીએ.

આજે લોકો એટલા સ્વાર્થી થઈ ગયા છે કે, મદદનો હાથ લંબાવવાની તો વાત જ દૂર રહી. એના લીધે બીજા ઘણા લોકોને ખૂબ સહેવું પડે છે. તેથી, ખાલી બીજાઓને દુઃખ ન પહોંચાડીએ એટલું જ પૂરતું નથી. પણ આપણે બીજાઓનું ભલું કરવા જરૂર હાથ લંબાવવો જોઈએ. યહોવાહના સાક્ષીઓએ બાઇબલના આ ઉપદેશને જીવનમાં ઉતાર્યો છે. એટલે જ તેઓ રાજીખુશીથી બીજા લોકોને ઉજ્જ્વળ ભવિષ્ય વિષે ધર્મશાસ્ત્રમાંથી શીખવે છે. તેઓ પ્રેમથી પ્રેરાઈને લોકોને ઘરે ઘરે જઈને બાઇબલમાંથી શુભસંદેશો જણાવે છે. આમ, તેઓ પોતે જે આશીર્વાદોની આશા રાખે છે એ વિષે બીજાઓને પણ જણાવે છે.