સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની રચના તેમનો જયજય પોકારે છે!

યહોવાહની રચના તેમનો જયજય પોકારે છે!

યહોવાહની રચના તેમનો જયજય પોકારે છે!

“આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે; અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે.”—ગીતશાસ્ત્ર ૧૯:૧.

૧, ૨. (ક) શા માટે મનુષ્યો ઈશ્વરને જોઈ શકતા નથી? (ખ) ચોવીસ વડીલો કઈ રીતે ઈશ્વરને મહિમા આપે છે?

 “તું મારૂં મુખ જોઈ શકતો નથી; કેમકે મને જોઈને કોઈ માણસ જીવતો રહી શકે નહિ.” (નિર્ગમન ૩૩:૨૦) યહોવાહ પરમેશ્વરે મુસાને આ ચેતવણી આપી. આપણું શરીર જ એ રીતે બનાવવામાં આવ્યું છે, કે આપણે ઈશ્વરને નજરોનજર જોઈને જીવતા રહી શકીએ નહિ. પરંતુ, ઈશ્વરભક્ત યોહાનને દર્શન થયું ત્યારે, તેમણે ઈશ્વરના અજોડ રાજ્યાસનનું ગૌરવ જોયું.—પ્રકટીકરણ ૪:૧-૩.

જોકે, સ્વર્ગદૂતો યહોવાહનો ચહેરો જોઈ શકે છે. યોહાનને થયેલા દર્શનમાં તેમણે “ચોવીસ વડીલોને” પણ સ્વર્ગમાં જોયા, જેઓ ૧,૪૪,૦૦૦ને રજૂ કરે છે. (પ્રકટીકરણ ૪:૪; ૧૪:૧-૩) યહોવાહનું ગૌરવ જોઈને તેઓને કેવું લાગે છે? પ્રકટીકરણ ૪:૧૧માં તેઓ જણાવે છે: “ઓ અમારા પ્રભુ તથા દેવ, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે; કેમ કે તેં સર્વેને ઉત્પન્‍ન કર્યાં, અને તારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્‍ન થયાં.”

કોઈ બહાનું કાઢી ન શકે

શું તમે પરમેશ્વરમાં માનો છો? દુનિયાના મોટા ભાગના લોકો ઈશ્વરમાં માનતા નથી, ને અમુક તો ‘ઈશ્વર છે જ નહિ’ એવું માને છે. દાખલા તરીકે, એક ખગોળશાસ્ત્રીએ લખ્યું: ‘શું ઈશ્વરે વિશ્વને ખાસ આપણા માટે જ બનાવ્યું? એ તો ખોટી વાત. મને તો એ આખી વાત જ બનાવટ લાગે છે. આપણા સવાલનો જવાબ ઈશ્વર નથી.’

વૈજ્ઞાનિકોની શોધની એક હદ હોય છે. માનવ જે જોઈ શકે અને સંશોધન કરી શકે, એટલી જ એની હદ છે. નહિ તો બાકીનું બધું અનુમાનો પર આધાર રાખે છે. પરંતુ, “દેવ આત્મા છે,” એટલે વૈજ્ઞાનિક રીતે તેમને જોઈને શોધખોળ કરવી અશક્ય છે. (યોહાન ૪:૨૪) તેમ છતાં એમ માનવું તો ખોટું કહેવાય કે વિજ્ઞાનની નજરે ઈશ્વર છે જ નહિ. ઇંગ્લૅંડની કેમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક વિન્સન્ટ વીગલ્સવર્થ જણાવે છે કે, ‘વિજ્ઞાનની શોધખોળનો આધાર પણ “વિશ્વાસ” પર રહેલો છે.’ કઈ રીતે? ‘એવી કોઈ શોધખોળ માટે કુદરતી નિયમો પર પૂરેપૂરો ભરોસો કે આધાર રાખવો જ પડે છે.’ તેથી, જ્યારે કોઈ ઈશ્વરમાં માનતો નથી, ત્યારે શું તે બીજે ક્યાંય ફાંફાં મારતો નથી? અમુક કિસ્સામાં નાસ્તિક બનવું કે ઈશ્વર છે જ નહિ એમ માનવું, એ તો જાણીજોઈને સચ્ચાઈનો ઇનકાર કરવા બરાબર છે. શાસ્ત્રમાં એક કવિએ લખ્યું છે કે “દુષ્ટ પોતાના અહંકારી ચહેરાથી બતાવે છે, કે દેવ બદલો લેશે નહિ; તેના સઘળા વિચાર એવા છે, કે દેવ છે જ નહિ.”—ગીતશાસ્ત્ર ૧૦:૪.

૫. ઈશ્વરમાં ન માનતા હોય, એવા લોકો પાસે કેમ કોઈ બહાનું નથી?

જોકે, ઈશ્વરમાં માનવું એ આંધળો વિશ્વાસ નથી. ઈશ્વર છે, એની જોઈએ એટલી સાબિતીઓ છે. (હેબ્રી ૧૧:૧) ખગોળશાસ્ત્રી એલન સેન્ડેજે કહ્યું, કે “હું એ માની શકતો નથી કે આટલું સારી રીતે ચાલતું [વિશ્વ] પોતાની મેળે આવી ગયું. એને બનાવનાર કોઈક તો હોવું જ જોઈએ. ખરું કે હું હજુ ઈશ્વરને જાણતો નથી, છતાં વિશ્વમાં કંઈ હતું નહિ, એની જગ્યાએ બધું આવી ગયું, એનો જવાબ ઈશ્વર જ છે.” ઈશ્વર-ભક્ત પાઊલે રોમમાંના ખ્રિસ્તીઓને જણાવ્યું કે પરમેશ્વરના “અદૃશ્ય ગુણો, એટલે તેનું સનાતન પરાક્રમ અને દેવત્વ, જગત ઉત્પન્‍ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે; તેથી તેઓ [ઈશ્વરમાં ન માનનારા] બહાનું કાઢી શકે એમ નથી.” (રૂમી ૧:૨૦) કુદરતી વસ્તુઓ પરથી, ખાસ તો બુદ્ધિશાળી માનવનું સર્જન થયું ત્યારથી આ વાત સાબિત થઈ છે: આપણા સરજનહાર છે અને તે બહુ જ શક્તિશાળી છે, જેની આપણે ભક્તિ કરવી જોઈએ. પરંતુ, જેઓ ઈશ્વરનું ગૌરવ, મહિમા અને શક્તિ જોવા માંગતા નથી, તેઓ પણ કોઈ બહાનું કાઢી શકે એમ નથી. ચાલો આપણે જોઈએ, કે ઉત્પન્‍ન કરેલી ચીજ-વસ્તુઓમાં કઈ કઈ સાબિતી મળી આવે છે?

વિશ્વ ઈશ્વરનો જયજય કરે છે

૬, ૭. (ક) આકાશો કઈ રીતે ઈશ્વરની વાતો કરે છે? (ખ) કઈ રીતે આકાશોનો “વિસ્તાર આખી પૃથ્વીમાં છે?”

ગીતશાસ્ત્ર ૧૯:૧ જણાવે છે: “આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે; અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે.” દાઊદ પોતે જોઈ શક્યા કે તારાઓ અને ગ્રહો, જે આકાશો અને અંતરિક્ષમાં છે, એ બધા મહાન ઈશ્વરની સાબિતી આપે છે. પછી, દાઊદ જણાવે છે: “દહાડો દહાડાને તેના વિષે કહે છે, અને રાત રાતને તેનું જ્ઞાન પ્રગટ કરે છે.” (ગીતશાસ્ત્ર ૧૯:૨) એક પછી બીજો દિવસ અને એક રાત પછી બીજી રાત, પરમેશ્વરની આવડત અને કારીગરી દર્શાવે છે. જાણે કે આકાશમાંથી ઈશ્વરનો જયજયકાર ગવાતો ન હોય!

ખરું કે એ સાબિતી સાંભળવા કે જોવાની પણ સૂઝ-બૂઝ હોવી જોઈએ. “વચન નથી અને શબ્દો પણ નથી; અને તેઓની વાણી સંભળાતી નથી.” તોપણ, આકાશોની એ મૂંગી સાબિતી જોર-શોરથી સંભળાય છે. “તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે, અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી પસરેલી છે.” (ગીતશાસ્ત્ર ૧૯:૩, ૪) આકાશોનો વિસ્તાર અથવા સંદેશો આખી પૃથ્વી પર છવાયેલો છે. જાણે કે ગેરંટી આપવા માંગે છે, કે તેઓની મૂંગી સાક્ષી દુનિયાના એકથી બીજા ખૂણા સુધી ફેલાઈ જાય.

૮, ૯. સૂર્ય વિષે કઈ માહિતી જાણવા જેવી છે?

પછી, દાઊદે યહોવાહના બીજા એક સરજનનું વર્ણન કર્યું: “તેઓમાં [આકાશમાં] તેણે સૂર્યને સારૂ મંડપ ઊભો કર્યો છે. તે પોતાના ઓરડામાંથી નીકળતા વરરાજા જેવો છે, તે બળવાન માણસની પેઠે પોતાની શરત દોડવામાં આનંદ માને છે. આકાશને એક છેડેથી તે નીકળી આવે છે, અને તેનું પરિક્રમણ [આખું ચક્કર] તેના બીજા છેડા સુધી છે; તેની ઉષ્ણતા વગર કોઈ રહી જતું નથી.”—ગીતશાસ્ત્ર ૧૯:૪-૬.

આકાશમાં ઝગમગતા તારાઓમાં સૂર્ય બહુ મોટો તારો લાગે છે, જેની સામે આસપાસ ફરતા ગ્રહો સાવ ટચૂકડા દેખાય છે. તેમ છતાં, સૂર્ય કરતાં પણ મોટા અનેક તારા છે. એક રિપોર્ટ પ્રમાણે, આપણા સૂર્યમંડળના કુલ દળના આશરે ૯૯.૯ ટકા, એટલે કે બેની પાછળ ૨૭ મીંડા મૂકીએ એટલા ટન દળ એકલા સૂર્યમાં સમાયેલું છે! સૂર્યના ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વી આશરે ૧૫ કરોડ કિલોમીટરને યોગ્ય અંતરે સૂર્યની આસપાસ ફરતી રહે છે. પરંતુ, એવું કદી બનતું નથી કે પૃથ્વી સૂર્યની વધારે નજીક ખેંચાઈ જાય કે એનાથી જરાક દૂર ચાલી જાય. સૂર્યની ગરમીનો માત્ર બે અબજમો ભાગ પૃથ્વી પર પહોંચે છે, જે જીવન ટકાવી રાખવા પૂરતી છે.

૧૦. (ક) કઈ રીતે સૂર્ય પોતાના ‘મંડપની’ અંદર જાય છે અને બહાર આવે છે? (ખ) સૂર્ય કઈ રીતે “બળવાન માણસની” જેમ દોડે છે?

૧૦ અહીં કવિ સૂર્યને “બળવાન માણસની” સાથે સરખાવે છે. એ જાણે કે દિવસે એકથી બીજા છેડે દોડે છે. એ મોટો તારો સાંજે આથમી જાય ત્યારે, જાણે કે એના ‘મંડપમાં’ આરામ કરવા જતો રહે છે. વહેલી સવારે જાણે “પોતાના ઓરડામાંથી નીકળતા વરરાજા જેવો,” પાછો હોંશે હોંશે ઊગી નીકળે છે. દાઊદ ભરવાડ તરીકે જાણતા હતા કે રાત્રે બહાર કેવી કડકડતી ઠંડી હોય છે. (ઉત્પત્તિ ૩૧:૪૦) તેથી, દાઊદને ખબર હતી કે સૂરજનો કૂણો કૂણો તડકો કેવી સરસ ગરમી આપે છે! વળી, સૂર્ય ગઈ કાલે પૂર્વથી પશ્ચિમ દોડીને થાકી ગયો ન હતો. જરાય નહિ! પણ “બળવાન માણસની” જેમ, ફરીથી એ દોડ માટે તૈયાર થઈ જાય છે.

તારાઓથી ભરેલું ગગન

૧૧ દાઊદ ટેલિસ્કોપ કે દૂરબીન વિના ફક્ત થોડાક હજાર તારાઓ જ જોઈ શકતા હતા. જોકે, આજકાલ તો જાતજાતનાં દૂરબીનો આવી ગયાં છે. આજે એની મદદથી આશરે ૭ની પાછળ ૨૨ મીંડા મૂકો, એટલા બધા તારાઓ જોઈ શકાય છે! યહોવાહે તો પહેલેથી જ જણાવ્યું હતું કે આકાશમાં “સમુદ્રના કાંઠાની રેતી” જેટલા અસંખ્ય તારા છે.—ઉત્પત્તિ ૨૨:૧૭.

૧૨ લાંબા સમયથી ખગોળશાસ્ત્રીઓને અંતરિક્ષમાં “ચોક્કસ આકાર વિનાના, ધૂંધળા પ્રકાશવાળા નાના નાના ભાગ” દેખાતા હતા. વૈજ્ઞાનિકોને લાગ્યું કે એ “સર્પિલ નિહારિકાઓ” તો આપણી આકાશગંગાના તારામંડળનો જ ભાગ હશે. જોકે, ૧૯૨૪માં શોધ થઈ કે આપણી સૌથી નજીક આવેલી એવી એક નિહારિકા, એન્ડ્રોમેડા પોતે જ એક તારામંડળ હતી. એ ફક્ત ૨૦ લાખ પ્રકાશવર્ષ દૂર છે! વૈજ્ઞાનિકો હવે અંદાજ કાઢે છે કે આવા તો અબજો તારામંડળો આવેલાં છે, જે દરેકમાં ‘ગણ્યા ગણાય નહિ’ એટલા બધા તારા છે. તોપણ, યહોવાહ પરમેશ્વર “તે તારાઓની ગણતરી કરે છે; તે સર્વને નામો આપે છે.”—ગીતશાસ્ત્ર ૧૪૭:૪.

૧૩. (ક) નક્ષત્રો વિષે શું જાણવા જેવું છે? (ખ) વૈજ્ઞાનિકો હજુ “આકાશના નિયમો” જાણતા નથી, એની કઈ સાબિતી છે?

૧૩ યહોવાહે અયૂબને પૂછ્યું: “શું તું કૃત્તિકા નક્ષત્રને બાંધી શકે છે? અથવા મૃગશીર્ષના બંધ છોડી શકે છે?” (અયૂબ ૩૮:૩૧) નક્ષત્ર એટલે કે એવા તારાઓનાં ઝૂમખાં જે આપણને કોઈ આકારમાં દેખાય છે. ભલે એ તારા એકબીજાથી બહુ જ દૂર દૂર હોય શકે, પણ પૃથ્વી પરથી તો આપણને એની ચોક્કસ જગ્યાએ જ દેખાય. તેથી, તારાઓ “એકથી બીજી દિશા શોધવા, અવકાશયાત્રીઓને અવકાશમાં જવા અને તારાની ઓળખ આપવા બહુ મદદરૂપ થાય છે.” (ધી ઍન્સાયક્લોપેડિયા અમેરિકાના) તેમ છતાં, કોઈ સમજી શક્યું નથી કે નક્ષત્રોના તારાઓ કઈ રીતે સાથે બંધાયેલા રહે છે. ખરેખર, વૈજ્ઞાનિકો હજુ આ સવાલનો જવાબ આપી શકતા નથી: “શું તું આકાશના નિયમો જાણે છે?”—અયૂબ ૩૮:૩૩.

૧૪. પ્રકાશની વહેંચણી વિષે કઈ રીતે હજુ ઘણું સમજવાનું બાકી છે?

૧૪ વૈજ્ઞાનિકો બીજા એક સવાલનો જવાબ પણ આપી શકતા નથી: “કયે માર્ગે અજવાળાની વહેંચણી થાય છે?” (અયૂબ ૩૮:૨૪) એક લેખકે પ્રકાશ વિષેના આ સવાલને “આજના વિજ્ઞાનનો મહત્ત્વનો સવાલ” ગણ્યો. જ્યારે કે ગ્રીક ફિલસૂફો માનતા હતા કે પ્રકાશ તો માનવ આંખમાંથી નીકળે છે. આજના વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રકાશમાં નાના નાના કણો રહેલાં છે. બીજા લોકોને એ જાણે તરંગ લાગ્યા. આજે વૈજ્ઞાનિકો માને છે કે પ્રકાશમાં કણો અને તરંગો બંને રહેલા છે. તેમ છતાં, પ્રકાશ કે “અજવાળાની વહેંચણી” કઈ રીતે થાય છે, એ સમજવું તો બાકી જ રહ્યું.

૧૫. દાઊદની જેમ આકાશ તરફ નજર કરતા આપણને કેવી લાગણી થાય છે?

૧૫ આ બધું વિચારીને આપણને પણ કવિ દાઊદ જેવી જ લાગણી થાય છે, જેમણે કહ્યું: “આકાશો, જે તારા હાથનાં કૃત્યો છે, અને ચંદ્ર તથા તારાઓ, જેઓને તેં ઠરાવ્યા છે, તેઓ વિષે હું વિચાર કરૂં છું; ત્યારે હું કહું છું, કે માણસ તે કોણ છે, કે તું તેનું સ્મરણ કરે છે? અને મનુષ્યપુત્ર કોણ, કે તું તેની મુલાકાત લે છે?”—ગીતશાસ્ત્ર ૮:૩, ૪.

ધરતી અને એમાં રહેનારા યહોવાહનાં ગીતો ગાય છે

૧૬, ૧૭. દરિયામાંના જીવો કઈ રીતે યહોવાહની બુદ્ધિ અને ચતુરાઈ બતાવે છે?

૧૬ બીજી કઈ કઈ રીતે આ ધરતીની રચના ઈશ્વરનો જયજયકાર કરે છે? ગીતશાસ્ત્ર ૧૪૮ની સાતમી કડી આમ વંચાય છે: “પૃથ્વી પરથી તમે યહોવાહની સ્તુતિ કરો; રાક્ષસી જળચરો તથા સર્વ ઊંડાણો તેની સ્તુતિ કરો.” સાચે જ, જો આપણે દરિયામાં રહેનારાનો વિચાર કરીએ, તો એ ઈશ્વરની બુદ્ધિ અને શક્તિનો પરચો દેખાડે છે. બ્‌લ્યુ વ્હેલ માછલી તો જબરજસ્ત મોટી હોય છે. તેનું વજન આશરે ૧૨૦ ટન એટલે કે ૩૦ હાથીના વજન જેટલું હોય છે! ફક્ત તેનું હૃદય ૪૫૦ કિલોનું હોય છે, જેમાંથી આશરે ૬,૪૦૦ કિલો લોહી આવ-જા કરે છે! શું આ મહાકાય માછલી એક જગ્યાએ આળસુ થઈને બેસી રહે છે? ના, દરિયાઈ પ્રાણીનું રક્ષણ કરતી એક યુરોપિયન સંસ્થાનો રિપોર્ટ જણાવે છે, કે એ તો એની ઝડપે “દરિયામાં ફરતી રહે છે.” સેટેલાઈટ અથવા ઉપગ્રહથી જોવા મળ્યું છે, કે “એક બ્‌લ્યુ વ્હેલ દસ મહિનામાં આશરે ૧૬,૦૦૦ કિલોમીટરનું અંતર કાપી ગઈ હતી.”

૧૭ સામાન્ય રીતે, બાટલી જેવા નાકવાળી ડૉલ્ફિન લગભગ ૪૫ મીટરની ઊંડાઈ સુધી ડૂબકી મારે છે. પરંતુ, એણે ૫૪૭ મીટર ઊંડાઈએ ડૂબકી મારી હોય, એવો પણ રેકોર્ડ છે! એ કઈ રીતે આમ કરી શકે છે? જ્યારે ડૉલ્ફિન ડૂબકી મારે, ત્યારે તેના હૃદયના ધબકારા ધીમા થઈ જાય છે, એનું લોહી હૃદય, ફેફસાં અને મગજ તરફ વળવા લાગે છે. ડૉલ્ફિનના સ્નાયુઓમાં એવું કેમિકલ હોય છે, જે ઑક્સિજન કે પ્રાણવાયુ સંઘરે છે. હાથીસીલ અને સ્પર્મ વ્હેલ તો હજુ વધારે ઊંડે ડૂબકી મારી શકે છે. ડિસ્કવર નામનું મૅગેઝિન જણાવે છે, કે “પાણીના દબાણ સામે લડવાને બદલે, તેઓ એનાથી પોતાનાં ફેફસાં એકદમ બેસી જવા દે છે.” તેઓ મોટા ભાગનો જરૂરી ઑક્સિજન પોતાના સ્નાયુમાં ભરી રાખે છે. ખરેખર, ઈશ્વરની બુદ્ધિ અને ચતુરાઈની આ જીવંત નિશાનીઓ છે!

૧૮. દરિયાનું પાણી કઈ રીતે યહોવાહનું ડહાપણ બતાવે છે?

૧૮ અરે, દરિયાનું પાણી પણ યહોવાહનું ડહાપણ પ્રગટ કરે છે. સાયન્ટીફિક અમેરિકન નામનું મૅગેઝિન કહે છે: “દરિયાની સપાટીથી લઈને ૧૦૦ મીટર નીચે સુધીના પાણીમાં હજારો પ્રકારની ઝીણી ઝીણી વનસ્પતિ રહેલી છે.” એ “નાનકડું અદૃશ્ય જંગલ” પૃથ્વી પરથી અબજો ટન કાર્બન ડાયૉક્સાઈડ ખેંચી લે છે. તેમ જ, આપણે શ્વાસમાં લઈએ છીએ એ અડધો-અડધ પ્રાણવાયુ કે ઑક્સિજન આપે છે. આમ, એ પૃથ્વી પરની હવા શુદ્ધ કરે છે.

૧૯. કઈ રીતે આગ અને બરફ યહોવાહની ઇચ્છા પૂરી કરે છે?

૧૯ ગીતશાસ્ત્ર ૧૪૮:૮ કહે છે: “અગ્‍નિ તથા કરા, હિમ તથા મેઘ; આંધીના વાયુ, જે તેનું વચન પૂરૂં કરે છે.” હા, જેઓમાં જીવ નથી, એવી કુદરતી ચીજો દ્વારા પણ યહોવાહ પોતાની ઇચ્છા પૂરી કરે છે. જેમ કે અગ્‍નિનો વિચાર કરો. વર્ષો પહેલાં જંગલમાં આગ લાગતી એને નુકસાન ગણવામાં આવતું. જોકે આજે સંશોધકો માને છે કે આગ વાતાવરણને ચોખ્ખું રાખવામાં મોટો ભાગ ભજવે છે. એ સૂકાં ઝાડને બાળી નાખે છે, બધી બાજુ બી ફેલાવે છે, પોષક તત્ત્વ વધારે છે અને અચાનક આગ ભડકી ઊઠવાનું જોખમ ઘટાડે છે. હિમ કે બરફ પણ જરૂરી છે. એનાથી જમીનને પાણી મળે છે, જમીન ઉપજાઉ થાય છે, નદીઓમાં પાણી ભરાય છે. વળી, ઝાડ-પાન અને પ્રાણીઓને કડકડતી ઠંડીથી બચાવે છે, કેમ કે બરફ પડ્યા પછી વાતાવરણ હૂંફાળું થાય છે.

૨૦. મનુષ્યોને પર્વતો અને ઝાડથી કેવા કેવા લાભો થાય છે?

૨૦ એ પછી ગીતશાસ્ત્ર ૧૪૮:૯ “પહાડો તથા સર્વ ડુંગરો; ફળવૃક્ષો તથા સર્વ દેવદારો” વિષે વાત કરે છે. ટટ્ટાર ઊભેલા પર્વતો યહોવાહની શક્તિ દેખાડે છે. (ગીતશાસ્ત્ર ૬૫:૬) પરંતુ, તેઓ બહુ કામના છે. સ્વિટ્‌ઝરલૅન્ડના બર્ન શહેરમાં આવેલી ભૂગોળની સંસ્થાનો રિપોર્ટ જણાવે છે: “દુનિયાની મોટા ભાગની નદીઓ પર્વતોમાંથી નીકળે છે. પચાસ ટકાથી વધારે મનુષ્યો પર્વતોમાં રહેલા તાજા પાણી પર આધાર રાખે છે. . . . આ પર્વતો, ‘પાણીની ટાંકીઓ’ માનવ જીવન માટે બહુ જ જરૂરી છે.” હવે, તમે કોઈ ઝાડનો વિચાર કરો તો, એ પણ તેના સરજનહારનું નામ રોશન કરે છે. યૂનાઇટેડ નેશન્સ વાતાવરણ કાર્યક્રમનો એક રિપોર્ટ જણાવે છે, કે ઝાડ તો “દરેક દેશોના લોકોના જીવન માટે બહુ જ જરૂરી છે. . . . ઘણાં ઝાડથી ઘણી આવક થાય છે, કેમ કે એનું લાકડું, ફળો, દાણા, અને ગુંદર વેચાય છે. દુનિયામાં આશરે બે અબજ લોકો રાંધવા માટે અને બળતણ તરીકે લાકડાં પર આધાર રાખે છે.”

૨૧. કઈ રીતે એક પાન પણ પોતાના રચનારની કારીગરી બતાવે છે?

૨૧ અરે, ઝાડની રચનામાં પણ રચનારની કારીગરી દેખાઈ આવે છે. તમે જરા પાંદડાંનો વિચાર કરો. પાનની ઉપરના ભાગમાં જાણે મીણનું ચળકતું પડ હોય છે, જેને કારણે પાન જલદી ચીમળાઈ જતું નથી. એ પડની નીચે પાનના કોષો આવેલા હોય છે. એમાં લીલું દ્રવ્ય રહેલું હોય છે, જે પ્રકાશ શોષી લે છે. પ્રકાશ સંશ્લોષણ કહેવાતી અટપટી રીતથી પાન જાણે કે “રસોડું” બની જાય છે. ઝાડનાં મૂળિયાં પાણી ખેંચે છે અને પાન સુધી પહોંચાડે છે. પાન સૂર્યપ્રકાશની મદદથી પાણી અને હવામાંનો કાર્બન ડાયૉક્સાઈડ વાપરીને ખાંડ અને સ્ટાર્ચ જેવો ખોરાક તૈયાર કરે છે. હવે એ ઝાડ પોતાના જ ‘રસોડામાં’ બનેલો ખોરાક ખાઈને તાજું-માજું રહી શકે છે. એટલું જ નહિ, પણ આ રીતે ઝાડ ઑક્સિજન છૂટો પાડે છે, જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે!

૨૨, ૨૩. (ક) અમુક પક્ષીઓ અને પ્રાણીઓમાં કેવી આવડત છે? (ખ) હવે આપણે બીજા કયા પ્રશ્નોની ચર્ચા કરીશું?

૨૨ “જાનવરો તથા સર્વ પશુઓ; પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ” વિષે ગીતશાસ્ત્ર ૧૪૮:૧૦ જણાવે છે. પ્રાણીઓ અને પક્ષીઓમાં પણ માની ન શકાય એવી આવડત હોય છે. આલ્બાટ્રોસ નામનું દરિયાઈ પક્ષી દૂર દૂર સુધી ઊડી શકે છે (એક આલ્બાટ્રોસ ફક્ત ૯૦ દિવસોમાં આશરે ૪૦,૦૦૦ કિલોમીટર ઊડ્યું હતું). વળી, બ્લેકપોલ વોર્બ્લર, એટલે ફુત્કી કે ટિક-ટિકી નામના પક્ષીનો વિચાર કરો. એ ઉત્તરથી દક્ષિણ અમેરિકાની એકધારી ૮૦ કલાકની મુસાફરી કરે છે. ઊંટનો વિચાર કરો. કહેવામાં આવે છે એમ ઊંટ એની ખૂંધમાં નહિ, પણ એના પાચનતંત્રમાં પાણી સંઘરી રાખે છે. જેથી, તે લાંબો સમય પાણી વિના રહી શકે. ખરેખર, એમાં કંઈ નવાઈ નથી કે આજે એન્જિનિયરો મશીનોની રચના કરતા પહેલાં, પશુ-પંખીઓનો અભ્યાસ કરે છે. ગેઈલ ક્લેર નામની લેખિકા કહે છે કે “તમારે એવી કોઈ વસ્તુ બનાવવી હોય, જે સારી રીતે ચાલે . . . અને વાતાવરણને નુકસાન પણ ન કરે તો, ચોક્કસ તમને એનો નમૂનો કુદરતમાં મળી આવશે.”

૨૩ સાચે જ, આખા વિશ્વનું સર્જન પોતાના રચનારનું નામ રોશન કરે છે! આકાશમાં ઝગમગતા તારાઓથી માંડીને ઝાડ-પાન, પશુ-પંખીઓ બધા જ પોતાની રીતે પોતાના બનાવનારનાં ગીતો ગાય છે. પરંતુ, મનુષ્યો વિષે શું? આપણે કઈ રીતે એ બધાની સાથે ઈશ્વરનાં ગીતો ગાઈ શકીએ?

આપણે શું શીખ્યા?

• ‘ઈશ્વર છે જ નહિ’ એવું માનનારાઓ શા માટે બહાનું કાઢી શકે એમ નથી?

• કઈ રીતે તારાઓ અને ગ્રહો એના રચનારનું નામ રોશન કરે છે?

• કઈ રીતે દરિયામાં અને જમીન પર રહેનારા પોતાના સરજનહારની સાબિતી આપે છે?

• કુદરતની નિર્જીવ વસ્તુઓ પણ કઈ રીતે યહોવાહની ઇચ્છા પૂરી કરે છે?

[અભ્યાસ પ્રશ્નો]

૩, ૪. (ક) વિજ્ઞાનની નજરે કઈ રીતે કહી શકાય કે ઈશ્વર છે? (ખ) અમુક કિસ્સામાં શા માટે લોકો ઈશ્વરમાં માનતા નથી?

૧૧, ૧૨. (ક) બાઇબલ તારાની સંખ્યાને રેતીના કણ સાથે સરખાવીને કયું સત્ય જણાવે છે? (ખ) વિશ્વ કેટલું વિશાળ હોય શકે?

[પાન ૧૦ પર ચિત્ર]

વૈજ્ઞાનિકોના અંદાજ પ્રમાણે ૭ની પાછળ ૨૨ મીંડા મૂકો, એટલા તારાઓ જોઈ શકાય છે!

[ક્રેડીટ લાઈન]

Frank Zullo

[પાન ૧૨ પર ચિત્ર]

બાટલી જેવા નાકવાળી ડૉલ્ફિન

[પાન ૧૩ પર ચિત્ર]

બરફનો કણ

[ક્રેડીટ લાઈન]

snowcrystals.net

[પાન ૧૩ પર ચિત્ર]

નાનકડું આલ્બાટ્રોસ