સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમારે ચર્ચમાં જોડાવું જોઈએ?

શું તમારે ચર્ચમાં જોડાવું જોઈએ?

શું તમારે ચર્ચમાં જોડાવું જોઈએ?

આજે ઘણા માને છે કે, ‘ઈશ્વરમાં માનવા માટે મારે કોઈ ચર્ચમાં જવાની જરૂર નથી!’ હકીકતમાં ઘણા લોકો કહે છે કે, જ્યાં ધાર્મિક વિધિઓ થતી હોય છે એના કરતાં કુદરતી વસ્તુઓ જોવાથી તેઓ જાણે ઈશ્વર સાથે હોય એવું અનુભવે છે. આજે ઘણાને એવું લાગે છે કે ઈશ્વરમાં માનવા માટે કોઈ ધર્મ કે પંથમાં જોડાવાની કોઈ જરૂર નથી.

જોકે બીજાઓ એની સાથે સહમત નથી. તેઓ માને છે કે ઈશ્વરની કૃપા પામવી હોય તો, ચર્ચમાં જોડાવું પૂરતું નથી, પણ એમાં નિયમિત જવું જ જોઈએ. તેથી મહત્ત્વનો સવાલ થાય છે કે, વ્યક્તિએ કોઈ ચર્ચમાં જોડાઈને તેઓના સત્સંગમાં જવું જોઈએ કે કેમ? આ ફક્ત ચર્ચની સંખ્યા ઘટે કે વધે છે, એનો સવાલ નથી. પણ આપણે એ તો જાણવું જ જોઈએ કે ઈશ્વરને પ્રસન્‍ન કરવા આપણે શું કરવું જોઈએ? એ વિષે બાઇબલ શું કહે છે?

ઈશ્વરનું તેમના ભક્તો સાથેનું વર્તન!

લગભગ ૪,૪૦૦ વર્ષ પહેલાં પૃથ્વી પર ખૂબ જ દુષ્ટતા હતી. તેથી ઈશ્વર પૃથ્વી પર પ્રલય લાવ્યા હતા. એ બનાવ ભૂલાય જ કેમ? એની વાર્તાઓ આજે આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે. જોકે એ પ્રલયની વાર્તાઓમાં થોડો ઘણો ફરક તો હોય છે. પણ એ બધી વાર્તાઓમાં કહેવામાં આવે છે કે, પ્રલયમાં થોડા માણસો અને પ્રાણી બચી ગયાં હતાં.

હવે સવાલ થાય છે કે, એ પ્રલય આવ્યો ત્યારે શું અમુક વ્યક્તિઓ આમને આમ જ બચી ગઈ હતી? બાઇબલ જણાવે છે કે એવું ન હતું. હકીકતમાં ઈશ્વરે દરેકને જણાવ્યું ન હતું કે પ્રલય આવશે. પણ ઈશ્વરે ફક્ત તેમના ભક્ત નુહને એના વિષે જણાવ્યું હતું. તેથી નુહે લોકોને એ વિષે ચેતવણી આપી.—ઉત્પત્તિ ૬:૧૩-૧૬; ૨ પીતર ૨:૫.

પ્રલયમાંથી બચવા માટે તેઓએ શું કરવાની જરૂર હતી? એના વિષે ઈશ્વરે નુહને જણાવ્યું હતું. નુહના કહ્યા પ્રમાણે તેઓએ રાજીખુશીથી ઈશ્વરના માર્ગે ચાલવાનું હતું. અરે, પ્રાણીઓ પણ પોતાની મેળે બચ્યા ન હતા. પણ નુહના કુટુંબની દોરવણી પ્રમાણે તેઓ વહાણમાં ગયાં હતાં. ઈશ્વરે નુહને સ્પષ્ટ જણાવ્યું હતું કે કેવી રીતે વહાણ બાંધવું જોઈએ, જેથી પ્રાણીઓ પણ બચી શકે.—ઉત્પત્તિ ૬:૧૭-૭:૮.

એ પ્રલય થયો એની સદીઓ પછી નુહના દીકરા શેમના કુટુંબનો બહુ જ ફેલાવો થયો. પણ સમય જતાં તેઓ ઇજિપ્તમાં ગુલામ બની ગયા. તેમ છતાં ઈશ્વર ચાહતા હતા કે તેઓને આઝાદ કરીને, ઈબ્રાહીમને આપેલા વરદાન પ્રમાણે વચનના દેશમાં લઈ જાય. પણ નોંધ કરો કે ફરીથી એ વિષે ઈશ્વરે દરેકને નહિ પણ ફક્ત મુસા અને તેના ભાઈ હારૂનને જણાવ્યું હતું. ઈશ્વરે તેઓને ઇસ્રાએલના આગેવાન ઠરાવ્યા હતા. (નિર્ગમન ૩:૭-૧૦; ૪:૨૭-૩૧) ઇજિપ્તની ગુલામીમાંથી ઇસ્રએલીઓનો સમૂહ આઝાદ થયો પછી તેઓ સિનાય પર્વત પાસે આવ્યા. ત્યારે ઈશ્વરે તેઓને પોતાના નિયમો આપ્યા. આમ તેઓ ઇસ્રાએલ પ્રજા બન્યા.—નિર્ગમન ૧૯:૧-૬.

ઇજિપ્તની ગુલામીમાંથી છૂટવા માટે દરેક ઇસ્રાએલીએ ઈશ્વરે પસંદ કરેલા આગેવાનો એટલે મુસા અને હારૂનના માર્ગદર્શન પ્રમાણે કરવાનું હતું. એ જ રીતે, મૂળ ઇજિપ્તના લોકોમાંથી કોઈ ઇજિપ્ત છોડવા ચાહતું હોય તો, તેઓ માટે પણ ઈશ્વરના પસંદ કરાયેલા લોકો સાથે ગોઠવણ કરવામાં આવી હતી. યહોવાહની આજ્ઞા પ્રમાણે ઇસ્રાએલીઓ ઇજિપ્ત છોડીને જતા હતા ત્યારે, તેઓ પણ એ સમૂહ સાથે ગયા. એમ કરવાથી તેઓ પણ ઈશ્વરના આશીર્વાદો માટે લાયક ઠર્યા.—નિર્ગમન ૧૨:૩૭, ૩૮.

પછી પહેલી સદીમાં ઈસુ, યહોવાહનો પ્રચાર કરીને શિષ્યો બનાવવા લાગ્યા. આમ તેઓનો પણ એક સમૂહ બન્યો. ઈસુએ તેમના દરેક શિષ્યની જરૂરિયાત પ્રમાણે બધાને પ્રેમ બતાવ્યો હતો. એ જ રીતે તેમણે આખા સમૂહ સાથે પણ સીધેસીધો વ્યવહાર રાખ્યો હતો. પછી ઈસુએ તેમના ૧૧ વફાદાર શિષ્યોને આમ કહ્યું: “મારાં પરીક્ષણોમાં મારી સાથે રહેનાર તમે જ છો. જેમ મારા બાપે મને રાજ્ય ઠરાવી આપ્યું છે, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું.” (લુક ૨૨:૨૮, ૨૯) પછી તેમના શિષ્યો એક સમૂહ તરીકે સાથે હતા ત્યારે, ઈશ્વરે તેઓ પર પોતાનો પવિત્ર આત્મા રેડ્યો.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૪.

આ ઉદાહરણો બતાવે છે કે ઈશ્વરે પોતે પસંદ કરેલા લોકોના સમૂહ સાથે સીધેસીધો વ્યવહાર કર્યો હતો. તેમ જ તેમના ફક્ત અમુક જ સેવકો સાથે સીધેસીધો વ્યવહાર રાખ્યો હતો. જેમ કે નુહ, મુસા, ઇસુ અને અમુક બીજા સેવકો દ્વારા તેમણે પોતે પસંદ કરેલી પ્રજા સાથે વાત કરી હતી. એવી જ રીતે આજે પણ તે પોતે પસંદ કરેલા લોકો સાથે જ સીધેસીધો વ્યવહાર રાખે છે. જો એમ હોય તો, શું કોઈ પણ ધર્મ પાળવો પૂરતું છે? એ મહત્ત્વના પ્રશ્નનો જવાબ હવે પછીના લેખમાં જોઈશું.

[પાન ૪ પર ચિત્ર]

ઈશ્વર પોતે પસંદ કરેલા લોકોના સમૂહ સાથે સદીઓથી વ્યવહાર રાખે છે