સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અમૂલ્ય વારસો

અમૂલ્ય વારસો

લ્ય વારસો

ઈશ્વર ભક્ત યોહાને જીવનની ઢળતી સાંજે લખ્યું કે “જ્યારે મારા સાંભળવામાં આવે છે કે મારાં બાળકો સત્યમાં ચાલે છે, ત્યારે એ કરતાં બીજાથી મને મોટો આનંદ થતો નથી.”—૩ યોહાન ૪.

અહીં યોહાન યહોવાહની ભક્તિ કરતા લોકો વિષે વાત કરતા હતા. જોકે, આજે ઘણાં માબાપ પણ યોહાનની જેવું જ અનુભવે છે. તેઓ પોતાનાં બાળકોને “પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં” મોટા કરવા બનતું બધું જ કરે છે, જેથી “બાળકો સત્યમાં ચાલે.” (એફેસી ૬:૪) જરા વિચારો, બાળકોને યહોવાહની ભક્તિમાં જીવનની રાહ બતાવવી, એના જેવો વારસો બીજો કયો હોય શકે? એ માર્ગમાં ચાલનાર દરેક યહોવાહનું કહેવું માને છે, જે માર્ગમાં “હમણાંના તથા હવે પછીના જીવનનું પણ વચન સમાએલું છે.”—૧ તીમોથી ૪:૮.

યહોવાહ પરમેશ્વર, આપણા પિતા પૂરેપૂરા કાબેલ છે. તેમના માર્ગમાં બાળકો ચાલે, એ માટે મહેનત કરતા માબાપને જોઈને તેમનું દિલ ખુશ ખુશ થઈ જાય છે. આજે માબાપનું કહેવું માનીને, બાળકો યહોવાહની ભક્તિ કરે તો ઘણા આશીર્વાદો તેમની રાહ જુએ છે. આવા બાળકોનું જીવન ઘણી ખુશીઓથી ભરાઈ જાય છે, જેની મીઠી મીઠી યાદો પણ રહી જાય છે. જેમ કે, પહેલી વાર દેવશાહી સેવા શાળામાં * ભાગ લીધો હોય. અથવા તો જ્યારે પ્રચારમાં પહેલી વાર બાઇબલમાંથી કલમ વાંચી હોય. વળી, ઘણાંને એની યાદો આવે છે, જ્યારે માબાપે બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક અથવા લીસનીંગ ટુ ધ ગ્રેટ ટીચર * વાંચી સંભળાવ્યાં હોય. ગેબ્રીએલ નામનો એક ભાઈ પોતાના બાળપણની મીઠી યાદો તાજી કરે છે. તે કહે છે: “હું ફક્ત ચાર વર્ષનો હતો ત્યારે, મારી મમ્મી રાંધતા રાંધતા મને એક ગીત ગાઈ સંભળાવતી. મને યહોવાહની ભક્તિનું એ ગીત હજુ પણ બરાબર યાદ છે. પછીથી, એ ગીતે મને પૂરા દિલથી યહોવાહની સેવા કરવા પ્રેરણા આપી.” તમને પણ કદાચ એ સુંદર ગીત યાદ હશે, જે ગેબ્રીએલને ગમે છે. એ સીંગ પ્રેઈઝીસ ટુ જેહોવાહ ગીત પુસ્તકમાં છે. એનો વિષય છે કે “યુવાનીમાં યહોવાહની ભક્તિ કર.”

એ ગીતની પહેલી કડી આમ કહે છે: “ઈશ્વરે નાનાં ભૂલકાંઓના મોંથી ઈસુની સ્તુતિ કરાવી હતી.” ખરેખર, એ માસૂમ બાળકોને ઈસુને મળવાની અને તેમની સાથે રહેવાની અજોડ તક હતી. બાળકોના ભોળપણથી ઈસુનું દિલ પણ ખુશીઓથી ભરાઈ ગયું હશે. ઈસુએ પોતાના શિષ્યોને એ બાળકોનો દાખલો આપ્યો, જેઓ કુમળા છોડ જેવા હતા, જેમને વાળો એમ વળી શકતા હતા. (માત્થી ૧૮:૩, ૪) હા, બાળકો પણ ચોક્કસ યહોવાહને દિલથી ભજી શકે છે. ગીતની પહેલી કડી આગળ જણાવે છે કે “બાળકો પણ પોતાના રચનારની વાહ વાહ કરી શકે છે.”

આજે બાળકો ઘરે હોય કે સ્કૂલે, કે પછી બીજી કોઈ જગ્યાએ હોય, પણ ઘણાંએ સુંદર દાખલો બેસાડીને યહોવાહનું અને પોતાના કુટુંબનું નામ રોશન કર્યું છે. તેઓ માટે “સત્ય ચાહનાર માબાપ” આશીર્વાદ સાબિત થયા છે. (પુનર્નિયમ ૬:૭) યહોવાહ પ્રેમથી આપણને બધાને સચ્ચાઈના માર્ગે ચાલવાનું શીખવે છે. સાચે જ, એનાથી ઈશ્વર આપણા પર આશીર્વાદો વરસાવે છે! તેથી, આપણે જ્યારે આપણાં બાળકોને શીખવીએ અને બાળકો “કહેવું માનીને પાળે” ત્યારે, કેટલી ખુશી થાય છે! (યશાયાહ ૪૮:૧૭, ૧૮) એન્જલીકા હાલમાં યહોવાહના સાક્ષીઓની મેક્સિકોની બ્રાંચમાં [બેથેલમાં] સેવા આપે છે. તે કહે છે: “મારાં મમ્મી-પપ્પા બાઇબલનું શિક્ષણ જીવનમાં ઉતારતા હતા. એટલે મારું બાળપણ ખુશીઓથી ભરેલું હતું.”

આવા યુવાનો જાણે છે કે પોતાનો વારસો જીવની જેમ સાચવી રાખવાથી કેવા આશીર્વાદો મળે છે. તમે પણ એવા જ કુટુંબમાં મોટા થયા હશો. જો એમ હોય, તો ગીત તમને ઉત્તેજન આપે છે કે “હે યુવાનો, તમે તમારું જીવન શુદ્ધ રાખો.” જીવનમાં અમુક સમયે તમારે પોતે નિર્ણયો લેવા પડશે. એટલે હમણાં “તમે યુવાન છો ત્યારથી જ યહોવાહ પર આધાર રાખો. પણ લોકોમાં હીરો બનવાના સપના ન જુઓ.”

તમે ભૂલથી પણ લોકોમાં વાહ વાહ કરાવવા જશો તો, તમને મળેલો વારસો નકામો જઈ શકે. એનાથી તમારી ભાવિની સોનેરી તકો પર પાણી ફરી વળી શકે. તમે હીરો બનવા ચાહતા હો તો, જે લોકોને યહોવાહના શિક્ષણની કંઈ પડી નથી, તેઓની સોબતમાં આવશો. તેઓ જાણે તમારા જિગરી દોસ્ત લાગશે. પણ તેઓની કહેવાતી દોસ્તી તમને જે નુકસાન પહોંચાડી શકે, એ કંઈ તેઓના મોં પર લખેલું હોતું નથી. એ આપણે યંગ પીપલ આસ્ક—હાઉ કેન આઈ મેક રીઅલ ફ્રેન્ડ્‌ઝ? નામની વિડીયો કેસેટમાં જોઈ શકીએ છીએ. એમાં ટારા નામની છોકરી એવા મિત્રો સાથે હરે-ફરે છે, જેઓ યહોવાહના માર્ગે નથી ચાલતા. આખરે તેને ભાન થાય છે કે “ખરાબ સોબત જિંદગી બરબાદ કરી શકે છે.” સારી ટેવો કેળવતા વર્ષો લાગી જાય છે, પણ પળભરમાં જ એના પર પાણી ફરી વળી શકે છે.

ખરું કે સાચા ઈશ્વરની ભક્તિ કરવામાં મુશ્કેલીઓ તો આવવાની જ. તેમ છતાં ગીત કહે છે કે “જો તમે યુવાનીમાં ઈશ્વરના માર્ગે ચાલશો અને તેમને તમારા જિગરી દોસ્ત બનાવશો,” તો તમારું જીવન સફળ થશે. વળી, “તમે મોટા થતા જાવ તેમ સુખી થશો.” તમે એ પણ અનુભવી શકશો કે યહોવાહનો હાથ પકડીને ચાલવાથી, તેમની નજરમાં જે ખરું છે એ કરતા તમને કશું જ રોકી શકશે નહિ. એનાથી બીજી કઈ સારી રીતે જીવન સફળ થઈ શકે? ખાસ તો આ રીતે યહોવાહની સેવામાં માબાપની સાથે સાથે પ્રગતિ કરીને, તમે “ખુદ યહોવાહનું દિલ ખુશીઓથી ભરી શકો.” શું તમે એનો વિચાર કર્યો છે?—નીતિવચનો ૨૭:૧૧.

એટલે વહાલા યુવાનો, યહોવાહ અને તેમની સેવા કરનારા તમારા માબાપનાં શિક્ષણનો હંમેશાં પૂરો ફાયદો ઉઠાવો. તેઓને તમે જીવથી વહાલા છો. તેથી, જે યહોવાહની નજરમાં ખરું છે એ કરતા રહો. આમ, ઈસુ ખ્રિસ્ત અને યુવાન તીમોથીની જેમ, તમે વિશ્વના માલિક યહોવાહને અને તમારાં માબાપને ખુશ કરશો. જ્યારે એક દિવસ તમારાં પોતાનાં બાળકો થશે ત્યારે, તમે પણ કદાચ એન્જલીકાની જેમ કહેશો: “મારું બાળક હશે તો, તેને હું નાનપણથી જ યહોવાહને માર્ગે ચાલવાનું શીખવીશ. જેથી, યહોવાહનું શિક્ષણ તેનું જીવન ખુશીઓથી ભરી દે.” ખરેખર, યહોવાહની ભક્તિ જેવો વારસો જીવનમાં બીજો કોઈ જ નથી!

[ફુટનોટ્‌સ]

^ યહોવાહના સાક્ષીઓનાં મંડળમાં ચલાવાતી આ શાળામાં નાના-મોટા બધા જ શીખી શકે છે.

^ આ પુસ્તકો યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યાં છે.