સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરના કહેવા પ્રમાણે કરતા રહો

ઈશ્વરના કહેવા પ્રમાણે કરતા રહો

ઈશ્વરના કહેવા પ્રમાણે કરતા રહો

‘આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાંનાં સઘળાંને ઉત્પન્‍ન કરનાર જીવતા દેવની તરફ ફરો.’ —પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૫.

૧, ૨. આપણે શા માટે કહી શકીએ કે યહોવાહ જીવતા ઈશ્વર છે?

 લુસ્ત્રામાં પ્રેષિત પાઊલ અને બાર્નાબાસે લોકોની આગળ એક અપંગ માણસને સાજો કર્યો. પછી પાઊલે તેઓને કહ્યું: “તમારી જેમ અમે માત્ર માણસ જ છીએ! તમે આ નિરર્થક બાબતો તજીને આકાશ, પૃથ્વી તથા સમુદ્ર તથા તેમાંના સર્વને સર્જનાર જીવંત ઈશ્વર તરફ ફરો તે માટે તમને શુભસંદેશ જાહેર કરવા અમે અત્રે આવ્યા છીએ.”—પ્રેષિતોનાં કાર્યો ૧૪:૧૫, પ્રેમસંદેશ.

યહોવાહ કંઈ કોઈના હાથે બનાવેલી મૂર્તિ નથી. પણ તે જીવતા ઈશ્વર છે! (યિર્મેયાહ ૧૦:૧૦; ૧ થેસ્સાલોનીકી ૧:૯, ૧૦) એટલું જ નહિ, પણ તે સર્વને જીવન આપે છે. “તે પોતે જ બધાને જીવન, શ્વાસ અને સઘળું આપે છે.” (પ્રેષિતોનાં કાર્યો ૧૭:૨૫, પ્રેમસંદેશ) તે ચાહે છે કે આપણે કાયમ માટે સુખ-શાંતિથી જીવીએ. તેથી પાઊલે કહ્યું કે “[ઈશ્વરે] આકાશથી વરસાદ તથા ફળવંત ઋતુઓ તમને આપતાં, અને અન્‍નથી તથા આનંદથી તમારાં મન તૃપ્ત કરતાં તે પોતાને વિષે સાક્ષી આપ્યા વગર રહ્યો નથી.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૭.

૩. આપણે કેમ યહોવાહના માર્ગદર્શન પર ભરોસો મૂકી શકીએ?

યહોવાહ આપણું ભલું ચાહે છે. તેથી, આપણે તેમના માર્ગદર્શન પર અતૂટ ભરોસો રાખવો જ જોઈએ. (ગીતશાસ્ત્ર ૧૪૭:૮; માત્થી ૫:૪૫) બાઇબલના માર્ગદર્શન પ્રમાણે આજે ઘણાને ચાલવું નથી. અમુકને બાઇબલનાં ધોરણો સમજવા અઘરા લાગે કે કડક લાગે, એટલે તેઓ એ પ્રમાણે જીવવાનું પસંદ કરતા નથી. તેમ છતાં, યહોવાહના કહ્યા પ્રમાણે કરવાથી આપણને જ ઘણા ફાયદા થાય છે. દાખલા તરીકે, ઈસ્રાએલીઓને નિયમ આપવામાં આવ્યો હતો કે કોઈએ મુડદાને અડવું નહિ. જે કોઈ એ નિયમ પાળતું તેને ફાયદો થતો. કઈ રીતે? એક તો તેનો યહોવાહ પરનો ભરોસો વધતો અને બીજું કે તેને કોઈ બીમારીનો ચેપ ન લાગતો.—લેવીય ૫:૨; ૧૧:૨૪.

૪, ૫. (ક) યહોવાહે લોહી વિષે શું જણાવ્યું હતું? (ખ) યહોવાહે લોહી વિષે જે કહ્યું એ ખ્રિસ્તીઓને પણ શા માટે લાગુ પડે છે?

એવી જ રીતે યહોવાહે લોહીના ઉપયોગ વિષે નુહને નિયમ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે કોઈએ લોહીને ખોરાક તરીકે ખાવું નહિ અને પીવું પણ નહિ. વર્ષો પછી તેમણે મુસાને નિયમ આપ્યો કે પાપોની માફી માટે લોહી વેદી પર ચડાવવું જોઈએ. એ નિયમથી ઈશ્વર આપણા માટે એવી તૈયારી કરતા હતા કે, ખ્રિસ્તના રેડવામાં આવેલા લોહીથી બધા લોકો કાયમ માટે જીવે. (હેબ્રી ૯:૧૪) એ નિયમો બતાવે છે કે યહોવાહ હંમેશાં આપણું ભલું ચાહે છે. ઓગણીસમી સદીના બાઇબલના એક પંડિત આદમ ક્લાર્કે ઉત્પત્તિ ૯:૪ વિષે આમ લખ્યું: “[નુહને] લોહી વિષે જે નિયમ આપવામાં આવ્યો હતો, એ આજે પણ પૂર્વ દેશના ખ્રિસ્તીઓ પાળે છે. . . . એ નિયમ પ્રમાણે લોહીનો ખોરાકમાં ઉપયોગ થતો નહિ. એ નિયમ યાદ અપાવતો કે જગતનાં પાપોની માફી માટે લોહી રેડવામાં આવશે. તેથી કોઈ પણ લોહી ખાતું કે પીતું ન હતું, કેમ કે એ હંમેશાં યાદ અપાવતું કે પાપોની માફી માટે લોહી વહેવડાવવામાં આવ્યું છે.”

એ પંડિત કદાચ ઈસુના શુભસંદેશ વિષે વાત કરતો હોય શકે. જેમ કે ઈશ્વરે તેમનો એકનો એક દીકરો ઈસુ આપ્યો. જેથી, ઈસુના લોહીથી આપણને સદાને માટે જીવવાની આશા મળે. (માત્થી ૨૦:૨૮; યોહાન ૩:૧૬; રૂમી ૫:૮, ૯) ખ્રિસ્તના શિષ્યોએ શાસ્ત્રની સમજણથી લોહીથી દૂર રહેવાનો ઠરાવ કર્યો હતો. ઉપર જણાવેલા પંડિતના શબ્દોમાં એનો પણ સમાવેશ થતો હતો.

૬. ખ્રિસ્તીઓને લોહી વિષે શું કહેવામાં આવ્યું અને શા માટે?

આપણે જાણીએ છીએ કે યહોવાહે, ઈસ્રાએલીઓને હજારો નિયમો આપ્યા હતા. ઈસુના મરણ પછી ખ્રિસ્તીઓને એ નિયમો પાળવાની ફરજ ન હતી. (રૂમી ૭:૪, ૬; કોલોસી ૨:૧૩, ૧૪, ૧૭; હેબ્રી ૮:૬, ૧૩) જોકે, અમુક વર્ષો પછી સવાલ ઊભો થયો: જેઓ યહુદી નથી, તેઓ ખ્રિસ્તી બને ત્યારે શું તેઓએ એ નિયમ પ્રમાણે સુન્‍નત કરાવવી જોઈએ? એમ હોય તો ખ્રિસ્તના લોહીથી તેઓને શું લાભ થયો? ખ્રિસ્તીઓના નિયામક જૂથે એ પ્રશ્ન ૪૯ની સાલમાં થાળે પાડ્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫મો અધ્યાય) ઈશ્વરની દોરવણીથી પ્રેષિતો અને વડીલોએ એકમતે જણાવ્યું કે ખ્રિસ્તના મરણથી મુસાના નિયમનો અંત આવ્યો છે. તેથી ખ્રિસ્તીઓને હવે સુન્‍નત કરાવવાની જરૂર ન હતી. તેમ છતાં, એ નિયમશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્તીઓએ અમુક નિયમો પાળવાના હતા. નિયામક જૂથે એના વિષે મંડળોને પત્રો લખીને જણાવ્યું: “પવિત્ર આત્માને તથા અમને એ સારૂં લાગ્યું કે આ અગત્યની વાતો કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ; એટલે, કે મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, તથા ગૂંગળાવીને મારેલાંથી, તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું; જો તમે એ વાતોથી અળગા રહેશો, તો તમારૂં ભલું થશે.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯.

૭. ખ્રિસ્તીઓ માટે ‘લોહીથી દૂર રહેવું’ કેટલું મહત્ત્વનું છે?

નિયામક જૂથના ભાઈઓ જાણતા હતા કે ‘મૂર્તિપૂજા અને વ્યભિચારથી દૂર રહેવું’ જેટલું મહત્ત્વનું છે, એટલું જ ‘લોહીથી દૂર રહેવું’ મહત્ત્વનું છે. એ બતાવે છે કે જો કોઈ ખ્રિસ્તી મૂર્તિપૂજામાં ભાગ લે અથવા વ્યભિચાર કરી બેસે અને દિલથી પસ્તાવો ન કરે, તો તેને ‘ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ,’ અને તેનું “બીજું મરણ” થશે. (૧ કોરીંથી ૬:૯, ૧૦; પ્રકટીકરણ ૨૧:૮; ૨૨:૧૫) એની સરખામણીમાં જે કોઈ યહોવાહે આપેલો લોહીનો નિયમ ન પાળે, તે સદાને માટેનું જીવન પામશે નહિ. પણ જે કોઈ ઈસુએ વહેવડાવેલા લોહીમાં શ્રદ્ધા રાખશે, તેઓને કાયમ માટે જીવવાની આશા રહેલી છે.

૮. શું બતાવે છે કે શરૂઆતના ખ્રિસ્તીઓ ઈશ્વરે આપેલો લોહીનો નિયમ દિલથી પાળતા હતા?

શું પહેલી સદીના ખ્રિસ્તીઓ એ માર્ગદર્શન પ્રમાણે જીવવા રાજી હતા? બાઇબલના પંડિત આદમ ક્લાર્કે જે કહ્યું, એની ફરી નોંધ લો: “એ નિયમ પ્રમાણે લોહીનો ખોરાકમાં ઉપયોગ થતો નહિ. એ નિયમ યાદ અપાવતો કે જગતનાં પાપોની માફી માટે લોહી વહેવડાવવામાં આવશે. તેથી કોઈ લોહી ખાતું કે પીતું ન હતું. એ હંમેશાં યાદ અપાવતું કે પાપોની માફી માટે લોહી વહેવડાવવામાં આવ્યું છે.” ઇતિહાસ પુરાવો આપે છે કે શરૂઆતના ખ્રિસ્તીઓ લોહીથી ખરેખર દૂર રહેતા હતા. એના વિષે ટર્ટૂલિયને લખ્યું: “લોહીના તરસ્યા લોકોનો વિચાર કરો. તેઓ તો અખાડામાંના ગુનેગારોનું તાજું લોહી પીવા દોડી જાય છે . . . અરે, અમુક તો એવું લોહી તાણ-આંચકી (એપીલેપ્સી) મટાડવા ઘરે લઈ જાય છે.” જેઓ ખ્રિસ્તીઓ ન હતા તેઓ એવું કરતા. ખ્રિસ્તીઓ વિષે ટર્ટુલિયને કહ્યું: “[તેઓ] ખોરાકમાં પશુઓનું પણ લોહી લેતા નથી . . . તેમ છતાં ખ્રિસ્તીઓની કસોટી કરતી વખતે તમે તેઓને લોહીવાળા સોસેજ આપો છો. તમને ખાતરી છે કે તેઓ પોતાના ધર્મ વિરુદ્ધ [જશે નહિ] તોપણ તમે એમ જ કરો છો.” હા, ખ્રિસ્તીઓને મોતની ધમકી આપવામાં આવતી, તોપણ તેઓ લોહીવાળો ખોરાક ખાતા નહિ કે લોહી પણ પીતા નહિ. યહોવાહની આજ્ઞા પાળવી એ તેઓને મન ખૂબ જ મહત્ત્વનું હતું.

૯. લોહીથી દૂર રહેવાનો શું અર્થ થાય?

કદાચ અમુક કહેશે કે નિયામક જૂથે ફક્ત એમ જ કહ્યું હતું કે, ‘ખ્રિસ્તીઓએ લોહી ખાવા-પીવામાં કદી પણ લેવું નહિ. તેમ જ ગૂંગળાવીને મારી નાખેલા પશુનું માંસ પણ ખાવું નહિ.’ એ ખરું છે, કેમ કે યહોવાહે નુહને લોહી વિષે આપેલા નિયમનો એ જ અર્થ થતો હતો. નિયામક જૂથે ખ્રિસ્તીઓને કહ્યું કે ‘ગૂંગળાવીને મારી નાખેલાં’ પશુનું માંસ પણ ન ખાવું, કેમ કે એમાં લોહી રહી જાય છે. (ઉત્પત્તિ ૯:૩, ૪; પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૨૫) તેમ છતાં, શરૂઆતના ખ્રિસ્તીઓ જાણતા હતા કે લોહી ખાવાની મનાઈ પાછળ મહત્ત્વનું કારણ હોવું જોઈએ. ઘણી વાર લોકો બીમારી મટાડવા લોહીવાળો ખોરાક ખાતા કે લોહી પીતા. ટર્ટૂલિયને જોયું કે જેઓ ખ્રિસ્તી ન હતા તેઓમાંના ઘણા તાણ-આંચકી મટાડવા તાજું લોહી પીતા. તેમ જ તેઓ તંદુરસ્ત રહેવા અથવા બીજી કોઈ બીમારી મટાડવા લોહી લેતા હોય શકે. તેમ છતાં, ખ્રિસ્તીઓ “બીમારી” દૂર કરવા પણ લોહીનો ઉપયોગ કરતા નહિ. અરે, તેઓનું જીવન જોખમમાં આવે તોપણ, તેઓ પોતાની માન્યતામાં એકના બે ન થતા.

દવા તરીકે લોહીનો ઉપયોગ

૧૦. આજે અમુક દવાઓ બનાવવામાં લોહી કેવી રીતે વાપરવામાં આવે છે અને કયા પ્રશ્નો ઊભા થાય છે?

૧૦ આજે બધે જ સારવાર માટે લોહીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ લોહી આપવાની પ્રથમ શરૂઆત થઈ ત્યારે એ બોટલમાં ભરી રાખવામાં આવતું. પછી કોઈ દર્દીને અથવા યુદ્ધમાં કોઈ ઘાયલ થયું હોય તેને એ ચડાવવામાં આવતું. સમય જતાં ડૉક્ટરો લોહીના ભાગ પાડતા શીખ્યા. જેમ કે રક્તકણો, શ્વેતકણો, પ્લેટલેટ્‌સ અને પ્લાઝમા. આમ, તેઓ ઘણા દર્દીઓને જરૂર પ્રમાણે લોહીના જુદા જુદા ભાગો આપવા લાગ્યા. જેમ કે, એક દર્દીને રક્તકણો તો બીજાને પ્લાઝમા. એટલું જ નહિ, પણ જાણવા મળ્યું છે કે લોહીના મૂળ ચાર ભાગમાંથી આજે ડૉક્ટરો બીજા અનેક ભાગો અલગ પાડી રહ્યા છે. તેથી હવે સવાલ થાય છે કે, લોહીના કોઈ પણ નાના નાના ભાગોમાંથી બનાવાતી દવાઓ યહોવાહના સેવકો લઈ શકે? જોકે, તમે યહોવાહની આગળ પૂરા દિલથી નક્કી કર્યું હશે કે, ‘હું કદી લોહી લઈશ નહિ.’ તેમ છતાં, કદાચ એવા સંજોગો ઊભા થાય જ્યારે ડૉક્ટર તમને આગ્રહ કરે કે, ‘લોહી ન લો તો કંઈ વાંધો નહિ. પણ રક્તકણો તો લઈ શકો.’ અથવા સારવાર માટે લોહીના ભાગના નાના નાના અંશોમાંથી બનાવેલી દવા લઈ શકો.’ એવા સમયે આપણે શું યાદ રાખવું જોઈએ? આપણે જાણીએ છીએ કે ખરી રીતે ફક્ત ખ્રિસ્તનું લોહી જ આપણને ખરું જીવન આપી શકે. એટલું જ નહિ પણ ઈશ્વરની નજરમાં લોહી અતિ મૂલ્ય છે!

૧૧. સાક્ષીઓએ ઘણાં વર્ષોથી લોહી વિષે કયો નિર્ણય લીધો છે?

૧૧ યહોવાહના સાક્ષીઓએ લોહી ન લેવાનો નિર્ણય ઘણાં વર્ષો પહેલાં લીધો છે. દાખલા તરીકે, તેઓએ (નવેમ્બર ૨૭, ૧૯૮૧ના) ધ જર્નલ ઑફ ધી અમેરિકન મેડિકલ એસોસીએશનમાં એક લેખ આપ્યો હતો (એ જ લેખ હાઉ કેન બ્લડ સેવ યોર લાઇફ? પુસ્તિકાના પાન ૨૭-૯માં ફરીથી છપાયો હતો). * એ લેખમાં તેઓએ ઉત્પત્તિ, લેવીય અને પ્રેરિતોનાં કૃત્યોમાંથી કલમો ટાંકી હતી. તેઓએ એમાં લખ્યું: “એ ખરું છે કે આ કલમો દવા અને સારવાર વિષે ચર્ચા કરતી નથી. તેમ છતાં સાક્ષીઓ લોહી, રક્તકણો [આર.બી.સી.], પ્લાઝમા, શ્વેતકણો [ડબલ્યુ.બી.સી.] અને પ્લેટલેટ્‌સ લેતા નથી.” ઇમર્જન્સી કૅર નામના ૨૦૦૧ના પુસ્તકમાં ‘લોહી શાનું બનેલું છે?’ મથાળા નીચે આમ લખ્યું હતું: “લોહીના અનેક ભાગો છે. જેમ કે, પ્લાઝમા, રક્તકણો, શ્વેતકણો અને પ્લેટલેટ્‌સ.” સાક્ષીઓ એ મેડિકલ માહિતી પ્રમાણે, લોહી કે એના ચાર મુખ્ય ભાગોમાંથી એક પણ લેતા નથી.

૧૨. (ક) લોહીના ચાર ભાગોના અંશોની બનેલી દવા લેવી કે નહિ, એ વિષે શું સ્પષ્ટ કરવામાં આવ્યું છે?(ખ) એના વિષે આપણને બીજી માહિતી ક્યાંથી મળી શકે?

૧૨ ઉપર જણાવેલો લેખ કહે છે: “એનો અર્થ એ નથી કે સાક્ષીઓનો ધર્મ એલ્બુમિન, ઇમ્યુન ગ્લોબ્યુલિન કે હીમોફિલિયાના દરદીને અપાતી દવા લેવાની મનાઈ કરે છે. એ લેવું કે નહિ, તે દરેક સાક્ષીએ પોતે નક્કી કરવાનું છે.” ઉપર જોયું તેમ, લોહીના મૂળ ચાર ભાગ છે. વર્ષ ૧૯૮૧ પછી તો એમાંથી પણ બીજા અનેક અંશો અલગ પાડવામાં આવી રહ્યા છે. તેથી જૂન ૧૫, ૨૦૦૦ના ચોકીબુરજમાં એના વિષે “વાચકો તરફથી પ્રશ્નો” લેખમાં વધારે સમજણ આપવામાં આવી હતી. પરંતુ આજના ઘણા વાચકોના લાભ માટે, ફરીથી આ મૅગેઝિનના પાન ૨૯-૩૧માં એ લેખ છપાયો છે. એના પરથી તમે જોઈ શકશો કે ૧૯૮૧માં લોહી ન લેવા વિષે કયાં કારણો આપવામાં આવ્યાં હતાં.

તમારું અંતઃકરણ તમારા હાથમાં

૧૩, ૧૪. (ક) અંતઃકરણ શું છે અને લોહી વિષે એ કેવી રીતે મદદ કરી શકે? (ખ) ઈશ્વરે ઈસ્રાએલીઓને માંસ ખાવા વિષે શું કહ્યું હતું અને કેવા પ્રશ્નો ઊભા થયા હોય શકે?

૧૩ લોહી વિષેની માહિતી જાણ્યા પછી તમે કેવો નિર્ણય લેશો, એનો આધાર તમારા અંતઃકરણ પર છે. શા માટે? યહોવાહના સેવકો તરીકે આપણે જાણીએ છીએ કે તેમનું માર્ગદર્શન આપણા જ ભલા માટે છે. તેમ છતાં અમુક સંજોગોમાં આપણે પોતાના અંતઃકરણ પ્રમાણે નિર્ણય લેવાનો હોય છે. દરેકને જન્મથી અંતઃકરણ હોય છે, જે સારું અને ખરાબ પારખી શકે છે. (રૂમી ૨:૧૪, ૧૫) તેમ છતાં બધાના અંતઃકરણ એક સરખા હોય એવું જરૂરી નથી. * બાઇબલ કહે છે કે અમુકનું ‘અંતઃકરણ નિર્બળ કે નબળું’ હોય છે, જ્યારે કે બીજાનું દૃઢ હોય છે. (૧ કોરીંથી ૮:૧૨) યહોવાહના સર્વ સેવકો તેમનું જ્ઞાન લેતા હોવાથી, તેમના વિચારો પારખી શકે છે. જોકે એ ખરું છે કે બધા જ એક સરખી પ્રગતિ કરતા નથી. તેમ છતાં, નિર્ણય લેતી વખતે અમુક સહેલાઈથી ઈશ્વરના વિચારો પારખી શકે છે, અને એ પ્રમાણે વર્તે છે. જેમ કે, યહુદીઓનો વિચાર કરો, જેઓએ માંસ ખાવા વિષે વાંધો ઉઠાવ્યો હતો.

૧૪ બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે ઈશ્વરના ભક્તો, લોહી તદ્દન નિતારી લીધું ન હોય એવું કે ગૂંગળાવીને મારેલાં પ્રાણીનું માંસ કદી ખાશે નહિ. ઈસ્રાએલીઓ માટે એ નિયમ ખૂબ મહત્ત્વનો હતો. એટલે જ એક વાર લડાઈમાં ગયેલા સૈનિકોએ ખાવાનું ખૂટી જવાને લીધે રક્તવાળું માંસ ખાધું, ત્યારે યહોવાહની સામે તેઓ પાપી ગણાયા. (પુનર્નિયમ ૧૨:૧૫, ૧૬; ૧ શમૂએલ ૧૪:૩૧-૩૫) ખરું કે મનમાં અમુક પ્રશ્નો ઊભા થયા હોય શકે: ‘ઘેટું માર્યા પછી ઈસ્રાએલીઓ કેટલી જલદીથી તેનું લોહી નિતારી નાખતા? લોહી જલદીથી નીકળી જાય એટલે શું તેઓ એનું ગળું કાપી નાખતા? કે પછી તેઓ એને ઊંધું લટકાવતા હતા? કેટલો સમય સુધી એને લટકાવતા? જો મોટું પ્રાણી હોય તો તેઓ શું કરતા? કદાચ થોડું લોહી રહી જાય તો શું તેઓ એ ખાઈ શકતા? એ કોણ નક્કી કરતું?

૧૫. અમુક યહુદીઓએ માંસ ખાવાના પ્રશ્નો વિષે શું કર્યું? એ વિષે યહોવાહનું માર્ગદર્શન શું હતું?

૧૫ કલ્પના કરો કે કોઈ ધર્મચુસ્ત યહુદીએ શું કર્યું હશે? અમુકે નક્કી કર્યું હશે કે ‘હું બજારમાંથી માંસ લઈશ જ નહિ.’ બીજા કોઈએ વિચાર્યું હશે કે ‘અમુક દુકાનમાં મૂર્તિને ચડાવેલું માંસ વેચવામાં આવે છે. એટલે હું તેનું પગથિયું પણ ચડીશ નહિ.’ કદાચ કોઈ યહુદી નિયમ પ્રમાણે માંસમાંથી લોહી નિતાર્યા પછી જ એને ખાશે. * (માત્થી ૨૩:૨૩, ૨૪) જોકે, યહોવાહ ચાહતા ન હતા કે ઉપર જણાવ્યા પ્રમાણે તેઓ કરે. તેમ જ યહોવાહે નાની-નાની વિગતો પણ આપી ન હતી. તેથી, કોઈ પ્રશ્નો થાય તો શું તેઓએ ગુરુઓને પૂછવાનું હતું કે શું ખાવું અને શું ન ખાવું જોઈએ? અમુક યહુદીઓએ એમ જ કર્યું. પરંતુ યહોવાહ એવું પણ ચાહતા ન હતા. યહોવાહે તો ફક્ત સાદી રીતે જણાવ્યું કે શુદ્ધ પ્રાણીનું માંસ કેવી રીતે લોહી નિતારીને ખાય શકાય. પરંતુ એ સિવાય તેમણે બીજું કંઈ જણાવ્યું નહિ.—યોહાન ૮:૩૨.

૧૬. લોહીના મુખ્ય ભાગના નાના અંશોમાંથી બનેલી દવાઓ કેમ અમુક ખ્રિસ્તીઓ લે છે અને બીજા નથી લેતા?

૧૬ આપણે ૧૧ અને ૧૨માં ફકરામાં જોયું તેમ, યહોવાહના સાક્ષીઓ લોહી કે એનો કોઈ પણ ભાગ એટલે રક્તકણો, શ્વેતકણો, પ્લેટલેટ્‌સ અને પ્લાઝમા લેતા નથી. પરંતુ, એ ભાગોના નાના અંશ અથવા જેમાં એન્ટીબોડી (રોગપ્રતિકારક દવા) હોય એવા સીરમ વિષે શું, જે અમુક રોગો મટાડવા અથવા સાપનું ઝેર ઉતારવા આપવામાં આવે છે? (પાન ૩૦ પરનો ચોથો ફકરો જુઓ.) અમુક માને છે કે ‘સીરમ લોહી નહિ, પણ એનો રસ છે. એટલે એ લેવામાં કંઈ વાંધો નથી. એ લેવાથી તમે “લોહીથી દૂર” રહેવાના નિયમનો ભંગ કરતા નથી.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૯; ૨૧:૨૫; પાન ૩૧, પહેલો ફકરો.) એ તેઓની જવાબદારી છે. પરંતુ, અમુકનું અંતઃકરણ એની મના કરે છે, પછી ભલેને (પશુ કે મનુષ્યના) લોહીનો કોઈ પણ અંશનો સારવાર માટે ઉપયોગ થતો હોય. * જોકે આજે ઘણા લોકો રોગ મટાડવા અથવા સાપનું ઝેર ઉતારવા પ્લાઝમામાંથી બનેલી દવાનું ઇન્જેક્શન લેશે. તોપણ, તેઓ લોહીના બીજા કોઈ અંશમાંથી બનેલી દવા લેતા નથી. વળી, લોહીના મુખ્ય ચાર ભાગમાંના કોઈ પણ એકમાંથી દવાઓ બનાવવામાં આવે છે. એની અસર આખા મૂળ ભાગ જેટલી જ હોય છે. લોકોને એવી દવા લેવામાં વાંધો નથી, પણ મોટા ભાગના ખ્રિસ્તીઓ એવી દવા લેતા નથી.

૧૭. (ક) લોહીના નાના અંશમાંથી બનેલી દવા લેવી કે નહિ, એમાં અંતઃકરણ કેવી રીતે મદદ કરી શકે? (ખ) એ નિર્ણય કેમ સમજી-વિચારીને લેવો જોઈએ?

૧૭ બાઇબલમાં ઈશ્વરનાં વચનો છે. એ આપણે પ્રથમ જાણીએ અને એ પ્રમાણે અંતઃકરણ કેળવીએ. આમ આપણે લોકોના નહિ, પણ ઈશ્વરના વિચારો પ્રમાણે નિર્ણય લઈશું. (ગીતશાસ્ત્ર ૨૫:૪, ૫) લોહીના નાના નાના અંશમાંથી બનેલી દવા વિષે ઘણા આમ વિચારે છે: ‘એવી દવા લેવી કે નહિ એ અંતઃકરણ પર આધાર રાખે છે. એટલે વાંધો નથી.’ પણ એ સાચું નથી! ભલે એ અંતઃકરણ પર આધાર રાખતું હોય, છતાં એ ખૂબ જ મહત્ત્વનું છે! એનું એક કારણ એ કે જો કોઈનો વિશ્વાસ કે અંતઃકરણ નબળું હોય, તો તેઓને આપણા નિર્ણયથી ઠોકર લાગી શકે છે. એ આપણે પાઊલની સલાહમાંથી શીખીએ છીએ. પાઊલના સમયમાં લોકો કદાચ મૂર્તિઓને ચડાવેલું માંસ દુકાનમાં વેચતા હોય શકે. તેમણે કહ્યું: ખ્રિસ્તીઓએ કાળજી રાખવી જોઈએ કે ‘નિર્બળ અંતઃકરણને ઠોકર ન પહોંચે.’ જો કોઈને ઠોકર લાગે, તો ‘વિશ્વાસમાં દૃઢ નથી તેનો નાશ થઈ શકે.’ એવું થાય તો વ્યક્તિ ખ્રિસ્ત વિરુદ્ધ પાપ કરે છે, કેમ કે ઈસુએ તેના માટે પણ પોતાનું બલિદાન આપ્યું છે. તેથી, આજે લોહીના નાના અંશમાંથી બનેલી દવા લેવાનો સવાલ આવે ત્યારે, ખૂબ સમજી-વિચારીને નિર્ણય લેવો જોઈએ.—૧ કોરીંથી ૮:૮, ૧૧-૧૩; ૧૦:૨૫-૩૧.

૧૮. લોહી વિષે નિર્ણય લેતી વખતે આપણે કેમ પોતાનું અંતઃકરણ મારી નાખવું ન જોઈએ?

૧૮ એવી દવા લેવી કે નહિ એનો નિર્ણય લેતી વખતે, બીજી એક મહત્ત્વની વાત ધ્યાનમાં રાખવી જોઈએ. એવી દવા લેવાથી પોતાના અંતઃકરણ પર કેવી અસર થશે? શું એ જીવનભર ડંખશે? જો એમ હોય, તો એવી દવા લેતા પહેલાં બે વાર વિચારવું જોઈએ. પછી ભલેને કોઈ એમ કહે કે “ઘણાએ એવી દવા લીધી છે. એમાં કંઈ ખોટું નથી.” તમે પોતાના અંતઃકરણને મારશો નહિ! એ ન ભૂલો કે લાખો-કરોડો લોકો પોતાના અંતઃકરણને આજે સાવ મારી નાખે છે. તેઓ જૂઠું બોલે છે, ખોટાં કામો કરે છે. તેઓને જરાય દુઃખ થતું નથી. એનો અર્થ એ નથી કે આપણે પણ એવું જ કરીએ.—૨ શમૂએલ ૨૪:૧૦; ૧ તીમોથી ૪:૧, ૨.

૧૯. સારવારમાં લોહી લેવું કે નહિ એ નિર્ણય કરતી વખતે શું યાદ રાખવું જોઈએ?

૧૯ પાન ૨૯-૩૧ પરનો ફરીથી છાપેલો લેખ અંતે કહે છે: “જો જુદા જુદા નિર્ણયો લેવાય, એનો શું એવો અર્થ થાય કે ઈશ્વરની આજ્ઞા પાળવી એટલી મહત્ત્વની નથી? ઈશ્વરની આજ્ઞા મહત્ત્વની છે અને એ પાળવી જ જોઈએ!” જો આપણે યહોવાહનો સાથ છોડી દઈશું, તો આપણી પાસે કાયમ માટે જીવવાની આશા રહેશે નહિ. ફક્ત ઈસુનું વહેવડાવેલું લોહી જ આપણને એ આશા આપી શકે. તેથી એ લોહી માટે ઊંડી કદર બતાવતા રહીએ. યહોવાહ ઈસુના લોહી દ્વારા લોકોનું જીવન બચાવી રહ્યા છે. પ્રેષિત પાઊલે ખરું જ કહ્યું: ‘તમે ઈશ્વર વિનાના અને આશા વગરના હતા. હવે તો તમે ખ્રિસ્તના છો. એક વખતે તમે ઈશ્વરથી દૂર હતા. પણ ખ્રિસ્તે તમારે માટે પોતાનું લોહી વહેવડાવ્યું છે તેને લીધે હવે તમને ઈશ્વરની વધુ નજદીક લાવવામાં આવ્યા છે.’—એફેસી ૨:૧૨, ૧૩, IBSI.

[ફુટનોટ્‌સ]

^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડી છે.

^ પાઊલ એક સમયે શુદ્ધ થવા ચાર ભાઈઓને લઈને મંદિરમાં ગયા હતા. મુસાના નિયમનો અંત આવ્યો હોવા છતાં, પાઊલે યરૂશાલેમના વડીલોના કહેવા પ્રમાણે એમ કર્યું હતું. (પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૨૩-૨૫) જોકે, અમુક ખ્રિસ્તીઓને થયું હશે કે ‘હું તેઓની જેમ મંદિરમાં શુદ્ધ થવા કદી જઈશ નહિ.’ એ સમયે પણ બધાના અંતઃકરણ એક સરખા ન હતા, અને આજે પણ નથી.

^ એન્સાયક્લોપેડિયા જુડાઈકામાં “નાની નાની માહિતી આપી છે.” જેમ કે માંસમાંથી લોહી કેવી રીતે નિતારવું, માંસ પાણીમાં કેટલી મિનિટ રાખવું, ઝીણું નિમક એમાં ઘસવું જોઈએ કે જાડું. તેમ જ ઠંડા પાણીમાં એને કેટલી વાર ધોવું જોઈએ.

^ આજે ઘણી દવાઓ એવી છે જે લોહી વગર બનાવવામાં આવી હોય છે. તેમ છતાં, અમુક કિસ્સામાં નજીવો લોહીનો રસ વાપરવામાં આવ્યો હોય છે. જેમ કે એલ્બુમિન.—ચોકીબુરજ ઑક્ટોબર ૧, ૧૯૯૪માં, “વાચકો તરફથી પ્રશ્નો” જુઓ.

શું તમને યાદ છે?

• ઈશ્વરે નુહને, ઈસ્રાએલીઓને અને ખ્રિસ્તીઓને લોહી વિષે કયો નિયમ આપ્યો હતો?

• લોહીની બાબતે યહોવાહના સાક્ષીઓ શાની ચોખ્ખી ના પાડે છે?

• દવામાં લોહીના મુખ્ય ભાગમાંનો નાનો અંશ હોય તો, એ લેવું કે નહિ એનો આધાર વ્યક્તિના અંતઃકરણ પર છે. એનો શું અર્થ થાય, પણ શું અર્થ થતો નથી?

• લોહીને લગતો નિર્ણય લેવાનો હોય ત્યારે, આપણે શું યાદ રાખવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[ચાર્ટ on page 22]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

લોહી વિષે આપણી માન્યતા

લોહી

ન લેવાય રક્તકણો શ્વેતકણો પ્લેટલેટ્‌સ પ્લાઝમા

ખ્રિસ્તીનો

પોતાનો દવામાં દવામાં દવામાં દવામાં

નિર્ણય રક્તકણોનો શ્વેતકણોનો પ્લેટલેટ્‌સનો પ્લાઝમાનો

અંશ અંશ અંશ અંશ

[પાન ૨૦ પર ચિત્ર]

નિયામક જૂથે કહ્યું કે ખ્રિસ્તીઓએ ‘લોહીથી દૂર રહેવું જોઈએ’

[પાન ૨૩ પર ચિત્ર]

દવામાં લોહીનો સાવ નાનો અંશ લેવો કે નહિ એ નિર્ણય લેતી વખતે અંતઃકરણને મારી ન નાખો