સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઍનબાપ્તિસ્ટસ કોણ હતા?

ઍનબાપ્તિસ્ટસ કોણ હતા?

ઍનબાપ્તિસ્ટસ કોણ હતા?

વેસ્ટફાલીઆ, જર્મનીના મન્સ્ટર શહેર મધ્યે એક એવી જગ્યા છે, જે પહેલીવાર આવનાર પ્રવાસીઓનું ધ્યાન ખેંચી લે છે. એ શું છે? એ ત્યાંના ચર્ચ ટાવર પર લટકાવેલા લોખંડના ત્રણ પાંજરા છે. એ લગભગ ૫૦૦ વર્ષ જૂના છે. એમાં જાહેરમાં રિબાવીને મારી નાખેલા ત્રણ માણસોના શબ મૂકવામાં આવ્યા હતા. આ માણસો ઍનબાપ્તિસ્ટ હતા અને આ પાંજરાઓ તેમના રાજ્યના અવશેષો છે.

પરંતુ, આ ઍનબાપ્તિસ્ટ કોણ હતા? કઈ રીતે તેમના ગ્રૂપની શરૂઆત થઈ? તેઓનું મહત્ત્વનું શિક્ષણ શું હતું? શા માટે આ માણસોને મારી નાખવામાં આવ્યા? આ ત્રણ પાંજરાઓનો તેમના રાજ્ય સાથે શું સંબંધ હતો?

કઈ રીતે ચર્ચમાં સુધારો થવો જોઈએ?

પંદરમી સદીના અંતમાં અને ૧૬મી સદીની શરૂઆતમાં, રોમન કૅથલિક ચર્ચ અને પાદરીઓ વચ્ચેનો મતભેદ વધતો ગયો. શા માટે? ચર્ચમાં ભ્રષ્ટાચાર અને અનૈતિકતાનો સડો પેસી ગયો હતો. તેથી, ઘણા લોકોને લાગ્યું કે હવે ધર્મસુધારણા થવી જ જોઈએ. આથી, ૧૫૧૭માં માર્ટિન લ્યૂથરે સુધારા માટે જાહેરમાં આંદોલન શરૂ કર્યું. બીજા ઘણા લોકો પણ તેની સાથે જોડાયા. આમ, પ્રોટેસ્ટંટ ધર્મની શરૂઆત થઈ.

પરંતુ, આ સુધારાવાદીઓનો કોઈ યોગ્ય પ્લાન ન હતો કે કેટલી હદ સુધી સુધારો થવો જોઈએ. ઘણાને લાગ્યું કે ઈશ્વરની ભક્તિ કરવા માટે બાઇબલના શિક્ષણને વળગી રહેવું જોઈએ. તોપણ, સુધારાવાદીઓ બાઇબલ શિક્ષણ માટે એક જ ભાષાંતર સાથે સહમત થતા ન હતા. કેટલાકને એવું લાગ્યું કે ફેરફારો બહુ ધીમી ગતિએ થઈ રહ્યા છે. આમ, આ સુધારાવાદીઓમાં જ ઍનબાપ્તિસ્ટ ગ્રૂપની શરૂઆત થઈ.

ઍનબાપ્તિસ્ટ ગ્રૂપ વિષે હાન્સ-જર્જન ગોટ્‌સે પોતાના એક પુસ્તકમાં લખ્યું: “હકીકતમાં, ફક્ત એક જ શહેરમાં ઍનબાપ્તિસ્ટ ગ્રૂપો શરૂ થયા ન હતા; એવા તો બીજા ઘણા ગ્રૂપો હતા.” દાખલા તરીકે, ૧૫૩૧માં ઝ્વીકો પ્રબોધકો તરીકે ઓળખાતા ચાર માણસોએ વીટનબર્ગમાં ઍનબાપ્તિસ્ટના ધર્મપ્રચારથી ઊહાપોહ મચાવી દીધો હતો. વર્ષ ૧૫૨૫માં, ઝીઓરીચ, સ્વીટ્‌ઝર્લૅન્ડમાં ઍનબાપ્તિસ્ટનું એક અલગ ગ્રૂપ બન્યું. મોરેવિયા (હમણાં ચૅક પ્રજાસત્તાક) અને નૅધરલૅન્ડ્‌સમાં પણ ઍનબાપ્તિસ્ટ ગ્રૂપો શરૂ થયા.

શું બાળકોએ બાપ્તિસ્મા લેવું જોઈએ?

ઍનબાપ્તિસ્ટ ગ્રૂપો ખાસ કરીને નાના હતા. આ ગ્રૂપના સભ્યો શાંતિપ્રિય હતા. વળી, તેઓ પોતાની માન્યતા વિષે બીજાઓને પ્રચાર કરતા હતા. વર્ષ ૧૫૨૭માં શેલ્થીઅમ પંથમાં ઍનબાપ્તિસ્ટ ગ્રૂપની મુખ્ય માન્યતાઓ વિષે જણાવવામાં આવ્યું. એ ઉપરાંત, તેઓ લશ્કરમાં ભાગ લેતા ન હતા. તેઓ પોતાને જગતથી અલગ રાખતા હતા. વળી, તેઓ ખરાબ કામ કરનારાઓને પોતાના પંથમાંથી બહાર કાઢી મૂકતા. પરંતુ, એક ખાસ માન્યતાને લીધે ઍનબાપ્તિસ્ટ ગ્રૂપ બીજા ધર્મો કરતાં અલગ તરી આવતું હતું. તેઓ દૃઢપણે માનતા હતા કે બાપ્તિસ્મા બાળકો માટે નહિ પરંતુ પુખ્ત વયનાઓ માટે છે. *

પુખ્ત વયનાએ જ બાપ્તિસ્મા લેવું જોઈએ એ કંઈ ફક્ત ધાર્મિક માન્યતા જ ન હતી; પરંતુ, એ સત્તાનો વાદવિષય હતો. જો વ્યક્તિ પુખ્ત બને ત્યાં સુધી બાપ્તિસ્મા ન આપવામાં આવે તો, કેટલાક લોકો તો બાપ્તિસ્મા લે જ નહિ. એનાથી વ્યક્તિને પોતાના ધર્મની માન્યતા પ્રમાણે બાપ્તિસ્મા લેવું કે નહિ એ વિચારવા માટે સમય મળતો હતો. બાપ્તિસ્મા નહિ લેનારાઓ પર ચર્ચનું કંઈ ચાલતું ન હતું. કેટલાક ચર્ચ માટે, પુખ્ત વયે બાપ્તિસ્મા લેવાનો અર્થ પોતાની સત્તા ગુમાવવી થતો હતો.

તેથી, કૅથલિક અને લ્યૂથર બંને પંથો પુખ્ત વયે બાપ્તિસ્મા આપવાની વિરુદ્ધમાં હતા. વર્ષ ૧૫૨૯ પછી, કેટલાક વિસ્તારોમાં પુખ્ત વયનાઓને બાપ્તિસ્મા આપનારા કે પુખ્ત વયે બાપ્તિસ્મા લેનારાઓને મોતની સજા ફટકારવામાં આવતી હતી. પત્રકાર થોમસ સીફ્ટ બતાવે છે કે, ઍનબાપ્તિસ્ટોને “જર્મનીના આખા પવિત્ર રોમન સામ્રાજ્યમાં સખત સતાવણી કરવામાં” આવતી હતી. એમાંય વળી મન્સ્ટરમાં તો આકરી સતાવણી હતી.

મધ્ય મન્સ્ટર સુધારણાને માર્ગે

મધ્ય મન્સ્ટરમાં લગભગ ૧૦,૦૦૦ લોકો રહેતા હતા. આ શહેર પર હુમલો કરવો શક્ય ન હતું. એ શહેર ફરતે લગભગ ૯૦ મીટર પહોળી અને પાંચ કિલોમીટર લાંબી મજબૂત દિવાલથી કિલ્લેબંધી કરવામાં આવી હતી. પરંતુ, શહેરની અંદર કિલ્લા જેવી મજબૂત સ્થિતિ ન હતી. મન્સ્ટરના સિટી મ્યુઝિયમ દ્વારા પ્રકાશિત ધ કીંગડમ ઑફ ધ ઍનબાપ્તિસ્ટએ બતાવ્યું કે “શહેરની વિધાનસભાના અને સંગઠનોના સભ્યો વચ્ચે મતભેદો હતા.” વધુમાં, પાદરીઓના પાખંડથી લોકોના મન ખાટા થઈ ગયા હતા. તેથી, મન્સ્ટરે સુધારાવાદને ટેકો આપ્યો અને ૧૫૩૩માં એ કૅથલિકમાંથી લ્યૂથરન શહેરમાં ફેરવાઈ ગયું.

મન્સ્ટરમાં બનહર્ડ રોથમાનીયા નામનો સુધારાવાદનો એક મુખ્ય પ્રચારક બહુ ઉદ્ધત વ્યક્તિ હતો. ફેડરિક ઑહિનીગર બતાવે છે કે રોથમાનીયાના “વિચારો ઍનબાપ્તિસ્ટ જેવા જ હતા; તેણે અને તેની સાથે કામ કરનારાઓએ બાળકોને બાપ્તિસ્મા આપવાનો નકાર કર્યો.” મન્સ્ટરમાં ઘણા લોકોએ તેને ટેકો આપ્યો. તેમ છતાં, અમુક લોકોને આ બાબત બહુ કઠણ લાગતી હતી. “જૂની માન્યતાઓથી સંતુષ્ટ લોકો, શહેરમાં કંઈક અજુગતી બાબત બનશે એમ વિચારીને એ શહેર છોડીને જતા રહ્યા. પછી નૅધરલૅન્ડ્‌સ અને સામ્રાજ્યના બીજા ભાગોમાંથી મોટી સંખ્યામાં ઍનબાપ્તિસ્ટો મન્સ્ટરમાં આવ્યા. તેઓ એવી આશા રાખતા હતા કે ત્યાં તેઓની માન્યતાઓ પૂરી થશે.” મન્સ્ટરમાં ઍનબાપ્તિસ્ટોના આ રીતે ભેગા થવાને કારણે ભયંકર પરિણામ આવ્યું.

નવા યરૂશાલેમને ઘેરો નાખવો

હાલમ, નેધરલેન્ડ્‌સથી યાન માટીસ નામનો ભઠિયારો અને જાન બીચૂગલસન કે જે લીડનનો જોન તરીકે જાણીતો હતો, આ બે ડચ વ્યક્તિઓ મન્સ્ટરમાં રહેવા આવી. તેઓએ આ પંથના વિકાસમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો. માટીસ પ્રબોધક હોવાનો દાવો કરતો હતો. તેણે એવું જાહેર કર્યું કે એપ્રિલ, ૧૫૩૪માં ખ્રિસ્તનું બીજી વારનું આગમન થશે. મન્સ્ટર શહેરને બાઇબલમાં ઉલ્લેખેલું નવું યરૂશાલેમ કહેવામાં આવ્યું. તેથી, જગતનો અંત નજીક છે એવી લાગણી લોકોમાં ફેલાઈ ગઈ. પછી રોથમાનીયાએ નક્કી કર્યું કે હવેથી બધાની માલમિલકત જાહેર સંપત્તિ છે. શહેરમાં રહેનારા પુખ્ત વયનાઓ માટે હવે બે જ પસંદગી રહી: તેઓ બાપ્તિસ્મા લે અથવા શહેર છોડીને ચાલ્યા જાય. પરિણામે, ઘણા લોકોએ સમૂહમાં બાપ્તિસ્મા લીધું. કેટલાકે તો પોતાની સંપત્તિ અને ઘર ન છોડવા પડે એ માટે બાપ્તિસ્મા લીધું.

મન્સ્ટર શહેર ઍનબાપ્તિસ્ટ ધર્મ અને રાજકીય બાબતોમાં એકદમ મજબૂત બન્યું ત્યારે બીજા સમાજના લોકોમાં એક કંપારી છૂટી ગઈ. ઍનબાપ્તિસ્ટ ધર્મ પર એક પુસ્તક (ડાય ટફર ઝુ મન્ટર) જણાવે છે કે આવી પરિસ્થિતિને લીધે ‘મન્સ્ટર, જર્મનીના આખા પવિત્ર રોમન સામ્રાજ્યનું વિરોધી બની ગયું.’ છેવટે ફ્રાન્સ વાન વોલ્ડેક નામનો ઉચ્ચ અધિકારી, જે પોતે રાજકુમાર અને બિશપ પણ હતો, તેણે મન્સ્ટરને ઘેરો નાખવા લશ્કર તૈયાર કર્યું. આ લશ્કરમાં લ્યૂથરન અને કૅથલિક બંને પંથના સૈનિકો હતા. જરા વિચારો, ધાર્મિક સુધારણા શરૂ થઈ ત્યારે, આ જ બે ધર્મો એકબીજા વિરુદ્ધ ત્રીસ વર્ષ સુધી લડ્યા હતા. પરંતુ હવે તેઓ ભેગા મળીને ઍનબાપ્તિસ્ટો પર ચઢાઈ કરવા નીકળ્યા હતા!

ઍનબાપ્તિસ્ટોના રાજ્યનો વિનાશ

ભલે ઘેરો નાખેલું લશ્કર ગમે એટલું બળવાન હોય, પરંતુ એનાથી કિલ્લેબંધ શહેરમાં રહેનારાઓને કંઈ ફર્ક પડ્યો નહિ. તેઓની માન્યતા પ્રમાણે એપ્રિલ, ૧૫૨૪માં ખ્રિસ્તનું બીજી વારનું આગમન થવાનું જ હતું ત્યારે, પરમેશ્વર પોતાનું રક્ષણ કરશે એવી આશા રાખીને માટીસ સફેદ ઘોડા પર સવારી કરીને શહેરની બહાર નીકળ્યો. પરંતુ, શહેરનો ઘેરો નાખનારા લશ્કરે માટીસને પકડીને રહેંસી નાખ્યો. તેઓએ તેના ટુકડા કરીને તેના માથાને એક થાંભલા પર ઊંચું કર્યું. આ દૃશ્ય જોઈને માટીસને ટેકો આપનારાઓના કેવા હાંજા ગગડી ગયા હશે!

લીડનના જોને પછી માટીસનું સ્થાન લીધું. તેણે મન્સ્ટરના ઍનબાપ્તિસ્ટોના રાજા તરીકે યેન નામ ધારણ કર્યું. એ શહેરમાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે હતી. આથી, તેણે સ્ત્રી-પુરુષોને સમતોલમાં લાવવાનો પ્રયત્ન કર્યો. તેણે પુરુષોને તેઓ ઇચ્છે એટલી પત્નીઓ કરવાનું ઉત્તેજન આપ્યું. જોકે, મન્સ્ટરના ઍનબાપ્તિસ્ટ રાજ્યમાં કોઈ વ્યભિચાર કે અનૈતિકતામાં પડે તો તેઓને મોતની સજા કરવામાં આવતી. જ્યારે કે પુરુષોને એક કરતાં વધારે પત્નીઓ કરવાની છૂટ હતી. યેન રાજાને પણ ૧૬ પત્નીઓ હતી. એમાંની એક એલીઝાબેથે શહેર છોડીને જવાની પરવાનગી માંગી ત્યારે જાહેરમાં તેને મારી નાખવામાં આવી.

શહેર ફરતે ૧૪ મહિના સુધી લશ્કરનો ઘેરો રહ્યો. છેવટે જૂન, ૧૫૩૫માં તેઓએ શહેર પર કબજો કરી લીધો. ત્યારે મન્સ્ટરનો એટલો મોટો વિનાશ થયો કે એવો વિનાશ બીજા વિશ્વયુદ્ધ સુધી જોવા મળ્યો નહિ. રોથમાનીયા નાસી છૂટ્યો પરંતુ રાજા યેન અને ઍનબાપ્ટિસ્ટના બીજા બે આગેવાનો પકડાઈ ગયા. તેઓને સખત રિબાવીને મારી નાખવામાં આવ્યા. પછી તેઓના શબને પાંજરામાં મૂકીને સેન્ટ લામ્બર્ટ ચર્ચના ટાવર પર લટકાવવામાં આવ્યા. સીફર્ટ સમજાવે છે કે, “બીજું કોઈ મુશ્કેલી ઊભી ન કરે એ માટે આ એક ભયંકર ચેતવણી હતી.” આમ, રાજનીતિમાં માથું મારવાનું ભયંકર પરિણામ આવ્યું.

ઍનબાપ્તિસ્ટના બીજા ગ્રૂપોનું શું થયું? આખા યુરોપમાં ઘણાં વર્ષો સુધી સતાવણી ચાલુ રહી. ઍનબાપ્તિસ્ટ બીજાઓની સરખામણીમાં બહુ થોડા હતા. તોપણ તેઓમાંથી મોટા ભાગના યુદ્ધમાં ભાગ ન લેવાના પોતાના સિદ્ધાંતને વળગી રહ્યા. એ સમયમાં અગાઉના પાદરી મેનો સિમાને ઍનબાપ્તિસ્ટની આગેવાની લીધી. પછીથી આ ગ્રૂપ મેનોનાઇટ્‌સ અથવા તો બીજા નામથી ઓળખાવા લાગ્યું.

ત્રણ પાંજરા

ઍનબાપ્તિસ્ટ ગ્રૂપના લોકો સામાન્ય રીતે ધાર્મિક હતા. તેઓ બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ સમય જતા તેઓ રાજકીય, આર્થિક અને સામાજિક વાદવિષયો પર વધારે ધ્યાન આપવા લાગ્યા. પરિણામે, મન્સ્ટરના ઍનબાપ્તિસ્ટો બાઇબલ સિદ્ધાંતોને બાજુ પર મૂકીને રાજકારણમાં જોડાવા લાગ્યા. એના લીધે તેઓની ધાર્મિક ચળવળ, ક્રાંતિમાં ફેરવાઈ ગઈ. પરિણામે, ઍનબાપ્તિસ્ટ ચળવળ અને મન્સ્ટર શહેરનો મોટો વિનાશ થયો.

શહેરની મુલાકાતે આવનારાઓને આશરે ૫૦૦ વર્ષ પહેલાં બનેલી આ ઘટનાની હજુ પણ યાદ અપાવવામાં આવે છે. કઈ રીતે? ચર્ચ ટાવર પર લટકાવેલા લોખંડના ત્રણ પાંજરા દ્વારા.

[ફુટનોટ]

^ આ લેખમાં બાળકોએ બાપ્તિસ્મા લેવું જોઈએ કે નહિ એની કંઈ સમજણ આપવામાં આવી નથી. આ વિષે માર્ચ ૧૫, ૧૯૮૬ના વોચટાવરમાં “શું બાળકોએ બાપ્તિસ્મા લેવું જોઈએ?” લેખમાંથી વધારે માહિતી મળે છે.

[પાન ૧૩ પર ચિત્ર]

યેન રાજાને ખૂબ રિબાવીને મારી નાખવામાં આવ્યો, પછી સેન્ટ લૅમ્બર્ટના ચર્ચના ટાવર પર લટકાવવામાં આવ્યો