સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાળકો મોટા કરવા એ નાની વાત નથી

બાળકો મોટા કરવા એ નાની વાત નથી

બાળકો મોટા કરવા એ નાની વાત નથી

એક મોડી સાંજે રેસ્ટોરંટ બંધ થવાની તૈયારીમાં હતું. ત્યાં જ એક નાના માસૂમ બાળક સાથે બે બેનપણીઓ આવી. રેસ્ટોરંટનો માલિક થાકીને લોથપોથ થઈ ગયો હતો, એટલે તે ના કહેવા જતો હતો. પછી તેને થયું, ‘ચાલ ને, આ લોકોને જમાડતા બહુ વાર નહિ લાગે.’ બંને બેનપણીઓ ખાતા-ખાતા ગપ્પાં મારતી હતી. પરંતુ, પેલા માસૂમ દેખાતા બાળકે તો બધી બાજુ દોડાદોડ કરી મૂકી હતી. બસ બધીયે બાજુ બિસ્કીટનો ભૂક્કો જ ભૂક્કો, એના પર દોડતું જાય ને બધે એ ફેલાવતું જાય. તેની મમ્મીને આ જોવાની ક્યાં ફુરસદ હતી. આખરે, તેઓ જમીને ગયા! બિચારો રેસ્ટોરંટનો માલિક! બધું ફરીથી સાફસૂફ કરતા તેને નાકે દમ આવી ગયો.

આ સાચી વાત આપણને કંઈક શીખવી જાય છે. તમે પોતે જાણતા હશો તેમ, ઘણાં બાળકોની સારી કેળવણી થતી નથી. એના ઘણાં કારણો હોય શકે. અમુક માબાપ બાળકને છૂટો દોર આપે છે, કે ‘એ તો હજુ નાનું છે, મોટું થઈને શીખશે.’ અથવા મમ્મી-પપ્પાને એટલું કામ હોય કે બાળકો માટે કોને સમય છે! તેથી, તેઓ બાળકને નાનપણથી કેળવી શકતા નથી. જ્યારે કે અમુક માબાપ કહેશે કે ‘તને જે જોઈએ એ આપીશ. બસ, ભણી-ગણીને ફર્સ્ટ-ક્લાસ આવવું જોઈએ. એવી કૉલેજમાં એડમિશન મળવું જોઈએ કે બધા જોતા જ રહી જાય!’

અમુકનું માનવું છે કે માબાપ અને સમાજના વિચારોમાં ફેરફારની જરૂર છે. દિવસે-દિવસે બાળકો ગુનાની દુનિયાના શિકાર બનતા જાય છે. સ્કૂલમાં મારા-મારી તો જાણે રોજની વાત થઈ ગઈ છે. કોરિયાના સોલ શહેરની એક સ્કૂલના પ્રિન્સિપાલ જણાવે છે કે બાળક તો કુમળો છોડ, વાળો એમ વળે. તેમણે કહ્યું: “નાનપણથી બાળકનું મન એવી રીતે ઘડો કે જ્ઞાન તરત જ ગળે ઊતરી જાય.”

જોકે, ઘણા મમ્મી-પપ્પા આવી સલાહ એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખે છે. તેઓને તો બસ પોતાના વહાલાસોયા મોટી મોટી કૉલેજોમાં જાય, એટલું જ જોઈએ છે. જો તમે માબાપ હોવ, તો તમારા લાડલાં બાળક માટે કેવા સપનાં જુઓ છો? શું એ સંસ્કારી અને જવાબદાર વ્યક્તિ બને એમ ચાહો છો? એ બીજાની લાગણી સમજે, બીજા સાથે હળી-મળીને રહે અને હસતા મોઢે સુખ-દુઃખ સહન કરે એવું તમે ચાહો છો? ચાલો આપણે હવે પછીનો લેખ વાંચીને વિચાર કરીએ.