સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘જાઓ અને શિષ્યો બનાવો’

‘જાઓ અને શિષ્યો બનાવો’

‘જાઓ અને શિષ્યો બનાવો’

“આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો.”—માત્થી ૨૮:૧૮, ૧૯.

૧, ૨. (ક) ઈસુએ પોતાના શિષ્યોને કઈ જવાબદારી સોંપી? (ખ) ઈસુની આજ્ઞા વિષે કયા સવાલ ઊભા થાય છે?

 એ ૩૩ની સાલ હતી. કૂણી કૂણી વસંતનો દિવસ હતો. ઈસુના શિષ્યો ગાલીલના એક પર્વત પર ભેગા થયા હતા. સજીવન થયેલા પ્રભુ ઈસુ હવે સ્વર્ગમાં ચડી જવાના હતા. એ પહેલાં ઈસુ પોતાના મિત્રોને એક જવાબદારી સોંપવાના હતા. એ કઈ જવાબદારી હતી? શિષ્યોએ કઈ રીતે એ જવાબદારી ઉઠાવી? આજે આપણા વિષે શું?

ઈસુએ પોતાના દિલોજાન દોસ્તોને કહ્યું: “આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ; અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.” (માત્થી ૨૮:૧૮-૨૦) ઈસુએ આ આજ્ઞામાં “સર્વ અધિકાર,” ‘સર્વ દેશનાઓ,’ “જે જે આજ્ઞા કરી તે સર્વ” અને “સર્વકાળ” વિષે વાત કરી. હવે અમુક મહત્ત્વના સવાલો ઊભા થાય છે કે, આપણે શા માટે એ આજ્ઞા પાળવી? કઈ કઈ જગ્યાએ એ આજ્ઞા પાળવી જોઈએ? શાના વિષે લોકોને જણાવવું? ક્યાં સુધી જણાવતા રહેવું? ચાલો આપણે એક પછી એક સવાલ લઈએ. *

“સર્વ અધિકાર મને અપાયો છે”

૩. આપણે શા માટે શિષ્યો બનાવવાની આજ્ઞા પાળવી જોઈએ?

ઈસુએ જણાવ્યું કે “આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો.” આ બતાવે છે કે શા માટે આપણે આ આજ્ઞા પાળવી જોઈએ. આ આજ્ઞા આપનાર, ઈસુને “સર્વ અધિકાર” આપવામાં આવ્યો છે. એનો અર્થ શું થાય?

૪. (ક) ઈસુને કેવો અધિકાર આપવામાં આવ્યો છે? (ખ) ઈસુની આજ્ઞા વિષે આપણને કેવું લાગે છે?

ઈસુને પોતાના શિષ્યોના મંડળ પર અધિકાર છે. ઈસુ ૧૯૧૪થી યહોવાહના રાજ્યના રાજા પણ બન્યા છે. (કોલોસી ૧:૧૩; પ્રકટીકરણ ૧૧:૧૫) ઈસુ લાખો ને કરોડો સ્વર્ગદૂતોના ઉપરી છે. (૧ થેસ્સાલોનીકી ૪:૧૬; ૧ પીતર ૩:૨૨; પ્રકટીકરણ ૧૯:૧૪-૧૬) જે કોઈ ‘રાજ્યસત્તા તથા અધિકાર તથા પરાક્રમ’ તેમના સાચા સિદ્ધાંતો ન પાળે, તેઓનું શું? યહોવાહે પોતે ઈસુને રજા આપી છે કે તે તેઓનો નાશ કરે. (૧ કોરીંથી ૧૫:૨૪-૨૬; એફેસી ૧:૨૦-૨૩) યહોવાહે ઈસુને ‘જીવતાં તથા મૂએલાંના ન્યાયાધીશ ઠરાવ્યા છે.’ મરણ પામેલાને ફરી જીવન આપવાની શક્તિ પણ તેમને આપવામાં આવી છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪૨; યોહાન ૫:૨૬-૨૮) જેને આટલો બધો અધિકાર હોય, એની આજ્ઞા શું આપણે મહત્ત્વની નહિ ગણીએ? આપણે રાજી-ખુશીથી એ સાંભળીશું અને પાળીશું.

૫. (ક) ઈસુનું સૂચન સાંભળીને પીતરે શું કર્યું? (ખ) ઈસુનું કહેવું માનવાથી કયા આશીર્વાદ મળ્યા?

ઈસુએ જણાવ્યું હતું કે જેઓ પોતાનું કહેવું માનશે તેઓ આશીર્વાદ પામશે. એક વાર ઈસુએ માછીમાર પીતરને કહ્યું: “ઊંડા પાણીમાં હંકારીને માછલાં પકડવા સારૂ તમારી જાળો નાખો.” ઈસુના વહાલા દોસ્ત પીતરે કહ્યું: “સ્વામી, અમે આખી રાત મહેનત કરી, પણ કશું પકડ્યું નહિ; તોપણ તારા કહ્યાથી હું જાળો નાખીશ.” પીતરે ઈસુનું કહેવું માન્યું. પછી શું થયું? તેઓએ “માછલાંનો મોટો જથો ઘેરી લીધો.” હવે પીતરને કેવું લાગ્યું? તેમણે “ઈસુના પગ આગળ પડીને કહ્યું, કે ઓ પ્રભુ, મારી પાસેથી જા; કારણ કે હું પાપી માણસ છું.” ઈસુએ કહ્યું: “બી મા; હવેથી તું માણસો પકડનાર થશે.” (લુક ૫:૧-૧૦; માત્થી ૪:૧૮) આના પરથી આપણે શું શીખીએ છીએ?

૬. (ક) માછલીઓ પકડવાના ચમત્કારથી ઈસુએ આજ્ઞા પાળવા વિષે શું શીખવ્યું? (ખ) આપણે કઈ રીતે ઈસુને પગલે ચાલી શકીએ?

એક સાથે એટલી બધી માછલી પકડવાનો એ એક ચમત્કાર થયો. એ પછી ઈસુએ પીતર, આન્દ્રિયા અને બીજા શિષ્યોને ‘માણસો પકડનારા’ બનવાની જવાબદારી સોંપી. (માર્ક ૧:૧૬, ૧૭) ઈસુ પોતાના મિત્રો ફક્ત ‘હા જી, હા જી’ કરે, એવું ચાહતા ન હતા. ઈસુનું માનવું કે નહિ, એ નિર્ણય તેઓએ પોતે સમજી વિચારીને લેવાનો હતો. ઈસુના કહેવાથી જાળ ઊંડા પાણીમાં નાખી અને તેઓએ ઢગલેબંધ માછલા પકડ્યા. એ જ રીતે ‘માણસો પકડવાની’ આજ્ઞા પાળે તો, તેઓને ઘણા આશીર્વાદો મળવાના હતા. ઈસુના શિષ્યોએ પૂરા ભરોસાથી તેમનું કહેવું માન્યું. ‘તેઓ હોડીઓને કાંઠે લાવ્યા, પછી બધું મૂકીને તેની પાછળ ચાલ્યા.’ (લુક ૫:૧૧) આપણે પણ કોઈને પ્રચારમાં આવવાનું કહીએ ત્યારે, ઈસુની જેમ જ કરીએ. એટલે કે તેઓને એવી સમજણ આપીએ કે તેઓ પોતે સમજી-વિચારીને નિર્ણય લઈ શકે.

યોગ્ય કારણો અને શુદ્ધ મન

૭, ૮. (ક) પ્રચાર કરીને શિષ્યો બનાવવા શાસ્ત્ર કઈ રીતે પ્રેરણા આપે છે? (ખ) પ્રચાર કરતા રહેવા તમને કઈ કલમો મદદ કરે છે? (ફૂટનોટ પણ જુઓ.)

આપણે ઈસુની સત્તાને માન આપીએ છીએ. એટલે જ આપણે પ્રચાર કરીને શિષ્યો બનાવીએ છીએ. બીજાને મદદ કરવા કયાં શાસ્ત્રવચનો બતાવી શકીએ? ચાલો આપણે અમુક ભાઈ-બહેનોના અનુભવો જોઈએ. એની સાથે આપેલી કલમોનો પણ વિચાર કરો.

રોય નામના ભાઈ ૧૯૫૧માં બાપ્તિસ્મા પામ્યા, જે કહે છે: “મેં યહોવાહને વચન આપ્યું છે કે હું કાયમ તેમની ભક્તિ કરીશ. હું એ વચન પાળવા માંગું છું.” (ગીતશાસ્ત્ર ૫૦:૧૪; માત્થી ૫:૩૭) હેધર નામની બહેન ૧૯૬૨માં બાપ્તિસ્મા પામી, તે કહે છે: “યહોવાહે મારે માટે કેટલું બધું કર્યું છે! મારે તો જીવનભર તેમની જ ભક્તિ કરવી છે.” (ગીતશાસ્ત્ર ૯:૧, ૯-૧૧; કોલોસી ૩:૧૫) હેનાલોરા નામની બહેન ૧૯૫૪માં બાપ્તિસ્મા પામી, તે કહે છે: “આપણે પ્રચારમાં જઈએ ત્યારે, સ્વર્ગદૂતો આપણી સાથે હોય છે! આ તે કંઈ જેવી-તેવી વાત છે?” (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૦-૩૩; પ્રકટીકરણ ૧૪:૬, ૭) ઓનર નામની બહેન ૧૯૬૯માં બાપ્તિસ્મા પામી, તે કહે છે: “યહોવાહ લોકોનો ન્યાય કરે ત્યારે, મારા કોઈ પાડોશી યહોવાહ કે તેમના સાક્ષીઓનો વાંક ન કાઢે, કે ‘મને તો ખબર ન હતી!’” (હઝકીએલ ૨:૫; ૩:૧૭-૧૯; રૂમી ૧૦:૧૬, ૧૮) ક્લોદિયો નામનો ભાઈ ૧૯૭૪માં બાપ્તિસ્મા પામ્યો, તે કહે છે: “પ્રચારમાં આપણને યહોવાહ અને ઈસુનો પૂરો સાથ છે. જરા વિચારો! આપણા દિલોજાન દોસ્તો સાથે હોઈએ, પછી જોવાનું જ શું!”—૨ કોરીંથી ૨:૧૭. *

૯. (ક) પુષ્કળ માછલી પકડવાનો અનુભવ શું બતાવે છે? (ખ) આજે પણ યહોવાહ અને ઈસુના શિષ્યો કોણ બની શકે છે?

પુષ્કળ માછલીઓ પકડાઈ, એ ચમત્કાર બીજું કંઈક પણ શીખવે છે. એ ચમત્કાર બન્યો ત્યારે, પીતરે ઈસુને કહ્યું કે “મારી પાસેથી જા; કારણ કે હું પાપી માણસ છું.” શું ઈસુ ચાલ્યા ગયા? ના, તે પીતરને ગમે એમ બોલ્યા પણ નહિ. (લુક ૫:૮) અરે, ઈસુને ખોટું પણ ન લાગ્યું! બસ, ઈસુએ તો એટલું જ કહ્યું: “બી મા.” ઈસુએ પીતરને ખાતરી આપી કે, તે અને બીજા શિષ્યો ‘માણસોને પકડવા’ માટે બહુ જ ઉપયોગી બનશે. પોતે ઈસુ છે, એટલે શિષ્યોએ માનવું જ પડશે, એવી બીક બતાવી નહિ. આજે આપણે પણ ઈસુના શિષ્યો બનાવવા કોઈને બીક બતાવતા કે કોઈની લાગણીનો ફાયદો ઉઠાવતા નથી. ના, પણ જેઓ પૂરા દિલથી યહોવાહને અને ઈસુને ચાહે છે, એ દરેક શિષ્ય બની શકે છે.—માત્થી ૨૨:૩૭.

“સર્વ દેશનાઓને શિષ્ય કરો”

૧૦. (ક) ઈસુએ આપેલી શિષ્યો બનાવવાની આજ્ઞા કેમ સહેલી ન હતી? (ખ) ઈસુના શિષ્યોએ શું કર્યું?

૧૦ લેખની શરૂઆતમાં જોયેલા ચાર સવાલમાં બીજો હતો કે કઈ કઈ જગ્યાએ શિષ્યો બનાવવા. ઈસુએ કહ્યું હતું: “સર્વ દેશનાઓને શિષ્ય કરો.” ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાં પણ, પરદેશી લોકો ઈસ્રાએલમાં યહોવાહની સેવા કરવા આવતા. (૧ રાજાઓ ૮:૪૧-૪૩) ખરું કે ઈસુએ મોટે ભાગે યહુદીઓને પ્રચાર કર્યો, પણ તેમણે પોતાના મિત્રોને સર્વ દેશના લોકોને પ્રચાર કરવા જણાવ્યું. એ સમયે શિષ્યો ફક્ત યહુદીઓને જ પ્રચાર કરતા હતા. હવે તેઓ સર્વ મનુષ્યોને પ્રચાર કરવાના હતા. એ કંઈ રમત વાત ન હતી, પણ ઈસુના શિષ્યોએ રાજી-ખુશીથી તેમની આજ્ઞા ઉપાડી લીધી. ઈસુના મરણને ત્રીસેક વર્ષ પછી, ઈશ્વરભક્ત પાઊલે લખ્યું કે યહોવાહના રાજ્યનો પ્રચાર ફક્ત યહુદીઓને જ નહિ, પણ ‘દુનિયામાં સર્વને કરવામાં આવ્યો છે.’—કોલોસી ૧:૨૩, પ્રેમસંદેશ.

૧૧. વીસમી સદીની શરૂઆતથી પ્રચાર કામ કઈ રીતે વધી રહ્યું છે?

૧૧ આજકાલ એવો જ વધારો થઈ રહ્યો છે. વીસમી સદીની શરૂઆતમાં ફક્ત થોડા જ દેશોમાં પ્રચાર થઈ રહ્યો હતો. પણ ઈસુના આજના શિષ્યોએ પહેલી સદીના ખ્રિસ્તીઓનો દાખલો લીધો. બધી બાજુ તેઓ ધીમે ધીમે, પણ હોંશથી પ્રચાર કરવા લાગ્યા. (રૂમી ૧૫:૨૦) લગભગ ૧૯૩૦ પછીનાં વર્ષોમાં એકસો દેશોમાં તેઓ પ્રચાર કરતા હતા. આજે એ કામ ૨૩૫ દેશોમાં થઈ રહ્યું છે!—માર્ક ૧૩:૧૦.

“દરેક ભાષા બોલનારી પ્રજાઓમાં”

૧૨. ઝખાર્યાહ ૮:૨૩માં કઈ ચેલેંજ વિષે જણાવવામાં આવ્યું?

૧૨ આખી દુનિયામાંથી જુદી જુદી ભાષાઓના લોકોને શિષ્યો બનાવવાના હતા. આ ચેલેંજ ઊભી કરે છે. યહોવાહે પોતાના ભક્ત ઝખાર્યાહ દ્વારા જણાવ્યું: “તે સમયે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દશ માણસો કોઈ એક યહુદી માણસની ચાળ પકડીને કહેશે, કે અમે તારી સાથે આવીશું, કેમકે અમે સાંભળ્યું છે કે દેવ તમારી સાથે છે.” (ઝખાર્યાહ ૮:૨૩) આ ‘એક યહુદી માણસ’ કોણ છે? એ તો સ્વર્ગમાં જવા પસંદ થયેલા પૃથ્વી પરના ભાઈ-બહેનો છે. “દશ માણસો” એ “મોટી સભા” છે. * (પ્રકટીકરણ ૭:૯, ૧૦; ગલાતી ૬:૧૬) ઝખાર્યાહે જણાવ્યું તેમ, આ મોટી સભામાં બધા દેશોના લોકો હશે. એટલું જ નહિ, તેઓ જુદી જુદી ભાષાઓ બોલતા હશે. શું આજે યહોવાહના લોકોમાં એવું જ છે? ચોક્કસ!

૧૩. (ક) આજે યહોવાહના લોકોમાં જુદી જુદી ભાષાઓ વિષે શું થઈ રહ્યું છે? (ખ) વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરે ઘણી ભાષાઓમાં યહોવાહનું જ્ઞાન પૂરું પાડવા શું કર્યું છે? (“અંધજનો માટે પ્રકાશનો” બૉક્સ જુઓ.)

૧૩ દુનિયામાં પાંચમાંથી ત્રણ યહોવાહના સાક્ષીઓ ૧૯૫૦માં અંગ્રેજી બોલતા હતા, ૧૯૮૦માં પાંચમાંથી બે, અને આજે તો દર પાંચમાંથી ફક્ત એક જ સાક્ષી અંગ્રેજી બોલે છે. આ સંજોગોમાં વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરે શું કર્યું છે? તેઓએ વધારે ને વધારે ભાષાઓમાં યહોવાહનું જ્ઞાન પૂરું પાડ્યું છે. (માત્થી ૨૪:૪૫) જેમ કે, ૧૯૫૦માં આપણાં પુસ્તક-પુસ્તિકાઓ ૯૦ ભાષાઓમાં બહાર પડતા હતા. જ્યારે કે આજે આશરે ૪૦૦ ભાષામાં બહાર પડે છે! શું આ રીતે અલગ અલગ ભાષાના લોકોને પ્રચાર કરવાના આશીર્વાદ મળ્યા છે? હા. વર્ષના દરેક અઠવાડિયે ‘સર્વ ભાષામાંથી’ લગભગ ૫,૦૦૦ લોકો શિષ્યો બને છે! (પ્રકટીકરણ ૭:૯) હજુ તો વધારો થતો જ જાય છે. અમુક અમુક દેશોમાં તો ઘણા જ લોકો શિષ્યો બની રહ્યા છે!—લુક ૫:૬; યોહાન ૨૧:૬.

શું તમે એ કરશો?

૧૪. પરદેશમાં વસેલા લોકોને કઈ રીતે મદદ કરી શકાય? (“સાઇન લૅંગ્વેજથી લોકો શિષ્યો બને છે,” બૉક્સ જુઓ.)

૧૪ આજે ઘણા લોકો પરદેશમાં જઈને વસે છે. એ દેશોમાં ‘સર્વ ભાષાના’ લોકોને શિષ્યો બનાવવા કંઈ સહેલું નથી. (પ્રકટીકરણ ૧૪:૬) પરદેશી ભાષા બોલતા લોકોને આપણે કઈ રીતે મદદ કરી શકીએ? (૧ તીમોથી ૨:૪) એ માટે આપણે તેઓની ભાષાના પુસ્તક-પુસ્તિકાઓ વાપરવા જોઈએ. શક્ય હોય તો, તેઓની ભાષા બોલનાર ભાઈ-બહેનને આપણી સાથે લઈ જઈએ. (પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૨) આજકાલ ઘણા સાક્ષીઓ પરદેશી ભાષા શીખે છે. જેથી, એ ભાષાના લોકોને શિષ્યો બનવા મદદ કરી શકે. ઘણા અનુભવો એના આશીર્વાદો વિષે જણાવે છે.

૧૫, ૧૬. (ક) પરદેશી લોકોને તેઓની પોતાની ભાષામાં સત્ય શીખવવાના અનુભવો જણાવો. (ખ) આપણે પરદેશી લોકોને પ્રચાર કરવા વિષે કેવા સવાલો પર વિચાર કરવાની જરૂર છે?

૧૫ નેધરલૅન્ડ્‌ઝના બે અનુભવોનો વિચાર કરો, જ્યાં ૩૪ ભાષાઓમાં પ્રચાર થાય છે. એક પતિ-પત્નીએ પૉલિશ ભાષા બોલતા લોકોને પ્રચાર કરવાનું નક્કી કર્યું. એટલા બધા લોકોને બાઇબલ વિષે જાણવું હતું કે આ પતિ-પત્નીને ટાઈમ ઓછો પડ્યો. પતિએ દર અઠવાડિયે એક દિવસ ઓછું કામ કરવાનું વિચાર્યું. જેથી વધારે લોકોને બાઇબલ શીખવી શકે. થોડા જ વખતમાં તેઓ ૨૦ જેટલી બાઇબલ સ્ટડી ચલાવવા લાગ્યા. તેઓએ કહ્યું કે “પ્રચાર કરવાથી અમને બહુ જ ખુશી થાય છે.” જ્યારે પોતાની ભાષામાં સત્ય શીખનારાઓ કદર બતાવે છે, ત્યારે તો આપણું દિલ ખુશીથી ભરાઈ જાય છે. એક જગ્યાએ વિએટનામીઝ ભાષામાં મિટિંગ ચાલતી હતી. એક કાકા ઊભા થયા અને બોલવાની રજા માંગી. કાકાએ કહ્યું કે ‘મારી અટપટી ભાષા શીખવા તમે જે મહેનત કરો છો, એની કદર કરવા મારી પાસે શબ્દો ખૂટી પડે છે. આ ઉંમરે હું બાઇબલમાંથી જે શીખી શકું છું, એનાથી મારું હૈયું ભરાઈ આવે છે.’ એટલું બોલતા બોલતા કાકાની આંખો છલકાઈ ગઈ.

૧૬ એટલે જ પરદેશી ભાષાના મંડળોમાં પ્રચાર કરનારાને ખૂબ જ મજા આવે છે. બ્રિટનના એક પતિ-પત્નીએ કહ્યું: ‘છેલ્લાં ૪૦ વર્ષથી અમે પ્રચાર કરીએ છીએ. એમાં પરદેશી ભાષાના લોકોને પ્રચાર કરવા જેવા અનુભવો અમને કદી થયા નથી.’ શું તમે આવી ભાષાના લોકોને પ્રચાર કરવા તમારા જીવનમાં ફેરફાર કરી શકો? જો તમે સ્કૂલે જતા હોવ, તો શું તમે આવી રીતે પ્રચારની મજા માણવા કોઈક પરદેશી ભાષા પણ ધ્યાનથી શીખશો? આ વિષે તમે અને તમારા મમ્મી-પપ્પા સાથે બેસીને વાત કરી લો. એનાથી ચોક્કસ તમારા જીવનમાં સંતોષ મળશે અને યહોવાહના પુષ્કળ આશીર્વાદો પણ મળશે.—નીતિવચનો ૧૦:૨૨.

પ્રચારની રીતમાં ફેરફાર કરવો

૧૭. આપણે જ્યાં પ્રચાર કરીએ છીએ ત્યાં કઈ રીતે વધારે લોકોને મળી શકાય?

૧૭ ખરું કે આપણા બધાના એવા સંજોગો નથી હોતા કે આપણે પરદેશી ભાષામાં પ્રચાર કરીએ. પણ આપણે જ્યાં પ્રચાર કરીએ છીએ, ત્યાં જ વધારે લોકોને મળી શકીએ. એમ કઈ રીતે કરી શકાય? આપણો સંદેશો ભલે એ જ હોય, પણ પ્રચાર કરવાની રીતમાં ફેરફારો કરીએ. આજે ઘણી જગ્યાએ લોકો ઊંચી ઊંચી બિલ્ડિંગોમાં રહે છે. આપણે ઘરે ઘરે પ્રચારમાં જઈએ ત્યારે, ઘણા લોકો ઘરે હોતા નથી. આપણે જુદા સમયે અને જુદી જગ્યાઓએ પ્રચાર કરવાની જરૂર છે. આવા ફેરફારો કરીને આપણે ઈસુને પગલે ચાલીશું. ઈસુએ લોકો સાથે ગમે એ જગ્યાએ યોગ્ય હોય ત્યાં વાત કરી.—માત્થી ૯:૯; લુક ૧૯:૧-૧૦; યોહાન ૪:૬-૧૫.

૧૮. જુદી જુદી જગ્યાઓએ પ્રચાર કરવો શા માટે બહુ જ જરૂરી છે? (“વેપાર-ધંધા પરના લોકોને શિષ્યો બનાવવા” બૉક્સ જુઓ.)

૧૮ અમુક દેશોમાં એમ જ કરવાથી વધારે શિષ્યો બન્યા છે. અનુભવી ભાઈ-બહેનો જુદી જુદી જગ્યાઓએ પ્રચાર કરે છે. તેઓ ઘરે ઘરે તો પ્રચાર કરે જ છે. પણ સાથે સાથે ઍરપોર્ટ પર, ઑફિસોમાં, દુકાનોમાં, કાર પાર્કમાં, બસ-સ્ટોપ પર, રસ્તા પર, બાગ-બગીચાઓમાં, દરિયા કિનારે કે કોઈ બીજી જગ્યાઓએ પણ પ્રચાર કરે છે. હવાઈ દેશમાં ઘણા આ જ રીતે સત્ય શીખ્યા છે. આવી રીતોએ પ્રચાર કરીને, આપણે ઈસુએ આપેલી આજ્ઞા વધારે સારી રીતે પાળી શકીએ છીએ.—૧ કોરીંથી ૯:૨૨, ૨૩.

૧૯. હવે પછીના લેખમાં આપણે શું શીખીશું?

૧૯ ઈસુએ શિષ્યો બનાવવાની આજ્ઞા આપી હતી, એને લગતી બે બાબતો આ લેખમાં જોઈ. એક તો શા માટે એ આજ્ઞા પાળવી અને બીજી બાબત કે કઈ કઈ જગ્યાઓએ શિષ્યો બનાવવા જોઈએ. હવે પછીના લેખમાં આપણે જોઈશું કે શાના વિષે પ્રચાર કરવો અને ક્યાં સુધી એમ કરતા રહેવું.

[ફુટનોટ્‌સ]

^ આ લેખમાં આપણે પહેલા બે સવાલોના જવાબ જોઈશું. બીજા બેના જવાબ પછીના લેખમાં મેળવીશું.

^ આ વિષે વધારે માહિતી માટે ચોકીબુરજ, મે ૧૫, ૨૦૦૧, પાન ૧૨ જુઓ.

આપણે શું શીખ્યા?

• આપણે શા માટે પ્રચાર કરીને શિષ્યો બનાવીએ છીએ?

• યહોવાહના સાક્ષીઓ આજે કઈ કઈ રીતોએ શિષ્યો બનાવીને ઈસુની આજ્ઞા પાળે છે?

• આપણે પ્રચાર કરવાની રીતોમાં કેવા ફેરફારો કરી શકીએ અને શા માટે એમ કરવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૦ પર બોક્સ/ચિત્રો]

“અંધજનો માટે પ્રકાશનો”

અમેરિકામાં આલ્બર્ટ નામના એક પાયોનિયર ભાઈ છે. તેમની આંખોની રોશની જતી રહી છે. તે પોતે બ્રેઈલ પ્રકાશનો વાંચે છે. તે પોતે સેવા નિરીક્ષક છે. મંડળની જવાબદારી તે કઈ રીતે સંભાળી શકે છે?

એ મંડળના જેમ્સ નામના વડીલ કહે છે: “આલ્બર્ટ જેવા સેવા નિરીક્ષકનો જોટો નથી.” અમેરિકામાં આલ્બર્ટ જેવા ૫,૦૦૦ ભાઈ-બહેનો છે, જેઓની આંખોના દીવા હોલવાઈ ગયા છે. તેઓ બધા આખું વર્ષ અંગ્રેજી અને સ્પેનિશ બ્રેઈલમાં પુસ્તકો-પુસ્તિકાઓ મેળવે છે. વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરે ૧૯૧૨થી લગભગ એકસોથી વધારે પ્રકાશનો બ્રેઈલમાં બહાર પાડ્યા છે. આજની ટેક્નોલોજીને કારણે, યહોવાહના સાક્ષીઓ દર વર્ષે દસ ભાષાઓમાં લાખો પાના પર બ્રેઈલ છાપે છે. પછી, ૭૦થી વધારે દેશોમાં એ મોકલી આપે છે. શું તમે કોઈને જાણો છો, જેમને બ્રેઈલ પ્રકાશનો મદદ કરી શકે?

[પાન ૧૧ પર બોક્સ/ચિત્રો]

“સાઇન લૅંગ્વેજથી લોકો શિષ્યો બને છે”

ઘણા લોકો બહેરા કે મૂંગા હોવાથી, સાઇન લૅંગ્વેજ વાપરે છે. એ લોકોને શિષ્યો બનવા મદદ મળે એ માટે, આજે આપણા હોંશીલા યુવાનો સાથે ઘણા ભાઈ-બહેનો એ ભાષા શીખી રહ્યા છે. બ્રાઝિલનો દાખલો લઈએ તો, ત્યાં એક વર્ષમાં જ સાઇન લૅંગ્વેજ વાપરતા ૬૩ શિષ્યો બન્યા છે. એમાંના ૩૫ હવે પાયોનિયર સેવા આપે છે. આખી દુનિયામાં સાઇન લૅંગ્વેજમાં ૧,૨૦૦થી વધારે મંડળ અને ગ્રૂપ છે. રશિયામાં તો સાઇન લૅંગ્વેજની આખી સરકીટ છે. એ દુનિયાની સૌથી મોટી સરકીટ છે!

[પાન ૧૨ પર બોક્સ/ચિત્રો]

“વેપાર-ધંધા પરના લોકોને શિષ્યો બનાવવા”

હવાઈ દેશમાં વેપાર-ધંધા પર લોકોને આપણી એક બહેન પ્રચાર કરતી હતી. તે એક ટ્રાન્સપોર્ટ કંપનીના બોસને મળી. તે ઘણો બીઝી હતો છતાં, દર અઠવાડિયે અડધો કલાક ચર્ચા કરવા તૈયાર થયો. દર બુધવારે સવારે તે પોતાના સ્ટાફને કહી દે, કે કોઈ ફોન તેની ઑફિસમાં આવવા દેવા નહિ, જેથી તે ચર્ચામાં ધ્યાન આપી શકે. હવાઈમાં જ આપણી બીજી એક બહેનનો અનુભવ વિચારો. તે એક સ્ત્રી સાથે દર અઠવાડિયે ચર્ચા કરે છે, જે બૂટ-ચંપલ રિપૅર કરવાની દુકાનની માલિક છે. દુકાનમાં જ તેઓ ચર્ચા કરે છે. કોઈ ઘરાક આવે તો, આપણી બહેન બાજુએ થઈ જાય. ઘરાક જાય એટલે પાછી ચર્ચા ચાલુ રાખે.

ઉપર જણાવેલા બંને અનુભવોમાં સાક્ષીઓએ જુદી જુદી જગ્યાઓએ પ્રચાર કર્યો. પછી ત્યાં પણ બાઇબલની ચર્ચાઓ શરૂ થઈ શકી. તમારા વિસ્તારમાં પણ અમુક લોકો આસાનીથી ઘરે મળતા નહિ હોય. એવા કિસ્સામાં, શું તમને એવી કોઈ જગ્યાઓ જાણો છો જ્યાં તેઓ મળી શકે?

[પાન ૧૨ પર ચિત્ર]

શું તમે પરદેશી ભાષામાં પ્રચાર કરી શકો?