સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘તેઓ ત્યાંથી વહાણમાં બેસીને સાઇપ્રસ ગયા’

‘તેઓ ત્યાંથી વહાણમાં બેસીને સાઇપ્રસ ગયા’

‘તેઓ ત્યાંથી વહાણમાં બેસીને સાઇપ્રસ ગયા’

આશરે ૪૭મી સાલમાં પાઊલ, બાર્નાબાસ અને યોહાન માર્ક પ્રચાર કરવા માટે સાઇપ્રસ ગયા હતા. તેઓના અનુભવો પ્રેરિતોનાં કૃત્યોમાં લખેલા છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪) સાઇપ્રસ ભૂમધ્ય સાગરની પૂર્વ બાજુએ આવેલું છે. એની ફરતે ગ્રીસ, તુર્કી, ઇજિપ્ત અને ઇઝરાયલ દેશો આવેલા છે. તેથી, હજારો વર્ષોથી સાઇપ્રસે વેપાર-ધંધામાં ખૂબ મોટો ભાગ ભજવ્યો છે.

કનાનીઓ, ગ્રીકો, આશ્શૂરીઓ, ઈરાનીઓ અને ઇજિપ્તના લોકોએ એક પછી એક સાઇપ્રસનો કબજો કર્યો હતો. તેઓ પછી, રોમન લોકોએ ઈસવીસન પૂર્વે ૫૮માં (લગભગ ૨૦૬૦ વર્ષ પહેલાં) એનો કબજો લઈને રાજ કરવા માંડ્યા. તેઓ પછી, મધ્યયુગ દરમિયાન (૫૦૦-૧૫૦૦ની સાલમાં) ક્રુસેડર્સ, ફ્રેંક્સ, વનીશન (ઇટાલિયનો) અને ઑટોમન્સ લોકોએ સાઇપ્રસ પર રાજ કર્યું. પછી વર્ષ ૧૯૧૪માં બ્રિટન એ ટાપુ પર રાજ કરવા લાગ્યું. પરંતુ, ૧૯૬૦માં સાઇપ્રસ બ્રિટિશરાજની ગુલામીમાંથી આઝાદ થયું ત્યારે, ત્યાંના લોકોની ખુશીનો પાર ન રહ્યો.

દર વર્ષે હજારો લાખો લોકો સાઇપ્રસ ફરવા જાય છે. તેથી, એ ટાપુ પર પર્યટન ઉદ્યોગ ખૂબ વિકસ્યો છે. વિદેશી પર્યટકો આ ટાપુને મોટા ભાગની આવક રળી આપે છે. પરંતુ, પાઊલના જમાનામાં એ ટાપુ પર કુદરતી સંપત્તિનો ભંડાર હતો. જ્યારે રોમનોને ખબર પડી કે સાઇપ્રસની ભૂમિમાં તાંબાનો ભંડાર છે, ત્યારે તેઓએ આખા ટાપુને ખોદી નાખ્યો. તાંબાના વેપારમાંથી તેઓ કરોડોપતિ બની ગયા. અમુક ઇતિહાસકારોએ અંદાજ માંડ્યો છે કે રોમન રાજ દરમિયાન લોકોએ ધરતીમાંથી ૨.૫ લાખ ટન તાંબું બહાર કાઢ્યું હતું. વળી, કાચી ધાતુને ઓગાળવા માટે રૂમી ફેક્ટરીઓએ મોટા ભાગના જંગલોનો વિનાશ કર્યો હતો. પાઊલ સાઇપ્રસ ગયા ત્યારે ફક્ત થોડાક જ જંગલો બાકી રહ્યા હતા.

રોમન રાજ હેઠળ સાઇપ્રસ

એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા કહે છે કે જુલીયસ સીઝરે ઇજિપ્તને સાઇપ્રસ ટાપુ આપ્યો. સમય જતાં, માર્ક ઍન્ટોનીએ પણ ઇજિપ્તને એ ટાપુ આપ્યો. પણ ઓગસ્ટસના રાજ દરમિયાન, સાઇપ્રસ ટાપુ ફરી રૂમી રાજ હેઠળ આવ્યો. પ્રેષિત પાઊલના દિવસમાં રૂમી હાકેમ સર્જીઅસ પાઊલ સાઇપ્રસ પર રાજ કરતો હતો. એ હકીકત વિષે લુકે, પ્રેરિતોનાં કૃત્યોના પુસ્તકમાં લખ્યું હતું.—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૭.

જૂના જમાનામાં રોમનોએ પાક્સ રોમાના નામનો શાંતિનો કરાર સ્થાપ્યો હતો. શાંતિને લીધે સાઇપ્રસમાં અનેક ફેક્ટરીઓ અને ખાણો ફૂટી નીકળી. દેશમાં વેપાર-ધંધો પણ વધતો ગયો કેમ કે ટાપુ પર હજારો ને હજારો રોમન સૈનિકો રહેતા હતા. વળી, સાઇપ્રસની એફ્રાદાઈતિ દેવીની પૂજા કરવા હજારો યાત્રીઓ ત્યાં જતા હતા. આથી, નવા નવા રસ્તાઓ, બંદરો અને સરકારી મકાનો બાંધવામાં આવ્યા. ભલે સાઇપ્રસ રૂમી રાજ હેઠળ આવ્યું, એની મુખ્ય ભાષા તો ગ્રીક જ રહી. ત્યાંના લોકો રોમન રાજા, એફ્રાદાઈતિ, એપોલો અને ઝૂસને ભજતા હતા. બધા ખૂબ પૈસાદાર હતા. આથી, તેઓ મજા કરતા અને એશ-આરામમાં જીવતા.

પાઊલે સાઇપ્રસમાં પ્રચાર કર્યો ત્યારે, તેમણે ઘણા અમીર લોકોને ઈસુ વિષે સત્ય શીખવ્યું હશે. પરંતુ, પાઊલ પહેલાં પણ, લોકો ઈસુ વિષે જાણતા હતા. બાઇબલ કહે છે કે સ્તેફન શહીદ થયા પછી, અમુક ખ્રિસ્તીઓ યરૂશાલેમ છોડીને સાઇપ્રસ નાસી ગયા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૧૯) પાઊલના સાથી બાર્નાબાસ પોતે સાઇપ્રસથી આવતા હતા. બાર્નાબાસ સાઇપ્રસ ટાપુથી સારી રીતે જાણીતા હતા. તેથી તે સહેલાઈથી પાઊલને જુદી જુદી જગ્યાએ લઈ જઈ શક્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૪:૩૬; ૧૩:૨.

મુસાફરીમાં પાઊલ ક્યાં ક્યાં ગયા?

આપણે સો ટકા ચોક્કસ નથી કે પાઊલે ક્યાં ક્યાં મુસાફરી કરી. પરંતુ, પુરાતત્ત્વ શાસ્ત્રીઓ મુજબ, રોમન રાજ હેઠળ, સાઇપ્રસમાં ઘણા પાક્કા રસ્તાઓ હતા. એ રસ્તાઓ આજે પણ જોવા મળે છે. એટલે પુરાતત્ત્વ શાસ્ત્રીઓ અંદાજ કરે છે કે પાઊલે પણ એ જ રસ્તાઓ પર મુસાફરી કરી હશે.

પાઊલ, બાર્નાબાસ અને યોહાન માર્ક સલુકિયા બંદરેથી સલામીસ બંદર ગયા. પરંતુ, સાઇપ્રસનું મુખ્ય નગર અને બંદર પાફોસ હતું. તો આ મિશનરિઓ શા માટે સલામીસ ગયા? એક કારણ એ હતું કે સલામીસ, ટાપુની પૂર્વ બાજુએ હતું, તેથી સલુકિયાથી એ ફક્ત ૨૦૦ કિલોમીટર (૧૨૦ માઈલ) દૂર હતું. બીજું કારણ એ હતું કે પાફોસ પહેલા, મુખ્ય નગર સલામીસ હતું. તેથી, ત્યાં હજી મોટા ભાગનું શિક્ષણ અને વેપાર-ધંધો ચાલતા હતા. ત્રીજું કારણ એ હતું કે સલામીસમાં ખૂબ મોટો યહુદી સમાજ હતો. તેથી, આ મિશનરિઓ તરત જ “યહુદીઓનાં સભાસ્થાનોમાં દેવનું વચન પ્રગટ” કરવા લાગ્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૫.

આજે સલામીસમાં ફક્ત થોડા ભાંગેલા તૂટેલા મકાનો જ છે. મોટા ભાગનું શહેર જમીનદોસ્ત થઈ ગયું છે. તેમ છતાં, પુરાતત્ત્વ શાસ્ત્રીઓ પાસે સાબિતી છે કે એ શહેર એક વખતે ખૂબ જ ભવ્ય હતું. તેઓએ ભૂમિમાંથી શોધખોળ કરીને એક રોમન બજાર શોધી કાઢ્યું. એ બજાર, મધ્ય સાગરની આસપાસના દેશોમાંથી સૌથી મોટી શોધ થઈ હતી. એ બજાર ઓગસ્ટસ સીઝરના જમાનામાં બનાવવામાં આવી હતી. પુરાતત્ત્વ શાસ્ત્રીઓ જોઈ શક્યા કે બજારમાં સ્નાન અને કસરત કરવાના ભવ્ય મકાનો હતા. વળી, નાટકો માટે ઘણા થિયેટરો પણ હતા. અરે, એમાંના એકમાં તો ૧૫,૦૦૦ લોકો બેસી શકતા હતા! બધી બાજુ, નાના નાના રંગ-બે-રંગી પથ્થરોથી બનાવેલા ભોંયતળિયા હતા. એ જગ્યામાં એક ભવ્ય કબર પણ હતી. બજાર નજીક, ઝૂસ દેવનું મહેલ જેવું એક મંદિર પણ હતું.

પરંતુ, ઝૂસ એ શહેરને ધરતીકંપોથી બચાવી શક્યો નહિ. ઈ.સ. પૂર્વે ૧૫માં એક મોટા ધરતીકંપે સલામીસને જમીનદોસ્ત કરી નાખ્યું. થોડા સમય બાદ ઓગસ્ટસના રાજમાં એ શહેર ફરી બાંધવામાં આવ્યું. પરંતુ, ૭૭ની સાલમાં એ શહેર ધરતીકંપથી ફરી પડી ભાંગ્યું. એ શહેરને ફરી બાંધવામાં આવ્યું. ચોથી સદીમાં એ જગ્યામાં અનેક ધરતીકંપો થયા, પણ આ વખતે શહેર ફરી ઊઠ્યું નહિ. મધ્યયુગ દરમિયાન (૫૦૦-૧૫૦૦ના સાલ દરમિયાન) સલામીસ બંદર ધીરે ધીરે રેતીથી પુરાવા લાગ્યું, અને છેવટે સર્વ લોકો ત્યાંથી ચાલ્યા ગયા.

આપણને ખબર નથી કે સત્ય વિષે સાંભળીને સલામીસમાં કેટલા લોકો ખ્રિસ્તી બન્યા. પરંતુ, આપણને એ ખબર છે કે મિશનરિઓ બીજા સમાજોમાં પણ પ્રચાર કરવા ગયા હતા. તેઓ સલામીસ છોડીને ત્રણ મુખ્ય રસ્તાઓમાંથી કોઈ એક પર ગયા. ત્રણમાંથી એક રસ્તો કાઇરીના પહાડો તરફ લઈને ઉત્તર દરિયાકાંઠે લઈ જતો હતો. બીજો રસ્તો મિસોરાઈયાના મેદાન વચ્ચે થઈને પશ્ચિમ બાજુ લઈ જતો હતો. અને ત્રીજો રસ્તો દક્ષિણના આખા દરિયાકાંઠે સમાંતર જતો હતો.

એવું લાગે છે કે પાઊલ અને બીજા મિશનરિઓએ ત્રીજા રસ્તા પર મુસાફરી કરી. એ રસ્તો અનેક વાડીઓ વચ્ચે થઈને જતો હતો. ત્યાંની જમીન લાલ હોવાથી વાડીઓમાંથી પુષ્કળ પાક ઊપજતો હતો. સલામીસથી લગભગ ૫૦ કિલોમીટર (૩૦ માઈલ) દક્ષિણ પશ્ચિમ બાજુ લારનાકા શહેર આવેલું છે. પછી ત્યાંથી રસ્તો ઓચિંતો ઉત્તર ચાલ્યો જાય છે.

‘તેઓએ આખો બેટ ઓળંગ્યો’

આ ત્રીજો રસ્તો પ્રાચીન લડરા શહેરને મળતો હતો. થોડા સમય બાદ, આ શહેર પણ પડી ભાંગ્યું. આજે એ જ જગ્યા પર નિકોસિયા શહેર છે. આજે નિકોસિયાની અંદર હજી જૂનું લડરા શહેર જોવા મળે છે. શહેરની અંદર, લડરા ફરતે એક દીવાલ છે જે ઇટાલિયન લોકોએ ૧૬મી સદીમાં બાંધી હતી. એ જૂના ભાગની અંદર એક સાંકડો રસ્તો છે જેનું નામ લડરા સ્ટ્રીટ છે. આપણને ખબર નથી કે પાઊલ લડરા ગયા હતા કે કેમ. બાઇબલ ફક્ત એ જ કહે છે કે ‘તેઓએ આખો બેટ ઓળંગ્યો.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૬) ધ વિકલીફ હિસ્ટોરીકલ જીઓગ્રાફી ઑફ બાઇબલ લૅન્ડ્‌સ જણાવે છે કે ‘એ કલમનો અર્થ એમ થાય કે તેઓએ સાઇપ્રસના મોટા ભાગના બધા યહુદી સમાજોની મુલાકાત લીધી હશે.’

પાઊલની તમન્‍ના હતી કે તે બને તેમ બધાને સત્ય વિષે સાક્ષી આપે. આથી, તે લડરાથી દક્ષિણ દિશાએ જતા રસ્તા પર મુસાફરી કરીને અમાથસ અને કુરીયોન શહેરમાં ગયા હશે. આ શહેરોમાં ઘણા લોકો રહેતા હતા અને વેપાર-ધંધો પણ ધમધોકાર ચાલતો.

ગ્રીક અને રોમન લોકોએ કુરીયોન શહેરને ભેખડ પાસે જ બાંધ્યું હતું. સોળમી સાલમાં તેઓએ એપોલો દેવ માટે એક મંદિર બાંધ્યું હતું. ત્યાં એક થિયેટર પણ હતું જેમાં ૬,૦૦૦ લોકો બેસી શકતા હતા. ત્યાંના લોકો અમીર હતા, કેમ કે ઘણા લોકોના ઘરોમાં રંગ-બે-રંગી પથ્થરોથી બનાવેલા સુંદર ચિત્રો હતા. પરંતુ, વર્ષ ૭૭માં જે ધરતીકંપથી સલામીસ પડી ભાંગ્યું હતું, એ જ ધરતીકંપે આ શહેરને પણ ખંડિયેરમાં બદલી નાખ્યું. આજે એ જગ્યામાં બસ ભાંગેલાં તૂટેલાં મકાનો જોવા મળે છે.

પછી મિશનરિઓ પાફોસ ગયા

મિશનરિઓ કુરીયોનથી પશ્ચિમ બાજુ ચાલ્યા ગયા. ત્યાંનો વિસ્તાર ખૂબ સુંદર હતો. બધી બાજુ દ્રાક્ષની વાડીઓ હતી. ધીરે ધીરે રસ્તો ઉપર ચડતો ગયો, અને પછી ઓચિંતા એ નીચે ઢળી ગયો અને સર્પની માફક આમ-તેમ ચાલતા છેક રેતી અને કાંકરાવાળા દરિયા કાંઠે લઈ ગયો. ગ્રીક લોકોની દંતકથા પ્રમાણે એફ્રાદાઈતિ દેવી દરિયામાં જન્મ લઈને એ કિનારેથી બહાર નીકળી હતી.

દેવ-દેવીઓમાં ગ્રીક લોકો એફ્રાદાઈતિને વધુ પૂજતા. તેની ભક્તિ બીજી સદી સુધી ચાલી. તેની ભક્તિ કરવા માટે લોકો પાફોસ જતા. દર વસંતઋતુએ લોકો તેના નામમાં એક મોટો તહેવાર ઊજવતા. એ તહેવાર ઊજવવા માટે યાત્રીઓ એશિયા માઈનોર, ઇજિપ્ત, ગ્રીસ અને ઈરાનથી આવતા. પરંતુ, જ્યારે સાઇપ્રસ ટોલેમીઓના રાજ હેઠળ આવ્યું ત્યારે, તેઓ ઇજિપ્તના ફારૂનને ભજવા લાગ્યા.

રોમન નગર પાફોસ, સાઇપ્રસનું મુખ્ય નગર બન્યું. ત્યાં રોમન સરકારની ઘણી ઑફિસો હતી અને એ નગરમાં તાંબાના સિક્કાઓ પણ બનાવવામાં આવતા. પરંતુ, ઈ.સ. પૂર્વે ૧૫માં એક ધરતીકંપે આખા શહેરનો નાશ કરી નાખ્યો. સલામીસની માફક ઓગસ્ટસે એ શહેરને ફરી બાંધવા માટે પૈસા આપ્યા. તાજેતરમાં પુરાતત્ત્વ શાસ્ત્રીઓએ જમીન ખોદીને એ શહેરોને શોધી કાઢ્યા. તેઓ જોઈ શક્યા કે એ જમાનામાં ત્યાંના લોકો ખૂબ પૈસાદાર હતા. કેમ કે રસ્તાઓ ખૂબ પહોળા હતા, અને ઘરો ખૂબ ભવ્ય હતા. વળી, સંગીત માટે સ્કૂલો અને કસરત કરવાના મકાનો હતા. બીજા શહેરોની જેમ, ત્યાં થિયેટર પણ હતું.

આ શહેરમાં પાઊલ, બાર્નાબાસ અને યોહાન માર્કે પ્રચાર કર્યો હતો. ત્યાં “બુદ્ધિશાળી” હાકેમ, સર્જીઅસ પાઊલ તેઓને મળવા ચાહતો હતો. એલીમાસ જાદુગરે ખૂબ વિરોધ કર્યો તોપણ, તેણે ‘દેવનું વચન સાંભળવાની ખૂબ ઇચ્છા બતાવી.’ પરિણામે, હાકેમે “પ્રભુ વિષેના બોધથી વિસ્મય પામીને વિશ્વાસ કર્યો.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૬-૧૨.

સાઇપ્રસની બધી જગ્યાઓમાં પ્રચાર કરીને મિશનરિઓ એશિયા માઈનોર ગયા. પ્રથમ મિશનરિ મુસાફરીથી પાઊલે સત્ય ફેલાવવામાં ખૂબ મોટો ભાગ ભજવ્યો. સેન્ટ પાઊલ્સ જર્નીઝ ઈન ધ ગ્રીક ઓરીયન્ટ કહે છે કે ‘ખ્રિસ્તી ધર્મ ફેલાવવાનું મિશનરિ કામ ખરેખર પાઊલે શરૂ કર્યું. પ્રથમ સાઇપ્રસ જવાનો તેણે લીધેલો નિર્ણય સૌથી સારો હતો કેમ કે એ સીરિયા, એશિયા માઈનોર અને ગ્રીસ વચ્ચે આવતું હતું.’ આજે વીસ સદીઓ પછી પણ, એ પ્રચાર અને મિશનરિ કામ હજી ચાલુ રહ્યું છે. આજે આપણે ખરેખર કહી શકીએ કે રાજ્યની ખુશખબરી “પૃથ્વીના છેડા સુધી” પહોંચી ગઈ છે!—પ્રેરિતોનાં કૃત્યો ૧:૮.

[પાન ૨૦ પર નકશો]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

સાઇપ્રસ

નિકોસિયા (લડરા)

પાફોસ

કુરીયોન

અમાથસ

લારનાકા

સલામીસ

કાઇરીના પર્વતો

મિસોરાઈયા મેદાન

ટ્રોડોસ પર્વતો

[પાન ૨૧ પર ચિત્ર]

પાઊલ પાફોસમાં હતા ત્યારે તેમણે યહોવાહની શક્તિથી એલીમાસ જાદુગરને અંધ કરી નાખ્યો હતો