સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કાપાદોકીઆમાં અજાયબ ઘરોનો દેશ

કાપાદોકીઆમાં અજાયબ ઘરોનો દેશ

કાપાદોકીઆમાં અજાયબ ઘરોનો દેશ

પ્રેષિત પીતરે કાપાદોકીઆ વિષે કહ્યું હતું. તેમણે બીજા લોકોની સાથે ‘કાપાદોકીઆમાં વેરવિખેર થઈ પરદેશી તરીકે રહેનારાને’ પણ સંબોધીને પહેલો પત્ર લખ્યો હતો. (૧ પીતર ૧:૨) કાપાદોકીઆ કેવો દેશ હતો? શા માટે ત્યાંના લોકો પથ્થરોમાં ઘર બનાવીને રહેતા હતા? તેઓ કઈ રીતે ખ્રિસ્તી ધર્મમાં આવ્યા?

બ્રિટિશ પ્રવાસી વીલ્યમ એફ. એન્સવર્થ ૧૮૪૦માં કાપાદોકીઆ ફરવા ગયા હતા. તેમણે કહ્યું: “અચાનક અમે શંકુ જેવા મોટા મોટા પથ્થરો અને થાંભલાના જંગલમાં આવી ગયા.” આજે પણ તુર્કીના આ અજાયબ પ્રદેશને જોઈને પ્રવાસીઓને ખૂબ નવાઈ લાગે છે. કાપાદોકીઆની ખીણો વચ્ચે આવેલા આ પથ્થરો “મૂર્તિઓ” જેવા લાગે છે. અમુક તો ૩૦ મીટરથી પણ ઊંચા મોટી મોટી ચીમનીઓ જેવા લાગે છે. તો બીજા પથ્થર આઇસક્રીમના કોન કે બિલાડીના ટોપ જેવા આકારના છે.

આ પથ્થરના પૂતળાઓ સવાર, બપોર અને સાંજ થાય તેમ પોતાનો રંગ પણ બદલે છે! કઈ રીતે? સવારે સૂર્ય ઊગે ત્યારે એ આછા આછા ગુલાબી રંગના દેખાય છે. બપોર સુધીમાં એનો રંગ આછા પીળા રંગનો થઈ જાય છે. સૂર્ય આથમતા એ સોનેરી રંગથી ચમકી ઊઠે છે. આ “શંકુ જેવા પથ્થરો અને થાંભલા કઈ રીતે બન્યા? શા માટે એ પ્રદેશના લોકોએ એમાં ઘરો બનાવ્યાં?

ભારે પવન અને પાણીની કરામત

કાપાદોકીઆ અન્ટોલીઅન દ્વીપકલ્પની વચ્ચે આવેલું છે. એ જાણે એશિયા અને યુરોપ વચ્ચે એક પુલ છે. આ પ્રદેશની જમીન પહેલાં મેદાન જેવી હતી, પણ બે જ્વાળામુખીને લીધે એ પહાડ જેવી બની ગઈ. હજારો વર્ષ પહેલાં ત્યાં મોટા મોટા જ્વાળામુખી ફાટી નીકળ્યા હોવાથી બે પ્રકારના ખડકો અસ્તિત્વમાં આવ્યા. એક તો કાળા કઠણ પથ્થરના અને બીજો નરમ સફેદ પથ્થરના. આ સફેદ ખડક જ્વાળામુખીની રાખમાંથી બનેલો છે.

સમય જતા નદીઓ, વરસાદ અને ભારે પવનની થાપટોને લીધે આ સફેદ ખડકોમાંથી ખીણો બનવા લાગી. પછી આ ખીણોને છેડે આવેલી ભેખડોમાંથી શંકુ જેવી નાની નાની ટેકરીઓ અસ્તિત્વમાં આવી. આજે આખી પૃથ્વી પર કુદરતની આવી અજાયબ શિલ્પકલા બીજે ક્યાંય જોવા મળતી નથી. અરે, અમુક ટેકરીઓ તો મધપૂડા જેવી લાગે છે! પછી ત્યાંના લોકોએ આ નરમ ખડકોમાં ગુફા કોતરીને પોતાનાં ઘરો બનાવ્યાં. તેઓનું કુટુંબ વધતું તેમ તેઓ એમાં વધારે રૂમો બનાવતા. આ ખડકોની ગુફામાં ઘરો બનાવીને રહેવાથી તેઓને ઉનાળામાં ઠંડક અને શિયાળામાં ગરમાવો મળતો.

બે દેશો વચ્ચે એક જંક્શન

કાપાદોકીઆમાંથી પસાર થતો ૬,૫૦૦ કિલોમીટર લાંબો સીલ્ક રોડ, ચીન સુધી લઈ જતો. એ જમાનામાં આ માર્ગ પર ચીન સાથે રોમન સામ્રાજ્યનો ધમધોકાર વેપાર ચાલતો. આમ, કાપાદોકીઆ જાણે બે દેશો વચ્ચે જંક્શન બની ગયું હતું. વધુમાં ઇરાની, ગ્રીક અને રોમી સૈનિકો પણ આ માર્ગથી પસાર થતા હતા. આ મુસાફરોએ કાપાદોકીઆમાં નવા નવા ધાર્મિક વિચારો પણ ફેલાવ્યા.

લગભગ ૨,૨૦૦ વર્ષ પહેલાં યહુદીઓ કાપાદોકીઆમાં રહેવા ગયા હતા. આ પ્રદેશના યહુદીઓ યરૂશાલેમમાં ૩૩ની સાલમાં હાજર હતા. તેઓ પાસ્ખાપર્વનો તહેવાર ઊજવવા માટે ત્યાં ગયા હતા. તેથી પ્રેષિત પીતર પર પવિત્ર આત્મા આવ્યા પછી તેમણે કાપાદોકીઆના આ યહુદીઓને પ્રચાર કર્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૯) અમુક લોકોએ તેમના સંદેશ પર વિશ્વાસ કર્યો અને તેઓ પોતાના ઘરે પાછા ફર્યા ત્યારે પણ એ વિશ્વાસને વળગી રહ્યા. એટલે પીતરે પોતાના પહેલા પત્રમાં કાપાદોકીઆના ખ્રિસ્તીઓને સંબોધીને લખ્યું.

સમય જતાં, કાપાદોકીઆના ખ્રિસ્તીઓ જૂઠી ફિલસૂફીમાં ફસાવા લાગ્યા. કાપાદોકીઆ ચર્ચના મુખ્ય ત્રણ આગેવાનોએ ચોથી સદીમાં ત્રૈક્યના સિદ્ધાંતને સાથ આપ્યો હતો. એ ત્રણ આગેવાનો ગ્રેગરી નાઝીઆનઝુસ, બેસિલ ધ ગ્રેટ અને તેનો ભાઈ ગ્રેગરી નાઈસા હતા.

બેસિલ ધ ગ્રેટે લોકોને સાધુ જેવું જીવન જીવવા માટે ઉત્તેજન આપ્યું. એ ભલામણ કાપાદોકીઅનોને ગળે ઊતરી ગઈ, કેમ કે આમ પણ તેઓ પથ્થરોની ગુફામાં રહેતા હોવાથી સાધુની માફક જ જીવતા હતા. સમય જતા વધુને વધુ લોકો સાધુની જેમ જીવવા લાગ્યા. એટલે શંકુ જેવી મોટી મોટી ગુફાઓમાં ઘણા ચર્ચ બાંધવામાં આવ્યા. તેરમી સદી સુધીમાં તો પથ્થરો કોતરીને એવા લગભગ ૩૦૦ ચર્ચ બનાવવામાં આવ્યાં હતાં. એમાંના ઘણા આજે પણ જોવા મળે છે.

જોકે આજે એ ચર્ચો ખાલી છે. પણ લોકો હજી સાધુ જીવન જીવે છે. ઘણી ગુફાઓમાં હજુ પણ લોકો રહે છે. જો તમે કાપાદોકીઆ જશો, તો તમે એ જોઈને માની જ નહિ શકો કે હજારો વર્ષોથી ત્યાંના લોકો એ ગુફામાં રહે છે.

[પાન ૨૪, ૨૫ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

કાપાદોકીઆ

ચીન (કાથે)