સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘દરેક સમજુ માણસ બુદ્ધિથી કામ કરે છે’

‘દરેક સમજુ માણસ બુદ્ધિથી કામ કરે છે’

‘દરેક સમજુ માણસ બુદ્ધિથી કામ કરે છે’

બાઇબલ ઈશ્વર યહોવાહ પાસેથી આવે છે. એમાં ઈશ્વરની સલાહ છે. એ ‘ચોખ્ખા સોના કરતાં પણ’ ઉત્તમ છે. (ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૦) તે “મોતના ફાંદાઓમાંથી છૂટી જવાને માટે, જ્ઞાનીનું [યહોવાહનું] શિક્ષણ જીવનનો ઝરો છે.” (નીતિવચનો ૧૩:૧૪) બાઇબલની સલાહ પાળવાથી આપણું જીવન સુધરે છે. એનાથી શેતાનની ચાલાકીથી ચેતી જઈને, આપણે દૂર રહીએ છીએ. ચાલો આપણે બધા બાઇબલમાંથી ઈશ્વરનું માર્ગદર્શન મેળવીને જીવનમાં ઉતારીએ.

ઈશ્વર પ્રેરણાથી રાજા સુલેમાને નીતિવચનો ૧૩:૧૫-૨૫માં સરસ સલાહ આપી છે. એ સલાહ દિલમાં ઉતારવાથી આપણે સમજુ બનીશું. સાથે સાથે હંમેશ માટે સુખી જીવન જીવી શકીશું. * સુલેમાને બતાવ્યું કે યહોવાહની સલાહ માનવાથી તેમને આનંદ થાય છે. આપણે બીજાઓના પણ વહાલા દોસ્ત બનીશું. પ્રચાર કાર્યમાં પણ દિવસે દિવસે આપણો ઉત્સાહ વધતો જશે. યહોવાહ સુધારો કરવા ઠપકો આપે ત્યારે, આપણને એનાથી માઠું લાગશે નહિ. ઈશ્વર ચાહે છે કે આપણે પોતાનાં બાળકોને પ્રેમથી સત્ય શીખવીએ, જેનાથી તેઓને અજોડ વારસો મળશે.

સારી સમજણથી આશીર્વાદ મળે છે

સુલેમાન કહે છે: “સમજુ માણસ પ્રશંસા પામે છે; પણ દગાબાજનો માર્ગ ખાડાટેકરાથી ભરપૂર હોય છે.” (નીતિવચનો ૧૩:૧૫, IBSI) એક પુસ્તક ‘સમજુ’ માટેના મૂળ હેબ્રી શબ્દનો આ રીતે અર્થ કાઢે છે: “સમજદાર,” “ચતુર અને ન્યાયી.” આપણામાં આવા ગુણો હોય તો આપણે સહેલાઈથી બીજા લોકો સાથે દોસ્તી બાંધી શકીએ.

પ્રેષિત પાઊલ અને ફિલેમોનના સંબંધનો વિચાર કરો. ફિલેમોન પાસેથી તેનો ચાકર ઓનેસીમસ ભાગી ગયો હતો. સમય જતાં તે પાઊલને મળ્યો, ખ્રિસ્તી બન્યો. પાઊલે ઓનેસીમસને સલાહ આપી કે ‘તું ફિલેમોન પાસે પાછો જા.’ ઓનેસીમસ ગયો ત્યારે, પાઊલે તેની સાથે ફિલેમોન માટે પત્ર મોકલ્યો. પાઊલે પત્રમાં અરજ કરી કે ઓનેસીમસને નોકર તરીકે નહિ, પણ ભાઈ તરીકે સ્વીકાર કરે. તેનું કોઈ લેણું હોય તો એ પણ પાઊલ ચૂકવવા તૈયાર હતા. પાઊલ હક્કથી ફિલેમોનને કહી શક્યા હોત કે, તે ઓનેસીમસને ભાઈ તરીકે સ્વીકારી લે. પણ તેમણે એમ ન કર્યું. તેમણે ફિલેમોનને આજીજી કરી કે પ્રેમથી તેને સ્વીકારી લે. પાઊલને ખાતરી હતી કે ફિલેમોન ચોક્કસ માની જશે. પાઊલની જેમ જ આપણે પણ આપણા ભાઈબહેનો સાથે સારો સ્વભાવ રાખીએ—ફિલેમોન ૮-૨૧.

બીજી બાજુ, દગાબાજ લોકોનો માર્ગ ‘ખાડા-ટેકરાથી’ ભરપૂર છે. કયા અર્થમાં? એક પંડિતે કહ્યું: “અહીં હેબ્રુમાં જે શબ્દ વાપરવામાં આવ્યો છે એનો અર્થ ‘કઠોર થાય છે.’ એ લોકોના કઠોર સ્વભાવને લાગુ પડે છે. તેઓ ખરાબ કામ કરવા તૈયાર જ હોય છે. તેઓ પર સારી સલાહની કોઈ અસર થતી નથી. તે વિનાશને માર્ગે જાય છે.”

સુલેમાન આગળ કહે છે: “ડાહ્યો માણસ બુદ્ધિથી કામ કરે છે; પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ ફેલાવે છે.” (નીતિવચનો ૧૩:૧૬) ડાહ્યો માણસ કોને કહેવાય? જે સમજી વિચારીને ઈશ્વરને માર્ગે ચાલે તેને. તે સમજુ લોકો સાથે સંગત રાખે છે, જેઓ કંઈ પણ કરતા પહેલાં વિચારતા હોય છે. ડાહ્યા માણસનું અપમાન કરવામાં આવે કે તેના વિષે ગમે એવું બોલવામાં આવે તોપણ, તે ખિજાઈ જતો નથી. તે પોતાની જીભ પર કાબૂ રાખે છે. તે પવિત્ર આત્માનાં ફળો કેળવવા માટે પ્રાર્થનામાં યહોવાહની મદદ માંગે છે. (ગલાતી ૫:૨૨, ૨૩) સમજુ લોકો જલદીથી બીજાની વાતોમાં ભોળવાઈ જતા નથી. તેઓ ઝગડા કરનાર લોકોથી દૂર રહે છે. તેઓ શાંત મન અને દિલના હોય છે.

સમજુ વ્યક્તિ જાણે છે કે વગર વિચાર્યે નિર્ણય લેવો એ મૂર્ખતા છે. તે લોકો સાથે હામાં હા નહિ કરે. પણ કોઈ નિર્ણય લેતા પહેલાં પોતે બધી બાબતોની તપાસ કરશે. એટલું જ નહિ પણ બાઇબલ શું કહે છે એ પણ તપાસશે. પછી એ પ્રમાણે નિર્ણય લેશે. એમ કરવાથી વ્યક્તિ ઈશ્વરના આશીર્વાદ પામશે.—નીતિવચનો ૩:૫, ૬.

“વિશ્વાસુ એલચી આરોગ્યરૂપ છે”

યહોવાહે તેમના સેવકોને પ્રચારનું કામ સોંપ્યું છે. નીતિવચનો ૧૩:૧૭ની સલાહ આપણને આ કાર્ય પૂરું કરવા મદદ કરશે: “દુષ્ટ ખેપિયો હાનિમાં પડે છે; પણ વિશ્વાસુ એલચી આરોગ્યરૂપ છે.”નીતિવચનો ૧૩:૧૭.

એનો અર્થ શું થાય? એ બતાવે છે કે સંદેશો આપનારે ઈશ્વરને વફાદાર રહેવું જોઈએ. પણ જો તે વફાદાર ન રહે તો શું? ચોક્કસ તેણે એનું પરિણામ ભોગવવું પડશે. પ્રબોધક એલીશાના ચાકર ગેહઝીનો વિચાર કરો. તેણે લોભને કારણે સીરિયાના સેનાપતિ નાઅમાનને જૂઠો સંદેશો આપ્યો. તેથી નાઅમાનનો કોઢ ગેહઝીને લાગ્યો. (૨ રાજાઓ ૫:૨૦-૨૭) જો સંદેશો આપનાર સંદેશો આપવાનું બંધ કરી દે તો શું? બાઇબલ જણાવે છે: “દુષ્ટ માણસને તેના દુરાચરણથી ફરવાની ચેતવણી આપવાને કંઈ બોલે નહિ; તો તે દુષ્ટ તો પોતાના પાપને લીધે માર્યો જશે, પરંતુ તેના રક્તનો બદલો હું તારી પાસેથી લઈશ.”—હઝકીએલ ૩૩:૮.

યહોવાહે આપણને જે સંદેશો આપ્યો છે એ જ જણાવવો જોઈએ. આ રીતે આપણે યહોવાહને વફાદાર રહીશું. એમ કરવાથી આપણું અને સાંભળનારનું ભલું થશે. એના વિષે પાઊલે તીમોથીને સલાહ આપી: “તારે પોતાને વિષે તથા તારા ઉપદેશ વિષે સાવધ રહેજે. આ બાબતોમાં ચુસ્ત રહેજે, કેમકે આ પ્રમાણે કરવાથી તું પોતાને તેમજ તારાં સાંભળનારાંઓને પણ તારીશ.” (૧ તીમોથી ૪:૧૬) હવે વિચાર કરો કે આપણે જ્યારે લોકોને યહોવાહના રાજ્ય વિષે જણાવીએ ત્યારે તેઓના દિલને કેવી ઠંડક થશે! એનાથી નમ્ર લોકો સત્ય જાણશે અને તેઓ ખોટાં શિક્ષણથી મુક્ત થશે. (યોહાન ૮:૩૨) લોકો સંદેશો નહિ સાંભળે તોપણ, સંદેશો આપનાર જરૂર ‘પોતાનો જીવ બચાવશે.’ (હઝકીએલ ૩૩:૯) આપણે પ્રચાર કરવાની આપણી જવાબદારીને કદી મામૂલી ગણવી ન જોઈએ. (૧ કોરીંથી ૯:૧૬) આપણે કદી પ્રચાર કરતા થાકવું ન જોઈએ. લોકો જેમ દૂધમાં પાણી ઉમેરે છે, તેમ આપણે સત્યની સાથે ક્યારેય અસત્ય જોડીશું નહિ.—૨ તીમોથી ૪:૨.

‘ઠપકો સ્વીકારનાર માન મેળવશે’

સમજુ વ્યક્તિને સલાહ આપવામાં આવે તો, શું તે ખિજવાઈ જશે? નીતિવચનો ૧૩:૧૮ કહે છે: “જે શિખામણનો ત્યાગ કરે છે તેને દરિદ્રતા તથા ફજેતી મળશે; પણ જે ઠપકાને ગણકારશે તે માન પામશે.” ખરું કે સલાહ કંઈ બધાને ગમતી નથી. એમાં પણ કોઈ આપણને ખોટી રીતે ઠપકો આપે તો શું? ભલે આપણે કંઈ ખોટું ન કર્યું હોય તોપણ, એ સલાહ પ્રેમથી સ્વીકારવી જોઈએ. કોઈ વાર આપણને એમ લાગી શકે કે મને સલાહની કોઈ જરૂર નથી. પણ એ સ્વીકારવાથી આપણને ખૂબ મદદ મળી શકે. આપણને કદીયે પસ્તાવાનો વારો નહિ આવે. એનાથી આપણું પોતાનું જ ભલું થશે.

મંડળમાં ભાઈ-બહેનો પ્રગતિ કરે ત્યારે, આપણે સાચા દિલથી તેઓના વખાણ કરવા જોઈએ. એમ તેઓને વધારે પ્રગતિ કરવા ઉત્તેજન મળશે. વખાણની સાથે આપણને કોઈ પણ સલાહ આપવામાં આવે ત્યારે એ પ્રેમથી સ્વીકારવી જોઈએ. જેમ કે પાઊલે તીમોથીના વખાણ કર્યા હતા. સાથે સાથે તીમોથીને જ્યાં સુધારો કરવાની જરૂર હતી એના વિષે પાઊલે તેને બે પત્રો લખીને ઉત્તેજન આપ્યું હતું. પાઊલે તીમોથીને દિલ ખોલીને સલાહ આપી હતી. પાઊલે કહ્યું કે, સત્યમાં અડગ રહેજે; મંડળમાં સર્વની સાથે પ્રેમથી વર્તજે; એમ કરવાથી તું સારું અંતઃકરણ રાખી શકીશ; પરમેશ્વરની દિલથી ભક્તિ કરજે; પોતાના પગ પર ઊભો રહેજે; બીજાઓને સત્ય શીખવજે; ધર્મત્યાગીનો સામનો કરવામાં હિંમત ન હારીશ; પ્રચાર કાર્યમાં થાકતો નહિ. આજે મંડળમાં યુવાનોએ પણ અનુભવી ભાઈબહેનો પાસેથી આવા ઉત્તેજન અને શિખામણની આશા રાખવી જોઈએ.

‘જ્ઞાનીની સંગતિ કર’

સુલેમાન કહે છે: “યોજનાઓને સફળતાના માર્ગ પર જોઈ આનંદ થાય છે. તેથી જ પોતાની યોજનાઓ ગેરમાર્ગે દોરાતી હોવા છતાં મૂર્ખ માણસો તેને પડતી મૂકવાની ના પાડે છે.” (નીતિવચનો ૧૩:૧૯, IBSI) આનો શું અર્થ થાય? એક પુસ્તક કહે છે: ‘જ્યારે આપણે કોઈ ધ્યેય પૂરો કરીએ અથવા પોતાની મરજી પ્રમાણે ઇચ્છા પૂરી થાય ત્યારે આપણને ઘણો આનંદ થાય છે. પણ મૂર્ખો તો ખોટાં કામો કરે તો જ તેને સંતોષ થાય છે. જો મૂર્ખો દુષ્ટ માર્ગ છોડી દે, તો તેઓનાં ખોટાં કામ અધૂરાં રહી જાય.’ પણ આપણે ખોટા માર્ગથી દૂર રહીએ એ કેટલું મહત્ત્વનું છે!

આપણે આ કહેવત સાંભળી હશે: ‘જેવો સંગ તેવો રંગ.’ એ બતાવે છે કે આપણા મિત્રોની આપણા પર ઊંડી અસર પડે છે. એનાથી આપણી પસંદગી પર અસર થશે! સુલેમાને ખરું જ કહ્યું: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” (નીતિવચનો ૧૩:૨૦) આપણે કેવું મનોરંજન જોઈએ, કેવી રીતે ઇંટરનેટ વાપરીએ, કેવાં પુસ્તકો વાંચીએ કે કેવું સંગીત સાંભળીએ, એ બધાની આપણા પર ચોક્કસ સારી અથવા ખરાબ અસર થશે. તો પછી, એ કેટલું મહત્ત્વનું છે કે આપણે યોગ્ય મિત્રોની પસંદગી કરીએ!

‘છોકરાં માટે વારસો મૂકવો’

ઈસ્રાએલના સુલેમાન રાજા કહે છે: “શાપ પાપીઓની પાછળ પડે છે, જ્યારે ન્યાયીઓ આશીર્વાદ પામે છે.” (નીતિવચનો ૧૩:૨૧, IBSI) દાઊદે લખ્યું કે ન્યાયના માર્ગ પર ચાલવાથી આશીર્વાદ મળે છે, કેમ કે યહોવાહ ન્યાયીઓની કાળજી રાખે છે. (ગીતશાસ્ત્ર ૩૭:૨૫) આપણે ભૂલવું ન જોઈએ કે દરેકના જીવનમાં ‘કોઈ પણ સમયે અણધારી આફતો આવી પડે છે.’ (સભાશિક્ષક ૯:૧૧, NW) આપણા પર અણધારી આફત આવે તો એનો સામનો કરવા આપણે અગાઉથી શું કરી શકીએ?

“સારો માણસ પોતાનાં છોકરાંનાં છોકરાંને માટે વારસો મૂકી જાય છે.” (નીતિવચનો ૧૩:૨૨) માબાપ બાળકોને કેવો વારસો આપી શકે? સૌથી મહત્ત્વનું તો પોતાનાં બાળકોને યહોવાહનું જ્ઞાન આપી શકે, જેથી તેઓ યહોવાહના પ્રિય સેવકો બની શકે. એ સિવાય પણ માબાપ પોતાનાં પરિવાર માટે ઘણું કરી શકે. જેમ કે સમજુ માબાપ બને ત્યાં સુધી પોતાના પરિવાર માટે થોડી ધનદોલત રાખી જશે. જેથી તેઓ અચાનક મૃત્યુ પામે તો, પરિવાર મુશ્કેલીમાં ન આવી પડે. ઘણા દેશોમાં માબાપ વીમો ઉતારે છે. પરિવાર માટે વીલ બનાવે છે. તેમ જ અમુક પૈસાની બચત કરી રાખે છે, જેથી કુટુંબને આવતા દિવસોમાં કોઈ તકલીફ ન પડે.

દુષ્ટ લોકોને વારસામાં શું મળશે? એના વિષે સુલેમાન રાજાએ કહ્યું: “પાપીનું ધન નેકીવાનને સારૂ ભરી મૂકવામાં આવે છે.” (નીતિવચનો ૧૩:૨૨) એનો અર્થ શું થાય? ખરું કે દુષ્ટ લોકો પલ બે પલ માટે એનો આનંદ માણે છે. પણ યહોવાહે વચન આપ્યું છે કે પૃથ્વી પર તેમનું રાજ્ય આવશે ત્યારે ન્યાયી લોકો હંમેશ માટે ખરો આનંદ માણશે! (૨ પીતર ૩:૧૩) એ સમયે યહોવાહ દુષ્ટ લોકોનો સદંતર નાશ કરશે. પછી નમ્ર લોકો પૃથ્વી પર સદાને માટે સુખ-શાંતિમાં રહેશે.—ગીતશાસ્ત્ર ૩૭:૧૧.

આજે ગરીબ વ્યક્તિ પણ સુખી બની શકે. કેવી રીતે? જો તે યહોવાહના જ્ઞાનથી વર્તે તો. નીતિવચનો ૧૩:૨૩ કહે છે: “ગરીબ માણસની જમીન ફળદ્રુપ હોવા છતાં અન્યાયને [બેપરવાઈને] કારણે તેની સંપત્તિ છીનવી લેવાય છે.” (IBSI) હા, જો વ્યક્તિ મહેનતુ હશે, તો ઈશ્વર તેને ચોક્કસ આશીર્વાદ આપશે. આમ, તે સુખી બનશે! પણ જો તે સાવ બેપરવા, પાણીની જેમ પૈસા વાપરનાર હશે તો તેની પાસે જે હશે એ પણ જશે.

‘વેળાસર શિક્ષા કરો’

આપણે દરેક અપૂર્ણ છીએ. આપણને દરેકને બાળપણથી શિસ્તની જરૂર છે. સુલેમાન રાજા કહે છે: “જે સોટી મારતો નથી, તે પોતાના દીકરાનો વૈરી છે; પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.”નીતિવચનો ૧૩:૨૪.

અહીં સોટીનો શું અર્થ થાય? નીતિવચનો ૧૩:૨૪ પ્રમાણે એમાં માબાપની સત્તાનો સમાવેશ થાય છે. એનો એવો અર્થ નથી થતો કે બાળક કંઈ પણ ભૂલ કરે એટલે તેને મારવું જ જોઈએ. અમુક બાળકને આંખ બતાવવી જ પૂરતી છે. બીજાને કદાચ ઠપકો આપવો જ પૂરતો હોય છે. અથવા એવી બીજી કોઈ યોગ્ય સજા આપવી પડે. નીતિવચનો ૧૭:૧૦ કહે છે, “મૂર્ખને સો ફટકાના કરતાં, બુદ્ધિમાનને ઠપકાનો ઘા વધારે ઊંડી અસર કરે છે.”

સમજુ માબાપ હંમેશાં પોતાના બાળકને પ્રેમથી શિખામણ આપશે. એમ કરવાથી બાળકોનું ભલું થશે. પ્રેમાળ માબાપ પોતાનાં બાળકોની ભૂલને ઢાંકી નથી દેતા. એના બદલે, તેઓ બાળકોની ખામી પર વધારે ધ્યાન આપશે. જેથી તેઓમાં ખોટી આદતો ઘર ન કરી જાય. એમ કરીને તેઓ તેને સમયસર સુધારી શકશે. પ્રેમાળ માબાપ પાઊલની આ સલાહને ચોક્કસ ધ્યાન આપશે: “પિતાઓ, તમારાં છોકરાંને ચીડવો નહિ; પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.”—એફેસી ૬:૪.

માબાપ જો પોતાનાં બાળકોને વધુ પડતી છૂટ આપી દે તો શું થશે? જો એમ કરવામાં આવે તો શું બાળકો મોટા થઈને માબાપને માન આપશે? તમને શું લાગે છે? (નીતિવચનો ૨૯:૨૧) બાઇબલ જણાવે છે: “સ્વતંત્ર મૂકેલું છોકરૂં પોતાની માને ફજેત કરે છે.” (નીતિવચનો ૨૯:૧૫) માબાપ જો પોતાની જવાબદારી ઉપાડવામાં નિષ્ફળ જાય, તો એ બતાવશે કે તેઓ બાળકોને ખરો પ્રેમ કરતા નથી. પણ પ્રેમથી બાળકોને શિક્ષા આપવાથી તમે બતાવશો કે બાળકો તમને કેટલા પ્યારા છે.

જે વ્યક્તિ યહોવાહના માર્ગમાં ચાલે છે અને સમજી વિચારીને પગલું ભરે છે, તે આશીર્વાદ પામશે. સુલેમાન એના વિષે ખાતરી આપે છે: “નેકીવાન પોતાને સંતોષ થતાં સુધી ખાય છે; પણ દુષ્ટનું પેટ ભૂખ્યું ને ભૂખ્યું રહેશે.” (નીતિવચનો ૧૩:૨૫) યહોવાહ આપણું અને આપણા કુટુંબનું દરેક રીતે ભલું ચાહે છે. પછી ભલે એ કુટુંબમાં હોય, બીજાઓ સાથેના વહેવારમાં હોય, પ્રચારમાં હોય કે પછી આપણને શિસ્ત મળે ત્યારે. જો આપણે બાઇબલની સલાહ પોતાના દિલમાં ઉતારીશું, તો આપણે ચોક્કસ જીવનમાં સુખી થઈશું!

[ફુટનોટ]

^ નીતિવચનો ૧૩:૧-૧૪ વિષે વધુ જાણવા માટે સપ્ટેમ્બર ૧૫, ૨૦૦૩ ચોકીબુરજના પાન ૨૧-૫ જુઓ.

[પાન ૨૮ પર ચિત્ર]

કોઈ ગમે તેમ બોલી જાય તોપણ, સમજુ વ્યક્તિ પોતાને કાબૂમાં રાખે છે

[પાન ૨૯ પર ચિત્ર]

યહોવાહને વફાદાર રહીને રાજ્યનો પ્રચાર કરવાથી સારાં ફળ આવે છે

[પાન ૩૦ પર ચિત્ર]

વખાણથી આપણને ઉત્તેજન મળે છે પણ તેની સાથે સલાહ સ્વીકારવી જોઈએ

[પાન ૩૧ પર ચિત્ર]

પ્રેમાળ માબાપ પોતાનાં બાળકોની ભૂલ ઢાંકતા નથી