સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

લેવીય ૨૫મા અધ્યાયમાં ઉલ્લેખેલા જુબિલી વર્ષની ગોઠવણ શાને રજૂ કરે છે?

મુસાના નિયમમાં એવી ગોઠવણ કરવામાં આવી હતી કે “સાતમે વર્ષે દેશને માટે પવિત્ર વિશ્રામનો સાબ્બાથ, એટલે યહોવાહનો સાબ્બાથ થાય.” ઈસ્રાએલીઓને એ વર્ષ સંબંધી આજ્ઞા આપવામાં આવી હતી: “તારે તારા ખેતરમાં વાવણી કરવી નહિ, ને તારી દ્રાક્ષવાડીમાં કાપકૂપ કરવી નહિ. તારી ફસલમાં જે પોતાની મેળે ઊગ્યું હોય તે તારે કાપવું નહિ, ને તારા કેળવ્યા વગરના દ્રાક્ષવેલાની દ્રાક્ષો તારે વીણી લેવી નહિ; એ વર્ષ દેશને માટે પવિત્ર વિશ્રામનું થાય.” (લેવીય ૨૫:૪, ૫) દર સાતમું વર્ષ દેશ માટે સાબ્બાથ હતું. સાત વર્ષોના સાત ચક્ર પછી, ૫૦મું વર્ષ જુબિલી વર્ષ હતું. એ વર્ષમાં શું થતું હતું?

યહોવાહે મુસા દ્વારા ઈસ્રાએલીઓને કહ્યું: “પચાસમું વર્ષ તમારે પવિત્ર પાળવું, ને આખા દેશમાં તેના સર્વ રહેવાસીઓને માટે છૂટકાનો ઢંઢેરો પિટાવવો; તે તમારે સારૂ રણશિંગડાનું એટલે જુબિલીનું વર્ષ થાય: અને તમ પ્રત્યેક માણસે પોતપોતાના વતનમાં પાછા આવવું, ને તમ પ્રત્યેક માણસે પોતપોતાના કુટુંબમાં પાછા આવવું. તે પચાસમું વર્ષ તમારે સારૂ રણશિંગડાનું થાય; તમારે વાવણી કરવી નહિ, વળી પોતાની મેળે ઊગ્યું હોય તે કાપવું નહિ, ને તારા કેળવ્યા વગરના દ્રાક્ષવેલા પરથી વીણવું નહિ.” (લેવીય ૨૫:૧૦, ૧૧) તેથી, ૪૯મું વર્ષ દેશ માટે સાબ્બાથ હતું અને પછી જુબિલીને કારણે ૫૦મું વર્ષ પણ સાબ્બાથ હતું. જુબિલીનું વર્ષ રહેવાસીઓ માટે રાહત લાવતું વર્ષ હતું. ગુલામીમાં વેચાયેલા કોઈ પણ યહુદી એ સમયે મુક્ત થતા હતા. વ્યક્તિએ સંજોગોને કારણે પોતાની વારસાની જમીન વેચી દીધી હોય તો, જુબિલીના વર્ષે તેના કુટુંબને એ પાછી આપવામાં આવતી હતી. આમ, જુબિલી ઈસ્રાએલીઓ માટે રાહત લાવતું અને ગુલામીમાંથી મુક્ત થવાનું વર્ષ હતું. પરંતુ, ખ્રિસ્તીઓ માટે એ શાને રજૂ કરે છે?

પહેલા માણસ આદમના બંડને લીધે આખી માણસજાત પાપની ગુલામીમાં આવી. પરમેશ્વરે માણસજાતને આ પાપના ફાંદામાંથી મુક્ત કરવા માટે ઈસુ ખ્રિસ્તના ખંડણી બલિદાનની ગોઠવણ કરી. * (માત્થી ૨૦:૨૮; યોહાન ૩:૧૬; ૧ યોહાન ૨:૧, ૨) ખ્રિસ્તીઓ ક્યારે પાપના બંધનમાંથી મુક્ત થાય છે? અભિષિક્ત ખ્રિસ્તીઓને પ્રેષિત પાઊલે કહ્યું: “ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.” (રૂમી ૮:૨) સ્વર્ગમાં જનારા પવિત્ર આત્માથી પસંદ થાય છે ત્યારે તેઓ મુક્ત થાય છે. તેઓ હજુ આપણા જેવા અપૂર્ણ છે છતાં, પરમેશ્વર તેઓને ન્યાયી ગણીને પોતાના દીકરાઓ ગણે છે. (રૂમી ૩:૨૪; ૮:૧૬, ૧૭) એવા ખ્રિસ્તીઓ માટે પેન્તેકોસ્ત ૩૩ની સાલથી જુબિલીની શરૂઆત થઈ.

પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા ધરાવતા “બીજાં ઘેટાં” વિષે શું? (યોહાન ૧૦:૧૬) ખ્રિસ્તનું હજાર વર્ષનું રાજ બીજાં ઘેટાં માટે રાહત અને છુટકારાનું વર્ષ થશે. એક હજાર વર્ષના જુબિલી દરમિયાન, માણસજાત માટે ઈસુ ખ્રિસ્ત પોતાના બલિદાનથી થતા લાભોને લાગુ પાડશે અને પાપની અસર પણ દૂર કરશે. (પ્રકટીકરણ ૨૧:૩, ૪) ખ્રિસ્તના હજાર વર્ષના રાજને અંતે, માણસજાત સંપૂર્ણ બનશે. આમ, તેઓ વારસામાં મળેલા પાપ અને મરણથી એકદમ મુક્ત થઈ જશે. (રૂમી ૮:૨૧) ત્યાર પછી, ખ્રિસ્તીઓ માટે જુબિલી વર્ષ પૂરું થશે.

[ફુટનોટ]

^ ઈસુને ‘બંદીવાનોને છુટકારાની ખબર પ્રસિદ્ધ કરવા સારુ’ મોકલવામાં આવ્યા હતા. (યશાયાહ ૬૧:૧-૭; લુક ૪:૧૬-૨૧) તેમણે ભક્તિને લગતી છુટકારાની જાહેરાત કરી.

[પાન ૨૬ પર ચિત્ર]

હજાર વર્ષની જુબિલી વખતે ‘બીજાં ઘેટાંને’ રાહત અને મુક્તિ મળશે