સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે ખુશીથી ઈશ્વરના નિયમો પાળો છો?

શું તમે ખુશીથી ઈશ્વરના નિયમો પાળો છો?

શું તમે ખુશીથી ઈશ્વરના નિયમો પાળો છો?

‘જે યહોવાહના નિયમશાસ્ત્રથી હર્ષ પામે છે તેને ધન્ય છે.’—ગીતશાસ્ત્ર ૧:૧, ૨.

૧. યહોવાહના સેવકો શા માટે સુખી છે?

 યહોવાહ પોતાના ભક્તોને મદદ કરે છે અને આશીર્વાદ આપે છે. ખરું કે આપણે જીવનમાં ઘણાં પરીક્ષણો સહેવા પડે છે. પણ બીજી બાજુ આપણે સાચું સુખ અનુભવીએ છીએ. એમાં કોઈ નવાઈ નથી, કેમ કે આપણે ‘સ્તુત્ય’ કે આનંદી ઈશ્વરની ભક્તિ કરીએ છીએ. તેમના પવિત્ર આત્મા કે શક્તિથી આપણે આનંદી સ્વભાવ કેળવી શકીએ છીએ. (૧ તીમોથી ૧:૧૧; ગલાતી ૫:૨૨) આપણે ક્યારે આનંદી કે સુખી બનીએ છીએ? આપણે કંઈક સારું મેળવવાની આશા રાખીએ અને એ મળે ત્યારે આપણે ખુશી થાય છે. જરા વિચારો, યહોવાહ આપણને કેવી સારી સારી ભેટો આપે છે. (યાકૂબ ૧:૧૭) આ કારણથી આપણે કેટલા ખુશ અને સુખી છીએ!

૨. આપણે કયાં બે ગીતોની ચર્ચા કરીશું?

ગીતશાસ્ત્રનું પુસ્તક ખાસ કરીને સુખ પર ભાર મૂકે છે. એના પહેલા અને બીજા ગીતનો જ વિચાર કરો. ઈસુના શિષ્યોએ જણાવ્યું તેમ, બીજું ગીત દાઊદ રાજાએ રચ્યું હતું. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૫, ૨૬) ગીતશાસ્ત્રનું પહેલું ગીત કોણે રચ્યું એ આપણે જાણતા નથી. પણ એની શરૂઆત આ કડીથી થાય છે: ‘જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, તેને ધન્ય છે!’ (ગીતશાસ્ત્ર ૧:૧) આ મૅગેઝિનના બંન્‍ને અભ્યાસ લેખો ગીતશાસ્ત્રના પહેલા અને બીજા ગીતની ચર્ચા કરશે. ચાલો એને ધ્યાન આપીએ, કેમ કે એ આપણને સુખી બનવા મદદ કરશે.

સુખનું રહસ્ય

૩. ગીતશાસ્ત્ર ૧:૧ પ્રમાણે ધાર્મિક વ્યક્તિના સુખ પાછળ કયાં કારણો છે?

પહેલું ગીત બતાવે છે કે પરમેશ્વરના નિયમો પાળતી વ્યક્તિ શા માટે સુખી હોય છે. સુખી થવાનાં અમુક કારણો આપતા ગીતકર્તા લખે છે: “જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે!”—ગીતશાસ્ત્ર ૧:૧.

૪. ઝખાર્યાહ અને એલીઝાબેથે આપણા માટે કેવો દાખલો બેસાડ્યો?

આપણે પણ સુખી થવું હોય તો, યહોવાહ ઇચ્છે એ પ્રમાણે ચાલવું જોઈએ. ઝખાર્યાહ અને એલીઝાબેથનો વિચાર કરો. તેઓ યહોવાહ “સમક્ષ ન્યાયી હતાં, ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે જીવન જીવતાં હતાં.” યહોવાહે તેઓને દીકરો આપ્યો. યોહાન બાપ્તિસ્મકના માબાપ બનવાથી તેઓને કેટલી ખુશી થઈ હશે! (લુક ૧:૫, ૬, IBSI) જો આપણે તેઓની જેમ નિર્દોષ જીવન જીવીશું અને મક્કમ થઈને ‘દુષ્ટની સલાહને’ કાન નહિ ધરીએ તો, આપણે પણ સુખી થઈશું.

૫. ‘પાપીઓના માર્ગથી’ દૂર રહેવા આપણને શું મદદ કરશે?

આપણે દુષ્ટોના વિચારોને મનમાં પણ ન લાવીએ. એમ કરીને આપણે ‘પાપીઓના માર્ગમાં ઊભા રહીશું નહીં.’ એટલે, આપણે એવી કોઈ પણ જગ્યાએ નહીં જઈએ જ્યાં તેઓ હોય છે, જેમ કે અનૈતિક મનોરંજન કે ખરાબ કામો માટે જાણીતી જગ્યા. જો આપણે પાપી જોડે અનૈતિક કામમાં જોડાવા કે બાઇબલ મના કરતું હોય એવું કંઈક કરવા લલચાયા હોય તો શું? એ સમયે આપણે પ્રેષિત પાઊલની આ સલાહ યાદ રાખીએ અને એના સુમેળમાં પરમેશ્વરને મદદ માટે પ્રાર્થના કરીએ: “અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો: કેમકે ન્યાયીપણાની અન્યાયીપણાની સાથે સોબત કેમ હોય? અજવાળાને અંધકારની જોડે શી સંગત હોય?” (૨ કોરીંથી ૬:૧૪) આપણે પરમેશ્વર પર શ્રદ્ધા રાખીશું અને ‘મનમાં શુદ્ધ’ હોઈશું તો, પાપીઓ જેવું જીવન જીવીશું નહિ. એનાથી આપણું અંતઃકરણ શુદ્ધ રહેશે અને આપણને ‘ઢોંગ વગરનો વિશ્વાસ’ હશે.—માત્થી ૫:૮; ૧ તીમોથી ૧:૫.

૬. શા માટે આપણે નિંદાખોરોથી સાવધ રહેવું જોઈએ?

યહોવાહને ખુશ કરવા આપણે ‘નિંદાખોરોની સાથે બેસવું પણ ન જોઈએ.’ આજે ઘણા લોકો પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે ચાલનારની હાંસી ઉડાવતા હોય છે. આ “છેલ્લા સમયમાં” ખાસ કરીને યહોવાહને બેવફા બનેલા ખ્રિસ્તીઓ તેમના સિદ્ધાંતો અને નિયમોને સખત ધિક્કારે છે. પ્રેષિત પીતરે સાથી ખ્રિસ્તીઓને ચેતવણી આપી: ‘વહાલાઓ, પ્રથમ તો આ વાત જાણો કે છેલ્લા સમયમાં ઠઠ્ઠા કરનારા આવશે, જેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે, અને કહેશે, કે તેના આગમનના વચનનું શું થયું છે? કેમકે પૂર્વજો ઊંઘી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં સઘળું જેવું હતું તેવું જ રહે છે.’ (૨ પીતર ૩:૧-૪) આપણે ક્યારેય આવા ‘નિંદાખોરો સાથે બેસીશું નહીં.’ એમ કરીને આપણે આવનાર આફતને ટાળી શકીશું.—નીતિવચનો ૧:૨૨-૨૭.

૭. શા માટે આપણે ગીતશાસ્ત્ર ૧:૧ની સલાહને હૃદયમાં ઉતારવી જોઈએ?

આપણે શાસ્ત્રવચનોનો અભ્યાસ કરીને ઈશ્વરનું જ્ઞાન મેળવ્યું છે. જો આપણે ગીતશાસ્ત્ર ૧ની પહેલી કડીને હૃદયમાં નહિ ઉતારીએ, તો આપણું જ્ઞાન કંઈ કામનું નહિ રહે. કદાચ આપણે જીવનમાં વધારે મુશ્કેલીઓમાં ફસાઈ શકીએ. દુષ્ટની સલાહને માનવાથી સૌથી પહેલા તો આપણને ઈશ્વરના જ્ઞાનની કોઈ કદર નહિ રહે. પછી આપણે ધીમે ધીમે દુષ્ટની વધારે સોબત કરવા લાગીશું. સમય જતાં આપણે યહોવાહના જ વિરોધી બનીશું, તેમના સાક્ષીઓની જ ટીકા કરવા લાગીશું. દુષ્ટો સાથે સોબત કરવાથી આપણે પણ તેઓ જેવા જ બની જઈશું. પરિણામે યહોવાહ સાથેનો આપણો સંબંધ તૂટી જઈ શકે. (૧ કોરીંથી ૧૫:૩૩; યાકૂબ ૪:૪) ચાલો આપણે ધ્યાન રાખીએ કે આપણામાંનું કોઈ એવું ન બને!

૮. પરમેશ્વરની ભક્તિમાં લાગુ રહેવા આપણને શું મદદ કરશે?

પ્રાર્થના આપણને પરમેશ્વરની ભક્તિમાં લાગુ રહેવા અને દુષ્ટોની સોબતથી દૂર રહેવા મદદ કરે છે. પાઊલે લખ્યું: “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.” અહીંયા પાઊલ એવી વાતો પર વિચાર કરવાનું ઉત્તેજન આપે છે, જે સત્ય, સન્માનપાત્ર, ન્યાયી, શુદ્ધ, પ્રેમપાત્ર, સુકીર્તિમાન, સદ્‍ગુણ અને પ્રશંસા પાત્ર હોય. (ફિલિપી ૪:૬-૮) તો ચાલો આપણે પાઊલની સલાહ પ્રમાણે ચાલીએ અને દુષ્ટોની સોબતમાં ન આવીએ.

૯. આપણે દુષ્ટોનાં કામોથી દૂર રહીને પણ કઈ રીતે સર્વ પ્રકારના લોકોને મદદ કરીએ છીએ?

ખરું કે આપણે દુષ્ટોની સોબતથી કે તેઓનાં કામોથી દૂર રહીએ છીએ. પણ આપણે તેઓને સાક્ષી આપવાથી પાછા પડતા નથી. જેમ પ્રેષિત પાઊલે રૂમી ગવર્નર ફેલીક્સને “સંયમ તથા આવનાર ન્યાયકાળ વિષે” કહ્યું તેમ, આપણે પણ બધાને સમજી વિચારીને સાક્ષી આપીએ છીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૨૪, ૨૫; કોલોસી ૪:૬) આપણે સર્વ પ્રકારના લોકોને રાજ્યનો પ્રચાર કરીએ છીએ અને તેઓ સાથે પ્યાર અને માનથી વર્તીએ છીએ. આપણને પૂરી ખાતરી છે કે જેઓને સત્યની પ્યાસ છે, તેઓ જરૂર યહોવાહના સેવક બનશે અને ખુશી ખુશી તેમના નિયમો પાળશે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮.

તે યહોવાહના નિયમમાં આનંદ માણે છે

૧૦. આપણે પોતે બાઇબલનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે શું કરવાથી આપણાં મન અને હૃદય પર ઊંડી અસર પડશે?

૧૦ સુખી માણસ વિષે ગીતકર્તા આગળ કહે છે: “યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે; અને રાતદિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે.” (ગીતશાસ્ત્ર ૧:૨) યહોવાહના સેવક તરીકે આપણે ‘તેમના નિયમમાં આનંદ માણીએ છીએ.’ આપણે જાતે બાઇબલનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે, એને મોટેથી વાંચી શકીએ. પછી એના પર મનન કરી શકીએ. એમ કરવાથી આપણે જે કંઈ વાંચ્યું હશે, એની આપણાં મન અને હૃદય પર ઊંડી અસર પડશે અને આપણે એને યાદ રાખી શકીશું.

૧૧. શા માટે આપણે “રાતદિવસ” બાઇબલ વાંચવું જોઈએ?

૧૧ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” આપણને રોજ બાઇબલ વાંચવા ઉત્તેજન આપે છે. (માત્થી ૨૪:૪૫) યહોવાહ માણસજાત માટે શું કરવાના છે એ સારી રીતે જાણવા માટે જરૂરી છે કે આપણે “રાતદિવસ” બાઇબલ વાંચીએ. તેમ જ, અમુક કારણોસર આપણને ઊંઘ ન આવે ત્યારે પણ આપણે બાઇબલ વાંચવું જોઈએ. પીતર આપણને વિનંતી કરે છે: ‘નવાં જન્મેલાં બાળકોની પેઠે નિષ્કપટ આત્મિક દૂધની ઇચ્છા રાખો જેથી તમે તારણ મેળવતાં સુધી વધો.’ (૧ પીતર ૨:૧-૩) શું તમને રોજ બાઇબલ વાંચવામાં, પરમેશ્વરનાં વચનો અને હેતુઓ પર મનન કરવામાં આનંદ થાય છે? ગીતકર્તાને એમાં ખૂબ આનંદ મળતો હતો.—ગીતશાસ્ત્ર ૬૩:૬.

૧૨. જો આપણે દિલથી યહોવાહના નિયમો પ્રમાણે ચાલતા હોઈશું તો શું કરીશું?

૧૨ આપણે હૃદયથી પરમેશ્વરના નિયમો પ્રમાણે ચાલીશું તો હંમેશ માટે સુખી થઈશું. પરમેશ્વરના નિયમો સંપૂર્ણ અને ન્યાયી છે અને એને પાળવાથી ખૂબ આશીર્વાદ મળે છે. (ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧) યાકૂબે લખ્યું: ‘જે કોઈ માનવી સ્વતંત્ર કરનાર સંપૂર્ણ નિયમમાં પોતાને ધ્યાનથી નિહાળે છે અને તેના પ્રત્યે સતત ધ્યાન આપે છે તથા સાંભળીને ભૂલી નહિ જતાં તેના જીવનમાં અમલ કરે છે તેવી વ્યક્તિને તેના સર્વ કાર્યમાં ઈશ્વર આશિષ આપશે.’ (યાકોબ ૧:૨૫, પ્રેમસંદેશ) જો આપણે દિલથી યહોવાહના નિયમો પાળતા હોઈશું, તો રોજ ઈશ્વર વિષે શીખતા રહીશું અને તેમની ભક્તિમાં લાગુ રહીશું. આપણે ‘ઈશ્વરના ઊંડા વિચારો શોધવા’ પ્રેરાઈશું અને જીવનમાં તેમના રાજ્યને પહેલું રાખીશું.—૧ કોરીંથી ૨:૧૦-૧૩; માત્થી ૬:૩૩.

તે ઝાડ જેવો થશે

૧૩ ન્યાયી વ્યક્તિ વિષે ગીતકર્તા આગળ કહે છે: “તે નદીની પાસે રોપાએલા ઝાડના જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેનાં પાંદડાં કદી પણ ચીમળાતાં નથી; વળી જે કંઇ તે કરે છે તે સફળ થાય છે.” (ગીતશાસ્ત્ર ૧:૩) બીજા બધા અપૂર્ણ મનુષ્યોની જેમ યહોવાહના સેવકો પણ મુશ્કેલીઓનો અનુભવ કરે છે. (અયૂબ ૧૪:૧) આપણા વિશ્વાસને કારણે આપણને ઘણી સતાવણી અને પરીક્ષણો સહેવા પડતા હશે. (માત્થી ૫:૧૦-૧૨) પરંતુ જેમ એક હર્યું-ભર્યું ઝાડ ભારે તોફાન સામે ટક્કર ઝીલીને મજબૂત ઊભું રહે છે તેમ, આપણે પણ પરમેશ્વરની મદદથી ગમે એવા પરીક્ષણોને સહી શકીએ છીએ.

૧૪ જે વૃક્ષને સતત પાણી મળતું હોય એ ભર ઉનાળામાં કે દુકાળમાં પણ સૂકાઈ જતું નથી. એ જ રીતે આપણે પરમેશ્વરનો ડર રાખીને ચાલતા હોવાથી યહોવાહ આપણને ટકાવી રાખવા સતત શક્તિ આપે છે. પાઊલે પણ મદદ માટે હંમેશાં પરમેશ્વર પર મીટ માંડી. એટલે જ તે કહી શક્યા: “જે મને સામર્થ્ય આપે છે તેની [યહોવાહની] સહાયથી હું બધું કરી શકું છું.” (ફિલિપી ૪:૧૩) જો આપણે યહોવાહની પવિત્ર શક્તિની મદદથી તેમનું જ્ઞાન અને માર્ગદર્શન લઈશું, તો આપણે ક્યારેય સત્યમાં ઠંડા નહિ પડીએ. પણ આપણે પરમેશ્વરની સેવામાં ફળદાયી હોઈશું અને બીજાઓ આપણામાં પવિત્ર આત્માનાં ફળો જોઈ શકશે.—યિર્મેયાહ ૧૭:૭, ૮; ગલાતી ૫:૨૨, ૨૩.

૧૫ ગીતશાસ્ત્ર ૧:૩માં ગીતકર્તા ઝાડ અને મનુષ્યોની સરખામણી કરે છે. બંનેની પોતાની અલગ ખાસિયતો છે અને તેઓમાં આભ-જમીનનો ફરક છે. તેમ છતાં, ગીતકર્તા તેઓની સરસ સરખામણી કરે છે. તેમણે જોયું હશે કે નદી કિનારે સતત પાણી મળતું રહેતું હોવાથી ઝાડ કેવું હર્યું-ભર્યું રહે છે. એનાથી, ગીતકર્તા લખવા પ્રેરાયા હશે કે ‘યહોવાહના નિયમમાં હર્ષ પામે છે’ તેઓ ઈશ્વરની ભક્તિમાં હર્યા-ભર્યા ઝાડ જેવા છે. જો આપણે પરમેશ્વરના નિયમો પ્રમાણે દિલથી ચાલતા હોઈશું, તો આપણું આયુષ્ય પણ ઝાડ જેવું લાંબું થશે. અરે, આપણે હંમેશ માટે જીવી શકીશું.—યોહાન ૧૭:૩.

૧૬. કયા અર્થમાં આપણે ‘જે કંઈ કરીએ એમાં સફળ થઈએ છીએ’?

૧૬ આપણે સચ્ચાઈને માર્ગે ચાલીશું તો, યહોવાહ આપણને મુશ્કેલીઓ અને કસોટીઓ સહેવા મદદ કરશે. આપણે પરમેશ્વરની ભક્તિમાં આનંદ માણીશું અને બીજાઓને પણ સત્યમાં લાવીશું. (માત્થી ૧૩:૨૩; લુક ૮:૧૫) આપણો મુખ્ય હેતુ યહોવાહની ઇચ્છા પૂરી કરવાનો હશે તો, આપણે જે કંઈ કરીશું એમાં ‘સફળ થઈશું.’ યહોવાહના હેતુઓ પૂરા થઈને જ રહેશે એમાં કોઈ શંકા નથી. આપણે ખુશીથી તેમની આજ્ઞાઓ પાળીએ છીએ ત્યારે, તેમના જ્ઞાનમાં વધીએ છીએ. યહોવાહ પણ આપણા પર ખૂબ આશીર્વાદ વરસાવે છે. (ઉત્પત્તિ ૩૯:૨૩; યહોશુઆ ૧:૭, ૮; યશાયાહ ૫૫:૧૧) તેમ જ, આપણા પર સંકટો આવી પડે ત્યારે પણ યહોવાહ આપણને નિભાવી રાખશે.—ગીતશાસ્ત્ર ૧૧૨:૧-૩; ૩ યોહાન ૨.

દુષ્ટો આબાદ લાગતા હોય શકે

૧૭, ૧૮. (ક) ગીતકર્તાએ દુષ્ટોને કોની સાથે સરખાવ્યા? (ખ) દુષ્ટો પૈસે-ટકે સુખી હોય તોપણ શા માટે તેઓનું સુખ લાંબું ટકવાનું નથી?

૧૭ આપણે જોયું કે દુષ્ટો ન્યાયીઓ કરતાં કેવા અલગ તરી આવે છે! અમુક સમયે દુષ્ટો આબાદ કે એશઆરામમાં રહેતા લાગી શકે. પણ તેઓ ઈશ્વરના જ્ઞાનમાં અને ભક્તિમાં સાવ કંગાળ છે. એ ગીતકર્તાના શબ્દોમાં સાફ દેખાઈ આવે છે: “દુષ્ટો એવા નથી; પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે. ન્યાયાસન આગળ દુષ્ટો ટકશે નહિ, અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.” (ગીતશાસ્ત્ર ૧:૪, ૫) ગીતકર્તા શું કહે છે એના પર ફરીથી ધ્યાન આપો: “દુષ્ટો એવા નથી.” તે અહીંયા એમ કહે છે કે દુષ્ટો પરમેશ્વરના લોકો જેવા નથી. પરમેશ્વરનો ડર રાખીને ચાલનારા લોકો તો હર્યાભર્યા ઝાડ જેવા છે, જે પુષ્કળ ફળ આપે છે અને લાંબું જીવે છે.

૧૮ દુષ્ટો આપણને પૈસે-ટકે સુખી લાગતા હોય શકે. પણ પૈસો તો આજે છે ને કાલે નથી. (ગીતશાસ્ત્ર ૩૭:૧૬; ૭૩:૩, ૧૨) તેઓ ઈસુએ ઉદાહરણમાં જણાવેલા મૂર્ખ ધનવાન માણસ જેવા છે. કોઈએ પોતાનો વારસો મેળવવા ઈસુને મધ્યસ્થી થવા કહ્યું ત્યારે, ઈસુએ એ ઉદાહરણ આપ્યું હતું. ઈસુએ ત્યાં હાજર રહેલાને કહ્યું: “સાવધાન રહો, અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો; કેમકે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” પછી ઈસુએ એક મૂર્ખ ધનવાન માણસની વાર્તા કહીને વધારે સમજાવ્યું. એક વાર તે માણસના ખેતરમાં પુષ્કળ પાક ઊતર્યો. એટલું બધું અનાજ સંઘરવા તેણે જૂની વખારોને તોડી પાડીને મોટી વખારો બાંધવાનો નિર્ણય કર્યો, જેથી એમાં બધું અનાજ અને માલમિલકત રાખી શકે. પછી તે સુખમાં રાચવા લાગ્યો કે ‘હવે હું ખાઈ-પીને મજા કરીશ, એશઆરામથી રહીશ.’ પણ ઈશ્વરે તેને કહ્યું: “ઓ મૂર્ખ, આજ રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તેં સિદ્ધ કરી છે તે કોની થશે?” પછી ઈસુએ ભાર મૂકીને કહ્યું: “જે પોતાને સારૂ દ્રવ્યનો સંગ્રહ કરે છે, અને દેવ પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે.”—લુક ૧૨:૧૩-૨૧.

૧૯, ૨૦. (ક) પહેલાના જમાનામાં કઈ રીતે ડૂંડામાંથી દાણા અને ફોતરાંને અલગ પાડવામાં આવતા? (ખ) શા માટે દુષ્ટોની સરખામણી ફોતરાં સાથે કરવામાં આવી છે?

૧૯ આમ, ‘દુષ્ટ લોકો ઈશ્વરની નજરમાં કંઈ ધનવાન નથી.’ તેઓની કોઈ સલામતી નથી કે તેઓ લાંબું ટકવાના પણ નથી. તેઓ અનાજનાં ફોતરાં જેવા છે. કઈ રીતે? ચાલો એક દાખલો જોઈએ. પહેલાના જમાનામાં ખેતરમાં અનાજ પાકી જાય પછી, એના ડૂંડાને લણી લઈને ઊંચે સપાટ જગ્યામાં પાથરવામાં આવતા. પછી દાણા અલગ પાડવા દાંતાવાળા પથ્થર કે લોખંડના ઘણને બળદ કે બીજા કોઈ જાનવરની મદદથી ડૂંડા પર ફેરવવામાં આવતું. એનાથી ડૂંડાનો ભૂક્કો બોલી જતો અને દાણા છૂટા પડી જતા. પછી એને મોટા સૂપડામાં લઈને પવન વહેતો હોય ત્યારે હવામાં ઉછાળવામાં આવતું. (યશાયાહ ૩૦:૨૪) એનાથી દાણા સીધા જમીન પર પડતા, જ્યારે એના ફોતરાં પવનની સાથે ઊડી જતા. (રૂથ ૩:૨) પછી એ દાણામાંથી કાંકરા અને બીજો કચરો દૂર કરવા એને ચાળી લેવામાં આવતા. પછી એ દાણાને દળવામાં આવતા અથવા વખારમાં ભરી લેવામાં આવતા. (લુક ૨૨:૩૧) આમ, એમાં ફોતરાંનું નામનિશાન ન રહેતું.

૨૦ આ રીતે ડૂંડામાંથી દાણાને અલગ પાડીને સંઘરી રાખવામાં આવતા, પણ એના ફોતરાં પવન સાથે વહી જતા. એ જ રીતે ન્યાયીઓ દાણાની જેમ હંમેશ માટે રહેશે, પણ દુષ્ટ લોકોને ફોતરાંની જેમ દૂર કરવામાં આવશે. આવા દુષ્ટ લોકોનો કાયમ માટે વિનાશ થશે એ જાણીને શું આપણે ખુશ નથી થતા? હા! તેઓનું નામનિશાન મટી જશે, પણ જેઓ ખુશીથી યહોવાહના નિયમો પાળે છે તેઓ પર તે આશીર્વાદ વરસાવશે. તેથી, જેઓ પણ ઈશ્વરની આજ્ઞા માને છે તેઓને અનંતજીવનનું વરદાન મળશે, તેઓ કાયમ માટે સુખેથી રહેશે.—માત્થી ૨૫:૩૪-૪૬; રૂમી ૬:૨૩.

“ન્યાયીઓનો માર્ગ” આશીર્વાદ પામશે

૨૧. કઈ રીતે “યહોવાહ ન્યાયીઓનો માર્ગ જાણે છે”?

૨૧ પહેલું ગીત આ કડીથી પૂરું થાય છે: “યહોવાહ ન્યાયીઓનો માર્ગ જાણે છે; પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે.” (ગીતશાસ્ત્ર ૧:૬) કઈ રીતે પરમેશ્વર “ન્યાયીઓનો માર્ગ જાણે છે”? એક તો, આપણે તેમના નિયમો પાળીએ છીએ એની તે નોંધ લે છે. બીજું, તેમની કૃપા આપણા પર છે. પણ એ માટે જરૂરી છે કે આપણે તેમના ન્યાયી માર્ગમાં જ ચાલીએ. હા, આપણે પોતાની બધી ચિંતાઓ તેમના પર છોડી દેવી જોઈએ અને પૂરી ખાતરી રાખવી જોઈએ કે તે જરૂર આપણી કાળજી રાખશે.—હઝકીએલ ૩૪:૧૧; ૧ પીતર ૫:૬, ૭.

૨૨, ૨૩. ન્યાયીઓ અને દુષ્ટોનું શું થશે?

૨૨ “ન્યાયીઓના માર્ગે” ચાલે છે તેઓ હંમેશ માટે જીવશે. જેઓ ખરાબ કામોથી સુધરવા માંગતા નથી, એવા દુષ્ટ લોકોનો યહોવાહના ન્યાયના દિવસે નાશ થશે. એ વખતે તેઓના “માર્ગ” કે જીવનનો હંમેશ માટે અંત આવશે. આપણે આ શબ્દોમાં પૂરો ભરોસો રાખી શકીએ: “થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના મકાનને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન જડશે નહિ. નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે. ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯.

૨૩ જરા વિચારો, દુષ્ટોનું નામનિશાન ન હોય એવી ધરતી પર હંમેશ માટે જીવવાનો કેવો સુંદર લહાવો હશે! એ વખતે ન્યાયી અને નમ્ર લોકો ખુશી ખુશી ‘યહોવાહના નિયમો’ પ્રમાણે ચાલતા હશે. એ કારણે તેઓમાં સાચી શાંતિ હશે. પણ એ પહેલાં યહોવાહના ‘ઠરાવ જાહેર થવા જ જોઈએ.’ (ગીતશાસ્ત્ર ૨:૭) એ ઠરાવો શું છે અને આપણા માટે તથા સર્વ માનવ પરિવાર માટે એનો શું અર્થ થાય છે? હવે પછીનો લેખ આપણને એના જવાબ આપશે.

તમે શું જવાબ આપશો?

• શા માટે પરમેશ્વરના નિયમો પાળનાર સુખી છે?

• શું બતાવે છે કે આપણે ખુશીથી પરમેશ્વરના નિયમો પ્રમાણે ચાલીએ છીએ?

• કઈ રીતે એક વ્યક્તિ ભરપૂર પાણી મળતા ઝાડ જેવી છે?

• ન્યાયીઓ કઈ રીતે દુષ્ટોથી અલગ તરી આવે છે?

[અભ્યાસ પ્રશ્નો]

૧૩-૧૫. આપણે કઈ રીતે નદી કિનારેના હર્યા-ભર્યા ઝાડ જેવા થઈ શકીએ?

[પાન ૧૧ પર ચિત્ર]

પ્રાર્થના આપણને દુષ્ટોની સોબત નહિ રાખવા મદદ કરશે

[પાન ૧૨ પર ચિત્ર]

શા માટે એક ન્યાયી વ્યક્તિ ઝાડ જેવી છે?