અમે તેના દિલની ઇચ્છા પૂરી કરી!
અમે તેના દિલની ઇચ્છા પૂરી કરી!
નાઇજીરિયામાં યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસને એક પત્ર મળ્યો. એ પત્રમાં કંઈક આવું લખ્યું હતું:
“અમારો વહાલો દીકરો ઍન્ડરસન ફક્ત ચૌદ વર્ષની ઉંમરે આ દુનિયા છોડી ગયો. તે મરણ પામ્યો એ પહેલાં બે મરઘા ઉછેરતો હતો. તેની તમન્ના હતી કે એ મરઘા વેચીને એના પૈસા પ્રચાર કાર્ય માટે દાન કરે. પણ તે એવું કંઈ કરે એ પહેલાં જ મોત એને ઝૂંટવી ગયું.
“અમારા દીકરાની ઇચ્છા પ્રમાણે, અમે એ બે મરઘા મોટા કર્યા અને વેચ્યા. અમે ઍન્ડરસન તરફથી તમને એ પૈસાનું દાન મોકલીએ છીએ. યહોવાહના વચન પર અમને પૂરો ભરોસો છે કે જલદી જ ઍન્ડરસનને અમે ફરીથી ભેટી શકીશું. અમે તેને ખુશીથી કહીશું કે ‘બેટા, અમે તારી ઇચ્છા પૂરી કરી!’ ઍન્ડરસનની સાથે સાથે “સાક્ષીઓની મોટી ભીડ” પણ ફરીથી સજીવન થશે! અમે એ સમયની કાગને ડોળે રાહ જોઈ રહ્યા છીએ.”—હિબ્રૂ ૧૨:૧, પ્રેમસંદેશ; યોહાન ૫:૨૮, ૨૯.
આ પત્રથી આપણા બધાના દિલને કેટલી ટાઢક વળે છે! આપણા જે કોઈ સગાં-વહાલાં મોતની નીંદરમાં ઊંઘી ગયા હોય, એ બધા સજીવન થશે જ. ઍન્ડરસનના પરિવારની સાથે સાથે આપણે પણ તેઓને જોઈને, ખુશીના માર્યા ઊછળી પડીશું!—૧ કોરીંથી ૧૫:૨૪-૨૬.
બાઇબલ આ આશાની સાથે બીજા ઘણાં વચનો આપે છે. એ બધાં વચનો જલદી જ પરમેશ્વરના રાજ્યમાં તેમની નવી દુનિયામાં પૂરા થશે. (૨ પીતર ૩:૧૩) એ સમય વિષે બાઇબલ કહે છે: “તે [યહોવાહ] તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.”—પ્રકટીકરણ ૨૧:૪.