સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણને સારી સરકારની જરૂર છે!

આપણને સારી સરકારની જરૂર છે!

આપણને સારી સરકારની જરૂર છે!

પાકિસ્તાનના રાજનીતિ એક્સપર્ટ ગુલામ ઉમારે કહ્યું: ‘આજે દુનિયાની સરકારો એકબીજા વગર ચાલી શકતી નથી. જ્યારે મોટી સમસ્યા ઊભી થાય ત્યારે, તેઓ એકલે હાથે કંઈ કરી શકતી નથી. હવે, આખા જગત પર ખતરનાક સમસ્યા આવી પડી છે. તેથી સર્વ સરકારોએ એકમતે કામ કરવું પડશે, તો જ માણસજાત બચશે.’

દુનિયાની હાલત જોઈને ઘણા લોકો મૂંઝાઈ જાય છે. એક બાજુ ખોરાકનો ઢગલો છે, પણ બીજી બાજુ લોકો ભૂખ્યા મરે છે. આજના ઇલેક્ટ્રોનિક યુગમાં લોકો ખૂબ ભણેલા-ગણેલા છે, પણ લાખો બેકાર છે. અનેક દેશોમાં લોકો પૂરી આઝાદીથી જીવી શકે છે, તોપણ ઘણા અસલામતી અને ભયને લીધે ઘરમાંથી બહાર નીકળતા નથી. દરરોજ લોકોને અમીર બનવાની ઘણી તકો મળે છે. પરંતુ, ભ્રષ્ટાચાર અને અન્યાયને લીધે તેઓની મોટી મોટી આશાઓ નિરાશામાં બદલાઈ જાય છે.

આપણી દુનિયા પર પહાડો જેવી મોટી સમસ્યાઓ આવી પડી છે. કોઈ એક સરકાર એની સામે કંઈ કરી શકતી નથી. અરે, અનેક સરકારો સાથે મળી હોવા છતાં હજી કમજોર છે! તેથી, ઘણા લોકો વિચારે છે કે જગતભરમાં શાંતિ અને સલામતી લાવવા માટે સર્વ દેશોએ એક થવું પડશે. એનો અર્થ એ કે, દુનિયાભરમાં બધા દેશો પર એક જ સરકાર હોવી જોઈએ. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈન એવી જ આશા રાખતા હતા. વર્ષ ૧૯૪૫માં તેમણે કહ્યું: ‘હું માનું છું કે દુનિયામાં મોટા ભાગના લોકોને સુખ-શાંતિમાં જીવવું છે. પરંતુ, દુનિયા પર એક જ સરકાર હશે ત્યારે, એ સપનું સાચું પડશે.’

આલ્બર્ટ આઈનસ્ટાઈને લગભગ ૫૦ વર્ષ પહેલાં, એ સપના વિષે જાહેરમાં કહ્યું હતું. પરંતુ, એ આજ સુધી સપનું જ રહ્યું છે. શા માટે? લ મોન્ડ નામનું ફ્રેંચ છાપું કહે છે: ‘દુનિયાભરમાં એક સરકાર લાવવી ખૂબ અઘરું છે. એ સરકાર બધી રીતે સંપૂર્ણ હોવી જોઈએ. એના જન્મ પછી, બધાએ સ્વીકારવું પડશે કે પૃથ્વી પર અનેક સરકારો નથી, પણ એક જ છે. જો આમ થશે, તો કોઈ પણ અન્યાયીને તરત જ સુધારી શકાશે.’ પણ દુનિયાભરમાં આવી એક જ સરકાર કોણ લાવી શકશે?

શું એ સરકાર યુનાઇટેડ નેશન્સ છે?

ઘણા લોકો માને છે કે યુનાઇટેડ નેશન્સ શાંતિ લાવશે. પરંતુ, શું એ ખરેખર શાંતિ લાવી શકે છે? જાહેરમાં રાજનેતાઓ કહે છે કે એમાં કોઈ શંકા નથી. દાખલા તરીકે, ૨૦૦૦માં યુનાઇટેડ નેશન્સની સભામાં રાજનેતાઓએ ‘મિલેનિયમ ડેક્લરેશનમાં’ આ વચન આપ્યું: ‘છેલ્લાં ૧૦ વર્ષમાં ૫૦ લાખથી વધારે લોકો લડાઈમાં માર્યા ગયા છે. અમે ફક્ત દેશની અંદર જ નહિ, પણ દેશો વચ્ચે શાંતિ લાવવા બનતું બધું કરીશું.’ એ વચનને લીધે અનેક સંસ્થાઓ યુનાઇટેડ નેશન્સની વાહ વાહ કરવા લાગી. અરે, ૨૦૦૧માં યુનાઇટેડ નેશન્સને શાંતિ ક્ષેત્રમાં નોબેલ પ્રાઈઝ પણ મળ્યું. ઇનામ આપતા, નોબેલ સંસ્થાએ કહ્યું: ‘ફક્ત યુનાઇટેડ નેશન્સ જ જગતભરમાં શાંતિ લાવી શકશે.’

યુનાઇટેડ નેશન્સનો જન્મ ૧૯૪૫માં થયો હતો. પરંતુ, ત્યારથી આજ સુધી એ પૃથ્વી પર હંમેશ માટે શાંતિ લાવી શક્યું નથી. પણ કેમ નહિ? એ સંસ્થાના સભ્યો પણ સ્વાર્થી છે. એક છાપાએ કહ્યું: ‘યુનાઇટેડ નેશન્સ ફક્ત લોકોના વિચારો સાંભળે જ છે. તેઓ કોઈ પણ વિષય પર વર્ષો સુધી ચર્ચા કરતા રહેશે, પણ કંઈ કરશે નહિ.’ મોટા ભાગના લોકો એ છાપા સાથે સહમત થાય છે. તો પછી, પ્રશ્ન એ છે કે શું દુનિયાના દેશો કદીયે એકમતે કામ કરશે?

બાઇબલ કહે છે કે નજીકમાં સર્વ દેશો સંપથી જીવશે. પરંતુ, એ કઈ રીતે થશે? કઈ સરકાર એવો ફેરફાર લાવી શકે છે? હવે પછીનો લેખ એના જવાબ આપશે.

[પાન ૩ પર ચિત્ર]

આલ્બર્ટ આઈનસ્ટાઈને કહ્યું કે દુનિયાભરમાં આપણને એક જ સરકારની જરૂર છે

[ક્રેડીટ લાઈન]

આઈનસ્ટાઈન: U.S. National Archives photo