સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવનનો હેતુ જાણો

જીવનનો હેતુ જાણો

જીવનનો હેતુ જાણો

સત્તર વર્ષનો જેસ્સી હાઇસ્કૂલમાં ભણે છે. તેને પૂછવામાં આવ્યું કે જીવનનો હેતુ શું છે ત્યારે તેણે કહ્યું: “બસ, જીવો ત્યાં સુધી મોજમજા કરો.” પણ સુઝી નામની છોકરી એવું માનતી નથી. તે કહે છે: “હું તો માનું છું કે મારું જીવન મારા હાથમાં જ છે. હું ચાહું એમ જીવનને ઘડી શકું.”

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા જીવનનો ઉદ્દેશ શું છે? શું બધાના જીવનનો ઉદ્દેશ એક જ છે? કે પછી સુઝીએ કહ્યું તેમ, દરેકનું જીવન તેઓના પોતાના હાથમાં છે? ભલે દુનિયાએ ટૅક્નોલૉજીમાં આકાશ આંબી દીધું હોય, પણ આપણે બધા કોઈને કોઈ રીતે જાણવા માંગીએ છીએ કે ‘મારા જીવનનો હેતુ શું છે?’ તમે પણ જરૂર વિચાર્યું હશે કે, “હું શા માટે અહીંયા છું?”

આજના વિજ્ઞાન જગતે પણ એનો જવાબ મેળવવા માટે લાખ કોશિશ કરી છે. શું વિજ્ઞાન એનો જવાબ આપી શક્યું છે? મનોવિજ્ઞાન અને પ્રાણીશાસ્ત્રના પ્રોફેસર, ડેવિડ પી. બારાસે એ વિષે જણાવ્યું: “ઉત્ક્રાંતિ પ્રમાણે આપણે જીવીએ છીએ એ કંઈ આપણને હેતુ આપતું નથી.” જીવવિજ્ઞાનના ઉત્ક્રાંતિવાદ પ્રમાણે જીવનાર પ્રાણીઓનો એક જ હેતુ છે: જીવવું અને બાળકોને જન્મ આપવો. તેથી, પ્રોફેસર બારાસે સૂચન કર્યું: ‘આખા વિશાળ વિશ્વનો કોઈ હેતુ નથી. તેથી માનવીઓની જવાબદારી છે કે જીવનનો કોઈ હેતુ રાખે.’

જીવનનો હેતુ ક્યાંથી જાણી શકીએ?

શું જીવનનો હેતુ આપણા દરેકના હાથમાં છે? બીજા શબ્દોમાં કહીએ તો, શું આપણે પોતે જે કંઈ કરીએ એ જ જીવનનો હેતુ છે? ના, એવું જરાય નથી. ઈશ્વરે આપણને બનાવ્યા પછી કંઈ સાવ નિરાધાર છોડી દીધા નથી. બાઇબલ અગાઉથી જણાવે છે કે આપણે શા માટે અહીં છીએ. એ આપણા જીવનનો હેતુ બતાવે છે. આપણે કંઈ આપોઆપ આવી ગયા નથી. આપણી પૃથ્વીનો જ વિચાર કરો. મનુષ્યને બનાવતા પહેલાં ઈશ્વરે આ પૃથ્વીને તૈયાર કરવામાં વર્ષો લીધા છે. વળી, પૃથ્વી પર એવી એક પણ વસ્તુ નથી જે આપોઆપ  આવી ગઈ હોય. ખુદ ઈશ્વરે દરેક વસ્તુ બનાવી અને  ખાતરી કરી કે એ “ઉત્તમોત્તમ” હોય. (ઉત્પત્તિ ૧:૩૧; યશાયાહ ૪૫:૧૮) શા માટે? કેમ કે, મનુષ્યો માટે પરમેશ્વરનો એક હેતુ હતો.

પણ હવે બીજો સવાલ ઊભો થાય છે. જો ઈશ્વરે કોઈ હેતુથી આપણને બનાવ્યા હોય તો, શું એનો એ અર્થ છે કે તેમણે આપણું નસીબ લખી રાખ્યું છે? ના. ખરું કે આપણા જીવનમાં વારસામાં મળેલા જિન્સની ઘણી અસર હોય છે. તોપણ, આપણે આપણાં કાર્યો અને લાગણીને કાબૂમાં રાખી શકીએ છીએ. એટલું જ નહિ, આપણા જીવનને કઈ રીતે ઘડવું એ પણ આપણા હાથમાં છે.

ખરું કે આપણે કેવું જીવન જીવીએ એ પોતે નક્કી કરી શકીએ છીએ. પરંતુ, આપણે એ પણ જાણવાની જરૂર છે કે ઈશ્વર શું ચાહે છે. ઘણાએ અનુભવ્યું છે કે જીવનનો ખરો હેતુ જાણવા પરમેશ્વરને ઓળખવા જરૂરી છે. પરમેશ્વરના નામનો અર્થ બતાવે છે કે કઈ રીતે તે આપણા જીવનના હેતુ સાથે જોડાયેલા છે. તેમનું નામ યહોવાહ છે, જેનો અર્થ થાય કે “તે ધારે એ કરી શકે છે.” (નિર્ગમન ૬:૩; ગીતશાસ્ત્ર ૮૩:૧૮) એનો અર્થ એ કે યહોવાહ પોતાના વચનો પૂરા કરવા કંઈ પણ કરી શકે છે. વળી તેમના મુખમાંથી નીકળેલું કોઈ પણ વચન કે તેમના હેતુઓ હંમેશાં પૂરા થઈને જ રહે છે. (નિર્ગમન ૩:૧૪; યશાયાહ ૫૫:૧૦, ૧૧) તેમના અજોડ નામ પર ફરીથી વિચાર કરો. તેમનું નામ આપણ સર્વને ખાતરી આપે છે કે તે જ આપણને જીવનનો હેતુ આપે છે.

પરમેશ્વર છે એવું માનવાથી પણ આપણા જીવનમાં એની ઊંડી અસર પડે છે. ઓગણીસ વર્ષની લિનેટ કહે છે: “યહોવાહે બનાવેલી દરેક વસ્તુઓ કેટલી સુંદર છે. એ દરેકની પાછળ તેમનો હેતુ છે. ત્યારે મને લાગે છે કે મને પણ કોઈ હેતુથી બનાવવામાં આવી છે.” બીજી એક બહેન અંબર કહે છે: “આજે ઘણા લોકો પરમેશ્વરને ઓળખતા નથી, અથવા તો તેઓ માને છે કે તે છે જ નહિ. પણ મારા માટે કેવી ગર્વની વાત છે કે, હું તેમને સારી રીતે ઓળખું છું. વળી, યહોવાહે સરજેલી વસ્તુઓથી મને પૂરી ખાતરી થાય છે કે તે ખરેખર છે.” (રૂમી ૧:૨૦) જોકે, પરમેશ્વર છે એ જાણવું એક બાબત છે. પણ તેમને સારી રીતે ઓળખવું એ બીજી બાબત છે.

પરમેશ્વરને સારી રીતે ઓળખો

યહોવાહને ઓળખવા પણ બાઇબલ આપણને મદદ કરે છે. બાઇબલની શરૂઆતના અધ્યાયોથી આપણે જાણી શકીએ છીએ કે યહોવાહ પ્રેમાળ પરમેશ્વર છે. દાખલા તરીકે, તેમણે આદમ અને હવાને બનાવીને એમ જ છોડી મૂક્યા નહિ. એમ કર્યું હોત તો, તેઓ મૂંઝાઈ જાત કે પોતે કોણ છે અને ક્યાંથી આવ્યા છે. પરંતુ, યહોવાહ તેઓ સાથે નિયમિત વાત કરતા હતા. એટલું જ નહિ, એદન બાગમાં પણ તેઓને સાવ નિરાધાર છોડી દીધા ન હતા. એને બદલે, યહોવાહે તેઓને સૌથી સારું જીવન જીવવાનું માર્ગદર્શન આપ્યું. તેમણે તેઓને જીવનમાં સંતોષ થાય એવું કામ સોંપ્યું અને તેઓ શીખતા રહે એવી ગોઠવણ પણ કરી. (ઉત્પત્તિ ૧:૨૬-૩૦; ૨:૭-૯) જરા વિચારો કે એનો શું અર્થ થાય છે. દાનીએલ કહે છે: “યહોવાહે પૃથ્વી બનાવી અને તેમણે એ રીતે આપણને બનાવ્યા છે કે આપણે જીવનનો આનંદ માણીએ. એનાથી હું જોઈ શકું છું કે આપણે ખુશ રહીએ એવું યહોવાહ ઇચ્છે છે.”

એ ઉપરાંત, યહોવાહ પણ ચાહે છે કે સર્વ તેમને સારી રીતે ઓળખે. આ વિષે પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૭ આપણને ખાતરી આપે છે: “તે [યહોવાહ] આપણામાંના કોઈથી વેગળો નથી.” એનો શું અર્થ થાય? અંબર કહે છે: “યહોવાહને ઓળખ્યા પછી, મને પૂરો વિશ્વાસ છે કે હું એકલી નથી. ગમે એવી ખરાબ સ્થિતિમાં પણ મારું કોઈ છે જેની તરફ હું મીટ માંડી શકું છું.” હા, આપણે યહોવાહને જેટલા વધારે સારી રીતે ઓળખીશું તેમ જોઈ શકીશું કે તે બહુ જ પ્રેમાળ છે. પછી આપણે તેમના પર પૂરો ભરોસો રાખી શકીશું. જેફ કહે છે કે, “હવે હું ખરેખર જાણું છું કે યહોવાહ એકલા જ મને જરૂર પડ્યે મદદ કરી શકે છે.”

પરંતુ, દુઃખની વાત છે કે યહોવાહ વિષે ઘણી જૂઠી વાતો ફેલાવવામાં આવી છે. આપણા પર આવતા દુઃખો માટે અને ધર્મને નામે ચાલતા ધતિંગ માટે પણ યહોવાહને દોષિત ઠરાવવામાં આવે છે. દુનિયામાં ચાલતા અન્યાય અને દુષ્ટતા માટે પણ યહોવાહને જવાબદાર ગણવામાં આવે છે. પુનર્નિયમ ૩૨:૪, ૫ જણાવે છે: ‘તેના સર્વ માર્ગો ન્યાયરૂપ છે; તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યા છે, તેઓ તેનાં છોકરાં રહ્યા નથી, એ તેઓની એબ કે ખામી છે.’ તેથી, હકીકત શું છે એની આપણે તપાસ કરવી જ જોઈએ.​—⁠પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦.

પરમેશ્વરનો હેતુ પૂરો થયો

ભલે આપણે ગમે એ નિર્ણય લઈએ, પણ આ ધરતી માટે અને માનવજાતિ માટે પરમેશ્વરનો જે હેતુ છે, એને પૂરો થતા કોઈ પણ રોકી શકશે નહિ. તો પછી તેમનો હેતુ શું છે? ઈસુએ કહ્યું: “નમ્રજનો આશીવાર્દિત છે, કેમ કે પૃથ્વીનો વારસો તેઓને મળશે.” પછીથી તેમણે પ્રેષિત યોહાનને કહ્યું કે પરમેશ્વરે ‘પૃથ્વીનો નાશ કરનારાઓનો નાશ કરવાનો’ નિર્ણય લીધો છે. (માત્થી ૫:​૫, IBSI; પ્રકટીકરણ ૧૧:૧૮) પરમેશ્વરે સૃષ્ટિ બનાવી ત્યારે ઈસુ તેમની સાથે હતા. તેથી તે શરૂઆતથી માણસજાત માટેના પરમેશ્વરના હેતુને જાણે છે. તેમનો હેતુ છે કે સુંદર પૃથ્વી પર મનુષ્યો સદા સુખ-શાંતિમાં રહે. (ઉત્પત્તિ ૧:૨૬, ૨૭; યોહાન ૧:૧-૩) પરમેશ્વર ક્યારેય બદલાતા નથી. (માલાખી ૩:૬) તેમણે આપણને વચન આપ્યું છે: “જે પ્રમાણે મેં ધારણા કરી છે તે પ્રમાણે નક્કી થશે; અને મેં જે મનસૂબો કર્યો છે તે કાયમ રહેશે.”​—⁠યશાયાહ ૧૪:૨૪.

આજે કઈ રીતે યહોવાહનો હેતુ પૂરો થઈ રહ્યો છે? આજે બધી નાત-જાતના અને ભાષાના લોકો હળી-મળીને રહે છે. તેઓ લોભી અને સ્વાર્થી નથી. પણ તેઓ પરમેશ્વરને દિલથી ચાહે છે. પડોશીઓ સાથે પણ હળી-મળીને રહે છે. (યોહાન ૧૩:૩૫; એફેસી ૪:૧૫, ૧૬; ફિલિપી ૨:૧-૪) તેઓ ખુશી ખુશી પરમેશ્વરના કામને આગળ વધારી રહ્યા છે. પોતાના વિશ્વાસથી પ્રેરાઈને તેઓ આ દુનિયાનો અંત આવે એ પહેલાં પરમેશ્વરના આવનાર રાજ્યની ખુશખબરી ફેલાવી રહ્યા છે. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) એ લોકો કોણ છે? આજે ૨૩૦ કરતાં વધારે દેશોમાં ૬૦ લાખથી વધારે યહોવાહના સાક્ષીઓ સંપીને યહોવાહની સેવા કરી રહ્યા છે.

જીવનના હેતુ પ્રમાણે જીવો

યહોવાહ તમને પણ ‘સત્યનું પાલન કરનારા’ તેમના લોકોની સંગત કરવાનું આમંત્રણ આપે છે. (યશાયાહ ૨૬:૨) કદાચ તમને લાગશે, કે ‘તેઓ કોણ છે? શું હું ખરેખર તેઓના સમાજનો ભાગ બનવા માંગું છું?’ અમુક યુવાનો શું કહે છે એ પર જરા ધ્યાન આપો:

ક્વૅટીન: “મંડળ મને રક્ષણ આપે છે. યહોવાહને મેં મારું જીવન આપ્યું છે. હું જોઈ શકું છું યહોવાહ ખરેખર છે અને તે ચાહે છે કે હું ખુશ રહું.”

જૅફ: “મંડળમાંથી મને ઘણું ઉત્તેજન મળે છે. ત્યાં ભાઈબહેનો મને દરેક રીતે સહારો આપે છે, તેમ જ યહોવાહની ભક્તિ કરવા મદદ કરે છે. તેઓ જાણે મારું કુટુંબ છે.”

લિનેટ: “કોઈ વ્યક્તિ સત્ય સ્વીકારે છે અને યહોવાહની સેવા કરવાનો નિર્ણય લે છે એ જોઈને મને જે આનંદ મળે છે એ બીજા કશાથી નથી મળતો. એનાથી મને જીવનમાં સૌથી વધારે ખુશી મળે છે.”

કૉડી: “યહોવાહ વિના મારા જીવનનો કોઈ અર્થ જ ન હોત. હું પણ બીજાઓની જેમ એક પછી બીજી વસ્તુઓમાં સુખ મેળવવા ફાંફા માર્યા કરતો હોત. યહોવાહની ભક્તિ કરવાથી મને જીવનનો હેતુ મળ્યો છે.”

તમે પણ યહોવાહને સારી રીતે ઓળખી શકો છો. આપણા ઈશ્વરને ઓળખવાથી તમને પણ તમારા જીવનનો ખરો હેતુ જાણવા મળશે.

[પાન ૩૧ પર ચિત્રો]

પરમેશ્વરને સારી રીતે ઓળખવાથી જીવનનો ખરો હેતુ મળે છે

[પાન ૨૯ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

NASA photo