સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નમે તે સહુને ગમે

નમે તે સહુને ગમે

નમે તે સહુને ગમે

“ધન, આબરૂ તથા જીવન એ નમ્રતાનાં અને યહોવાહના ભયનાં ફળ છે.”​ —⁠નીતિવચનો ૨૨:⁠૪.

૧, ૨. (ક) શું બતાવે છે કે સ્તેફન સાચો ઈશ્વરભક્ત હતો? (ખ) સ્તેફન ખુશીથી કોઈ પણ જવાબદારી લેવા તૈયાર હતો એ શાના પરથી દેખાઈ આવે છે?

 સ્તેફન યહોવાહનો સાચો ભક્ત હતો. તેના પર ઈશ્વરની કૃપા હતી. તે બહુ જ ભલો માણસ હતો. જેમ તે પોતાના ગુરુ ઈસુને પગલે ચાલતો હતો, તેમ તે ચમત્કારો પણ કરતો હતો. એક વાર એમ બન્યું કે અમુક જણ તેની સામે દલીલોમાં ઊતરી પડ્યા. “પણ તે એવા જ્ઞાનથી તથા આત્માની પ્રેરણાથી બોલતો હતો કે તેઓ તેની સામે ટકી શક્યા નહિ.” (પ્રેરિતોનાં કૃત્યો ૬:૫, ૮-૧૦) સ્તેફનની રગેરગમાં ઈશ્વરનાં વચનો હતાં. તેણે ધર્મગુરુઓને શાસ્ત્ર સામે આંગળી ઉઠાવવા દીધી નહિ. પ્રેરિતોનાં કૃત્યોનો સાતમો અધ્યાય બતાવે છે તેમ, સ્તેફન બધાને જણાવવા ચાહતો હતો કે ઈશ્વરની મરજી શું છે.

પણ ધર્મગુરુઓ અભિમાની હતા. તેઓને ધર્મશાસ્ત્રનું જ્ઞાન હતું, સમાજમાં માન પણ હતું. એટલે તેઓ ‘પોતે કંઈક છે’ એવું માનતા. (માત્થી ૨૩:૨-૭; યોહાન ૭:૪૯) પણ સ્તેફન તો જુદી જ માટીનો હતો. સ્તેફનને પણ ધર્મશાસ્ત્રનું જ્ઞાન હતું, સમાજમાં માન હતું. એક વાર લોકોને “ભાણાં પીરસવાની સેવા” માટે સાત યોગ્ય ભાઈઓને પસંદ કરવાના હતા. એ સાત ભાઈઓમાં સ્તેફનની પણ પસંદગી થઈ. સ્તેફને ખુશીથી એ જવાબદારી ઉપાડી લીધી. જેથી બીજા જવાબદાર ભાઈઓ ‘પ્રાર્થના અને પ્રભુની વાતની સેવા’ કરતા રહે.​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૬:૧-૬.

૩. સ્તેફન પર યહોવાહની કૃપા કેવી રીતે થઈ?

સ્તેફનની ભક્તિ યહોવાહના ધ્યાન બહાર રહી નહિ. તેણે યહોવાહનું દિલ જીતી લીધું. એક પ્રસંગે સ્તેફને અદેખા ધર્મગુરુઓને સચ્ચાઈ જણાવવી પડી. ત્યારે તેના દુશ્મનોએ પણ જોયું, કે ‘તેનું મોં દેવદૂતના મોં જેવું દેખાતું હતું.’ (પ્રેરિતોનાં કૃત્યો ૬:૧૫) યહોવાહ પરમેશ્વરની શાંતિ સ્તેફન પર એવી છવાઈ ગઈ, કે તેનો ચહેરો દેવદૂત જેવો દેખાયો. એ પછી, ફરીથી સ્તેફન પર યહોવાહની કૃપા થઈ. “પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેણે આકાશ તરફ એકી નજરે જોઈ રહેતાં, દેવનો મહિમા તથા દેવને જમણે હાથે ઈસુને ઊભેલો જોયો.” (પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૫) આ દર્શનથી સ્તેફનની શ્રદ્ધા હજુ વધી કે ઈસુ જ યહોવાહનો દીકરો અને મસીહા છે. એનાથી સ્તેફનને ઘણી જ હિંમત મળી. તેને ખાતરી થઈ ગઈ કે યહોવાહ તેના પર પ્રસન્‍ન છે.

૪. યહોવાહ પોતાની કૃપા કોના પર વરસાવે છે?

સ્તેફનને થયેલા દર્શન પરથી આપણે દિલને ઠંડક આપતી એક વાત શીખીએ છીએ. યહોવાહ પોતાના નમ્ર ભક્તો પર કૃપા વરસાવે છે. તે તેઓને ખુલ્લા દિલથી પોતાની મરજી જણાવે છે. “ધન, આબરૂ તથા જીવન એ નમ્રતાનાં અને યહોવાહના ભયનાં ફળ છે.” (નીતિવચનો ૨૨:૪) એટલે જ આપણે જાણવાની જરૂર છે કે સાચી નમ્રતા કોને કહેવાય. એ કીમતી મોતી જેવો ગુણ આપણે કઈ રીતે કેળવી શકીએ? એનાથી કઈ રીતે આપણે સુખી થઈ શકીએ?

યહોવાહ પોતે નમ્ર છે

૫, ૬. (ક) નમ્ર બનવું એટલે શું? (ખ) યહોવાહ પોતે કઈ રીતે નમ્ર છે? (ગ) યહોવાહની નમ્રતા આપણને કઈ રીતે અસર કરે છે?

યહોવાહ વિશ્વના માલિક છે છતાં નમ્ર છે. દાઊદ રાજાએ યહોવાહ વિષે કહ્યું કે, ‘તેં તારા તારણની ઢાલ મને આપી છે; તારે જમણે હાથે મને ઊંચકી રાખ્યો છે, અને તારી અમી નજરે મને મોટો કર્યો છે.’ (ગીતશાસ્ત્ર ૧૮:૩૫) આમ કહીને દાઊદે બતાવ્યું કે યહોવાહ કેટલા નમ્ર છે. અહીં દાઊદ જે મૂળ હેબ્રી શબ્દ વાપરે છે, એનો અર્થ ‘નીચા નમવું’ થાય છે. નમ્રતા સિવાય એનો અર્થ દીન, રાંક, નરમ, દુખિયાનો બેલી થાય છે. યહોવાહે મામૂલી માનવને, દાઊદને પોતાના ભક્ત તરીકે સ્વીકાર કર્યો. તેમણે તેને રાજા તરીકે નીમ્યો. ગીતશાસ્ત્રના ૧૮મા અધ્યાયની ઉપર લખેલા શબ્દો બતાવે છે: “યહોવાહે તેને તેના સઘળા શત્રુઓના હાથમાંથી તથા શાઊલના હાથમાંથી છોડાવ્યો.” દાઊદને ખબર હતી કે પોતે રાજા બન્યો અને પોતાને જે માન-મોભો મળ્યો, એ બધી તો યહોવાહની મહેરબાની હતી. આ રીતે દાઊદ પોતે પણ બહુ નમ્ર સ્વભાવનો હતો.

શું આપણે પણ એવા જ નમ્ર છીએ? યહોવાહે આપણને સત્યનો પ્રકાશ આપ્યો છે. આપણને તેમની ભક્તિમાં ખાસ આશીર્વાદો મળ્યા હોય શકે. પણ શું આપણે એનાથી ફુલાઈ જવું જોઈએ? ના, આપણે તો યહોવાહનો પાડ માનીએ કે તેમણે આપણા જેવા પાપી લોકોને સ્વીકાર્યા.​—⁠નીતિવચનો ૧૬:૧૮; ૨૯:⁠૨૩.

૭, ૮. (ક) મનાશ્શેહના કિસ્સામાં યહોવાહની નમ્રતા કઈ રીતે દેખાઈ આવે છે? (ખ) નમ્રતા વિષે યહોવાહ આપણને શું શીખવે છે? મનાશ્શેહ પાસેથી નમ્રતા વિષે આપણે શું શીખી શકીએ?

યહોવાહે આપણને પાપી લોકોને સહારો આપ્યો છે. એટલું જ નહિ, પણ તે સામે ચાલીને દુખિયાને ગળે લગાડે છે. અરે, જાણે રાંકને ધૂળમાંથી ઉઠાવી લે છે. (ગીતશાસ્ત્ર ૧૧૩:૪-૭) યહુદાના રાજા મનાશ્શેહનો વિચાર કરો. યહોવાહે તેને રાજા બનાવ્યો. પણ તે જૂઠા દેવ-દેવીઓની ભક્તિમાં ફસાઈ ગયો. “યહોવાહની દૃષ્ટિમાં ભૂંડું કરીને તેણે પોતાના ઉપર તેનો કોપ વહોરી લીધો.” (૨ કાળવૃત્તાંત ૩૩:૬) આખરે યહોવાહે તેને સજા કરી. તેમણે આશ્શૂરના રાજાને મોકલ્યો, જેણે મનાશ્શેહનું રાજ જીતી લીધું. જંજીરોમાં બંધાયેલા મનાશ્શેહે “પોતાના દેવ યહોવાહના કાલાવાલા કર્યા; અને . . . તે અતિશય દીન થઈ ગયો.” મનાશ્શેહનો સ્વભાવ બદલાયો, એ યહોવાહને ગમ્યું. યહોવાહે તેને માફ કર્યો. તેમણે ફરીથી યરૂશાલેમનું રાજ તેના હાથમાં સોંપ્યું. “આથી મનાશ્શેહે જાણ્યું કે યહોવાહ તે જ દેવ છે.”​—⁠૨ કાળવૃત્તાંત ૩૩:૧૧-૧૩.

યહોવાહે મનાશ્શેહને ખુલ્લા દિલથી માફી આપી એ આપણને શું શીખવે છે? એ જ કે આપણે અભિમાની ન બનીએ. પણ યહોવાહ આપણા ઈશ્વરને પગલે ચાલીને નમ્ર બનીએ. કોઈ આપણને ખોટું લગાડે તો શું કરીશું? આપણે પાપમાં પડીએ તો શું કરીશું? આપણે એ ન ભૂલીએ કે યહોવાહ બધું જ જાણે છે અને જુએ છે. આપણે મોટું મન રાખીને એકબીજાને માફ કરી દઈએ. આપણે કરેલી ભૂલ તરત જ સ્વીકારી લઈએ. પછી યહોવાહ પાસે માફીની ભીખ માંગતા આપણને શરમાવું નહિ પડે.—⁠માત્થી  ૫:૨૩,  ૨૪; ૬:⁠૧૨.

યહોવાહ દિલની વાત ભલા લોકોને કહે છે

૯. શું નમ્ર બનવાનો અર્થ એવો થાય કે તમે કમજોર છો?

નમ્ર બનવાનો અર્થ એવો નથી કે તમે કમજોર છો, કે પછી તમે ગમે એ ચલાવી લેશો. ધર્મશાસ્ત્ર જણાવે છે કે યહોવાહ નમ્ર છે. તેમ છતાં, તે કંઈ પણ ખોટું ચલાવી લેતા નથી. તે ગુસ્સે પણ ભરાય છે. તે પોતાની શક્તિનો પરચો પણ બતાવે છે. પણ યહોવાહ નમ્ર હોવાને લીધે જ ભલા લોકોને ખાસ ધ્યાન આપે છે. અભિમાની લોકોથી તે પોતાનું મોં ફેરવી લે છે. (ગીતશાસ્ત્ર ૧૩૮:૬) શું તમને જાણવું નહિ ગમે કે યહોવાહ કઈ રીતે ભલા લોકો પર કૃપા બતાવે છે?

૧૦. પહેલો કોરીંથી ૨:૬-૧૦ પ્રમાણે યહોવાહ નમ્ર દિલના લોકોને શું જણાવે છે?

૧૦ યહોવાહ ભલા લોકોને જણાવે છે કે પોતે શું કરવાના છે. તે યોગ્ય સમયે અને પોતાના પસંદ કરેલા લોકો દ્વારા એ જણાવે છે. પણ ઘમંડી લોકો પોતાના જ જ્ઞાનની બડાઈ મારવામાંથી ઊંચા આવતા નથી. એટલે જ યહોવાહ તેઓને પોતાના જ્ઞાનનો અણસાર પણ આવવા દેતા નથી. (૧ કોરીંથી ૨:૬-૧૦) નમ્ર દિલના લોકો યહોવાહનું જ્ઞાન મેળવીને ધન્ય થઈ જાય છે. તેઓ ખુલ્લા મને યહોવાહનો જયજયકાર કરે છે!

૧૧. પહેલી સદીમાં કઈ રીતે અમુક ઘમંડી બન્યા અને તેઓએ શું ગુમાવ્યું?

૧૧ પહેલી સદીમાં પણ ઘણા લોકો અભિમાની હતા. અરે, અમુક ખ્રિસ્તીઓ પણ અભિમાની હતા. પાઊલે તેઓને જણાવ્યું કે પરમેશ્વર શું કરવાના હતા, પણ તેઓને ન ગમ્યું. પછી પાઊલ ‘વિદેશીઓના પ્રેરિત’ બન્યા. પણ એ કંઈ પાઊલની નાત-જાત, કે ભણતર, કે ઉંમર, કે તેમણે કરેલા કોઈ પુણ્યોને કારણે બન્યું નહિ. (રૂમી ૧૧:૧૩) એવું તો દુનિયાના લોકો વિચારે કે યહોવાહ પણ એ બધું જોઈને પોતાના ભક્તને પસંદ કરતા હશે. (૧ કોરીંથી ૧:૨૬-૨૯; ૩:૧; કોલોસી ૨:૧૮) પણ યહોવાહ એવું બધું જોતા નથી. યહોવાહે તો પોતાની અપાર કૃપાને લીધે અને પોતાની મરજી પૂરી કરવા પાઊલને પસંદ કર્યા હતા. (૧ કોરીંથી ૧૫:૮-૧૦) વિરોધીઓ અને “કહેવાતા પ્રેષિતો” પાઊલનું માનવા તૈયાર ન હતા. પાઊલે શાસ્ત્રમાંથી જણાવ્યું છતાં તેઓ ન માન્યા. પોતાના ઘમંડને કારણે તેઓએ યહોવાહના જ્ઞાનનું અમૃત ન પીધું અને અધૂરા રહી ગયા. આપણે એવા ઘમંડી ન બનીએ. યહોવાહ પોતાનું કામ ભલે કોઈની પણ પાસે કરાવે, આપણે કોઈ ભેદભાવ ન રાખીએ.​—⁠૨ કોરીંથી ૧૧:૪-૬, પ્રેમસંદેશ.

૧૨. આપણે મુસા પાસેથી કઈ રીતે શીખી શકીએ કે યહોવાહ પોતાના નમ્ર ભક્તોને આશીર્વાદ આપે છે?

૧૨ બાઇબલ ઘણા નમ્ર લોકોના અનુભવો જણાવે છે. યહોવાહે તેઓને ખાસ આશીર્વાદો આપ્યા. મુસા  “સર્વ લોક કરતાં નમ્ર હતો.” જેમ નાનું બાળક પપ્પાની આંગળી ન છોડે, એમ તેમણે યહોવાહનો  હાથ છોડ્યો નહિ. (ગણના ૧૨:૩) આ ભલા માણસ મુસાએ લગભગ ૪૦ વર્ષ આરબ દેશમાં ઘેટાં-બકરાં  ચરાવ્યાં. પણ મુસા પર ઈશ્વરના આશીર્વાદ હતા. યહોવાહે મુસાને ઈસ્રાએલ પ્રજાના નેતા બનાવ્યા. મુસા યહોવાહ સાથે જાણે આમને-⁠સામને વાતચીત કરી શકતા હતા. અરે, મુસાએ તો “યહોવાહનું સ્વરૂપ” પણ જોયું હતું. (ગણના ૧૨:૭, ૮; નિર્ગમન ૨૪:૧૦, ૧૧) જે લોકોએ યહોવાહના ભક્ત મુસાનું કહેવું માન્યું, તેઓ પણ આશીર્વાદ પામ્યા. એવી જ રીતે, આજે મુસાથી પણ મહાન  ઈશ્વરભક્ત ઈસુ છે. તેમણે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” પસંદ કર્યો છે. જો આપણે એના કહેવા પ્રમાણે જ કરીશું, તો આપણું જ ભલું થશે.—⁠માત્થી ૨૪:૪૫, ૪૬; પ્રેરિતોનાં કૃત્યો ૩:⁠૨૨.

૧૩. પહેલી સદીના ભરવાડો પર યહોવાહની કઈ મહેરબાની થઈ?

૧૩ “એક તારનાર, એટલે ખ્રિસ્ત પ્રભુ” જન્મ્યા એની ખુશખબર દેવદૂતે આપી. એ કોને આપી અને “પ્રભુના ગૌરવનો પ્રકાશ” કોને દેખાયો? એ આશીર્વાદ કંઈ ભણેલા-ગણેલા અને અભિમાની ધર્મગુરુઓને મળ્યો નહિ. પણ સીધા-સાદા ભરવાડોને એ આશીર્વાદ મળ્યો, જેઓ “રાત્રે ખેતરમાં રહીને પોતાનાં ટોળાંને સાચવતા હતા.” (લુક ૨:૮-૧૧) આ ભલા ભરવાડો સમાજમાં કંઈ ‘મોટા માણસ’ ન હતા. તોપણ યહોવાહે તેઓ પર આશીર્વાદ વરસાવ્યો. તેઓને સૌથી પહેલા જણાવ્યું કે મસીહે આ દુનિયામાં જન્મ લીધો છે. સાચે જ, યહોવાહની મહેરબાની સીધા-સાદા લોકો પર છે.

૧૪. નમ્ર દિલના લોકોને યહોવાહ કેવા આશીર્વાદ આપે છે?

૧૪ આ બધા કિસ્સાઓ પરથી આપણને શું શીખવા મળે છે? એ જ કે યહોવાહ નમ્ર દિલના લોકોને જ્ઞાન આપે છે અને તેઓને પોતાના મનની વાત જણાવે છે. યહોવાહ પોતાના વિષે જણાવવા ધારે એને પસંદ કરે છે, ભલેને માણસોને એ ગમે કે ન ગમે. એટલે જ આપણે યહોવાહનું કહેવું માનીએ, બાઇબલની સલાહ જીવનમાં ઉતારીએ. યહોવાહના સંગઠનની દોરવણી પ્રમાણે ચાલીએ. આપણે ખાતરી રાખીએ કે યહોવાહ પોતાના ભક્તોને પોતાના મનની વાત કહેતા રહેશે. પ્રબોધક આમોસ જણાવે છે કે, ચોક્કસ “પ્રભુ યહોવાહ પોતાનો મર્મ પોતાના સેવક પ્રબોધકોને બતાવ્યા સિવાય કંઈ કરશે નહિ.”​—⁠આમોસ ૩:⁠૭.

નમ્ર બનો, ઈશ્વરના આશિષ પામો

૧૫. આપણે કેમ દિવસે દિવસે વધારે નમ્ર બનવા પ્રયત્ન કરતા રહેવું જોઈએ? શાઊલનું ઉદાહરણ આપો.

૧૫ ઈશ્વરનો હાથ સદાયે આપણે માથે રહે એ માટે આપણે નમ્ર રહેવું જ જોઈએ. આપણે એક વાર દીન કે નમ્ર બનીએ, એનો અર્થ એ નથી કે આપણે કાયમ એવા જ રહીશું. સાવ રાંક દિલની વ્યક્તિ પણ અભિમાનથી ફુલાઈ જઈ શકે છે. આમ કરીને તે પોતાના જ પગ પર કુહાડો મારે છે. ઈસ્રાએલના પહેલા રાજા શાઊલનો વિચાર કરો. જ્યારે તેને રાજા તરીકે પસંદ કરવામાં આવ્યો, ત્યારે તે ‘પોતાને તુચ્છ ગણતો’ હતો. (૧ શમૂએલ ૧૫:૧૭) ફક્ત બે વર્ષના રાજમાં તે ઘમંડી બની ગયો. યહોવાહના નિયમ પ્રમાણે ફક્ત પ્રબોધક શમૂએલ અર્પણો ચડાવી શકતાં હતાં. પણ શાઊલ પોતે એ અર્પણો ચડાવવા લાગ્યો. પછી તેની ભૂલ પકડાઈ જતા, તે આમ-તેમ બહાના કાઢવા લાગ્યો. (૧ શમૂએલ ૧૩:૧, ૮-૧૪) આ એક જ નહિ, એવા તો ઘણા બનાવો બન્યા, જેના પરથી શાઊલનું અભિમાન દેખાઈ આવ્યું. તેથી તે યહોવાહની કૃપા ગુમાવી બેઠો. આખરે તે બેમોત મર્યો. (૧ શમૂએલ ૧૫:૩-૧૯, ૨૬; ૨૮:૬; ૩૧:૪) આ શું શીખવે છે? એ જ કે કોઈનું અભિમાન ટકતું નથી. આપણે પોતાને નંબર વન બનાવવાની ઇચ્છા મારી નાખીએ. એને બદલે દીન, રાંક, નમ્ર બનીએ. જેથી યહોવાહ આપણા પર સદાયે રાજી રહે.

૧૬. યહોવાહ સાથેના અને ભાઈ-બહેનો સાથેના સંબંધનો વિચાર કરવાથી આપણે કઈ રીતે રાંક બની શકીએ?

૧૬ યહોવાહ પોતે નમ્ર સ્વભાવના છે. તેમને ભજવા આપણે પણ નમ્ર બનવું જ જોઈએ. (કોલોસી ૩:૧૦, ૧૨) આપણે કંઈ આમ જ નમ્ર બની જતા નથી. એ માટે પ્રયત્નો કરવા પડે છે. યહોવાહ સાથેના અને આપણા ભાઈ-બહેનો સાથેના સંબંધો પર વિચાર કરવાથી આપણે રાંક મનના થઈ શકીએ. યહોવાહની નજરમાં આપણે બધા તીડ જેવા છીએ. આપણે લીલા ઘાસ જેવા છીએ, જે ઊગે છે ને સૂકાઈ જાય છે. (યશાયાહ ૪૦:૬, ૭, ૨૨) શું તીડ બડાઈ હાંકશે કે પોતે બીજા તીડ કરતાં જરાક વધારે લાંબો કૂદકો મારી શકે છે? શું ઘાસનું એક તણખલું અભિમાન કરશે કે પોતે બીજા તણખલા કરતાં જરાક લાંબું છે? એ તો મૂર્ખાઈ ગણાશે! એટલે જ પાઊલે ટકોર કરી: “તમે શા માટે આટલા બધા ફુલાઈ ગયા છો? ઈશ્વરે તમને ન આપ્યું હોય એવું કાંઈ તમારી પાસે છે? અને જો તમારી પાસેનું તમામ ઈશ્વરે તમને આપેલું છે તો પછી તમે મહાન છો અને તમે પોતાની મેળે જ તે પ્રાપ્ત કર્યું હોય એમ શા માટે વર્તો છો?” (૧ કરિંથી ૪:​૭, IBSI) આવાં વચનો વાંચવાથી આપણને દીન બનવા મદદ મળે છે.

૧૭. દાનીયેલને નમ્ર બનવા શાનાથી મદદ મળી? આપણને પણ શાનાથી મદદ મળી શકે?

૧૭ પ્રબોધક દાનીયેલ યહોવાહની નજરમાં “અતિ પ્રિય” હતા, કેમ કે તેમણે ‘પોતાનું મન દીન થવામાં’ લગાડેલું હતું. (દાનીયેલ ૧૦:૧૧, ૧૨) દાનીયેલને દીન અથવા નમ્ર બનવા શાનાથી મદદ મળી? દાનીયેલને યહોવાહ પર પૂરો ભરોસો હતો. તે ડગલે ને પગલે યહોવાહને પ્રાર્થના કરતા. (દાનીયેલ ૬:૧૦, ૧૧) દાનીયેલને ધર્મશાસ્ત્રનું સારું જ્ઞાન હતું. એટલે જ તે યહોવાહની મરજી સારી રીતે જાણી શક્યા હતા. તે પોતાના ભાઈ-બહેનોનો વાંક કાઢવાને બદલે, પોતાની ભૂલો જોતા અને તરત જ સ્વીકારી લેતા હતા. દાનીયેલ પોતાની નહિ, પણ યહોવાહની સચ્ચાઈ પ્રગટ કરતા હતા. (દાનીયેલ ૯:૨, ૫,) ચાલો આપણે પણ જીવનમાં દરેક રીતે દાનીયેલને પગલે ચાલવાનો પ્રયત્ન કરીએ. તેમના જેવા જ રાંક મનના બનીએ.

૧૮. આજે રાંક મનના લોકો માટે કયા આશીર્વાદ રાહ જુએ છે?

૧૮ “ધન, આબરૂ તથા જીવન એ નમ્રતાનાં અને યહોવાહના ભયનાં ફળ છે.” (નીતિવચનો ૨૨:૪) ‘નમે તે સહુને ગમે,’ ખાસ તો યહોવાહને નમ્ર લોકો ગમે છે. નમ્રતા જીવન સુખી બનાવે છે. કવિ આસાફનો વિચાર કરો. તેણે યહોવાહનો સાથ લગભગ છોડી દીધો હતો. પણ પછી યહોવાહે તેને સાચી વાત સમજવા મદદ કરી. આસાફે લખ્યું: “તું તારા બોધથી મને માર્ગ બતાવશે, અને પછી તારા મહિમામાં મારો સ્વીકાર કરશે.” (ગીતશાસ્ત્ર ૭૩:૨૪) આપણે આમાંથી શું શીખી શકીએ? રાંક મનના બનવાથી કઈ રીતે આપણું જીવન સુખી થઈ શકે? યહોવાહને રાંક મનના લોકો ગમે છે, એટલે તેમની કૃપા આપણા પર રહેશે. એટલું જ નહિ, પણ જ્યારે ‘નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં આનંદ કરશે’ ત્યારે આપણે તેમના આશીર્વાદોનો આનંદ માણી શકીશું. ત્યારે સાચે જ નમ્ર લોકો માટે સુખનો સૂરજ ઊગશે!​—⁠ગીતશાસ્ત્ર ૩૭:⁠૧૧.

આપણે શું શીખ્યા?

• સ્તેફને કઈ રીતે બતાવ્યું કે નમ્ર લોકોને યહોવાહ આશીર્વાદ આપે છે?

• યહોવાહ કઈ કઈ રીતે નમ્ર છે?

• યહોવાહ નમ્ર લોકોને આશીર્વાદ આપે છે, એના બીજાં ઉદાહરણો જણાવો.

• દાનીયેલ પાસેથી નમ્રતાનો કયો દાખલો શીખી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૨ પર બોક્સ]

મક્કમ મનના અને નમ્ર દિલના

સીદાર પોઈન્ટ, ઓહાયો, અમેરિકામાં ૧૯૧૯માં યહોવાહના સાક્ષીઓનું એક સંમેલન ભરાયું હતું. જે. એફ. રધરફોર્ડ એ સમયે પચાસેક વર્ષના હતા અને આપણા કામ પર દેખરેખ રાખતા હતા. સંમેલનમાં આવતા ભાઈ-બહેનોનો સામાન ઊંચકી લઈને, તેઓના રૂમ પર લઈ જવાનું કામ તેમણે ખુશીથી ઉપાડી લીધું. સંમેલનના છેલ્લા દિવસે તેમણે લગભગ ૭,૦૦૦ના ઑડિયન્સને આ શબ્દોથી ચમકાવી દીધા: ‘રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુના તમે રાજદૂતો છો, કેમ કે તમે આપણા પ્રભુના રાજ્યનો પ્રચાર કરો છો.’ ખરું કે ભાઈ રધરફોર્ડ મનના મક્કમ હતા, સચ્ચાઈને વળગી રહેનારા હતા. છતાં પણ જ્યારે તે યહોવાહને પ્રાર્થના કરતા, ત્યારે પપ્પા આગળ નાનું બાળક હોય એ રીતે બોલતા. બેથેલમાં તેમની પ્રાર્થના પરથી આ દેખાઈ આવતું.

[પાન ૯ પર ચિત્ર]

ધર્મશાસ્ત્રના જ્ઞાની સ્તેફનને, ખોરાક વહેંચવામાં નાનમ ન લાગી

[પાન ૧૦ પર ચિત્ર]

મનાશ્શેહ દીન બન્યો એ યહોવાહને ગમ્યું

[પાન ૧૨ પર ચિત્ર]

દાનીયેલ કેમ “અતિ પ્રિય” ગણાયા?