સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વરની સરકાર આજે રાજ કરી રહી છે

પરમેશ્વરની સરકાર આજે રાજ કરી રહી છે

પરમેશ્વરની સરકાર

આજે રાજ કરી રહી છે

“દરેક દેશની સંસ્કૃતિ અને વિકાસ અલગ અલગ હોય છે. તો પછી, કઈ  રીતે બધા દેશો એક થઈ શકે? એવું કહેવામાં આવે છે કે પૃથ્વી પર  કોઈ ગ્રહ હુમલો કરશે ત્યારે જ, માણસજાત એક થશે.”

—⁠ધી ઍજ, ઑસ્ટ્રેલિયાનું છાપું.

બીજા ગ્રહ પરથી હુમલો? આપણે જાણતા નથી કે આવું કંઈ થાય તો બધા જ દેશો એક થશે કે નહિ. પરંતુ, બાઇબલ ઝઝૂમી રહેલી એક આફત વિષે વાત કરે છે, જેનાથી સર્વ દેશો એક થશે. આ આફત પૃથ્વી પરથી નહિ પણ સ્વર્ગમાંથી આવશે.

આ દુનિયાની હાલત વિષે બાઇબલમાં પહેલેથી જણાવવામાં આવ્યું છે. પ્રાચીન ઈઝરાયેલના રાજા દાઊદે એ વિષે લખ્યું: “યહોવાહ તથા તેના અભિષિક્તની વિરૂદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે, અને હાકેમો માંહોમાંહે મસલત કરે છે, કે તેઓનાં બંધન આપણે તોડી પાડીએ, એમની દોરીઓ આપણી પાસેથી ફેંકી દઈએ.” (ગીતશાસ્ત્ર ૨:૨, ૩; પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૫, ૨૬) આ દુનિયાના લોકો એક થઈને વિશ્વના સરજનહાર, યહોવાહની સામા થશે! અરે, તેઓ તો યહોવાહે નીમેલા રાજા, ઈસુની વિરુદ્ધમાં પણ જશે. કઈ રીતે એમ થશે?

બાઇબલની ગણતરી પ્રમાણે આ ભવિષ્યવાણી ૧૯૧૪માં પૂરી થઈ. એ વર્ષે સ્વર્ગમાં પરમેશ્વરના રાજ્યની સ્થાપના થઈ અને ઈસુ ખ્રિસ્તને રાજગાદી મળી. * શું દુનિયાના દેશોએ એનો સ્વીકાર કર્યો? ના! પણ તેઓ સત્તાની લાલચમાં એકબીજા સામે લડવા લાગ્યા અને પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું.

દુનિયાની સરકારોના આવા વિરોધ વિષે યહોવાહને કેવું લાગે છે? “આકાશમાં જે બેઠો છે, તે હાસ્ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે. ત્યારે તે ક્રોધમાં તેઓની સાથે બોલશે, અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડશે.” પછી યહોવાહ પોતાના રાજ્યના રાજાને કહેશે: “તું મારી પાસે માગ, એટલે હું વારસા તરીકે વિદેશીઓને, તથા પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ. તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે; તું તેઓને કુંભારના વાસણની પેઠે અફાળીને ટુકડેટુકડા કરશે.”​—⁠ગીતશાસ્ત્ર ૨:​૪, ૫, ૮, ૯.

યહોવાહ છેવટે આર્માગેદ્દોનની લડાઈમાં લોઢાના દંડથી સર્વ વિરોધી દેશોના ટુકડેટુકડા કરી નાખશે. બાઇબલમાં એને “સર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઈ” કહે છે. ત્યારે “જગતના રાજાઓ” લડવા માટે એક થશે. (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬) શેતાનની કઠપૂતળી બનીને, જગતના રાજાઓ ખુદ પરમેશ્વર સામે લડવાના ઇરાદાથી એક થશે.

જોકે, ‘એક’ થવાથી પણ તેઓને કંઈ જ ફાયદો નહિ થાય. એનાથી તો સર્વ મનુષ્યોની શાંતિ માટેની ઇંતેજારીનો અંત આવશે. કઈ રીતે? છેલ્લી લડાઈમાં, પરમેશ્વરનું રાજ્ય “આ [જગતના] સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે.” (દાનીયેલ ૨:​૪૪) આ દુનિયાની કોઈ સરકાર નહિ, પણ પરમેશ્વરનું રાજ્ય આખા જગતમાં શાંતિ લાવવાની મનુષ્યોની ઇચ્છા પૂરી કરશે.

પરમેશ્વરની સરકારના રાજા

આજે ઘણા લોકો પરમેશ્વરના રાજ્ય માટે પ્રાર્થના કરે છે: “તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” (માત્થી ૬:૧૦) ઘણા લોકો માને છે કે પરમેશ્વરનું રાજ્ય તો આપણા હૃદયમાં છે. પણ એવું નથી. પરમેશ્વરનું રાજ્ય એક સરકાર છે. એ ૧૯૧૪માં સ્વર્ગમાં સ્થપાઈ ગયું છે. ત્યારથી એણે ઘણાં મોટાં મોટાં કામો કર્યાં છે. ચાલો આપણે જોઈએ કે પરમેશ્વરનું રાજ્ય આજે શું કરી રહ્યું છે.

યહોવાહે ૩૩ની સાલમાં ખ્રિસ્તી મંડળી ઈસુના હાથમાં સોંપી. (એફેસી ૧:૨૨) ત્યારથી યહોવાહની સરકારના રાજા ઈસુ, યહોવાહના ભક્તોની દેખરેખ રાખી રહ્યા છે. દાખલા તરીકે, પહેલી સદીમાં મોટો દુકાળ પડ્યો ત્યારે, ખ્રિસ્તી મંડળના ભાઈબહેનોએ તરત જ એકબીજાને મદદ કરી. તેઓએ ખુશીથી એ કાર્ય ઉપાડી લીધું. બાર્નાબાસ અને શાઊલ મદદ કરવા ચીજ-વસ્તુઓ લઈને અંત્યોખથી નીકળી પડ્યા.​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૭-​૩૦.

આજે પણ રાજા ઈસુ ખ્રિસ્ત પાસેથી એવા જ માર્ગદર્શનની આશા રાખી શકીએ. ધરતીકંપ, ભૂખમરો, વાવાઝોડું કે જ્વાળામુખી જેવી આફતો આવી પડે ત્યારે, આજે પણ યહોવાહના સાક્ષીઓ તરત મદદ કરવા દોડી જાય છે. તેઓ પોતાના ભાઈબહેનોનેઅને બીજાઓને મદદ કરવા તરત જ પહોંચી જાય છે. દાખલા તરીકે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી ૨૦૦૧માં એલ સાલ્વાડોરમાં ભયંકર ધરતીકંપ થયો ત્યારે, આ દેશમાં ઘણી જગ્યાઓએ સાક્ષીઓએ મદદ કરવાનું શરૂ કરી દીધું. કૅનેડા, ગ્વાટેમાલા અને અમેરિકાથી ઘણા યહોવાહના સાક્ષીઓએ મદદ કરી. થોડા જ સમયમાં ત્યાં ત્રણ કિંગ્ડમ હૉલ અને ૫૦૦ કરતાં વધારે ઘરો ફરીથી બાંધવામાં આવ્યાં.

પરમેશ્વરની સરકારની પ્રજા

પરમેશ્વરનું રાજ્ય ૧૯૧૪માં સ્વર્ગમાં સ્થપાયું. ત્યારથી આખા જગતમાંથી લોકો પરમેશ્વરના રાજ્યની પ્રજા થવા ભેગા થઈ રહ્યા છે. એ રીતે આ ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે: “છેલ્લા કાળમાં યહોવાહના મંદિરનો પર્વત [તેમની શુદ્ધ ભક્તિ] પહાડોનાં શિખરો પર સ્થાપન થશે, ને ડુંગરો કરતાં તેને ઊંચો કરવામાં આવશે; અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવાહની પેઠે પ્રવેશ કરશે.” આજે “ઘણા લોકો” એ જ રીતે યહોવાહનું શિક્ષણ સ્વીકારી રહ્યા છે.​—⁠યશાયાહ ૨:​૨, ૩.

આજે આખી પૃથ્વી પર ૨૩૦ કરતાં વધારે દેશોમાં, ૬૦ લાખથી વધારે યહોવાહના સાક્ષીઓ સંપીને રહે છે. તેઓના મોટા મોટા સંમેલનોનો વિચાર કરો. ત્યાં અનેક દેશોના, જુદી જુદી નાત-જાતના લોકો હળીમળીને રહે છે, એ જોઈને બીજાઓ મોંમાં આંગળા નાંખી જાય છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) પરમેશ્વરની સરકારે બધી નાત-જાતના લોકોને એક કર્યા છે, હળી-મળીને રહેતા શીખવ્યું છે! શું દુનિયાની કોઈ પણ સરકાર એવું કરી શકી છે?

પરમેશ્વરનું રાજ્ય અને શિક્ષણ

દરેક સરકારના પોતાના નીતિ-નિયમો હોય છે. એની પ્રજા એ નિયમોનું પાલન કરે છે. એવી જ રીતે, પરમેશ્વરની સરકારના પણ નીતિ-નિયમો છે. એની પ્રજા પણ એ નિયમો પાળે છે. જોકે, અનેક દેશ અને સમાજના લોકો એક સરખા નીતિ-નિયમો પાળે, એ બહુ કપરું કામ છે. પણ પરમેશ્વરની સરકારે એ મુશ્કેલ કામ કરી બતાવ્યું છે. લોકોને એ શિક્ષણ એવી રીતે શીખવ્યું છે, કે તેઓના ગળે ઊતરી જાય. આ શિક્ષણ એટલું જોરદાર છે કે એણે લોકોની જિંદગી બદલી નાખી છે.

એ શિક્ષણ કઈ રીતે ફેલાવવામાં આવ્યું? પ્રેષિતોની જેમ લોકોના ‘ઘરેઘરે’ જઈને તેઓને શીખવીને. જેની પણ ઇચ્છા હોય તેને સાક્ષીઓ બાઇબલમાંથી શીખવી રહ્યા છે. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૨; ૨૦:૨૦) આ શિક્ષણની કેવી અસર થઈ છે? એક સ્ત્રીનો વિચાર કરો. તે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખતી હતી. પણ ઝાક જોન્સન નામના એક કૅથલિક પાદરીને એ ગમતું ન હતું. પણ પછી તેણે કૅનેડાના દૈનિક છાપામાં લખ્યું: ‘હું એ સ્ત્રીને કોઈ પણ રીતે રોકવા ચાહતો હતો. પણ થોડા જ મહિનાઓમાં આ સ્ત્રી સાક્ષી બહેનો સાથે હળી-મળી ગઈ હતી. જે પહેલા ઘરની બહાર પણ નીકળી શકતી ન હતી, એ સ્ત્રીને સાક્ષીઓ ખૂબ મદદ કરતા. તેની સાથે માયાળુપણે વર્તતા. જાણે તેઓ એક જ કુટુંબના હોય, એવો સંબંધ બંધાયો હતો. બહુ જલદી જ તે તેઓના ધર્મમાં જોડાઈ ગઈ. હું તેને કોઈ પણ રીતે અટકાવી ન શક્યો.” બાઇબલનાં શિક્ષણની અને સાક્ષીઓની વર્તણૂકની આ કૅથલિક સ્ત્રીના હૃદય પર ઊંડી અસર થઈ હતી. એવી જ રીતે, આ શિક્ષણ આજે લાખો લોકોના હૃદય સુધી પહોંચી રહ્યું છે.

પરમેશ્વરના રાજ્યનું આ શિક્ષણ બાઇબલમાંથી નીતિ-નિયમો જણાવે છે. એ પ્રમાણે ચાલવા લોકોને પ્રેરે છે. ભલે લોકો ગમે એ નાત-જાતના હોય, અમીર કે ગરીબ હોય, પણ આ શિક્ષણ એકબીજા સાથે સંપીને રહેવાનું શીખવે છે. (યોહાન ૧૩:૩૪, ૩૫) એ લોકોને આ સલાહ લાગુ પાડવા મદદ કરે છે: “આ જગતનું રૂપ તમે ન ધરો; પણ તમારાં મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.” (રૂમી ૧૨:૨) લાખો લોકોએ પોતાની ખરાબ ચાલચલગત કે આદતો છોડી દઈને, પરમેશ્વરની મરજી પ્રમાણે નવું જીવન શરૂ કર્યું છે. એનાથી તેઓને સુખ-શાંતિ મળ્યા છે. એટલું જ નહિ, તેઓને ભવિષ્યમાં પણ ભરપૂર આશીર્વાદો પામવાની આશા મળી છે.​—⁠કોલોસી ૩:​૯-​૧૧.

ચોકીબુરજ મૅગેઝિન, આખી દુનિયામાં લોકોને એક કરવાનું અજોડ સાધન છે. ચોકીબુરજ મૅગેઝિન એક સાથે ૧૩૫ ભાષાઓમાં બહાર પડે છે. આખી દુનિયાના ૯૫ ટકા વાચકો પોતાની ભાષામાં એને વાંચી શકે છે. એ માટે આટલી બધી ભાષાઓમાં અનુવાદ કરીને આ મૅગેઝિન બહાર પાડવું કંઈ નાનુંસૂનું કામ તો નથી જ!

એક મોરમન લેખકે પોતાના ચર્ચ સિવાય, બીજા લોકોના મિશનરિ કાર્ય વિષે એક લીસ્ટ બનાવ્યું. એમાં તેણે યહોવાહના સાક્ષીઓના ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિનોને સૌથી ઉત્તમ મૅગેઝિનો કહ્યાં. તેમણે કહ્યું: “આ બે મૅગેઝિનો લોકોને જે મદદ કરે છે, કે એ મેં બીજા કોઈ ધાર્મિક પુસ્તકોમાં જોઈ નથી. ચોકીબુરજ અને સજાગ બનો! હકીકત જણાવે છે, એમાં ઘણું સંશોધન કરવામાં આવ્યું હોય છે.”

આવા ઘણા પુરાવા બતાવે છે કે પરમેશ્વરનું રાજ્યનું કામ પૂર-જોશમાં ચાલે છે. યહોવાહના સાક્ષીઓ પૂરા ઉત્સાહથી ‘એ રાજ્યની સુવાર્તા આખા જગતમાં પ્રગટ’ કરીને, લોકોને એની પ્રજા બનવા આમંત્રણ આપે છે. (માત્થી ૨૪:૧૪) શું તમે એ રાજ્યની પ્રજા બની, સુખ-શાંતિમાં રહેવા ચાહો છો? એમ હોય તો, તમે એ લોકોની સંગત રાખો જેઓ પરમેશ્વરના રાજ્ય વિષે શીખીને, એના નીતિ-નિયમો પ્રમાણે જીવવા ખૂબ મહેનત કરી રહ્યા છે. પરમેશ્વરના રાજમાં એ નવી દુનિયામાં ફક્ત સચ્ચાઈથી રહેતા લોકો જ હશે. તમે પણ એમાંના એક થઈ શકો છો!​—⁠૨ પીતર ૩:⁠૧૩.

[ફુટનોટ]

^ વધારે માહિતી માટે, જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકના પાન ૯૦-૭ પર પ્રકરણ ૧૦, “દેવનું રાજ્ય શાસન કરે છે” જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓનું છે.

[પાન ૪, ૫ પર ચિત્ર]

વર્ષ ૧૯૧૪માં દેશો વિશ્વયુદ્ધમાં ડૂબી ગયા હતા

[પાન ૬ પર ચિત્રો]

યહોવાહના સાક્ષીઓ પ્રેમને કારણે એકબીજાને મદદ કરે છે

[ચિત્ર on page 7 ]

યહોવાહના સાક્ષીઓ એક સરખા શિક્ષણનો લાભ ઉઠાવે છે