સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહે અમને ટકાવી રાખ્યા

યહોવાહે અમને ટકાવી રાખ્યા

મારો અનુભવ

યહોવાહે અમને ટકાવી રાખ્યા

અઝબર્ટ હાફનરના જણાવ્યા પ્રમાણે

ચેકોસ્લોવેકિયાની અદાલતે મને દેશ છોડી દેવાનો હુકમ કર્યો.

એ જાણીને ટિબૉર હાફનેરે તરત જ મને કહ્યું કે, “ના, ના, હું તને નહિ જવા દઉં. તું રાજી

હોય તો, ચાલ આપણે લગ્‍ન કરી લઈએ. પછી તારે ક્યાંય નહિ જવું પડે.”

મને તો કંઈ જ સમજ પડતી ન હતી કે હું શું કરું. દેશ છોડી દઉં કે ટિબૉરને પરણી જાઉં? લગ્‍નનો નિર્ણય લેવો કંઈ સહેલું ન હતું. હજુ તો હું ૧૮ વર્ષની હતી. હું તો મારી યુવાની યહોવાહની ભક્તિમાં જ ગુજારવા માગતી હતી. પહેલાં તો હું ખૂબ રડી, ખૂબ પ્રાર્થના કરી. એનાથી મને મનની શાંતિ મળી. મને ધીમે ધીમે સમજ પડી કે ટિબૉર ખાલી મારા પર દયા જ કરતા ન હતા, પણ તે મને દિલથી ચાહતા હતા. મને લાગ્યું કે હું તેમની સાથે સુખેથી રહી શકીશ. અમે થોડા અઠવાડિયા પછી, જાન્યુઆરી ૨૯, ૧૯૩૮ના રોજ લગ્‍ન કરી લીધા. મારા પતિ ટિબૉરે મારા કુટુંબને પરમેશ્વરના રાજ્યની ખુશખબરી આપી હતી.

ચેકોસ્લોવેકિયા લોકશાહી દેશ હતો અને ત્યાં કોઈ પણ ગમે એ ધર્મ પાળી શકતા હતા. તો પછી, શા માટે મને એ દેશ છોડી જવાનું કહેવામાં આવ્યું? ચાલો હું તમને મારા વિષે થોડું જણાવું.

મારો જન્મ શાયોસંતપીટર, હંગેરીમાં ડિસેમ્બર ૨૬, ૧૯૧૯માં થયો હતો. આ ગામ બુડાપેસ્ટની પૂર્વે કંઈક ૧૬૦ કિલોમીટર દૂર આવેલું છે. અમે કૅથલિક હતા. મારા જન્મ પહેલાં જ મારા પપ્પા મોતની નિંદરમાં ઊંઘી ગયા હતા. મારી મમ્મીએ એક વિધુર સાથે લગ્‍ન કર્યા. તેમને પ્રથમ પત્નીના ચાર બાળકો હતા. અમે ચેકોસ્લોવેકિયાના સુંદર શહેર લુચેનયેટ્‌સમાં રહેવા ગયા. ત્યાં સાવકા કુટુંબ સાથે રહેવું મારા માટે ખૂબ અઘરું હતું. હું પાંચેય બાળકોમાં સૌથી નાની હતી. મને લાગતું કે જાણે હું તેઓ પર બોજ બની ગઈ છું. અમારા ઘરની સ્થિતિ બહુ  સારી ન હતી. મારે ઘણી વસ્તુઓ વગર ચલાવી લેવું પડતું. એટલું ઓછું હોય એમ, મારા માબાપના પ્યારની પણ હું ભૂખી જ રહી. તેઓ માટે તો હું હોઉં કે ન હોઉં, કંઈ ફરક પડતો ન હતો.

શું કોઈને જવાબ ખબર છે?

હું ૧૬ વર્ષની હતી ત્યારે, અમુક સવાલોથી કાયમ મૂંઝાયા કરતી. મને ઇતિહાસમાં બહુ રસ હતો. મેં પ્રથમ વિશ્વયુદ્ધ વિષે વાંચ્યું ત્યારે, મને ખૂબ આઘાત લાગ્યો. અરે, પોતાને ખ્રિસ્તી કહેતા સંસ્કારી દેશો જ એકબીજા સામે લડ્યા હતા! એમાં લાખો લોકો માર્યા ગયા હતા. ઘણા દેશો હજી લશ્કર અને શસ્ત્રો વધાર્યે જતા હતા. મારો સવાલ એ હતો કે, ચર્ચ તો પડોશીઓને પ્રેમ કરતા શીખવતું હતું, તો પછી આવી લડાઈ શા માટે?

હું કૅથલિક પાદરી પાસે ગઈ. મેં તેમને પૂછ્યું: “ખ્રિસ્તી તરીકે આપણે કઈ આજ્ઞા પાળવી જોઈએ? યુદ્ધમાં જઈને પાડોશીઓને મારી નાખવા કે પછી તેમને પ્રેમ કરવો? મારા પ્રશ્નથી ચિડાઈ જઈને તેમણે કહ્યું: ‘હું એ જ શીખવું છું જે મને મોટા પાદરીઓએ શીખવ્યું છે.’ પછી હું કૅલ્વિન પંથના પાદરીને અને યહુદી રાબ્બીને મળી ત્યારે પણ એવો જ જવાબ મળ્યો. પણ એ મારા પ્રશ્નનો જવાબ ન હતો. મેં લ્યૂથરન પંથના સેવકને એ સવાલ પૂછ્યો. તે પણ ગુસ્સે થઈ ગયા. પરંતુ, હું ત્યાંથી નીકળું એ પહેલાં તેમણે મને કહ્યું: “જો તારે ખરેખર એ વિષે જાણવું હોય તો, યહોવાહના સાક્ષીઓને પૂછજે.”

મેં યહોવાહના સાક્ષીઓને શોધ્યા, પણ તેઓ મળ્યા નહિ. એને થોડા દિવસો વીતી ગયા. એક દિવસ હું કામેથી ઘરે આવી ત્યારે, મારા ઘરનું બારણું ખુલ્લું જોયું. એક સુંદર યુવાન બાઇબલમાંથી કંઈક વાંચીને મારી મમ્મીને સમજાવી રહ્યો હતો. અચાનક મારા મનમાં ચમકારો થયો કે, ‘તે યહોવાહના સાક્ષી જ હોવા જોઈએ!’ અમે તેમને ઘરમાં બોલાવ્યા. તે ટિબૉર હાફનેર હતા. મને મૂંઝવતા બધા પ્રશ્નો મેં તેમને પૂછ્યા. તેમણે પોતાના વિચારો જણાવવાને બદલે બાઇબલમાંથી જ એના જવાબો બતાવ્યા. તેમણે એ પણ બતાવ્યું કે સાચા ખ્રિસ્તીઓ શાનાથી ઓળખાય છે. તેમ જ આપણે સમયના વહેણમાં ક્યાં છીએ.​—⁠યોહાન ૧૩:૩૪, ૩૫; ૨ તીમોથી ૩:​૧-૫.

થોડા જ મહિનાઓમાં મેં સોળેક વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લીધું. મને લાગ્યું કે આટલી તકલીફો પછી મને સત્ય મળ્યું છે, એ બીજાઓને જણાવવું જ જોઈએ. હું પૂરો સમય પ્રચાર કરવા લાગી. એ ૧૯૩૦ના દસકાના છેલ્લા વર્ષો હતા. ત્યારે ચેકોસ્લોવેકિયામાં આ કામ કંઈ રમત વાત ન હતી. કાનૂની રીતે અમે છૂટથી પ્રચાર કરી શકતા. પણ પાદરીઓની ઉશ્કેરણીને લીધે અમારે ઘણી સતાવણી સહેવી પડી.

સતાવણીનો પહેલો અનુભવ

એક વાર ૧૯૩૭માં હું અને એક બહેન લુચેનયેટ્‌સ ગામમાં પ્રચાર કરતા હતા. તરત પોલીસ આવી અને અમને પકડીને જેલમાં લઈ ગઈ. જેલના સિપાઈએ જોરથી દરવાજો પછાડીને બંધ કરતા કહ્યું, “તમે અહીં જ મરવાના છો.”

સાંજ સુધીમાં તો અમારી કોટડીમાં બીજી ચાર સ્ત્રીઓ આવી. અમે તેઓને દિલાસો આપ્યો તેમ જ પરમેશ્વરના રાજ્ય વિષે જણાવ્યું. ત્યારે તેઓ શાંત પડી. આખી રાત અમે તેઓ સાથે બાઇબલની ચર્ચા કરી.

સવારે છ વાગ્યે, એક સિપાઈએ મને કોટડીમાંથી બહાર બોલાવી. મેં મારી સાથેની બહેનને કહ્યું: “આપણે હવે પરમેશ્વરના રાજ્યમાં મળીશું.” મેં તેને કહ્યું: ‘જો તું બચી જાય તો જે કંઈ બન્યું એ તું મારા કુટુંબને કહેજે.’ હું મનમાં પ્રાર્થના કરીને સિપાઈ સાથે ગઈ. તે મને જેલના વિસ્તારમાં આવેલા તેના ઘરમાં લઈ ગયો. તેણે કહ્યું, “હું તને અમુક પ્રશ્નો પૂછવા માંગું છું. ગઈ કાલે રાત્રે તેં કહ્યું કે પરમેશ્વરનું નામ યહોવાહ છે. તું મને બાઇબલમાંથી એ બતાવી શકે?” ઓહ, એ સાંભળીને જાણે મારા જીવમાં જીવ આવ્યો! તે તરત પોતાનું બાઇબલ લાવ્યો. મેં તેને અને તેની પત્નીને બાઇબલમાંથી ‘યહોવાહ’ નામ બતાવ્યું. તેણે મને બીજા ઘણા પ્રશ્નો પૂછ્યા કે જેની અમે ગઈ રાતે ચાર સ્ત્રીઓ સાથે ચર્ચા કરી હતી. મેં જે જવાબ આપ્યા એનાથી તેને સંતોષ થયો. પછી તેણે તેની પત્નીને કહ્યું કે મારી માટે અને સાથી બહેન માટે નાસ્તો તૈયાર કરે.

થોડા દિવસો પછી, અમને છોડી મૂકવામાં આવ્યા. પરંતુ હું હંગેરીની હોવાથી, ન્યાયાધીશે મને ચેકોસ્લોવેકિયા છોડી જવા કહ્યું. એ જાણીને ટિબૉર હોપનરે મને તેમની જીવન-સાથી બનવા વિનંતી કરી. પછી અમે લગ્‍ન કર્યા અને તેમના માબાપને ઘરે રહેવા ગયા.

સતાવણી વધે છે

અમે બંનેએ પ્રચાર કામ તો ચાલુ જ રાખ્યું. ટિબૉરને માથે સંસ્થાની અમુક જવાબદારી પણ હતી. નવેમ્બર, ૧૯૩૮માં તો અમારા શહેરમાં હંગેરિયન સૈનિકો આવી પહોંચ્યા. બરાબર એ જ સમયે અમારા દીકરાનો જન્મ થયો. યુરોપ પર ત્યારે બીજું વિશ્વયુદ્ધ ઝઝૂમી રહ્યું હતું. હંગેરિયન લશ્કરોએ મોટા ભાગના ચેકોસ્લોવેકિયા પર કબજો જમાવી દીધો. ત્યારથી યહોવાહના સાક્ષીઓ પર સખત સતાવણી શરૂ થઈ.

ઑક્ટોબર ૧૦, ૧૯૪૨માં ટિબૉર અમુક ભાઈઓને મળવા ડેબ્રેત્સન ગયા હતા. ત્યાં તેઓ એક પુલ પર મળવાના હતા. પણ તે પાછા ઘરે ન આવ્યા. શું થયું હશે? તેમણે મને પછીથી જણાવ્યું કે શું બન્યું. ત્યાં ભાઈઓને બદલે, મજૂરના વેશમાં પોલીસ તેઓની રાહ જોઈ રહી હતી! તેઓ મારા પતિને અને પાલ નાજીપાલ નામના ભાઈને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગયા. પછી પોલીસે ડંડાથી તેમના ખુલ્લા પગોમાં એટલી હદે માર્યા કે તેઓ બેહોશ થઈ ગયા.

પછી તેઓને બૂટ પહેરીને ઊભા રહેવાનું કહેવામાં આવ્યું. તેઓના પગમાં સખત દરદ થતું હતું, તોપણ તેઓને બળજબરીથી ચાલીને રેલવે સ્ટેશને લઈ જવામાં આવ્યા. ત્યાં પોલીસ બીજા એક માણસને લઈ આવી. તેમના માથા પર એટલી તો પાટાપિંડી કરેલી હતી કે તે માંડ માંડ જોઈ શકતા હતા. તે આપણા ભાઈ એન્ડ્રશ પીલીંગ હતા. તે પણ ભાઈઓને મળવા પુલ પર આવ્યા હતા. મારા પતિને ટ્રેનમાં બુડાપેસ્ટ નજીકના આલાગ ગામમાં લઈ જવામાં આવ્યા જ્યાં બીજા ઘણા સાક્ષીઓને કેદ કરવામાં આવ્યા હતા. એક સિપાઈએ ટિબૉરના પગ જોયા ત્યારે કટાક્ષમાં કહ્યું, “લોકો કેટલા ક્રૂર હોય છે! ચિંતા ન કર, અમે તારી દવા કરીશું.” પછી બે સિપાઈઓ ટિબૉરના પગમાં જ મારવા લાગ્યા. તેમના પગમાંથી લોહી બધી બાજુ ઊડવા લાગ્યું. થોડી જ મિનિટોમાં, તે બેહોશ થઈ ગયા.

પછીના મહિને તો, ટિબૉર અને ૬૦થી વધારે ભાઈ-બહેનો પર સતાવણી આવી પડી. ભાઈ એન્ડ્રાશ બાર્ટા, ડિનેશ ફલૂવેજી અને યોનાસ કોનરાડને ફાંસીની સજા ફટકારવામાં આવી. ભાઈ એન્ડ્રશ પીલીંગને આજીવન અને મારા પતિને ૧૨ વર્ષની સજા ફટકારવામાં આવી. તેઓનો ગુનો શું હતો? વકીલે તેમના પર રાજદ્રોહી, લશ્કરી સેવામાં નહિ જોડાવાનો, જાસૂસ અને સૌથી પવિત્ર ચર્ચની નિંદા કરવાનો આરોપ મૂક્યો હતો! પછી ભાઈઓને ફાંસીની સજા બદલીને આજીવન કેદની સજા કરવામાં આવી.

મારા પતિની પાછળ પાછળ

ડેબ્રેત્સનમાં ટિબૉર અમુક ભાઈઓને મળવા ઘરેથી નીકળ્યા એના બે દિવસ પછી, સવારે છ વાગ્યે હું કપડાંને ઈસ્ત્રી કરતી હતી. અચાનક કોઈ જોરથી બારણું ખખડાવવા લાગ્યું. મને લાગ્યું કે, ‘તેઓ આવી ગયા.’ મેં બારણું ખોલ્યું તો પોલીસના છ માણસો અંદર ધસી આવ્યા. તેઓ મારા ઘરની તલાશી લેવા આવ્યા હતા. પછી ઘરમાં હતા એ બધાને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગયા. અમારી સાથે મારો ત્રણ વર્ષનો દીકરો પણ હતો. એ જ દિવસે અમને પેટરવોશસારા, હંગેરીની જેલમાં પૂરવામાં આવ્યા.

ત્યાં ગયા પછી, મને તાવ આવ્યો હોવાથી બીજા કેદીઓથી મને અલગ રાખવામાં આવી. હું સાજી થઈ ગઈ ત્યારે, મેં જોયું કે મારી કોટડીમાં મારે લીધે બે સૈનિકો લડતા હતા. એક કહેતો હતો, “તેને મારી નાખીએ! હું તેને ગોળી મારીશ!” પણ બીજો સૈનિક જોવા માગતો હતો કે હું સાજી ગઈ છું કે કેમ. મેં તેઓ પાસે જીવનની ભીખ માંગી. છેવટે તેઓ મારી કોટડીમાંથી ચાલ્યા ગયા. એ માટે મેં યહોવાહનો ખૂબ ઉપકાર માન્યો.

પૂછપરછ કરવાની સિપાઈઓની એક ખાસ રીત હતી. તેઓએ મને જમીન પર ઊંધા સૂઈ જવાનું કહ્યું. પછી તેઓએ મારા મોંમાં મોજાં ઠાંસ્યાં, મારા હાથ-પગ બાંધ્યા અને હું લોહીલુહાણ થઈ ગઈ ત્યાં સુધી મને કોરડાથી સખત મારી. એક સૈનિક તો થાકી ગયો ત્યારે મારવાનું બંધ કર્યું. પછી તેઓએ પૂછ્યું કે મારા પતિ કોને મળવા ગયા હતા. મેં કંઈ જવાબ ન આપ્યો ત્યારે, તેઓએ મને સતત ત્રણ દિવસ સુધી મારી. ચોથા દિવસે, મારા બાળકને મારી મમ્મી પાસે લઈ જવાની મને રજા આપવામાં આવી. કડકડતી ઠંડીમાં, મેં મારી ઘવાયેલી પીઠ પર બાળકને ઉઠાવ્યું અને ૧૩ કિલોમીટર ચાલીને રેલવે સ્ટેશન ગઈ. ત્યાંથી ટ્રૅનમાં ઘરે ગઈ. એ જ દિવસે મને પાછી કેમ્પમાં મોકલવામાં આવી.

મને બુડાપેસ્ટની જેલમાં છ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. હું ત્યાં ગઈ ત્યારે મને જાણવા મળ્યું કે ટિબૉર પણ એ જ જેલમાં છે. અમને એકબીજા સાથે વાત કરવાની રજા મળી ત્યારે અમારી ખુશીનો પાર ન રહ્યો! જોકે અમે  થોડી જ મિનિટો વાત કરી શક્યા, એમાં પણ વચ્ચે સળિયાની દીવાલ હતી. પણ અમે બંનેએ યહોવાહનો અમારા માટેનો પ્રેમ અનુભવ્યો. અમને એ અમૂલ્ય પળોથી ખૂબ ઉત્તેજન મળ્યું. પછી એકબીજાને ફરી મળીએ એ પહેલાં અમે ભયંકર સતાવણી સહન કરી. ઘણી વાર તો અમે મોતના મોંમાંથી બચી ગયા.

એક જેલમાંથી બીજી જેલમાં

એક વાર આશરે ૮૦ બહેનો સાથે મને એક નાની કોટડીમાં પૂરવામાં આવી હતી. અમે ભક્તિમાં ઠંડા ન પડીએ એ માટે બાઇબલ કે બીજા પુસ્તકો મેળવવા કોશિશ કરતા હતા. પરંતુ કોઈ પણ રીતે એ જેલમાં લાવવાનું અશક્ય લાગતું હતું. પણ જો જેલમાંથી જ અમને કંઈક મળી જાય તો કેવું સારું! ચાલો અમે શું કર્યું એ તમને જણાવું. મેં ખુશી ખુશી જેલના બધા ક્લાર્કના મોજાં સાંધવાનું ચાલુ કર્યું. પછી મેં એક મોજાંમાં ચિઠ્ઠી મૂકીને જેલની લાઇબ્રેરીમાંના બાઇબલનો કેટલોગ નંબર આપવા વિનંતી કરી. તેઓને કોઈ શંકા ન થાય એ માટે, મેં બીજા બે પુસ્તકના નામ પણ ઉમેર્યા.

બીજા દિવસે, ક્લાર્ક પાસેથી મોજાં આવ્યા. એમાંના એકમાં મારા પ્રશ્નનો જવાબ હતો. ત્યાર પછી મેં એ નંબર સિપાઈને આપીને પુસ્તકો મંગાવ્યાં. એ પુસ્તકો સાથે અમને બાઇબલ પણ મળ્યું! બીજા પુસ્તકો અમે દર અઠવાડિયે લાઇબ્રેરીમાં બદલાવતા, પરંતુ બાઇબલ અમારી પાસે જ રાખ્યું. સિપાઈ એના વિષે પૂછતો ત્યારે, અમે કહેતા: “એ બહુ મોટું પુસ્તક છે, અને બધા એને વાંચવા માંગે છે.” આમ, અમે બાઇબલ વાંચી શકતા હતા.

એક દિવસ મોટા અફસરે મને તેમની ઑફિસમાં બોલાવી. તે મારી સાથે કંઈક વધારે પડતા પ્રેમથી વાત કરતા હતા.

તેમણે કહ્યું, “શ્રીમતી હાફનર, હું તમને એક ખુશખબરી આપવા માંગું છું. તમે ઘરે જઈ શકો છો. કદાચ કાલે. અરે, જો આજની ગાડી હોય તો આજે પણ જઈ શકો છો.”

હું ખુશીની મારી ઊછળી પડી, “એ તો બહુ સારા સમાચાર છે!”

“હા, એ તમારા માટે સારા સમાચાર છે. તમને નાનું બાળક પણ છે અને મને લાગે છે કે તમે તેને સારી રીતે ઉછેરવા માંગો છો. પરંતુ, એ પહેલા તમારે આ પત્ર પર સહી કરવાની છે.”

“એ શાના વિષે છે?” મેં પૂછ્યું.

“ચિંતા ન કરો, તમે ફક્ત એના પર સહી કરીને જઈ શકો છો. એક વાર ઘરે ગયા પછી તમને જે કરવું હોય એ કરી શકો છો. પરંતુ, હમણાં તો તમારે સહી કરવી જ પડશે કે તમે હવે યહોવાહના સાક્ષી નથી.”

હું એકદમ પાછળ હઠી ગઈ અને મક્કમપણે ના પાડી.

તે મારા પર એકદમ ગુસ્સે થઈ ગયા અને કહ્યું, “તો પછી, અહીં જ મરો.” મને પાછી જેલમાં મોકલી દેવામાં આવી.

પછી ૧૯૪૩માં મને બુડાપેસ્ટની બીજી જેલમાં મોકલવામાં આવી. ત્યાર પછી, મારીયાનોસ્ટ્ર ગામના એક આશ્રમમાં મને મોકલવામાં આવી કે જ્યાં ૭૦ સાધ્વીઓ હતી. ત્યાં તો પૂરતું ખાવાનું પણ મળતું ન હતું અને બીજી અપાર તકલીફો હતી. તોપણ અમે સાધ્વીઓને સુંદર આશા વિષે જણાવતા હતા. એક સાધ્વીએ તો શુભસંદેશમાં ખૂબ રસ બતાવ્યો અને કહ્યું: “તમે કેવું સરસ શીખવો છો! મેં આવું ક્યારેય સાંભળ્યું નથી. મને વધારે જાણવું છે.” પછી અમે તેને નવી દુનિયા અને અદ્‍ભુત જીવન વિષે જણાવવા લાગ્યા. અમે એ વિષયમાં વાત જ કરતા હતા ત્યાં મેટ્રન આવી પહોંચી. તરત તે સાધ્વીને લઈ જવામાં આવી. પછી તેના કપડાં ફાડીને કોરડાથી ખૂબ માર મારવામાં આવી. અમે તેને ફરી વાર મળ્યા ત્યારે, તેણે વિનંતી કરી: “પ્લીઝ, તમે યહોવાહને પ્રાર્થના કરો કે તે મને અહીંથી બચાવીને બહાર કાઢે. મારે પણ યહોવાહના સાક્ષી બનવું છે.”

પછી અમને દાનુ નદી પાસે આવેલા કોમરોમ શહેરની જૂની જેલમાં ખસેડવામાં આવ્યા. એ જેલ બુડાપેસ્ટની પશ્ચિમે ૮૦ કિલોમીટર દૂર આવેલી છે. અહીંનું રહેવાનું તો એકદમ ખરાબ હતું. બીજી બહેનોની જેમ મને પણ ટાઈફસ નામનો તાવ આવ્યો. એના લીધે મને લોહીની ઊલટીઓ પણ થતી હતી જેનાથી હું સાવ નબળી પડી ગઈ. અમને કોઈ દવા મળતી ન હોવાથી મને તો એવું જ લાગતું હતું કે હું મરી જઈશ. એ જ સમયે જેલના અફસર, ઑફિસ કામ કરી શકે એવી વ્યક્તિને શોધતા હતા. બહેનોએ મારું નામ આપ્યું. મને દવા આપવામાં આવી અને હું સાજી થઈ.

વિખૂટા પડેલા કુટુંબનું મિલન

પછી પૂર્વથી સોવિયત લશ્કર ચઢી આવ્યું ત્યારે, અમને પશ્ચિમ બાજુ ખસેડવામાં આવ્યા. અમે એવી તો ભયંકર હાલતમાંથી પસાર થયા કે હું એનું વર્ણન કરું તો શબ્દો ખૂટી પડે. એટલું જરૂર કહીશ કે હું કેટલીય વાર મોતના પંજામાંથી બચી ગઈ હતી. યહોવાહે મને બચાવી રાખી એ માટે તેમનો ખૂબ ઉપકાર માનું છું. યુદ્ધનો અંત આવ્યો ત્યારે, અમે ટિબૉરના ચેઝ શહેરમાં હતા. એ પારાહાથી કંઈક ૮૦ કિલોમીટર દૂર હતું. મને અને મારી નણંદ, માગ્દાલેનાને લુચેનયેટ્‌સમાં ઘરે પહોંચતા ત્રણેક અઠવાડિયાં લાગ્યાં. આખરે, મે ૩૦, ૧૯૪૫માં અમે ઘરે પહોંચ્યા.

મેં દૂરથી મારા સાસુ, ટિબૉર અને મારા દીકરાને આંગણે ઊભેલા જોયા. તેઓને જોઈને જ મારું દિલ ભરાઈ આવ્યું અને મેં જોરથી બૂમ પાડી, “ટિબિકા!” તે તરત દોડી આવીને મારી બાહુઓમાં ભરાઈ ગયો. “મમ્મી, હવે તો તું નહિ જાય ને?” આ તેના પહેલા શબ્દો હતા કે જે હું કદી નહિ ભૂલું.

મારા પતિ ટિબૉર પર પણ યહોવાહની દયા હતી. બુડાપેસ્ટની જેલમાંથી તેમને બોરની જુલમી છાવણીમાં મોકલવામાં આવ્યા કે જ્યાં લગભગ ૧૬૦ ભાઈઓ હતા. તેઓ પણ કેટલીય વાર મોતના મોંમાંથી બચી ગયા હતા. મારાથી એક મહિના પહેલાં એપ્રિલ ૮, ૧૯૪૫માં તે ઘરે પહોંચ્યા.

યુદ્ધ પછી પણ અમને યહોવાહની શક્તિની જરૂર હતી. ચેકોસ્લોવેકિયામાં હવે સામ્યવાદી સરકાર રાજ કરવા લાગી હતી. કંઈક ૪૦ વર્ષ સુધી તેમના રાજમાં અમારે બીજી ઘણી સતાવણી સહેવાની હતી. ટિબૉરને ફરીથી લાંબા સમયની જેલની સજા ફટકારવામાં આવી. મારે તેમના વગર જ અમારા દીકરાને ઉછેરવાનો હતો. તે જેલમાંથી છૂટ્યા પછી પ્રવાસી નિરીક્ષક તરીકે સેવા આપવા લાગ્યા. સામ્યવાદીઓના ૪૦ વર્ષના રાજ દરમિયાન, અમે પ્રચાર કરવાની દરેક તક ઝડપી લીધી. એના લીધે અમે ઘણા લોકોને સત્ય શીખવી શક્યા. આમ, તેઓ અમારા આત્મિક બાળકો બન્યા.

વર્ષ ૧૯૮૯માં અમને ધર્મ પાળવાની આઝાદી મળી ત્યારે, અમારી ખુશીનો પાર ન રહ્યો! એના બીજા જ વર્ષે લાંબા સમય પછી અમારા દેશમાં પહેલું સંમેલન રાખવામાં આવ્યું. એમાં અમે એવા હજારો ભાઈબહેનોને જોયા જેઓ દાયકાઓથી યહોવાહની ભક્તિમાં અડગ રહ્યા હતા. હા, યહોવાહે તેઓ સર્વને ટકી રહેવા મદદ કરી હતી.

મારા પતિ જીવનભર યહોવાહને વફાદાર રહ્યા હતા. તે ઑક્ટોબર ૧૪, ૧૯૯૩માં મરણ પામ્યા. હવે હું મારા દીકરાની નજીકમાં જ સ્લોવાકિયાના ઝિલિના ગામમાં રહું છું. મારામાં હવે પહેલા જેવી શક્તિ રહી નથી, પરંતુ યહોવાહ મને શક્તિ આપે છે. મને દૃઢ ખાતરી છે કે યહોવાહની શક્તિથી હું આ દુનિયાની ગમે એવી મુશ્કેલીઓ સહી શકીશ. યહોવાહની અપાર કૃપાથી હું હંમેશનું જીવન મેળવવાની આશા રાખું છું.

[પાન ૨૦ પર ચિત્ર]

મારો દીકરો ટિબૉર જુનિયર (૪ વર્ષ ) કે જેને છોડીને મારે જવું પડ્યું

[પાન ૨૧ પર ચિત્ર]

મારા પતિ ટિબૉર, બીજા ભાઈઓ સાથે બોરમાં

[પાન ૨૨ પર ચિત્ર]

ટિબૉર અને મારી નણંદ માગ્દાલેન, ૧૯૪૭માં બ્રાનોમાં

[પાન ૨૩ પર ચિત્ર]

યહોવાહે મને ઘણી વાર મોતના પંજામાંથી બચાવી