વાચકો તરફથી પ્રશ્નો
વાચકો તરફથી પ્રશ્નો
ઈસુએ શિષ્યોને કહ્યું: “મેં શેતાનને વીજળીની પેઠે આકાશથી પડેલો જોયો.” તેમના કહેવાનો શું અર્થ હતો?
ઈસુએ ૭૦ શિષ્યોને પ્રચાર કરવા માટે પસંદ કર્યા. પછી “પ્રત્યેક શહેર તથા જગામાં તે પોતે જવાનો હતો, ત્યાં તેઓમાંના બબ્બેને પોતાની આગળ મોકલ્યા.” આ ૭૦ શિષ્યો પ્રચાર કરીને પાછા આવ્યા ત્યારે, તેઓ ખૂબ આનંદમાં હતા. તેઓએ ઈસુને કહ્યું: “પ્રભુ, તારા નામથી ભૂતો પણ અમારે તાબે થયાં છે.” ત્યારે ઈસુએ કહ્યું કે, “મેં શેતાનને વીજળીની પેઠે આકાશથી પડેલો જોયો.”—લુક ૧૦:૧, ૧૭, ૧૮.
આ વાંચીને આપણને એવું જ લાગી શકે કે ઈસુ કોઈ બની ગયેલા બનાવની વાત કરે છે. પણ ઈસુએ જે કહ્યું એના ૬૦ વર્ષ પછી, યોહાને એવા જ શબ્દો લખ્યા: “તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો; અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.”—પ્રકટીકરણ ૧૨:૯.
યોહાને આ શબ્દો લખ્યા ત્યારે, શેતાન હજુ પણ સ્વર્ગમાં જ હતો. આપણે એમ કહી શકીએ, કારણ કે પ્રકટીકરણ ઇતિહાસનું નહિ, ભવિષ્યવાણીઓનું પુસ્તક છે. (પ્રકટીકરણ ૧:૧) યોહાને એ પુસ્તક લખ્યું ત્યારે, શેતાન હજુ પૃથ્વી પર ફેંકી દેવાયો ન હતો. પુરાવાઓ બતાવે છે કે ઈસુ ૧૯૧૪માં પરમેશ્વરના રાજ્યના રાજા બન્યા. એના થોડા સમય પછી શેતાનને નીચે ફેંકવામાં આવ્યો. *—પ્રકટીકરણ ૧૨:૧-૧૦.
તો પછી, શા માટે ઈસુએ એવી રીતે કહ્યું કે જાણે શેતાનને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો હોય? કેટલાક નિષ્ણાતો કહે છે કે ઈસુના શિષ્યો અભિમાન કરતા હતા, એટલે ઈસુ તેઓને ધમકાવ્યા. ઈસુએ જાણે શિષ્યોને કહ્યું કે ‘તમે ભૂતો પર વિજય મેળવ્યો, પણ એને લીધે બડાઈ ન હાંકો. શેતાન ઘમંડી બન્યો અને તેની પડતી થઈ.’
આ બાબત વિષે આપણે વાદ-વિવાદ કરવાની જરૂર નથી. પણ અહીં ઈસુ પોતાના શિષ્યો સાથે ભેગા મળી ખુશ થતા હતા, કેમ કે નજીકમાં શેતાનનો નાશ થવાનો હતો. ઈસુ પોતાના શિષ્યો કરતાં, સારી રીતે જાણતા હતા કે શેતાન કેટલો કટ્ટર દુશ્મન છે. પણ શક્તિશાળી ભૂતો પોતાના શિષ્યોને આધીન થયા એ સાંભળીને ઈસુને કેટલો આનંદ થયો હશે! જલદી જ ઈસુ, પ્રમુખ દૂત મીખાએલ, લડાઈમાં જીતીને શેતાનને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દેવાના હતા.
ઈસુએ કહ્યું કે તેમણે શેતાનને “નીચે પડતાં” જોયો ત્યારે તે જણાવતા હતા કે શેતાન ખરેખર પડશે જ. બાઇબલની અમુક ભવિષ્યવાણીઓ એવી રીતે લખવામાં આવી છે કે જાણે તેઓ બની જ ગઈ હોય. દાખલા તરીકે, યશાયાહ ૫૨:૧૩-૫૩:૧૨માં મસીહ વિષેની ભવિષ્યવાણી એવી રીતે લખાઈ છે, કે જાણે એ બની જ ગઈ હોય. ઈસુને પૂરો ભરોસો હતો કે યહોવાહના હેતુ પ્રમાણે જ, શેતાનને સ્વર્ગમાંથી ફેંકી દેવામાં આવશે. વળી પરમેશ્વરના સમયે, શેતાન અને તેના દૂતોને ઊંડાણમાં નાખી દેવામાં આવશે. પછી હંમેશને માટે તેઓનો નાશ કરવામાં આવશે.—રૂમી ૧૬:૨૦; હેબ્રી ૨:૧૪; પ્રકટીકરણ ૨૦:૧-૩, ૭-૧૦.
[ફુટનોટ]
^ જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકનું પ્રકરણ ૧૦ અને પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા પુસ્તકનું પ્રકરણ ૨૭ જુઓ. આ બંને પુસ્તકો યહોવાહના સાક્ષીઓના છે.