સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણે સારું માર્ગદર્શન ક્યાંથી મેળવી શકીએ?

આપણે સારું માર્ગદર્શન ક્યાંથી મેળવી શકીએ?

આપણે સારું માર્ગદર્શન ક્યાંથી મેળવી શકીએ?

સુખી જીવન કોણ નથી ચાહતું? પણ એ મેળવવા આપણને સારા માર્ગદર્શનની જરૂર છે. પછી એ સલાહને જીવનમાં લાગુ પાડવી જોઈએ. પણ આજે, ઘણા લોકો સારી સલાહ પાળતા નથી. ઘણા કહે છે કે ‘તમને જે કરવું હોય, એ કરો.’ આવું વલણ માણસજાતની શરૂઆતથી આવ્યું છે. બાઇબલ કહે છે કે ઈશ્વરનો દુશ્મન શેતાન, મનુષ્યોને શરૂઆતથી જ અવળે માર્ગે દોરી ગયો છે. શેતાને સૌથી પહેલી સ્ત્રી હવાને લાલચ આપતા કહ્યું હતું: “દેવ જાણે છે કે તમે [ફળ] ખાશો તેજ દિવસે તમારી આંખો ઊઘડી જશે, ને તમે દેવના જેવાં ભલુંભૂંડું જાણનારાં થશો.”—ઉત્પત્તિ ૩:૫.

શેતાનની સલાહ પાળીને શું આદમ અને હવા સુખી થયા? જરાય નહિ. એને બદલે, તેઓએ ખાટાં ફળો ચાખવા પડ્યાં. તેઓ ઈશ્વરનો આશીર્વાદ ગુમાવીને પાપી બન્યા. છેવટે, તેઓ મોતના મોંમાં ચાલ્યા ગયા. (ઉત્પત્તિ ૩:૧૬-૧૯, ૨૩) દુઃખની વાત છે કે તેઓએ આપણને પણ એ વારસો આપ્યો. બાઇબલ કહે છે કે, “જેમ એક માણસથી જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ; અને સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.”—રૂમી ૫:૧૨.

આદમ અને હવાના ખોટા નિર્ણયથી આપણને કેટલું દુઃખ સહેવું પડ્યું છે. તેમ છતાં, ઘણા લોકો હજી માનવા તૈયાર નથી કે પરમેશ્વરનું માર્ગદર્શન સૌથી સારું છે. બાઇબલમાં લખેલું છે કે ‘એ ઈશ્વરપ્રેરિત છે, તેથી એ સર્વ સારાં કામ કરવા’ મદદ કરે છે. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) પણ શું બાઇબલની સલાહ પાળવાથી આપણે પરિવારમાં ખરેખર ખુશી થઈશું? હા, ચાલો આપણે જોઈએ.

સુખી લગ્‍નજીવન

પરમેશ્વરની ઇચ્છા છે કે બંને જીવનસાથી હંમેશાં ભેગા રહે. (ઉત્પત્તિ ૨:૨૨-૨૪; માત્થી ૧૯:૬) બાઇબલ એ પણ કહે છે કે તેઓએ વ્યભિચાર કરવો જોઈએ નહિ. (હેબ્રી ૧૩:૪) પણ તમે પોતે જોયું હશે કે આજે લોકો લાજ-શરમ વગર પાપ કરે છે. કામધંધા પર પણ તેઓ એકબીજા સાથે લફરાં કરે છે. બીજાઓ લગ્‍નસાથીને જૂઠું બોલીને વ્યભિચાર કરે છે. અફસોસની વાત એ છે કે અમુક તો કુટુંબ છોડીને કોઈ યુવાન માણસ કે સ્ત્રી સાથે રહેવા જાય છે. જેમ પહેલા લેખમાં વેરોનિકાને થયું હતું.

લોકો ભલે મન ફાવે તેમ વર્તે, તેઓ કદીયે ખુશ થવાના નથી. ચાલો આપણે રોનાલ્ડનો દાખલો જોઈએ. તે છેલ્લાં છ વર્ષથી ચુપકે-ચુપકે વ્યભિચાર કરતો હતો. એ સ્ત્રીથી તેને બે બાળકો પણ થયા હતા. છેવટે, તેણે પત્નીને છોડી દીધી અને એ સ્ત્રી સાથે રહેવા ગયો. પણ થોડા સમય બાદ, એ સ્ત્રી તેને દગો દઈને ચાલી ગઈ! હવે રોનાલ્ડ ક્યાંયનો ન રહ્યો અને તેના માબાપ સાથે રહેવા ગયો. રોનાલ્ડે કહ્યું કે, ‘હવે મારું જીવન સાવ કંગાળ થઈ ગયું છે.’ આવો કડવો અનુભવ, દુનિયા ફરતે સંભળાય છે. સ્વાર્થને લીધે હજારો યુગલોના છૂટાછેડા થઈ જાય છે. અરે, દુઃખની વાત એ છે કે નાજુક બાળકોને પણ એના લીધે ઘણું સહેવું પડે છે.

પણ જો લોકો બાઇબલની સલાહ પાળે, તો તેઓને આવું દુઃખ કદીયે સહેવું પડશે નહિ. રોબેટો કહે છે: ‘અમે કદીયે મનમાં પણ વ્યભિચાર કર્યો નથી. અમે કદી એકબીજાથી છૂટા રહ્યા નથી. એના બદલે, અમે એકબીજાને ખૂબ ચાહીએ છીએ. વર્ષોથી અમે સાથે જ રહ્યા છીએ. કેમ? કારણ કે અમે બાઇબલની સલાહ પાળીએ છીએ.’ રોબેટોએ હંમેશાં આ સલાહ ધ્યાનમાં રાખે છે કે કોઈ ‘પોતાની પત્ની સાથે કપટથી ન વર્તે.’ (માલાખી ૨:૧૫) હવે બાળકો મોટા કરવા વિષે બાઇબલ શું કહે છે? ચાલો આપણે જોઈએ.

બાળકોને સારી રીતે ઉછેરવા

અમુક વર્ષો પહેલાં ભણેલા-ગણેલા લોકો માબાપને કહેતા કે, ‘બાળકોને જે કંઈ કરવું હોય, એ કરવા દો. તેઓ ફૂલ જેવા છે. ભલામણ આપીને નિયમો ઠોકી બેસાડીને તેઓને કચડી ન નાખો, પણ તેઓને પોતાના સમયે ખીલવા દો. છૂટ આપવાથી તેઓ નિર્ણયો લેતા શીખશે. તેઓ સારા સંસ્કારો પણ શીખશે.’ અરે, અમુક જગ્યાએ તો સ્કૂલના શિક્ષકોએ જ બાળકોને કહ્યું કે ‘જો તમને ભણવું હોય તો સારું. તમને બહાર રમવું હોય, તોપણ વાંધો નહિ. તમને જે ગમે એ કરો.’ એક સ્કૂલનો તો એવો નિયમ હતો કે ‘બાળકોને અનુભવની જરૂર છે. તેથી તેઓ સ્કૂલમાં કંઈ પણ કરી શકે છે. તેઓને કોઈ જાતની સજા મળશે નહિ.’ આવી ખોટી સલાહને લીધે આજે પણ અમુક મનોવિજ્ઞાનિકો કહે છે કે ‘બાળકોને કોઈ જાતની શિસ્ત આપવી ન જોઈએ. પછી ભલેને તેઓને એની જરૂર હોય.’

આવી સલાહનું શું પરિણામ આવ્યું છે? ઘણા લોકો માને છે કે આજના માબાપોએ બાળકોને ‘સાવ છૂટ આપી દીધી છે.’ એટલે બાળકો બગડી જાય છે અને ડ્રગ્સને રવાડે ચઢીને વધુને વધુ હિંસા કરે છે. થોડો સમય પહેલાં અમેરિકામાં થયેલા એક સર્વેમાં ૭૦ ટકા લોકોએ કહ્યું કે ‘બાળકોને શિસ્ત મળી નથી.’ બીજાઓએ કહ્યું કે ‘માબાપો કંઈ કરતા નથી. એટલે આજકાલ બાળકો સ્કૂલમાં કે બજારમાં એકબીજાને ગોળી મારે છે, કે ખૂનની નદીઓ વહેવડાવે છે.’ તમે કહેશો કે બધા બાળકો કંઈ ખૂન કરતા નથી. પણ હકીકત એ છે કે બાળકોને યોગ્ય રીતે ન ઉછેરવાથી તેઓ બગડી જશે. એના માઠાં પરિણામો સર્વને ચાખવા પડે છે.

તો બાઇબલ માબાપોને કેવી સલાહ આપે છે? એ કહે છે: “મૂર્ખાઈ બાળકના હૃદયની સાથે જોડાએલી છે; પણ શિક્ષાની સોટી તેનામાંથી તેને દૂર હાંકી કાઢશે.” (નીતિવચનો ૨૨:૧૫) બાઇબલ એ પણ કહે છે કે બાળકોને હંમેશાં પ્રેમથી શિસ્ત આપવી જોઈએ. તેઓને કદી ગુસ્સામાં મારવું ન જોઈએ.

આવી બાઇબલ સલાહ પાળવાથી ઘણો ફાયદો થાય છે. મૅક્સિકોના આર્ટુરોનો વિચાર કરો. તે ૩૦ વર્ષનો છે, અને થોડો સમય પહેલાં જ તેણે લગ્‍ન કર્યા છે. તે કહે છે: ‘અમે નાના હતા ત્યારે જાણતા હતા કે ઘરમાં પપ્પા અને મમ્મીનું રાજ ચાલે છે. જો હું કે મારા ભાઈઓ તોફાન કરતા, તો તેઓ શિસ્ત આપતા. પણ મોટા ભાગના સમયે તેઓ અમારી સાથે દિલથી વાત કરતા. એ દિવસો મને બહુ યાદ આવે છે! હું ખૂબ સુખી છું કેમ કે નાનપણથી મારા માબાપે મને સારું માર્ગદર્શન આપ્યું છે.’

સારાં માર્ગદર્શનને વળગી રહો!

બાઇબલમાં ફક્ત ઈશ્વરનું જ માર્ગદર્શન છે. તેથી એના સિવાય, આપણે બીજે ક્યાંય સારી સલાહ મેળવી શકીશું નહિ. બાઇબલ ફક્ત કુટુંબને લગતી જ સલાહ આપતું નથી. એ આપણને સારા સંસ્કાર પણ આપે છે. એ પાળીને આપણે દુનિયાના લોકોથી જુદા રહી શકીએ.

આપણા સરજનહાર યહોવાહે કહ્યું છે: “કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.” (ગીતશાસ્ત્ર ૩૨:૮) હા, પરમેશ્વર તમને ખૂબ ચાહે છે. તે તમારું દરેક રીતે ધ્યાન રાખવા માગે છે. પણ શું તમે તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલશો? કેમ નહિ કે આપણે આ બાઇબલ સલાહ દિલમાં ઉતારીએ: “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.”—નીતિવચનો ૩:૫, ૬.

બાઇબલ વાંચવાથી આપણે યહોવાહને સારી રીતે ઓળખી શકીશું. એ ખૂબ મહેનત માગી લે છે. પણ એમ કરવાથી આપણે “હમણાંના તથા હવે પછીના જીવનનું” વરદાન મેળવીશું.—૧ તીમોથી ૪:૮; ૬:૬.

બાઇબલ બીજી કઈ બાબતો વિષે સલાહ આપે છે? એ પાળવાથી તમારા પર કયા આશીર્વાદો આવશે? એના જવાબો મેળવવા, કેમ નહિ કે તમે દરરોજ બાઇબલ તપાસો. એમ કરીને તમે આજકાલની અનેક મુશ્કેલીઓ સહી શકશો. એટલું જ નહિ, તમે સુખ-શાંતિથી ભરેલી ઈશ્વરની નવી દુનિયામાં પણ જીવી શકશો. ત્યારે યહોવાહ પોતે તમને શીખવશે!—યશાયાહ ૫૪:૧૩.

[પાન ૫ પર ચિત્ર]

બાઇબલની સલાહ પાળવાથી લગ્‍નબંધન અતૂટ બને છે

[પાન ૬ પર ચિત્રો]

બાઇબલની સલાહ એટલી ચુસ્ત નથી કે આપણે મજા ન માણી શકીએ

[પાન ૭ પર ચિત્રો]

બાઇબલની સલાહ પાળવાથી આપણે સુખી બની શકીએ