સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણો વિરોધ કેમ થાય છે?

આપણો વિરોધ કેમ થાય છે?

આપણો વિરોધ કેમ થાય છે?

“કારણ વગર તેઓએ મારો ધિક્કાર કર્યો.”—યોહાન ૧૫:૨૫, IBSI.

૧, ૨. (ક) લોકો સાક્ષીઓ વિષે ખરાબ બોલે છે ત્યારે કેમ અમુકને નવાઈ લાગે છે? આપણે કેમ નવાઈ ન પામવું જોઈએ? (ખ) આપણે આ લેખમાં કેવા ધિક્કારની ચર્ચા કરીશું? (ફુટનોટ જુઓ.)

 આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓ બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવવા પ્રયત્ન કરે છે. એ કારણે ઘણા દેશોમાં લોકો તેઓના ખૂબ જ વખાણ કરે છે. તોપણ, કોઈક વાર સાક્ષીઓ વિષે ખોટી અફવા ફેલાય છે. દાખલા તરીકે રશિયાના સેંટ પીટ્‌સબર્ગ શહેરના એક અધિકારીને યહોવાહના સાક્ષીઓ વિષે આવી ફરિયાદ મળી: “યહોવાહના સાક્ષીઓ ખતરનાક પંથ છે. તેઓ છાનીછૂપી રીતે ભેગા મળે છે. પોતાના બાળકોનો ભોગ આપ્યા પછી પોતે આપઘાત કરે છે.” પણ દસ વર્ષ પછી રશિયામાં યહોવાહના સાક્ષીઓના સંમેલનમાં આ અધિકારીએ જોયું કે આ સાચું ન હતું. તે કહે છે: ‘હું જોઉં છું કે તેઓ પ્રેમાળ અને શાંત સ્વભાવના છે. તેઓને એકબીજા માટે ખૂબ જ પ્રેમ છે. મને ખબર નથી કે તેઓ વિષે લોકો કેમ આવું જૂઠું બોલે છે.’—૧ પીતર ૩:૧૬.

યહોવાહના સાક્ષીઓ પર આવા જૂઠા આરોપો મૂકવામાં આવે છે. તેઓ એ પણ જાણે છે કે લોકો એવું કરતા જ રહેશે. ઈસુએ તેમના શિષ્યોને ચેતવતા કહ્યું: ‘જગત તમને ધિક્કારે છે, પણ તે પહેલાં જગતે મારો ધિક્કાર કર્યો છે. શાસ્ત્રમાં જે કહ્યું હતું તે પરિપૂર્ણ થાય છે કે કારણ વગર તેઓએ મારો ધિક્કાર કર્યો.’ * (યોહાન ૧૫:૧૮-૨૦, ૨૫, IBSI; ગીતશાસ્ત્ર ૩૫:૧૯; ૬૯:૪) એ પહેલાં પણ ઈસુએ શિષ્યોને આમ કહ્યું હતું: “જો ઘરના ધણીને તેઓએ બાલઝબુલ કહ્યો છે, તો તેના ઘરના લોકોને કેટલું વિશેષે કરીને તેઓ એમ જ કહેશે?” (માત્થી ૧૦:૨૫) યહોવાહના સેવકો જાણે છે કે ઈસુને પગલે ચાલવાથી તેઓએ અપમાન સહેવું પડશે.—માત્થી ૧૬:૨૪.

૩. સાચા ભક્તોની ક્યારથી સતાવણી થઈ રહી છે?

હજારો વર્ષોથી ઈશ્વરના ભક્તો પર સતાવણી થતી આવી છે. બાઇબલ કહે છે કે એ તો “ન્યાયી હાબેલના” સમયથી થતી આવી છે. (માત્થી ૨૩:૩૪, ૩૫) મોટા ભાગના ઈશ્વર ભક્તો પર એવું જ વીત્યું છે. ઈસુએ કહ્યું: “મારા શિષ્યો હોવાને લીધે તમારો તિરસ્કાર કરવામાં આવશે.” (માથ્થી ૧૦:૨૨, IBSI) પછી પ્રેષિત પાઊલે પણ લખ્યું કે સર્વ ઈશ્વર ભક્તોની સતાવણી થશે જ. (૨ તીમોથી ૩:૧૨) એનું શું કારણ છે?

શેતાન યહોવાહના ભક્તોને ધિક્કારે છે

૪. ઈશ્વરના ભક્તોને કોણ સખત નફરત કરે છે? એ વિષે બાઇબલ શું કહે છે?

બાઇબલ જણાવે છે કે મનુષ્યની શરૂઆતથી જ યહોવાહનો એક દુશ્મન ઊભો થયો. જેને આપણે જોઈ શકતા નથી. તે શેતાન છે. શેતાને પ્રથમ ઈશ્વરભક્ત હાબેલને તેના ભાઈ કાઈનને હાથે મારી નખાવ્યો. બાઇબલ કહે છે કે ‘કાઈન દુષ્ટ હતો.’ તે શેતાનને ઇશારે ચાલતો હતો. (૧ યોહાન ૩:૧૨) શેતાને એનો લાભ ઉઠાવીને પોતાની મરજી પૂરી કરાવી. બાઇબલ એ પણ બતાવે છે કે શેતાને, ઈશ્વર ભક્ત અયૂબ અને ઈસુ સાથે કેવો ક્રૂર વર્તાવ કર્યો. (અયૂબ ૧:૧૨; ૨:૬, ૭; યોહાન ૮:૩૭, ૪૪; ૧૩:૨૭) બાઇબલમાં પ્રકટીકરણનું પુસ્તક જણાવે છે કે ઈસુના શિષ્યો પર કોણ જુલમ કરે છે. પ્રકટીકરણ ૨:૧૦ કહે છે: “તમારૂં પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે.” આપણો વાંક ન હોવા છતાં શેતાન આજે આપણને નફરત કરી રહ્યો છે.

૫. શેતાન શા માટે યહોવાહના ભક્તોને ખૂબ નફરત કરે છે?

શા માટે શેતાન યહોવાહના ભક્તોની એટલી નફરત કરે છે? શેતાનને ‘સનાતન યુગોના રાજા’ યહોવાહથી ચડિયાતા બનવું છે. એટલે તે યહોવાહની સામો થયો છે. (૧ તીમોથી ૧:૧૭; ૩:૬) શેતાનનો દાવો છે કે યહોવાહ તેમના ભક્તો પર સખત જુલમથી રાજ કરે છે. તેનું કહેવું છે કે યહોવાહના સર્વ ભક્તો સ્વાર્થના સગા છે. જો તેને તક આપવામાં આવે તો, તે ઈશ્વરના સર્વ ભક્તોની એવી કસોટી કરે કે તેઓ યહોવાહને ભજવાનું છોડી દે. (ઉત્પત્તિ ૩:૧-૬; અયૂબ ૧:૬-૧૨; ૨:૧-૭) એમ કરીને શેતાન બતાવવા ચાહે છે કે, યહોવાહ વિશ્વના રાજા બનવા માટે જરાય લાયક નથી. તે યહોવાહને જૂઠાબોલા અને જુલમી ઠરાવવા માંગે છે, જેથી તે પોતે વિશ્વનો રાજા બને. એ કારણથી તે યહોવાહના ભક્તોની શ્રદ્ધા તોડી નાખવા બનતું બધું જ કરે છે, જેથી બધા જ ઈશ્વરને બદલે શેતાનને ભજે.—માત્થી ૪:૮, ૯.

૬. (ક) આપણે કઈ રીતે બતાવી શકીએ કે યહોવાહ જ વિશ્વના રાજા છે? (ખ) શેતાને યહોવાહને જે પડકાર ફેંક્યો એ સમજવાથી વિશ્વાસમાં અડગ રહેવા આપણને કેવી રીતે મદદ મળશે? (પાન ૧૬ પર પર બૉક્સ જુઓ.)

તમે કયા માર્ગે ચલશો? એ નિર્ણય લેતા પહેલાં ચાલો આપણે અમુક સિદ્ધાંતો લઈએ. તમે યહોવાહના સેવક હોવાથી અનુભવ્યું જ હશે કે, ઈશ્વરને માર્ગે ચાલવું કંઈ રમત વાત નથી. તોપણ તમે જાણો છો કે એમ કરવાથી પુષ્કળ આશીર્વાદો આવે છે. ધારો કે અમુક સંજોગોને લીધે યહોવાહની સેવા કરવી તમારા માટે મહા મુશ્કેલ હોય. તો તમે શું કરશો? યહોવાહની સેવા કરવાથી તમને કોઈ લાભ થતો નથી, એવું લાગતું હોય તો, શું કરશો? શું યહોવાહની સેવા છોડી દેવાનું વિચારશો? કે પછી યહોવાહની સેવા માટે તમને પ્રેમ હોવાથી તેને વળગી રહેશો? (પુનર્નિયમ ૧૦:૧૨, ૧૩) યહોવાહ શેતાનને હાથે આપણી કસોટી થવા દે છે. જેથી આપણે પોતે સાબિત કરી શકીએ કે શેતાન સો ટકા જૂઠો છે!—નીતિવચનો ૨૭:૧૧.

‘લોકો તમારી નિંદા કરશે’

૭. આપણી શ્રદ્ધા તોડી નાખવા શેતાન કઈ એક રીત વાપરે છે?

ચાલો હવે આપણે જોઈએ કે શેતાન પોતાનો જ કક્કો ખરો કરવા કેવાં કાવતરાં કરે છે. ઈસુએ કહ્યું હતું કે શેતાન “જૂઠાનો બાપ છે.” (યોહાન ૮:૪૪) શેતાન યહોવાહનો કટ્ટર દુશ્મન છે. એટલે તે યહોવાહનું નામ બદનામ કરવા તેમની નિંદા કરે છે. શેતાન યહોવાહની નિંદા કરવા તેમના પર જૂઠા આરોપો મૂકે છે. તેણે ખુદ યહોવાહ સામે પડકાર ફેંક્યો છે કે તે વિશ્વના રાજા બનવા લાયક જ નથી. આમ, પોતે વિશ્વનો રાજા બનવા તે ધમપછાડા કરે છે. તે યહોવાહના સેવકોની નિંદા કરી રહ્યો છે. તે ઈશ્વરભક્તો માટે કસોટી સહન કરવી મહા મુશ્કેલ બનાવી દે છે.

૮. શેતાને અયૂબની કઈ હદ સુધી નિંદા કરી?

અયૂબ પર જે વીત્યું હતું એનો વિચાર કરો. તેના નામનો અર્થ ‘તેમના પર કસોટી થાય છે.’ શું એ ખરું નથી! શેતાને ફક્ત અયૂબની માલમિલકત જ લૂંટી ન લીધી. તેણે તો અયૂબના બાળકોનો જીવ પણ લઈ લીધો. તે અયૂબ પર બીમારી લાવ્યો. એનાથી પણ શેતાનને સંતોષ ન થયો. તેણે અયૂબની એવી દશા કરી કે જાણે ઈશ્વર તેને સજા કરતા હોય. એક સમયે અયૂબનું સમાજમાં ખૂબ જ માનપાન હતું. પણ હવે અયૂબના મિત્રો અને સગાંવહાલાં તેનો તિરસ્કાર કરવા લાગ્યા. (અયૂબ ૧૯:૧૩-૧૯; ૨૯:૧, ૨, ૭-૧૧) એ પૂરતું ન હોય એમ, શેતાને એવા લોકોનો ઉપયોગ કર્યો જેઓએ શબ્દોના મારથી અયૂબને ચૂરચૂર કરી નાખ્યો. તેઓએ અયૂબને કહ્યું કે ‘તેં ચોક્કસ પાપ કર્યું હશે.’ (અયૂબ ૪:૬-૯; ૧૯:૨; ૨૨:૫-૧૦) એનાથી અયૂબને કેવું લાગ્યું હશે!

૯. ધર્મગુરુઓએ ઈસુ સાથે કેવો વર્તાવ કર્યો હતો?

ઈસુ ખ્રિસ્ત યહોવાહને વફાદાર હતા. તેમણે બતાવી આપ્યું કે, ફક્ત યહોવાહ જ સૃષ્ટિના રાજા છે. આમ, ઈસુ શેતાનના એક નંબરના દુશ્મન બન્યા. શેતાને અયૂબની શ્રદ્ધા તોડી નાખવા જે કર્યું, એનાથી પણ વધારે તેણે ઈસુની શ્રદ્ધા તોડી નાખવા કર્યું. શેતાને ઈસુ પર આરોપ મૂક્યો કે તે પાપી છે. (યશાયાહ ૫૩:૨-૪; યોહાન ૯:૨૪) લોકો પણ કહેવા લાગ્યા કે ઈસુ દારૂડિયા છે, તે ખાઉધરા છે, ‘તેમને ભૂત વળગ્યું છે.’ (માત્થી ૧૧:૧૮, ૧૯; યોહાન ૭:૨૦; ૮:૪૮; ૧૦:૨૦) ધર્મગુરુઓએ ઈસુ પર એવો આરોપ મૂક્યો કે તેમણે ઈશ્વરની નિંદા કરી છે. (માત્થી ૯:૨, ૩; ૨૬:૬૩-૬૬; યોહાન ૧૦:૩૩-૩૬) એનાથી ઈસુને ખૂબ જ દુઃખ થયું, કેમ કે તેઓ એમ કરીને ખુદ યહોવાહની નિંદા કરી રહ્યા હતા. (લુક ૨૨:૪૧-૪૪) છેવટે તેઓએ ઈસુને જાણે મોટા ગુનેગાર હોય એમ વધસ્તંભ પર લટકાવીને મારી નાખ્યા. (માત્થી ૨૭:૩૮-૪૪) તોપણ ઈસુ યહોવાહને બેવફા બન્યા નહિ. પાપી લોકોએ તેમની સાથે ક્રૂર વર્તાવ કર્યો છતાં ઈસુએ ધીરજ રાખી.—હેબ્રી ૧૨:૨, ૩.

૧૦. શેતાને અભિષિક્ત ખ્રિસ્તીઓ પર કઈ રીતે હુમલો કર્યો છે?

૧૦ આજે અભિષિકત ભાઈ-બહેનો આપણી સાથે છે. તેઓ શેતાનને જરાય ગમતા નથી. પ્રકટીકરણ ૧૨:૯, ૧૦ કહે છે કે શેતાન ‘ખ્રિસ્તના ભાઈઓ પર દેવની આગળ રાતદહાડો દોષ મૂકે છે.’ શેતાનને ૧૯૧૪માં પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો ત્યારથી, તે ખ્રિસ્તના ભાઈઓને કચડી નાખવા બનતું બધું જ કરી રહ્યો છે. (૧ કોરીંથી ૪:૧૩) પહેલી સદીની જેમ આજે પણ યહોવાહના સેવકોને ધિક્કારવામાં આવે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૫, ૧૪; ૨૮:૨૨) તેઓ વિષે જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. આ રીતે શેતાન, અભિષિક્તો અને પૃથ્વી પર જીવવાની આશા રાખતા તેમના સાથીદારોને નિશાન બનાવી રહ્યો છે. ભલે ‘લોકો માન આપે કે તેઓનું અપમાન કરે, ટીકા કરે કે પ્રશંસા કરે, તોપણ’ તેઓ હોંશે હોંશે યહોવાહના રાજ્ય વિશે પ્રચાર કરવાનું ચાલુ રાખે છે.—બીજો કરિંથી ૬:૮, IBSI; યોહાન ૧૦:૧૬; પ્રકટીકરણ ૧૨:૧૭.

૧૧, ૧૨. (ક) શા માટે આપણી નિંદા થઈ શકે? (ખ) કેવા કારણોથી આપણા વિશ્વાસની કસોટી થઈ શકે?

૧૧ મોટે ભાગે સાક્ષીઓ પર નિંદા કે ટીકા થાય છે, કેમ કે તેઓ યહોવાહને માર્ગે ચાલે છે. (માત્થી ૫:૧૦) પણ નિંદાની પાછળ એ જ કારણ નથી. અમુક વખતે જો તેઓનો દોષ હોય, તો તેઓએ નિંદા પણ સહેવી પડે. નિયમ તોડવાથી આપણને જો સજા થાય તો એમાં કંઈ નવાઈ નથી! પણ જો ‘ભલું કરવાને લીધે આપણને શિક્ષા થાય, ત્યારે આપણે ઈશ્વરની નજરમાં પ્રશંસાપાત્ર ઠરીએ છીએ.’ (પહેલો પિતર ૨:૧૯, ૨૦, IBSI) આપણને કેવા સંજોગોમાં કોઈ દોષ વગર સજા થઈ શકે?

૧૨ અમુક સાક્ષીઓએ જૂઠા ધર્મની દફનવિધિમાં ભાગ ન લીધો હોવાથી તેઓનું અપમાન થયું હતું. (પુનર્નિયમ ૧૪:૧) યુવાનો યહોવાહના સંસ્કાર પ્રમાણે જીવતા હોવાથી ઘણી વાર તેઓની મશ્કરી કરવામાં આવે છે. (૧ પીતર ૪:૪) અમુક મા-બાપ પોતાના બાળકોને લોહી વગર સારવાર આપવાનું પસંદ કરે ત્યારે, લોકો તેઓને કડવા વેણથી વીંધી નાંખે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૯) અમુક ભાઈ-બહેનો યહોવાહના સાક્ષી બને ત્યારે, તેઓનાં કુટુંબીજનો બોલવા-ચાલવાનોય સંબંધ રાખતા નથી. (માત્થી ૧૦:૩૪-૩૭) યહોવાહને માર્ગે ચાલવાથી જો તમારું આવું અપમાન થતું હોય, તો ભૂલશો નહિ કે તમારા પહેલાં ઈસુ અને બીજા ઈશ્વરભક્તો પર એવું જ દુઃખ આવી પડ્યું હતું.—માત્થી ૫:૧૧, ૧૨; યાકૂબ ૫:૧૦; ૧ પીતર ૨:૨૧.

ખુશીથી નિંદા સહન કરો

૧૩. આપણી નિંદા થાય ત્યારે વિશ્વાસમાં અડગ રહેવા શું મદદ કરી શકે?

૧૩ યહોવાહની સેવા કરતા હોવાથી જો આપણી નિંદા કરવામાં આવે તો, યિર્મેયાહની જેમ આપણે કદાચ સાવ નિરાશ થઈ જઈ શકીએ. તેમ જ યહોવાહની સેવા છોડી દેવાનું મન પણ થઈ શકે. (યિર્મેયાહ ૨૦:૭-૯) એવું ન થાય એ માટે આપણને ક્યાંથી હિંમત મળી શકે? આપણે કસોટીમાં યહોવાહને વફાદાર રહીએ છીએ એ જોઈને તેમને અનેરો આનંદ થાય છે! એ આપણને ભૂલવું ન જોઈએ. (રૂમી ૮:૩૭) અમુક ઈશ્વરભકતોનો વિચાર કરો. શેતાને હાબેલ, અયૂબ, ઈસુની મા મરિયમ અને બીજા ઘણા ઈશ્વરભક્તોને પણ ખૂબ જ રિબાવ્યા હતા. તોપણ તેઓ યહોવાહની સેવામાં અડગ હતા! એવી જ રીતે આજે પણ તેમના સેવકો અડગ રહે છે. તેઓ એ બધું કેવી રીતે સહી શક્યા એનો વિચાર કરો! (હેબ્રી ૧૧:૩૫-૩૭; ૧૨:૧) યહોવાહના સર્વ ભક્તો આપણને ઉત્તેજન આપે છે કે આપણે પણ તેઓની જેમ શેતાનની સામે જીત પામી શકીએ છીએ. એમ કરવાથી આપણે યહોવાહના અપાર આશીર્વાદો અનુભવીશું.—૧ યોહાન ૫:૪.

૧૪. વિશ્વાસમાં અડગ રહેવા આપણે કેમ પ્રાર્થના કરવી જોઈએ?

૧૪ ‘આપણા અંતરમાં પુષ્કળ ચિંતા’ થતી હોય તો, આપણે પ્રાર્થનામાં યહોવાહને ચરણે જઈએ. તે આપણને દિલાસો આપશે. તેમને વફાદાર રહેવા તે આપણને શક્તિ આપશે. (ગીતશાસ્ત્ર ૫૦:૧૫; ૯૪:૧૯) યહોવાહ આપણને હિંમત આપશે. એ આપણને સમજવા મદદ કરશે કે આપણે કેમ યહોવાહને આપણા રાજા તરીકે સ્વીકારીએ છીએ. (યાકૂબ ૧:૫) યહોવાહ આપણને તેમની ‘શાંતિ આપશે જે સર્વ સમજશક્તિની બહાર છે.’ (ફિલિપી ૪:૬, ૭) એનાથી આપણને મનની શાંતિ મળશે. શેતાનનો જુલમ સહેવા, વિશ્વાસમાં અડગ રહેવા એ ચોક્કસ મદદ કરશે. આમ, આપણી શ્રદ્ધાનો દીવો કદી બુઝાશે નહિ. યહોવાહની શક્તિથી આપણે બધી જ કસોટીમાંથી પસાર થઈ શકીશું.—૧ કોરીંથી ૧૦:૧૩.

૧૫. તિરસ્કાર કરતા લોકોને પ્રેમ બતાવવા આપણને શું મદદ કરી શકે?

૧૫ આપણો તિરસ્કાર કરતા લોકોને પ્રેમ બતાવવા આપણને શું મદદ કરી શકે? આપણે ભૂલવું ન જોઈએ કે લોકો નહિ પણ શેતાન અને તેના દૂતો આપણા કટ્ટર દુશ્મન છે. (એફેસી ૬:૧૨) અમુક લોકો કદાચ જાણીજોઈને આપણા પર જુલમ અને તિરસ્કાર કરશે. મોટે ભાગે જેઓ યહોવાહના લોકોની સતાવણી કરે છે, તેઓ અજાણતા કરે છે. અથવા બીજાના કહેવાથી એમ કરતા હોય છે. (દાનીયેલ ૬:૪-૧૬; ૧ તીમોથી ૧:૧૨, ૧૩) જરા વિચારો કે પહેલાં કેટલાક લોકો યહોવાહના સાક્ષીઓનો વિરોધ કરતા હતા. તેમ છતાં સાક્ષીઓનાં સારા વર્તનથી તેઓ આજે યહોવાહની સેવા કરે છે. (૧ પીતર ૨:૧૨) આપણે જાણીએ છીએ કે યહોવાહ ચાહે છે કે “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.” (૧ તીમોથી ૨:૪) આપણે યુસફ પાસેથી સારો પાઠ શીખી શકીએ. યુસફને તેના સાવકા ભાઈઓ ખૂબ જ ધિક્કારતા હતા. પણ એનાથી યુસફે તેઓ સાથે દુશ્મની રાખી ન હતી. કેમ નહિ? તે જોઈ શક્યા કે યહોવાહ પોતાની સાથે છે, તે તેમના હેતુ પ્રમાણે ગોઠવણો કરી રહ્યા છે. (ઉત્પત્તિ ૪૫:૪-૮) એ જ રીતે, આપણા પર દુઃખ આવી પડે ત્યારે નારાજ થવું ન જોઈએ. એનાથી તો યહોવાહનું નામ રોશન થાય છે!—૧ પીતર ૪:૧૬.

૧૬, ૧૭. વિરોધીઓ આપણું પ્રચાર કામ બંધ કરવાનો પ્રયત્ન કરે તોપણ આપણે કેમ ગભરાવું ન જોઈએ?

૧૬ આપણા વિરોધીઓ અમુક સમય સુધી પ્રચાર કાર્ય બંધ કરાવી દે, તોપણ આપણે ખોટી ચિંતા ન કરવી જોઈએ. હાગ્ગાય ૨:૭ પ્રમાણે, પ્રચાર કાર્યથી યહોવાહ સર્વ પ્રજાઓને હલાવી રહ્યા છે. એમ કરવાથી સત્યના તરસ્યા લોકો યહોવાહના સેવકો બની રહ્યા છે. ઈસુ ખ્રિસ્ત પોતે ઉત્તમ ઘેટાંપાળક છે. તેમણે કહ્યું: ‘મારાં ઘેટાં મારો સાદ સાંભળે છે. હું તેઓને ઓળખું છું. તેઓ મારી પાછળ ચાલે છે. હું તેઓને અનંતજીવન આપીશ. મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ.’ (યોહાન ૧૦:૨૭-૨૯) પ્રચાર કાર્યમાં ઈસુ અને સ્વર્ગદૂતો આપણને સાથ આપે છે. (માત્થી ૧૩:૩૯, ૪૧; પ્રકટીકરણ ૧૪:૬, ૭) વિરોધીઓ આપણા પર ગમે એવો જુલમ કરે, તોપણ તેઓ કદી યહોવાહનો હેતુ અટકાવી શક્શે નહિ.—યશાયાહ ૫૪:૧૭; પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૮, ૩૯.

૧૭ મોટે ભાગે આપણા વિરોધીઓ જે કરવા ધારે છે એનાથી ઊંધું જ થાય છે. આફ્રિકાના એક સમાજમાં યહોવાહના સાક્ષીઓ વિષે ખોટી અફવાઓ ફેલાઈ હતી. જેમ કે તેઓ શેતાનના ભક્તો છે. એ સમાજમાં ગ્રેસ નામની એક સ્ત્રી રહેતી હતી. સાક્ષીઓ જ્યારે પણ પ્રચારમાં તેના ઘરે જતા ત્યારે, તે દોડીને ઘરની પાછળ સંતાઈ જતી. એક દિવસે ગ્રેસ ચર્ચમાં ગઈ. તેમના પાદરીએ પ્રવચન આપતા આપણું એક પુસ્તક બધાને બતાવ્યું. તેણે બધાને કહ્યું કે આ પુસ્તક કોઈએ વાંચવું નહિ. વાંચશો તો તે તમારો ધર્મ બદલી નાખશે. એનાથી ગ્રેસને થયું કે એમાં એવું તો શું હશે. પછી તો તેની જિજ્ઞાસા વધતી ગઈ. અમુક સમય પછી ફરી સાક્ષીઓ પ્રચાર કરતા ગ્રેસને ઘરે આવ્યા. આ વખતે તે સંતાઈ નહિ. ગ્રેસે સાક્ષીઓ સાથે વાત કરી અને તેઓ પાસેથી એક પુસ્તક પણ લીધું. એ પુસ્તકમાંથી ગ્રેસ સાક્ષીઓ પાસેથી બાઇબલ વિષે શીખવા લાગી. પછી ૧૯૯૬માં બાપ્તિસ્મા લઈને તે યહોવાહની સાક્ષી બની. હવે ગ્રેસ પોતે એવા લોકોને શોધે છે જેઓને સાક્ષીઓ વિષે ખોટું શીખવવામાં આવ્યું છે.

આજથી જ તમારો વિશ્વાસ દૃઢ કરો

૧૮. આપણી કસોટી થાય એ પહેલાં આપણે વિશ્વાસમાં દૃઢ બનવા શું કરવું જોઈએ?

૧૮ શેતાન આપણો વિશ્વાસ તોડવાના પ્રયત્નો કાયમ કરતો રહે છે. જેમ ‘ચેતતો નર સદા સુખી,’ તેમ આપણે આજથી જ પોતાનો વિશ્વાસ મજબૂત કરવા બનતું બધું જ કરીએ. એક દેશમાં હમણાં યહોવાહના સાક્ષીઓની ખૂબ જ સતાવણી થઈ રહી છે. એ દેશનો રિપોર્ટ આમ કહે છે: ‘એક બાબત દીવા જેવી સાફ દેખાય છે: જેઓ મિટિંગો ચૂકી જાય છે, પ્રચાર કરતા નથી, વાત-વાતમાં સત્યની શંકા કરે છે, તેઓ પર કસોટી આવે છે ત્યારે તેઓનો વિશ્વાસ ડગી જાય છે. પણ જેઓ બાઇબલ વાંચીને એના પર મનન કરે, પોતાના જીવનમાં ઉતારે છે, અને તેઓ પર કસોટી આવે છે તોપણ તેઓનો વિશ્વાસ ડગતો નથી.’ (૨ તીમોથી ૪:૨) જો તમારા વિચારો કે જીવનમાં કોઈ ફેરફાર કરવાની જરૂર હોય, તો આજે કરો.—ગીતશાસ્ત્ર ૧૧૯:૬૦.

૧૯.  સતાવણી સહન કરવાથી આપણે શું સાબિત કરી શકીએ?

૧૯ શેતાનના ક્રૂર હુમલા હેઠળ પણ વિશ્વાસમાં અડગ રહેવાથી આપણે પુરાવો આપીએ છીએ કે યહોવાહ જ વિશ્વના ખરા રાજા છે. આપણે યહોવાહને વફાદાર રહીએ છીએ ત્યારે તેમના દિલને અનેરો આનંદ થાય છે. ભલેને લોકો યહોવાહના સેવકો પર ઢગલેબંધ જૂઠા આરોપો મૂકે, તોપણ “ઈશ્વર પોતાને તેમના ઈશ્વર તરીકે ઓળખાવતા શરમાતા નથી.” તેથી, સર્વ ઈશ્વરભક્તો વિષે સાચે જ આમ કહી શકાય: “જગત તેઓને યોગ્ય ન હતું.”—હિબ્રૂ ૧૧:૧૬, પ્રેમસંદેશ; હેબ્રી ૧૧:૩૮.

[ફુટનોટ]

^ બાઇબલમાં અનેક વાર દ્વેષ કે ધિક્કાર જેવા શબ્દો વાપરવામાં આવ્યા છે. કોઈના પર પ્રેમ ન હોય તો અણમાનીતા પણ કહેવામાં આવે છે. (પુનર્નિયમ ૨૧:૧૫, ૧૬) ઘણી વાર વ્યક્તિને બીજા પ્રત્યે મનમાં તિરસ્કાર હોવાથી તે તેનાથી દૂર દૂર રહેશે. પણ તે તેનું ભૂંડું તો નહિ કરે. તેમ છતાં લોકો બીજી એક રીતે પણ ધિક્કાર બતાવે છે, જેમાં દ્વેષભાવ હોવાથી કદાચ તેઓ વ્યક્તિનું ખૂન પણ કરી બેસે. આપણે આ લેખમાં એવા ધિક્કાર વિષે ચર્ચા કરવાના છીએ.

શું તમે સમજાવી શકો?

• શેતાન કેમ યહોવાહના ભક્તોને ખૂબ ધિક્કારે છે?

• અયૂબ અને ઈસુની શ્રદ્ધા તોડી નાખવા શેતાને કેવી રીતે તેઓની નિંદા કરી?

• શેતાનની સામે વિશ્વાસમાં અડગ રહેવા યહોવાહ આપણને કેવી રીતે મદદ કરે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૬ પર બોક્સ/ચિત્ર]

તેઓ સતાવણીનું કારણ જાણતા હતા

યૂક્રેઇનમાં પચાસ વર્ષ સુધી પ્રચાર કરવાની મનાઈ હતી. ત્યાંના એક ભાઈ કહે છે: ‘યહોવાહના સાક્ષીઓ સાથે અધિકારીઓએ જે વર્તાવ કર્યો એના પરથી ધારી ન લેવું જોઈએ કે તેઓ ખરાબ છે. મોટા ભાગના અધિકારીઓ પોતાને સોંપેલું કામ કરતા હતા. જ્યારે સરકાર બદલાઈ, ત્યારે તેઓ નવી સરકારની સેવા કરવા લાગ્યા. પણ અમે યહોવાહને જ વફાદાર રહ્યા. અમારી સતાવણી પાછળ કોનો હાથ છે, એ અમે બાઇબલમાંથી જાણતા હતા.

અમે નિર્દોષ હતા, છતાં ક્રૂર લોકોના પંજામાં હતા. એની પાછળ એક કારણ હતું. શેતાને યહોવાહ પર એદન વાડીમાં પડકાર ફેંક્યો હતો કે યહોવાહ રાજા બનવા લાયક નથી. અમને એ સાબિત કરવું હતું કે તે જ વિશ્વના રાજા બનવા હક્કદાર છે. એ કારણથી આકરી કસોટીમાં પણ અમને ઈશ્વરને વફાદાર રહેવા હિંમત મળી.’

[ચિત્ર]

વિક્ટર પોપોવિચને ૧૯૭૦માં જેલ થઈ હતી

[પાન ૧૩ પર ચિત્ર]

ઈસુની નિંદા કરવામાં આવી, એની પાછળ કોનો હાથ હતો?

[પાન ૧૫ પર ચિત્રો]

અયૂબ અને મરિયમની જેમ જ સ્ટેન્લી જોન્સ જેવા ઈશ્વરભક્તોએ યહોવાહનું નામ રોશન કર્યું છે