સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“સુવાર્તા ફેલાવવા દૂર દૂર મુસાફરી”

“સુવાર્તા ફેલાવવા દૂર દૂર મુસાફરી”

“સુવાર્તા ફેલાવવા દૂર દૂર મુસાફરી”

જ્યોર્જ બોરૉ વિષે કહેવામાં આવે છે કે ૧૮ વર્ષની વયે તે ૧૨ ભાષાઓ જાણતા હતા. વીસ વર્ષના થયા ત્યારે, તે ‘સહેલાઈથી’ ૨૦ ભાષાઓમાં અનુવાદ કરી શકતા હતા.

વર્ષ ૧૮૩૩માં બ્રિટીશ ઍન્ડ ફૉરેન બાઇબલ સોસાયટીએ જ્યોર્જને ઇન્ટરવ્યૂ આપવા માટે બોલાવ્યા. પરંતુ તેમની પાસે મુસાફરીના પૈસા ન હતા. તોપણ, તેમણે આ તક ગુમાવી નહિ. તે પોતાના ઘર નૉરીચથી ચાલીને ૧૮૦ કિલોમીટર દૂર લંડન ગયા. આટલું અંતર તેમણે ત્રીસ વર્ષની વયે ફક્ત ૨૮ કલાકમાં કાપી નાખ્યું હતું.

બાઇબલ સોસાયટીએ બોરૉને એક અઘરું કામ સોંપ્યું. તેમણે ચીનના અમુક ભાગમાં બોલાતી મન્ચુ ભાષા ફક્ત છ મહિનામાં શીખવાની હતી. તેમણે બાઇબલ સોસાયટી પાસેથી વ્યાકરણની ચોપડી માંગી. પરંતુ, તેઓ તેમને મન્ચુમાં માત્થીની સુવાર્તા અને મન્ચુ-ફ્રેંચ ડિક્ષનરી જ આપી શક્યા. તોપણ, ફક્ત ૧૯ અઠવાડિયાં પછી તેમણે લંડન લખ્યું કે ‘પોતે પરમેશ્વરની મદદથી મન્ચુ ભાષામાં માસ્ટરી મેળવી લીધી છે.’ તેણે જે સફળતા મેળવી એ બહુ મહત્ત્વની હતી. કેમ કે એ જ સમયે તેમણે મૅક્સિકૉની એક મૂળ ભાષા નાહુટલમાં પણ લુકની સુવાર્તામાં સુધારા-વધારા કર્યા હતા.

મન્ચુ ભાષામાં બાઇબલ

સત્તરમી સદીમાં મન્ચુ ભાષા લખાણમાં આવી ત્યારે, એમાં મંગોલીઅન યુગીરના મૂળાક્ષરો વાપરવામાં આવ્યા. પછી તો ચીનના સરકારી અધિકારીઓ પણ એ ભાષા વાપરતા હતા. જોકે સમય જતા એ ભાષા વધારે બોલાતી ન હતી. તેમ છતાં, બ્રિટીશ ઍન્ડ ફૉરેન બાઇબલ સોસાયટીના સભ્યો મન્ચુ ભાષામાં બાઇબલ છાપીને લોકોને આપવા માટે આતુર હતા. વર્ષ ૧૮૨૨ સુધીમાં તો, તેઓએ સ્ટીફન લીફટોફએ ભાષાંતર કરેલી માત્થીની સુવાર્તાની ૫૫૦ પ્રતો બહાર પાડી. આ સ્ટીફન રશિયન ફૉરેન ઑફિસનો સભ્ય હતો અને તે ચીનમાં ૨૦ વર્ષ રહ્યો હતો. માત્થીની સુવાર્તા સેન્ટ પીટ્‌સબર્ગમાં છાપવામાં આવી હતી. પરંતુ, એની થોડી જ પ્રતો વહેંચાયા પછી, પૂર આવ્યું હોવાથી બાકીની પ્રતોનો નાશ થયો હતો.

પછી જલદી જ પૂરા ગ્રીક શાસ્ત્રવચનોનું ભાષાંતર શરૂ થયું. વર્ષ ૧૮૩૪માં હેબ્રી શાસ્ત્રવચનોનું સૌથી જૂનું લખાણ મળી આવ્યું. એનાથી બાઇબલ વિષે લોકોને ખૂબ રસ જાગ્યો. પરંતુ, કોણ મન્ચુ ભાષાના બાઇબલમાં સુધારા-વધારા કરે અને બાકીનું ભાષાંતર પૂરું કરે? બ્રિટીશ ઍન્ડ ફૉરેન બાઇબલ સોસાયટીએ આ કામ જ્યોર્જ બોરૉને સોંપ્યું.

રશિયામાં

સેન્ટ પીટ્‌સબર્ગ આવ્યા પછી બોરૉએ મન્ચુ ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો. એના લીધે તે બાઇબલના લખાણને વધારે સારી રીતે સંપાદન કરી શક્યો અને રહી ગયેલી ભૂલોને સુધારી શક્યો. જોકે, તેને જે કામ સોંપવામાં આવ્યું હતું એ વધારે મહેનત માંગી લેતું હતું. તેથી તે રોજ ૧૩ કલાક કામ કરતો. આમ, તેણે ન્યૂ ટેસ્ટામેન્ટ છાપવા અક્ષરોના બીબાંને પુસ્તકના લખાણમાં ગોઠવવા મદદ કરી. એનું વર્ણન “સરસ આવૃત્તિ” તરીકે કરવામાં આવ્યું. વર્ષ ૧૮૩૫માં એની એક હજાર પ્રતો છાપવામાં આવી. બોરૉ એ બાઇબલને ચીનમાં લઈ જવા અને ત્યાંના લોકોને આપવા ચાહતો હતો. પરંતુ તેનું એ સપનું તૂટી ગયું. કેમ કે રશિયાની સરકારને લાગ્યું કે ચીનમાં મન્ચુ બાઇબલ વહેંચવામાં આવશે તો, ચીન સાથેનો તેઓનો મૈત્રીભર્યો સંબંધ તૂટી જશે. તેથી એ સરકારે બોરૉને ચીનમાં ‘એક પણ મન્ચુ બાઇબલ’ સાથે લઈ જવાની ના પાડી.

જોકે, દસ વર્ષ પછી ચીનમાં એ બાઇબલની અમુક પ્રતો વહેંચવામાં આવી. વળી, ૧૮૫૯માં તો એક જ બાઇબલમાં માત્થી અને માર્કના પુસ્તકો બે ભાષાઓમાં મળવા લાગ્યા. એના દરેક પાના પર બે કોલમમાં મન્ચુ અને ચીની ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું હતું. જોકે, એ સમય સુધીમાં જે લોકો મન્ચુ વાંચી શકતા હતા તેઓમાંના મોટા ભાગના ચીની ભાષા વાંચવાનું પસંદ કરતા હતા. તેથી, મન્ચુ ભાષામાં આખું બાઇબલ બહાર પાડવાનો કોઈ અર્થ ન હતો. સમય જતા, લોકો મન્ચુ ભાષા ભૂલીને ધીરે ધીરે ચીની બોલવા લાગ્યા. વર્ષ ૧૯૧૨માં ચીન પ્રજાસત્તાક બન્યું ત્યાર પછી બધા લોકો ચીની ભાષા બોલવા લાગ્યા.

આઈબેરિયન દ્વીપકલ્પ

પોતાના અનુભવોથી ઉત્તેજિત થઈને જ્યોર્જ બોરૉ લંડન પાછા આવ્યા. તેમને ૧૮૩૫માં પોર્ટુગલ અને સ્પેન મોકલવામાં આવ્યા. બોરૉએ પછી કહ્યું: “ખ્રિસ્તી ધર્મનું સત્ય શીખવા માટે કેટલા લોકોને હોંશ છે એ જાણવાની” તેમની જવાબદારી હતી. એ સમયે બંને દેશો બ્રિટીશ ઍન્ડ ફૉરેન બાઇબલ સોસાયટી વિષે કંઈ જાણતા ન હતા. કેમ કે, ત્યાં બધી જગ્યાએ રાજકીય અને સામાજિક કબાડા હતા. તેમને ગામડાંઓમાં જઈને લોકો સાથે બાઇબલ વિષે વાત કરવામાં ઘણી ખુશી થતી હતી. પરંતુ, લોકોને ધર્મમાં બહુ ઓછો રસ હોવાથી થોડા જ સમયમાં તે સ્પેનમાં ગયા.

તેમના માટે સ્પેનમાં અલગ પડકાર હતો. બોરૉ ગિન્ટૉ ભાષા બોલી શકતા હોવાથી, ખાસ કરીને જિપ્સી લોકો સાથે તેમની જલદીથી દોસ્તી થઈ ગઈ હતી. સ્પેનમાં આવ્યાને થોડા વખત પછી, તેમણે જિપ્સીઓની ગિન્ટૉ ભાષામાં “નવા કરારનું” ભાષાંતર શરૂ કર્યું. તેમણે ભાષાંતર કરતી વખતે બે જિપ્સી સ્ત્રીઓની મદદ લીધી. તે એ સ્ત્રીઓની આગળ સ્પૅનિસમાં વાંચતા, પછી સ્ત્રીઓ એનું ભાષાંતર કરીને તેમને કહેતી. આમ કરવાથી તે જિપ્સીઓની કહેવતોને યોગ્ય રીતે વાપરતા શીખ્યા. આવી મહેનતને કારણે, લુકની સુવાર્તા ૧૮૩૮ની વસંતઋતુમાં બહાર પડી. એક બિશપે તો એનાથી નવાઈ પામીને કહ્યું: “બોરૉ જિપ્સી ભાષાથી સ્પેનના સર્વ લોકોને ખ્રિસ્તી બનાવશે.”

હવે ‘બૉસ્ક ભાષામાં બાઇબલનું ભાષાંતર કરવા કોઈ કાબેલ વ્યક્તિની’ જરૂર હતી. જ્યોર્જ બોરૉને એ વ્યક્તિ શોધવાની જવાબદારી સોંપવામાં આવી. પછી બોરૉએ એ કામ ડૉક્ટર ઑટાસાને સોંપ્યું. બોરૉએ લખ્યું: “તે બૉસ્ક ભાષા ખૂબ સારી રીતે જાણે છે. મને પણ એ ભાષાનું થોડું ઘણું જ્ઞાન છે.” પછી ૧૮૩૮માં પહેલી વાર બાઇબલની લુકની સુવાર્તા બૉસ્ક ભાષામાં બહાર પડી.

બોરૉ ચાહતા હતા કે સામાન્ય લોકો પણ બાઇબલ સમજી શકે. તેથી તેમણે દૂર દૂર ગામડાંઓમાં જઈને ગરીબ લોકોને બાઇબલ વહેંચ્યા. બોરૉ તેઓમાંથી ધાર્મિક અજ્ઞાનતા અને અંધશ્રદ્ધા દૂર કરવા ચાહતા હતા. દાખલા તરીકે, જો કોઈ વ્યક્તિએ પાપ કર્યું હોય તો, તે ચર્ચના પાદરીને પૈસા આપીને પાપની માફી મેળવી શકતી. પણ બોરૉનું કહેવું હતું કે ‘ખુદ ઈશ્વર કઈ રીતે પૈસા લઈને માફી આપવાને ચલાવી લે?’ બોરૉને લાગ્યું કે લોકોએ સાચું શું છે એ જાણવું જ જોઈએ. પરંતુ બાઇબલ સોસાયટીને ડર લાગ્યો કે લોકોની માન્યતાઓને સીધે સીધી ખોટી કહેવાથી કદાચ તેઓના કાર્ય પર પ્રતિબંધ લાગી શકે છે. તેથી બાઇબલ સોસાયટીએ બોરૉને ફક્ત બાઇબલ વહેંચવા પર ધ્યાન આપવાનું કહ્યું.

બોરૉએ સ્પેનિશમાં રોમન કૅથલિકોના સિદ્ધાંતો વિના નવો કરાર છાપવાની મૌખિક પરવાનગી મેળવી લીધી. જોકે ત્યાંના વડાપ્રધાને પહેલાં તો એનો વિરોધ કર્યો કે તેમનું ભાષાંતર જોખમી અને “અયોગ્ય” છે. તોપણ તેમણે પરવાનગી મેળવી લીધી. પછીથી બોરૉએ મડ્રિડમાં સ્પૅનિશ નવો કરારને વેચવા માટે એક સ્ટોર ખોલ્યો. એ કારણે ધર્મગુરુઓ અને સરકારી અધિકારીઓ સાથે તેમની બોલાચાલી થઈ. પરિણામે તેમને ૧૨ દિવસ માટે જેલમાં પૂરવામાં આવ્યા. તેમણે એનો વિરોધ કર્યો. કેમ કે, તેમને ગેરકાયદે જેલમાં પૂરવામાં આવ્યા હતા. પછી તેમને ચૂપચાપ ત્યાંથી નીકળી જવાનું કહેવામાં આવ્યું, તોપણ તે જેલમાં રહ્યા. તેમણે પ્રેષિત પાઊલના ઉદાહરણનો ઉલ્લેખ કર્યો અને પોતાના નામ પર જે લાંછન લાગ્યું હતું એ દૂર ન થાય ત્યાં સુધી જેલમાં રહેવાનું પસંદ કર્યું.—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૩૭.

વર્ષ ૧૮૪૦માં ઉત્સાહી બોરૉએ સ્પેન છોડ્યું ત્યારે, બાઇબલ સોસાયટીએ અહેવાલ આપ્યો: “છેલ્લા પાંચ વર્ષમાં સ્પેનમાં લગભગ ૧૪,૦૦૦ બાઇબલ વહેંચવામાં આવ્યા છે.” એમાં બોરૉએ મોટો ભાગ ભજવ્યો હોવાથી, તેમણે સ્પેનના અનુભવો વિષે કહ્યું કે “મારા જીવનના એ સૌથી મહત્ત્વના અને ખુશીના વર્ષો હતા.”

ધ બાઇબલ ઈન સ્પેનિશ પુસ્તક સૌ પ્રથમ ૧૮૪૨માં છપાયું હતું. વળી, હજુ પણ એનું છાપકામ ચાલુ જ છે. એમાં જ્યોર્જ બોરૉની મુસાફરી અને હિંમતભર્યા કામ વિષે માહિતી છે. આ પુસ્તક લોકોમાં પણ બહુ જ પ્રસિદ્ધ થઈ ગયું. એમાં બોરૉએ પોતાનું વર્ણન “સુવાર્તાઓ માટે મુસાફરી કરનાર” તરીકે કર્યું છે. તેમણે લખ્યું: “ખાડા-ટેકરાવાળા રસ્તાઓ પરથી ટેકરીઓ અને પહાડો પર જવું અને લોકો સાથે ખ્રિસ્ત વિષે વાત કરવી એ મારા દિલની ઇચ્છા હતી.”

આમ, બાઇબલનું ભાષાંતર કરીને લોકોને એ વહેંચવામાં જ્યોર્જ બહુ જોશીલા હતા. વળી, બીજાઓ પણ આ અજોડ કાર્ય કરી શકે એ માટે તેમણે પાયો નાખ્યો હતો.

[પાન ૨૯ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

જ્યોર્જ બોરૉ બાઇબલનું ભાષાંતર કરવા અને લોકોને વહેંચવા માટે (૧) ઈંગ્લેન્ડથી (૨) રશિયા, (૩) પોર્ટુગલ, અને (૪) સ્પેન ગયા

[ક્રેડીટ લાઈન]

Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

[પાન ૨૮ પર ચિત્ર]

મન્ચુમાં યોહાનની સુવાર્તાના શરૂઆતના શબ્દો, એને ૧૮૩૫માં છાપવામાં આવ્યું. ઉપરથી નચે અને ડાબેથી જમણે વાંચો

[ક્રેડીટ લાઈન]

From the book The Bible of Every Land, 1860

[પાન ૨૮ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

From the book The Life of George Borrow by Clement K. Shorter, 1919