સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરભક્તિમાં અમારું સંતોષી જીવન

ઈશ્વરભક્તિમાં અમારું સંતોષી જીવન

મારો અનુભવ

ઈશ્વરભક્તિમાં અમારું સંતોષી જીવન

મારીઅન અને રોસા શુમીગાના જણાવ્યા પ્રમાણે

“હું આનંદથી મારા બલિદાનો તમારી પાસે લાવું છું.” (ગીતશાસ્ત્ર ૫૪:૬, IBSI) ફ્રાન્સના મારીઅન શુમીગા અને તેમની પત્ની રોસાએ જીવનભર આવું જ વલણ બતાવ્યું હતું. તેઓએ યહોવાહની ભક્તિમાં કઈ રીતે સુખેથી ઘણા વર્ષો ગુજાર્યા એ વિષે તેઓએ થોડા વખત પહેલાં જ પોતાનો અનુભવ જણાવ્યો હતો. ચાલો આપણે જોઈએ.

રીઅન: મારા માબાપ રોમન કૅથલિક હતા. અમે પૉલેન્ડના હતા. મારા પપ્પા સ્કૂલમાં ક્યારેય ગયા ન હતા. પરંતુ, તે સૈનિક હતા ત્યારે, લખવા-વાંચવાનું શીખ્યા. તે પરમેશ્વરમાં જરૂર માનતા હતા. તોપણ, ઘણીવાર ચર્ચના પાદરીઓ એવી બાબતો કરતા કે જેનાથી તે ઠોકર ખાઈ જતા.

દાખલા તરીકે, એક દિવસ જે બન્યું તે પપ્પા ક્યારેય ભૂલ્યા ન હતા. યુદ્ધ ચાલતું હતું ત્યારે એક પાદરી અમુક સૈનિકોને મળવા આવ્યા, જ્યાં મારા પપ્પા પણ હતા. ત્યાં જ અચાનક થોડે દૂર એક બૉમ્બ ફૂટ્યો. એ પાદરી એટલા તો ડરી ગયા કે તેમના ઘોડા પર તરત જ ત્યાંથી ભાગી નીકળ્યા. એટલું જ નહિ, ઘોડો જલ્દી દોડે એ માટે ચાબૂકને બદલે તેમણે પોતાના ક્રોસનો ઉપયોગ કર્યો. મારા પપ્પા તો જોતા જ રહી ગયા. યુદ્ધ દરમિયાન પપ્પાને આવા બીજા ઘણા અનુભવો થયા હતા. તોપણ પરમેશ્વર પર તેમને અતૂટ શ્રદ્ધા હતી. તે યુદ્ધમાંથી સહીસલામત ઘરે પાછા આવતા ત્યારે હંમેશાં પરમેશ્વરનો ઉપકાર માનતા હતા.

“નાનું પોલૅન્ડ”

પછી પપ્પાએ ૧૯૧૧માં બાજુના ગામની અન્‍ના સીસૉસ્કી નામની એક છોકરી સાથે લગ્‍ન કર્યું. યુદ્ધ પત્યા પછી ૧૯૧૯માં તેઓ પોલૅન્ડથી ફ્રાંસમાં રહેવા આવ્યા. ફ્રાંસમાં તેમને કોલસાની ખાણમાં કામ મળ્યું. પછી મારો જન્મ, માર્ચ ૧૯૨૬માં ફ્રાંસના કૅનયાક લી મીન ગામમાં થયો. ત્યાંથી અમે ઉત્તર ફ્રાંસમાં લોંસની નજીક, લુસ ઓં ગૉ એલના પૉલિશ સમાજમાં રહેવા ગયા. ત્યાં ભઠિયારા, કસાઈ અને પાદરીઓ પણ પૉલિશ હતા. એટલે જ આ વિસ્તારને નાનું પોલૅન્ડ કહેવામાં આવતું. મારા માબાપ સમાજના નાના-મોટા કામોમાં બહુ ભાગ લેતા હતા. મારા પપ્પા વારંવાર નાટકની પણ ગોઠવણ કરતા હતા, એમાં ઘણી વાર ગીત ગાવાનો પણ સમાવેશ થતો. તે પાદરી સાથે બાઇબલ વિષય પર નિયમિત ચર્ચા પણ કરતા હતા. પરંતુ એનાથી તેમને સંતોષ ન હતો, કેમ કે પાદરી ઘણી વાર કહેતા કે ‘ઘણી બાબતોને સમજવી અઘરી છે.’

એક દિવસ ૧૯૩૦માં બે સ્ત્રીઓ અમારા ઘરે આવી. તેઓ બાઇબલ સ્ટુડન્ટ હતી જેઓ હવે યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાય છે. મારા પપ્પાએ તેઓ પાસેથી બાઇબલ લીધું. તેમને વર્ષોથી બાઇબલ વાંચવાની ઘણી ઇચ્છા હતી. એ સ્ત્રીઓના ગયા પછી પપ્પા-મમ્મીએ તેઓએ આપેલા મૅગેઝિનો વાંચ્યા. તેઓએ જે વાંચ્યું એ તેઓના દિલને અસર કરી ગયું. પપ્પા-મમ્મીનું જીવન બહુ વ્યસ્ત હોવા છતાં, તેઓએ યહોવાહના સાક્ષીઓની મિટીંગોમાં જવાનું શરૂ કર્યું. પાદરી સાથેની ચર્ચામાં દિવસે દિવસે વિરોધ વધતો ગયો. એક દિવસ પાદરીએ તેઓને ધમકી આપી કે જો તે યહોવાહના સાક્ષીઓ સાથે સંગત રાખશે તો, મારી મોટી બહેન સ્ટેફનીને તેઓ ચર્ચમાંથી કાઢી મૂકશે. પપ્પાએ તરત કહ્યું, ‘મારી દીકરીની ચિંતા ન કરશો. હવેથી મારી દીકરી અને બીજા બાળકો પણ અમારી સાથે યહોવાહના સાક્ષીઓની મિટીંગોમાં આવશે.’ પપ્પાએ ચર્ચમાં રાજીનામું આપ્યું અને ૧૯૩૨માં મારા મમ્મી-પપ્પાએ બાપ્તિસ્મા લીધું. એ વખતે ફ્રાંસમાં લગભગ ૮૦૦ જેટલા યહોવાહના સાક્ષીઓ હતા.

રોસા: મારા માબાપ હંગેરીના હતા. મારીઅનના કુટુંબની જેમ તેઓ પણ કોલસાની ખાણમાં કામ કરવા ઉત્તર ફ્રાંસમાં રહેવા ગયા. મારો જન્મ ૧૯૨૫માં થયો. પછી ૧૯૩૭થી યહોવાહના એક સાક્ષી, ઓગુસ્ટે બઝાંએ મારા માબાપ માટે હંગેરી ભાષામાં ચોકીબુરજ લાવવાનું શરૂ કર્યું. અમે તેમને પાપા અગસ્ટે પણ કહેતા. મારા માબાપને મૅગેઝિનો બહુ ગમતા હતા. પરંતુ બંનેમાંથી કોઈ પણ યહોવાહના સાક્ષી બન્યા ન હતા.

ભલે હું નાની હતી, ચોકીબુરજમાંથી હું જે કંઈ વાંચતી એ મને ખૂબ ગમતું. વળી, આ બાબતમાં સુઝાન બઝાંએ મારામાં ખૂબ રસ લીધો. તે પાપા ઓગુસ્ટેના દીકરાની પત્ની હતા. તે મને મિટીંગોમાં લઈ જતા એનો મારા માબાપને કંઈ વાંધો ન હતો. પછી મેં નોકરીએ જવાનું શરૂ કર્યું. ત્યારે, રવિવારે હું મિટીંગમાં જાઉં એ પપ્પાને કાંટાની જેમ ખૂંચતું હતું. જોકે મારા પપ્પાનો સ્વભાવ આમ બહુ સારો હતો. તોપણ, તે મારાથી નારાજ થઈને કહેતા: “આખું અઠવાડિયું તું ઘરે હોતી નથી અને રવિવારે પણ તુ મિટીંગોમાં જતી રહે છે!” તોપણ, મેં સભાઓમાં જવાનું પડતું મૂક્યું નહિ. તેથી એક દિવસ પપ્પાએ ગુસ્સે થઈને કહ્યું, “તારી બધી વસ્તુઓ લઈને આ ઘરમાંથી જતી રહે!” એ મોડી સાંજ હતી અને હું ફક્ત ૧૭ વર્ષની હતી. હું ક્યાં જાઉં એની મને કંઈ ખબર પડતી ન હતી. રડી રડીને મારી આંખો પણ સૂજી ગઈ હતી. આખરે હું સુઝાનને ઘરે ગઈ. હું તેમની ત્યાં લગભગ એક અઠવાડિયું રહી. પરંતુ, પછીથી પપ્પાએ મારી બહેનને મોકલીને મને પાછી ઘરે બોલાવી લીધી. જોકે હું સ્વભાવે બહુ શરમાળ હતી. તેમ છતાં, ૧ યોહાન ૪:૧૮એ મને દૃઢ રહેવા મદદ કરી. એ કલમ કહે છે કે “પ્રેમ ભયને દૂર કરે છે.” પછી મેં ૧૯૪૨માં બાપ્તિસ્મા લીધું.

પરમેશ્વરની સેવામાં અમૂલ્ય વારસો

મારીઅન: મારી બહેનો સ્ટેફની અને મેલાની તથા મોટા ભાઈ સ્ટેફાનની સાથે મેં ૧૯૪૨માં બાપ્તિસ્મા લીધું. અમારું કુટુંબ ખૂબ ધાર્મિક હતું અને બાઇબલ તો જાણે અમારા જીવનનો જ એક ભાગ હતું. અમે બધા ભેગા મળતા અને પપ્પા અમને પૉલીશમાં બાઇબલ વાંચી સંભળાવતા. રોજ સાંજે પપ્પા-મમ્મી તેઓને પ્રચારમાં થયેલા અનુભવો કહેતા અને અમારી સાંજ એમાં જ પસાર થતી. આમ, અમે યહોવાહને પ્રેમ કરવાનું અને તેમના પર વધારે ભરોસો રાખવાનું શીખ્યા. પપ્પાની તબિયત સારી રહેતી ન હોવાથી તેમને નોકરી છોડી દેવી પડી. તોપણ, તે અમને સતત યહોવાહ વિષે શીખવતા રહેતા. એ સાથે અમારું ભરણ-પોષણ પણ કરતા હતા.

હવે પપ્પા પાસે વધારે સમય હોવાથી, તે મંડળના યુવાનો સાથે અઠવાડિયામાં એક વાર પૉલીશ ભાષામાં બાઇબલ અભ્યાસ ચલાવતા હતા. એ કારણે હું પણ પૉલીશ વાંચવાનું શીખ્યો. આ યુવાનોને બીજી ઘણી રીતે પપ્પાએ ઉત્તેજન આપ્યું. દાખલા તરીકે, એક વાર ભાઈ ગુસ્તાવ ઝૉપફાર અમારા મંડળની મુલાકાતે આવ્યા હતા. તે ફ્રાંસમાં યહોવાહના સાક્ષીઓના કામ પર દેખરેખ રાખતા હતા. ત્યારે મારા પપ્પાએ ગીત ગાવાની અને નબૂખાદનેસ્સાર રાજાની મિજબાની વિષેના બાઇબલ નાટકની ગોઠવણ કરી. (દાનીયેલ ૫:૧-૩૧) દાનીયેલનો ભાગ લુઈ પીએશૉટાએ ભજવ્યો હતો. આ જ લુઈભાઈએ સમય જતા નાત્ઝીઓ આગળ દૃઢ સ્થાન લીધું હતું. * આમ, અમે બાળકો ઘરના આવા વાતાવરણમાં મોટા થયા. અમારા માબાપે સાચે જ પરમેશ્વરની સેવામાં જીવન અર્પી દીધું હતું. આજે મને સમજાય છે કે અમારા માબાપે કેવો અમૂલ્ય વારસો અમારા માટે છોડ્યો હતો.

વર્ષ ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે, ફ્રાંસમાં યહોવાહના સાક્ષીઓના પ્રચાર કાર્ય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એક વાર જર્મન સૈનિકોએ તલાશી લેવા અમારા આખા ગામને ઘેરી લીધું. પણ પપ્પાએ કપડાં મૂકવાના કબાટ નીચે ભોંયમાં એક છૂપું ખાનું બનાવ્યું હતું. એમાં અમે બાઇબલના જુદા જુદા પ્રકાશનો સંતાડ્યા હતા. તોપણ ફૅશિઝમ ઑર ફ્રિડમ નામની પુસ્તિકાની કેટલીક પ્રતો રસોડાના થાળીઓ મૂકવાના ખાનામાં રહી ગઈ હતી. એટલે પપ્પાએ જલદી-જલદી એ પુસ્તિકાઓ લઈને વરંડામાં લટકાવેલા જેકેટના ખિસ્સામાં સંતાડી દીધી. એટલામાં તો, બે સૈનિકો અને એક ફ્રેંચ પૉલીસ અમારા ઘરે આવ્યાં. તેઓને જોઈને તો અમારો જીવ અદ્ધર થઈ ગયો હતો. પછી એક સૈનિક વરંડામાં લટકાવેલા કપડાં ફંફોસવા લાગ્યો. તેને પેલી પુસ્તિકાઓ મળી ગઈ. તે એને લઈને રસોડામાં આવ્યો. અમે પણ ત્યાં જ હતા. તે અમારી સામે ટગર ટગર જોવા લાગ્યો. પછી તેણે એ પુસ્તિકાઓ ટેબલ પર મૂકી અને બીજી જગ્યાઓએ ફંફોસવા લાગ્યો. મેં તરત એ પુસ્તિકાઓ લઈને ટેબલના ખાનામાં મૂકી દીધી. પછી સૈનિકે પણ એ પુસ્તિકા વિષે કંઈ પૂછ્યું નહીં. તે જાણે સાવ ભૂલી ગયો હોય એમ લાગતું હતું!

પૂરો સમય ઈશ્વરભક્તિમાં

વર્ષ ૧૯૪૮માં મેં યહોવાહની પૂરો સમય સેવા કરવાનો નિર્ણય કર્યો. થોડા જ દિવસ પછી મને ફ્રાંસની યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસમાંથી એક પત્ર મળ્યો. એમાં મને બેલ્જિયમ નજીક સોડોં શહેરના મંડળમાં પાયોનિયર, એટલે કે પૂરો સમય સેવા કરવાની સોંપણી મળી. યહોવાહની સેવામાં મેં જે શરૂઆત કરી હતી એનાથી મારા માબાપ બહુ ખુશ હતા. તોપણ, પપ્પાએ મને કહ્યું કે આ પૂરા સમયની સેવા કંઈ સહેલું કામ નથી. એમાં ઘણા પડકારોનો સામનો કરવો પડશે. વળી, તેમણે કહ્યું કે ‘આ તારું જ ઘર છે, એટલે તું ગમે ત્યારે આવી શકે છે. તને કંઈ પણ મુશ્કેલી હોય તો બેફિકર મારી મદદ માંગજે.’ જોકે, મારા માબાપ પાસે બહુ પૈસા ન હતા છતાં, તેમણે મને નવી સાઇકલ લઈ આપી. હજુ પણ એની પાવતી મારી પાસે છે. આજે પણ હું એને જોઉં છું તો, મારી આંખો ભરાઈ આવે છે. પપ્પા-મમ્મી બંને ૧૯૬૧માં અમારો સાથ છોડી ગયા. પરંતુ, પપ્પાના એક-એક શબ્દો હજુ પણ મને યાદ છે. મારી સેવા દરમિયાન એ શબ્દોથી મને બહુ ઉત્તેજન અને દિલાસો મળ્યા છે.

સીડન મંડળમાં ૭૫ વર્ષના એક આન્ટીથી પણ મને ઘણું ઉત્તેજન મળતું. તે એલિઝ મૉટ હતા. ઉનાળામાં હું દૂર દૂર ગામડાંઓમાં પ્રચાર કરવા જતો હતો. એલિઝ આન્ટી ટ્રેનમાં આવતા અને અમે સાથે કામ કરતા હતા. એક દિવસ હડતાલને લીધે ટ્રેનો બંધ હતી. એનો અર્થ કે એ દિવસે એલિઝ આન્ટી ઘરે જઈ શકે એમ ન હતા. મને એક જ ઉપાય દેખાતો હતો કે તેમને મારી સાઇકલ પાછળ બેસાડીને ઘરે લઈ જવા. જોકે એનાથી સાઇકલ ચલાવવી સહેલું ન હતું. બીજા દિવસે હું સરસ તકિયો મૂકીને આવ્યો જેથી તે સારી રીતે બેસી શકે. પછી, તેમણે ટ્રેનમાં આવવા જવાનું બંધ કર્યું અને મારી સાથે જ સાઇકલ પર આવવા લાગ્યા. તેથી ટ્રેનનું જે ભાડું બચતું એનાથી બપોરે જમવાના સમયે તે અમારા માટે ચા-કોફી ખરીદતા!

વધારે જવાબદારીઓ

વર્ષ ૧૯૫૦માં મને ઉત્તર ફ્રાંસમાં સરકીટ ઑવરસીયર તરીકે સેવા આપવાનું કહેવામાં આવ્યું. એ વખતે હું ફક્ત ૨૩ વર્ષનો હતો. મેં એ સાંભળ્યું ત્યારે મને બહુ ડર લાગ્યો. મને થયું કે બ્રાંચ ઑફિસથી કંઈક ભૂલ થઈ હશે! મારા મનમાં ઘણા સવાલો થવા લાગ્યા: ‘શું આ કામ કરવા માટે હું યોગ્ય છું? એ માટે મને બાઇબલનું પૂરતું જ્ઞાન છે? શું હું તંદુરસ્ત છું? દર અઠવાડિયે બીજે રહેવા જવાનું શું મને ફાવશે?’ વધુમાં, હું છ વર્ષનો હતો ત્યારે મને આંખની બીમારી થઈ હતી. એમાં મારી એક આંખની કીકી થોડી ત્રાંસી થઈ ગઈ હતી. મને હંમેશાં થતું કે એનાથી બીજા લોકો મને જોઈને શું વિચારતા હશે. જોકે એ વખતે મને ગિલયડમાંથી ગ્રેજ્યુએટ થયેલા ભાઈ સ્ટેફાન બેહુનીકે ઘણી મદદ કરી. બેહુનીકભાઈને પ્રચાર કાર્યને લીધે પોલૅન્ડમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેથી તેમને ફ્રાંસમાં સોંપણી આપવામાં આવી હતી. તેમની હિંમતની મારા પર બહુ અસર થઈ. તેમને યહોવાહ અને સત્ય પ્રત્યે બહુ માન હતું. કેટલાકને લાગતું કે તે મારા પ્રત્યે ઘણા કડક છે. તોપણ, મને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. તેમની હિંમતને લીધે હું પણ વિશ્વાસમાં મજબૂત થઈ શક્યો.

સરકીટમાં પ્રચાર કરવાની મને ઘણી મજા આવતી. મને અમુક સારા અનુભવો પણ થયા છે. જેમ કે, ૧૯૫૩માં મને શ્રીમાન પાઓલીને મળવાનું કહેવામાં આવ્યું. તે દક્ષિણ પૅરિસમાં રહેતા હતા અને તેમણે ચોકીબુરજનું લવાજમ ભર્યું હતું. અમે મળ્યા ત્યારે જાણવા મળ્યું કે તે લશ્કરમાંથી રીટાયર થયા છે. તેમને ચોકીબુરજ વાંચવાનું બહુ જ ગમતું. તેમણે મને કહ્યું કે હાલના અંકમાં ખ્રિસ્તના મરણના સ્મરણપ્રસંગ વિષેનો લેખ વાંચ્યા પછી તેમણે જાતે મેમોરિયલની ઉજવણી કરી હતી. એટલું જ નહિ, બાકીની આખી સાંજ તેમણે ગીતશાસ્ત્રનું પુસ્તક વાંચવામાં કાઢી. અમારી ચર્ચા લગભગ બપોર સુધી ચાલી. જતા પહેલાં અમે ટૂંકમાં બાપ્તિસ્મા વિષે પણ વાત કરી. પછી મેં તેમને સરકીટ સંમેલનમાં આવવાનું આમંત્રણ આપ્યું, જે ૧૯૫૪ની શરૂઆતમાં હતું. તે આવ્યા અને બાપ્તિસ્મા પણ લીધું! ત્યારે કુલ ૨૬ જણે બાપ્તિસ્મા લીધું હતું. આવા અનુભવોનો વિચાર કરવાથી આજે પણ મને ખુશી થાય છે.

રોસા: ઑક્ટોબર ૧૯૪૮માં મેં પૂરા સમયની સેવા શરૂ કરી. બેલ્જિયમ નજીક આનોર શહેરમાં પ્રચાર કર્યા પછી મને પૅરિસમાં સોંપણી મળી. મારી સાથે ઈરેન કૉલોંસ્કી (હવે ઈરેન લરુઆ) નામના એક બહેન પણ હતા. અમે શહેરની મધ્યમાં સાં-ઝરમાં-દે-પ્રેમાં એક નાના રૂમમાં રહેતા હતા. હું ગામડામાં મોટી થઈ હોવાથી, મને પેરીસના લોકોનો એક પ્રકારનો ડર લાગતો હતો. મને લાગતું કે તેઓ બહુ હોશિયાર હશે. પરંતુ, હું પ્રચારમાં ગઈ ત્યારે જાણવા મળ્યું કે તેઓ પણ બીજા લોકો જેવા જ છે. જોકે, મોટે ભાગે ચોકીદાર અમને અંદર જવા જ ન દેતો. વળી, બાઇબલ અભ્યાસ શરૂ કરવો પણ એટલું સહેલું ન હતું. તોપણ ઘણા લોકોએ અમારો સંદેશો સાંભળ્યો.

વર્ષ ૧૯૫૧માં સરકીટ સંમેલન દરમિયાન ઈરેન અને મને પૂરા સમયની સેવાનો અનુભવ જણાવવાનું કહેવામાં આવ્યું. વિચારો કે કોણે અમારું ઇન્ટર્વ્યૂં લીધું હશે? હા, એ યુવાન સરકીટ ઑવરસીયર મારીઅન શુમીગા હતા. અમે પહેલા પણ એક વાર મળ્યા હતા. પરંતુ, આ સંમેલન પછી અમે એકબીજાને પત્રો લખવા લાગ્યા. મારીઅન અને મારી વચ્ચે ઘણી બાબતો સરખી હતી. જેમ કે, અમારા બંનેનું બાપ્તિસ્માનું વર્ષ સરખું હતું. વળી, પૂરા સમયની સેવાનું વર્ષ પણ સરખું હતું. સૌથી મહત્ત્વનું તો, અમે બંને પૂરા સમયની સેવામાં રહેવા ચાહતા હતા. તેથી, ઘણી પ્રાર્થના કરીને આ વિષે વિચાર કર્યા પછી, અમે જુલાઈ ૩૧, ૧૯૫૬માં લગ્‍ન કર્યા. લગ્‍ન પછી મારે જીવનમાં ઘણા ફેરફાર કરવાના હતા. જેમ કે, મારે પત્ની તરીકે જવાબદારી ઉપાડવાની હતી અને મારીઅનને સરકીટ કાર્યમાં પણ સાથ આપવાનો હતો. એટલે કે દર અઠવાડિયે બીજે રહેવાની આદત પાડવાની હતી. શરૂઆતમાં તો એ બહુ અઘરું લાગ્યું. પણ પછીથી ઘણી મઝા આવી.

અમારા જીવનમાં ઘણા આશીર્વાદો

મારીઅન: ઘણાં વર્ષોથી અમને મહાસંમેલનોની તૈયારી કરવાનો લહાવો મળ્યો હતો. હજુ પણ મને ૧૯૬૬માં, બૉરડોમાં ભરાયેલું સંમેલન યાદ છે. એ સમયે, પોર્ટુગલમાં યહોવાહના સાક્ષીઓના કાર્ય પર પ્રતિબંધ હતો. તેથી, ઘણા ભાઈબહેનો પોર્ટુગલથી આવ્યા હતા. એ કારણે સંમેલનનો કાર્યક્રમ પોર્ટુગીઝમાં પણ હતો. પરંતુ મુશ્કેલી એ હતી કે તેઓ રહે ક્યાં? બૉરડોના ભાઈબહેનોના ઘરોમાં પણ એટલા લોકો રહી ન શકે. તેથી, અમે એક ખાલી થિએટર ભાડે રાખી લીધું અને એનો ડૉર્મેટ્રી તરીકે ઉપયોગ કર્યો. અમે બધી ખુરશીઓ કાઢી નાખી. સ્ટેજ પરના પડદાનો ઉપયોગ ડૉર્મેટ્રીના બે ભાગ પાડવા માટે કર્યો. એક ભાગ ભાઈઓનો અને એક બહેનોનો. અમે બાથરૂમ અને વોસ બેસીનની પણ વ્યવસ્થા કરી. પછી સૂકા ઘાસ પર કેન્વાસ પાથરીને પથારીઓ બનાવી દીધી. દરેક જણ આ ગોઠવણથી ખુશ હતા.

સંમેલનના સત્ર પછી અમે ડૉર્મેટ્રીમાં ભાઈબહેનોને મળવા જતા હતા. તેઓ ખૂબ મઝા કરતા હતા. પ્રતિબંધને કારણે તેઓએ ઘણાં વર્ષોથી વિરોધ સહન કર્યો હતો. તોપણ તેઓ બહુ ખુશ હતા. એનાથી અમને પણ ખૂબ ઉત્તેજન મળ્યું. તેઓ સંમેલન પછી પાછા જતા હતા ત્યારે અમે સર્વ રડી પડ્યા હતા.

બીજો લહાવો મને ૧૯૬૪માં મળ્યો. ત્યારે મને ડિસ્ટ્રીક્ટ ઑવરસીયર તરીકે સોંપણી મળી. ફરીથી મને થયું કે હું ડિસ્ટ્રીક્ટ ઑવરસીયરનું કામ કરી શકીશ કે કેમ? પણ પછી મેં વિચાર્યું કે હું એ માટે યોગ્ય હોઈશ એ જોઈને જ જવાબદાર ભાઈઓએ મને કામ સોંપ્યું હશે. બીજા ટ્રાવેલીંગ ઑવરસીયર સાથે કામ કરવાનો બહુ સરસ અનુભવ હતો. મને તેઓ પાસેથી ઘણું શીખવા મળ્યું. તેઓમાંના ઘણાએ ધીરજ રાખવામાં અને અડગ રહેવામાં સારો દાખલો બેસાડ્યો હતો. આ ગુણો યહોવાહની નજરે બહુ મહત્ત્વના છે. મને સમજાયું કે આપણે ધીરજ રાખીશું તો, યહોવાહ જાણે છે કે આપણી ક્યાં જરૂર છે અને તે ચોક્કસ મદદ કરશે.

વર્ષ ૧૯૮૨માં બ્રાંચ ઑફિસે મને પૅરિસની સરહદે બુલૉન્ય-બીયોંકુર શહેરમાં ૧૨ પૉલીશ પ્રકાશકોના નાના ગ્રુપની સંભાળ રાખવાની જવાબદારી સોંપી. એનાથી મને બહુ નવાઈ લાગી. હું પૉલીશ ભાષામાં થીઓક્રેટીક શબ્દો જાણતો હતો. પરંતુ, એને વાક્યમાં બેસાડવું મારા માટે અઘરું હતું. તોપણ, એ ભાઈઓના પ્રેમ અને સહકારને લીધે મને ઘણી મદદ મળી. આજે એ મંડળમાં ૧૭૦ જેટલા પ્રકાશકો છે. એમાં કંઈક ૬૦ પાયોનિયરો પણ છે. પછીથી, મેં અને રોસાએ ઑસ્ટ્રીઆ, ડૅનમાર્ક અને જર્મનીમાં પૉલીશ ગ્રુપ અને મંડળોની મુલાકાત લીધી.

બદલાતા સંજોગો

જુદા જુદા મંડળોની મુલાકાત લેવી એ અમારું જીવન હતું. પરંતુ, મારી તબિયત સારી રહેતી ન હોવાથી અમે ૨૦૦૧માં ટ્રાવેલીંગ કામ બંધ કર્યું. અમે પીટીવીયે શહેરમાં એક ઘર લીધું. ત્યાં મારી નાની બહેન રૂથ પણ રહે છે. બ્રાંચ ઑફિસે અમને ત્યાં ખાસ પાયોનિયર બનાવ્યા, જેમાં અમે સંજોગો પ્રમાણે ઓછા કલાક પણ આપી શકીએ છીએ.

રોસા: સરકીટ કામ છોડ્યું એનું પહેલું વર્ષ તો મને બહુ મુશ્કેલ લાગ્યું. આ બદલાવથી જાણે હું કોઈ કામની ન હોય એમ લાગ્યું. પણ પછી મેં પોતાને યાદ દેવડાવ્યું, ‘હું પાયોનિયરીંગ કરીને પણ યહોવાહની સેવામાં મારો સમય અને તાકાત આપી શકું છું.’ આજે મંડળના બીજા પાયોનિયરો સાથે કામ કરવામાં મને બહુ ખુશી થાય છે.

યહોવાહે હંમેશાં અમારી કાળજી રાખી છે

મારીઅન: રોસાએ છેલ્લા ૪૮ વર્ષથી મને સાથ આપ્યો છે. એ માટે હું યહોવાહનો બહુ ઉપકાર માનું છું. સરકીટ કાર્યના બધા જ વર્ષોમાં તેણે મને પૂરો સાથ આપ્યો છે. તેણે ક્યારેય એવું કહ્યું નથી કે, ‘આપણે હવે ટ્રાવેલીંગ કામ બંધ કરી દઈએ ને આપણું પોતાનું ઘર વસાવીએ.’

રોસા: ઘણી વાર લોકો મને કહેતા કે, “તમે સામાન્ય જીવન જીવતા નથી, કેમ કે તમારે હંમેશાં બીજાઓને ઘરે રહેવાનું હોય છે.” પરંતુ, “સામાન્ય જીવન” એટલે શું? ઘણી વાર વધારે ચીજવસ્તુઓ આપણને પરમેશ્વરની સેવામાં ધીમા પાડી શકે. ખરેખર આપણને શાની જરૂર છે? એક સારો ખાટલો, એક ટેબલ અને બીજી અમુક જરૂરી વસ્તુઓ જોઈએ, બસ. પાયોનિયર હોવાથી અમારી પાસે બહુ માલ-સામાન ન હતો. પરંતુ, યહોવાહની ઇચ્છા પૂરી કરી શકીએ એ માટે જરૂરી બધી બાબતો અમારી પાસે હતી. ઘણી વાર મને પૂછવામાં આવતું, “તમે ઘરડા થશો ત્યારે તમારી પાસે તમારું ઘર નહિ હોય, વળી કોઈ પ્રકારનું પેન્શન નહિ મળે ત્યારે તમે શું કરશો?” એ વખતે હું ગીતશાસ્ત્ર ૩૪:૧૦ના શબ્દો કહેતી કે, “યહોવાહને શોધે છે તેઓને કોઇ પણ સારા વાનાની અછત હશે નહિ.” યહોવાહે હંમેશાં અમારી કાળજી રાખી છે.

મારીઅન: ખરેખર, યહોવાહે અમને જે આપ્યું છે એ અમારી જરૂરિયાત કરતાં ઘણું વધારે છે. દાખલા તરીકે, ૧૯૫૮માં મને અમારી સરકીટમાંથી ન્યૂ યોર્ક ઈન્ટરનેશનલ સંમેલનમાં જવા માટે પસંદ કરવામાં આવ્યો. પરંતુ અમારી પાસે રોસાની ટીકીટ ખરીદવાના પૈસા ન હતા. એક સાંજે, એક ભાઈ આવીને અમને “ન્યૂ યોર્ક” લખેલું એક કવર આપી ગયા. એમાં પૂરતા પૈસાની ભેટ હતી કે જેનાથી રોસા મારી સાથે ન્યૂ યોર્ક આવી શકી!

મને અને રોસાને યહોવાહની સેવામાં ગાળેલા અમારાં વર્ષોનો કોઈ અફસોસ નથી. અમે કંઈ ગુમાવ્યું નથી, પણ મેળવ્યું છે ઘણું. પરમેશ્વરની પૂરો સમય સેવા કરવામાં અમે સુખેથી જીવન ગુજાર્યું છે. યહોવાહ કેવા પ્રેમાળ પરમેશ્વર છે! અમે તેમના પર પૂરો ભરોસો મૂકવાનું શીખ્યા છીએ. વળી, તેમના માટેનો અમારો પ્રેમ પણ બહુ ગાઢ થયો છે. આપણા ઘણા ભાઈબહેનોએ યહોવાહને વફાદાર રહેવા પોતાના જાનની કુરબાની આપી છે. હું એ પણ માનું છું કે વ્યક્તિ ધીરે ધીરે યહોવાહની સેવામાં પોતાનું જીવન અર્પણ કરી શકે છે. મારી અને રોસાની પણ એ જ ઇચ્છા છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી અમે યહોવાહની જ ભક્તિમાં લાગુ રહીએ.

[ફુટનોટ]

^ “હું મરણના મોંમાંથી બચી ગયો,” (અંગ્રેજી) ચોકીબરજ ઑગસ્ટ ૧૫, ૧૯૮૦માં લુઈ પીએશૉટાનો અનુભવ આવ્યો છે.

[પાન ૨૦ પર ચિત્ર]

ફ્રેફ્રોંસુઆ અને અન્‍ના શુમીગા તથા તેઓના બાળકો સ્ટેફની, સ્ટેફાન, મેલાની અને મારીઅન લગભગ ૧૯૩૦માં. મારીઅન ટેબલ પર ઊભા છે

[પાન ૨૨ પર ચિત્ર]

ઉપર: ૧૯૫૦માં ઉત્તર ફ્રાંસ, આરમોંટીએરમાં બજારમાં દુકાન આગળ બાઇબલ પ્રકાશનોની રજૂઆત કરતા

[પાન ૨૨ પર ચિત્ર]

ડાબી બાજુ: સ્ટેફાન બેહુનીક સાથે મારીઅન ૧૯૫૦માં

[પાન ૨૩ પર ચિત્ર]

મારીઅન અને રોસા, લગ્‍નના એક દિવસ પહેલાં

[પાન ૨૩ પર ચિત્ર]

રોસા (ડાબેથી પહેલી) પોતાના પાયોનિયર સાથી ઈરેન (ડાબેથી ચોથી) સાથે ૧૯૫૧માં સંમેલનની જાહેરાત કરતી વખતે

[પાન ૨૩ પર ચિત્ર]

સરકીટની મુલાકાતે જવા અમે મોટા ભાગે સાઇકલ વાપરતા