સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કઈ રીતે સુખી બની શકાય?

કઈ રીતે સુખી બની શકાય?

કઈ રીતે સુખી બની શકાય?

યહોવાહ અને ઈસુ ખ્રિસ્ત બંને સુખી છે. તેઓ સારી રીતે જાણે છે કે આપણને સુખી થવા શાની જરૂર છે. (૧ તીમોથી ૧:૧૧, પ્રેમસંદેશ; ૬:૧૫) સુખી થવાની ચાવી બાઇબલમાં જ છે.—પ્રકટીકરણ ૧:૩; ૨૨:૭.

ઈસુએ પહાડ પરના પ્રવચનમાં જણાવ્યું કે કોણ ખરેખર સુખી છે: (૧) તે પોતાની આત્મિક જરૂરિયાત જાણે છે. (૨) શોક કરે છે. (૩) નમ્ર છે. (૪) ઈશ્વરની માંગણી પ્રમાણે વર્તે છે. (૫) દયા બતાવે છે. (૬) દિલમાં કોઈ પાપ નહિ. (૭) હળી-મળીને રહે છે. (૮) ઈશ્વરની માંગણી પ્રમાણે વર્તવાને લીધે તેની સતાવણી થાય છે. (૯) ઈશ્વરના માર્ગે ચાલવાને લીધે તેની નિંદા થાય છે.—માથ્થી ૫:૩-૧૧, પ્રેમસંદેશ.

શું ઈસુનું કહેવું સાચું છે?

ઈસુએ મોટે ભાગે જે કહ્યું એની સમજણની જરૂર પડતી નથી. જે વ્યક્તિ નમ્ર હોય, દયાળુ હોય, ઝઘડાળુ ન હોય એ ખુશી-મઝામાં જીવશે. પણ જે વ્યક્તિ ક્રોધી હોય, ક્રૂર હોય, વાત-વાતમાં ઝઘડો કરે એ ખુશ રહેશે નહિ. એમાં કંઈ ન સમજાય એવું નથી.

જોકે આપણને થશે કે શોક કરનાર કઈ રીતે સુખી કહી શકાય? આવા લોકો જાણે છે કે જગતની પરિસ્થિતિ કેવી છે. તેઓ આજે ‘થતા સર્વ ધિક્કારપાત્ર કૃત્યોને લીધે નિસાસા નાખીને રડતા હોય છે.’ (હઝકીએલ ૯:૪) નિસાસા નાખવાથી તેઓ સુખી બની જતા નથી. પરંતુ, જ્યારે તેઓ શીખે છે કે પરમેશ્વર પૃથ્વી પર સારી પરિસ્થિતિ લાવશે અને દુઃખી લોકોનો ઈન્સાફ કરશે ત્યારે, તેઓને ખૂબ આનંદ થાય છે.—યશાયાહ ૧૧:૪.

ઘણા લોકો પરમેશ્વરના માર્ગમાં ચાલવા માંગે છે. જ્યારે તેઓ કંઈક ખોટું કરી બેસે છે ત્યારે, તેઓને દુઃખ થાય છે. આ બતાવે છે કે તેઓ પોતાની આત્મિક જરૂરિયાતો જાણે છે. આવા લોકો માર્ગદર્શન માટે પરમેશ્વર તરફ મીટ માંડે છે. તેઓ જાણે છે કે પરમેશ્વર જ તેઓને નબળાઈનો સામનો કરવા મદદ કરી શકે છે.—નીતિવચનો ૧૬:૩, ૯; ૨૦:૨૪.

દુનિયાની હાલત જોઈને શોક કરનારા, ઈશ્વરના માર્ગે ચાલવાની ઇચ્છા રાખનારા તેમ જ પોતાની આત્મિક જરૂરિયાત જાણનારાઓ એ પણ જાણે છે કે પરમેશ્વર સાથે સારો સંબંધ હોવો કેટલું મહત્ત્વનું છે. ખરું કે બીજાઓ સાથેના સારા સંબંધથી સુખી થવાય છે. પરંતુ, પરમેશ્વર સાથેના ગાઢ સંબંધથી મળતા સુખ સામે એ કંઈ જ નથી. ધર્મની ભૂખ છે તેઓ સત્યને ચાહતા હોવાથી પરમેશ્વરના માર્ગદર્શનને સ્વીકારવા માંગે છે. એના કારણે તેઓ સાચું સુખ મેળવે છે.

તોપણ, તમને થશે કે સતાવણી અને નિંદાનો ભોગ બનેલા લોકો કઈ રીતે સુખી બની શકે? એક રીતે એ માનવું અઘરું લાગી શકે. પરંતુ, એ શક્ય છે કેમ કે ઈસુએ પોતે એમ કહ્યું છે. ચાલો આપણે જોઈએ.

સતાવણી છતાં સુખી—કઈ રીતે?

ઈસુના શબ્દો પર ફરી ધ્યાન આપો. તેમણે એમ કહ્યું ન હતું કે નિંદા અને સતાવણી સુખ આપશે. તેમણે કહ્યું: ‘ઈશ્વરની માગણી પ્રમાણે વર્તવાને લીધે જેઓને સતાવવામાં આવે, મારા અનુયાયી હોવાને લીધે માણસો તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે ત્યારે તમને ધન્ય છે.’ (માથ્થી ૫:૧૦, ૧૧, પ્રેમસંદેશ) તેથી, વ્યક્તિ ઈસુ ખ્રિસ્તના શિષ્ય બનવાને લીધે નિંદા સહન કરે અને તેમના સિદ્ધાંતો પ્રમાણે જીવે ત્યારે સુખી થાય છે.

પ્રથમ સદીના ખ્રિસ્તીઓનો વિચાર કરો. એનાથી આ બાબત સારી રીતે સમજવા મદદ મળે છે. યહુદી ઉચ્ચ અદાલતના સભ્યોએ “પ્રેરિતોને પોતાની પાસે પાછા બોલાવીને માર માર્યો; અને વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ, એવી આજ્ઞા કરીને તેઓએ તેમને છોડી દીધા.” પ્રેરિતોએ શું કર્યું? “તેઓ તે નામને લીધે અપમાન પામવા જોગ ગણાયા, તેથી હરખાતા હરખાતા તેઓ સભામાંથી ચાલ્યા ગયા. તેઓએ નિત્ય મંદિરમાં તથા ઘેર ઈસુ તેજ ખ્રિસ્ત છે તે વિષે શીખવવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહિ.”—પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૦-૪૨; ૧૩:૫૦-૫૨.

પછી પ્રેષિત પીતર પણ જણાવે છે કે નિંદા સહીને કઈ રીતે સુખી થવાય. તેમણે લખ્યું: “જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય, તો તમને ધન્ય છે; કેમકે મહિમાનો તથા દેવનો આત્મા તમારા પર રહે છે.” (૧ પીતર ૪:૧૪) આમ, સચ્ચાઈને વળગી રહેવા એક ખ્રિસ્તી ગમે એવી સતાવણી સહે છે ત્યારે, તે સુખી થાય છે. તે પરમેશ્વરનો પવિત્ર આત્મા મેળવે છે. કઈ રીતે પવિત્ર આત્માથી વ્યક્તિ સુખી થાય છે?

દેહનાં કામો કે આત્માનાં ફળ?

પરમેશ્વરની આજ્ઞાઓ પાળનારા પર જ પવિત્ર આત્મા હોય છે. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૨) જે ‘દેહનાં કામોમાં’ કે ખરાબ કામમાં ડૂબેલા હોય, તેઓને યહોવાહ પવિત્ર આત્માથી મદદ કરતા નથી. ‘દેહનાં કામો’ શું છે? એ “વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા, જાદુ, વૈરભાવ, કજીઆકંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, અદેખાઈ, છાકટાઈ, વિલાસ તથા એઓના જેવાં” બીજા કામો છે. (ગલાતી ૫:૧૯-૨૧) આજે તો જગતમાં ચારે બાજુ આવા કામ જોવા મળે છે. તોપણ, આવા કામ કરનારાઓની ખુશી લાંબો સમય ટકતી નથી. એના બદલે, સગાઓ અને મિત્રો સાથેના તેઓના સંબંધમાં તિરાડ પડી જાય છે. બાઇબલ બતાવે છે કે આવા કામ કરનારાઓ “દેવના રાજ્યનો વારસો પામશે નહિ.”

જેઓ ‘પવિત્ર આત્માનાં ફળ’ વિકસાવે છે તેઓને પરમેશ્વર મદદ કરે છે. આ ફળમાં “પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ” જેવા ગુણો છે. (ગલાતી ૫:૨૨, ૨૩) આપણે જીવનમાં આ ગુણો કેળવીએ ત્યારે, આપણે બીજાઓ સાથે અને પરમેશ્વર સાથે શાંતિનો સંબંધ રાખી શકીએ છીએ. એ આપણને સાચું સુખ આપે છે. (બૉક્સ જુઓ.) સૌથી મહત્ત્વનું તો, એનાથી આપણે યહોવાહને ખુશ કરીએ છીએ. તેમ જ આપણે નવી દુનિયામાં હંમેશના જીવનની આશા રાખી શકીએ છીએ.

શું તમે સુખી થવા માંગો છો?

વૉલફ્ગાન અને બ્રિજીટ નામનું યુગલ જર્મનીમાં રહે છે. તેઓએ બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. તેઓ ખૂબ જ ધનવાન હતા. ઘણા લોકોની જેમ તેઓ પણ માનતા કે સુખી થવા પૈસા તો જોઈએ જ. તેઓ યુવાન અને તંદુરસ્ત પણ હતા. તેઓ પૂરા ઠાઠમાઠથી રહેતા હતા. તેઓનો મોટા ભાગનો સમય તો પૈસા કમાવા પાછળ જતો હતો, પરંતુ એનાથી તેઓને કંઈ સાચું સુખ મળ્યું નહિ. સમય જતા, આ યુગલે એક મહત્ત્વનો નિર્ણય લીધો. તેઓ ઈશ્વરભક્તિમાં પોતાનો મોટા ભાગનો સમય આપવા લાગ્યા, જેથી તેમની સાથે સારો સંબંધ રાખી શકે. એ માટે તેઓએ પોતાનામાં ફેરફાર કર્યો. તેઓ પાયોનિયર તરીકે સાદું જીવન જીવવા લાગ્યા. આજે તેઓ જર્મની બ્રાન્ચમાં સેવા કરે છે. એટલું જ નહિ, તેઓ એશિયાની એક ભાષા પણ શીખે છે જેથી પરદેશીઓને બાઇબલ શીખવા મદદ કરી શકે.

શું આ યુગલ સુખી છે? વૉલફ્ગાન કહે છે: “અમે ઈશ્વરની સેવામાં વધારે ધ્યાન આપવા માંડ્યા તેમ વધારે સુખી બનતા ગયા. પૂરા દિલથી તેમની સેવા કરવાથી અમારું લગ્‍નજીવન પણ ખીલી ઊઠ્યું છે. ખરું, કે અમે પહેલાં પણ સુખી હતા. પરંતુ, અમારા ધ્યેયોને લીધે અમે જાણે અલગ અલગ દિશામાં જઈ રહ્યા હતા. હવે અમે સંપીને એક જ ધ્યેય તરફ જઈ રહ્યા છીએ.”

કઈ રીતે સુખી બની શકાય?

ટૂંકમાં કહીએ તો, ખરાબ કામો ટાળો અને સારા ગુણો કેળવો. સુખી થવા માટે આપણે પરમેશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવો જોઈએ. જેઓ એમ કરે છે તેઓ ઈસુએ પ્રખ્યાત પ્રવચનમાં કહ્યું તેમ સુખી બને છે.

ભૂલથીય એવું ન વિચારો કે સુખી થવું એ કંઈ આપણા હાથમાં નથી. ખરું કે તમારામાંના અમુક બીમાર હશે, કે પછી લગ્‍નજીવનમાં મુશ્કેલીઓ પણ સહેતા હશે. તમે બાળક માટે ઝૂરતા હોવ કે પછી જીવનમાં કૅરિયર બનાવવા આકાશ-પાતાળ એક કરતા હોવ. પૈસાની પણ ખેંચ પડતી હોય શકે. ભલે ગમે એ હોય, પરંતુ હિંમત રાખો. નિરાશ ન થાવ! પરમેશ્વરનું રાજ્ય આ અને એના જેવી બીજી ઘણી મુશ્કેલીઓ હલ કરશે. બહુ જલદી જ યહોવાહ પોતાના સેવકોના ભલા માટે ગીતશાસ્ત્ર ૧૪૫:૧૩, ૧૬ના આ શબ્દો પૂરા કરશે: “તારૂં રાજ્ય સર્વકાળનું રાજ્ય છે, . . . તું તારો હાથ ખોલીને સર્વ સજીવોની ઈચ્છાને તૃપ્ત કરે છે.” યહોવાહના લાખો સેવકો આનો પુરાવો આપે છે. તમે પણ આ ખાતરી આપતા વચનને ધ્યાનમાં રાખીને સુખી થઈ શકો.—પ્રકટીકરણ ૨૧:૩.

[પાન ૬ પર બોક્સ/ચિત્ર]

સુખી થવા માટે શું જરૂરી છે?

પ્રેમ બતાવો અને લોકો તમને પ્રેમ બતાવશે.

આનંદ તમને હસતા હસતા મુશ્કેલીઓ સહેવા મદદ કરે છે.

શાંતિને લીધે તમે બીજાઓ સાથે હળી-મળીને રહેશો.

સહનશીલતા મુશ્કેલીઓમાં પણ ખુશ રહેવા મદદ કરે છે.

માયાળુ બનશો તો લોકો તમારા મિત્રો બનશે.

ભલાઈ બતાવશો તો, લોકો તમારું પણ ભલું કરશે.

વિશ્વાસ કરો, તો યહોવાહનું માર્ગદર્શન મેળવશો.

નમ્ર બનો તો તમારું દિલ, મન અને તન તંદુરસ્ત રહેશે.

સંયમ રાખવાથી તમે ઓછી ભૂલો કરશો.

[પાન ૭ પર ચિત્રો]

સુખી થવા તમારે પરમેશ્વરના માર્ગમાં ચાલવું જોઈએ