તમારાં બાળકોને વારસામાં શું આપશો?
તમારાં બાળકોને વારસામાં શું આપશો?
યુરોપના એક પરિવારનો વિચાર કરો. પપ્પાનું નામ પેવલોસ, મમ્મીનું નામ સોફિયા. તેઓના ઘરમાં ખેલતા-કૂદતા ત્રણ બાળકો છે. બે છોકરીઓની ઉંમર ૧૩ અને ૧૧ વર્ષ, છોકરાની ઉંમર સાત વર્ષ. પપ્પાનું સપનું છે કે એક દિવસ બંને છોકરીઓને જુદો જુદો એપાર્ટમેન્ટ ખરીદી આપશે. છોકરાને નાનકડો ધંધો શરૂ કરી આપશે. પણ એ સપનું સાકાર કરવા, પપ્પા સાતેય દિવસ બે શીફ્ટમાં નોકરી કરે છે! મમ્મી પોતાનાં પ્રાણ-પ્યારાં બાળકો માટે હમણાંથી ઘરની વધારાની વસ્તુઓ ભેગી કરવા રાત-દિવસ એક કરે છે. શા માટે તેઓ આવી તનતોડ મહેનત કરે છે? એ બંનેનો એક જ જવાબ છે: “અમારી આંખનાં રતન જેવાં બાળકોને સુખી જોવા માટે!”
દુનિયાના ગમે એ ખૂણામાં જાવ, બધા જ માવતર બાળકોને સુખી જોવા માગે છે. અમુક માબાપ બાળકો માટે દોલત ભેગી કરશે. તો વળી અમુક પોતાના જિગરના ટુકડાને સૌથી સારું ભણતર આપશે, જેથી તેઓ ભણી-ગણીને સુખી થાય. ખરું કે માબાપ આ રીતે પોતાના પેટના જણ્યા પર પ્રેમ વરસાવે છે. પણ મોટે ભાગે તેઓને એની મોટી કિંમત ચૂકવવી પડે છે, કેમ કે સગાં-વહાલાં, મિત્રો અને સમાજ તરફથી તેઓ પર ઘણાં દબાણ આવે છે. એટલે ઘણા મમ્મી-પપ્પાને જાણવું છે કે, ‘મારે મારા જિગરના ટુકડાને કેવો વારસો આપવો?’
પાણી પહેલા પાળ બાંધવી
ધર્મશાસ્ત્ર જણાવે છે કે, ‘છોકરાંએ માબાપને સારૂ સંગ્રહ કરવો એમ નહિ, પણ માબાપે છોકરાંને સારૂ સંગ્રહ કરવો.’ (૨ કોરીંથી ૧૨:૧૪) ઈશ્વર ભક્ત પાઊલે એમ પણ જણાવ્યું કે, માબાપે આ ફરજ પાળવી જ જોઈએ. તેમણે કહ્યું કે, “જે માણસ પોતાની ને વિશેષે કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે, એમ સમજવું; તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.” (૧ તીમોથી ૫:૮) બાઇબલમાં યહોવાહના ઘણા ભક્તોના દાખલા મળે છે, જેઓને મન વારસો આપવાની વાત મહત્ત્વની હતી.—રૂથ ૨:૧૯, ૨૦; ૩:૯-૧૩; ૪:૧-૨૨; અયૂબ ૪૨:૧૫.
જોકે અમુક વાર બાળકોને વારસામાં ‘જેટલું વધારે આપીએ એટલું સારું,’ એમ કરીને માબાપ એમાં આખું જીવન ખરચી નાખે છે. મેનોલીસ નામના એક પિતાની વાત સાંભળો, જે પોતે યુરોપથી અમેરિકા રહેવા ગયા છે: ‘જે માબાપ બીજા વિશ્વયુદ્ધના મોંમાંથી બચ્યા છે, તેઓએ ગરીબી, દુકાળ અને ઘણી તકલીફો સહી છે. તેઓ નથી ચાહતા કે પોતાનાં બાળકોને એવા જ
દુઃખોની ચક્કીમાં પીસાવું પડે. પણ બાળકોને સુખ-સાહેબી આપવાનું સપનું પૂરું કરતા કરતા, કોઈ વાર તેઓ પોતાની જાતને ઘસી નાખે છે.’ એ હકીકત છે કે અમુક માબાપ પેટે પાટા બાંધીને જીવે છે, જેથી પોતાના લાડલાઓ માટે ઘણું મૂકતા જાય. પણ શું એ બરાબર છે?‘એ બધું નકામું છે’
જૂના જમાનાના રાજા સુલેમાને વારસા વિષે આ ચેતવણી આપી: “પૃથ્વી ઉપર જે સઘળાં કામ મેં શ્રમ વેઠીને ઉઠાવ્યાં, તેથી મને ધિક્કાર ઉપજ્યો; કેમકે મારા પછી થનાર માણસને માટે મારે તે મૂકી જવું પડશે. વળી તે માણસ જ્ઞાની થશે કે મૂર્ખ થશે એ કોણ જાણે છે? તેમ છતાં પણ જે જે કામમાં મેં શ્રમ ઉઠાવ્યો છે, અને પૃથ્વી પર જેમાં મેં જ્ઞાન દર્શાવ્યું છે તે સર્વ પર તે અધિકાર ભોગવશે. એ પણ વ્યર્થતા છે. . . . કોઈ એવો માણસ હોય છે કે જેનું કામ બુદ્ધિથી, જ્ઞાનથી, તથા કૌશલ્યથી કરેલું હોય છે; તો પણ તેમાં જેણે મહેનત નહિ કરી હોય એવા માણસને તે વારસામાં આપી જશે. એ પણ વ્યર્થતા તથા મોટો અનર્થ છે.”—સભાશિક્ષક ૨:૧૮-૨૧.
રાજા સુલેમાને સમજાવ્યું કે ખોળાનો ખૂંદનાર એવો પણ નીકળે, જેને વારસાની કંઈ પડી ન હોય. આખરે તો તેણે ક્યાં એને માટે પરસેવો પાડ્યો છે! જે વારસા માટે માબાપે લોહી-પાણી એક કર્યું હોય, એને પોતાનો વારસ પાણીના ભાવે વાપરી પણ નાખે. (લુક ૧૫:૧૧-૧૬) એમ થાય તો, ખરેખર માથે હાથ દઈને રોવાનો વારો આવે!
વારસાનો લોભ
માબાપે બીજી એક વાત પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ઘણા સમાજમાં કોને કેટલું મળે છે, એની જ વાતો થતી હોય છે. કદાચ આપણા લાડલાઓને લોભ જાગી શકે. તેઓ તો બંગલો, કાર કે પછી દહેજમાં મોટી મોટી ચીજો માંગવા લાગે. ગ્રીસ દેશનો લુકસ, કડવાશથી કહે છે કે “બે-ત્રણ દીકરીના બાપનો મરો જ છે. અરે, દીકરીઓ પણ સરખાવે છે કે ‘જો ને, પેલીના માબાપે તો ઘર ભરી દીધું! મારું દહેજ આટલું જ હોય તો પછી ક્યાંથી સારો વર મળે?’”
મેનોલીસ જણાવે છે: “એમ પણ બને કે યુવાન આમતેમ બહાના બતાવીને લગ્ન ટાળે. તે ગમે એ કાળા-ધોળા કરીને હજુ વધારે દહેજ પડાવવાના પ્રયત્નો પણ કરે. જેમ કે, બંગલો કે કાર કે મોટું બૅંક-બેલેન્સ!”
શાસ્ત્ર આપણને ચેતવે છે કે લોભ સારો નહિ. એ જણાવે છે: જે ‘વારસો જલદીથી મેળવવામાં આવે નીતિવચનો ૨૦:૨૧) ઈશ્વરભક્ત પાઊલે પણ કહ્યું કે “દ્રવ્યનો [ધનનો] લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે.”—૧ તીમોથી ૬:૧૦; એફેસી ૫:૫.
છે; તેનું પરિણામ આશીર્વાદરૂપ થશે નહિ.’ (“બુદ્ધિ વારસા જેવી ઉત્તમ છે”
રાજા સુલેમાને લખ્યું: “બુદ્ધિ વારસા જેવી ઉત્તમ છે; . . . જેમ દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે; પણ જ્ઞાનની ઉત્તમતા એ છે, કે તે પોતાના માલિકના જીવનું રક્ષણ કરે છે.” (સભાશિક્ષક ૭:૧૧, ૧૨; નીતિવચનો ૨:૭; ૩:૨૧) ખરું કે પૈસાથી તમે ચાહો એ ખરીદી શકો અને રક્ષણ મેળવી શકો. પણ કાયમ માટે નહિ, પૈસા ગયા કે એ બધું જ ગયું. જ્યારે કે બુદ્ધિ અને સમજથી વ્યક્તિ પોતાનું જ્ઞાન વાપરીને જીવનમાં કંઈ કરી બતાવી શકે છે. જોખમ જોઈને ચેતી જઈ શકે, મુશ્કેલીમાંથી બહાર નીકળી શકે. એમાંય વળી જો વ્યક્તિ યહોવાહનું જ્ઞાન લે અને ડર રાખીને ચાલે, તો તેને આવનાર સુંદર મઝાની દુનિયામાં હંમેશાં જીવવાનો મોકો છે. એના જેવો બીજો કયો વારસો હોય શકે!—૨ પીતર ૩:૧૩.
ઈસુએ પોતાના મિત્રોને કહ્યું કે “તમે પહેલાં તેના [ઈશ્વરના] રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.” (માત્થી ૬:૩૩) બાળકો માટે વારસામાં ધન-દોલત નહિ, પણ ઈશ્વરની ભક્તિ હંમેશાં ‘નંબર વન’ હોવી જોઈએ. જો માબાપ પોતે એવી રીતે જીવે, તો ચોક્કસ પોતાનાં બાળકો પણ એ જ પગલે ચાલશે. (ફિલિપી ૧:૧૦) રાજા સુલેમાને લખ્યું કે “નેકીવાન દીકરાનો બાપ ઘણો હરખાશે; અને જે શાણો છોકરો હશે તે તેના જન્મ દેનારને આનંદ આપશે. તારા બાપને તથા તારી માને ખુશ રાખ, અને તારી જનેતાને હરખ પમાડ.”—નીતિવચનો ૨૩:૨૪, ૨૫.
યુગોના યુગો ટકનારો વારસો
જૂના જમાનામાં ઈસ્રાએલના લોકો માટે પણ વારસો બહુ જ કિંમતી ગણાતો. (૧ રાજાઓ ૨૧:૨-૬) પણ યહોવાહે તેઓને ભલામણ કરી કે, “આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે; અને તે તું ખંતથી તારાં છોકરાંને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિષે વાત કર.” (પુનર્નિયમ ૬:૬, ૭) આજે પણ માબાપને યહોવાહ કહે છે કે, ‘તમારાં છોકરાંને મારા શિક્ષણમાં તથા બોધમાં ઉછેરો.’—એફેસી ૬:૪.
યહોવાહને ભજનારાં માબાપ જાણે છે કે કુટુંબને સુખી બનાવવા, બાઇબલનું શિક્ષણ જીવનદોરી છે. ત્રણ બાળકોના પપ્પા, આન્ડ્રિઆસ જણાવે છે: “બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવવાની કળા બાળકો શીખી લે તો બસ. પછી ભલે જીવનમાં ચડતી-પડતી આવે, તેઓ ટકી રહેશે.” આ રીતે આપણાં વહાલાં બાળકો પોતે ઈશ્વરનો હાથ પકડી ચાલી શકે.—૧ તીમોથી ૬:૧૯.
તમારાં જિગરના ટુકડા માટે એનાથી વધારે સારો વારસો બીજો શું હોય શકે? દાખલા તરીકે તમારો છોકરો કે છોકરી પાયોનિયરીંગ કરતા હોય કે મિશનરિ હોય. તમે તેઓને કઈ રીતે સાથ આપી શકો? માબાપ પોતે જ નક્કી કરી શકે કે તેને કઈ રીતે મદદ કરી શકાય, જેથી તે યહોવાહની વધારે સેવા કરતા રહી શકે. (રૂમી ૧૨:૧૩; ૧ શમૂએલ ૨:૧૮, ૧૯; ફિલિપી ૪:૧૪-૧૮) આવી રીતે સાથ આપવાથી, યહોવાહ બહુ રાજી થાય છે.
તો પછી, માબાપ પોતાના વહાલાઓને કયો વારસો આપી શકે? ખરું કે પોતાના જીવની જેમ વહાલા બાળકોનું ભરણ-પોષણ તો કરશે જ. પણ સાથે સાથે યહોવાહના માર્ગે ચાલનારાં માબાપ પોતાનાં બાળકોને એવો વારસો આપશે, જે તેઓને કાયમી જીવનની આશા આપી શકે. પછી આ શબ્દો હકીકત બની જશે: “યહોવાહ યથાર્થીઓની [પોતાના ભક્તોની] જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે; અને તેઓનો વારસો સર્વકાળ ટકશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૮.
[પાન ૨૬, ૨૭ પર ચિત્રો]
તમારી આંખના રતન જેવાં બાળકો માટે કેવું જીવન ચાહો છો?