સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના ભક્તો ભૂલાઈ ગયા નથી

યહોવાહના ભક્તો ભૂલાઈ ગયા નથી

રાજ્ય પ્રચારકોનો અહેવાલ

યહોવાહના ભક્તો ભૂલાઈ ગયા નથી

પંદર વર્ષનો હીગાઝ ૨૦૦૧માં બર્ન, સ્વિટ્‌ઝર્લૅન્ડમાં યોજાયેલા ‘ભૂલાઈ ગયેલા પીડિતો’ નામના પ્રદર્શનમાં ગયો હતો. એ પ્રદર્શન બતાવતું હતું કે નાત્ઝી યાતના શિબિરોમાં યહોવાહના સાક્ષીઓ પર કેવો અત્યાચાર થયો હતો. હીગાઝ, જે પોતે યહોવાહનો સાક્ષી છે, તેણે પ્રદર્શન જોયા પછી કહ્યું: “હિટલરના રાજમાં યહોવાહના સાક્ષીઓ પર થયેલા જુલમ વિષે તો મેં ઘણું સાંભળ્યું હતું. પણ આ પ્રદર્શનમાં મેં પહેલી વાર એના પુરાવા અને ફોટાઓ જોયા. ઘણાએ તો આંખે દેખ્યો અહેવાલ આપ્યો હતો. ઇતિહાસકારોએ પણ એનો પુરાવો આપ્યો છે. સાચે જ, એ જોઈને મારા હૃદય પર ઊંડી છાપ પડી છે.”

થોડા દિવસો પછી, હીગાઝને સ્કૂલમાં તેના ક્લાસ તરફથી એક રિપૉર્ટ લખવાનું કહેવામાં આવ્યું. એ વખતે તેણે ‘યહોવાહના સાક્ષીઓ—હિટલરના રાજના ભૂલાઈ ગયેલા પીડિતો’ વિષય પસંદ કર્યો. તેના ટીચરે એ વિષય પર કોઈ વાંધો ન ઉઠાવ્યો. પણ તેણે હીગાઝને બહારના મૅગેઝિનો કે પુસ્તકોમાંથી માહિતી લેવાનું કહ્યું. હીગાઝ પણ સહમત થયો. તે કહે છે: “મેં નાત્ઝી સમયના યહોવાહના સાક્ષીઓ વિષે અમુક પુસ્તકોમાંથી ઘણી માહિતી લીધી. પછી હિટલરના રાજમાં કચડાયેલા યહોવાહના સાક્ષીઓ વિષે લખ્યું. ‘ભૂલાઈ ગયેલા પીડિતો’ પ્રદર્શનથી મારા મન પર જે ઊંડી અસર પડી હતી એ વિષે પણ મેં લખ્યું. એ ૪૩ પાનના રિપોર્ટમાં મેં ઘણા ઉદાહરણો અને ફોટાઓનો પણ ઉપયોગ કર્યો.”

નવેમ્બર, ૨૦૦૨માં હીગાઝે પોતાનો રિપૉર્ટ ક્લાસના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પરિવાર અને મિત્રો આગળ રજૂ કર્યો. એ પછી સવાલ-જવાબનો ભાગ હતો. એ સમયે તેને બાઇબલની માન્યતાઓ જણાવવાનો મોકો મળ્યો. એક છોકરીએ તેને પૂછ્યું કે તેં શા માટે આ વિષય પસંદ કર્યો. ત્યારે હીગાઝે સમજાવ્યું કે ઇતિહાસના ઘણાં પુસ્તકો યહોવાહના સાક્ષીઓ વિષે કંઈ ખાસ જણાવતા નથી. તેથી તે લોકોને જણાવવા ચાહતો હતો કે યહોવાહના સાક્ષીઓ કઈ રીતે પોતાના વિશ્વાસને હિંમતથી વળગી રહ્યા હતા. હીગાઝની રજૂઆતનું કેવું પરિણામ આવ્યું?

હીગાઝે કહ્યું: “મારી સાથે ભણતા વિદ્યાર્થીઓ તો જોતા જ રહી ગયા. તેઓ જરાય જાણતા ન હતા કે યહોવાહના સાક્ષીઓની સખત સતાવણી થઈ હતી. તેઓને એ પણ ખબર ન હતી કે નાત્ઝી જુલમી શિબિરોમાં સાક્ષીઓએ પોતાની ઓળખ માટે, કપડાં પર જાંબુડિયા રંગના ત્રિકોણનું ખાસ ચિહ્‍ન પહેરવાનું હતું.”

આ રજૂઆત પછી, હીગાઝને પોતાના ક્લાસના વિદ્યાર્થીઓ સાથે વધારે વાત કરવાનો મોકો મળ્યો. તેણે તેઓ સાથે લોહીની આપ-લે, આલ્કોહોલ અને નૈતિકતા વિષે સાક્ષીઓની બાઇબલ આધારિત માન્યતા વિષે ચર્ચા કરી. હીગાઝ કહે છે: “સ્કૂલના એક પણ વિદ્યાર્થીએ મારી મજાક ઉડાવી ન હતી.” વળી, તેના રિપૉર્ટને સ્કૂલની લાઇબ્રેરીમાં મૂકવામાં આવ્યો. એનાથી ખાતરી થાય છે કે યહોવાહના સાક્ષીઓએ હિંમતથી જે સ્થાન લીધું એને ક્યારેય ભૂલવામાં આવશે નહિ.