સુખ ક્યાં છે?
સુખ ક્યાં છે?
“સુખી થવા માટે શાની જરૂર છે?” થોડાં વર્ષો પહેલાં ફ્રાન્સ, જર્મની, બ્રિટન અને અમેરિકાના લોકોને એક સર્વેમાં આ સવાલ પૂછવામાં આવ્યો. બધાએ એનો અલગ અલગ જવાબ આપ્યો. જેમ કે, ૮૯ ટકા લોકોએ કહ્યું કે સારી તંદુરસ્તીથી સુખ મળે છે. જ્યારે કે ૭૯ ટકા લોકોએ સારા લગ્નસાથી, ૬૨ ટકાએ બાળકો હોવાને અને ૫૨ ટકા લોકોએ સારી નોકરી કે ધંધો હોવાથી સુખ મળે છે એમ કહ્યું. નવાઈની વાત છે કે ખાલી ૪૭ ટકા લોકોએ કહ્યું કે પૈસાથી સુખ મળે છે. આ શું બતાવે છે?
પહેલા આપણે એ જોઈએ કે પૈસાથી સુખી થવાય કે કેમ. અમેરિકાની સો અમીર વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો. એના પરથી જોવા મળ્યું કે તેઓ મધ્યમ વર્ગના લોકો કરતાં વધારે સુખી ન હતા. વળી, અમેરિકાના ઘણા લોકો પાસે પહેલાં કરતાં વધારે પૈસો છે. પરંતુ, એક ડૉક્ટર જણાવે છે કે તેઓ પહેલાંની જેમ સુખી નથી. એક રિપોર્ટ બતાવે છે: “વધુને વધુ લોકો ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે. આત્મહત્યામાં ત્રણ ગણો વધારો થયો છે. તેમ જ છૂટાછેડાનું પ્રમાણ બમણું થઈ ગયું છે.” લગભગ ૫૦ દેશોમાં પૈસા અને સુખ વચ્ચે સંશોધન કરવામાં આવ્યું એના પરથી પણ જોવા મળ્યું કે પૈસાથી સુખ ખરીદી શકાતું નથી.
હવે સારી તંદુરસ્તી, સારા જીવનસાથી અને સારી નોકરી કે વેપાર-ધંધાનો વિચાર કરો. ઘણા માને છે કે એ સુખની ચાવી છે. પરંતુ, સુખી થવા આ બાબતો કેટલી મહત્ત્વની છે? જો ખરેખર એનાથી સુખ મળતું હોય તો, આજે જેઓની તબિયત નરમ-ગરમ રહે છે તેઓ વિષે શું? સારા લગ્નસાથી ન હોવાથી ઘણાના સંસારનો માળો પીંખાઈ રહ્યો છે તેઓ વિષે શું? બાળકો માટે વર્ષોથી ઝૂરતા પતિ-પત્નીનો વિચાર કરો. લાખો કરોડો યુવાનો જીવનમાં સારી કૅરિયર બનાવવા આમતેમ ભટકી રહ્યા છે તેઓ વિષે શું? અરે, જેઓ અત્યારે તંદુરસ્ત છે અને જેઓનું લગ્નજીવન મહેંકી રહ્યું છે તેઓ શું હંમેશાં એવાને એવા જ રહેશે? તેઓનું જીવન ખરાબ રીતે બદલાય જાય તો શું તેઓ હજુ પણ સુખી રહેશે?
આપણે સુખ ક્યાંથી મેળવી શકીએ?
દરેક જણ સુખી થવાની ઝંખના રાખે છે. જોકે, એમાં કંઈ ખોટું નથી, કેમ કે આપણા સરજનહાર, ‘ધન્ય’ કે સુખી છે. આપણને પરમેશ્વરના સ્વરૂપ પ્રમાણે બનાવવામાં આવ્યા છે. (૧ તીમોથી ૧:૧૧, પ્રેમસંદેશ; ઉત્પત્તિ ૧:૨૬, ૨૭) તેથી, માણસો સુખ મેળવવા ફાંફાં મારે એ સ્વાભાવિક છે. ઘણાને લાગે છે કે સુખ એ મુઠ્ઠીમાં પકડી રાખેલી રેતી જેવું છે, જે ક્યારે સરકી જાય એની ખબર પણ પડતી નથી.
તેમ છતાં, શું લોકો સુખ મેળવવા આકાશ-પાતાળ એક નથી કરતા? એરીક ઙોફર નામના સામાજિક ફિલસૂફને પણ એવું જ લાગ્યું. તેમણે કહ્યું: ‘લોકો સુખ મેળવવા ફાંફાં મારે છે એના લીધે તેઓ વધારે દુઃખી થાય છે.’ જો આપણે ખોટી જગ્યાએ સુખ મેળવવા પ્રયત્ન કરીશું તો આપણી પણ એવી જ હાલત થશે. એનાથી આપણને નિરાશા જ મળશે. ધનવાન બનવા કાળી મજૂરી કરવી; નામના અને લોકોની ‘વાહ વાહ’ મેળવવી; રાજનીતિમાં નામ કમાવવું; અથવા ફક્ત પોતાના માટે જ જીવવું કે પલભરમાં પોતાની મનોકામના પૂરી કરવાથી કંઈ સુખ મળતું નથી. આથી જ ઘણા લોકો એક લેખક જેવું વિચારે છે કે, “આપણે સુખી થવા આમતેમ ફાંફાં મારવાનું પડતું મૂકીશું તો જ, કંઈક અંશે સુખ મળશે”!
આ લેખની શરૂઆતમાં જોઈ ગયા એ સર્વેમાં ૪૦ ટકા લોકોએ કહ્યું કે સારું કરવાથી અને બીજાઓને મદદ કરવાથી સુખ મળે છે. વળી, ૨૫ ટકાએ જણાવ્યું કે ધર્મમાં ઊંડી શ્રદ્ધા રાખવાથી સુખી થવાય છે. તો પછી, ખરેખર આપણે શાનાથી સુખી થઈ શકીએ? હવે પછીનો લેખ એ જોવા આપણને મદદ કરશે.
[પાન ૩ પર ચિત્રો]
ઘણા વિચારે છે કે પૈસા, સુખી કુટુંબ કે સફળ કૅરિયર સુખની ચાવી છે. તમને શું લાગે છે?