સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો’

‘ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો’

‘ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો’

“શેતાનની કુયુક્તિઓની [અથવા દુષ્ટ ચાલાકીઓની] સામે તમે દ્રઢ રહી શકો માટે દેવનાં સર્વ હથિયારો સજો.”—એફેસી ૬:૧૧.

૧, ૨. આપણે કેવા હથિયાર પહેરવાના છે એ જણાવો.

 પહેલી સદીમાં રોમન રાજ પર સોનાનો સૂરજ ઊગ્યો હતો. એની તાકાતને કારણે એ સમયે રોમનોનું રાજ હતું. એટલે જ ઇતિહાસના એક લેખકે કહ્યું કે, એ “સૌથી સફળ લશ્કર” હતું. તેઓએ સખત ટ્રેનિંગ લીધી હતી અને નિયમો કડક રીતે પાળવામાં આવતા. પણ તેઓની જીતનો આધાર મોટે ભાગે તેઓના બખ્તર પર રહેલો હતો. પાઊલે રોમન સૈનિકનાં હથિયારોનું ઉદાહરણ આપ્યું. પાઊલે બતાવ્યું કે આપણે શેતાનની સામે જીતવું હોય તો, યહોવાહે આપેલાં સર્વ હથિયારો વાપરવાં જ જોઈએ.

પાઊલે લખ્યું કે, “સત્યથી તમારી કમર બાંધીને તથા ન્યાયીપણાનું બખ્તર પહેરીને તથા શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી જોડાં પહેરીને, ઊભા રહો; સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના બળતા ભાલાઓ હોલવી શકશો. વળી તારણનો ટોપ પહેરો, તથા આત્માની તરવાર, જે દેવનું વચન છે, તે લો.” (એફેસી ૬:૧૪-૧૭) સૈનિકના પૂરેપૂરા બખ્તરથી તેને રક્ષણ મળતું હતું.

૩. આપણે કેમ ઈસુની આજ્ઞા માનવી જ જોઈએ? તેમનો દાખલો શું શીખવે છે?

રૂમી સૈનિક માટે જોરદાર ટ્રેનિંગ અને હથિયારો સિવાય બીજું શું જરૂરી હતું? તેના કમાન્ડરનો હુકમ માથે ચડાવવો. આજે આપણે પણ ઈસુ ખ્રિસ્તની આજ્ઞા પાળવાની જરૂર છે, જે ‘લોકોને સારૂ સરદાર અને અધિકારી છે.’ (યશાયાહ ૫૫:૪) ઈસુ “મંડળીનું શિર છે.” (એફેસી ૫:૨૩) ઈસુ પોતે લડાઈની સૂચનાઓ આપે છે. તે પોતે આપણને બતાવે છે કે કઈ રીતે હથિયારો વાપરવા. (૧ પીતર ૨:૨૧) ઈસુના સ્વભાવથી આપણે ઘણું શીખી શકીએ છીએ. બાઇબલ જણાવે છે કે “તમે પણ એવું જ મન રાખીને હથિયારબંધ થાઓ.” (૧ પીતર ૪:૧) ચાલો હવે આપણે એક પછી એક દરેક હથિયારની ચર્ચા કરીએ. સાથે સાથે આપણે જોતા જઈએ કે ઈસુએ કઈ રીતે એ હથિયારનો ઉપયોગ કર્યો.

કમર, હૃદય ને પગનું રક્ષણ કરો

૪. સૈનિક માટે કમર-પટ્ટો કેટલો જરૂરી હતો? આપણે એમાંથી શું શીખીએ છીએ?

સત્યથી કમર બાંધો. અમુક બીજા ભાષાંતર કહે છે કે, “સત્યનો પટ્ટો કમરે કસીને બાંધ.” બાઇબલના જમાનામાં સૈનિકો લગભગ પાંચથી પંદર સેન્ટિમીટર પહોળો પટ્ટો કમરે પહેરતા. એ પટ્ટાથી રક્ષણ તો મળતું જ, પરંતુ એમાં તે તરવાર મૂકવાનું મ્યાન પણ રાખી શકતો. સૈનિક કમર-પટ્ટો બાંધતો ત્યારે, એનો અર્થ એમ થતો કે તે લડવા તૈયાર થાય છે. આ રીતે પાઊલે જણાવ્યું કે જો આપણામાં બાઇબલનું સત્ય ન હોય, તો આપણે લડાઈ માટે તૈયાર નથી. જો આપણે સત્ય સારી રીતે જાણતા હોઈએ, તો બીજાને પણ સારી રીતે સમજાવી શકીશું. (ગીતશાસ્ત્ર ૪૩:૩; ૧ પીતર ૩:૧૫) ચાલો આપણે બાઇબલનું અમૃત પીતા રહીએ, જેથી એ આપણી રગેરગમાં વહે. ઈસુએ એમ જ કર્યું. (ગીતશાસ્ત્ર ૪૦:૮) એટલે જ ઈસુ પોતાના દુશ્મનોને શાસ્ત્રમાંથી જવાબ આપી શક્યા.—માત્થી ૧૯:૩-૬; ૨૨:૨૩-૩૨.

૫. દુઃખમાં પણ કઈ રીતે સત્ય આપણને મદદ કરી શકે?

આપણે જો સત્યને આપણા દિલમાં રાજ કરવા દઈએ, તો એ આપણને ખોટે માર્ગે જતા રોકશે. સત્ય આપણને દુઃખમાં પણ જે ખરું છે, એ જ કરવા હિંમત આપશે. સત્યમાં ચાલવાથી, આપણે જાણે કે યહોવાહનો અવાજ સાંભળીશું કે, ‘માર્ગ આ છે, તે પર ચાલો.’—યશાયાહ ૩૦:૨૦, ૨૧.

૬. આપણા હૃદયનું શા માટે રક્ષણ કરવું જોઈએ? ન્યાયીપણું કઈ રીતે મદદ કરશે?

ન્યાયીપણાનું બખ્તર પહેરો. જેમ બખ્તરથી સૈનિક પોતાના હૃદયનું રક્ષણ કરતો હતો, તેમ આપણે પણ આપણા હૃદયનું રક્ષણ કરીએ. (ઉત્પત્તિ ૮:૨૧) એટલે જ આપણે યહોવાહના નીતિ-નિયમો જાણીને, એને જીવની જેમ વળગી રહેવું જોઈએ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭, ૧૦૫) જો આપણે એમ કરીશું, તો સાચું-ખોટું કરતી દુનિયાના ઇશારે નહિ નાચીએ. આપણે સત્યને વળગી રહીએ અને ખોટાનો ધિક્કાર કરીશું તો, આપણે સુખી થઈશું. (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૯-૧૦૧; આમોસ ૫:૧૫) ઈસુએ આ વિષે સુંદર દાખલો બેસાડ્યો. તેમના વિષે શાસ્ત્ર કહે છે કે, “તેં ન્યાયીપણા પર પ્રીતિ રાખી છે, અને અન્યાય પર દ્વેષ કર્યો છે.”—હેબ્રી ૧:૯. *

૭. રૂમી સૈનિકને ટકાઉ બૂટ કે સેન્ડલની કેમ જરૂર હતી? આપણે એમાંથી શું શીખીએ છીએ?

શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી જોડાં પહેરો. રૂમી સૈનિકોએ લડાઈમાં જતા-આવતા રોજના ત્રીસેક કિલોમીટર ચાલવું પડતું. તેઓએ હથિયારો વગેરેનું લગભગ ૨૭ કિલો જેટલું વજન પણ ઊંચકવું પડતું. એટલે તેઓને ટકાઉ બૂટ કે સેન્ડલની જરૂર હતી. આજે એ “જોડાં” શું છે? પાઊલ એને યહોવાહના રાજ્યના પ્રચાર કરવાની ધગશ સાથે સરખાવે છે. જો આપણે ઉત્સાહથી પ્રચાર કરવા તૈયાર ન હોઈએ, તો લોકો કઈ રીતે યહોવાહ વિષે જાણશે?—રૂમી ૧૦:૧૩-૧૫.

૮. આપણે પ્રચાર કામમાં કઈ રીતે ઈસુને પગલે ચાલી શકીએ?

ઈસુના જીવનમાં સૌથી મહત્ત્વનું કામ શું હતું? ઈસુએ રૂમી અધિકારી પીલાતને જણાવ્યું કે, ‘હું સત્ય વિષે સાક્ષી આપવા જગતમાં આવ્યો છું.’ ઈસુએ જે કોઈ સાંભળનાર મળ્યું તેને પ્રચાર કર્યો. અરે, ઈસુ પ્રચારમાં એટલા ડૂબી ગયા કે ખાવાનું પણ ભૂલી ગયા. (યોહાન ૪:૫-૩૪; ૧૮:૩૭) ઈસુની જેમ જ ઉત્સાહી બનીશું તો, આપણે ઘણા લોકોને પ્રચાર કરી શકીશું. આપણે પ્રચાર કરતા રહીશું તો, યહોવાહની ભક્તિમાં કદી પાછા નહિ પડીએ.—પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૫.

ઢાલ, ટોપ અને તરવાર

૯. રૂમી સૈનિકને શા માટે મોટી ઢાલની જરૂર હતી?

વિશ્વાસની મોટી ઢાલ. રૂમી સૈનિકોની ઢાલ એટલી મોટી હતી કે આખું શરીર ઢાંકી શકે. એફેસી ૬:૧૬ જણાવે છે તેમ, એ ઢાલ ‘બળતા ભાલાઓથી’ રક્ષણ આપતી હતી. બાઇબલના જમાનામાં સૈનિકો પોલા વાંસમાંથી ભાલા બનાવતા. એમાં તેલ ભરી શકાતું, જેને પછી સળગાવીને ભાલો ફેંકતા. એક સ્કૉલર જણાવે છે કે “પહેલાના જમાનાની લડાઈમાં એ સૌથી ખતરનાક હથિયાર હતું.” જો સૈનિક પાસે મોટી ઢાલ ન હોય તો બસ મર્યો જ સમજો.

૧૦, ૧૧. (ક) શેતાનના કયા “બળતા ભાલાઓ” આપણો વિશ્વાસ ઝૂંટવી લઈ શકે? (ખ) પૂરી શ્રદ્ધા રાખવા વિષે ઈસુએ શું શીખવ્યું?

૧૦ આપણો વિશ્વાસ કે શ્રદ્ધા તોડવા શેતાન કયા ‘બળતા ભાલા’ ફેંકે છે? તે કુટુંબમાંથી, નોકરી પર કે સ્કૂલે સતાવણી લાવી શકે છે. શેતાન આપણને ધન-દોલત કે વાસનાની જાળમાં ફસાવવા માંગે છે. એનાથી રક્ષણ મેળવવા, આપણે “વિશ્વાસની ઢાલ” સદાયે સાથે રાખવી જ જોઈએ. કઈ રીતે આપણે આપણો વિશ્વાસ વધારી શકીએ? યહોવાહ વિષે વધારે ને વધારે શીખતા જઈએ, તેમને પ્રાર્થના કરતા રહીએ. તે જે રીતે રક્ષણ અને આશીર્વાદો આપે છે, એમાંથી આપણે શીખીએ.—યહોશુઆ ૨૩:૧૪; લુક ૧૭:૫; રૂમી ૧૦:૧૭.

૧૧ ઈસુએ બતાવ્યું કે પહાડ જેવો વિશ્વાસ હોય, એ બહુ જ જરૂરી છે. યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવા તે બહુ જ રાજી હતા. (માત્થી ૨૬:૪૨, ૫૩, ૫૪; યોહાન ૬:૩૮) અરે, ગેથસામનેના બાગમાં તેમની ચિંતા બેહદ વધી ગઈ, ત્યારે પણ ઈસુએ યહોવાહને વિનંતી કરી કે, “મારી ઈચ્છા પ્રમાણે નહિ, પણ તારી ઈચ્છા પ્રમાણે થાઓ.” (માત્થી ૨૬:૩૯) યહોવાહને વળગી રહેવાનું અને તેમનું દિલ ખુશ કરવાનું, ઈસુના મનમાં પહેલા નંબરે હતું. (નીતિવચનો ૨૭:૧૧) ચાલો આપણે ઈસુને પગલે જ ચાલીએ. તેમની જેમ જ, આપણે યહોવાહ પર પૂરો ભરોસો રાખીએ. પછી ભલે કોઈ આડું-અવળું બોલે, વિરોધ કરે, પણ આપણી શ્રદ્ધાનો દીવો જલતો જ રહેશે. (ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧; ૧ યોહાન ૫:૩) યહોવાહના આશીર્વાદોની સરખામણીમાં દોલત, મોહ-માયા કે બે ઘડીની મોજમઝાની શું કિંમત?—નીતિવચનો ૧૦:૨૨.

૧૨. તારણનો ટોપ શું છે અને કેમ એ બહુ જ જરૂરી છે?

૧૨ તારણનો ટોપ. સૈનિકના મગજનું રક્ષણ ટોપ કરે છે. એ જ રીતે યહોવાહે આપેલી આશા આપણા મનનું, વિચારોનું રક્ષણ કરે છે. (૧ થેસ્સાલોનીકી ૫:૮) ભલે આપણે યહોવાહના ભક્તો બન્યા છે, પણ હજુયે આપણે ‘મનુષ્ય માત્ર ભૂલને પાત્ર’ છીએ. આપણું ચંચળ મન સહેલાઈથી આમ-તેમ ફાંફાં મારવા લાગે છે. ધ્યાન ન રાખીએ તો, આપણે દુનિયા પાછળ દોડવા લાગી શકીએ. (રૂમી ૭:૧૮; ૧૨:૨) અરે, શેતાને આ જ જાળ ઈસુ આગળ પણ બિછાવી હતી. તે ઈસુને ફસાવવા “જગતના સઘળાં રાજ્ય તથા તેઓનો મહિમા તેને દેખાડે છે.” (માત્થી ૪:૮) પણ ઈસુએ ઘસીને ના પાડી. પાઊલે ઈસુ વિષે કહ્યું કે, ‘તેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું દુઃખ સહન કર્યું, અને તે દેવના રાજ્યાસનની જમણી તરફ બેઠેલા છે.’—હેબ્રી ૧૨:૨.

૧૩. આપણે કઈ રીતે મુક્તિની આશા નજર આગળ જ રાખી શકીએ?

૧૩ ઈસુની જેમ જ, આપણે પણ આપણી આશા હંમેશાં નજર સામે જ રાખીએ. આપણે આ દુનિયાની પાછળ પાગલ ન થઈએ. નહિ તો ધીમે ધીમે યહોવાહનાં વચનોમાં આપણી શ્રદ્ધા ઝાંખી પડી જશે. ચાલો આપણે યહોવાહનાં વચનો પર રોજ વિચાર કરીએ. પાપમાંથી છુટકારો પામવાની જે આશા યહોવાહે આપી છે, એ આપણી આગળ જ રાખીએ.—રૂમી ૧૨:૧૨.

૧૪, ૧૫. (ક) તરવાર શું છે અને એ કઈ રીતે વાપરી શકાય? (ખ) કઈ રીતે બાઇબલ લાલચ સામે લડવા મદદ કરી શકે?

૧૪ આત્માની તરવાર. બાઇબલ દ્વારા યહોવાહ આપણને સત્ય જણાવે છે. એ જાણે બેધારી તરવાર છે, જે કોઈ પણ ધર્મના જૂઠાણાની જંજીર તોડી શકે છે. એ સાચા દિલના લોકોને આઝાદી આપે છે. (યોહાન ૮:૩૨; હેબ્રી ૪:૧૨) કોઈ પણ લાલચનો સામનો કરવા મદદ કરે છે. સત્યના વિરોધીઓ સામે લડવા પણ એ મદદ કરે છે. (૨ કોરીંથી ૧૦:૪, ૫) ખરેખર, ‘શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે, અને સર્વ સારાં કામ કરવા સારૂ આપણને તૈયાર કરે છે.’—૨ તીમોથી ૩:૧૬, ૧૭.

૧૫ ઈસુની આગળ શેતાને જાતજાતની લાલચો મૂકી. ઈસુએ શાસ્ત્ર દ્વારા જૂઠાણું અને કપટી ચાલાકી ખુલ્લા પાડ્યા. શેતાનની હરેક ચાલનો જવાબ આપતા ઈસુએ કહ્યું કે, “એમ લખેલું છે.” (માત્થી ૪:૧-૧૧) સ્પેનના ડેવિડ નામના એક ભાઈનો અનુભવ સાંભળો. તે ૧૯ વર્ષના હતા ત્યારે, એક સાફ-સફાઈની કંપનીમાં નોકરી કરતા હતા. ત્યાં કામ કરતી એક રૂપાળી છોકરી ડેવિડને વારંવાર કહેતી કે ‘ચાલ, આપણે મજા કરીએ.’ ડેવિડે તેને ચોખ્ખી ‘ના’ સંભળાવી દીધી. પછી ડેવિડે સુપરવાઈઝરને કહ્યું કે પોતાને બીજું કોઈ કામ આપે. જેથી પાછી એવી કોઈ માથાકૂટ ઊભી ન થાય. ડેવિડ કહે છે કે, “મેં યુસફને યાદ કર્યો. તે પણ એવી લાલચની ના પાડીને નાસી છૂટ્યો હતો. મેં પણ એમ જ કર્યું.” બાઇબલને કારણે આપણો ભાઈ મોટી મુસીબતમાંથી બચી ગયો!—ઉત્પત્તિ ૩૯:૧૦-૧૨.

૧૬. શા માટે આપણે બાઇબલનો સારો ઉપયોગ કરતા શીખવું જ જોઈએ?

૧૬ શાસ્ત્રથી ઈસુએ બીજાઓને મદદ પણ કરી. તેમણે કહ્યું કે “મારો બોધ તો મારો પોતાનો નથી, પણ જેણે મને મોકલ્યો તેનો છે.” (યોહાન ૭:૧૬) ઈસુની જેમ આપણે પણ બીજા લોકોને શાસ્ત્રમાંથી શીખવવા ટ્રેનિંગ લઈએ. રૂમી સૈનિક વિષે જોસેફસ નામના યહુદી ઇતિહાસકારે લખ્યું કે, “દરેક સૈનિક દરરોજ બરાબર કસરત કરતો. એટલે જ એ સૈનિકો લડાઈમાં ગમે એવી મુશ્કેલીઓ સહી શકતા.” આપણી લડાઈમાં જીતવા આપણે બાઇબલનો સારી રીતે ઉપયોગ કરતા શીખવું જોઈએ. “જેને શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર, સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર, અને દેવને પસંદ પડે એવા સેવક” આપણે બનવું જ જોઈએ. (૨ તીમોથી ૨:૧૫) આપણે કોઈને બાઇબલમાંથી શીખવીએ ત્યારે, આપણને કેટલો સંતોષ થાય છે!

પ્રાર્થના કરો

૧૭, ૧૮. (ક) શેતાન સામે લડવા આપણને પ્રાર્થના કઈ રીતે મદદ કરી શકે છે? (ખ) પ્રાર્થનાથી મળતી મદદ વિષે એક અનુભવ કહો.

૧૭ પાઊલે સર્વ હથિયારો વિષે વાત કર્યા પછી, એક અગત્યની સલાહ ઉમેરી: “સર્વ પ્રકારે તથા હરવખત પ્રાર્થના તથા વિનંતી કરો.” (એફેસી ૬:૧૮) ભલે કોઈ લાલચ આવે, કસોટી આવે કે આપણે નિરાશ થઈ જઈએ, પ્રાર્થના આપણને બહુ જ મદદ કરી શકે. (માત્થી ૨૬:૪૧) ઈસુએ “મોટે ઘાંટે તથા આંસુસહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા, અને તેણે દેવનો ડર રાખ્યો, માટે તેની પ્રાર્થના સાંભળવામાં આવી.”—હેબ્રી ૫:૭.

૧૮ મીલાગ્રોસ નામની એક બહેન પોતાના બીમાર પતિની ૧૫ વર્ષથી ચાકરી કરે છે. તે કહે છે કે, “અમુક વાર હું નિરાશ થઈ જાઉં છું. હું યહોવાહ પાસે પ્રાર્થનામાં દોડી જાઉં છું. તેમના જેવી મદદ મને કોણ આપી શકે? ઘણી વાર મને લાગે છે કે આ બધું મારા ગજા ઉપરાંત છે. પણ યહોવાહને પ્રાર્થના કર્યા પછી મારામાં ફરીથી તાકાત આવી જાય છે.”

૧૯, ૨૦. શેતાન સામે જીતવા માટે આપણે શું કરવું જ જોઈએ?

૧૯ શેતાનની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે. એટલે જ તે જીત મેળવવા ગમે એ કરે છે. (પ્રકટીકરણ ૧૨:૧૨, ૧૭) ચાલો આપણે ‘વિશ્વાસની સારી લડાઈ લડીએ.’ (૧ તીમોથી ૬:૧૨) એ આપણા ગજા ઉપરાંત છે, એટલે આપણે યહોવાહની શક્તિ પર પૂરો આધાર રાખીએ. (૨ કોરીંથી ૪:૭) ચાલો આપણે પ્રાર્થનામાં યહોવાહ પાસે મદદ માંગીએ. ઈસુએ કહ્યું હતું કે, “જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?”—લુક ૧૧:૧૩.

૨૦ યહોવાહે આપેલાં સર્વ હથિયારો આપણે વાપરીએ. એ માટે આપણે ન્યાયીપણું અને વિશ્વાસ જેવા ગુણો કેળવતા રહીએ. સાચા દિલના બનીએ ને સત્યથી ચાલીએ. દરેક સંજોગમાં યહોવાહ વિષે પ્રચાર કરીએ. યહોવાહે આપેલી આશા દિલમાં અમર રાખીએ. બાઇબલનો સારી રીતે ઉપયોગ કરતા શીખીએ. ચાલો આપણે યહોવાહે આપેલાં સર્વ હથિયારો સારી રીતે વાપરીએ. એ રીતે આપણે શેતાન સામે ચોક્કસ જીતીશું અને યહોવાહનું પવિત્ર નામ રોશન કરીશું.—રૂમી ૮:૩૭-૩૯.

[ફુટનોટ]

^ યશાયાહની ભવિષ્યવાણી બતાવે છે કે, યહોવાહે “બખ્તર તરીકે ન્યાયીપણું સજ્યું” છે. એટલે યહોવાહ ચાહે છે કે મંડળમાં વડીલો પણ સત્ય અને ઇન્સાફને વળગી રહે.—યશાયાહ ૫૯:૧૪, ૧૫, ૧૭.

આપણે શું શીખ્યા?

• યહોવાહે આપેલાં હથિયાર વાપરવામાં સૌથી સારો દાખલો કોનો છે અને કેમ આપણે તેમના પગલે ચાલવું જોઈએ?

• આપણે કઈ રીતે આપણાં મન અને દિલનું રક્ષણ કરી શકીએ?

• બાઇબલ સારી રીતે વાપરવા આપણે શું કરવું જોઈએ?

• આપણે કેમ હરેક પ્રસંગે પ્રાર્થના કરવી જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૭ પર ચિત્ર]

બાઇબલનું શિક્ષણ આપણને હોંશથી પ્રચાર કરવાની પ્રેરણા આપશે

[પાન ૧૮ પર ચિત્ર]

આપણી અમર આશા કસોટીમાં ટકાવી રાખશે

[પાન ૧૯ પર ચિત્ર]

શું તમે યહોવાહે આપેલી ‘તરવાર’ વાપરો છો?