ચેસ્ટર બીટીનો ખજાનો
સ્ટર બીટીનો ખજાનો
આયર્લૅન્ડના ડબ્લીન શહેરમાં એક લાઇબ્રેરી છે. એનું નામ ચેસ્ટર બીટી નામના એક માણસ પરથી પડેલું છે. એ લાઇબ્રેરીના ઉપરી અધિકારી, આર. જે. હેઝે કહ્યું કે, ‘એ લાઇબ્રેરી વીતી ગયેલા ઘણા સમાજોની યાદગીરીઓથી ભરપૂર છે. એમાં અનેક નાની-નાની ચીજો અને ચિત્રો છે.’ એમાં જૂની જૂની કીમતી વસ્તુઓ છે, સુંદર કલાનું પ્રદર્શન છે. એમાં એવા પુસ્તકો અને જૂનાં લખાણો છે, જેની કોઈ કિંમત આંકી ન શકાય. પણ તમને થશે કે આ ચેસ્ટર બીટી વળી કોણ છે? તેણે કેવો ખજાનો ભેગો કર્યો હતો?
આલ્ફ્રેડ ચેસ્ટર બીટીનો જન્મ ૧૮૭૫માં ન્યૂ યૉર્કમાં થયો હતો. તેનામાં સ્કોટીશ, આઇરિશ અને ઇગ્લીંશ લોહી દોડતું હતું. તે ૩૨ વર્ષની ઉંમરે તો ધનવાન બની ગયો હતો. તે ખાણોનો એજિંનિયર હતો. તેણે જીવનમાં મોટા ભાગનો પૈસો સુંદર અને કીમતી ચીજ-વસ્તુઓ ભેગી કરવામાં જ વાપર્યો. જ્યારે ૯૨ વર્ષની ઉંમરે તે ૧૯૬૮માં ગુજરી ગયો, ત્યારે તેણે પોતાનો બધોય ખજાનો આયર્લૅન્ડના લોકોને નામ કરી દીધો.
શું ભેગું કર્યું હતું?
બીટીના ખજાનામાં જાત-જાતની ચીજવસ્તુઓ છે. તેના ખજાનામાં એટલી બધી વસ્તુઓ છે કે એક પ્રદર્શનમાં ફક્ત એક ટકા જેટલી જ વસ્તુઓ બતાવી શકાય. તેણે મધ્યયુગથી લઈને હજારો વર્ષોના સમયગાળાની અને સમાજોની ચીજવસ્તુઓ ભેગી કરી હતી. ભલે પછી એ યુરોપની હોય, એશિયાની કે આફ્રિકાની હોય. જેમ કે લાકડા પર કોતરકામ કરેલી જાપાનની વસ્તુઓ દુનિયાની સૌથી સુંદર ગણાય છે.
તેના ખજાનામાં બાબેલોન અને સુમેરિયાની એકસો કરતાં વધારે સંકુલ કે ફાચર લિપિમાં લખાયેલી માટીની તક્તીઓ પણ છે. લગભગ ચારેક હજાર વર્ષ પહેલાં મેસોપોટેમિયામાં રહેતા લોકો, ભીની માટીની ગોળ તકતી પર બધી માહિતી લખતા. પછી તેઓ એને ઇંટોની જેમ પકવતા. એવી ઘણી તકતીઓ આજે પણ મળી આવે છે, જે એ જમાનાના લખાણ વિષે જણાવે છે.
પુસ્તકોનો શોખીન
એમ લાગે છે કે ચેસ્ટર બીટીને સુંદર પુસ્તકો બનાવવાની કળા બહુ ગમતી હતી. તેણે હજારો પુસ્તકો ભેગા કર્યાં હતાં. એમાં ઘણાં ધાર્મિક પુસ્તકો પણ હતાં. અમુક ઝીણી ઝીણી ડિઝાઈનવાળી કુરાનની પણ હતી. એક લેખકના કહેવા પ્રમાણે, બીટીને ‘અરેબિક લિપિનો મોહ લાગ્યો હતો, સોનેરી-રૂપેરી રંગ, અને પાન પર મરોડદાર અક્ષરોએ તેનું મન રંગી નાખ્યું હતું.’
ચીનના જૂના જમાનાના અમુક મહારાજાઓ જેડ નામના રંગીન રત્ન પાછળ પાગલ હતા. તેઓની જેમ, ચેસ્ટર બીટીને પણ જેડ રત્ન બહુ ગમતા. ચીનના મહારાજાઓ માનતા કે એ રત્નો સોના કરતાં પણ કીમતી છે. એ મહારાજાઓ કુશળ કારીગરોને કામે લગાડી દેતા, જેથી તેઓ જેડ પથ્થરમાંથી કાગળના પાતળા પેપર જેવી પટ્ટીઓ બનાવે. પછી આ કારીગરો એ પથ્થરના પાનાઓ પર સોના વડે મરોડદાર લખાણ લખતા કે ચિત્રો દોરી આપતા. બીટીએ ભેગા કરેલાં આવા પુસ્તકોનો દુનિયામાં જોટો નથી.
બાઇબલનાં અમૂલ્ય લખાણો
બાઇબલના ચાહકો માટે ચેસ્ટર બીટી પાસે ખાસ ખજાનો છે. તેણે જૂના જમાનામાં હાથેથી લખેલા બાઇબલના ઘણાં લખાણો ભેગા કર્યા છે. આ સુંદર લખાણો એના લેખકોની ધીરજ અને આવડત બતાવે છે. જે પુસ્તકો છાપવામાં આવ્યા હતા, એ એને છાપનારા અને બાંધનારાની કારીગરી બતાવે છે. જેમ કે, ૧૪૭૯માં એન્ટોન કોબર્જરે ન્યૂરેમ્બર્ગમાં બીબ્લીયા લેટીના છાપ્યું હતું. એ યોહાનીસ ગુટેનબર્ગના જમાનામાં જ થયું. તોપણ, એન્ટોન કોબર્જરનું છાપકામ “બહુ જ મહત્ત્વનું અને સૌથી વધારે વપરાતું” ગણાયું.
ચેસ્ટર બીટી લાઇબ્રેરીમાં એક ખાસ લખાણ છે. એ ચોથી સદીની શરૂઆતના એફ્રાઈમ નામના એક સ્કૉલરે લખ્યું હતું. એમાં એફ્રાઈમે બીજી સદીના ડાએટેસ્સારોન નામના પુસ્તકનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. એ પુસ્તકના લેખક, ટાશીઅને માત્થી, માર્ક, લુક અને યોહાનના પુસ્તક ભેગા કરીને, ઈસુની એક જીવન-કહાની લખી. પછીથી લેખકોએ એ પુસ્તક વિષે જણાવ્યું, પણ ડાએટેસ્સારોનની એકેય કોપી બચી નથી. અરે, ૧૯મી સદીના અમુક સ્કૉલરોને તો ભરોસો પણ ન હતો કે એવું કોઈ પુસ્તક હતું. પરંતુ ૧૯૫૬માં ચેસ્ટર બીટીને એફ્રાઈમની ડાએટેસ્સારોનની કોમેન્ટરી મળી આવી. એનાથી બાઇબલને ટેકો આપતા હજુયે ઘણા પુરાવા મળી આવ્યા.
પપાઈરસનાં અનમોલ લખાણો
ચેસ્ટર બીટીએ પપાઈરસના ધાર્મિક અને બીજાં પણ ઘણાં લખાણો ભેગા કર્યાં છે. પપાઈરસના લગભગ ૫૦ પુસ્તકો ચોથી સદી અગાઉના છે. મોટે ભાગે એ ફેંકી દેવાના પપાઈરસના ઢગલામાંથી વીણી લેવાયા હતા. ઇજિપ્તના રણમાં એ કચરાની જેમ વર્ષો સુધી પડ્યાં રહ્યાં હતાં. એ લખાણો વેચવા મૂકાયા ત્યારે, ટૂકડા-ટૂકડા હતાં. વેચવાવાળા એને બૉક્સમાં ભરીને લઈ આવતા. ચેસ્ટર બીટી લાઇબ્રેરીના ઉપરી અધિકારી, ચાર્લ્સ હોર્ટન કહે છે કે, “ખરીદનારા બૉક્સમાં હાથ નાખતા અને જે મોટો ટૂકડો હોય અને જેના પર વધારે લખાણ હોય, એ લઈ લેતા.”
હોર્ટન કહે છે કે, બીટીએ “સૌથી અમૂલ્ય ખરીદી” હાથેથી લખેલાં બાઇબલનાં કીમતી પુસ્તકો હતાં. એમાં “ખ્રિસ્તી જૂના અને નવા કરારની અમુક જૂનામાં જૂની કોપીઓ હતી.” જો વેપારીઓએ એનું મૂલ્ય જાણ્યું હોત, તો તેઓએ કદાચ વધારે પૈસા કમાવા એ ફાડીને જુદા જુદા ભાગ વેચ્યા હોત. પણ બીટીએ મોટા ભાગના એ પુસ્તકો ખરીદી લીધાં. એ પુસ્તકો વિષે સર ફ્રેડરિક કેન્યન કહે છે કે, ૧૮૪૪માં ટીશેનડોર્ફને કોડેક્ષ સિનાઈટિક્સ (એટલે કે હાથે લખેલાં પુસ્તકો) મળી આવ્યાં, ત્યાર પછીનાં આ “સૌથી કીમતી” પુસ્તકો છે.
એ બીજી અને ચોથી સદીના પુસ્તકો છે. ગ્રીક સેપ્ટ્યુઆજીંટમાં ઉત્પત્તિના બે પુસ્તકોની કોપી છે. કેન્યનના કહેવા પ્રમાણે આ તો બહુ જ કીમતી શોધ છે. ‘વેટિકેનસ અને સિનાઈટિક્સમાં ઉત્પત્તિનું લગભગ આખું પુસ્તક નથી, જે ચોથી સદીના હતા.’ હાથે લખેલાં ત્રણ પુસ્તકોમાં ગ્રીક શાસ્ત્રવચનો છે. એકમાં માત્થી, માર્ક, લુક, યોહાન અને પ્રેરિતોનાં કૃત્યોના લગભગ આખા પુસ્તકો છે. બીટીએ પછીથી મેળવેલા બીજાં પુસ્તકમાં પ્રેષિત પાઊલના લગભગ બધા જ પત્રો અને હેબ્રીઓને પત્ર છે. હાથે લખેલાં ત્રીજા પુસ્તકમાં લગભગ ત્રીજા ભાગનું પ્રકટીકરણનું પુસ્તક છે. કેન્યન કહે છે કે આ પપાઈરસના
પુસ્તકોએ “હજુ વધારે ખાતરી કરાવી છે, જેનાથી નવા કરારમાંનો આપણો ભરોસો હજુયે વધે છે.”ચેસ્ટર બીટીના પપાઈરસનાં પુસ્તકો બતાવે છે કે ખ્રિસ્તીઓ વીંટાઓને બદલે, પાનાઓ જોડી જોડીને પુસ્તકોનો ઉપયોગ કરતા. ખ્રિસ્તીઓ લગભગ પહેલી સદીથી એનો ઉપયોગ કરવા માંડ્યા. પપાઈરસનાં પુસ્તકો એ પણ બતાવે છે કે જ્યારે લખવા માટે પૂરતા પેપર નહિ હોય, ત્યારે જૂના પેપરનો ફરીથી ઉપયોગ થતો. દાખલા તરીકે, યોહાનના પુસ્તકનો અમુક ભાગ જે પેપર પર લખાયેલો હતો, એ “સ્કૂલની નોટબુક હોય એવું લાગતું હતું, જેમાં ગ્રીકમાં ગણિતના દાખલાઓ હતા.”
પપાઈરસના લખાણો દેખાવમાં સુંદર નથી, પણ અનમોલ છે. એ ખ્રિસ્તી ધર્મની શરૂઆતનો જીવંત પુરાવો છે. ચાર્લ્સ હોર્ટન કહે છે કે, “એ લખાણો પહેલાનાં ખ્રિસ્તીઓને જીવની જેમ વહાલાં હતાં. એ તેઓ માટે મહામૂલો ખજાનો હતાં.” (નીતિવચનો ૨:૪, ૫) જો તમને કોઈ વાર ચેસ્ટર બીટી લાઇબ્રેરીના આ ખજાનાની એક ઝલક જોવા મળે, તો તમને ચોક્કસ બહુ જ ગમશે.
[પાન ૩૧ પર ચિત્ર]
કાત્સુશીકા હોકુસીએ કરેલી જાપાની કોતરણી
[પાન ૩૧ પર ચિત્ર]
“બીબ્લીઆ લેટિના” શરૂઆતમાં છપાયેલાં બાઇબલોમાંનું એક હતું
[પાન ૩૧ પર ચિત્ર]
એફ્રાઈમની “ડાએટેસ્સારોન” પુસ્તક પરની કોમેન્ટરી બાઇબલના હજુ વધારે પુરાવા આપે છે
[પાન ૩૧ પર ચિત્ર]
ચેસ્ટર બીટી (પી-૪૫), સૌથી જૂનું કોડેક્ષ, એક જ ગ્રંથમાં ચાર સુવાર્તા અને પ્રેરિતોનાં કૃત્યો લગભગ આખા છે
[પાન ૨૯ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Reproduced by kind permission of The Trustees of the Chester Beatty Library, Dublin
[પાન ૩૧ પર ચિત્ર]
બધા ચિત્રો: Reproduced by kind permission of The Trustees of the Chester Beatty Library, Dublin