નમ્ર લોકોની શોધ કરો
નમ્ર લોકોની શોધ કરો
પહેલી સદીમાં દમસ્ક એક સમૃદ્ધ શહેર હતું. એની ચારે બાજુ હરિયાળી હોવાથી પૂર્વના દેશોમાંથી આવતા મુસાફરો માટે એ વિસામાનું સરસ સ્થળ હતું. ઈસુના મરણના થોડા વખત પછી દમસ્કમાં મંડળ ઊભું થયું. એમાંના અમુક ભાઈબહેનો યહુદી હતા, જેઓ કદાચ યરૂશાલેમમાં પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં ઈસુના શિષ્યો બન્યા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૫, ૪૧) સ્તેફનને પત્થરે મારી નાખવામાં આવ્યા પછી, બીજા અમુક શિષ્યો યહુદામાંથી દમસ્ક ગયા હોય શકે.—પ્રેરિતોનાં કૃત્યો ૮:૧.
લગભગ ૩૪ની સાલમાં દમસ્કમાં ઈસુના શિષ્ય અનાન્યાને એક ખાસ કામ સોંપવામાં આવ્યું હતું. તેને પ્રભુએ કહ્યું: “ઊઠીને પાધરા નામના રસ્તામાં જા, ને શાઊલ નામે તાર્સસના એક માણસ વિષે યહુદાહના ઘરમાં ખબર કાઢ; કેમકે જો, તે પ્રાર્થના કરે છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૯:૧૧.
એ રસ્તો લગભગ દોઢ કિલોમીટર લાંબો હતો. એ દમસ્કમાં થઈને જતો હતો. આ પાન પર આપેલા ચિત્રથી આપણે વિચારી શકીએ કે એ રસ્તો કેવો હતો. ખરેખર આ બતાવે છે કે અનાન્યા માટે યહુદાહનું ઘર શોધવું કંઈ સહેલું ન હતું. તોપણ, તેણે ઘર શોધી કાઢ્યું અને તે શાઊલને મળ્યા. એ શાઊલ પછીથી પ્રેષિત પાઊલ બન્યા અને ઉત્સાહથી સુસમાચારનો પ્રચાર કર્યો.—પ્રેરિતોનાં કૃત્યો ૯:૧૨-૧૯.
ઈસુએ પોતાના શિષ્યોને મોકલીને કહ્યું હતું કે શુભસંદેશો જણાવવા, નમ્ર લોકોની “તપાસ કરો.” (માત્થી ૧૦:૧૧) અનાન્યાએ તો સાચે જ પાઊલની તપાસ કરી. આજે અનાન્યાની જેમ યહોવાહના સાક્ષીઓ પણ નમ્ર લોકોને શોધે છે. લોકો ઈશ્વરનો સંદેશ સ્વીકારે છે ત્યારે તેઓની ખુશીનો પાર રહેતો નથી. હા, નમ્ર લોકોને શોધવામાં ભલે ગમે એટલી મહેનત લાગે, પણ એ કામ જરાય નકામું નથી.—૧ કોરીંથી ૧૫:૫૮.
[પાન ૩૨ પર ચિત્ર]
આજનો ‘પાધરા નામના રસ્તો’
[પાન ૩૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
From the book La Tierra Santa, Volume II, 1830