સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રોટી આપતી ઘંટી

રોટી આપતી ઘંટી

રોટી આપતી ઘંટી

જીવન ટકાવી રાખવા ખોરાક બહુ જરૂરી છે. જેમ કે રોટલી. એ આપણા ખોરાકનો મહત્ત્વનો ભાગ છે. આથી, આ જરૂરિયાતને પૂરી કરવા સખત મહેનત કરવી પડે છે.

રોટલી લોટમાંથી બને છે, જે અનાજ દળવાથી મળે છે. દળવું એ એક પ્રાચીન કળા છે. મશીન ન હોત તો, દળવાનું કામ કેટલું અઘરું થઈ પડત! બાઇબલ સમયમાં, ઘંટીના દળવાનો અવાજ આવે તો લાગે કે શાંતિપૂર્ણ જીવન છે. જ્યારે કે, ઘંટીનો અવાજ ન હોય તો એ દુઃખ કે આફતના સમયને બતાવતું હતું.—યિર્મેયાહ ૨૫:૧૦, ૧૧.

ચાલો આપણે ઘંટીનો ઇતિહાસ જોઈએ. પહેલાં કઈ અલગ અલગ રીતોએ અનાજ દળવામાં આવતું હતું? આજે દળવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે?

શા માટે ઘંટીની જરૂર પડી?

યહોવાહ પરમેશ્વરે આદમ અને હવાને બનાવ્યા ત્યારે કહ્યું: “જુઓ, હરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે, ને હરેક વૃક્ષ જેમાં વૃક્ષનાં બીજદાયક ફળ છે, તેઓને મેં તમને આપ્યાં છે; તેઓ તમારો ખોરાક થશે.” (ઉત્પત્તિ ૧:૨૯) આમ, યહોવાહે માણસજાતને ઘઉં, જુવાર, ચોખા, બાજરી, ઑટ અને મકાઈ જેવું અનાજ પૂરું પાડ્યું છે. એ જીવન માટે ખૂબ મહત્ત્વનું છે. આ અનાજમાં સ્ટાર્ચવાળો કાર્બોહાઈડ્રેટ છે, જેમાંથી શરીરને શક્તિ આપનાર ગ્લુકોઝ મળી રહે છે.

જોકે, માણસો કાચું અનાજ પચાવી શકતા નથી. પણ અનાજને દળીને રાંધવાથી એ પચવું સહેલું બને છે. અનાજને ખાંડણીમાં ખાંડીને કે પથ્થર પર લસોટીને લોટ બનાવવો એ દળવાની સૌથી સાદી રીત છે.

માણસોની મદદથી દળવું

પ્રાચીન મિસરની કબરોમાંથી નાના શિલ્પો મળી આવ્યા છે. એમાંથી જોવા મળ્યું કે, એ સમયે ઘંટીનો આકાર ઘોડા પર બેસવા મૂકવામાં આવતા જીન જેવો હોવાને લીધે એને સૅડલ ઘંટી કહેવામાં આવતી. આ ઘંટી બે પથ્થરોની બનેલી હતી. નીચેનો પથ્થર જરા ઢાળવાળો, જ્યારે કે ઉપર નાનો પથ્થર રાખવામાં આવતો હતો. આ લસોટવાનું કામ ખાસ કરીને સ્ત્રીઓ કરતી હતી. તેઓ પથ્થર આગળ ઘૂંટણે બેસીને ઉપરના પથ્થરને બંને હાથ વડે પકડીને જોર લગાવીને નીચેના પથ્થર સાથે લસોટતી. આમ, બે પથ્થરની વચ્ચે અનાજને દળતી. આ ખરેખર સાદી અને સરળ રીત હતી.

કલાકો સુધી આ રીતે પથ્થર પર લસોટવાથી શરીરને નુકસાન થતું હતું. ઉપરના પથ્થરને નીચેના પથ્થર પર આગળ-પાછળ લઈ જઈને લસોટવાનું કામ કરનારી સ્ત્રીઓની કમર, હાથ, જાંઘ, ઘૂંટણ અને પગના અંગૂઠા પર ભારે દબાણ આવતું હતું. પ્રાચીન સીરિયાના એક હાડપિંજર પર નિષ્ણાતોએ અભ્યાસ કર્યો. એના પરથી જોવા મળ્યું કે આ રીતે અનાજ દળવાને લીધે યુવાન સ્ત્રીઓને ઢીંચણની ઢાંકણી, કરોડરજ્જુના છેલ્લા મણકા અને મોટા અંગૂઠાના હાડકાંનું ભારે નુકસાન થતું. પ્રાચીન મિસરમાં, આ પ્રકારની ઘંટીનો ઉપયોગ દાસીઓ કરતી હતી. (નિર્ગમન ૧૧:૫) * કેટલાક નિષ્ણાતો માને છે કે ઈસ્રાએલીઓએ મિસર છોડ્યું ત્યારે તેઓ સૅડલ આકારની ઘંટી પોતાની સાથે લઈ ગયા હશે.

ત્યાર પછીની ઘંટીઓમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા, જેમ કે ઘંટીના બંને પથ્થરોને ટાંચવામાં આવ્યા જેથી અનાજ સારી રીતે દળી શકાય. પછીથી, ઉપરના પથ્થરમાં ઊંધું ત્રિકોણ આકારનું કાણું પાડવામાં આવ્યું. એમાં અનાજ ભરવામાં આવતું જે પછી આપોઆપ બંને પથ્થરની વચ્ચે પિસાતું. ઈ. સ. પૂર્વે ચોથી કે પાંચમી સદીમાં ગ્રીકોએ એક સાદી ઘંટીની શોધ કરી. એમાં ઘંટીના ઉપરના ભાગ પર એક હાથો લગાવવામાં આવ્યો. ઘંટીને હાથાથી અર્ધગોળ ચલાવવામાં આવતી. એનાથી ઉપરના પથ્થર, કે જેના કાણામાં ભરવામાં આવતું અનાજ નીચેના પથ્થર સાથે પિસાતું.

ઉપર જણાવેલી દરેક ઘંટીઓમાં કંઈને કંઈ ખામી હતી. એમાં ઉપરના પથ્થરને આગળ-પાછળ કરવો પડતો હતો કે જે માટે કોઈ પણ પશુને તાલીમ આપી શકાય એમ ન હતું. તેથી, આ ઘંટીઓ ચલાવવા માણસો પર આધાર રાખવો પડતો હતો. સમય જતાં, નવી ટૅક્નોલૉજીને લીધે ગોળ ફરી શકે એવી ઘંટીની શોધ કરવામાં આવી. એ હવે પશુઓથી પણ ચલાવી શકાતી હતી.

ગોળ ફરતી ઘંટીથી કામ સહેલું બન્યું

લગભગ ઈ. સ. પૂર્વે બીજી સદીમાં ભૂમધ્ય દેશોમાં ગોળ ફરતી ઘંટીની શોધ કરવામાં આવી. પહેલી સદીમાં પેલેસ્તાઈનના યહુદીઓ આ પ્રકારની ઘંટીથી સારી રીતે જાણીતા હતા. ઈસુએ પણ ‘ગધેડા દ્વારા ચાલતી ઘંટીના પડનો’ ઉલ્લેખ કર્યો.—માર્ક ૯:૪૨, NW.

રોમન સામ્રાજ્યમાં પણ પશુઓ દ્વારા ચાલતી ઘંટી વાપરવામાં આવતી. પોમ્પીમાં હજુ પણ આવી ઘંટીઓ જોવા મળે છે. એમાં ઉપરના વજનદાર પથ્થર વચ્ચે ઉપરથી પહોળું અને નીચેથી સાંકડું હોય એવું મોટું કાણું રહેતું. એમાં અનાજ ભરવામાં આવતું, જ્યારે કે નીચેનો પથ્થર શંકુ આકારનો હતો. ઉપરનો પથ્થર નીચેના પથ્થર પર ગોળ-ગોળ ફરે તેમ, અનાજ ધીમે ધીમે બંને પથ્થર વચ્ચે પિસાતું. આ પ્રકારની ઘંટીના ઉપરના પથ્થરનું કદ અલગ અલગ રહેતું. એ લગભગ ૪૫થી ૯૦ સેન્ટિમીટર પહોળું હતું. આ ઘંટી આશરે ૧૮૦ સેન્ટિમીટર ઊંચી હતી.

આપણે હજી એ જાણતા નથી કે હાથથી ચાલતી અને પશુઓની મદદથી ચાલતી ઘંટીમાં કઈ પહેલી આવી. પરંતુ હાથથી ફેરવવામાં આવતી ગોળ ઘંટીને સહેલાઈથી ગમે ત્યાં લઈ જઈ શકાતી હતી. વળી, એને વાપરવી પણ સહેલી હતી. એ ઘંટી બે ગોળ પથ્થરોની બનેલી હતી અને લગભગ ૩૦થી ૪૦ સેન્ટિમીટર પહોળી હતી. નીચેનો પથ્થર થોડો ઉપસેલો હતો અને ઉપરના પથ્થરનો આકાર પણ નીચેના પથ્થર સાથે બંધબેસે એ રીતનો હતો. ઉપરનો પથ્થર એક ધરી પર રહેતો અને એને લાકડાંના હાથા વડે ફેરવવામાં આવતો. સામાન્ય રીતે, બે સ્ત્રીઓ સામસામે બેસીને ઉપરના પથ્થરને એક હાથથી ગોળ ફેરવતી હતી. (લુક ૧૭:૩૫) જ્યારે કે બીજા હાથથી એક સ્ત્રી ઉપરના પથ્થરના કાણામાં થોડું થોડું અનાજ નાખતી. બીજી સ્ત્રી ઘંટી નીચે પાથરેલા કપડાં પરથી દળાયેલા લોટને એકઠો કરતી. સૈનિકો કે ખલાસીઓ માટે અથવા ગામડાંમાં આ પ્રકારની ઘંટીના પ્રતાપે જ ખોરાક રંધાતો હતો.

પાણી કે હવા દ્વારા ચાલતી ઘંટી

લગભગ ઈ. સ. પૂર્વે ૨૭માં રૂમી એન્જિનિયર વિટ્‌રુવીયસે પોતાના સમયની પાણીથી ચાલતી ઘંટીનું વર્ણન કર્યું. એમાં ઘંટી, પાંખિયાવાળા એક મોટા પૈડાં સાથે જોડાયેલી હતી. એ પૈડું ધરીથી બીજાં પૈડાં સાથે જોડાયેલું હતું. વહેતું પાણી પાંખિયાવાળા પૈડાંને ગોળ ગોળ ફેરવતું તેમ, એ ધરી સાથે જોડાયેલા બીજાં પૈડાંને પણ ચલાવતું હતું. એનાથી એની સાથે જોડાયેલો ઘંટીનો પથ્થર ફરતો અને એનાથી અનાજ દળાતું હતું.

બીજી ઘંટીની સરખામણીમાં વહેતા પાણીથી ફરતી ઘંટીથી કેટલું અનાજ દળાતું? હાથથી ચાલતી ઘંટીથી એક કલાકમાં લગભગ ૧૦ કિલોથી ઓછું અને પશુની મદદથી ચાલતી ઘંટીથી લગભગ ૫૦ કિલો અનાજ દળાતું. જ્યારે કે, વિટ્‌રુવીયસની પાણીથી ચાલતી ઘંટી એક કલાકમાં કંઈક ૧૫૦થી ૨૦૦ કિલો અનાજ દળતી હતી. વિટ્‌રુવીયસના ઘંટી બનાવવાના વિચારોમાં નાના-મોટા સુધારા કર્યા પછી, લોકોએ ઘંટી બનાવવા સદીઓ સુધી એ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો.

અનાજ દળવામાં વહેતા પાણીથી ચાલતી ઘંટીનો જ ઉપયોગ થતો ન હતો. એ માટે પવનચક્કીનો પણ ઉપયોગ થતો, જેનાથી એટલા જ પ્રમાણમાં અનાજ દળી શકાતું. યુરોપમાં લગભગ ઈ. સ. પૂર્વે ૧૨મી સદીમાં પવનચક્કીનો ઉપયોગ કરવામાં આવ્યો. ત્યાર પછી બેલ્જિયમ, જર્મની, હૉલૅન્ડ અને બીજી જગ્યાઓએ પણ એનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ, વરાળ અને વીજળીથી ચાલતી ઘંટીની શોધ થઈ તેમ, ધીમે ધીમે બીજી બધી ઘંટીઓનો ઉપયોગ ઓછો થતો ગયો.

“દિવસની અમારી રોટલી”

ધીમે ધીમે પ્રગતિ થતી ગઈ તેમ, અનાજ દળવા અનેક રીતોની શોધ થઈ. પરંતુ, પ્રાચીન સમયની અનાજ દળવા વપરાતી અનેક રીતો આજે પણ જગતના કોઈને કોઈ ખૂણામાં વપરાય છે. આફ્રિકા અને પ્રશાંત મહાસાગરના ટાપુઓમાં હજુ પણ ખાંડણી અને સાંબેલાંનો ઉપયોગ કરવામાં આવે છે. મૅક્સિકો અને મધ્ય અમેરિકામાં મકાઈના લોટમાંથી ટોર્ટિયા નામની રોટલી બનાવવામાં આવે છે. આથી, અહીંના લોકો મકાઈને દળવા હજી પણ સૅડલ આકારની ઘંટી વાપરે છે. દુનિયાના અલગ અલગ ભાગોમાં પાણી અને પવનચક્કીથી ચાલતી અસંખ્ય ઘંટીઓનો ઉપયોગ કરવામાં આવે છે.

ઘણા દેશોમાં આજે લોટમાંથી રોટલી કે બ્રેડ બનાવવામાં આવે છે. પરંતુ મોટે ભાગે રોલર મશીનમાં અનાજ દળીને જ આ લોટ મળે છે. આ મશીનમાં સ્ટીલના બે રોલર હોય છે કે જેમાં ઘણા ખાંચા હોય છે. આ મશીન અલગ અલગ ગતિએ ચાલે છે. એમાં સસ્તા દરે જોઈએ એવું અનાજ દળી શકાય છે.

હવે દળવા માટે કંઈ પહેલા જેવી મજૂરી કરવી પડતી નથી. તોપણ, આપણે પરમેશ્વરનો આભાર માની શકીએ કે તેમણે અનાજ આપ્યું છે. વળી આપણને એવી બુદ્ધિ પણ આપી છે કે જેથી એમાંથી આપણી ‘દિવસની રોટલી’ બનાવી શકીએ.—માત્થી ૬:૧૧.

[ફુટનોટ]

^ બાઇબલ સમયમાં બંદીવાનોને દળવાનું કામ સોંપવામાં આવતું હતું. જેમ કે, શામશૂન અને બીજા ઈસ્રાએલીઓને આ કામ આપવામાં આવ્યું હતું. (ન્યાયાધીશો ૧૬:૨૧; યિર્મેયાહનો વિલાપ ૫:૧૩) એ સમયે ખાસ કરીને સ્ત્રીઓ પણ પોતાના ઘર માટે દળતી હતી.—અયૂબ ૩૧:૧૦.

[પાન ૨૩ પર ચિત્ર]

મિસરની સૅડલ આકારની ઘંટી

[ક્રેડીટ લાઈન]

Soprintendenza Archeologica per la Toscana, Firenze

[પાન ૨૩ પર ચિત્ર]

પશુઓની મદદથી ચાલતી ઘંટીમાં જેતૂનનું તેલ કઢાય છે

[પાન ૨૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

From the Self-Pronouncing Edition of the Holy Bible, containing the King James and the Revised versions