સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

મુસાના નિયમ પ્રમાણે ઈસ્રાએલીઓએ અમુક પરદેશીઓ સાથે લગ્‍ન કરવાના ન હતા. તો પછી, શા માટે ઈસ્રાએલી પુરુષોને બંદીવાન પરદેશી સ્ત્રીઓ સાથે લગ્‍ન કરવાની રજા આપવામાં આવી?—પુનર્નિયમ ૭:૧-૩; ૨૧:૧૦, ૧૧.

અમુક ખાસ સંજોગોમાં જ તેઓને લગ્‍ન કરવાની રજા આપવામાં આવી હતી. યહોવાહે ઈસ્રાએલીઓને કનાન દેશના સાત શહેરોનો સમૂળગો નાશ કરવાની આજ્ઞા આપી હતી. (પુનર્નિયમ ૨૦:૧૫-૧૮) પરંતુ બીજા શહેરોમાં ફક્ત કુંવારી છોકરીઓને જ જીવતી રાખવાની હતી. (ગણના ૩૧:૧૭, ૧૮; પુનર્નિયમ ૨૦:૧૪) આ સ્ત્રીઓ અમુક પગલાં લે તો જ ઈસ્રાએલી પુરુષો તેઓ સાથે લગ્‍ન કરી શકતા હતા.

બાઇબલ બતાવે છે કે આ સ્ત્રીઓએ શું કરવાનું હતું: “તે પોતાનું માથું મૂંડાવે, ને પોતાના નખ લેવડાવે; અને તે પોતાના બંદીવાનપણાનું વસ્ત્ર ઉતારી નાખે, ને તારા ઘરમાં રહે, ને તેનાં માબાપને સારૂ એક મહિના દહાડા સુધી શોક કરે; પછી તારે તેની પાસે જવું, ને તેના ધણી થવું, ને તે તારી સ્ત્રી થાય.”—પુનર્નિયમ ૨૧:૧૨, ૧૩.

ઈસ્રાએલી પુરુષ કોઈ બંદીવાન કુંવારી છોકરી સાથે લગ્‍ન કરવા ઇચ્છતો હોય તો, એ છોકરીએ પોતાનું માથું મૂંડાવવાનું હતું. આ મૂંડન શોકને લીધે કરવામાં આવતું. (યશાયાહ ૩:૨૪) દાખલા તરીકે, અયૂબે પોતાના બધા જ બાળકો અને બધી જ સંપત્તિ ગુમાવી દીધી ત્યારે, શોક કરવા પોતાનું માથું મૂંડાવ્યું હતું. (અયૂબ ૧:૨૦) આ પરદેશી સ્ત્રીએ ‘પોતાના નખ પણ લેવડાવવાના’ કે કાપી નાખવાના હતા. જેથી, નખને રંગવામાં આવે તોપણ તેના હાથ એટલા સુંદર ન દેખાય. (પુનર્નિયમ ૨૧:૧૨) આ સ્ત્રી “પોતાના બંદીવાનપણાનું વસ્ત્ર ઉતારી નાખે.” એનો શું અર્થ થતો હતો? કનાન શહેરનો રિવાજ હતો કે જ્યારે કનાન હારવાનું હોય ત્યારે સ્ત્રીઓ સારામાં સારા કપડાં પહેરતી. તેઓ એવી આશા રાખતી કે એનાથી પોતે દુશ્મનોની આંખોમાં વસી જશે અને બચી જશે. શોકના સમયમાં બંદીવાન સ્ત્રીઓ આવાં કપડાં પહેરી શકતી ન હતી.

ઈસ્રાએલી પુરુષ સાથે લગ્‍ન કરનાર બંદીવાન સ્ત્રી પોતાના ગુમાવેલા વહાલાઓ માટે એક મહિનો શોક પાળતી. કનાન શહેરોનો એવો સમૂળગો નાશ કરવામાં આવતો કે તેના કુટુંબ કે સમાજમાંથી કોઈ પણ બચતું ન હતું. ઈસ્રાએલી સૈનિકો તેઓની બધી જ મૂર્તિઓનો પણ નાશ કરતા હતા. આમ, શોકના એક મહિના દરમિયાન આ સ્ત્રીઓ પોતાના ભૂતકાળના ધાર્મિક રીત-રિવાજોમાંથી મુક્ત થતી અને એક રીતે શુદ્ધ થતી હતી.

જોકે, સામાન્ય રીતે કોઈ પણ પરદેશી સ્ત્રીઓ સાથે લગ્‍ન કરવાની મનાઈ હતી. યહોવાહે આજ્ઞા આપી: “તારે તેમની સાથે લગ્‍નવ્યવહાર રાખવો નહિ; તારે તારી દીકરી તેના દીકરાને ન આપવી, તેમ જ તેની દીકરી તારા દીકરાની સાથે પરણાવવી નહિ.” (પુનર્નિયમ ૭:૩) શા માટે? એનો જવાબ પુનર્નિયમ ૭:૪ આપે છે: “તે તારા દીકરાને મારા માર્ગમાંથી ભટકાવી દેશે, એ માટે કે તેઓ બીજા દેવદેવીઓની સેવા કરે.” ઈસ્રાએલીઓ યહોવાહની ભક્તિમાંથી ભટકી ન જાય એ માટે આવી મનાઈ કરવામાં આવી હતી. તેમ છતાં, પુનર્નિયમ ૨૧:૧૦-૧૩માં જણાવેલી પરદેશી સ્ત્રીઓના અલગ સંજોગો હોવાથી, તેઓ તરફથી કંઈ ખાસ જોખમ ન હતું. તેમના બધા જ સગાવહાલાં માર્યા ગયા હતા. તેમ જ તેઓની મૂર્તિઓનું પણ નામનિશાન મીટાવી દેવાયું હતું. આવા સંજોગોમાં જ ઈસ્રાએલી પુરુષને પરદેશી સ્ત્રી સાથે લગ્‍ન કરવાની રજા હતી.