સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘સમુદ્રની પુષ્કળ સંપત્તિ’

‘સમુદ્રની પુષ્કળ સંપત્તિ’

યહોવાહની સુંદર રચના

‘સમુદ્રની પુષ્કળ સંપત્તિ’

સૂર્ય આથમે છે તેમ, મંદ મંદ પવન સમુદ્રની સપાટી પર લહેરાઈ રહ્યો છે. પાણીનાં મોજાં પણ જાણે પવન સાથે ગેલ-ગમ્મત કરતા હોય એમ કિનારે ધસી આવે છે. મંદ મંદ વાતો પવન અને લહેરાતાં મોજાં પણ જાણે એક નીરવ શાંતિનો અહેસાસ કરાવે છે. એટલે જ તો પ્રવાસીઓના ટોળેટોળા દરિયા કાંઠે નિરાંત માણવા આવતા હોય છે. *

આખી પૃથ્વી પર હજારો આવા દરિયાકાંઠા છે. તોપણ હિલોળા લેતો દરિયો એના કાંઠાની હદ ઓળંગતો નથી. એ તો સરજનહારની રચના છે. પરમેશ્વર પોતે કહે છે: “મેં હંમેશને માટે સમુદ્રને સારૂ રેતીની મર્યાદા ઠરાવી છે, કે તે તેને ઓળંગી શકે નહિ. જોકે તેનાં મોજાં ઉછળે, તોપણ તેઓ પ્રબળ થઈ શકતાં નથી; અને જોકે તેઓ ગર્જના કરે, તોપણ તેઓ તેને ઓળંગી શકે નહિ.”—યિર્મેયાહ ૫:૨૨; અયૂબ ૩૮:૮; ગીતશાસ્ત્ર ૩૩:૭.

આપણી સૂર્યમાળામાં આવેલા બીજા બધા ગ્રહો કરતાં, પૃથ્વી પર સૌથી વધારે પાણી છે. પૃથ્વીના ૭૦ ટકાથી પણ વધારે ભાગમાં પાણી છે. મનુષ્યો માટે પૃથ્વી બનાવતા યહોવાહે કહ્યું: “આકાશ તળેનાં પાણી એક જગામાં એકઠાં થાઓ, ને કોરી ભૂમિ દેખાઓ; અને તેવું થયું. અને દેવે તે કોરી ભૂમિને પૃથ્વી કહી, ને એકઠાં થએલાં પાણીને સમુદ્રો કહ્યા; અને દેવે જોયું કે તે સારૂં છે.” (ઉત્પત્તિ ૧:૯, ૧૦) આ દરિયો કઈ રીતે આપણને ઉપયોગી છે?

દરિયાનું પાણી અનેક રીતે આપણું જીવન ટકાવી રાખે છે. દાખલા તરીકે, પાણીમાં ગરમીને ભરી રાખવાની શક્તિ છે. એનો અર્થ કે દરિયો ગરમી ભરી રાખવાનો ભંડાર છે. શિયાળામાં કડકડતી ઠંડી પડે ત્યારે એ ગરમી બહાર કાઢીને તાપમાન સમતોલ રાખે છે.

પાણી બીજી એક રીતે પણ જીવન ટકાવી રાખે છે. જેમ કે, પાણીમાં અનેક પદાર્થોને પીગાળવાની શક્તિ છે જે બીજા પ્રવાહીઓમાં નથી. દાખલા તરીકે, કોઈ પણ પ્રાણીનું જીવન ટકાવી રાખવા માટે અમુક કૅમિકલની જરૂર હોય છે. જીવન માટે જરૂરી તત્ત્વો મેળવવા કેમિકલ્સમાં અમુક પ્રક્રિયા થવી જરૂરી છે અને એ પાણી વગર શક્ય નથી. પાણી ન હોત તો, એ જરૂરી તત્ત્વો શરીરમાં કે છોડમાં જઈ શકત નહિ. પરિણામે પ્રાણી કે છોડને કોઈ ફાયદો ન થાત. એટલે જ મહાસાગર વિષે એક અંગ્રેજી પુસ્તક કહે છે: “દરેક સજીવને પાણીની જરૂર છે. બધું પાણી સમુદ્રમાંથી આવે છે.”

પૃથ્વી પર વાતાવરણને શુદ્ધ રાખવામાં પણ સમુદ્ર મહત્ત્વનો ભાગ ભજવે છે. દરિયામાં તરતા સૂક્ષ્મ જીવો કાર્બન ડાયોક્સાઈડને શોષી લે છે અને ઑક્સિજન બહાર કાઢે છે. એક સંશોધક પ્રમાણે, “દર વર્ષે વાતાવરણમાં ૭૦ ટકા ઑક્સિજન સમુદ્રમાં તરતા સૂક્ષ્મ જીવો બનાવતા હોય છે.”

વળી, સમુદ્ર બીમારીને કાબૂમાં રાખતી કુદરતી દવાઓ પણ પૂરી પાડે છે. ઘણાં વર્ષોથી માછલીના તેલનો ઉપયોગ દવા બનાવવા માટે કરવામાં આવે છે. દરિયાઈ માછલીના કલેજાના તેલનો તો લાંબા સમયથી દવા તરીકે ઉપયોગ થતો આવ્યો છે. હાલના વર્ષોમાં, અસ્થમા, અમુક વાઇરસ અને કૅન્સરના ઇલાજ માટે માછલી અને સમુદ્રના બીજા જીવોના કૅમિકલ્સનો ઉપયોગ થઈ રહ્યો છે.

સમુદ્રમાં આવી તો અનેક ચીજવસ્તુઓનો ભંડાર છે. એની કિંમત કેટલી થાય એ શોધવાના ઘણા પ્રયાસો થાય છે. હજી સુધી કોઈ નક્કી કરી શક્યું નથી. તોપણ, સંશોધકોએ અંદાજો લગાવ્યો છે કે આખી દુનિયાના વાતાવરણમાં સમુદ્ર બહુ મોટો ભાગ ભજવે છે. આ બતાવે છે કે આપણા જીવનની જરૂરિયાતો પૂરી પાડવા માટે સમુદ્રો બનાવવામાં આવ્યા છે. ખરેખર, એનો હેતુ બાઇબલની સુમેળમાં છે કે ‘સમુદ્રમાં પુષ્કળ સંપત્તિ છે.’—પુનર્નિયમ ૩૩:૧૯, IBSI.

યહોવાહને મહાન ઉત્પન્‍નકર્તા અને આ સંપત્તિને બનાવનાર તરીકે મહિમા આપવામાં આવે છે. નહેમ્યાહ પણ આ શબ્દોથી તેમનો મહિમા કરવા પ્રેરાયા: ‘તું એકલો, હા, તું એકલો જ યહોવાહ છે; આકાશ, પૃથ્વી તથા તે પરનાં સર્વ પ્રાણી, પદાર્થો, સમુદ્ર તથા તેઓમાંના સર્વ જીવજંતુઓ તેં ઉત્પન્‍ન કર્યાં છે.’—નહેમ્યાહ ૯:૬.

[ફુટનોટ]

^ વર્ષ ૨૦૦૪નું યહોવાહના સાક્ષીઓનું સપ્ટેમ્બર/ઑક્ટોબરનું કૅલેન્ડર જુઓ.

[પાન ૯ પર બોક્સ/ચિત્રો]

દરિયાનાં મોજાં અને પાણી, પવન

પાણી અને હવાથી મોટાં મોટાં મોજાં ઉત્પન્‍ન થાય છે. એ એટલા તો શક્તિશાળી હોય છે કે મોટા પથ્થરોને પણ તોડી પાડે છે, જેમ કૅલિફૉર્નિયા, અમેરિકામાં જોવા મળે છે. દરિયાના મોજાંઓ અજોડ છે. એ ઉત્પન્‍નકર્તાની અદ્‍ભુત શક્તિની યાદ અપાવે છે. ફક્ત યહોવાહ જ ‘એકલે હાથે સમુદ્રને ખૂંદી વળે છે.’ એટલું જ નહિ, “તેમની આજ્ઞાથી સમુદ્ર શાંત થઈ જાય છે; પોતાની કુશળતાથી તેમણે મહારાક્ષસને મહાત કર્યો છે.” (યોબ ૯:૮; ૨૬:૧૨, IBSI) ખરેખર, “ઘણાં પાણીઓના ખળખળાટ કરતાં, સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં, યહોવાહ પરમ ઊંચામાં પરાક્રમી છે.”—ગીતશાસ્ત્ર ૯૩:૪.

રેતીની સુંદરતા

દરિયા કાંઠે ફૂંકાતા પવનને લીધે કોઈ કોઈ વાર રેતી એવો સુંદર આકાર ધારણ કરે છે કે જોતા જ રહી જવાય. જેમ કે નામ્બિયા, દક્ષિણ આફ્રિકાના દરિયા કાંઠેની રેતીની સુંદર રચના જુઓ. રેતીને આકાર આપવામાં પવન મહત્ત્વનો ભાગ ભજવે છે. કોઈ વાર રેતીની નાની નાની ઢગલીઓ જ જોવા મળે છે. પણ અમુક વાર ૪૦૦ મીટર ઊંચા રેતીના પહાડ પણ બન્યા છે. આવા રેતીના પહાડો આપણને બાઇબલના શબ્દો સમજવા મદદ કરે છે કે, “સમુદ્રના કાંઠાની રેતી.” ગણી કે માપી ન શકાય એવી વસ્તુઓ માટે આ શબ્દો વાપરવામાં આવ્યા છે. (ઉત્પત્તિ ૨૨:૧૭) સરજનહારની કારીગરી તો જુઓ. તેમણે હિલોળા લેતા તોફાની સમુદ્ર સામે રેતીની કેવી પાળ બાંધી છે! એ યહોવાહની અપાર શક્તિ અને ડહાપણ બતાવે છે, જેનાથી આપણે પ્રભાવિત થયા વગર રહેતા નથી.

[પાન ૯ પર ચિત્ર]

બાઇટ ઑફ બાઈફ્રા, કૅમરૂનમાં દરિયાકાંઠે સૂર્ય આથમી રહ્યો છે