આલેહાંદ્રાનો પત્ર
રાજ્ય પ્રચારકોનો અહેવાલ
આલેહાંદ્રાનો પત્ર
લોકોને પત્ર લખીને પણ બાઇબલનો સંદેશો જણાવી શકાય છે. ઘણા લોકો એમાં સફળ થયા છે. તેઓ બાઇબલની આ સલાહ યાદ રાખે છે: “સવારમાં બી વાવ, ને સાંજે તારો હાથ પાછો ખેંચી ન રાખ; કેમકે આ સફળ થશે, કે તે સફળ થશે, અથવા તે બન્ને સરખી રીતે સફળ થશે તે તું જાણતો નથી.”—સભાશિક્ષક ૧૧:૬.
આલેહાંદ્રા નામની યુવતી યહોવાહની સાક્ષી હતી. તેણે મૅક્સિકોની બ્રાંચ ઑફિસમાં લગભગ ૧૦ વર્ષ સેવા આપી. પછી તેને કૅન્સર થયું હોવાથી તેણે સારવાર લેવી પડી. પણ તેની તબિયત દિવસે દિવસે બગડતી જતી હતી. તેમ છતાં, તે બીજા લોકોને બાઇબલનો સંદેશો જણાવવા માંગતી હતી. તેથી તેણે પત્રો લખવાનું નક્કી કર્યું. તે પત્રોમાં બાઇબલ અભ્યાસની ગોઠવણ વિષે લખતી અને સાથે તેની મમ્મીના ઘરનો ફોન નંબર પણ જણાવતી. એ પત્રો તેણે તેની મમ્મીને આપ્યા અને કહ્યું કે પ્રચાર કરતી વખતે કોઈ ઘરે તાળું હોય તો, એ ઘરમાં પત્ર નાખી દેવો.
લગભગ આ જ સમયે ડીયોહાની નામની યુવતી ગ્વાટેમાલાથી ક્યુકન, મૅક્સિકોમાં કામવાળી તરીકે નોકરી કરવા આવી. ત્યાં તેને યહોવાહના સાક્ષીઓ મળ્યા. તેને તેઓની સાથે બાઇબલમાંથી ચર્ચા કરવામાં ઘણી મઝા આવતી. પણ થોડા સમય પછી તે જ્યાં કામ કરતી હતી એ પતિ-પત્નીએ મૅક્સિકો શહેરમાં રહેવા જવાનો નિર્ણય કર્યો. તેઓ ઇચ્છતા હતા કે ડીયોહાની પણ તેમની સાથે આવે. પણ ડીયોહાનીને થતું કે બીજી જગ્યાએ જવાથી તે યહોવાહના સાક્ષીઓને મળી શકશે નહિ.
પણ તેના માલિકે ખાતરીથી કહ્યું કે, “તું ચિંતા ન કરીશ. યહોવાહના સાક્ષીઓ તો બધી જગ્યાએ હોય છે. આપણે જઈને સૌથી પહેલા તેમને શોધી કાઢીશું.” તેથી ડીયોહાની તેઓ સાથે જવા તૈયાર થઈ ગઈ. મૅક્સિકો ગયા પછી તેના માલિકે યહોવાહના સાક્ષીઓને શોધવાની ઘણી કોશિશ કરી. જોકે એ શહેરમાં ૪૧,૦૦૦થી વધારે સાક્ષીઓ અને ૭૩૦ મંડળો હતા. તેમ છતાં, કોઈ કારણસર તેઓ એક પણ યહોવાહના સાક્ષીઓને મળી શક્યા નહિ.
ડીયોહાની ખૂબ નિરાશ થઈ ગઈ. હવે તે બાઇબલમાંથી ચર્ચા કરી શકતી ન હતી. પરંતુ, એક દિવસે તેના માલિકે તેને કહ્યું કે, “તારા પરમેશ્વરે તારી પ્રાર્થનાઓ સાંભળી છે!” પછી તેને પત્ર આપતા કહ્યું: “સાક્ષીઓ તારા માટે આ પત્ર છોડી ગયા છે.” એ પત્ર આલેહાંદ્રા તરફથી હતો.
ડીયોહાની આલેહાંદ્રાની મમ્મી અને બહેન બ્લૅન્કાને મળી અને તેઓ પાસેથી બાઇબલમાંથી શીખવા લાગી. થોડાં અઠવાડિયાં પછી તે આલેહાંદ્રાને પણ મળી. તેઓ એકબીજાને મળીને બહુ ખુશ થયા. આલેહાંદ્રાએ તેને ઉત્તેજન આપ્યું કે બાઇબલમાંથી તે જે કંઈ શીખે છે એને જીવનમાં લાગુ પાડે, જેથી પરમેશ્વરની સેવામાં પ્રગતિ કરી શકે.
થોડા મહિના પછી, જુલાઈ ૨૦૦૩માં વહાલી આલેહાંદ્રાએ બધાને છોડી ગઈ. તેણે પોતાના ખ્રિસ્તી ભાઈબહેનો માટે વિશ્વાસ અને હિંમતનો સારો દાખલો બેસાડ્યો હતો. આલેહાંદ્રાની દફનવિધિમાં ડીયોહાની પણ આવી હતી. તેણે કહ્યું: “આલેહાંદ્રા અને તેના પરિવારે મારા માટે સારો દાખલો બેસાડ્યો છે. મેં હવે યહોવાહની જ સેવા કરવાનો અને બાપ્તિસ્મા લેવાનો નિર્ણય લીધો છે. હું સુંદર નવી દુનિયામાં ફરીથી આલેહાંદ્રાને મળવા ચાહું છું.” આ શબ્દો ઘણા લોકોના હૃદયને સ્પર્શી ગયા.
નાનો પત્ર લખવો એક નજીવી બાબત લાગી શકે. પણ એ ઘણાના હૃદય પર ઊંડી અસર કરી શકે છે!