સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એકબીજાને જીવની જેમ ચાહો

એકબીજાને જીવની જેમ ચાહો

એકબીજાને જીવની જેમ ચાહો

“ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો.” —રૂમી ૧૨:૧૦.

૧, ૨. ડોનભાઈ અને પાઊલે ભાઈ-બહેનો સાથે કેવી દોસ્તી રાખી હતી?

 ડોનભાઈ ૪૩ વર્ષથી કોરિયામાં મિશનરિ હતા. તે લોકોને ખૂબ ચાહતા હતા. તે મરણ પથારીએ હતા ત્યારે, તેમના ઘણા મિત્રો હજારો કિલોમીટર કોરિયાથી મુસાફરી કરીને તેમને મળવા આવ્યા. તેઓ બધાએ ડોનભાઈનો બહુ જ ‘આભાર!’ માન્યો. ડોનભાઈના પ્રેમે તેઓના દિલ જીતી લીધા હતા.

હવે પ્રેષિત પાઊલનો વિચાર કરો. તેમણે પણ ઘણા ભાઈ-બહેનોને ખૂબ મદદ કરી. તે સત્ય માટે ચુસ્ત હતા, તેમને ભાઈ-બહેનો માટે પણ ખૂબ પ્યાર હતો. એટલે “જેમ ધાવ મા પોતાનાં બાળકોનું જતન કરે છે” તેમ પાઊલ તેઓને ખૂબ ચાહતા. તેમણે થેસ્સાલોનીકીના મંડળને કહ્યું: “અમે તમારા પર બહુ મમતા રાખીને, તમને કેવળ દેવની સુવાર્તા પ્રગટ કરવાને જ નહિ, પણ અમારા જીવો પણ આપવાને રાજી હતા, કારણ કે તમે અમને બહુ પ્રિય થઈ પડ્યા હતા.” (૧ થેસ્સાલોનીકી ૨:૭, ૮) એફેસી મંડળ પણ પાઊલને ખૂબ વહાલા ગણતા. જ્યારે પાઊલે કહ્યું કે ‘તમે મારું મોં ફરી જોશો નહિ,’ ત્યારે “તેઓ સઘળા બહુ રડ્યા, અને પાઊલની કોટે વળગીને તેઓએ તેને ચુંબન કર્યું.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૫, ૩૭) શું પાઊલ અને મંડળો વચ્ચેની દોસ્તી ફક્ત ધર્મને કારણે જ હતી? ના, એ દોસ્તીનું મૂળ પ્રેમ હતો.

એકબીજા પર દિલથી પ્રેમ રાખો

૩. પ્રેમ શાના જેવો છે અને એમાંથી બીજા કયા સુંદર ગુણો ચમકે છે?

બાઇબલ જણાવે છે કે આપણામાં પ્રેમ હોવો જોઈએ. (૧ થેસ્સાલોનીકી ૨:૮; ૨ પીતર ૧:૭) પ્રેમ એક હીરા જેવો છે. એમાંથી હેત અને માયા જેવી સુંદર લાગણીઓ ચમકે છે. આવા પ્રેમથી બંધાઈને આપણે ભાઈ-બહેનોના જિગરી દોસ્ત બનીએ છીએ. પાઊલે કહ્યું: “તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. . . . ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો.” (રૂમી ૧૨:૯, ૧૦) પ્રેમના લીધે આપણે યહોવાહના વહાલા બાળકો પણ બની શકીએ.

૪. ‘ગાઢ પ્રેમનો’ અર્થ શું થાય છે?

પાઊલે આપણને એકબીજા પર “ગાઢ પ્રેમ” રાખવાનું કહ્યું. જુદાં જુદાં બાઇબલો રૂમી ૧૨:૧૦માં આમ કહે છે: “ભાઈચારાની લાગણીથી એકબીજા પર પ્રેમ કરો.” (IBSI) ‘એકબીજા ઉપર ભાઈના જેવો ઉમળકાથી પ્રેમ રાખો.’ (સંપૂર્ણ) મૂળ ગ્રીક ભાષામાં આ કલમોનો સાર “દોસ્તી” પણ થાય છે. એક બાઇબલ પંડિતે કહ્યું: ‘પરિવારમાં હોય, તેમ મંડળમાં પણ પ્રેમ અને દોસ્તી હોવા જ જોઈએ.’ શું તમે ભાઈ-બહેનોને તમારા પોતાના પરિવાર તરીકે જુઓ છો? કે પછી તમે ઉપર ઉપરથી પ્રેમ બતાવો છો? આપણે દિલથી ‘એકબીજા ઉપર પ્રીતિ’ કરવી જોઈએ. (૧ પીતર ૧:૨૨) આ રીતે મંડળમાં પ્રેમની ખૂશબુ ફેલાતી રહેશે.—ગલાતી ૬:૧૦

‘એકબીજા પર પ્રેમ રાખતા શીખો’

૫, ૬. (ક) સંમેલનોથી યહોવાહ આપણને શું શીખવે છે? (ખ) ભાઈ-બહેનોનું પ્રેમનું બંધન કઈ રીતે વધુ પાક્કું બને છે?

દુનિયામાં “ઘણાખરાનો પ્રેમ ઠંડો થઈ” ગયો છે. (માત્થી ૨૪:૧૨) પણ યહોવાહ પાસેથી તેમના ભક્તો “એકબીજા પર પ્રેમ” રાખતા શીખે છે. (૧ થેસ્સાલોનીકી ૪:૯) એક દાખલો લો. અમુક વર્ષો પહેલાં એક મોટું સંમેલન ગોઠવવામાં આવ્યું હતું. અનેક દેશોના ભાઈ-બહેનો ત્યાં આવ્યા હતા. તેઓ સંમેલન રાખવામાં આવ્યું હતું ત્યાંના ભાઈ-બહેનો સાથે રહ્યા હતા. તેઓ એકબીજાને ઓળખતા પણ ન હતા. પણ સંમેલન પૂરું થયું ત્યાં સુધીમાં તો તેઓ જિગરી દોસ્તો બની ગયા. એક ભાઈએ કહ્યું કે, ‘અમુક સાક્ષીઓ તો પહેલાં ખૂબ શરમાળ હતા. તેઓ એકબીજા સામે હસતા-રડતા પણ નહિ. પણ છ દિવસમાં તો, તેઓ એકદમ બદલાઈ ગયા! હવે તેઓ નવા દોસ્તોને “આવજો” કહેતા ખુલ્લા દિલથી ભેટી પડતા હતા. બધાને પ્યારનો પાક્કો રંગ લાગી ગયો.’ ભલેને ભાઈ-બહેનો અજાણ્યા હોય, તોપણ તેઓની સાથે આપણને ખૂબ મઝા આવે છે. ચાલો આપણે મોટા સંમેલનોમાં નવા નવા ભાઈ-બહેનો સાથે દોસ્તી બાંધીએ.—રૂમી ૧૨:૧૩.

પણ મંડળના ભાઈ-બહેનોનું શું? શું તેઓ આપણા જિગરી દોસ્તો છે? જો હોય તો આપણે જાણીએ છીએ કે તેઓ કપટી કે સ્વાર્થી નથી, પણ ઉદાર અને ભલા છે. ચાલો આપણે તેઓ સાથેની દોસ્તી પણ પાક્કી બનાવીએ. (ગીતશાસ્ત્ર ૧૫:૩-૫; નીતિવચનો ૧૯:૨૨) માર્ક પૂર્વ આફ્રિકામાં મિશનરિ છે. તે પોતાના મંડળ વિષે કહે છે: ‘એકબીજા સાથે હાથમાં હાથ મિલાવીને કામ કરવાથી, અમારા વચ્ચે પ્રેમનું અતૂટ બંધન છે.’

૭. મંડળમાં દોસ્તી બાંધવા માટે આપણે શું કરવું જોઈએ?

મંડળના ભાઈ-બહેનો સાથે દોસ્તી બાંધવા માટે આપણે શું કરવું જોઈએ? આપણે બધી જ મિટિંગોમાં જવું જોઈએ કેમ કે ત્યાં આપણે એકબીજાને મળી શકીએ. એટલું જ નહિ પણ દિલ ખોલીને વિચારો જણાવવાથી આપણે એકબીજાને વધુ ઓળખી શકીશું. મિટિંગ પહેલા અને પછી આપણે એકબીજા સાથે હળીએ-મળીએ. આમ કરવાથી આપણે “સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન” આપીશું. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) અમેરિકાના એક વડીલ કહે છે કે, ‘મને હજુ યાદ છે કે હું નાનો હતો ત્યારે મારું કુટુંબ હંમેશાં હૉલમાંથી છેલ્લું નીકળતું. મિત્રો સાથે વાત કરવાની અમને એટલી મજા આવતી કે કોઈને ઘરે જવાનું મન ન થતું.’

બધા સાથે દોસ્તી બાંધો

૮. (ક) આપણે કઈ રીતે ‘દિલ ખોલીને’ દોસ્તી બાંધી શકીએ? (ખ) હૉલમાં આપણે શું કરવું જોઈએ?

કોરીંથના મંડળને પાઊલે લખ્યું: ‘અમે અમારાં દિલ ખોલીને વાત કરીએ છીએ. અમારા હૃદયો તમારી તરફ કદી પણ બંધ કર્યાં નથી. તમે પણ તમારાં દિલ અમારી આગળ ખુલ્લાં કરો.’ (૨ કોરીંથી ૬:૧૧-૧૩, પ્રેમસંદેશ) આપણે કઈ રીતે ‘દિલ ખોલીને’ દોસ્તી બાંધી શકીએ? પાઊલે કહ્યું કે આપણે પહેલા “એકબીજાને સન્માન આપવામાં ઉત્સાહી” થવું જોઈએ. (રોમનો ૧૨:૧૦, પ્રેમસંદેશ) હૉલમાં આવીને આપણે એક ખૂણામાં બેસી ન રહીએ. પણ આપણે હૉલમાં આવતા ભાઈ-બહેનોને તરત મળવા જઈ શકીએ. અથવા તેઓ સાથે પ્રચારમાં જવાનું નક્કી કરી શકીએ. કે પછી, ભેગા મળીને મિટિંગની તૈયારી કરવાની ગોઠવણ કરી શકીએ.

૯. દોસ્તી બાંધવા માટે અમુક ભાઈ-બહેનોએ શું કર્યું છે? (તમારા મંડળમાંથી પણ અનુભવો આપો.)

આપણે બીજી કઈ રીતે ‘દિલ ખોલીને’ દોસ્તી બાંધી શકીએ? આપણે એકબીજાને જમવા બોલાવી શકીએ અથવા ભેગા મળી કંઈક કરી શકીએ. (લુક ૧૦:૪૨; ૧૪:૧૨-૧૪) હાકોપ નામનો એક ભાઈ કહે છે: ‘હું અમુક વાર પિકનિકનો પ્રોગ્રામ રાખું છું. નાના-મોટા બધા ભાઈ-બહેનો આવે છે. જે મા કે બાપ એકલા હાથે બાળકો મોટા કરતા હોય, એવા કુટુંબને હું ખાસ બોલાવું છું. પિકનિકમાં ભાઈ-બહેનોને એકબીજા સાથે બહુ મઝા આવે છે. ઘરે પાછા આવીએ ત્યારે, બધાના ચહેરા ખુશીથી ખીલી ઊઠ્યા હોય છે.’ આમ આપણે ફક્ત મિટિંગોમાં જ નહિ પણ, એકબીજા સાથે બીજી ઘણી રીતે ટાઈમ પાસ કરવો જોઈએ. પછી આપણી દોસ્તી કોઈ તોડી નહિ શકે.

૧૦. એકબીજા વચ્ચે મનદુઃખ થાય ત્યારે આપણે શું કરવું જોઈએ?

૧૦ દોસ્તી બાંધવી કંઈ નાનું-સૂનું કામ નથી, કેમ કે આપણે બધા ભૂલથી એકબીજાનું મનદુઃખ કરતા હોઈએ છીએ. જો એમ થાય, તો આપણે શું કરવું જોઈએ? આપણે યહોવાહની મદદ માટે પ્રાર્થના કરવી જોઈએ. યહોવાહ પોતે ચાહે છે કે આપણે હળી-મળીને ભક્તિ કરીએ. (૧ યોહાન ૪:૨૦, ૨૧; ૫:૧૪, ૧૫) પ્રાર્થના કર્યા પછી આપણે દોસ્તી બાંધવા કંઈક કરવું જોઈએ. પૂર્વ આફ્રિકામાં રીક નામના એક સરકીટ ઓવરસીયરે કહ્યું: ‘મંડળમાં એક ભાઈ હતો. તે કડક સ્વભાવનો હતો. તેની સાથે કોઈને બનતું નહિ, બધા તેનાથી દૂર દૂર રહેતા. હું તેની સાથે દોસ્તી બાંધવા ચાહતો હતો. એટલે મેં તેની સાથે વાત કરી. વાત-વાતમાં મને ખબર પડી કે તેના પિતા પણ બહુ કડક હતા. આ ભાઈ વર્ષોથી તેનો સ્વભાવ બદલવાની કોશિશ કરે છે. આ જાણીને મારું દિલ પીગળી ગયું. અમે હવે જિગરી દોસ્ત છીએ.’—૧ પીતર ૪:૮.

એકબીજા સાથે દિલથી વાત કરો!

૧૧. (ક) દોસ્તીનો અર્થ શું થાય છે? (ખ) ભાઈ-બહેનોથી દૂર રહેવાથી આપણને શું થઈ શકે?

૧૧ દોસ્તીનો અર્થ શું થાય છે? એનો અર્થ એ નથી કે આપણે બસ એકબીજા સામે સ્માઈલ કરીએ, કે મામૂલી વાતો કરીએ. અથવા આપણે દેખાડો કરવા એકબીજાને ભેટી પડીએ અને ઊંચા અવાજે વાતો કરીએ. પાઊલે કહ્યું કે ખરી દોસ્તીનો અર્થ એ થાય કે આપણે ‘દિલ ખોલીને’ એકબીજા પર પ્રેમ રાખીએ. એકબીજાને સુખ-દુઃખમાં સાથ આપીએ. પણ જો તમે શરમાળ હોવ તો શું? કદાચ તમને ચૂપચાપ બેસી રહેવાનું મન થશે. પણ બાઇબલ કહે છે: “જે જુદો પડે છે તે પોતાની ઇચ્છા સાધવા મથે છે, તે રીસથી સઘળા સુજ્ઞાનની વિરૂદ્ધ થાય છે.” (નીતિવચનો ૧૮:૧) દુનિયામાં મોટે ભાગે લોકો આ સલાહ પાળતા નથી. એટલે તેઓની જિંદગી સૂની સૂની થઈ જાય છે. ચાલો આપણે બધા ધ્યાન રાખીએ કે આપણા મંડળમાં એવું ન થાય.

૧૨. મંડળમાં દોસ્તી બાંધવા માટે આપણે શું કરવું જોઈએ?

૧૨ આપણે દરેક ભાઈ-બહેનોને સારી રીતે ઓળખીએ અને જિગરી દોસ્ત બનાવીએ. પછી આપણે તેઓ સાથે છૂટથી વાતો કરી શકીશું. (યોહાન ૧૫:૧૫) મંડળમાં આપણે એકબીજાને સુખ-દુઃખના સાથી થઈશું તો પ્રેમ ખીલી ઊઠશે. આપણી ખુશી પણ વધશે કેમ કે ઈસુએ કહ્યું: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫; ફિલિપી ૨:૧-૪.

૧૩. ભાઈ-બહેનોને પ્રેમ બતાવવા આપણે શું કરી શકીએ?

૧૩ જો આપણે મનમાં જ કહીએ કે ‘હું ભાઈ-બહેનોને ચાહું છું’ તો એનો શું ફાયદો? (નીતિવચનો ૨૭:૫) જો આપણો પ્રેમ વાણી ને વર્તનમાં દેખાય આવે, તો કોઈનું પણ દિલ પીગળી શકે. એક કહેવત છે કે “આંખમાં ચમક જોઈને હૃદય આનંદ પામે છે.” (સુભાષિતો [નીતિવચનો] ૧૫:૩૦ સંપૂર્ણ) મંડળમાં પ્રેમ બીજી કઈ રીતે ખીલી શકે? કદાચ આપણે એકબીજાને ભેટ આપી શકીએ કે કાર્ડ કે પત્ર લખી શકીએ. (નીતિવચનો ૨૫:૧૧; ૨૭:૯) એનો અર્થ એ નથી કે આપણે કોઈને લાંચ આપીએ છીએ. પણ આ રીતે ભાઈ-બહેનો જોઈ શકશે કે આપણે તેઓને દિલથી ચાહીએ છીએ. દોસ્તી બાંધ્યા પછી આપણે એ ટકાવી રાખવી જોઈએ. દોસ્તીમાં સ્વાર્થ જરાય ન ચાલે. બાઇબલ કહે છે: “સાચો મિત્ર હમેશાં વફાદાર રહે છે. જરૂરના સમયે મદદરૂપ થવા ભાઈ જન્મ્યો છે.”—નીતિવચનો ૧૭:૧૭, IBSI.

૧૪. જો કોઈ આપણી સાથે દોસ્તી ન બાંધે તો આપણે શું કરવું જોઈએ?

૧૪ આપણે ગમે એટલું ચાહીએ, પણ મંડળમાં બધા ભાઈ-બહેનો તરત જ આપણા દોસ્ત બની જશે નહિ. આપણે બધા સાથે છૂટથી વાત કરી શકીશું નહિ. પણ જો આપણે કોઈ વ્યક્તિને જીતી ન શકીએ, તો શું? તો આપણે જબરદસ્તીથી દોસ્તી બાંધવાની જરૂર નથી. સાથે સાથે એ પણ માની લેવું ન જોઈએ કે આપણે કંઈક ખોટું કરીએ છીએ અથવા તેઓમાં કંઈ વાંક છે. જો આપણે કોશિશ કરતા રહીએ તો અમુક સમય પછી એ વ્યક્તિ પોતે દોસ્તીનો હાથ લંબાવે પણ ખરી.

એકબીજાને શાબાશી આપો

૧૫. જો કોઈને શાબાશી ન મળે તો શું થાય છે?

૧૫ ઈસુ બાપ્તિસ્મા પામ્યા ત્યારે યહોવાહે કહ્યું: “તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્‍ન છું”! (માર્ક ૧:૧૧) આ સાંભળીને ઈસુ કેટલા ખુશ થયા હશે કે તેમના પિતા તેમને ખૂબ ચાહે છે. (યોહાન ૫:૨૦) પણ આજે બધા જ માબાપો એવી રીતે પોતાના બાળકોને શાબાશી આપતા નથી. એક બહેન કહે છે કે, ‘મારા જેવા ઘણા યુવાનોનું કુટુંબ સત્યમાં નથી. મારા ઘરમાં બધા બસ મને તોડી જ પાડે છે. રોજ રોજ આ સાંભળીને હું ડિપ્રેસ થઈ જાઉં છું.’ આવા ભાઈ-બહેનોને ઈસુએ કહ્યું કે મંડળમાં તેઓને મા, બાપ, ભાઈ અને બહેનોનો પ્યાર મળશે.—માર્ક ૧૦:૨૯, ૩૦; ગલાતી ૬:૧૦.

૧૬. બાળકોને શાબાશી ન આપવાથી શું થઈ શકે?

૧૬ અમુક સમાજોમાં લોકો બાળકોને કોઈ શાબાશી આપતા નથી. તેઓ વિચારે છે કે એમ કરવાથી તેઓ માથે ચડી બેસશે. આપણે પણ એવું વિચારવા લાગી શકીએ. દાખલા તરીકે, કોઈ બાળકે ટૉક આપી હોય પછી આપણે કહીએ કે ‘ચાલે! પણ બીજી વાર વધારે સારી રીતે આપજે!’ અથવા, આપણા ચહેરા પરથી દેખાઈ આવે કે આપણને ટૉક ન ગમી. આપણને લાગે કે આપણે બાળકને મદદ કરીએ છીએ. પણ બે ઘડી વિચારો કે બાળકને કેવું લાગશે? તેને લાગી શકે કે ‘મને તો કંઈ નથી આવડતું. ગમે એટલી મહેનત કરું, આ લોકો કદીયે ખુશ નથી થવાના.’

૧૭. આપણે શા માટે એકબીજાને શાબાશી આપવી જોઈએ?

૧૭ એવું નથી કે આપણે ફક્ત કોઈને સલાહ આપતા પહેલાં જ શાબાશી આપીએ. જો આપણે કાયમ એકબીજાને શાબાશી આપતા રહીશું, તો મંડળમાં અને પરિવારમાં પ્રેમ હીરાની જેમ ચમકશે. એના લીધે યુવાનો પણ આપણી પાસેથી સલાહ માંગતા અચકાશે નહિ. ભલે આપણે ગમે એ સમાજથી આવતા હોઈએ, ચાલો આપણે ‘ઈશ્વરની પ્રતિમા પ્રમાણે સર્જાયેલો નવો સ્વભાવ પહેરી લઈએ.’ ચાલો આપણે યહોવાહની માફક એકબીજાને દિલથી શાબાશી આપતા રહીએ.—એફેસી ૪:૨૪, પ્રેમસંદેશ.

૧૮. (ક) આપણે સલાહ આપતા પહેલાં શું કરવું જોઈએ? (ખ) યુવાનોને કોઈ સલાહ આપે તો તેઓએ શું યાદ રાખવું જોઈએ?

૧૮ આપણે બધા એકબીજાનું ભલું જ ચાહીએ છીએ. પણ આપણને ખબર છે કે અમુક શબ્દોથી વ્યક્તિને દુઃખ પણ થઈ શકે. એટલે કોઈને સલાહ આપતા પહેલાં આપણે બે વાર વિચાર કરીએ કે આપણે તેઓની સાથે કેવી રીતે વાત કરીશું. એ વિષે પ્રાર્થના પણ કરીએ. ખાસ કરીને વડીલોએ આ ધ્યાનમાં રાખવાની જરૂર છે. (૧ પીતર ૫:૫) યુવાનો, કોઈ તમને સલાહ આપે ત્યારે તમને કેવું લાગે છે? ગુસ્સે ન થાવ, એમ ન માનો કે તેઓ તમને ચાહતા નથી. (સભાશિક્ષક ૭:૯) હકીકત એ છે કે તેઓ તમને ખૂબ ચાહે છે, એટલે તમને સલાહ આપે છે.

યહોવાહ “ઘણો દયાળુ તથા કૃપાળુ છે”

૧૯. આપણને દગો થયો હોય તો આપણે શું કરી શકીએ?

૧૯ શું કોઈ દોસ્તે તમને દગો દીધો છે? એ કડવો ઘૂંટડો ગળે ઉતારવો કંઈ સહેલો નથી. એટલે આપણે જલદીથી બીજાઓ સાથે દોસ્તી બાંધીશું નહિ. આપણને થશે કે ‘બીજા પણ મને દગો દેશે તો?’ પણ એ જાણીને કેટલો દિલાસો મળે છે કે યહોવાહ આપણને હંમેશાં સાથ દેશે. તે કદી આપણને દગો દેશે નહિ. જો આપણે તેમની દોસ્તીનો હાથ પકડી રાખીશું તો ‘તે આપણામાંના કોઈથી વેગળા નથી.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૭; યાકૂબ ૪:૮) દાઊદે પણ કહ્યું: “આશાભંગ થએલાઓની પાસે યહોવાહ છે, અને નમ્ર આત્માવાળાને તે તારે છે.”—ગીતશાસ્ત્ર ૩૪:૧૮.

૨૦, ૨૧. (ક) શું બતાવે છે કે આપણે યહોવાહ સાથે દોસ્તી બાંધી શકીએ? (ખ) યહોવાહ કેવા દોસ્તોને પસંદ કરે છે?

૨૦ પણ તમને થશે કે ‘શું હું ખરેખર યહોવાહ સાથે દોસ્તી બાંધી શકું?’ હા, કેમ કે બાઇબલ જણાવે છે કે અનેક ભક્તોએ તેમની દોસ્તી કરી હતી. ચાલો આપણે તેઓ વિષે વાંચીએ અને તેઓના અનુભવોમાંથી શીખીએ.—ગીતશાસ્ત્ર ૨૩, ૩૪, ૧૩૯; યોહાન ૧૬:૨૭; રૂમી ૧૫:૪.

૨૧ યહોવાહને કેવા દોસ્તો પસંદ છે? દાઊદે એ જ સવાલ પૂછ્યો હતો: ‘હે પ્રભુ યહોવાહ, તમારા મંડપમાં કઈ વ્યક્તિ જઈને આશ્રય મેળવી શકે?’ જવાબમાં દાઊદે પોતે જ કહ્યું: “જે વ્યક્તિ ઈશ્વરને આધીન જીવન જીવે છે, ન્યાયથી વર્તે છે અને સત્ય બોલે છે.” (ગીતશાસ્ત્ર ૧૫:૧, ૨, IBSI; ૨૫:૧૪) આપણે પણ એ જ રીતે જીવીએ તો ‘ઘણા દયાળુ તથા કૃપાળુ’ યહોવાહ આપણને આશીર્વાદ આપશે.—યાકૂબ ૫:૧૧.

૨૨. યહોવાહ શું ચાહે છે?

૨૨ ભલે ‘મનુષ્ય માત્ર ભૂલને પાત્ર’ છે, તોપણ યહોવાહ આપણી સામે દોસ્તીનો હાથ લંબાવે છે! યહોવાહ ચાહે છે કે આપણે તેમના પગલે ચાલીએ અને બધા ભાઈ-બહેનો પર પ્રેમ રાખીએ. હા, યહોવાહની કૃપાથી બધા મંડળોમાં આપણે પ્રેમ મહેકતો રાખી શકીએ. કલ્પના કરો, નવી દુનિયામાં આવો પ્રેમ સદાયે વરસતો રહેશે!

તમે સમજાવી શકો?

• આપણું મંડળ કેવું હોવું જોઈએ?

• મંડળમાં આપણે એકબીજાને પ્રેમ બતાવવા શું કરવું જોઈએ?

• એકબીજાને શાબાશી આપવાથી મંડળમાં શું થાય છે?

• યહોવાહની દોસ્તી કેવી છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્ર]

આપણે એકબીજા પર દિલથી પ્રેમ રાખીએ

[પાન ૧૬, ૧૭ પર ચિત્રો]

બધા સાથે દોસ્તી બાંધો

[પાન ૧૮ પર ચિત્ર]

શું આપણે એકબીજાને શાબાશી આપીએ છીએ?