સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફળ બનાવતું શિક્ષણ

જીવન સફળ બનાવતું શિક્ષણ

મારો અનુભવ

જીવન સફળ બનાવતું શિક્ષણ

હેરોલ્ડ ગ્લુયાસના જણાવ્યા પ્રમાણે

મને આ બરાબર યાદ છે. હું નાનો હતો ત્યારે, એક દિવસ મમ્મી સાથે રસોડામાં બેઠો હતો. ટેબલ પર પડેલું “સીલોનની ચા” લેબલવાળું ખોખું જોતો હતો. એના પર સ્ત્રીઓનું ચિત્ર હતું. તેઓ સીલોનની (હવે શ્રીલંકા) લીલીછમ વાડીઓમાંથી ચાના પાન તોડી રહી હતી. હું એ જોતો હતો તેમ, જાણે સપનાની દુનિયામાં ખોવાઈ ગયો. એ લીલી લીલી વાડીઓનો દેશ સીલોન કેટલો સુંદર હશે! મને સપનેય ખ્યાલ ન હતો કે હું મારી જિંદગીના ૪૫ વર્ષ એ જ સુંદર દેશમાં મિશનરિ બનીશ. બાળપણનું એ સપનું ૭૦ વર્ષોથી મારું સાથી બની રહ્યું છે.

મારો જન્મ એપ્રિલ, ૧૯૨૨માં થયો. મમ્મી-પપ્પા અમને છ બાળકોને મોટા કરવા બહુ મહેનત કરતા. આજના કરતાં એ જમાનો સાવ જુદો હતો. અમે ઑસ્ટ્રેલિયામાં કીમ્બા નામના ગામડામાં રહેતા હતા. અમે દૂર દૂર ખેતરમાં ખેતી કરતા. એટલે અમારું ઘર સૂમસામ એરિયામાં હતું, બસ જાણે પતરાંનું બનેલું ઝૂંપડું જોઈ લો. વારંવાર પડતો દુકાળ, જીવડાંનો ત્રાસ, અને મારી નાખે એવી ગરમીમાં જીવન બહુ કઠિન હતું.

પણ ખરું કહું તો મને એ જગ્યા બહુ પસંદ હતી. મને હજુ પણ યાદ છે કે જોરાવર બળદ કેવા ઝાડી-ઝાંખરાને ઉખેડીને જમીન સાફ કરી નાખતા. ગામડા-ગામમાં કેવી ધૂળની ડમરી ઊડતી ને બધી બાજુ જાણે ધૂળનું વાદળ છવાઈ જતું. એટલે મારી કેળવણી તો હું સ્કૂલે ગયો એના પહેલેથી જ શરૂ થઈ ગઈ હતી. અરે, મારે તો સ્કૂલે, પાંચેક કિલોમીટર દૂર ચાલીને જવું પડતું, ને એ આખી સ્કૂલમાં એક જ શિક્ષક હતા!

મારાં માબાપ ધાર્મિક હતા. પણ અમારું ઘર ચર્ચથી બહુ દૂર હતું એટલે તેઓ ચર્ચમાં કદી ગયા ન હતા. મારી મમ્મીએ ૧૯૩૦ પછી જજ રધરફર્ડનાં પ્રવચનો સાંભળવા શરૂ કર્યાં. બાઇબલ પરનાં એ પ્રવચનો એડલૈડ નામના શહેરમાં આવેલા રેડિયો સ્ટેશનથી દર અઠવાડિયે સાંભળવા મળતાં. મને લાગતું કે એડલૈડમાં જજ રધરફર્ડ નામના કોઈ પાદરી હશે. પણ મમ્મી તો દર અઠવાડિયે રધરફર્ડના પ્રવચનની કાગના ડોળે રાહ જોતી. અમારા જૂના-પુરાણા રેડિયો પર રધરફર્ડનો અવાજ બરાબર સંભળાતો પણ નહિ, છતાંય મમ્મી ખૂબ ધ્યાનથી સાંભળતી.

એક ધોમધખતી બપોરે બે માણસો અમારે ઘરે આવ્યા. તેઓ યહોવાહના સાક્ષીઓ હતા. મારી મમ્મીએ ધ્યાનથી તેઓનું સાંભળ્યું. તેણે તેઓ પાસેથી ઘણાં પુસ્તકો પણ લીધાં ને એના માટે દાન આપ્યું. મારી મમ્મીને એ પુસ્તકો એટલા ગમતા કે ન પૂછો વાત. એ વાંચીને મમ્મીએ પપ્પાને કહ્યું કે ‘મને આજુબાજુના લોકોને ઘરે લઈ જાવ, જેથી હું એના વિષે તેઓને પણ જણાવી શકું.’

જેવો સંગ તેવો રંગ

અમે રહેતા હતા ત્યાંનું વાતાવરણ વધારે ને વધારે ખરાબ થતું ગયું. એટલે આખરે અમારે એડલૈડ શહેર રહેવા જવું પડ્યું. અમારું કુટુંબ ત્યાંના યહોવાહના સાક્ષીઓના મંડળમાં જવા લાગ્યું. અમે અહીં રહેવા આવ્યા પછી મારા ભણતરનો પણ અંત આવ્યો. હું સાતમા ધોરણ સુધી ભણ્યો, ને ૧૩ વર્ષની ઉંમરે સ્કૂલ છોડી દીધી. મારો સ્વભાવ જ એવો કે ‘થાય છે હવે, શું ઉતાવળ છે!’ પણ એને કારણે મેં લગભગ યહોવાહની સેવા છોડી દીધી હતી. એ તો સારું કે અમુક પાયોનિયર ભાઈઓએ મને મદદ કરી.

સમય જતાં એ ભાઈઓના સંગે મારા જીવનમાં રંગ ભર્યો. મારામાં યહોવાહની ભક્તિ જાગી ઊઠી. મને તેઓની દોસ્તી ખૂબ ગમતી, હું તેઓની પાછળ પાગલ હતો. જ્યારે ૧૯૪૦માં એડલૈડમાં મોટું સંમેલન ભરાયું, ત્યારે જાહેરાત થઈ કે વધારે પાયોનિયરોની જરૂર છે. મને પોતાને નવાઈ લાગી કે મેં પોતે મારું નામ પણ લખાવી દીધું. અરે, હું તો યહોવાહનો સાક્ષી બન્યો પણ ન હતો, ને પ્રચારનો તો બહુ અનુભવ પણ ન હતો. થોડા દિવસમાં જ મને પાયોનિયરોના ગ્રૂપ સાથે જવાનું કહેવામાં આવ્યું. અમારે બાજુના વિક્ટોરિયા રાજ્યમાં, વૉરનામ્બુલ શહેરમાં જવાનું હતું. એ એડલૈડથી લગભગ આઠસો કિમી દૂર હતું.

ખરું કે એવી રીતે મેં પ્રચાર કામ ચાલુ કર્યું, પણ જલદી જ હું એના પ્રેમમાં પડી ગયો. આજે પણ એ પ્રેમ ઝાંખો પડ્યો નથી. એ મારા જીવનનું મોટું પગલું હતું, જ્યારથી મેં કદી પાછું વળીને જોયું નથી. મને અનુભવ થયો કે યહોવાહને ચાહનારા સાથે દોસ્તી રાખવી કેટલી જરૂરી હતી! ભલે હું એટલો ભણેલો-ગણેલો ન હતો, છતાંયે એવા દોસ્તોના સાથથી મને જીવનની મંજિલ મળી ગઈ.

કસોટીઓમાંથી શીખવું

હજુ તો હું નવો નવો પાયોનિયર હતો ને ઑસ્ટ્રેલિયામાં યહોવાહના લોકોના કામ પર મનાઈ આવી ગઈ. મને થયું કે હવે શું કરવું. મેં ભાઈઓને પૂછ્યું. તેઓની મદદથી હું જોઈ શક્યો કે લોકોને બાઇબલ વિષે જણાવવાની તો મનાઈ ન હતી. એટલે બીજા પાયોનિયરો સાથે હું ઘરેથી ઘરે બાઇબલનો સંદેશો જણાવવા લાગ્યો. એનાથી મને આવનાર કસોટીઓ માટે હિંમત મળી.

હું અઢાર વર્ષનો થયો. મને મિલિટરીમાં જોડાવા હાજર થવાનું કહેવામાં આવ્યું. એ કારણે મિલિટરી ઑફિસરો અને મેજિસ્ટ્રેટને યહોવાહ વિષે જણાવવાનો મને મોકો મળ્યો. એડલૈડની જેલમાં વીસેક જેટલા ભાઈઓને મારી જેમ જ રાખવામાં આવ્યા હતા. અમારે ખાણમાંથી પથ્થર ખોદવાની અને રોડ રીપેર કરવાની સખત મજૂરી કરવી પડતી. પણ એનાથી મારી સહનશક્તિ વધી. હું કાયમ યહોવાહની સેવા કરવાની મનમાં ગાંઠ વાળી શક્યો. જેલના ઘણા ગાર્ડ અમારું વર્તન અને અમારી શ્રદ્ધા જોઈને ઢીલા પડ્યા.

મહિનાઓ પછી હું જેલમાંથી છૂટ્યો. ફરીથી મેં પેટ ભરીને મનભાવતું ભોજન ખાધું. પછી, જરાયે સમય બગાડ્યા વિના મારા પાયોનિયર કામમાં લાગી ગયો. એ સમયે પાયોનિયર સેવામાં સાથીદાર બહુ ઓછા હતા. મને પૂછવામાં આવ્યું કે હું એકલો દક્ષિણ ઑસ્ટ્રેલિયા દૂર દૂર આવેલાં ખેતરોમાં પ્રચાર કરવા જઈ શકું કે કેમ. હું તો તરત તૈયાર થઈ ગયો. પછી હું વહાણમાં બેસીને યૉર્ક પેનીન્સુલા જવા ઊપડ્યો. મારી સાથે ફક્ત પ્રચારની ચીજો અને મારી સાયકલ હતી. હું ત્યાં પહોંચ્યો ત્યારે, સત્ય જાણવા માંગતું એક કુટુંબ મને ગેસ્ટ હાઉસમાં લઈ ગયું. એની માલિકણે મને પોતાના દીકરાની જેમ રાખ્યો. હું રોજ સાયકલ લઈને ધૂળિયા રસ્તાઓ પર નીકળી પડતો. ત્યાં આવેલાં નાના-મોટાં ગામોમાં પ્રચાર કરતો જતો. હું ઘણી વાર હોટલોમાં કે ગેસ્ટ હાઉસોમાં રાત રોકાઈ જતો. આ રીતે હું પ્રચાર કરવા દૂર દૂર સુધી સાયકલ પર ગયો અને ઘણા અનુભવો પણ થયા. મને એકલા હોવાનો વાંધો ન હતો, કેમ કે હું કાયમ યહોવાહનો સાથ અનુભવતો.

મારી મર્યાદાઓ

મને ૧૯૪૬માં ભાઈઓની સેવા કરવા એકથી બીજા મંડળમાં જવાનું કહેવામાં આવ્યું (આજે સરકીટ ઓવરસીયરનું કામ કહેવાય છે). મને આ કામ બહુ અઘરું લાગ્યું. એક દિવસ મેં એક ભાઈને કહેતા સાંભળ્યા કે, “હેરોલ્ડને ટૉક આપવાનું બહુ ફાવતું નથી, પણ તેને પ્રચાર કામ બહુ ગમે છે.” એ સાંભળીને મારી ખુશીનો પાર ન રહ્યો. મને ખબર હતી કે હું સારી રીતે ટૉક આપી શકતો ન હતો, મને સંગઠનની બાબતે પણ ઘણું શીખવાની જરૂર હતી. પણ મને લાગતું કે મારે માટે ખ્રિસ્તને પગલે ચાલવા મુખ્ય જવાબદારી પ્રચાર કરવાની છે.

બ્રુકલિનથી ભાઈ નેથન નોર અને ભાઈ મિલ્ટન હેન્સલ ૧૯૪૭માં આવવાના હતા. અમારી ખુશીનો કોઈ પાર ન હતો. ભાઈ રધરફર્ડ ૧૯૩૮માં અહીં આવ્યા હતા, એના પછી આવી રીતે પહેલી વાર ભાઈઓ આવવાના હતા. તેઓ આવ્યા ત્યારે, સીડની નામના મોટા શહેરમાં સંમેલન ભરાયું. ઘણા યુવાન પાયોનિયરોની જેમ મને પણ મિશનરિ ટ્રેનિંગ લેવી હતી, જે ન્યૂ યૉર્ક, અમેરિકામાં ગિલયડ સ્કૂલમાં અપાતી હતી. પણ અમને થતું કે એ સ્કૂલમાં જવા માટે તો ભણેલા-ગણેલાને જ બોલાવતા હશે, એમાં આપણે કઈ રીતે નામ લખાવી શકીએ? ભાઈ નોરે અમને સમજાવ્યું કે જો તમે વૉચટાવર મેગેઝિનનો લેખ વાંચીને એના મુખ્ય મુદ્દા યાદ રાખી શકો, તો તમે ગિલયડ સ્કૂલની ટ્રેનિંગ પણ લઈ શકો.

તોપણ, મને ખબર હતી કે મારો તો કોઈ જ ચાન્સ નથી. પણ અમુક મહિના પછી મને નવાઈ પમાડતી બાબત બની. મને ગિલયડ સ્કૂલ માટે અરજી કરવાનું કહેવામાં આવ્યું! એટલું જ નહિ, મને ૧૯૫૦ની સાલમાં ૧૬મા ક્લાસમાં ગિલયડની ટ્રેનિંગ લેવા બોલાવવામાં આવ્યો. આ મારા માટે અમૂલ્ય અનુભવ હતો, જેનાથી હું સારી રીતે ઘડાયો. હું જોઈ શક્યો કે યહોવાહની ભક્તિમાં સફળ થવા ભણતર જ જરૂરી નથી. પણ યહોવાહની દિલથી સેવા કરવી ને તેમની આજ્ઞાઓ પાળવી એ મુખ્ય ચીજ છે. અમારા ટીચરોએ શીખવ્યું કે તમારાથી બનતું બધું કરો. એ સલાહે મને યહોવાહની ભક્તિમાં બહુ જ મદદ કરી.

ઑસ્ટ્રેલિયાથી સીલોન

ગિલયડ સ્કૂલના ગ્રેજ્યુએશન પછી, ઑસ્ટ્રેલિયાના બે ભાઈઓ અને મને સીલોન (હવે શ્રીલંકા) મોકલવામાં આવ્યા. અમે વહાણમાં સપ્ટેમ્બર, ૧૯૫૧માં મુખ્ય શહેર કોલમ્બો આવ્યા. મોસમ એકદમ ગરમ, બધી બાજુ અવાજ-અવાજ, જુદી જ પ્રકારની સુગંધ, આ બધું અમારા માટે નવું નવું હતું! અમુક મિશનરિ ભાઈ ત્યાં પહેલેથી સેવા આપતા હતા. તેઓમાંના એક અમને લેવા આવ્યા હતા. અમે વહાણમાંથી ઊતર્યા ત્યારે, તેમણે અમારો આવકાર કરીને મને એક પત્રિકા આપી. એમાં આવનાર રવિવારના પ્રવચનની જાહેરાત હતી, જે શહેરમાં રાખવામાં આવ્યું હતું. હું એ પત્રિકા જોતો રહી ગયો, કેમ કે એ પ્રવચન આપનાર તરીકે મારું નામ હતું! તમે મારી હાલત સમજતા હશો. પરંતુ ઑસ્ટ્રેલિયામાં પાયોનિયર સેવામાં હું શીખ્યો હતો, કે યહોવાહની સેવામાં જે સોંપવામાં આવે એ કરવું. એટલે યહોવાહની શક્તિથી, મેં એ પ્રવચન આપ્યું. કોલમ્બોમાંના ચાર મિશનરિ ભાઈઓ અને અમે ત્રણ મળીને સિંહાલા નામની અઘરી ભાષાનો ક, ખ, ગ શીખવા માંડ્યા. પ્રચાર પણ કરવા માંડ્યા. મોટે ભાગે અમારે બધાએ એકલા એકલા જ પ્રચારમાં જવું પડતું. અમે જોયું કે લોકો બહુ સારા હતા. થોડા સમયમાં જ અમુક જણ મિટિંગમાં આવવા લાગ્યા.

હું ગિલયડ સ્કૂલમાં જતો હતો ત્યારે, વહાણમાં સીબેલ નામની એક પાયોનિયર સાથે મુલાકાત થઈ હતી. તે ન્યૂ યૉર્ક મોટા સંમેલનમાં જઈ રહી હતી. એ પછી સીબેલે ગિલયડના ૨૧મા ક્લાસમાં ટ્રેનિંગ લીધી અને ૧૯૫૩માં તેને હૉંગ કૉંગ મોકલવામાં આવી. હું સીબેલ સાથે લગ્‍નનો વિચાર કરવા માંડ્યો. મેં તેને પત્ર લખ્યો. પછી તો અમે બંને એકબીજાને પત્રો લખવા માંડ્યા. આખરે સીબેલ ૧૯૫૫માં સીલોન આવી અને અમે પરણી ગયા.

પછી અમે સાથે શ્રીલંકાના ઉત્તરમાં જાફના નામના શહેરમાં મિશનરિ તરીકે ગયા. એ સમયે સિંહાલા અને તામિલ સમાજ પર રાજનીતિને કારણે મુશ્કેલીઓના વાદળ છવાઈ રહ્યા હતા. પછીથી એ કારણે વર્ષો સુધી લડાઈ ચાલી. એવા સમયે જાનના જોખમે પણ, સિંહાલા અને તામિલ ભાઈ-બહેનો એકબીજાને પૂરો સાથ આપતા હતા! એટલે ભાઈ-બહેનોની શ્રદ્ધા હજુયે વધી.

શ્રીલંકામાં પ્રચાર કાર્ય

હિંદુ અને મુસ્લિમ સમાજ સાથે હળી-મળી જવા ધીરજની જરૂર હતી. તોપણ અમને તેઓની રીત-ભાત અને સ્વભાવ બહુ જ ગમતા. અમે બસમાં જતા ત્યારે લોકોને નવાઈ લાગતી, કારણ કે મોટે ભાગે પરદેશી લોકો બસમાં મુસાફરી કરતા નહિ. મારી પત્ની સીબેલે નક્કી કર્યું કે તેઓ અમને જોયા કરે ત્યારે, અમે સામે તેઓને સ્માઈલ આપીશું. એ આઇડિયા કામ કરી ગયો! તેઓ પણ જોયા કરવાને બદલે મોટું સ્માઈલ આપતા.

એક વાર અમને રસ્તામાં પોલીસે રોક્યા. પોલીસે પૂછ્યું કે અમે ક્યાંના છીએ અને ક્યાં જઈ રહ્યા છીએ. એટલું જ નહિ, પણ તે પૂછવા લાગ્યો:

“આ સ્ત્રી કોણ છે?”

મેં કહ્યું કે, “મારી પત્ની.”

“તમે કેટલા વખતથી પરણેલા છો?”

“આઠ વર્ષ.”

“કેટલા બાળકો છે?”

“એકેય નહિ.”

“હોય નહિ! તમે ડૉક્ટરને બતાવ્યું છે?”

પહેલા પહેલા તો અમને આવા સવાલોથી નવાઈ લાગતી. પણ પછી અમને સમજાયું કે એ તો લોકોનો સ્વભાવ જ હતો. લોકો અમારાથી ટેવાઈ ગયા હતા એટલે એવા સવાલો પૂછતા અચકાતા નહિ. આપણું દિલ ચોરી લે એવા તેઓના સ્વભાવનો આ તો એક જ દાખલો છે. જો તમે કોઈ જગ્યાએ થોડી વાર ઊભા હોવ, તો કોઈને કોઈ આવીને પૂછશે કે તમને કોઈની મદદ જોઈએ છે?

જીવનમાં ફેરફાર ને મીઠી યાદો

શ્રીલંકામાં મિશનરિ કામમાં અમને ઘણા જ આશીર્વાદો મળ્યા. મને સરકીટ અને ડિસ્ટ્રીક્ટ ઓવરસીયર તરીકે તેમ જ બ્રાંચ કમિટીમાં પણ સેવા આપવાનો મોકો મળ્યો. પણ ૧૯૯૬માં મારી ઉંમર લગભગ ૮૦ની નજીક પહોંચવા આવી. શ્રીલંકામાં પસાર કરેલા ૪૫ વર્ષની મીઠી યાદો મારા દિલમાં ઘર કરી ગઈ હતી. કોલમ્બોની મારી પહેલી મિટિંગમાં લગભગ ૨૦ વ્યક્તિઓ હતી. હવે લગભગ ૩,૫૦૦ વ્યક્તિઓ છે! મારી પત્ની સીબેલ અને મેં ઘણા લોકોને સત્ય શીખવા મદદ કરી. તેઓ જાણે અમારા છોકરા-છોકરીઓ અને પૌત્રો-પૌત્રીઓ જેવા છે. પણ હજુ ઘણું જ કામ બાકી હતું, જેમાં યુવાન લોકોની શક્તિ અને આવડતની જરૂર હતી. એટલે અમે ગવર્નિંગ બોડીના માર્ગદર્શનથી ઑસ્ટ્રેલિયા પાછા આવતા રહ્યા. અમારી જગ્યાએ યુવાન મિશનરિઓને શ્રીલંકામાં આવવા મળ્યું.

હવે હું ૮૨ વર્ષનો થઈ ગયો છું. હું અને સીબેલ બહુ જ રાજી છીએ કે અમે તંદુરસ્ત છીએ. અમે મારી જૂની ટેરેટરી, એડલૈડમાં સ્પેશિયલ પાયોનિયર છીએ. પ્રચાર કાર્યથી અમારી તબિયત સરસ રહે છે. એનાથી અમને આ બદલાયેલા જમાનામાં રહેવા ફેરફારો કરવા મદદ મળે છે.

યહોવાહે અમારી બધી રીતે બહુ જ સંભાળ રાખી છે. અમારા મંડળના ભાઈ-બહેનોના પ્રેમ અને સાથની તો વાત જ ન પૂછો. મને હમણાં જ મંડળમાં નવું કામ મળ્યું. મંડળના સેક્રેટરી તરીકે મારે સેવા આપવાની છે. ખરેખર, હું યહોવાહની દિલથી સેવા કરતો રહું છું તેમ, મારી ટ્રેનિંગ હજુ ચાલુ જ છે. જ્યારે મારી જીવનની સફર પર નજર નાખું છું, ત્યારે મને માનવામાં નથી આવતું. હું કેવો ઉજ્જડ, સૂની જગ્યામાં રહેતો હતો, કોઈની કંઈ પડી ન હતી. પણ મને કેવું સરસ શિક્ષણ મળ્યું, જેનાથી મારી જીવનની સફર કામયાબ રહી!

[પાન ૨૬ પર ચિત્ર]

૧૯૫૫માં અમારા લગ્‍નમાં

[પાન ૨૭ પર ચિત્ર]

ત્યાંના એક ભાઈ, રાજન કાદીરગમર સાથે ૧૯૫૭માં પ્રચારમાં

[પાન ૨૮ પર ચિત્ર]

હું ને મારી સીબેલ