સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે કેવી રીતે વાટ જુઓ છો?

તમે કેવી રીતે વાટ જુઓ છો?

તમે કેવી રીતે વાટ જુઓ છો?

શું તમને રાહ જોવાનું ગમે છે? આજે મોટા ભાગના લોકો અધીરા બની ગયા છે. બાઇબલ પરમેશ્વરના સેવકોને ‘વાટ જોવાનું’ ઉત્તેજન આપે છે. પ્રબોધક મીખાહે કહ્યું: હું મારૂં તારણ કરનાર યહોવાહની વાટ જોઈશ.’—મીખાહ ૭:૭; યિર્મેયાહનો વિલાપ ૩:૨૬.

યહોવાહની વાટ જોવાનો શું અર્થ થાય છે? આપણે કઈ રીતે યહોવાહની વાટ જોવી જોઈએ? શું વાટ જોવાની યોગ્ય અને અયોગ્ય રીતો છે? ઈસવી સન પૂર્વે નવમી સદીમાં થઈ ગયેલા પ્રબોધક યૂનાના અનુભવમાંથી આપણે એક સરસ બોધપાઠ લઈ શકીએ છીએ.

ખોટાં કારણો માટે વાટ જોવી

પરમેશ્વર યહોવાહે યૂનાને આશ્શૂરના મહાનગર નીનવેહમાં જઈને પ્રચાર કરવાનું કહ્યું. નીનવેહ પોતાની ક્રૂરતાને લીધે “ખૂની નગર” તરીકે જાણીતું હતું. ઇતિહાસકારો અને પુરાતત્ત્વશાસ્ત્રીઓ પણ એ સાથે સહમત થાય છે. (નાહૂમ ૩:૧) યૂના શરૂઆતમાં તો આ જવાબદારીમાંથી છટકવા માંગતા હતા. પરંતુ, યહોવાહે છેવટે તેમને નીનવેહમાં પ્રચાર કરવા મોકલ્યા.—યૂના ૧:૩-૩:૨.

“યૂનાએ નગરમાં દાખલ થઈને એક દિવસની મજલ કરી, અને પોકારીને કહ્યું, કે ચાળીસ દિવસ પછી નીનવેહનો નાશ થશે.” (યૂના ૩:૪) યૂનાએ કરેલા પ્રચારથી લોકોએ પસ્તાવો કર્યો. “નીનવેહના લોકોએ દેવના વચન પર વિશ્વાસ કર્યો; અને તેઓએ ઉપવાસનો ઢંઢેરો પીટાવીને મોટાથી તે નાના સુધી સર્વએ તાટ પહેર્યું.” (યૂના ૩:૫) આથી, યહોવાહે એ શહેરનો નાશ કર્યો નહિ. યહોવાહ “કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાત્તાપ કરે એવું” ઇચ્છે છે.—૨ પીતર ૩:૯.

યહોવાહે શહેરનો નાશ ન કર્યો એ જોઈને શું યૂના ખુશ થઈ ગયા? ના, “યૂનાને ઘણું જ ખોટું લાગ્યું, ને તેને ક્રોધ ચઢ્યો.” (યૂના ૪:૧) યૂનાને એવું લાગ્યું હોય શકે કે પોતાની ભવિષ્યવાણી પૂરી થઈ ન હોવાથી, લોકો પ્રબોધક તરીકે તેમના પર ભરોસો કરશે નહિ. લોકોના જીવન બચી જાય એની તેમને કંઈ પડી ન હતી, તેમને તો બસ પોતાની જ ચિંતા હતી!

યૂનાએ સાવ ખોટું લગાડીને પ્રબોધક તરીકેનું કામ છોડી દીધું નહિ. પણ તે “નગરનું શું થાય છે તે જોવાને” રાહ જોવા લાગ્યા. તેમણે ‘આગે આગે દેખીએ હોતા હૈ ક્યા’ જેવું વલણ કેળવ્યું. પણ પોતે ધાર્યું હતું એમ થયું નહિ ત્યારે, તે એક માંડવો બનાવીને એમાં બેસી ગયા અને દુઃખી થઈને રાહ જોવા લાગ્યા કે હવે શું થશે. પણ યૂનાનું વલણ યોગ્ય ન હોવાથી યહોવાહે પ્રેમાળ રીતે તેમના વિચારોમાં ફેરફાર કર્યા.—યૂના ૪:૫, ૯-૧૧.

યહોવાહ ધીરજ રાખે છે

નીનવેહના લોકોએ પસ્તાવો કર્યો હોવાથી તેઓ બચી ગયા. પરંતુ, સમય જતા તેઓ પાછા ખરાબ માર્ગે વળી ગયા. તેથી, નાહૂમ અને સફાન્યાહ જેવા પ્રબોધકો દ્વારા યહોવાહે ફરીથી એ શહેરના વિનાશની ભવિષ્યવાણી કરી. એ “ખૂની નગર” વિષે કહેતા, યહોવાહે જાહેર કર્યું કે તે આશ્શૂરનો નાશ કરીને નીનવેહને વેરાન તથા ઉજ્જડ કરી નાખશે. (નાહૂમ ૩:૧; સફાન્યાહ ૨:૧૩) આખરે નીનવેહનો ઈ.સ. પૂર્વે ૬૩૨માં એવો નાશ કરવામાં આવ્યો કે તે ફરી કદી બેઠું થઈ શક્યું નહિ.

એવી જ રીતે, આજના જગતે નીનવેહ કરતાં વધારે લોહીની નદીઓ વહેવડાવી છે. આ અને એવા બીજાં ઘણાં કારણોને લીધે, યહોવાહે આ જગતનો નાશ કરવાનું નક્કી કર્યું છે. હા, તે “મોટી વિપત્તિ” લાવીને એનો નાશ કરશે.—માત્થી ૨૪:૨૧, ૨૨.

પણ શા માટે યહોવાહ જલદી વિનાશ લાવતા નથી? તે ધીરજ બતાવે છે. જેથી, નીનવેહના લોકોની જેમ આજે પણ નમ્ર લોકો પસ્તાવો કરીને બચી જાય. પ્રેષિત પીતર પરમેશ્વરની ધીરજ વિષે કહે છે: “વિલંબનો જેવો અર્થ કેટલાએક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી; પણ કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાત્તાપ કરે, એવું ઈચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.”—૨ પીતર ૩:૯, ૧૦, ૧૩.

યોગ્ય રીતે રાહ જોવી

પીતર આગળ બતાવે છે: “આ બધું જ અગ્‍નિમાં પીગળી જવાનું છે. એ જાણીને આપણે કેવું પવિત્ર અને ઈશ્વરમય જીવન જીવવું જોઈએ! પ્રભુના આગમનના એ દિવસની તમે આતુરતાથી રાહ જુઓ.” (૨ પિતર ૩:૧૧, ૧૨, IBSI) નોંધ લો કે આપણે પરમેશ્વરના દિવસની રાહ જોતા હોઈએ ત્યારે, “પવિત્ર અને ઈશ્વરમય જીવન જીવવું” જોઈએ. આપણે તેમની સેવા કરતા રહેવું જોઈએ.

રાહ જોવામાં યોગ્ય વલણ બતાવીને આપણે યહોવાહના વચનમાં પૂરો ભરોસો બતાવીએ છીએ કે તેમનો દિવસ જરૂર આવશે. વળી, તેમણે નક્કી કર્યું છે એમાં એક પળ પણ મોડું કરશે નહિ. આવો વિશ્વાસ આપણને પવિત્ર કાર્યોમાં અને પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવા મદદ કરે છે. આ કાર્યોમાં પરમેશ્વરના રાજ્યનો પ્રચાર સૌથી પહેલા આવે છે. ઈસુએ પ્રચાર કરવામાં સારું ઉદાહરણ બેસાડ્યું. તેમણે પોતાના શિષ્યોને સૂચના આપી: “તમારી કમરો બાંધેલી તથા તમારા દીવા સળગેલા રાખો; અને જે માણસો પોતાનો ધણી લગ્‍નમાંથી ક્યારે પાછો આવે તેની વાટ જુએ છે, કે તે આવીને ઠોકે કે તત્કાળ તેઓ તેને સારૂ દ્વાર ઉઘાડે, તેઓના જેવા તમે થાઓ. જે દાસોને ધણી આવીને જાગતા જોશે તેઓને ધન્ય છે.”—લુક ૧૨:૩૫-૩૭.

પહેલી સદીમાં ગુલામો સખત મહેનત શરૂ કરતા પહેલાં, પોતાના કપડાંને ‘કમરે બાંધતા’ હતા. ખ્રિસ્તીઓએ પણ તેઓની જેમ સારાં કાર્યો માટે મહેનતુ અને ઉત્સાહી થવું જોઈએ. તેઓએ આત્મિક બાબતોમાં “આળસુ” બનાવે એવા કોઈ પણ વલણથી દૂર રહેવું જોઈએ. ધનદોલત પાછળ પડીને પોતાની શક્તિને વેડફી નાખવી જોઈએ નહિ. એના બદલે, યહોવાહના મહાન દિવસની રાહ જોતા હોઈએ ત્યારે, ‘પ્રભુના કામમાં સદા મચ્યા રહેવું’ જોઈએ.—રૂમી ૧૨:૧૧; ૧ કોરીંથી ૧૫:૫૮.

ઉત્સાહથી રાહ જુઓ

યહોવાહના સાક્ષીઓ પરમેશ્વરના દિવસની રાહ જોતા તેમની સેવામાં મંડ્યા રહે છે. દાખલા તરીકે, ૨૦૦૩માં તેઓએ એક દિવસમાં ૩૩,૮૩,૦૦૦ કલાકો પ્રચાર કર્યો. જરા વિચારો, જો તમે રોજ ચોવીસ કલાક પ્રચાર કરો તોપણ એટલા કલાકો કરતા ૩૮૬ વર્ષ લાગી જાય!

ભલે આપણે ગમે એટલા કલાક આપીએ, તોપણ આપણે પોતાને પૂછવું જોઈએ: ‘હું રાહ જોવામાં કેવું વલણ બતાવું છું?’ એ વિષે ઈસુએ એક દૃષ્ટાંત આપ્યું હતું. એમાં તેમણે બતાવ્યું કે વિશ્વાસુ અભિષિક્ત ખ્રિસ્તીઓ પાસેથી તે શાની આશા રાખે છે. તેમણે ત્રણ ચાકરો વિષે બતાવ્યું: “એકને [ધણીએ] પાંચ તાલંત, ને બીજાને બે, ને ત્રીજાને એક, એમ હરેકને પોતપોતાની શક્તિ પ્રમાણે આપ્યું; અને તે પરદેશ ગયો. પછી જેને પાંચ તાલંત મળ્યા હતા, તે તરત જઈને વેપાર કરીને તે વડે બીજા પાંચ તાલંત કમાયો તેમ જ જેને બે, તે પણ બીજા બે કમાયો. પણ જેને એક તાલંત મળ્યો હતો તેણે જઈને જમીનમાં ખોદીને પોતાના ધણીનું નાણું દાટી મૂક્યું. અને લાંબી મુદ્‌ત પછી તે ચાકરોનો ધણી આવે છે, ને તેઓ પાસેથી હિસાબ લે છે.”—માત્થી ૨૫:૧૫-૧૯.

હવે ત્રણેવ ચાકરો પોતાના ધણીની આવવાની રાહ જોતા હતા. ધણી આવ્યા ત્યારે તેમણે બે ચાકરોને કહ્યું, “શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર.” તેઓ ધણીની રાહ જોતા જોતા કામ પણ કરતા હતા. પણ છેલ્લા આળસુ ચાકરનું શું થયું? ધણીએ કહ્યું: એ “નકામા ચાકરને બહારના અંધકારમાં કાઢી મૂકો.”—માત્થી ૨૫:૨૦-૩૦.

જોકે, આ દૃષ્ટાંત અભિષિક્ત ખ્રિસ્તીઓને લાગુ પડે છે. તેમ છતાં, પૃથ્વી પર જીવવાની આશા રાખનારાઓ માટે પણ એમાં સરસ બોધપાઠ રહેલો છે. આપણા ધણી, ઈસુ ખ્રિસ્ત ઇચ્છે છે કે આપણે યહોવાહના મહાન દિવસની રાહ જોતા હોઈએ ત્યારે તેમની સેવામાં ખંતીલા રહીએ. આપણે “પોતપોતાની શક્તિ પ્રમાણે” જે કંઈ કરીએ એની તે કદર કરે છે. રાહ જોવાનું પૂરું થશે ત્યારે ધણી પાસેથી “શાબાશ” સાંભળીને આપણને કેટલો આનંદ થશે!

આપણા પ્રભુની ધીરજથી તારણ મળે છે

આપણે વિચાર્યું હોય એના કરતાં આ જગત લાંબો સમય ચાલે તો શું? એની પાછળ પણ એક કારણ રહેલું છે. એ જણાવતા પ્રેષિત પીતરે લખ્યું: “પ્રભુનું ધૈર્ય એ તારણ છે એમ માનો.” (૨ પીતર ૩:૧૫) યહોવાહ ધીરજ રાખીને આ જગતને ચાલવા દે છે એમ આપણે પણ ધીરજ રાખીએ. એ માટે બે બાબતો મહત્ત્વની છે, (૧) પરમેશ્વરના હેતુનું યોગ્ય જ્ઞાન લઈએ, અને (૨) આપણા નહિ, પરંતુ પરમેશ્વરના હેતુ પૂરા થાય એ વધારે મહત્ત્વનું છે.

ખ્રિસ્તીઓ ધીરજથી રાહ જુએ એ માટે યાકૂબે એક ઉદાહરણ આપ્યું. તેમણે લખ્યું: “જુઓ, ખેડૂત ખેતરમાં થનારા મૂલ્યવાન ફળની વાટ જુએ છે, અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે. તમે પણ ધીરજ રાખો, તમારાં મન દૃઢ રાખો; કેમ કે પ્રભુનું આગમન નજીક છે.”—યાકૂબ ૫:૭, ૮.

યહોવાહ ઇચ્છે છે કે આપણે રાહ જોતા કદી પણ થાકી ન જઈએ. તેમણે આપણને કાર્ય સોંપ્યું છે. આપણે સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરીને એ કાર્યમાં લાગુ રહીશું તો તેમના હૃદયને આનંદ પમાડીશું. યહોવાહ ઇચ્છે છે કે આપણે એવા લોકો જેવા થઈએ જેઓ વિષે પ્રેષિત પાઊલે હેબ્રીઓને લખેલા પત્રમાં વર્ણન કર્યું હતું: “અમે અંતઃકરણપૂર્વક ઇચ્છા રાખીએ છીએ કે તમારામાંનો દરેક તમારી આશા પરિપૂર્ણ થવાને માટે, એવો જ ઉત્સાહ અંત સુધી દેખાડે; માટે તમે મંદ ન પડો, પણ જેઓ વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે તેઓનું અનુકરણ કરો.”—હેબ્રી ૬:૧૧, ૧૨.

ચાલો આપણે થાકી ન જઈએ. આપણા જીવનમાં યહોવાહ સાથેના સંબંધને હંમેશાં પ્રથમ રાખીએ; ઈસુ ખ્રિસ્તના ખંડણી બલિદાનમાં આપણો વિશ્વાસ મજબૂત કરીએ અને આપણી સામે રહેલી નવી દુનિયાને આંખો સામે રાખીએ. ઈસુના દૃષ્ટાંતના ‘સારા તથા વિશ્વાસુ ચાકરની’ જેમ, આપણે પણ શાબાશી મેળવવાને યોગ્ય બનીએ. આપણા પરમેશ્વરની સેવામાં લાગુ રહીએ. ગીતકર્તાએ પણ એવું જ વલણ રાખ્યું હતું: “હું નિત્ય તારી આશા રાખીશ, અને તારૂં સ્તવન દિવસે દિવસે અધિક કરતો જઈશ.”—ગીતશાસ્ત્ર ૭૧:૧૪.

[પાન ૨૧ પર ચિત્ર]

યૂના દુઃખી થઈને વાટ જોવા લાગ્યા કે હવે નીનવેહનું શું થશે

[પાન ૨૨, ૨૩ પર ચિત્રો]

યહોવાહના દિવસની રાહ જોતા તેમની સેવામાં લાગુ રહીએ