‘નમ્ર લોકોને પૃથ્વીનો વારસો મળશે’—કઈ રીતે?
‘નમ્ર લોકોને પૃથ્વીનો વારસો મળશે’—કઈ રીતે?
“ઈસુએ કહ્યું કે ‘નમ્ર લોકોને પૃથ્વીનો વારસો મળશે.’ આ શબ્દોને કદાચ તમે સારી રીતે જાણતા હશો. પરંતુ આજે લોકો જે રીતે એકબીજા સાથે વર્તી રહ્યા છે, પૃથ્વીને બગાડી રહ્યા છે એ જોઈને તમને કદાચ થશે: ‘પૃથ્વીનો વારસો મળશે ત્યારે શું મારા માટે કંઈક સારું બચ્યું હશે?’”—માત્થી ૫:૫; ગીતશાસ્ત્ર ૩૭:૧૧.
આ પ્રશ્ન મરિયમ નામની સ્ત્રીએ બાઇબલની ચર્ચા શરૂ કરવા એક માણસને પૂછ્યો હતો. મરિયમ યહોવાહની સાક્ષી છે. તે માણસે જવાબમાં કહ્યું: ‘ઈસુએ કહ્યું તેમ જો પૃથ્વીનો વારસો મળવાનો હોય તો, એ જરૂર સુંદર અને આશીર્વાદોથી ભરપૂર હશે. આજની જેમ એ ખરાબ નહિ હોય.’
એ માણસનો જવાબ આપણને બહુ આશાવાદી લાગી શકે. શું ઈસુ પોતાનું વચન પાળશે? ચોક્કસ! બાઇબલ પુરાવો આપે છે કે એ વચન જરૂર પૂરું થશે, કેમ કે એ પરમેશ્વરના માણસજાત અને પૃથ્વી માટેના હેતુ સાથે જોડાયેલું છે. ઈસુનું આ વચન પૂરું થશે ત્યારે, પરમેશ્વરનો એ હેતુ પણ પૂરો થશે. આપણને પૂરો ભરોસો છે કે યહોવાહ પોતાના હેતુઓને જરૂર પૂરા કરશે. (યશાયાહ ૫૫:૧૧) પણ હવે બીજો સવાલ ઊભો થાય છે: માણસજાત માટે યહોવાહનો હેતુ શું હતો? એ કઈ રીતે પૂરો થશે?
પૃથ્વી માટે પરમેશ્વરનો હેતુ
યહોવાહે શા માટે પૃથ્વીને બનાવી? એનો જવાબ બાઇબલ આપે છે: “આકાશોને ઉત્પન્ન કરનાર યહોવાહ તે જ દેવ છે; પૃથ્વીનો બનાવનાર તથા તેનો કર્તા તે છે; તેણે એને સ્થાપન કરી, ઉજ્જડ રહેવા સારૂં એને ઉત્પન્ન કરી નથી, તેણે વસ્તીને સારૂં તેને બનાવી; તે એવું કહે છે, કે હું યહોવાહ છું; અને બીજો કોઈ નથી.” (યશાયાહ ૪૫:૧૮) આ બતાવે છે કે પૃથ્વી માણસોને રહેવા માટે બનાવવામાં આવી હતી. યહોવાહનો હેતુ હતો કે પૃથ્વી પર માણસો હંમેશ માટે જીવે, કેમ કે “કદી ખસે નહિ એવો પૃથ્વીનો પાયો તેણે નાખ્યો છે.”—ગીતશાસ્ત્ર ૧૦૪:૫; ૧૧૯:૯૦.
આપણા પહેલા માબાપ, આદમ અને હવાને યહોવાહે જે જવાબદારી સોંપી એમાં પણ પૃથ્વી માટે તેમનો હેતુ જાણવા મળે છે. યહોવાહે તેઓને કહ્યું: “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.” (ઉત્પત્તિ ૧:૨૮) યહોવાહે આદમ અને હવાને રહેવા માટે પૃથ્વી આપી હતી. એ તેઓ અને તેઓના વંશજો માટે હંમેશ માટેનું ઘર હતું. સદીઓ અગાઉ એક કવિએ લખ્યું: “આકાશો તે યહોવાહનાં આકાશો છે; પણ પૃથ્વી તેણે માણસોને આપી છે.”—ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬.
તેઓ માટે કેવું અદ્ભુત ભવિષ્ય રહેલું હતું! પણ એ માટે આદમ, હવા અને તેમના વંશજોએ યહોવાહને સરજનહાર અને જીવનદાતા માનવાના હતા. તેઓએ યહોવાહની ઇચ્છા પ્રમાણે ચાલવાનું હતું. જેમ કે, યહોવાહે આ યુગલને સ્પષ્ટ આજ્ઞા આપી હતી: “વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર; પણ ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ; કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે.” (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭) આદમ અને હવાએ એદન બાગમાં હંમેશાં રહેવા માટે યહોવાહની આ આજ્ઞા પાળવાની હતી. એમ કરીને તેઓ યહોવાહની દિલથી કદર કરી શક્યા હોત.
પણ દુઃખની વાત છે કે, આદમ અને હવાએ જાણીજોઈને પરમેશ્વરની આજ્ઞા તોડી નાખી. તેઓએ ખુદ પરમેશ્વરથી મોં ફેરવી લીધું જે તેઓને બધું પૂરું પાડતા હતા. (ઉત્પત્તિ ૩:૬) એનાથી તેઓએ પોતાનું સુંદર બગીચા જેવું ઘર ગુમાવ્યું. એટલું જ નહિ, તેઓએ પોતાના વંશજો માટે પણ એ વારસો ગુમાવી દીધો. (રૂમી ૫:૧૨) પરંતુ, તેઓએ આજ્ઞા તોડી હોવાથી શું પૃથ્વી માટે યહોવાહે પોતાનો હેતુ બદલી નાખ્યો?
પરમેશ્વર કદી બદલાતા નથી
પરમેશ્વરે પોતાના પ્રબોધક માલાખી દ્વારા કહ્યું: “હું પ્રભુ [યહોવાહ] છું. હું બદલાતો નથી.” (માલાખી ૩:૬, IBSI) આ કલમ વિષે એક ફ્રેંચ બાઇબલ પંડિત લુઈ ફેયોન કહે છે કે યહોવાહે પોતે કહ્યું છે તેમ, તે તેમના હેતુઓને જરૂર પૂરા કરશે. વધુમાં તે કહે છે: “યહોવાહ ચાહત તો પોતાના વિરોધીઓનો નાશ કરી શક્યા હોત. પરંતુ, તે ક્યારેય બદલાતા ન હોવાથી કોઈ પણ સંજોગોમાં પોતાનું વચન જરૂર પાળશે.” યહોવાહ કોઈ પણ વચન આપ્યા પછી એને ભૂલી જતા નથી. પણ પોતાના સમયમાં એને જરૂર પૂરાં કરશે. “હજારો પેઢીઓને આપેલું પોતાનું વચન, એટલે પોતાનો કરેલો કરાર, તેણે સદાકાળ યાદ રાખ્યો છે.”—ગીતશાસ્ત્ર ૧૦૫:૮.
પણ આપણે કઈ રીતે ભરોસો રાખી શકીએ કે પૃથ્વી માટેનો યહોવાહનો મૂળ હેતુ બદલાયો નથી? એની આપણે પાક્કી ખાતરી રાખી શકીએ. કેમ કે બાઇબલ ઘણી વાર જણાવે છે કે નમ્ર લોકોને પૃથ્વીનો વારસો મળશે. (ગીતશાસ્ત્ર ૨૫:૧૩; ૩૭:૯, ૨૨, ૨૯, ૩૪) બાઇબલ એ પણ જણાવે છે કે યહોવાહના આશીર્વાદથી તેઓ અપાર સુખ-શાંતિમાં કાયમ જીવશે. તેઓ “પોતપોતાની અંજીરી તળે બેસશે; અને કોઈ તેમને બીવડાવશે નહિ.” (મીખાહ ૪:૪; હઝકીએલ ૩૪:૨૮) તેઓ “ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે.” અરે, પ્રાણીઓ પણ તેઓ સાથે શાંતિમાં રહેશે.—યશાયાહ ૧૧:૬-૯; ૬૫:૨૧, ૨૫.
પરમેશ્વરનું વચન કઈ રીતે પૂરું થશે એની એક ઝલક પણ બાઇબલ આપે છે. જેમ કે, સુલેમાનના રાજમાં ઈસ્રાએલ પ્રજા અપાર શાંતિ અને સમૃદ્ધિમાં રહેતી હતી. તેમના રાજમાં “દાનથી તે બેરશેબા સુધી યહુદાહ તથા ઈસ્રાએલ પોતપોતાના દ્રાક્ષવેલા નીચે પોતપોતાની અંજીરી નીચે નિર્ભય સ્થિતિમાં રહેતા હતા.” (૧ રાજાઓ ૪:૨૫) પણ બાઇબલ કહે છે કે ઈસુ ‘સુલેમાન કરતાં મોટા છે.’ ઈસુના રાજ વિષે એક કવિ કહે છે: “તેના દિવસોમાં ન્યાયીઓ ખીલશે; અને ચંદ્ર જતો રહેશે, ત્યાં સુધી શાંતિ પુષ્કળ થશે. દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે; તેનાં ફળ લબાનોનની પેઠે ઝૂલશે.”—લુક ૧૧:૩૧; ગીતશાસ્ત્ર ૭૨:૭, ૧૬.
યહોવાહ પોતાના વચન પ્રમાણે જરૂર પૃથ્વીનો વારસો આપશે. એટલું જ નહિ, તે પૃથ્વીને ખૂબ જ સુંદર બનાવશે અને સુખ-શાંતિ લાવશે. પ્રકટીકરણ ૨૧:૪માં પરમેશ્વર આપણને વચન આપે છે કે નવી દુનિયામાં તે “દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી” રહેશે. હા, એ સમયે આખી પૃથ્વી ફરીથી સુંદર બની જશે જ્યાં સુખ-ચેનનો પાર નહિ હોય.—લુક ૨૩:૪૩.
એ વારસો મેળવવા શું કરવું?
આખી પૃથ્વી ક્યારે સુંદર બનશે? ઈસુ ખ્રિસ્તની સરકાર સ્વર્ગમાંથી પૃથ્વી પર રાજ શરૂ કરશે ત્યારે એ બનશે. (માત્થી ૬:૯, ૧૦) સૌથી પહેલા તો, સ્વર્ગની સરકાર ‘પૃથ્વીનો નાશ કરનારાઓનો નાશ કરશે.’ (પ્રકટીકરણ ૧૧:૧૮; દાનીયેલ ૨:૪૪) પછીથી, “શાંતિનો સરદાર” ઈસુ ખ્રિસ્ત આ શબ્દો પૂરા કરશે: “તે પૃથ્વી પર સાચો ન્યાય અને શાંતિ લાવશે.” (યશાયા ૯:૬, ૭, IBSI) એ સરકાર હેઠળ, સજીવન થયેલાઓ સાથે બીજા કરોડો માનવીઓને પૃથ્વી પર વારસો મેળવવાની તક હશે.—યોહાન ૫:૨૮, ૨૯; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.
કોણ એ વારસો ભોગવશે? ઈસુના શબ્દોને ધ્યાન આપો: “નમ્રજનો આશીર્વાદિત છે, કેમ કે પૃથ્વીનો માથ્થી ૫:૫, IBSI) એક શબ્દકોશ “નમ્ર” માટે વ્યાખ્યા આપે છે કે વિનયી, સાલસ, કોમળ અને દીન હોવું. પરંતુ, નમ્ર માટેના મૂળ ગ્રીક શબ્દનો અર્થ બહુ ઊંડો છે. વીલ્યમ બાર્કલેએ ન્યૂ ટેસ્ટામેન્ટ વર્ડબુક (બાઇબલના એક શબ્દકોશ)માં લખ્યું કે, “નમ્ર લોકો જરાય કમજોર હોતા નથી.” એ બતાવે છે કે નમ્ર લોકોને ઈશ્વર સાથે સારો સંબંધ હોવાથી, કોઈ દુઃખ પહોંચાડે ત્યારે તેઓ રોષે ભરાઈ જતા નથી કે બદલો લેવાનો પણ વિચાર કરતા નથી. પરમેશ્વર સાથે સારો સંબંધ હોવાથી તેઓને જાણે એ સહેવા પુષ્કળ શક્તિ મળે છે.—યશાયાહ ૧૨:૨; ફિલિપી ૪:૧૩.
વારસો તેઓને મળશે.” (નમ્ર વ્યક્તિ પોતાના જીવનની દરેક બાબતમાં પરમેશ્વરના નિયમોને પાળે છે, તે માણસના વિચારો પ્રમાણે ચાલશે નહિ. તે શીખવવા માટે પણ તૈયાર હશે અને તે યહોવાહ પાસેથી શીખવા માટે આતુર હશે. ગીતકર્તા દાઊદે લખ્યું: “નમ્રને તે [યહોવાહ] ન્યાયમાં દોરશે; અને તેને તે પોતાને માર્ગે ચલાવશે.”—ગીતશાસ્ત્ર ૨૫:૯; નીતિવચનો ૩:૫, ૬.
હવે સવાલ એ થાય છે કે શું તમે પૃથ્વીનો વારસો મેળવનારા “નમ્ર” લોકોમાં હશો? એ માટે ખૂબ જરૂરી છે કે તમે યહોવાહ અને તેમના હેતુઓ વિષે બાઇબલમાંથી જાણો. એટલું જ પૂરતું નથી. તમે જે કંઈ શીખો એને જીવનમાં લાગુ પાડો. એમ કરશો તો, તમે પણ સુંદર પૃથ્વી પર વારસો મેળવશો, એમાં હંમેશ માટે સુખ-શાંતિમાં જીવી શકશો.—યોહાન ૧૭:૩.
[પાન ૫ પર ચિત્ર]
યહોવાહે આદમ અને હવાને જે જવાબદારી સોંપી, એમાં પૃથ્વી માટેનો હેતુ જોવા મળે છે
[પાન ૬, ૭ પર ચિત્ર]
સુલેમાનના રાજમાં અપાર સુખ-શાંતિ હતી. એણે ભવિષ્યના વારસાની ઝલક આપી
[ક્રેડીટ લાઈન્સ]
ઘેટાં અને ટેકરીઓ: Pictorial Archive (Near Eastern History) Est.; અરબી હરણ: Hai-Bar, Yotvata, Israel; ખેડૂત ખેડે છે: Garo Nalbandian
[પાન ૭ પર ચિત્ર]
નવી દુનિયા ચોક્કસ આવશે —શું તમે એમાં હશો?