સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરભક્તિ સાચું સુખ આપે છે

ઈશ્વરભક્તિ સાચું સુખ આપે છે

ઈશ્વરભક્તિ સાચું સુખ આપે છે

“પૈસા પર પ્રેમ કરનારને પોતાની પાસે હવે પૂરતા પૈસા છે તેવું કદી લાગશે નહિ. દ્રવ્ય પર પ્રેમ કરનાર પોતાની આવકથી કદી સંતોષ પામશે નહિ.”—ઉપદેશક ૫:૧૦, IBSI.

આજે ઘણા લોકો પૈસો કમાવા રાત-દિન એક કરી નાખે છે. પણ જરા એના પરિણામોનો વિચાર કરો. એનાથી ઘણા સ્ટ્રેસનો ભોગ બને છે અને ઘણી બીમારીઓને નોતરું આપે છે. એમાં ઘણા પોતાનો જીવ પણ ગુમાવી દે છે. ઘણા દેશોમાં લોકો પૈસો કમાવાની લ્હાયમાં જીવનસાથીને પણ ભૂલી જાય છે. છૂટાછેડા થાય છે અને પરિવારો તૂટી જાય છે. લોકોને પોતાની પાસે જે છે એનાથી જરાય સંતોષ નથી. તેઓ કોઈ પણ કિંમતે વધારે સુખ-સગવડ મેળવવા ચાહે છે. એક પુસ્તક આમ કહે છે કે, “આજે તો બરાબરીના દેખાવાની જાણે ફેશન થઈ પડી છે. પડોશી જેવી જ નવી નવી વસ્તુઓ વસાવવા લોકો કાળી મજૂરી કરતા અચકાતા નથી. પછી ભલેને તેઓની તબિયત બગડે.”

વધુને વધુ મેળવવાની લાલચમાં વ્યક્તિ લોભી બની શકે છે. એનાથી તે જીવનનો ખરો આનંદ પણ માણી શકતી નથી. વધુને વધુ વસાવવાની આપણી આ નબળાઈનો મિડીયા બરાબરનો લાભ ઉઠાવે છે! કઈ રીતે? જાહેરાતોનો મારો ચલાવીને. આજે ટીવી પર આવતી એક પછી એક જાહેરાતો જરૂર ન હોય એવી વસ્તુઓ પણ લેવા લલચાવે છે. અમુક વસ્તુઓ તો આપણને પોસાય પણ નહિ. તોપણ ઘણા આગળ-પાછળનું જોયા વગર દેવું કરીને એવી વસ્તુઓ વસાવે છે!

ધન-દોલતનો અતિ મોહ સહેલાઈથી પારખી શકાતો નથી. પણ એ આપણને પાયમાલ કરી શકે છે. એની આપણા આરોગ્ય પર માઠી અસર પડે છે. નૈતિક રીતે પણ આપણને તોડી નાખે છે. દાખલા તરીકે, શાણા રાજા સુલેમાને કહ્યું: “મનની શાંતિ માણસનું આયુષ્ય વધારે છે.” (નીતિવચનો ૧૪:૩૦, IBSI) પણ કાળી મહેનત કરવાથી, ચિંતાથી, અને ધન-સંપત્તિ ભેગી કરવાના દબાણથી આપણી તબિયત પર ખરાબ અસર પડી શકે. માલમિલકત જ જીવનમાં મુખ્ય હશે તો, સગાં અને મિત્રો સાથેનો સંબંધ પણ બગડી શકે. એનાથી આપણી ખુશી પણ છીનવાઈ જશે.

પરમેશ્વરનું માર્ગદર્શન બધાથી ચઢિયાતું

સદીઓ પહેલાં પ્રેષિત પાઊલે સલાહ આપી હતી: “આ જગતનું રૂપ તમે ન ધરો.” (રૂમી ૧૨:૨) જગતની વસ્તુઓનો મોહ રાખે છે, તેઓ પર જગત પણ પ્રેમ રાખે છે. (યોહાન ૧૫:૧૯) આ દુનિયા આપણને લલચાવીને જીવનમાં સુખ-સગવડો પાછળ પડવા ઉશ્કેરે છે. એ “આંખોની લાલસા” પર વધારે ભાર મૂકે છે કે તમને જે ગમે એ લઈને જ જંપો.—૧ યોહાન ૨:૧૫-૧૭.

જીવનમાં પૈસા, ખ્યાતિ અને માલ-મિલકત જ સર્વસ્વ નથી. સદીઓ પહેલાં થઈ ગયેલા સુલેમાન રાજાનો વિચાર કરો. તેમને કશાની ખોટ ન હતી. દુનિયાની દરેક વસ્તુ તેમની પાસે હતી. તેમણે અનેક મહેલો બંધાવ્યા. તેમની પાસે બગીચા, ફળ-ઝાડની વાડીઓ, નોકર-ચાકર, ઢોરઢાંક, ગવૈયાઓ અને સોનું-ચાંદી પણ પુષ્કળ હતા. સુલેમાન જેટલી ખ્યાતિ અને સંપત્તિ પહેલાં કોઈએ મેળવી ન હતી. તોપણ, તેમણે કહ્યું: “એ સઘળું વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું” છે.—સભાશિક્ષક ૨:૧-૧૧.

યહોવાહની કૃપાથી સુલેમાન પાસે અજોડ ડહાપણ હતું. એનાથી તે જોઈ શક્યા કે પરમેશ્વરની સેવામાં કરવાણી જ ખરો સંતોષ મળે છે. એટલે જ તેમણે લખ્યું: “ઈશ્વરનો ભય રાખ અને તેમની આજ્ઞાઓ પાળ, માણસની મુખ્ય ફરજ એ જ છે.”—ઉપદેશક ૧૨:૧૩, IBSI.

બાઇબલમાં જે લખવામાં આવ્યું છે એ સોના-ચાંદી કરતાં ક્યાંય મૂલ્યવાન છે. (નીતિવચનો ૧૬:૧૬) એ કીમતી ખજાના જેવું છે. શું એને મેળવવા તમે મહેનત નહિ કરો? (નીતિવચનો ૨:૧-૬) આપણા સરજનહાર આપણને એમ કરવા માટે આજીજી કરે છે. વળી, તે આપણને સત્ય શોધવા મદદ પણ કરશે. કઈ રીતે?

યહોવાહ આપણને હીરા-માણેક જેવું સત્ય બાઇબલ દ્વારા, તેમના પવિત્ર આત્મા દ્વારા અને તેમના સંગઠન મારફતે પૂરું પાડે છે. (ગીતશાસ્ત્ર ૧:૧-૩; યશાયાહ ૪૮:૧૭, ૧૮; માત્થી ૨૪:૪૫-૪૭; ૧ કોરીંથી ૨:૧૦) આપણે આ ખજાનાની તપાસ કરીશું તો, જીવનમાં સૌથી સારી પસંદગી કરી શકીશું, જીવનનો ખરો આનંદ માણી શકીશું. એવી પસંદગી કરવી કંઈ મુશ્કેલ નથી. આપણા સરજનહાર યહોવાહ સારી રીતે જાણે છે કે સુખી થવા આપણે શું કરવાની જરૂર છે.

બાઇબલના સિદ્ધાંતો સૌથી સારા છે

બાઇબલમાં આપેલી સલાહ વ્યવહારુ અને અજોડ છે. એના નૈતિક સિદ્ધાંતો કશાની સાથે સરખાવી ન શકાય. એની સલાહ લાંબા સમયથી વ્યવહારુ અને ઉપયોગી સાબિત થઈ છે. બાઇબલમાં આપેલા દાખલાઓ આપણને મહેનત કરવા, પ્રમાણિક રહેવા, પૈસાનો યોગ્ય ઉપયોગ કરવા અને આળસુ ન બનવાની સલાહ આપે છે.—નીતિવચનો ૬:૬-૮; ૨૦:૨૩; ૩૧:૧૬.

ઈસુએ કહ્યું: “પૃથ્વી પર ધનદોલતનો સંગ્રહ ના કરો, જ્યાં કીડા અને કાટ નાશ કરે છે અને ચોર ચોરી જાય છે, પરંતુ સ્વર્ગમાં ધનદોલતનો સંગ્રહ કરો; ત્યાં કીડા અને કાટ નાશ કરતા નથી અને ચોર ચોરી જતો નથી.”—માત્થી ૬:૧૯, ૨૦, IBSI.

ઈસુએ આ સલાહ ૨૦૦૦ વર્ષ પહેલાં આપી હતી. એ આજે પણ એટલી જ ઉપયોગી છે. તેથી, ધન-સંપત્તિ પાછળ મંડ્યા રહેવાને બદલે આજે આપણે સૌથી સારું જીવન જીવીને લાભ મેળવી શકીએ. કઈ રીતે? પરમેશ્વરની સેવામાં ધન ભેગું કરીને. એ આપણને જીવનમાં સાચું સુખ અને સંતોષ આપશે. આપણે કઈ રીતે પરમેશ્વરની સેવામાં ધન ભેગું કરી શકીએ? બાઇબલ વાંચીને અને એ જે શીખવે છે એને જીવનમાં લાગુ પાડીને.

પરમેશ્વરની ભક્તિમાં મળતા આશીર્વાદો

બાઇબલની સલાહ પ્રમાણે પરમેશ્વરની ભક્તિમાં કરીએ છીએ ત્યારે, આપણને અનેક રીતે લાભ થાય છે. એનાથી આપણું આરોગ્ય સારું રહે છે. બાઇબલના નૈતિક સિદ્ધાંતો, પૃથ્વી ઉપર આવેલા ઑઝોન પડની જેમ આપણને રક્ષણ આપે છે. જેમ ઑઝોનનું પડ સૂર્યના જીવલેણ કિરણોથી આપણું રક્ષણ કરે છે, તેમ નૈતિક સિદ્ધાંતો ધન-સંપત્તિ મેળવવા પાછળ રહેલા ખતરાથી આપણું રક્ષણ કરે છે. પ્રેષિત પાઊલે લખ્યું: “જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે, કે જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડુબાવે છે. કેમ કે દ્રવ્યનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે; એનો લોભ રાખીને કેટલાએક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણાં દુઃખોથી તેઓએ પોતાને વીંધ્યા છે.”—૧ તીમોથી ૬:૯, ૧૦.

ધન-સંપત્તિનો મોહ લોકોને પૈસા, હોદ્દો અને સત્તા મેળવવા લલચાવે છે. એ મેળવવા મોટા ભાગે લોકો છેતરપિંડી અને બેઇમાની કરતા હોય છે. એની લાલચમાં તેઓ પોતાનો કીમતી સમય અને શક્તિ વેડફી નાખે છે. અરે, એનાથી રાતોની ઊંઘ પણ હરામ થઈ જઈ શકે. (સભાશિક્ષક ૫:૧૨) આપણે પરમેશ્વરની ભક્તિમાંથી પણ ફંટાઈ જઈ શકીએ. ઈશ્વરના વહાલા ભક્ત ઈસુ ખ્રિસ્તે કહ્યું: “પોતાની આત્મિક જરુરિયાત જાણનાર લોકોને ધન્ય છે.” (માત્થી ૫:૩, પ્રેમસંદેશ) તે જાણતા હતા કે પરમેશ્વરની ભક્તિમાં ધનવાન બનવાથી કાયમી આશીર્વાદ મળશે. આ દુનિયાની સંપત્તિ તો આજે છે ને કાલે નથી. પણ પરમેશ્વરના આશીર્વાદો તો કાયમ રહેશે.—લુક ૧૨:૧૩-૩૧.

એનાથી શું લાભ થશે?

ગ્રેગ નામનો યુવાન કહે છે: “મારા માબાપ મને એ સમજાવવા પૂરી કોશિશ કરતા કે ઈશ્વરભક્તિમાં કંઈ ફાયદો નથી. એનાથી કશું નહિ મળે. પણ મારે તો પરમેશ્વરની જ ભક્તિ કરવી હતી. એનાથી મને મનની ખરી શાંતિ મળી છે. દુનિયામાં ધન-દોલત મેળવવાની હરીફાઈમાં ઘણા સ્ટ્રેસનો શિકાર બને છે. પણ મને એવી કોઈ ચિંતા નથી.”

જ્યારે આપણે ઈશ્વરના માર્ગમાં ચાલીએ, ત્યારે આપણે એક બીજા સાથે સંપીને રહીશું. સાચા મિત્રો એ જ છે જે તમારી ધનદોલતને લીધે નહિ, પણ તમારા સારા વર્તાવને લીધે તમને ચાહે છે. બાઇબલ સલાહ આપે છે: “તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે.” (નીતિવચનો ૧૩:૨૦) યાદ રાખો, માલમિલકતથી નહિ, પણ પ્યાર અને સમજણથી પરિવારનો નાતો ગાઢ બને છે.—એફેસી ૫:૨૨–૬:૪.

જોકે આ ખરા સિદ્ધાંતો આપણને જન્મથી જ વારસામાં મળતા નથી. એ તો આપણે અનુભવી લોકો પાસેથી કે બાઇબલમાંથી શીખવા જોઈએ. બાઇબલનું શિક્ષણ ધન-દોલત વિષેના આપણા વિચારોને એકદમ બદલી શકે છે. પહેલા બેંકમાં કામ કરતા ડૉન કહે છે: ‘હું તો પૈસા પાછળ પાગલ હતો. પણ પછી બાઇબલમાંથી હું શીખ્યો કે પૈસા જ બધું નથી, એનાથી પણ મહત્ત્વનું કંઈક છે. હવે હું થોડી વસ્તુઓમાં જ સંતોષ માનવાનું શીખ્યો છું.’

ઈશ્વરના આશીર્વાદો સદા રહે છે

ઈશ્વરભક્તિથી આપણને સદાના આશીર્વાદો મળે છે. એમાં જ ખરો સંતોષ છે. પાઊલે લખ્યું: “જે કંઈ [ધનદોલત] જોઈ શકાય છે, તે થોડા સમય પૂરતું જ ટકી રહે છે; પણ જે અદૃશ્ય [ઈશ્વરભક્તિ] છે, તે કાયમ રહે છે.” (૨ કોરીંથી ૪:૧૮, પ્રેમસંદેશ) ખરું કે, એશઆરામની વસ્તુઓ થોડો સમય આપણને સંતોષ આપશે. પરંતુ, જે લોકો એની પાછળ જ પડી ગયા છે તેઓને આગળ જતા કંઈ લાભ થશે નહિ. જ્યારે કે ઈશ્વરભક્તિના આશીર્વાદો સદા રહે છે.—નીતિવચનો ૧૧:૪; ૧ કોરીંથી ૬:૯, ૧૦.

આજે દુનિયા ધન-દોલત પાછળ પાગલ છે ત્યારે, બાઇબલ એની ચોખ્ખા શબ્દોમાં મના કરે છે. એ શીખવે છે કે આપણે કઈ રીતે સાદું જીવન જીવી શકીએ અને ‘સંતોષી નર સદા સુખી’ બની શકીએ. બાઇબલ ઈશ્વરભક્તિમાં ધનવાન થવા પર ભાર મૂકે છે. (ફિલિપી ૧:૧૦) એ ધનદોલતના લોભને મૂર્તિપૂજા સાથે સરખાવે છે. આપણે બાઇબલની સલાહને જીવનમાં લાગી પાડીશું તેમ, વધારે સુખનો અનુભવ કરીશું. પછી, આપણે લેવાને બદલે આપવા વિષે વિચારીશું. સાચે જ, ઈશ્વરભક્તિ વ્યક્તિના વિચારોને બદલી શકે છે!

ખરું કે, અમુક હદ સુધી પૈસા આપણું રક્ષણ કરે છે. (સભાશિક્ષક ૭:૧૨) પરંતુ બાઇબલ કહે છે: “સંપત્તિ તો જાણે તેને પાંખો આવી હોય એમ અદૃશ્ય થઈ જશે.” (નીતિવચનો ૨૩:૫, IBSI) લોકોએ ધનદોલત મેળવવા પોતાના પરિવાર અને તંદુરસ્તીનો પણ ભોગ આપી દીધો છે. તેઓએ પોતાના મનને ભ્રષ્ટ થવા દીધું છે. બીજી બાજુ, ઈશ્વરભક્તિ કરવાની આપણે જીવનની સૌથી અગત્યની જરૂરિયાતને પૂરી કરીએ છીએ. એ શું છે? એ ઈશ્વર માટેનો પ્રેમ અને ભક્તિ છે. એનાથી આપણે તેમને અને તેમના હેતુઓને સારી રીતે જાણી શકીએ છીએ. એમ કરીએ છીએ ત્યારે, બાઇબલ આપણને સુંદર પૃથ્વી પર સદા સુખ-શાંતિમાં જીવવાની આશા આપે છે. હા, એ આશીર્વાદો ખુદ પરમેશ્વર તરફથી આવશે!

હવે જલદી જ પરમેશ્વરની નવી દુનિયામાં મનુષ્યોનું સુખ-શાંતિમાં રહેવાનું સપનું પૂરું થશે. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬) એ સમયે આખી દુનિયા “યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.” (યશાયાહ ૧૧:૯) સર્વ લોકો પરમેશ્વરના જ માર્ગમાં ચાલતા હશે. ધનદોલતનો મોહ અને એની પાછળ રહેલો ખતરો હંમેશ માટે જતા રહેશે. (૨ પીતર ૩:૧૩) પછી એવી બાબતો હશે, જેનાથી આપણે જીવનમાં ખરો સંતોષ માણી શકીશું. જેમ કે કોઈ બીમારી નહિ હોય, મનગમતું કામ હશે, મોજમજા માટે પણ સમય હશે, પરિવારો પ્યારથી બંધાયેલા હશે અને પરમેશ્વર સદા આપણી સાથે હશે. હા, ત્યારે મનુષ્યો હંમેશાં સુખ-શાંતિમાં રહેશે.

[પાન ૬ પર બોક્સ/ચિત્ર]

તમારા પૈસા યોગ્ય રીતે વાપરો!

તમારી જરૂરિયાતો પારખો. ઈસુએ આપણને પ્રાર્થના કરતા શીખવ્યું: “દિવસની અમારી રોટલી રોજ રોજ અમને આપ.” (લુક ૧૧:૩) આજે આપણને ગમતી ઘણી વસ્તુઓ ખરેખર જરૂરી હોતી નથી. યાદ રાખો કે ધનદોલત તમને જીવન આપી શકતી નથી.—લુક ૧૨:૧૬-૨૧.

બજેટ બનાવો. પ્લાન કર્યા વિના ચીજ-વસ્તુઓ ખરીદવા ન માંડો. બાઇબલ જણાવે છે: “ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે; પણ દરેક ઉતાવળિયો કેવળ નિર્ધન થાય છે.” (નીતિવચનો ૨૧:૫) ઈસુએ સલાહ આપી કે કંઈ પણ કામ કરતા પહેલાં એમાં કેટલો ખર્ચ થશે એ ગણી લો.—લુક ૧૪:૨૮-૩૦.

બિનજરૂરી કરજ ટાળો. શક્ય હોય ત્યાં સુધી ઉધાર ખરીદી ન કરો, પણ પૈસાની બચત કરો. નીતિવચનો કહે છે, “દેણદાર લેણદારનો દાસ છે.” (નીતિવચનો ૨૨:૭) પોતાના પર કાબૂ રાખીને બજેટમાં જ ખરીદી કરો. એનાથી તમે મોટી મોટી ખરીદીનો પણ સફળતાથી પ્લાન કરી શકશો.

બગાડ ન કરો. તમારી પાસે જે કંઈ હોય એની સારી કાળજી રાખો. એનાથી એ લાંબો સમય ચાલશે અને વસ્તુ જલદી નકામી નહિ બને. ઈસુએ પોતે બગાડ ન કરવા વિષે સારું ઉદાહરણ બેસાડ્યું હતું.—યોહાન ૬:૧૦-૧૩.

સમયનો સદુપયોગ કરો. શાણી વ્યક્તિ મહત્ત્વના ધ્યેય પાછળ “સમયનો સદુપયોગ” કરશે.—એફેસી ૫:૧૫, ૧૬.

[પાન ૭ પર બોક્સ/ચિત્ર]

શું આપણે અનુભવથી જ ઘડાઈએ છીએ?

ઘણા માને છે કે જીવનમાં સારા ને ખરાબ અનુભવો માણસને ઘડે છે. એ ખરું છે, પણ શું એનો મતલબ એમ થાય કે અનુભવ જ આપણને જીવનમાં સૌથી સારું શીખવે છે? ના. એનાથી પણ ચઢિયાતું માર્ગદર્શન છે. એ વિષે એક કવિએ કહ્યું: “મારા પગોને સારૂં તારૂં વચન દીવારૂપ છે; તે મારા માર્ગને સારૂ અજવાળારૂપ છે.”—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫.

હા, એ ઈશ્વરનું માર્ગદર્શન છે. અનુભવથી શીખવા કરતાં ઈશ્વરના વચનમાંથી શીખવું કેમ સૌથી સારું છે? એનું એક કારણ એ છે કે, ખાલી અનુભવથી જ શીખવું મોંઘું પડી શકે. એમાં ઘણી ભૂલો થઈ શકે અને એ ઘણાં દુઃખો લાવી શકે. વળી, ફક્ત અનુભવથી જ શીખવું જરૂરી નથી. જેમ કે, પરમેશ્વરે પ્રાચીન સમયના ઈસ્રાએલીઓને કહ્યું હતું: “જો તેં મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારૂં! ત્યારે તો તારી શાંતિ નદીના જેવી, ને તારૂં ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું થાત.”—યશાયાહ ૪૮:૧૮.

બાઇબલમાં આપણને સૌથી સારી સલાહ મળે છે, કેમ કે, એમાં માણસજાતના સૌથી જૂના અનુભવો આપેલા છે. એ ખૂબ ચોકસાઈભરેલા છે. એ અનુભવોથી તમે જોઈ શકશો કે કઈ રીતે લોકો જીવનમાં સફળ થયા કે નિષ્ફળ ગયા. તેઓના અનુભવો વાંચીને શીખવામાં આપણને કંઈ નુકસાન નથી. જ્યારે જાતે અનુભવ કરવાથી આપણે પોતે ઘણું સહન કરવું પડી શકે. (૧ કોરીંથી ૧૦:૬-૧૧) બાઇબલની ખાસ વાત એ છે કે એમાં પરમેશ્વરે આપેલા નિયમો અને સિદ્ધાંતોમાં પૂરો ભરોસો મૂકી શકાય છે. ‘યહોવાહનો નિયમ સંપૂર્ણ છે. યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે.’ (ગીતશાસ્ત્ર ૧૯:૭) હા, આપણા સરજનહાર પાસેથી શીખવા જેવું ઉત્તમ બીજું કંઈ નથી.

[પાન ૪ પર ચિત્રો]

આ દુનિયા ચાહે છે કે તમે એશઆરામનું જીવન જીવો

[પાન ૫ પર ચિત્ર]

બાઇબલમાં સોના-ચાંદી કરતાં પણ કીમતી ખજાનો મળે છે