વાચકો તરફથી પ્રશ્નો
વાચકો તરફથી પ્રશ્નો
ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “કંઈ પાછું મેળવવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો.” શું તેમના કહેવાનો અર્થ એમ હતો કે તેઓએ આપેલા પૈસાને પણ પાછા ન માગવા જોઈએ?
લુક ૬:૩૫માં (પ્રેમસંદેશ) નોંધેલા ઈસુના આ શબ્દોને સમજવા મુસાનો નિયમ મદદ કરે છે. આ નિયમમાં પરમેશ્વરે ઈસ્રાએલીઓને આજ્ઞા આપી હતી કે જરૂરિયાતમાં આવી પડેલા સાથી ઈસ્રાએલીને વ્યાજ લીધા વગર નાણાં આપવા. (નિર્ગમન ૨૨:૨૫; લેવીય ૨૫:૩૫-૩૭; માત્થી ૫:૪૨) પણ એ કંઈ વેપાર માટે આપવાના ન હતા. એ તો વ્યાજ લીધા વગર જરૂરિયાતમાં આવી પડેલા ભાઈને મદદ કરવા આપવાના હતા. પૈસાની તાણ અનુભવતા પડોશીને વ્યાજે નાણાં આપવા બિલકુલ યોગ્ય ન હતું. પરંતુ, એનો અર્થ એમ નથી કે પૈસા આપનાર પોતાની મુદ્દલ મૂડી એટલે પોતે આપેલા પૈસા પણ માંગી ન શકે. અમુક સમયે કોઈ વસ્તુ ગીરવે લઈને પણ પૈસા આપવામાં આવતા.—નિર્ગમન ૨૨:૨૬.
જોકે મુસાના નિયમને ધ્યાનમાં રાખીને ઈસુએ એના પર થોડો વધારે પ્રકાશ ફેંક્યો. તેમણે કહ્યું કે ઉછીના પૈસા આપનારે “કંઈ પાછું મેળવવાની” આશા ન રાખવી. ઈસ્રાએલીઓની જેમ, આજે પણ કેટલાક ભાઈબહેનો ‘ત્રણ સાંધે ત્યાં તેર તૂટે’ જેવી પરિસ્થિતિમાં આવી પડે છે. એવા ભાઈઓને મદદ કરવી એ સાચો પ્રેમ છે. પ્રેમ ખરાબ પરિસ્થિતિમાં આવી પડેલા સાથી ભાઈને મદદ કરવા પ્રેરે છે. (નીતિવચનો ૩:૨૭) આપણે જરૂરિયાતમાં આવી પડેલા ભાઈને ગમે એટલા પૈસાની ભેટ પણ આપી શકીએ.—ગીતશાસ્ત્ર ૩૭:૨૧.
પહેલી સદીમાં યહુદાહના ભાઈઓ દુકાળને લીધે તંગીમાં આવી પડ્યા હતા. તેથી એશિયા માઈનોરના ભાઈઓએ તેઓને મદદ કરવા, પ્રેષિત પાઊલ અને બાર્નાબાસને દાન સાથે મોકલ્યા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૮-૩૦) એવી જ રીતે, આજે કોઈ આફત આવી પડે છે ત્યારે, ખ્રિસ્તીઓ પોતાના ભાઈઓને મદદ કરવા ભેટ મોકલે છે. આમ, તેઓ બીજાઓને સારી સાક્ષી આપે છે. (માત્થી ૫:૧૬) જોકે એનો અર્થ એમ નથી કે આપણે પ્રેમમાં આંધળા બની જઈએ. પરંતુ, જે ભાઈને જરૂર હોય તેમનું વલણ અને પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવા જોઈએ. વિચારો કે, શા માટે તેમને પૈસાની જરૂર છે? વળી, પ્રેષિત પાઊલના શબ્દોને પણ ધ્યાન પર લેવા જોઈએ. “જો કોઈ માણસ કામ ન કરે, તો તેને ખવડાવવું પણ નહિ.”—૨ થેસ્સાલોનીકી ૩:૧૦.
ઉછીના પૈસા માંગતા ભાઈ એટલી તંગીમાં ન પણ હોય. પણ જો તેમને થોડા સમય માટે પૈસાની જરૂર હોય તો, વ્યાજ લીધા વગર ઉછીના પૈસા આપી શકાય. આવા સંજોગોમાં બધા પૈસા પાછા મળશે એવી આશાથી આપણે ઉછીના આપીએ એમાં કંઈ ખોટું નથી. એ કંઈ લુક ૬:૩૫ના ઈસુના શબ્દોની વિરુદ્ધમાં નથી. આપણે ઉછીના પૈસા આપીએ ત્યારે લેખિતમાં કરાર કરવો જોઈએ. આપણે ઉછીના પૈસા લઈએ તોપણ, પોતે આપેલા વચન પ્રમાણે એ પાછા આપી દેવા જોઈએ. ખ્રિસ્તી પ્રેમથી પ્રેરાઈને આપણે ઉછીના પૈસા આપીએ છીએ. એ જ રીતે, ઉછીના પૈસા લઈએ ત્યારે પણ પ્રેમથી પ્રેરાઈને એ પાછા આપી દેવા જોઈએ.
આપણે પૈસાની ભેટ કે એ ઉછીના આપતા પહેલાં, પોતાના કુટુંબની પરિસ્થિતિ જોવી જોઈએ. ‘ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો’ એમ ન કરવું જોઈએ. એમ કરવાથી આપણે પરમેશ્વરે આપેલી જવાબદારીને બરાબર સંભાળતા નથી. (૨ કોરીંથી ૮:૧૨; ૧ તીમોથી ૫:૮) આપણે એકબીજાને પ્રેમ બતાવવાની તક ઝડપી લેવી જોઈએ. એમ કરીને આપણે બાઇબલ સિદ્ધાંતના સુમેળમાં જીવીએ છીએ.—યાકૂબ ૧:૨૭; ૧ યોહાન ૩:૧૮; ૪:૭-૧૧.