સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે તમારાં માબાપનું સાંભળો છો?

શું તમે તમારાં માબાપનું સાંભળો છો?

શું તમે તમારાં માબાપનું સાંભળો છો?

વહાણના કૅપ્ટન માટે સૌથી અઘરું કામ કયું હોય શકે? વહાણને વિશાળ દરિયામાંથી સહીસલામત લઈ જવું? જોકે, એ તેમના માટે એટલું મહત્ત્વનું નથી. સામાન્ય રીતે વહાણ દરિયામાં નહિ પરંતુ કિનારા પાસે અથડાતું હોય છે. વહાણને કિનારે લાંગરવું એ તો વિમાનના ઉતરાણ કરતાં પણ વધારે જોખમકારક છે. શા માટે?

વહાણને સલામત રીતે કિનારે લાંગરતા પહેલાં, કૅપ્ટને બંદરે હોય એવા કોઈ પણ જોખમને ટાળવાના હોય છે. જેમ કે, વહાણ બીજા કોઈ વહાણ સાથે ટકરાય ન જાય. પાણીમાં રહેલી પોચી રેતીમાં વહાણ ખૂંપી ન જાય, એનું પણ તેણે ધ્યાન રાખવાનું હોય છે. મોટા મોટા પથ્થરો કે ભાંગી પડેલાં વહાણોથી પણ પોતાના વહાણને બચાવવાનું હોય છે. એમાંય પહેલી વાર વહાણ લાંગરનાર કૅપ્ટન માટે તો આ સૌથી મુશ્કેલ છે.

આ બધા જોખમો ટાળવા માટે કૅપ્ટને બંદરથી સારી રીતે જાણકાર થવું પડે. વહાણની કેબિનમાં કૅપ્ટનની બાજુમાં પાઇલટ હોય છે, જે આ બાબતોથી સારી રીતે જાણકાર હોય છે. તે યોગ્ય માર્ગદર્શન આપે છે. બંને ભેગા મળીને સામે રહેલાં જોખમોને ધ્યાન પર લઈને વહાણને સાંકડા રસ્તામાંથી પણ બંદરે લઈ જાય છે.

અનુભવી પાઇલટની મદદ ખરેખર અમૂલ્ય હોય છે. એવી જ રીતે, આ જિંદગીની સફરે નીકળી પડેલા યુવાનો માટે પણ પોતાના જીવનની મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે મદદ પ્રાપ્ય છે. આ મદદ કઈ છે? શા માટે યુવાનોને એની જરૂર છે?

આ સમજવા ચાલો આપણે વહાણનું જ ઉદાહરણ લઈએ. જો તમે યુવાન હોવ તો, તમે વહાણના કૅપ્ટન જેવા છો. તમે તમારી જવાબદારી ઉપાડી લો છો. તમારાં માબાપ વહાણના પાઇલટ જેવા છે. પાઇલટની જેમ તેઓ તમને તમારા જીવનની સૌથી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા મદદ કરશે. જોકે, યુવાનીનાં વર્ષોમાં તમારાં માબાપ તમને જે સલાહ આપે, એ પ્રમાણે કરવું અઘરું લાગી શકે. શા માટે?

આપણું હૃદય ખોટું જ કરવા માટે તલપાપડ થતું હોય છે. બાઇબલ કહે છે: “માણસના મનની કલ્પના તેના બાળપણથી ભૂંડી છે.” (ઉત્પત્તિ ૮:૨૧) પણ યહોવાહ તમને સલાહ આપે છે કે તમારી સામે ઘણી કસોટીઓ રહેલી છે. તે એ પણ કહે છે: “હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે.” (યિર્મેયાહ ૧૭:૯) ખોટી ઇચ્છાઓને મનમાં પાંગરવાથી તમારું હૃદય તમને ગેરમાર્ગે દોરી શકે. અરે, તમે એવું પણ વિચારવા લાગો કે ‘હું જે કંઈ કરું એ જ સાચું છે, મારા માબાપ તો જૂનવાણી છે.’ પણ યાદ રાખો, યુવાનીનાં વર્ષો લપસણાં હોય છે. એ સમયે તમારાં માબાપની સલાહને ધ્યાન પર લેવી ઘણું જ અગત્યનું છે.

શા માટે માબાપનું સાંભળવું જોઈએ?

કુટુંબની ગોઠવણ કરનાર પરમેશ્વર યહોવાહ કહે છે કે આપણે માબાપનું સાંભળવું જોઈએ. (એફેસી ૩:૧૫) પરમેશ્વરે તમારા માબાપને તમારી કાળજી રાખવાની જવાબદારી સોંપી છે. આથી તે તમને આ સલાહ આપે છે: “છોકરાં, પ્રભુમાં તમારાં માબાપની આજ્ઞાઓ માનો; કેમ કે એ યથાયોગ્ય છે.” (એફેસી ૬:૧-૩; ગીતશાસ્ત્ર ૭૮:૫) તમે અત્યારે યુવાન હોય શકો, પરંતુ તમને માર્ગદર્શન આપવાની જવાબદારી તમારા માબાપની છે. વળી, તેમની આજ્ઞા પાળવી એ તમારી ફરજ છે. પ્રેષિત પાઊલે પણ લખ્યું કે બાળકોએ માબાપની આજ્ઞા પાળવી જોઈએ. તેમણે જે મૂળ ગ્રીક શબ્દનો ઉપયોગ કર્યો એ કોઈ પણ ઉંમરના બાળકોને લાગુ પડી શકે છે. દાખલા તરીકે, માત્થી ૨૩:૩૭માં જણાવ્યા પ્રમાણે, ઈસુએ યરૂશાલેમના રહેવાસીઓનો “છોકરાં” તરીકે ઉલ્લેખ કર્યો જેમાં મોટા ભાગે પુખ્ત લોકો હતા.

પહેલાના જમાનામાં ઘણા ઈશ્વર ભક્તો મોટા થયા પછી પણ પોતાનાં માબાપનું સાંભળતા હતા. યાકૂબનો દાખલો લો. તે જાણતા હતા કે તેમણે પોતાના માબાપની આજ્ઞા માનવી જોઈએ. આથી જ તેમણે યહોવાહની સેવા ન કરતી સ્ત્રી સાથે લગ્‍ન કર્યા નહિ. (ઉત્પત્તિ ૨૮:૧, ૨) યાકૂબે એ પણ ધ્યાન પર લીધું કે તેમના ભાઈ એસાવે કનાની સ્ત્રીઓ સાથે લગ્‍ન કર્યાં, એના લીધે તેમના માબાપને કેટલું દુઃખ સહન કરવું પડ્યું.—ઉત્પત્તિ ૨૭:૪૬.

પરમેશ્વરે તમારાં માબાપને તમને માર્ગદર્શન આપવાની જવાબદારી આપી જ છે. એ ઉપરાંત, તેઓ તમને સલાહ આપવા માટે પણ વધારે લાયક છે. એનું મુખ્ય કારણ એ છે કે તેઓ તમને સારી રીતે જાણે છે. તેઓએ આટલાં વર્ષો સુધી તમારા માટે પ્રેમ બતાવ્યો છે. વહાણના પાઇલટની જેમ, તમારાં માબાપ પણ અનુભવી છે. તેઓએ પોતે ‘જુવાનીના વિષયોનો’ સામનો કર્યો છે. સાચા ખ્રિસ્તીઓ તરીકે, તેઓએ બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે ચાલવાથી થતા ફાયદા અનુભવ્યા છે.—૨ તીમોથી ૨:૨૨.

આવી અનુભવી વ્યક્તિ પાસેથી મદદ લેવાથી તમે ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિનો સારી રીતે સામનો કરી શકો છો. દાખલા તરીકે, વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથે તમારા સંબંધનો વિચાર કરો. તમારી આ વ્યક્તિગત બાબતમાં ખ્રિસ્તી માબાપ તમને કઈ રીતે મદદ કરી શકે?

વિરુદ્ધ જાતિ પ્રત્યેનું આકર્ષણ

પાઇલટ વહાણના કૅપ્ટનને સૅન્ડબેન્ક એટલે કે દરિયામાં ભેગા થતા રેતીના ટેકરાથી દૂર રહેવાની સલાહ આપે છે. સૅન્ડબેન્ક પોચું પરંતુ ખતરનાક હોય છે, કેમ કે એ સતત પોતાનું સ્થાન બદલતા રહે છે. એવી જ રીતે, તમારા માબાપ પણ તમને તમારી લાગણીઓ ન ઘવાય એવી પરિસ્થિતિથી દૂર રહેવાની સલાહ આપે છે. દાખલા તરીકે, માબાપ જાણે છે કે વિરુદ્ધ જાતિ પ્રત્યેનું આકર્ષણ એટલું બધું હોય છે કે એનું વર્ણન કરી શકાય એમ નથી. પરંતુ, એક વખત આવી લાગણીઓ પેદા થયા પછી એને કાબૂમાં રાખવી બહુ મુશ્કેલ બની જાય છે.

દીનાહના ઉદાહરણમાં આપણને એ જોખમ વિષે શીખવા મળે છે. તે બહુ જિજ્ઞાસુ અને મોજમઝા માણવા ઇચ્છતી હતી. આથી જ, તેણે કનાની છોકરીઓને બહેનપણી બનાવી કે જેઓ છૂટછાટવાળું જીવન જીવતી હતી. શરૂઆતમાં તો તેને મઝા આવી હશે, પરંતુ જલદી જ તેને ખરાબ પરિણામ ભોગવવું પડ્યું, કેમ કે શહેરના ‘સર્વ કરતાં માનીતા’ માણસે તેના પર બળાત્કાર કર્યો.—ઉત્પત્તિ ૩૪:૧, ૨, ૧૯.

આજની દુનિયામાં પણ લોકો સૅક્સ પાછળ ગાંડા બની ગયા છે. (હોશીઆ ૫:૪) મોટા ભાગના યુવાનો એવી છાપ ઊભી કરી શકે કે વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથે મોજમઝા કરવી એ બહુ જ રોમાંચક છે. મનગમતી વ્યક્તિ સાથે એકાંતમાં સમય પસાર કરવાના વિચાર માત્રથી તમારું હૃદય જોર જોરથી ધડકવા લાગી શકે. પરંતુ, તમારા પ્રેમાળ માબાપ યહોવાહના ધોરણો પ્રમાણે નહિ ચાલનાર યુવાનોની સંગતથી તમારું રક્ષણ કરશે.

લોરા કબૂલે છે કે જિજ્ઞાસા યુવાનોને આંધળા બનાવી શકે. તે કહે છે: “મારા ક્લાસની છોકરીઓ, પોતે આખી રાત મનગમતા છોકરા સાથે કેવી મોજમઝા કરી એનું વર્ણન કરવા બેસી જતી. તેઓ એને યાદગાર અને રોમાંચક સમય તરીકે જણાવતી. જોકે, હું જાણતી હતી કે તેઓ મીઠું-મરચું ભભરાવીને કહી રહી છે. તેમ છતાં, મને હંમેશાં જિજ્ઞાસા થતી કે હું તો મારા જીવનમાં કંઈ મોજમઝા કરવાથી બાકી રહી ગઈ નથી ને? જોકે, હું જાણતી હતી કે મારા માબાપ મને આવી જગ્યાઓએ નહિ જવા દઈને સારું જ કરી રહ્યા છે. છતાં, મને હજુ પણ ત્યાં જવાનું મન થઈ જાય છે.”

વહાણને બ્રેક હોતી નથી આથી એને અટકતા થોડો સમય લાગે છે. માબાપ જાણે છે કે આવી લાલસાની બાબતમાં પણ એવું જ છે. પોતાની લાગણીના પ્રવાહમાં તણાઈ જનાર વ્યક્તિનું બાઇબલ, બળદને કસાઈવાડે લઈ જવામાં આવતો હોય એ રીતે વર્ણન કરે છે. (નીતિવચનો ૭:૨૧-૨૩) તમે એવું ઇચ્છશો નહિ કે તમે લાગણીમય રીતે તૂટી પડો કે તમારું આત્મિક વહાણ ભાંગી જાય. તમારા માબાપને ખબર પડે કે તમારા હૃદયે આવા જોખમી વિસ્તારમાં ધક ધક કરવાનું શરૂ કરી દીધું છે તો, તેઓ એ પ્રમાણેની સલાહ આપી શકે. શું તમે તેઓની સલાહ માનશો કે પછી પોતાના પગ પર કુહાડી મારશો?—નીતિવચનો ૧:૮; ૨૭:૧૨.

મિત્રો તરફથી આવતા દબાણનો સામનો કરતા હોવ ત્યારે પણ તમને તમારા માબાપની મદદની જરૂર છે. તેઓ કઈ રીતે મદદ કરી શકે?

તમારા મિત્રોનું દબાણ

જોરથી આવતા પાણીના મોજાં વહાણને બીજી બાજુ ધકેલી શકે છે. આવા મોજાંનો સામનો કરવા માટે, વહાણને બીજી દિશામાં લઈ જવું જોઈએ. એવી જ રીતે, તમારા મિત્રો તમને પરમેશ્વરના માર્ગમાંથી બીજી બાજુ ધકેલે ત્યારે, તમે યોગ્ય પગલાં લો.

દીનાહનો અનુભવ બતાવે છે કે, “જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” (નીતિવચનો ૧૩:૨૦) બાઇબલ એવી વ્યક્તિને “મૂર્ખ” કહે છે, જે પરમેશ્વરને જાણતી નથી અથવા તો તેમના માર્ગમાં ચાલવાનું પસંદ કરતી નથી.

તેમ છતાં, તમારી સ્કૂલના મિત્રો જેવું વલણ ટાળવું કંઈ સહેલું નથી. મારિયા હોસે સમજાવે છે: “હું બીજા યુવાનો સાથે ભળી જવા માંગતો હતો. હું બીજાઓથી અલગ પડવા ચાહતો ન હતો. આથી હું જેમ બને તેમ તેમના જેવું જ કરવાની કોશિશ કરતો.” તમને પણ મિત્રોના રંગે રંગાઈ જઈ શકો. તમારા મનોરંજન, પહેરવેશ અને વાણીમાં એ જોવા મળતું હોય શકે. તમને તમારી જ ઉંમરના યુવાનો સાથે દોસ્તી કરવાનું વધારે યોગ્ય લાગતું હોય શકે. પરંતુ, એનાથી તમને જ નુકશાન થઈ શકે.—નીતિવચનો ૧:૧૦-૧૬.

કૅરોલીન થોડાં વર્ષો પહેલાં સામનો કરેલી મુશ્કેલી વિષે જણાવતા કહે છે: “હું તેર વર્ષની હતી ત્યારે, મારી મોટા ભાગની બધી બહેનપણીઓના બોયફ્રેન્ડ હતા. ઘણાં વર્ષો સુધી મને પણ બોયફ્રેન્ડ શોધવા તેઓ સતત દબાણ કરતી. પણ મારી મમ્મીએ મને આ મુશ્કેલ સમયમાં ખરી મદદ કરી. તે કલાકો બેસીને મારું સાંભળતી. મને સમજાવતી. તેણે મને એ પણ જણાવ્યું કે આવા સંબંધો માટે હું બહુ નાની છું. આથી, મારે રાહ જોવી જોઈએ.”

કૅરોલીનની મમ્મીની જેમ, તમારા માબાપ પણ તમને મિત્રોના દબાણમાં ન આવવાનું કહેતા હોય શકે; તેઓની અમુક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા પણ રોકતા હશે. એ તેમની જવાબદારી છે. નેથાન યાદ કરતા કહે છે કે તેણે આવા વિષયો પર તેના માબાપ સાથે ઘણી વાર દલીલ કરી. તે સમજાવે છે: “મારા મિત્રો મને હંમેશાં તેમની સાથે આવવાનું કહેતા. પણ મારા માબાપ મને મોટા ગ્રૂપમાં કે કોઈ દેખરેખ રાખનારું ન હોય એવી પાર્ટીઓમાં જવા દેતા નહિ. એવા સમયે, મને હંમેશાં થતું કે મારા જ માબાપ કેમ આવા છે.”

પરંતુ, પછીથી નેથાન આ બાબત સમજી શક્યો. તે કહે છે: “હું જાણું છું કે મારા કિસ્સામાં ‘મૂર્ખાઈ મારા હૃદય સાથે જોડાયેલી હતી.’ આપણે ગ્રૂપમાં હોઈએ ત્યારે આવી મૂર્ખાઈ સહેલાયથી જોવા મળે છે. એક દોસ્ત ખરાબ બાબત શરૂ કરશે, બીજો એનાથી થોડો આગળ વધે છે, અને ત્રીજો તો વળી બધાને જ ટપી જઈને એવી પરિસ્થિતિ બનાવી દે છે કે એને હલ કરવી મુશ્કેલ બની જાય છે. થોડી જ વારમાં બીજા બધાને તેમની સાથે જોડાવાનું દબાણ થાય છે. યહોવાહના યુવાન સેવકો પણ આ ફાંદામાં ફસાય શકે.”—નીતિવચનો ૨૨:૧૫.

નેથાન અને મારિયા હોસેને તેમના માબાપે મિત્રો સાથે નહિ જોડાવાનું કહ્યું ત્યારે, એ સમયે તો તેઓને યોગ્ય ન લાગ્યું. તેમ છતાં, તેઓએ પોતાની ઇચ્છાઓને કાબૂમાં રાખી. તેઓએ તેમની વાત સાંભળી, એના લીધે તેઓને પછી ઘણી ખુશી થઈ. એક નીતિવચન કહે છે: “તારો કાન ધરીને જ્ઞાનીનાં વચનો સાંભળ, મારા જ્ઞાન પર તારૂં અંતઃકરણ લગાડ.”—નીતિવચનો ૨૨:૧૭.

માન આપવાને યોગ્ય

એક બાજુ ઢળેલા વહાણને લાંગરવું બહુ અઘરું હોય છે. જો એ વધારે પડતું એક તરફ ઢળેલું હોય તો એ સહેલાયથી ઊંધું વળી શકે છે. એવી જ રીતે, અપૂર્ણ હોવાને લીધે આપણે સર્વ સ્વાર્થી વલણ તેમ જ ન કરવાનું હોય એ જ કરવા તરફ ઢળેલા છીએ. તોપણ, યુવાનો માબાપનું સાંભળે તો તેઓ જીવનમાં સફળ થઈ શકે છે.

દાખલા તરીકે, ઘણા લોકો એવું વિચારતા હોય છે કે જીવન તરફ દોરી જતા સાંકડા અને વિનાશમાં લઈ જતા પહોળા માર્ગ વચ્ચે પણ એક માર્ગ છે. પરંતુ, તમારા માબાપ તમને આવી માન્યતાથી દૂર રહેવા મદદ કરે છે. (માત્થી ૭:૧૩, ૧૪) એમ વિચારવું પણ યોગ્ય નથી કે ‘હું થોડાક અંશે પરમેશ્વરનો નિયમ તોડી શકું છું. હું તો ફક્ત એનો ટેસ્ટ જ કરીશ.’ જેઓ આવી રીતે દૂધ અને દહીં બંનેમાં પગ રાખે છે તેઓ ‘બે મત વચ્ચે ઢચુપચુ રહે’ છે. તેઓ અમુક હદ સુધી જ યહોવાહની સેવા કરવા ચાહે છે. એ સાથે જગત અને જગતની બાબતોને પણ પ્રેમ કરતા હોય છે. આવી બાબતો સહેલાઈથી આપણી આત્મિકતાને ઉથલાવી શકે છે. (૧ રાજાઓ ૧૮:૨૧; ૧ યોહાન ૨:૧૫) એ આપણને સહેલાઈથી આત્મિક રીતે ફંટાવી નાખી શકે, કારણ કે આપણે અપૂર્ણ છીએ.

જો આપણે પોતાની ઇચ્છાઓને જ પોષતા રહીશું તો એમાં વધારે ફસાતા જઈશું. આપણા ‘કપટી હૃદયને’ પાપના એક સ્વાદથી જ સંતોષ થતો નથી. (યિર્મેયાહ ૧૭:૯) એક વાર આપણે ધીમે ધીમે ઈશ્વરથી દૂર થતા જઈશું તેમ, જગતનું દબાણ આપણા પર વધતું ને વધતું જશે. (હેબ્રી ૨:૧) તમને તો ખબર પણ નહિ પડે કે તમે ઈશ્વરથી દૂર જઈ રહ્યા છો. પરંતુ તમારા માબાપ એ જોઈ શકશે. સાચું કે તમારા માબાપ તમારી જેમ ઝડપથી કૉમ્પ્યુટર શીખી નહિ શકે. પરંતુ તેઓ કપટી હૃદય વિષે વધારે સારી રીતે જાણે છે. તમારા ‘હૃદયને ખરા માર્ગ પર ચલાવવા’ તેઓ મદદ કરવા ઇચ્છે છે, જેથી તમને જીવન મળે.—નીતિવચનો ૨૩:૧૯.

જોકે, તમારા માબાપ બાબતોને એકદમ સારી રીતે સમજશે એવી આશા ન રાખો. પણ તેઓ તમને મનોરંજન, સંગીત અને શણગાર જેવી મુશ્કેલ બાબતોમાં જરૂર માર્ગદર્શન આપશે. તમારા માબાપ પાસે સુલેમાન જેવું ડહાપણ અને અયૂબ જેવી ધીરજ ન પણ હોય શકે. તેઓ વહાણના પાઇલટની જેમ, આફત ટાળવા વિષે વધારે પડતા સાવધ હોય શકે. તેમ છતાં, તેઓનું માર્ગદર્શન અમૂલ્ય છે. જો તમે એને ધ્યાન પર લેશો તો, ‘તમારા બાપની શિખામણને સાંભળશો અને તમારી માનું શિક્ષણ ત્યજી દેશો નહિ.’—નીતિવચનો ૧:૮, ૯.

ભલે બીજા યુવાનો પોતાના માબાપ સાથે તોછડાઈથી વાત કરતા હોય. પણ તમારા માબાપ બાઇબલની સલાહ પ્રમાણે જીવતા હોય તો, તેઓ વહાણના પાઇલટ જેવા છે. તેઓ દરેક પ્રકારના વાતાવરણ, સંજોગો અને આફતના સમયમાં તમારી સાથે રહેશે. વહાણના કૅપ્ટન અનુભવી પાઇલટની સલાહને ધ્યાન પર લે છે તેમ, તમને તમારા માબાપના માર્ગદર્શનની જરૂર છે. જેથી તમે ડહાપણના માર્ગ પર ચાલી શકો. એનાથી તમને ભરપૂર આશીર્વાદો મળશે.

“તારા હૃદયમાં જ્ઞાન પ્રવેશ કરશે, અને વિદ્યા તારા મનને ખુશકારક લાગશે; વિવેકબુદ્ધિ તારા પર ચોકી કરશે. બુદ્ધિ તારૂં રક્ષણ કરશે; તેઓ તને દુષ્ટ માણસોના માર્ગમાંથી, તથા આડું બોલનાર માણસો, કે જેઓ સદાચારના રસ્તાઓ તજીને અંધકારના માર્ગોમાં ચાલે છે; સદાચારીઓ દેશમાં વસશે, અને નીતિસંપન્‍ન જનો તેમાં જીવતા રહેશે.”—નીતિવચનો ૨:૧૦-૧૩, ૨૧.

[પાન ૨૨ પર ચિત્ર]

બીજા યુવાનોનું દબાણ તમને પરમેશ્વરથી દૂર લઈ જઈ શકે

[પાન ૨૩ પર ચિત્ર]

દીનાહના અનુભવમાંથી શીખો

[પાન ૨૪ પર ચિત્ર]

વહાણનો કૅપ્ટન અનુભવી પાઇલટનું સાંભળે છે તેમ, યુવાનો તમારા માબાપનું સાંભળો

[પાન ૨૪ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

ફોટો: www.comstock.com