યહોવાહના ભક્તો ખુશ રહે છે
યહોવાહના ભક્તો ખુશ રહે છે
“પોતાની આત્મિક જરુરિયાત જાણનાર લોકોને ધન્ય છે; આકાશનું રાજ તેઓનું છે.” —માથ્થી ૫:૩, પ્રેમસંદેશ.
૧. યહોવાહની ભક્તિમાં ખુશ રહેવાના કયાં કારણો છે?
યહોવાહના સેવકો ઇચ્છે છે કે તેઓનો આનંદ કોઈ ન લૂટે. દાઊદે લખ્યું: “જેઓનો દેવ યહોવાહ છે તેઓને ધન્ય છે.” (ગીતશાસ્ત્ર ૧૪૪:૧૫) યહોવાહ આપણા પર આશીર્વાદો વરસાવે છે એ જાણીને આપણી ખુશીનો કોઈ પાર નથી રહેતો. (નીતિવચનો ૧૦:૨૨) આપણે યહોવાહની સાથોસાથ ચાલી શકીએ છીએ, યહોવાહનું કહ્યું કરીએ છીએ એ જાણીને પણ ખુશ થઈએ છીએ. (ગીતશાસ્ત્ર ૧૧૨:૧; ૧૧૯:૧, ૨) યહોવાહની ભક્તિમાં ખુશ રહેવાના ઈસુએ નવ કારણો આપ્યાં. આ બે લેખોમાં આપણે એ નવ કારણો તપાસીશું. એનાથી શીખી શકીશું કે આપણે પણ કઈ રીતે યહોવાહની ભક્તિ રાજી-ખુશીથી કરી શકીએ.
ઈશ્વર વિષે શીખવાની ભૂખ
૨. ઈસુએ ટોળા સાથે ક્યારે વાત કરી અને શરૂઆતમાં શું શીખવ્યું?
૨ ઈસવીસન ૩૧માં ઈસુએ જે શીખવ્યું એ ખરેખર યાદગાર હતું. તેમણે ગાલિલના સમુદ્ર પાસે આવેલા એક પહાડ પર એ શીખવ્યું હતું. એ વિષે માથ્થીએ લખ્યું: ‘ઈસુ ટોળાને લીધે ટેકરી પર ચઢીને ત્યાં બેસી ગયા. તેમના શિષ્યો તેમની પાસે આવ્યા. અને તેમણે તેઓને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. “પોતાની આત્મિક જરુરિયાત જાણનાર લોકોને ધન્ય છે; આકાશનું રાજ તેઓનું છે.”’ (માથ્થી ૫:૧-૩, પ્રેમસંદેશ) અમુક બાઇબલમાં એ કલમ આ પ્રમાણે છે: “આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે.”
૩. ખુશ રહેવા આપણે કેવો સ્વભાવ રાખવો જોઈએ?
૩ એ વખતે ઈસુએ શીખવ્યું કે જે વ્યક્તિને પરમેશ્વરની ભક્તિ કરવાની ભૂખ છે તેઓ ખુશ રહેશે. આપણે જાણીએ છીએ કે આપણે પાપી છીએ. ઈસુએ આપણાં પાપ માટે પોતાનો જીવ રેડ્યો. એ ધ્યાનમાં રાખીને આપણે ઈશ્વર પાસે આપણાં પાપોની માફી માટે કરગરીએ છીએ. (૧ યોહાન ૧:૯) પછી આપણને બહુ શાંતિ મળે છે, કેમ કે “જેનું ઉલ્લંઘન માફ થયું છે, તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે.”—ગીતશાસ્ત્ર ૩૨:૧; ૧૧૯:૧૬૫.
૪ (ક)આપણે ઈશ્વરભક્તિની ભૂખ કઈ કઈ રીતે મટાડી શકીએ? આપણે બીજાઓને કઈ રીતે મદદ કરી શકીએ? (ખ) ખુશ રહેવાના બીજાં કયાં કારણો છે?
૪ જ્યારે ઈશ્વરભક્તિની ભૂખ જાગે છે, ત્યારે આપણે રોજ બાઇબલ વાંચવા લાગીએ છીએ. “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” આપણને “વખતસર” યહોવાહ વિષે શીખવે છે, એ પણ આપણે ઈશ્વરભક્તિની ભૂખને લીધે શીખતા જ રહીએ છીએ. ઈશ્વરભક્તિની ભૂખ છે એટલે આપણે સભાઓ પણ ચૂકતા નથી. (માત્થી ૨૪:૪૫; ગીતશાસ્ત્ર ૧:૧, ૨; ૧૧૯:૧૧૧; હેબ્રી ૧૦:૨૫) આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. તેથી, સર્વ લોકો પરમેશ્વરની ભક્તિ કરે એ માટે દિલથી યહોવાહનો સંદેશો પ્રગટ કરીએ છીએ. (માર્ક ૧૩:૧૦; રૂમી ૧:૧૪-૧૬) લોકોને યહોવાહ વિષે શીખવીએ ત્યારે આપણને આનંદ મળે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૦, ૩૫) યહોવાહ તેમના રાજ્ય દ્વારા કેવા કેવા આશીર્વાદો લાવવાના છે, એ વિચાર કરીએ ત્યારે આપણે હરખાઈ જઈએ છીએ. અભિષિક્ત સેવકો, જેમને “નાની ટોળી” કહેવામાં આવે છે તેઓ માટે ઈસુના રાજ્યમાં, સ્વર્ગમાં સદા જીવવાનો આશીર્વાદ છે. (લુક ૧૨:૩૨; ૧ કોરીંથી ૧૫:૫૦, ૫૪) જ્યારે કે “બીજાં ઘેટાં” એટલે કે આ પૃથ્વી પર કાયમ જીવનારા માટે ઈશ્વરના રાજ હેઠળ સુંદર ધરતી પર સુખ-શાંતિથી રહેવાનો આશીર્વાદ હશે.—યોહાન ૧૦:૧૬; ગીતશાસ્ત્ર ૩૭:૧૧; માત્થી ૨૫:૩૪, ૪૬.
દુઃખમાં પણ ખુશ રહી શકીએ
૫. (ક)“જેઓ શોક કરે છે” એનો શું અર્થ થાય? (ખ) તેઓને કઈ રીતે ખુશી મળે છે?
૫ ઈસુએ ખુશ રહેવાનું બીજું કારણ આપ્યું. તેમણે કહ્યું: “જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે; કેમ કે તેઓ દિલાસો પામશે.” (માત્થી ૫:૪) ઈસુ કયા શોક વિષે વાત કરતા હતા? આપણે પાપી છીએ એ જાણીને આપણને દુઃખ થાય છે. એ વિષે યાકૂબે લખ્યું: “ઓ પાપીઓ, તમારા હાથ ચોખ્ખા કરો! તમારું મન ઈશ્વર અને સંસાર વચ્ચે ઝોલાં ખાય છે, તમારાં અંતર શુદ્ધ કરો! દુઃખી થાઓ, વિલાપ કરો, રડો. તમારા હાસ્યને વિલાપમાં પલટી નાખો, અને તમારા હર્ષને રૂદનમાં. પ્રભુ આગળ નમજો એટલે તે તમને ઊંચે ચડાવશે.” (યાકોબ ૪:૮-૧૦, સંપૂર્ણ બાઇબલ) શોક કરનાર કે દુઃખી માણસ કઈ રીતે ખુશ થઈ શકે? જેઓને પોતાનાં પાપોનું દુઃખ થાય છે, તેઓ એ પણ જાણે છે કે ઈસુના બલિદાન દ્વારા પાપોની માફી મળે છે. તેથી તેઓ દિલથી પસ્તાવો કરે છે. પછી તેઓ પરમેશ્વરને પગલે ચાલે છે. (યોહાન ૩:૧૬; ૨ કોરીંથી ૭:૯, ૧૦) તેઓ પરમેશ્વરનો સાથ લઈને આ ધરતી પર સદા જીવવાની આશા રાખે છે. જેથી તેઓ સદા ઈશ્વરની ભક્તિ કરી શકે. એનાથી તેઓને અંતરમાં અનહદ ખુશી થાય છે. આના સિવાય બીજું શું જોઈએ!—રૂમી ૪:૭, ૮.
૬. શા માટે લોકો નિસાસા નાખતા હોય છે અને તેઓને કઈ રીતે દિલાસો મળે છે?
૬ “જેઓ શોક કરે છે,” એમાં આ દુનિયાની હાલત જોઈને દુઃખી થનારા વિષે પણ ઈસુ વાત કરતા હતા. ઈસુએ જ્યારે યશાયાહ ૬૧:૧, ૨ના શબ્દો વાંચ્યા ત્યારે કહ્યું: “પ્રભુ યહોવાહનો આત્મા મારા પર છે; કારણ કે દીનોને વધામણી કહેવા સારુ યહોવાહે મને અભિષિક્ત કર્યો છે; ભગ્ન હૃદયોવાળાને સાજા કરવા સારુ, . . . સર્વ શોક કરનારાઓને દિલાસો આપવા સારુ.” આ શબ્દો પૃથ્વી પરના બાકી અભિષિક્તો અને પૃથ્વી પર સદા જીવવાના છે, તેઓને પણ લાગુ પડે છે. તેઓ જાણે એવા લોકોને માથે એક નિશાની મૂકે છે, જેઓ દુઃખી હોય અને ધર્મને નામે ધતિંગ થતા જોઈને “નિસાસા નાખતા હોય તથા રડતા હોય.” (હઝકીએલ ૯:૪) તેઓ આવા દુઃખી લોકોને ‘રાજ્યની સુવાર્તા’ જણાવીને દિલાસો આપે છે. (માત્થી ૨૪:૧૪) શેતાનની આ દુનિયાનો નાશ થશે, એ જાણીને તેઓને કેટલો દિલાસો મળે છે!
જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે
૭. નમ્ર હોવાનો અર્થ શું નથી થતો?
૭ ઈસુએ શીખવ્યું કે “જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે; કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે.” (માત્થી ૫:૫) બાઇબલના એક પંડિત એનો અર્થ સમજાવે છે: ‘નમ્ર માણસ હંમેશાં શાંત રહે છે. તે બીકણ નથી. પોતાને કાબૂમાં રાખે છે. એ આસાન નથી. એ કામ તો જેની પાસે ખરી હિંમત હોય એ જ કરી શકે.’ ઈસુ એવા જ હતા. એટલે જ તે કહી શક્યા: “હું મનમાં નમ્ર તથા રાંકડો છું.” (માત્થી ૧૧:૨૯) કોઈ ખોટે રસ્તે જતું ત્યારે ઈસુએ હિંમતથી તેઓને ખુલ્લા પાડ્યા.—માત્થી ૨૧:૧૨, ૧૩; ૨૩:૧૩-૩૩.
૮. ઠંડા મગજના થવું એટલે શું? એનાથી કયો આશીર્વાદ મળે છે?
૮ નમ્ર હોવાનો અર્થ મગજ ઠંડું રાખવું પણ થાય છે. એટલે પોતે કાબૂમાં રહેવું. સંયમ રાખવો. પાઊલ એને “પવિત્ર આત્માનું ફળ” કહે છે. (ગલાતી ૫:૨૨, ૨૩) મગજ ઠંડું રાખવાની શક્તિ ફક્ત યહોવાહ પાસેથી જ મળી શકે. ઠંડા મગજના રહીને આપણે મંડળમાં એકબીજા સાથે હળી-મળીને રહી શકીએ છીએ. બીજા લોકોને પણ શાંતિથી યહોવાહ વિષે શીખવી શકીએ છીએ. પાઊલે કહ્યું: “મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. એકબીજાનું સહન કરો, ને જો કોઇને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો.”—કોલોસી ૩:૧૨, ૧૩.
૯. (ક) આપણે બીજી કઈ રીતે નમ્ર રહી શકીએ? (ખ) નમ્ર લોકો કઈ રીતે ‘દેશનું વતન’ પામશે?
૯ આપણે એકબીજા પ્રત્યે નમ્ર રહીએ એટલું જ પૂરતું નથી. નમ્ર દિલે પરમેશ્વર યહોવાહને માર્ગે પણ ચાલવું જોઈએ. એ વિષે ઈસુએ કેટલો સરસ દાખલો બેસાડ્યો. તે પૃથ્વી પર હતા ત્યારે તેમણે યહોવાહનો દરેક બોલ ઝીલ્યો. (યોહાન ૫:૧૯, ૩૦) હવે ઈસુ રાજા છે અને તેમના હાથમાં આ પૃથ્વી સોંપવામાં આવી છે. (ગીતશાસ્ત્ર ૨:૬-૮; દાનીયેલ ૭:૧૩, ૧૪) તેમની સાથે ૧,૪૪,૦૦૦ પણ આ પૃથ્વીના “વારસાના ભાગીદાર” છે. તેઓને “માણસોમાંથી ખરીદવામાં” આવ્યા છે અને તેઓ પણ “પૃથ્વી પર રાજ” કરશે. (રૂમી ૮:૧૭; પ્રકટીકરણ ૫:૯, ૧૦; ૧૪:૧, ૩, ૪; દાનીયેલ ૭:૨૭) તેઓ ઈસુ સાથે મળીને આ ધરતી પરના સર્વ સેવકોને માર્ગદર્શન આપશે. પછી સર્વ “નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૧; માત્થી ૨૫:૩૩, ૩૪, ૪૬.
સચ્ચાઈની ભૂખ છે તેઓને ધન્ય
૧૦. આપણી સચ્ચાઈની ભૂખ કઈ રીતે મટી શકે?
૧૦ “જેઓને ન્યાયીપણાની [સચ્ચાઈની] ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે; કેમ કે તેઓ ધરાશે.” (માત્થી ૫:૬) ફક્ત યહોવાહ જ આપણને સચ્ચાઈનો માર્ગ શીખવી શકે છે. યહોવાહને માર્ગે ચાલીને આપણે સચ્ચાઈને માર્ગે ચાલી શકીએ છીએ. આપણે એ પણ જાણીએ છીએ કે આપણે પાપી છીએ. બાઇબલમાંથી આપણે શીખ્યા કે આપણે ઈસુના બલિદાન દ્વારા પાપોની માફી માંગી શકીએ છીએ. આમ આપણે પવિત્ર થઈને યહોવાહની ભક્તિ કરી શકીએ છીએ. એ જાણીને આપણે કેટલા ખુશ થઈએ છીએ!—પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૮; ૧૦:૪૩; ૧૩:૩૮, ૩૯; રૂમી ૫:૧૯.
૧૧, ૧૨. (ક) જે ભક્તો સ્વર્ગમાં જવાના છે તેઓને ન્યાયીપણાનું દાન કઈ રીતે મળે છે? (ખ) જેઓ પૃથ્વી પર જીવવાના છે તેઓની ન્યાયીપણાની ભૂખ કઈ રીતે મટશે?
૧૧ ઈસુએ એમ પણ કહ્યું કે જેને ન્યાયીપણાની ભૂખ છે તેઓ “ધરાશે.” (માથ્થી ૫:૬) જે ભક્તો સ્વર્ગમાં જવાના છે તેઓ ઈસુ સાથે “રાજ કરશે.” તેઓને “જીવનરૂપ ન્યાયીકરણનું દાન મળ્યું” છે. (રૂમી ૫:૧, ૯, ૧૬-૧૮) ખુદ યહોવાહે તેઓને દત્તક લીધા છે. તેઓ ઈસુ સાથે સ્વર્ગમાંથી રાજ કરશે અને યાજકો તરીકે સેવા આપશે.—યોહાન ૩:૩; ૧ પીતર ૨:૯.
૧૨ જેઓ પૃથ્વી પર સદા માટે રહેવાના છે, તેઓને હજી જીવનરૂપ ન્યાયીકરણનું દાન મળ્યું નથી. પણ ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં શ્રદ્ધા રાખવાથી તેઓને અમુક આશીર્વાદો જરૂર મળ્યા છે. (યાકૂબ ૨:૨૨-૨૫; પ્રકટીકરણ ૭:૯, ૧૦) યહોવાહ તેઓને “મોટી વિપત્તિમાંથી” બચાવશે ત્યારે, તેઓને જીવનરૂપ ન્યાયીકરણનુ દાન મળશે. (પ્રકટીકરણ ૭:૧૪) તેઓ ‘નવાં આકાશ, કે જેમાં ન્યાયીપણું વસે છે’ તેમાં સદા માટે વસશે ત્યારે, તેઓની ન્યાયીપણાની ભૂખ મટશે.—૨ પીતર ૩:૧૩; ગીતશાસ્ત્ર ૩૭:૨૯.
દયાળુઓને ધન્ય છે
૧૩, ૧૪. આપણે કઈ કઈ રીતે દયાળુ બની શકીએ? એનાથી આપણને કેવા આશીર્વાદો મળશે?
૧૩ ઈસુએ શીખવ્યું કે “દયાળુઓને ધન્ય છે; કેમ કે તેઓ દયા પામશે.” (માત્થી ૫:૭) અદાલતમાં જ્યારે ન્યાયાધીશ ગુનેગારને પૂરેપૂરી સજા નથી કરતા, ત્યારે એમ કહેવાય છે કે તેમણે ગુનેગારને દયા બતાવી. પણ બાઇબલ બતાવે છે કે લાચાર લોકોને દયા બતાવવી જોઈએ, જેથી તેઓને રાહત મળે. દયાળુ લોકો હાથ જોડીને બેસી નથી રહેતા, પણ દયા બતાવવા માટે પગલાં ભરે છે. ઈસુએ એક ભલા સમરૂની વિષે વાર્તા કહી. એ વાર્તા બતાવે છે કે “દયા” કઈ રીતે બતાવવી જોઈએ.—લુક ૧૦:૨૯-૩૭.
૧૪ સાચી ખુશી પામવા માટે, આપણે દયાથી લાચાર લોકોને મદદ કરવી જોઈએ. (ગલાતી ૬:૧૦) ઈસુને લોકો પર દયા આવી હતી. “લોકોને ભરવાડ વગરનાં ઘેટાં જેવા જોઈને તેમનું હૈયું દયાથી ભરાઈ આવ્યું, અને તેઓ તેમને ઘણો ઘણો ઉપદેશ આપવા લાગ્યા.” (માર્ક ૬:૩૪, સંપૂર્ણ બાઇબલ) ઈસુને ખબર હતી કે લોકોની ઈશ્વરભક્તિની ભૂખ મટાડવી, એ જ સૌથી મહત્ત્વનું છે. આપણે પણ એ જ રીતે પરમેશ્વરના ‘રાજ્યની સુવાર્તા’ સંભળાવીને લોકોને દિલાસો આપી શકીએ. (માત્થી ૨૪:૧૪) આપણે મંડળમાં ભાઈ બહેનોને પણ ‘ઉત્તેજન આપીએ.’ જેઓ ઘરડા છે તેઓને ‘ઉત્તેજન આપીએ.’ કોઈ વિધવા હોય કે પછી કોઈ દુઃખી હોય એ બધાને ‘ઉત્તેજન આપીએ.’ (૧ થેસ્સાલોનીકી ૫:૧૪; નીતિવચનો ૧૨:૨૫; યાકૂબ ૧:૨૭) એવી રીતે મદદ કરવાથી આપણે ખુશ રહી શકીશું. આમ આપણે યહોવાહની દયા ચાખી શકીશું.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫; યાકૂબ ૨:૧૩.
શુદ્ધ હૃદય રાખો, હળી-મળીને રહો
૧૫. આપણે કઈ રીતે શુદ્ધ હૃદયના થઈ શકીએ અને કઈ રીતે શાંતિથી વર્તી શકીએ?
૧૫ ઈસુએ પછી શીખવ્યું કે, “હૃદયની શુદ્ધતા જાળવનારને ધન્ય છે; તેઓ ઈશ્વરનું દર્શન પામશે. માણસોમાં શાંતિ સ્થાપનારને ધન્ય છે; ઈશ્વર તેઓને પોતાના પુત્રો કહેશે.” (માથ્થી ૫:૮, ૯, પ્રેમસંદેશ) શુદ્ધ હૃદય એટલે કે જેના સંસ્કાર સારા હોય છે તે. જે પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરે છે. હા, તેનું હૃદય શુદ્ધ કહેવાય. (૧ કાળવૃત્તાંત ૨૮:૯; ગીતશાસ્ત્ર ૮૬:૧૧) શાંતિ સ્થાપનાર તરીકે આપણે યહોવાહના સેવકો સાથે શાંતિ રાખવી જોઈએ, અને બની શકે તો બીજા લોકો સાથે પણ શાંતિ રાખવી જોઈએ. (રૂમી ૧૨:૧૭-૨૧) આપણે “શાંતિમાં રહેવા બની શકે તે બધા પ્રયત્ન” કરવા જોઈએ.—૧ પીતર ૩:૧૧, IBSI.
૧૬, ૧૭. (ક)સ્વર્ગમાં જવાના છે તેઓને શા માટે ‘ઈશ્વરના પુત્રો’ ગણવામાં આવે છે અને તેઓ કઈ રીતે ઈશ્વરના “દર્શન” કરી શકશે? (ખ) જે લોકો ધરતી પર રહેવાના છે તેઓ કઈ રીતે ઈશ્વરના “દર્શન” કરી શકે? (ગ) જે લોકો ધરતી પર રહેવાના છે તેઓ ક્યારે ‘ઈશ્વરના સંતાનો’ બને છે?
૧૬ જેઓ શાંત સ્વભાવના છે અને જેઓના હૃદય શુદ્ધ છે, “ઈશ્વર તેઓને પોતાના પુત્રો કહેશે.” અને તેઓ “ઈશ્વરનું દર્શન પામશે.” જે ભક્તો સ્વર્ગમાં જવાના છે તેઓને “દેવના દીકરા” ગણવામાં આવે છે. (રૂમી ૮:૧૪-૧૭) તેઓ જ્યારે સ્વર્ગમાં જશે, ઈસુ સાથે રાજ કરશે ત્યારે તેઓ સાક્ષાત પરમેશ્વર યહોવાહના દર્શન કરશે.—૧ યોહાન ૩:૧, ૨; પ્રકટીકરણ ૪:૯-૧૧.
૧૭ આ ધરતી પર રહેનાર “બીજાં ઘેટાં,” ઈસુ ખ્રિસ્તના હાથ નીચે યહોવાહની ભક્તિ કરે છે. આમ, ઈસુને તેઓના “સનાતન પિતા” કહેવામાં આવે છે. (યોહાન ૧૦:૧૪, ૧૬; યશાયાહ ૯:૬) ઈસુ એક હજાર વર્ષ સુધી રાજ કરશે પછી કસોટી આવશે. છેવટે જેઓ એ કસોટી પાર કરશે, તેઓ “ઈશ્વરનાં સંતાનોની સાથે પાપમાંથી મળતી મુક્તિનો અદ્ભુત આનંદ માણશે.” (રૂમી ૮:૨૧, IBSI; પ્રકટીકરણ ૨૦:૭, ૯) એ દરમ્યાન જેઓ ધરતી પર સદા રહેવાના છે, તેઓ પરમેશ્વર યહોવાહને પિતા કહીને પોકારે છે. તેઓએ પોતાનું જીવન યહોવાહના હાથમાં સોંપ્યું છે. તેઓને ખબર છે કે ફક્ત યહોવાહ જ ખરા જીવનદાતા છે. (યશાયાહ ૬૪:૮) અયૂબ અને મુસાની જેમ તેઓ ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને તેમના “દર્શન” કરી શકે છે. (અયૂબ ૪૨:૫; હેબ્રી ૧૧:૨૭) તેઓ યહોવાહ વિષે શીખીને ‘જોઈ શકે છે,’ કે પરમેશ્વર યહોવાહનો સ્વભાવ કેવો સુંદર છે. તેઓ યહોવાહને પગલે ચાલે છે.—એફેસી ૧:૧૮; રૂમી ૧:૧૯, ૨૦; ૩ યોહાન ૧૧.
૧૮. આજે કોને સાચી ખુશીનો આશીર્વાદ મળે છે, એ વિષે ઈસુએ શું શીખવ્યું?
૧૮ આપણે જોયું કે જે લોકો ઈશ્વરની ભક્તિના ભૂખ્યા છે, તેઓને આશીર્વાદ મળે છે. જે લોકો શોક કરે છે, જે લોકો ઠંડા મગજના છે, તેઓને આશીર્વાદ મળે છે. સચ્ચાઈના ભૂખ્યાને, દયાળુને, શુદ્ધ હૃદય રાખનારને અને શાંતિથી વર્તે છે તેઓને આશીર્વાદ મળે છે. એ બધુંય કરવા છતાં લોકો આપણને ધિક્કારે છે, હેરાન કરે છે. શું તેઓ આપણી ખુશી છીનવી શકે? હવે પછીના લેખમાં આપણે એની ચર્ચા કરીશું.
આપણે શું શીખ્યા?
• જેઓ ઈશ્વરની ભક્તિના ભૂખ્યા છે, તેઓને કેવા આશીર્વાદ મળે છે?
• જેઓ શોક કરે છે, તેઓને કઈ રીતે દિલાસો મળે છે?
• આપણે કઈ રીતે મગજ ઠંડું રાખીને નમ્ર રહી શકીએ?
• શા માટે આપણે દયાળુ બનવું જોઈએ, શુદ્ધ હૃદય રાખવું જોઈએ અને શાંતિથી વર્તવું જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૦ પર ચિત્ર]
“પોતાની આત્મિક જરુરિયાત જાણનાર લોકોને ધન્ય છે”
[પાન ૧૦ પર ચિત્રો]
“દયાળુઓને ધન્ય છે”
[પાન ૧૦ પર ચિત્ર]
“જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે”