યહોવાહનું રાજ, એ જ અમારું જીવન
મારો અનુભવ
યહોવાહનું રાજ, એ જ અમારું જીવન
માઈકલ ઝોબ્રાકના જણાવ્યા પ્રમાણે
મને એક મહિનો એકાંતવાસમાં પૂરી દેવાયો હતો. પછી મને એક અધિકારી પાસે ઘસડી જવામાં આવ્યો. થોડીક વારની પૂછપરછ પછી, તે ગુસ્સાથી લાલ-પીળો થઈને બરાડ્યો: “તું અમેરિકાનો જાસૂસ છે!” તમને થતું હશે કે તે એટલો ગુસ્સે કેમ ભરાયો હતો? તેણે મને પૂછ્યું કે હું કયા ધર્મનો છું અને મેં કહ્યું કે, “યહોવાહનો સાક્ષી.”
આ તો પચાસેક વરસ પહેલાંની વાત છે. ત્યારે દેશમાં સામ્યવાદી રાજ હતું. જોકે એ પહેલાં પણ અમે અમારા ધર્મને લીધે બહુ વેઠ્યું હતું.
યુદ્ધની અસર
હજુ તો હું માંડ આઠેક વર્ષનો હતો ત્યારે, ૧૯૧૪માં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. અમારા ઝાલુઝાઈટ્સ ગામમાં ઑસ્ટ્રો-હંગેરિયન રાજ હતું. એ યુદ્ધથી દુનિયાના રૂપરંગ બદલાઈ ગયા. એટલું જ નહિ, એણે તો એક પળમાં મારું બાળપણ ઝૂંટવી લીધું. મારા પપ્પા સૈનિક હતા અને યુદ્ધના પહેલા જ વર્ષે એનો ભોગ બન્યા. મારી મમ્મી, મારી બે નાનકડી બહેનો અને હું નિરાધાર થઈ ગયા. અમે ગરીબ હતા. એટલે ઘરનો બોજ મારા પર આવી પડ્યો. હું ખેતરમાં અને ઘરમાં ઘણી જવાબદારી ઉપાડવા લાગ્યો. નાનપણથી જ હું ધાર્મિક હતો. અમારા ચર્ચના પાદરીએ તો પોતે ન હોય ત્યારે, શીખવવાની જવાબદારી મને સોંપી હતી.
આખરે, ૧૯૧૮માં એ મોટું યુદ્ધ પૂરું થયું, અને અમારા જીવને શાંતિ થઈ. ઑસ્ટ્રો-હંગેરિયન રાજ ગયું અને અમે ચૅકોસ્લોવેકિયાના નાગરિક બન્યા. પછી જેઓ અમેરિકા ચાલ્યા ગયા હતા, તેઓ પાછા પોતાના વતન આવવા માંડ્યા. અમારા ગામના મીખેલ પેટ્રિક પણ ૧૯૨૨માં પાછા આવ્યા. તે અમારા પડોશીને મળવા આવ્યા ત્યારે, તેઓએ અમને પણ બોલાવ્યા.
અમારા જીવનમાં યહોવાહના રાજનો પ્રકાશ
એ વખતે યહોવાહના સાક્ષીઓ બાઇબલ સ્ટુડન્ટ તરીકે ઓળખાતા. મીખેલ પણ તેઓમાંના એક હતા. તેમણે બાઇબલમાંથી જે શીખવ્યું, એ મારા દિલમાં ઊતરી ગયું. ખાસ તો, યહોવાહના રાજનું શિક્ષણ મને બહુ જ ગમ્યું. (દાનીયેલ ૨:૪૪) મીખેલે જણાવ્યું કે આવતા રવિવારે ઝાહોર ગામમાં પ્રવચન રાખવામાં આવ્યું છે. મેં ત્યારે જ મનમાં ગાંઠ વાળી કે મારે નક્કી જવું છે. એ દિવસે હું મળસ્કે ચાર વાગ્યે ઊઠી ગયો. હું મારા એક સગાને ત્યાં આઠેક કિલોમીટર ચાલીને ગયો, જેથી એની સાઇકલ લઈ શકું. સાઇકલનું પંચર રીપેર કર્યા પછી, ૨૪ કિલોમીટર સાઇકલ ચલાવીને હું ઝાહોર પહોંચ્યો. મને ખબર ન હતી કે ઝાહોરમાં કઈ જગ્યાએ મળવાનું છે, એટલે એક રસ્તા પર હું ધીમે ધીમે જવા લાગ્યો. ત્યાં એક ઘરમાંથી મને જાણીતા ગીતો સંભળાયાં. હું ખુશીથી ઝૂમી ઊઠ્યો. હું એ ઘરે ગયો અને મારા આવવાનું કારણ સમજાવ્યું. પછી, તેઓ સાથે ચા-નાસ્તો કરીને અમે પ્રવચન સાંભળવા ગયા. ખરું કે પાછા ઘરે જવા મારે ૩૨ કિલોમીટર મુસાફરી કરવાની હતી, તોપણ એ દિવસે મને જાણે થાક જ ન લાગ્યો!—યશાયાહ ૪૦:૩૧.
યહોવાહના સાક્ષીઓ બાઇબલમાંથી જે શિક્ષણ આપતા હતા, એ તરત ગળે ઊતરી જતું હતું. યહોવાહના રાજમાં જ્યારે પૃથ્વી સ્વર્ગ જેવી બની જશે, એમાં રહેવાનું કોને ન ગમે? (ગીતશાસ્ત્ર ૧૦૪:૨૮) મેં અને મારી મમ્મીએ ચર્ચમાંથી રાજીનામું આપી દીધું. અમારા ગામમાં બધાને એ ન ગમ્યું. અમુક તો અમારી સાથે વાત પણ ન કરતા. અમે નજીકમાં રહેતા યહોવાહના સાક્ષીઓ સાથે હળવા-મળવાનું વધારી દીધું. (માત્થી ૫:૧૧, ૧૨) થોડા સમયમાં જ, હું ઊ નામની નદીમાં બાપ્તિસ્મા પામ્યો.
પ્રચાર કામ અમારું જીવન બની ગયું
અમે બને એટલા લોકોને યહોવાહના રાજ વિષે પ્રચાર કરતા. (માત્થી ૨૪:૧૪) અમે મોટે ભાગે રવિવારનો દિવસ પ્રચારમાં કાઢતા. એ સમયે લોકો બહુ વહેલા ઊઠી જતા, એટલે અમે વહેલી સવારથી પ્રચાર શરૂ કરી શકતા. પછી, અમે પ્રવચનો રાખતા. ભાઈઓ પાસે લખેલા પ્રવચનો તો હતા નહિ. એટલે જે લોકો પ્રવચન સાંભળવા આવ્યા હોય, તેઓની માન્યતાઓ અને મુશ્કેલીઓ ધ્યાનમાં રાખીને અમે પ્રવચન આપતા.
બાઇબલનું સત્ય એવું હતું કે એનાથી જાણે લોકોની આંખો ખૂલી જતી, તેઓ સાચ-જૂઠ પારખી શકતા. હું બાપ્તિસ્મા પામ્યો એના થોડા સમય પછી, ટ્રૉવીસ્તે નામના ગામમાં પ્રચાર કરતો હતો. એક ઘરે મને શ્રીમતી ઝુઝાના મૉસ્કેલ મળ્યા, જેમનો સ્વભાવ બહુ જ સારો હતો. હું પહેલાં જતો તેમ, તેમનું કુટુંબ પણ ચર્ચમાં જતું હતું. શ્રીમતી ઝુઝાના બાઇબલ સારી રીતે જાણતા હતા, છતાં પણ તેમની પાસે ઘણા સવાલોના જવાબ ન હતા. અમે એક કલાક સુધી વાતો કરી. મેં તેમને આપણું એક પુસ્તક આપ્યું, ધ હાર્પ ઑફ ગોડ. *
મૉસ્કેલ કુટુંબે બાઇબલ સાથે સાથે એ પુસ્તક પણ વાંચવાનું શરૂ કરી દીધું. ગામમાંથી વધારેને વધારે કુટુંબોએ પ્રવચનોમાં આવવાનું શરૂ કરી દીધું. તેથી ચર્ચના પાદરીએ અમારી વિરુદ્ધ લોકોના કાન ભંભેરવાની કોશિશ કરી. એટલે અમુક લોકોએ પાદરીને કહ્યું કે તે પ્રવચનમાં આવે અને આપણું શિક્ષણ ખોટું સાબિત કરે.
પાદરી આવ્યો પણ પોતે જે શીખવતો હતો, એને બાઇબલમાંથી સાબિત કરી શક્યો નહિ. ફક્ત એટલું જ નહિ પણ તેણે કહ્યું કે, “બાઇબલમાં લખેલું બધું જ આપણે માની શકીએ નહિ. એ તો માણસોએ લખેલું છે. આપણા સવાલોના જવાબ બીજી રીતે પણ મળી શકે છે.” બસ, પછી તો પત્યું! સાચ-જૂઠ વિષે ઘણા લોકોની આંખ ખૂલી ગઈ. તેઓએ પાદરીને ચોખ્ખું સંભળાવી દીધું કે, તે બાઇબલમાં માનતો નથી, તેથી તેના પ્રવચનો સાંભળવાની કોઈ જરૂર નથી. લગભગ ત્રીસેક લોકોએ ચર્ચ છોડી દીધું અને સત્ય સ્વીકાર્યું.
યહોવાહની ભક્તિ જ મારું જીવન હતી. એટલે હું એવા જીવન-સાથીની શોધમાં હતો, જે મને એમાં સાથ
આપે. યાન પેતરુસ્કા નામના ભાઈ અમેરિકામાં સત્ય શીખ્યા હતા અને પ્રચારમાં બહુ જ ઉત્સાહી હતા. તેમની દીકરી મારિયા એના પપ્પા જેવી જ હતી. એ છોકરી મારું દિલ ચોરી ગઈ! અમે ૧૯૩૬માં લગ્ન કર્યા. અમારા એકના એક દીકરા એડ્યુઅર્ટનો જન્મ ૧૯૩૮માં થયો. પછી મારિયાએ ૫૦ વર્ષો મને સાથ આપ્યો. પણ ૧૯૮૬માં તે મોતની નીંદરમાં પોઢી ગઈ.યુદ્ધ સમયે અગ્નિપરીક્ષા
વર્ષ ૧૯૩૮માં યુરોપ પર બીજા મોટા યુદ્ધના વાદળ ઘેરાયાં હતાં. પ્રચાર કામ પર એની કેવી અસર પડશે? આખરે બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું. સ્લોવાક પર હવે નાત્ઝી લોકો અડ્ડો જમાવવા લાગ્યા. યહોવાહના સાક્ષીઓ પર સરકારે હજુ કોઈ પગલાં લીધાં ન હતાં. પરંતુ, અમે ખુલ્લેઆમ પ્રચાર કરી શકતા નહિ, કેમ કે પુસ્તકો-પુસ્તિકાઓ પર નજર રાખવામાં આવતી. પણ અમે તો ચતુર રીતે પ્રચાર ચાલુ જ રાખ્યો.—માત્થી ૧૦:૧૬.
યુદ્ધ જોર પકડતું ગયું તેમ, મારી ઉંમર ૩૫ ઉપરની હતી તોપણ મને લશ્કરમાં જોડાવા બોલાવવામાં આવ્યો. મારી માન્યતાને કારણે મેં લડવાની ના પાડી. (યશાયાહ ૨:૨-૪) પછીથી, સરકાર કંઈ નક્કી કરે એ પહેલાં, અમારી ઉંમરના બધાને છોડી મૂકવામાં આવ્યા.
અમે જોયું કે ગામડા કરતાં, શહેરના ભાઈ-બહેનોને જરૂરી ચીજ-વસ્તુઓ મેળવવામાં ઘણી તકલીફ પડતી હતી. એટલે અમારે તેઓને મદદ કરવી હતી. (૨ કોરીંથી ૮:૧૪) અમે જેટલો ઊંચકી શકીએ એટલો ખોરાક ભેગો કરીને, છેક બ્રેટીસ્લાવા સુધી લગભગ ૫૦૦ કિલોમીટર મુસાફરી કરીને ગયા. આ રીતે ભાઈ-બહેનો વચ્ચે બંધાયેલા પ્રેમના બંધને અમને આવનાર મુશ્કેલીઓમાં ટકાવી રાખ્યા.
ઉત્તેજનનું ‘ટોનિક’ મેળવવું
બીજા વિશ્વયુદ્ધ પછી, સ્લોવાક પાછું ચેકોસ્લોવેકિયાનો એક ભાગ બન્યું. યહોવાહના સાક્ષીઓએ ૧૯૪૬થી ૧૯૪૮ સુધીમાં ક્યાં તો બ્રનોમાં અથવા પ્રાગમાં સંમેલનો રાખ્યાં. અમે પૂર્વ સ્લોવાકમાંથી ખાસ ટ્રેન કરીને એ સંમેલનોમાં જતા. તમે ચાહો તો આ ટ્રેનોને ગીતોની ટ્રેન કહી શકો, કેમ કે આખા રસ્તે અમે ગીતો ગાયાં.—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૨૫.
બ્રનોનું ૧૯૪૭નું સંમેલન હું ભૂલીશ નહિ. એમાં બ્રુકલિનથી ત્રણ ભાઈઓ આવ્યા હતા, જેમાં ભાઈ નેથન એચ. નોર પણ હતા. એ સંમેલનના ખાસ પ્રવચનની જાહેરાત કરવા, અમારે સેન્ડવીચ સાઇન બોર્ડ કે આગળ-પાછળ મોટા બોર્ડ પહેરવાના હતા. અમારો દીકરો એડ્યુઅર્ટ ત્યારે ફક્ત ૯ વર્ષનો હતો.
પણ તેણે મોઢું ચડાવ્યું કે એને કેમ એવું સેન્ડવીચ બોર્ડ મળ્યું નહિ! એટલે ભાઈઓએ ફક્ત તેના માટે જ નહિ, પણ બીજાં બાળકો માટે પણ નાનાં નાનાં સેન્ડવીચ બોર્ડ બનાવ્યા. આ બાળકોએ પ્રવચનની જોરદાર જાહેરાત કરી!જોકે ૧૯૪૮માં સામ્યવાદી રાજ આવ્યું. અમે જાણતા હતા કે જલદી જ સરકાર પ્રચાર કામ બંધ કરાવશે. સપ્ટેમ્બર, ૧૯૪૮માં પ્રાગમાં સંમેલન ભરાયું. અમે એ પણ જાણતા હતા કે ફક્ત ત્રણેક વર્ષની આઝાદી પછી, ફરીથી સંમેલનો બંધ કરી દેવાશે. એટલે બધાના દિલમાં લાગણીઓનું તોફાન હતું. સંમેલન પૂરું થતા પહેલાં અમે એક ઠરાવ કર્યો, એના અમુક ભાગ આમ કહેતા હતા: ‘અમે યહોવાહના સાક્ષીઓએ મનમાં ગાંઠ વાળી છે કે, પ્રચાર કામ દિવસે ને દિવસે વધારે કરવું. ઈશ્વરની કૃપાથી સુખમાં ને દુઃખમાં તેમના રાજ વિષે હજુ વધારે ધગશથી લોકોને જણાવતા રહેવું.’
“દેશના દુશ્મન”
પ્રાગ સંમેલનના બે જ મહિના પછી, ખાનગી પોલીસે પ્રાગમાં બેથેલ પર ઓચિંતો છાપો માર્યો. તેઓએ બેથેલ કબજે કરી લીધું અને જે કંઈ સાહિત્ય મળ્યું એ પણ લઈ લીધું. બેથેલના અને અમુક બીજા ભાઈ-બહેનોને પણ પકડી લીધા. આ તો હજુ શરૂઆત જ હતી.
ફેબ્રુઆરી ૩ અને ૪, ૧૯૫૨માં, ખાનગી પોલીસ આખા દેશમાં ફરી વળી. તેઓએ સોએક જેટલા સાક્ષીઓને પકડ્યા, જેમાંનો એક હું પણ હતો. મળસ્કાના લગભગ ત્રણેક વાગ્યે પોલીસે આવીને મારા કુટુંબને ભર ઊંઘમાંથી જગાડ્યું. ન કોઈ વાંક ન ગુનો, તેઓએ કહ્યું કે મારે તેઓ સાથે જવું પડશે. મને જંજીર પહેરાવી દીધી ને આંખે પાટા બાંધ્યા. પછી બીજાઓની જેમ, મને પણ ટ્રકમાં નાખ્યો અને અંધારી કોટડીમાં એકલો પૂરી દીધો.
આખો મહિનો વીતી ગયો, મારી સાથે કોઈએ વાત કરી ન હતી. ફક્ત પહેરા પરનો પોલીસ આવીને થોડુંક ખાવાનું નાની જગ્યામાંથી અંદર હડસેલી દેતો. એક મહિના પછી, મેં શરૂઆતમાં જણાવ્યું તેમ મને કોઈ અધિકારી પાસે ઘસડી જવાયો. મને જાસૂસ કહ્યા પછી, તેણે જણાવ્યું કે, ‘ધર્મ તો અંધશ્રદ્ધા છે. ભગવાન જેવું કંઈ જ નથી, બધું તારા મનમાં જ છે. અમે તને લોકોને છેતરવા નહિ દઈએ. ક્યાં તો ફાંસીએ ચડવા તૈયાર થઈ જા, અથવા આ જેલમાં સડ્યા કરજે. અરે, તારો ભગવાન અહીં આવે તો, તેને પણ અમે પતાવી દઈશું!’
અધિકારીઓને ખબર હતી કે અમારા પ્રચાર કામ વિરુદ્ધ કોઈ કાયદો નથી. એટલે તેઓ અમને “દેશના દુશ્મન” અને વિદેશના જાસૂસ સાબિત કરવા માંગતા હતા. જેથી, તેઓના કાયદા પ્રમાણે અમે ગુનામાં આવીએ. એમ કરવા તેઓએ અમારું મનોબળ તોડવું પડે, જેથી અમે કંટાળીને તેઓના ખોટા આરોપો કબૂલી લઈએ. એ રાતે મારી સાથે બળજબરી કર્યા પછી, મને ઊંઘવાની મનાઈ હતી. થોડા કલાકોમાં જ મને પાછો પેલા અધિકારી પાસે લઈ જવાયો. આ વખતે તેણે મને એક પેપર પર સહી કરવાનું કહ્યું, જેના પર લખેલું હતું: ‘પ્રજાસત્તાક ચેકોસ્લોવેકિયાના દુશ્મન તરીકે હું ખેતી કરવા માગતો નથી, કેમ કે હું અમેરિકનોની રાહ જોઉં છું.’ મેં એ જૂઠાણા પર સહી કરવાની ના પાડી ત્યારે, મને સજા કરવાની કોટડીમાં મોકલી અપાયો.
મારે ઊંઘવાનું નહિ, આડા પડવાનું નહિ, અરે બેસવાનું પણ નહિ! ફક્ત ઊભા રહેવાનું
કે આમતેમ ચાલવાનું. આખરે, હું તો બરોબર થાક્યો, એટલે નીચે જમીન પર જ આડો પડ્યો. તરત જ ચોકી પરનો પોલીસ મને પેલા અધિકારીની ઑફિસમાં લઈ ગયો. તેણે મને પૂછ્યું, “હવે તો સહી કરીશ ને?” મેં ના પાડી. તેણે મારા મોં પર જોરથી મુક્કો માર્યો. મને લોહી નીકળવા લાગ્યું. પછી તેણે ઘૂરકીને પોલીસને કહ્યું કે, “તે મરવા માંગે છે. તે આપઘાત ન કરી બેસે, એટલે નજર રાખજે!” ફરીથી મને એકલો-અટૂલો અંધારી કોટડીમાં નાખવામાં આવ્યો. છ મહિના સુધી આવી જાતજાતની રિબામણી ચાલી. હું સરકારનો દુશ્મન છું, એવું કબૂલ કરું એ માટે તેઓએ અનેક ચાલ અજમાવી. પણ એમાંની એકેય કામ ન આવી, યહોવાહમાં મારી શ્રદ્ધા અડગ રહી!અદાલતમાં અમારા પર કેસ ચાલવાનો હતો એના એક મહિના પહેલાં, પ્રાગથી વકીલ આવ્યો. તેણે અમને બારેય ભાઈઓને વારાફરતી પૂછપરછ કરી. તેણે મને પૂછ્યું કે, “આપણા દેશ પર દુશ્મનો હુમલો કરે તો તું શું કરીશ?” મેં જવાબ આપ્યો કે, “આ દેશ હિટલર સાથે રશિયા સામે લડવા ગયો ત્યારે પણ હું લડ્યો ન હતો. હું ખ્રિસ્તી છું અને હું લડતો નથી.” તેણે મને જણાવ્યું કે, “યહોવાહના સાક્ષીઓની વાતો અમે ચલાવી લઈશું નહિ. દુશ્મનો હુમલો કરે ત્યારે, અમારે સૈનિકો જોઈએ. અમારે દેશના લોકોને બચાવવા છે.”
જુલાઈ ૨૪, ૧૯૫૩ના દિવસે અમને અદાલતમાં લઈ જવાયા. ન્યાયાધીશો લાઈનમાં બેઠેલા હતા, તેઓની સામે અમને બારેયને એક પછી એક બોલાવ્યા. અમે સત્ય વિષે જણાવવાનો આ મોકો જવા ન દીધો. અમારા પર મૂકાયેલા ખોટા આરોપોનો અમે જવાબ આપ્યો. એ પછી, અદાલતનો વકીલ ઊભો થયો અને કહ્યું કે, “આ અદાલતમાં હું ઘણી વાર આવ્યો છું. મોટે ભાગે અહીં કબૂલાત થતી હોય, પસ્તાવો કરાય છે, અરે રડારોળ પણ થાય છે. પણ આ માણસો આ અદાલતમાં આવ્યા, એના કરતાં પાછા બહાર જશે ત્યારે, તેઓની શ્રદ્ધા હજુ પણ વધારે અડગ રહેશે.” પછી, અમને બારેયને સરકાર વિરોધી ગુનેગાર જાહેર કરવામાં આવ્યા. મને ત્રણ વર્ષની જેલ થઈ અને સરકારે મારી બધી માલ-મિલકત લઈ લીધી.
ઘડપણ મને રોકી શક્યું નથી
આખરે હું જ્યારે ઘરે આવ્યો, ત્યારે પણ ખાનગી પોલીસ મારા પર કડક નજર રાખતી. તેમ છતાં મેં પ્રચારનું કામ ચાલુ જ રાખ્યું. મને મંડળની સંભાળ લેવાની જવાબદારી સોંપાઈ. અમને અમારા ઘરમાં રહેવા જવા દીધા. છતાં પણ, લગભગ ૪૦ વર્ષ પછી જ્યારે સામ્યવાદી રાજ હારી ગયું ત્યારે જ એ કાયદેસર અમને પાછું આપવામાં આવ્યું.
અમારા કુટુંબમાં સત્ય માટે ફક્ત મને જ જેલમાં જવું પડ્યું ન હતું. હું ઘરે આવ્યો એના ફક્ત ત્રણ વર્ષ પછી, મારા દીકરા એડ્યુઅર્ટને પણ લશ્કરમાં ભરતી થવા બોલાવવામાં આવ્યો. તે શાસ્ત્રમાંથી જે શીખ્યો હતો, એના લીધે તેણે લડવાની ના પાડી. એટલે તેણે જેલમાં જવું પડ્યું. વર્ષો પછી, મારા દીકરાનો દીકરો, પીતર પણ એ જ કારણે જેલમાં ગયો, જેની તબિયત પણ સારી ન હતી.
આખરે, ૧૯૮૯માં સામ્યવાદી રાજનો અંત આવ્યો. મારી ખુશી સમાતી ન હતી કે ચાલીસ વર્ષો પછી, હું ફરીથી છૂટથી પ્રચાર કરી શકતો હતો. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૦) હવે હું ૯૮ વર્ષનો થયો છું. મારી તબિયત પહેલાના જેવી નથી રહેતી. પણ હું હજુ યહોવાહનાં વચનો વિષે લોકોને જણાવી શકું છું, એટલે બહુ જ રાજી છું.
અમારા શહેર પર પાંચ દેશોએ રાજ કર્યું અને ૧૨ જુદી જુદી સરકારો આવી ને ગઈ. એમાંની એકેયે પોતાના રાજમાં લોકોના માથા પરથી દુઃખનો ભાર ઉતાર્યો નથી. (ગીતશાસ્ત્ર ૧૪૬:૩, ૪) યહોવાહે મને તેમના જ્ઞાનનું અમૃત ચાખવા દીધું, એનાથી મારું જીવન ધન્ય થઈ ગયું! ફક્ત યહોવાહનું રાજ માણસને સાચું સુખ આપી શકે. હું એ ખુશખબર બધાને છેલ્લા ૭૫ વર્ષથી કહેતો આવ્યો છું. એણે તો મારા જીવનને ખુશી, સંતોષ અને આશાથી ભરી દીધું છે. મને આ ધરતી પર સદાને માટે જીવવાની આશા મળી છે. એનાથી વધારે કોઈને શું જોઈએ! *
[ફુટનોટ્સ]
^ યહોવાહના સાક્ષીઓનું પુસ્તક, પણ હવે એ છપાતું નથી.
^ દુઃખની વાત છે કે હજુ આ લેખ તૈયાર થતો હતો ત્યારે, ભાઈ માઈકલ ઝોબ્રાક ગુજરી ગયા. છેલ્લે સુધી તેમની શ્રદ્ધા અટલ હતી અને સજીવન થવાની તેમની આશાનો ચિરાગ ઝળહળતો હતો.
[પાન ૨૬ પર ચિત્ર]
અમારા લગ્ન પછી
[પાન ૨૬ પર ચિત્ર]
એડ્યુઅર્ટ સાથે
[પાન ૨૭ પર ચિત્ર]
બ્રનોના સંમેલનની જાહેરાત, ૧૯૪૭